अंजार – अजेपाल दादा, Anjar Ajepar Dada

Standard
image

Anjar Shaher

કચ્છની ધીંગી ધરા પર વસવાટ કરતી ખમીરવંતી પ્રજાના લોકસાહિત્યમાંથી સાંપડતી ટચુકડી કહેવત અંજાર નગર અને ત્યાંના લોકોની ઓળખ આમ આપે છે ઃ
‘અંજાર શહેર અને અજેપાળ ધણી
વસતી થોડી ને અદેખાઈ ઘણી’
આ કહેવત સાંભળ્યા પછી એના મૂળ સુધી પહોંચવાની મારી મથામણ શરૃ થઇ. એમાંથી અનેક કિંવદંતીઓ, કથાઓ અને તથ્યો ઉજાગર થયાં. અંજાર શહેરનું તોરણ બાંધનાર અજ-બકરાપાલક અજેપાળ ચૌહાણ અનેક સદીઓ પૂર્વે થઇ ગયા. એ કાળે કદાચ અંજારમાં વસતી ઓછી હશે અને અદેખાઈ વધુ હશે. આજે પરિસ્થિતિ એથી ઊલટી છે. અંજારની વસતી ઘણી વધી ગઈ છે. જેસલપીર અને તોરલની સમાધિને કારણે અંજાર યાત્રાનું ધામ બની ગયું છે. મારે આજે વાત કરવી છે અંજાર નગરની થાંભલી રોપી અંજાર વસાવનાર કચ્છી લોકજીવનમાં પૂજાતા લોકદેવ ને અજેપાળની.
અજેપાળ મૂળે અજમેરના રાજાના ભાઈ હતા, એમ બોમ્બે ગેઝેટિયરની નોંધ બોલે છે. એમના અંગેની રસપ્રદ દંતકથા એવી છે કે સંવતના આઠમા સૈકામાં રાજસ્થાનના અજમેર શહેર નજીક આવેલા પુષ્કર તીર્થની પાસેના ગામના એક ગરીબ ખોરડામાં રાજપૂત જ્ઞાાતિનો કિશોર રહેતો હતો. પૂર્વજન્મના ધાર્મિક સંસ્કારો લઇને જન્મેલો આ કિશોર તીર્થમાં આવતા જતા સાધુ સંતો મહાત્માઓની સેવા કરતો. એવામાં પુષ્કરમાં એક દૂધાધારી મહાત્મા (દૂધ ઉપર જ જીવનારા) આવી ચડયા. ત્યાં પીવા પૂરતું દૂધ ન મળવાથી તેઓ નિરાશ થઇ તીર્થ છોડીને ચાલી નીકળ્યા. આ જાણીને કિશોરની આંતરડી કકળી ઉઠી. તે તીર્થના કારભારી પાસે ગયો ને બોલ્યો ઃ આપણા તીર્થમાં દૂધ ન મળવાથી મહાત્માઓ પાછા જાય એ સારું ન કહેવાય. હું ગરીબ છું. મારી પાસે એટલા પૈસા નથી નઇંતર હું સાધુ મહાત્માઓને દૂધ પૂરું પાડું.
આ ધાર્મિકવૃત્તિના સેવાભાવી યુવાનની વાત સાંભળીને પ્રભાવિત થયેલા કારભારીએ, બાળકના હાથમાં થોડા રૃપિયા મૂકીને કહ્યું ઃ ‘આ સેવા હવેથી તું કર્ય.’ રાજપૂત બાળકે લાંબો વિચાર કરીને એ પૈસામાંથી થોડીક બકરીઓ ખરીદ કરી અને એનું દૂધ સાધુ સંતોને પહોંચાડવા માંડયો. પછી તો બકરીઓનો વસ્તારવેલો ખૂબ જ વધ્યો. આમ બે ત્રણ વર્ષનું વહાણું વાઈ ગયું. એવામાં પેલા દૂધાધારી સંત ફરતા ફરતા પુષ્કરમાં આવી પહોંચ્યા. આ બાળકે એમની સેવા શરૃ કરી રોજનું દૂધ પહોંચાડવા લાગ્યો. આથી પ્રભાવિત થયેલા સંત મહાત્માએ તેને કહ્યું ઃ ‘ભવિષ્ય મેં તું પ્રભાવશાલી રાજા બનેગા યે મેરા વચન હૈ.’ એ પછી તીર્થમાં આવનારા સાધુ સંતોએ આ યુવાનનું ‘અજ’ એટલે બકરાં અને ‘પાળ’ એટલે પાળનાર એવું અજેપાળ નામ ઠેરાવી દીધું.
