विशलदेव वाघेला और जगडुशा शेठ

Standard

image

વિશળદેવ વાઘેલા અને જગડુશા :

સ્થળ : પાટણ

પાટણના રાજા વિશળદેવ વાઘેલા નો દરબાર…

[ રાજા વિશળદેવ દરબાર ભરીને બેટા છે , પણ સૌનાં મોં ઉદાસ છે . આખાયે દરબારમાં જાણે
નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે . રાજાની સામે રાજજોષી ટીપણું પહોળું કરીને બેઠા છે . તે આંગળીના
વેઢા પર આંકડા માંડે છે . ]

રાજા : તે જોષીજી , આ વર્ષેય વરસાદ નથી શું ?

જોષી : મહારાજ , મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ નથી જતી ?

રાજા : સમજી ગયો ! હું સમજી ગયો ! જોષી , હવે બોલવાની જરૂર નથી .

[ એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે : ” અમને ખાવાનું આપો ! અમને
જિવાડો ! અમે મરી જઇએ છીએ ! ” ]

રાજા : મારી રાંકડી રૈયત ભૂખે મરે છે ! હવે તો એક આશા જગડુશાની રહી છે . પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે . આજકાલમાં આવી જવા જોઇએ .

દરવાન : [ પ્રવેશી , રાજાને પ્રણામ કરી ] મહારાજ ! કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે .
પ્રધાનજી પણ સાથે છે .

રાજા : [ એકદમ ઉત્સાહમાં આવી ] એકદમ , એકદમ એમને અંદર લઇ આવ !

દરવાન : [ નમ્રતાથી ] મહારાજ , પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે . તેમનો સત્કાર કરવા આપ પોતે –

રાજા : સમજ્યો , સમજ્યો ! એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઇએ . પ્રધાનજીની વાત સાચી છે !

[ રાજા ગાદી પરથી ઉભો થઇ જાય છે . આખી કચેરી ઊભી થઇ જાય છે . પછી રાજા જગડુશાનો સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે . સામેથી પ્રધાન જગડુશાને લઇ આવે છે . જગડુશાને જોઇ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે , તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે . બન્ને એકબીજાને વહાલથી ભેટે છે . પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે , અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે . બન્નેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાનાં આસન પર બેસે છે . ]

જગડુશા : મહારાજ , ઓચિંતાનો કેમ યાદ કર્યો મને ?

રાજા : સુખદુ:ખની વાતો કરવા , શેઠજી ! ગુજરાતમાં આજે ત્રણ વરસથી કારમો દુકાળ ચાલે છે !

જગડુશા : એકલા ગુજરાતની કાં વાત કરો ? આખા હિંદુસ્થાનમાં આજે દુકાળ છે . સિંધ , મેવાડ માળવા , કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડાં ખરે તેમ ખરે છે . વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે . સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે . મૂઠી ધાન સારૂ માબાપ છોકરાને વેચે છે ! શી ખબર શું થવા બેઠું છે ?

રાજા : રામજી રાખશે તે રહેશે ! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે .

જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ્ય રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે . મને એ સાંભળી બહુ આનંદ થાય છે . મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે !

રાજા : મૂકી દીધા હતા ; હવે તો એય ખાલી થઈ ગયા . હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી~ખમ થઈ પડયા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે . ધાર્યું ‘ તું કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે , પણ વરસાદ આવ્યો નહિ . અધૂરામાં પૂરું તીડ પડયાં ! લોકો ત્રાહિત્રાહિ પોકારે છે !

[ એટલામાં બહારથી પોકાર આવે છે : ” અમે મરી જઈએ છીએ , અમને જિવાડો , અમને જિવાડો ,અમને અનાજ આપો ! ” ]

જગડુશા : [ બહારનો પોકાર સાંભળી ] ભૂખ્યાં ગળાંમાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી !

રાજા : વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે , પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહિ , ત્યારે હું મૂંઝાયો . એવે વખતે તમે યાદ આવ્યા !

જગડુશા : [ નવાઈ પામી ] હું યાદ આવ્યો ? કેવી રીતે ?

રાજા : મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે !

જગડુશા : જગડુશાની માલિકીની કોઈ અનાજની વખારો ? મહારાજ , આપની કંઈક ભૂલ થાય છે . મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં આજે રાખી જ નથી .

રાજા : તો અમે સાંભળ્યું એ શું ?

જગડુશા : કંઈક સમજફેર થઈ હશે , મહારાજ ! કારણ કે વખારો મારી ખરી ને ?

રાજા : [ નવાઈ પામી ] વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી , એમ આપનું કહેવું છે ?

જગડુશા : વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી !

રાજા: અને એ વખરોમાનું અનાજ ?

