वनराज चावड़ा, Vanraj Chavda

Standard

image

ઘોર જંગલમાં રાણી જેવી દેખાતી એક રૂપાળી સ્ત્રી બાળકને હીંચકા નાખી રહી હતી. તેનું નામ પણ રૂપસુંદરી હતું. તેણે પોતાના બાળક માટે ઝાડની ડાળીએકપડું બાંધીને ઘોડિયું બનાવ્યું હતું.
એવામાં ત્યાં થઇને એક સાધુ નીકળ્યા. તે જૈન જતિ હતા. તેઓ ઘોડિયા નજીક આવ્યા અને બાળકને એકીટશે જોઇ રહ્યા. તેના મુખ પર ઝગારા મારતા જોઇને બોલ્યા :
‘બહેન, આ બાળક તેજસ્વી લાગે છે, ભવિષ્યમાં તે મોટો રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ઘાર કરશે.’
જતિનાં વચનો સાંભળીને રૂપસુંદરીએ તેમને નમસ્કાર કર્યા અને બોલી ‘મહારાજ તમારો જય હો.’ પછી જતિ તો જતા રહ્યા.
તે બાળકને રૂપસુંદરી ઉછેરવા લાગી. બાળકનો જન્મ વનમાં થયો હતો એટલે તેનું નામ ‘વનરાજ’ પાડયું. એ જ વનરાજ ચાવડો.
આજથી આશરે ચૌદસો વરસ પહેલાંની વાત છે. વનરાજના પિતા જયશિખરી ગુજરાતના ખૂબ જ બહાદુર રાજા હતા. તેમના રાજયની જાહોજલાલી જાણીને ભુવડ નામના રાજાએ ઉત્તર ગુજરાત પર ચડાઇ કરવા તેના સરદાર મિહિરને મોકલ્યો. જયશિખરીએ પોતાના સાળા સૂરપાળને તેની સામે લડાઇ કરવા મોકલ્યો. પછી ભુવડ પોતે મોટું લશ્કર લઇને આવ્યો અને પંચાસરને કિલ્લાને બાવન દિવસ સુધી ઘેરો ઘાલ્યો. જયશિખરીને લાગ્યું કે પોતે હારી જશે. તે ચેતી ગયો. તેણે પોતાની પત્ની રૂપસુંદરી અને સૂરપાળને વનમાં મોકલી દીધાં. જયશિખરી ખૂબ વીરતાથી લડ્યો અને વીરગતિ પામ્યો. ભુવડે પંચાસર કબજે કર્યું.
વનમાં રૂપસુંદરીએ બાળકને જન્મ આપ્યો. વનના ભીલ લોકોએ રાણી રૂપસુંદરીને માનપાન આપીને સાચવ્યાં. એ રીતે વનરાજ મોટો થવા લાગ્યો.
તેના મામા સૂરપાળ તેને તીર છોડતાં, તલવાર ચલાવતાં અને ઘોડેસવારી કરતાં શીખવવા લાગ્યા. તે સમજણો થયો ત્યારે પિતાએ ગુમાવેલું રાજય પાછું મેળવવાની ઇચ્છા તેનામાં જાગી ઊઠી. તેના મામા તેને માર્ગદર્શન આપતા રહ્યા. તેણે ભુવડના રાજયમાં લૂંટ ચલાવવા માંડી. ધીમે ધીમે તેણે બહાદુર માણસોને પોતાની ટોળીમાં લેવા માંડયા. તે બહારવટે ચડ્યો હતો. ધીમે ધીમે તેનું લશ્‍કર મોટું બનતું ગયું. હવે વનરાજ જંગલના રસ્‍તા, ખીણો અને કોતરોનો ભોમિયો બની ગયો હતો.
એક વખત એવું બન્યું કે વનરાજ, તેનો મામો અને એક સાથીદાર અણહિલ ભરવાડ ત્રણે જણા શિકારની વાટ જોતા ઊભા હતા. તેવામાં ઘીનો ગાડવો ઊંચકીને ઝટપટ ચાલ્યો આવતો એક વાણિયો તેમની નજરે પડયો તેના હાથમાં તીરકામઠું હતું.
વનરાજે તેને પડકાર્યો :
‘ઊભો રહેજે વાણિયા, આગળ એક પણ ડગલું ભર્યું તો મર્યો જ જાણજે.’