એ પછી સિધ્ધપુરુષના આશીર્વાદને સાચા પાડવા માટે અજેપાળે પુરુષાર્થ કરવાનો પ્રારંભ કર્યો. નજીકના ગામમાં રહેતા તેના મામા પાસે જઇને શસ્ત્રવિદ્યા શીખવા માંડી. થોડાં વરસોમાં એમાં પારંગત બનતાં નાનકડું લશ્કર તૈયાર કર્યું અને પુષ્કરની આસપાસના પંથકમાં પોતાની આણ વરતાવવાનો પ્રારંભ કર્યો. ત્યાર પછી એણે સર્પગિરિ નામના પહાડની તળેટીમાં પોતાના નામ ઉપરથી ‘અજપુર’ નગર વસાવીને મધ્ય રાજસ્થાનનો મોટાભાગનો પ્રદેશ પોતાની હકૂમત નીચે આણ્યો. એ અજપુર એ આજનું અજમેર કહેવાય છે.
રાજા બન્યા પછી યે અજેપાળ પુષ્કર તીર્થના મેળામાં નિયમિત રીતે જતો અને સાધુ સંતોની સેવા કરતો. એવામાં પાછા પેલા દૂધાધારી સંતનો એને પાછો ભેટો થયો. એણે સંતના ચરણે પડીને કહ્યું ‘ગુરુજી ! હવે મને ૬૦ વર્ષ પૂરાં થયાં છે. શેષજીવન તીર્થ સ્થળે જઇને શાંતિથી પસાર કરવું છે.’ ગુરુની આજ્ઞાા મળતાં અજપુરનું રાજ્ય પોતાના નાનાભાઈને સોંપીને હરિદ્વારમાં જઇ સંન્યાસી વેશે રહેવા લાગ્યા. ચાર પાંચ વર્ષ પછી અજેપાળને ઉડતા સમાચાર મળ્યા કે સિંધ અને કચ્છ ઉપર સમુદ્રમાર્ગેથી વિધર્મી આરબોએ હુમલો કર્યો છે અને જુલમ ગુજારે છે. આ વાત સાંભળતાં જ અજેપાળની રોમરાઈ (રુંવાડાં) અવળી થઇ ગઇ ભાઈ.
અજેપાળે ધર્મની રક્ષા કરવા કાજે તીર્થમાં વસતા યુધ્ધકળા જાણતા સાધુ સંતોની ધર્મસેના ઊભી કરી. આ સેનાને લઇને તેઓ કચ્છ પહોંચી ગયા. ત્યાં અંજારથી થોડે દૂર આરબો અને સન્યાસીઓની ધર્મસેના વચ્ચે ધમસાણ યુધ્ધ થયું. યુધ્ધમાં આરબો હાર્યા અને ઊભી પૂંછડિયે ભાગ્યા પણ સંન્યાસી સૈન્યના સેનાપતિ અજેપાળ વીરગતિને વર્યા. આ અજેપાળની યાદમાં હાથમાં ભાલો ધારણ કરી યુધ્ધક્ષેત્રે વિચરતા અજેપાળનો ઘોડેસ્વાર પાળિયો કોતરવામાં આવ્યો. તેઓ જ્યાં વીરગતિને વર્યા હતા ત્યાં મૂકવામાં આવ્યો, આ સ્થળે આજે અજેપાળ મહાદેવનું મંદિર શૂરવીરની યશપતાકા લહેરાવતું
ઊભું છે.