જગડુશા : એ અનાજ મારું નથી .

રાજા : [ હતાશ બની જઈ ] એ અનાજ તમારું નથી ? તો શું તમે એ કોઈને દઈ દીધું છે ?
કોને દીધું ? કયારે દીધું ? હું તમને એના મોં માગ્યા દામ આપત !

જગડુશા : એ અનાજ મારું નથી , એ નિશ્ચિત છે . મેં કોને દીધું અને કયારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને , એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને ?

રાજા : એમ કેવી રીતે ખબર પડશે ?

જગડુશા : એમ જ ખબર પડશે . દરેકેદરેકે વખારની અંદર ભીંતપત્ર પર તાંબાપતરામાં લેખ લખાવીને જડાવેલો છે . તેમાં એ અનાજના માલિકનાં નામઠામ બધું લખેલું છે !

રાજા : ઠીક છે , ઠીક છે , ! હું એ માલિકની પાસે જઇશ . મારી રાંકડી પ્રજાની ખાતર એને કરગર રીશ ને કહીશ કે સુકાળ થયે તને એકેએક દાણા સાટે મોતી ગણીને આપીશ . પણ આજે મારી પર આટલી દયા કર !

જગડુશા : જે રાજાના દિલમાં રૈયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે .

રાજા : મળી રહેશે ? કોટવાલજી , જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો !

કોટવાલ : જેવી આજ્ઞા , મહારાજ ! [ જવાનું કરે છે ]

જગડુશા : મહારાજ ! આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી ! હમણાં જ મારા માણસ લેખ લઈને અહીં આવશે . મેં કયારનાયે તેમને ત્યાં મોકલી દીધા છે .

[ એટલામાં હાથમાં તાંબાપતરું લઈને એક માણસ સભમાં દાખલ થાય છે . બધા તેની સામે જોઈ રહે છે . પહેલાં એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના હાથમાં મૂકે છે . જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે . ]

રાજા : આ જ એ લેખ ?

જગડુશા : હા , મહારાજ ! પંડિતજી પાસે એ વંચાવો .

રાજા : પંડિતજી , લો આ લેખ વાંચો .

[ પંડિતજી ઊભા થઈને આગળ આવે છે , ઉઘાડા ડિલ પર ઉપરણો અને માથે પંડિતશાહી
પાઘડી શોભે છે . રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે . ]

પંડિત : [ પતરું વાચે છે ] મહારાજ , સાંભળો . આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે , પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે . દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી !

[ આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે . પછી કળ વળતાં બધા
` વાહવાહ ‘ પોકારે છે . ‘ ]

રાજા : વાહ , જગડુશા વાહ ! [ ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે . ] તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી ?

જગડુશા : તો મારું કયાં છે ? એ તો ગરીબોનું છે . આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક નથી !

[ એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે . તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે . જગડુશા તે રાજાને સોંપે છે . રાજા પંડિતને આપે છે . ]

પંડિત : [ બીજો લેખ વાંચે છે ] મહારાજ , સાંભળો , હવે હું બીજું વખારનો લેખ વાંચું છું . આમાં લખ્યું છે : આ વખાર જગડુશાની છે . પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે .
દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો
હક નથી !

[ આખી સભા ` વાહવાહ ‘ પોકારે છે . રાજા ફરી જગડુશાને ભેટી પડે છે . એવામાં ત્રીજો
માણસ સભામાં પ્રવેશે છે . તેના હાથમાં પણ તાંબાપતરું છે . પહેલાંની પેઠે તે પતરું
પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે . ]

પંડિત : હવે ત્રીજી વખારનો લેખ સાંભળો : આ વખાર જગડુશાની છે પણ એના પર પણ જગડુશાનો હક નથી ! દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે .

રાજા : વાહવાહ ! વાહવાહ !
[ આખી સભા આનંદનો જયઘોષ કરે છે . ]

રાજા : જગડુશા , આવી તમારી કેટલી વખારો છે ગામમાં ?

જગડુશા : ચાલીસેક હશે , મહારાજ !

રાજા : ચાલીસ વખારો ? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંયે જીવી ગયો ! જયાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે , જગડુશા ! ત્યાં લગી ગુજરાતના રાજયને કોઈ આંચ આવવાની નથી !

[ ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપતરા લઈ સભામાં પ્રવેશે છે . અને એમને જોઈ આખી સભા આનંદના આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે . ]

આખી સભા : ગુજરાતનો રાજા ઘણું જીવો ! ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો !

ગુજરાતનું રાજય
અમર રહો !

( પડદો )

સંકલન : સત્યપાલસિંહ વાઘેલા

Divyrajsinh Sarvaiya (Dedarda)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s