‘લે આ ઊભો. મરવું હોય તે મારી સામે આવે. ’ એમ કહીને ચાંપા વાણિયાએ તેના ભાથામાંનાં પાંચ તીરમાંથી બે ભાંગીને દૂર ફેંકી દીધા. પછી એક તીર, કામઠાની પણછ પર ચડાવવા લાગ્યો. આ જોઇને પેલા ત્રણ તો છક થઇ ગયા.
‘અલ્યા હોશિયારી ના કર, તીર તો અમનેય ચલાવતાં આવડે છે, પણ એ તો કહે કે પેલાં બે તીર તેં ભાંગી કેમ નાખ્યા ? ’ સૂરપાળે પૂછયું.
‘એટલું ના સમજયા ? ’ ત્રણ આંગળીઓ બતાવતાં બતાવતાં ચાંપો બોલ્યો ‘તમે ત્રણ જણ છો એટલે તમારા માટે ત્રણ તીર પૂરતાં છે. ’
‘અરે વાહ બહાદુર ! તારું નામ શું ? ’ વનરાજે પૂછયું.
‘મારું નામ ચાંપો. ’ તેના અવાજમાં નિર્ભયતા હતી.
‘ચાંપા, હવે ચાંપલાશ છોડીને જે હોય તે આપી દે અને રસ્તો પકડ. ખબર નથી પડતી તને, તું એકલો છે અને અમે ત્રણ છીએ? ’ અણહીલ ભરવાડ બોલ્યો.
‘ભલે ને તમે ત્રણ હો, આ પરદેશી રાજમાં લૂંટારા ખૂબ વધી ગયા છે, આવી લડાઇ તો મારા માટે રોજની વાત થઇ પડી છે. ’ ચાંપો બોલ્યો.
‘એટલે શું પહેલાંની શું વાત કરું? જયશિખરી અને સૂરપાળનું નામ પડતાં લૂંટારા ઊભી પૂંછડીએ ભાગી જતા. ’
‘તો સાંભળ ભાઇ ચાંપા, હું છું સૂરપાળ અને આ છે મારો ભાણો વનરાજ, જયશિખરીનો એકનો એક કુંવર. ’
‘અને હું છું અણહિલ, વનરાજનો મિત્ર. ’ અણહિલે કહ્યું.
આ સાંભળતાં જ ચાંપો ચોંકી ઊઠયો. તે ત્રણેને ભેટી પડયો. તેણે મિત્ર બનીને રાજય પાછું મેળવવા વનરાજને મદદ કરવાનું વચન આપ્યું.
ચાંપો વીર તો હતો જ, સાથે જ ધનવાન પણ હતો. તેની મદદ મળતાં વનરાજ અને તેના મામાએ મોટું લશ્કર તૈયાર કર્યું. પછી ભુવડ સામે યુદ્ઘ કરીને તેને હરાવ્યો અને ૫૦ વર્ષની ઉંમરે વનરાજે પોતાનું રાજય પાછું મેળવ્યું !
વનરાજે પાટણમાં પોતાની રાજધાની બનાવી. રાજા તરીકે તે ન્યાયપ્રિય, પ્રજાપ્રેમી અને ઉદાર હતો. તેણે જૈન ધર્મને રાજયાશ્રમ આપ્યો; અનેક મંદિરો બંધાવ્યા. પોતાને કપરા દિવસોમાં મદદ કરનાર દરેકને તેણે યાદ રાખ્યા હતા. મિત્ર અણહિલના ઉપકારના બદલામાં તેણે પોતાની રાજધાનીને ‘અણહિલ-પાટણ’ નામ આપ્યું. ચાંપા વાણિયાની કદર કરવા વડોદરા નજીક પાવાગઢ પર્વતની તળેટીમાં નગર વસાવીને તેને ‘ચાંપાનેર’ નામ આપ્યું. પોતાનું ભવિષ્ય ભાખનાર જૈન જતિ શીલગુણસૂરિની ઇચ્છાને માન આપી પાટણમાં પંચાસરા પાર્શ્ર્વનાથનું દેરાસર બંધાવ્યું. તેમાં પ્રજાના આગ્રહથી પોતાની પ્રતિમા પણ મૂકી. આજે પણ ત્યાં વનરાજની પ્રતિમા જોવા મળે છે.
વનરાજે લાંબું આયુષ્ય ભોગવ્યું અને સાઠ વરસ રાજય કર્યું.

સંકલન : સત્યપાલ સિંહ વાઘેલા

Divyrajsinh Sarvaiya (Dedarda)

Advertisements

One response »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s