અજેપાળના મૃત્યુ પછી એમણે રચેલી ધર્મસેનાની પરંપરા ભારત વર્ષમાં ચાલુ રહી. વિદેશીઓ અને આક્રમણખોરો સામે લડવાની જરૃર પડે ત્યારે લડવૈયા સાધુઓનું સૈન્ય આપોઆપ ઊભું થઇ જતું. એ સેનાના સેનાધિપતિનું નામ અજેપાળ રાખવામાં આવતું. એ મૃત્યુ પામે તો અજેપાળના જેવી જ પથ્થરની મૂર્તિ કંડારીને મૂકવામાં આવતી. ગુજરાત અને રાજસ્થાનમાં અજેપાળની અસંખ્ય મૂર્તિઓ મળી આવે છે. ડો. હરિભાઈ ગૌદાની નોંધે છે કે ગુજરાતમાં દહેગામ તાલુકાના હરસોલી ગામના ખોડિયાર માતાના સ્થાનક પાસે, કપડવંજ તાલુકાના પીઠાઈ ગામના રામજી મંદિરમા, દસક્રોઇ તાલુકાના કુહા ગામ પાસે મેશ્વો નદીના કિનારે, મહેસાણા જિલ્લાના પાળજ ગામના શીતળા માતાના ઓટલા ઉપર અને પાટણ શહેરનાઘેલગાત્રેશ્વરી માતાના મંદિરના પરિસરમાં અજેપાળની આવી પ્રતિમાઓ જોવા મળે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં શૂરાપૂરા અને શૂરવીરોની પૂજા અને બાધા માનતાઓ જૂનાકાળથી ચાલતી આવી છે. એના સ્થાનકો સાથે ઘણીવાર ચમત્કારિક દંતકથાઓ પણ જોડાઈ જતી હોય છે. શ્રી વિભાકર ધોળકિયાની નોંધ અનુસાર કચ્છના રાજવી રાવ દેશળજીને એક રાત્રે અજેપાળ સ્વપ્નમાં આવ્યા અને જ્યાં એ વીરગતિને વર્યા હતાં ત્યાં પોતાનું સ્થાનક બનાવવાનો આદેશ આપ્યો. એ સમયે દેશળજી ઉપર નાથપંથી સાધુઓનું વર્ચસ્વ સારું હતું. રાવ દેશળજીએ અજેપાળનું પાકું મંદિર ચણાવીને એની પૂજા અને કારોબાર નાથપંથી સાધુઓને સોંપ્યા.
કચ્છમાં અજેપાળના મંદિરનો વહીવટ કોણ કરે છે તથા તે મંદિર કોણે બંધાવ્યું, કૂવો કોણે કરાવ્યો તે વિશેના બે શિલાલેખો મંદિરની દીવાલમાં જડેલા જોવા મળે છે. સંવત ૧૭૪૨નો શિલાલેખ રાવશ્રી રાયઘણજીના કુંવર પ્રાગજીએ અંજાર શહેર ફરતો ગઢ બંધાવ્યો તેને લગતો છે. જ્યારે બીજો શિલાલેખ હિંદી લિપિમાં છે. તે શ્રી નાગજીભાઈ ભટ્ટીએ આ મુજબ નોંધ્યો છે ઃ
‘શ્રી ગણેશાય નમઃ’ સંવત ૧૮૭૭ તરાના વરષે શાકે ૧૭૪૨ પ્રવર્તમાને શ્રાવણ માસે શુક્લ પક્ષે અષ્ટમી ગુરુવાસરે શ્રી અંજારે કદ મધ્યે રાઉશ્રી દેસલવારમા પીરશ્રી જાત્રા કમગરે અજપાળના બે દેરા કરાવ્યું છે. પૂજારી માનગર પુજા કરે છે કડાયોકરસન દેવ રાજલી દેરુ અણુ છે. અંજાર મધ્યે અજેપાલ સત છે.’
અજેપાળની પ્રતિમાથી થોડે દૂર ઉભડક પગવાળી નંદીની પથ્થરની પ્રતિમા જોવા મળે છે. એની પણ એક ચમત્કારિક દંતકથા ધોળકિયાને આ મુજબ આલેખી છે.
ગુરુ દત્તાત્રેયને સાગરમલજી, સંગ્રામગરજી, મુલતાન પુરીજી અને લક્કડ પુરીજી નામના સિધ્ધ શિષ્યો હતાં. એમ કહેવાય છે કે સંગ્રામગરજીએ ચમત્કાર બતાવીને મસ્જિદ ખસેડી હતી. મુલ્તાનપુરીએ ધરતીકંપ પ્રગટાવીને મુલ્તાનની ધરતીને હચમચાવી હતી. લક્કડપુરી લાકડાની સળગાવેલી ચિતા પર કલાકો સુધી બેસી રહ્યા હતા, જ્યારે સિધ્ધસાગરજી અંબાજીનું મંદિર ભદ્રેશ્વરથી ખસેડીને અંજારમાં લાવ્યા હતા.
એક દિવસના સમયે સિધ્ધસાગરજી મંદિરના પરિસરમાં સમાધિમાં બેઠા હતા એ વખતે તેમને કાનફટા બનાવવા માટે બાવાઓએ એમના કાન પર ચપ્પુનો લસરકો કર્યો. કાન ફાટતાં તેમાંથી લોહીને બદલે દૂધ નીકળ્યું. આથી કાનફટા બાવાઓ આશ્ચર્ય પામ્યા. તેમને જાદૂગર માનીને અંબાજી માતાના મંદિરની એક અંધારી ઓરડીમાં પૂરી દીધા ને મોટી ઘંટી ઉપર અનાજ દળાવવા માંડયું. એ વખતે સિધ્ધસાગરજીએ એક બાવાને ઘંટીમાં અનાજ નાખવા કહ્યું. ત્યારે બાવો તાડૂક્યો ઃ ‘હું કંઇ તારા બાપનો નોકર થોડો જ છું ?’ ત્યારે સિધ્ધસાગરજી કહે ‘હું ચક્કી ચલાવું છું. અનાજ હોય એટલું લાવો.’ પછી તો ઘંટી ઘરરાટ કરતી આપોઆપ અવળી ફરવા માંડી. આ ચમત્કાર જોઇને નાથપંથી બાવાઓ ઢીલા પડયા. એમણે ચમત્કાર બતાવવાનું કારણ પૂછ્યું ત્યારે સાગરગરજીએ કહ્યું ઃ ‘અજેપાળદાદાની પૂજા દસનામી બાવાઓ જ કરશે. આનું નિરાકરણ કરવા માટે હું અજેપાળદાદાને ખુદને બોલાવીશ.’

આ માટેનો દિવસ નક્કી કરવામાં આવ્યો. આ પ્રસંગને નિહાળવા કચ્છના રાજવી દેશળજી પંડે હાજર થયા. સિધ્ધસાગરજીના ચમત્કારોથી નાથપંથી પૂજારી ખૂબ જ ગભરાઈ ગયો. એણે એક છોકરાને થોડીક કોરિયું (કચ્છી સિક્કા) આપીને ભોંયરામાં પૂરી દીધો ને પોપટની જેમ પઢાવી દીધો. કોઈ સવાલ પૂછે તો ઉત્તર આપવાનો કે ‘મારી પૂજા નાથપંથી બાવા કરશે.’
હજારો માનવીની મીટ આ પ્રસંગ પર મંડાઈ રહી. સિધ્ધસાગરજીએ પૂજારીને કહ્યું ઃ ‘તમે દાદાને ત્રણવાર પૂછી જુઓ. તેઓ આદેશ આપે તો તમે પૂજા કરજો. તમને આદેશ આપશે તો હું અંજાર છોડીને ચાલ્યો જઇશ અને જો દાદા દસનામી સાધુઓને પૂજા કરવાનો આદેશ આપે તો તમારે કચ્છ છોડીને ચાલ્યા જવું. પછી પૂજારી નાથબાવાએ પ્રશ્ન કર્યો ત્યારે ભોંયરામાં સંતાડેલો છોકરો બોલ્યો ઃ ”નાથપંથી મારી પૂજા કરે.’ આ સાંભળીને રાવ દેશળજી નાથબાવાને વંદન કરી રહ્યા. બીજી વાર પ્રશ્ન પૂછાયો ત્યારે એ જ જવાબ મળ્યો. હાજર રહેનાર સૌ દંગ થઇ ગયા. સિધ્ધસાગરજીને કાવતરાની ગંધ આવી ગઈ. ત્રીજીવારનો આદેશ થાય તે પહેલાં સિધ્ધસાગરજી ગર્જ્યા ઃ ‘તને કાળોતરો કરડે.’
નાથપંથી પૂજારીએ વિશ્વાસપૂર્વક ત્રીજીવાર પ્રશ્નને રમતો મૂક્યો ઃ ‘અજેપાળદાદાની પૂજા કોણ કરે ?’ ત્યાં તો ભોંયરામાં પૂરેલા છોકરાને સર્પદંશ થતાંની સાથે મરણ પામ્યો, એટલે કોઈ જવાબ ન મળ્યો. ત્યારે સિધ્ધસાગરજીએ અજેપાળદાદા તરફ ફરીને પૂછ્યું ઃ ‘દાદા, આપની પૂજા કોણ કરે ? ત્યારે આકાશમાંથી ગેબી અવાજ આવ્યો ઃ ‘મારી પૂજા હવે પછી દસનામી બાવાઓ જ કરે.”
પોતાના હાથ હેઠા પડતાં હતાશ થયેલા નાથબાવાએ રાવ દેશળજી તરફ ફરીને કહ્યું ઃ ‘બાવા (બાપુ), આ મહાત્માની માયાજાળમાં ફસાવા જેવું નથી. એ બહુ મોટા સિધ્ધપુરુષ હોય તો આ મંદિરના પથ્થરના પોઠિયાને ઘાસ ખવરાવી બતાવે.’ ત્યારે મહારાવ બોલ્યા ઃ સિધ્ધસાગરજી, આપ આ પોઠિયાને ઘાસ ખવરાવી બતાવો  તો તમારી વાત માનું. ત્યારે સિધ્ધસાગરજી એટલું જ બોલ્યા ઃ ‘બાવા, મારા હાથમાં કંઇક જાદુમંતર હશે એવો કદાચ આપને વહેમ ન આવે એટલા માટે આપ જ પોઠિયાને ઘાસ ખવરાવો.’ આટલું બોલીને સિધ્ધે હવામાં હાથ હલાવ્યો ત્યાં જુવારની લીલી પૂળીઓ હાજર થઇ. મહારાવે પૂળીઓ હાથમાં લીધી ત્યારે પોઠિયા તરફ ફરીને ‘ચલ બેટા, ઘાસ ખા લે.’ બોલીને સિધ્ધસાગરજીએ પોઠિયાની પીઠ થાબડી. ત્યાં તો મહારાવથી ત્રણ ગજ છેટે ઉભેલો પથ્થરનો પોઠિયો ત્યાં જઇને મહારાવના હાથનું ઘાસ ખાવા લાગ્યો. પછી પોદળો કરીને પોતાની જગ્યાએ ગયો. ત્યાં બેસવા જતો હતો ત્યારે સિધ્ધસાગરજી બોલ્યા ઃ ‘જરા ઠહરના બેટા !’ પોઠિયો ઉભડક પગે એ જ હાલતમાં ત્યાં રહી ગયો, જે આજે ય ત્યાં જોવા મળે છે.
કચ્છી લોકજીવનમાં એવી એક લોકમાન્યતા પ્રચલિત છે કે આ ચમત્કાર પછી સિધ્ધસાગરજી અંબાજી માતાના મંદિરની અગાશી પર જઇને ઢોલિયા પર બેસીને અદ્રશ્ય થઇ ગયેલા. તેઓ ભવિષ્યે અહીં પાછા ફરશે ને પોઠિયાને બેસાડી જશે.
અંજાર શહેરમાં જેસલ-તોરલની સમાધિ અને અંબાજી માતાનામંદિરની બાજુમાં આવેલી ઝુંડ તરીકે ઓળખાતી જગ્યા પાસે અજેપાળદાદાનું સદીઓ પુરાણું મંદિર આવેલું છે. આંબલીના ઊંચા વૃક્ષની ઘટા વચ્ચે શોભતા આ મંદિર પાસે પુરાતન વાવ છે. મંદિરમાં અખંડ જ્યોત પ્રગટે છે. અજેપાળદાદાના મંદિર પાસેના ભોંયરામાં સંતાડેલા અને સર્પદંશથી મૃત્યુ પામેલા છોકરાની સમાધિ મોજૂદ છે. મંદિરથી થોડે દૂર આવેલા અંબાજી માતાના મંદિરની અગાશીમાં સદીઓ જૂનો સિધ્ધસાગરજીનો ઢોલિયો આજ પણ લોકજીવનમાં શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજાય છે. આમ દંતકથાઓ અને ચમત્કારો મઢ્યું વ્યક્તિત્વ ધરાવતા વીર અજેપાળ દાદા કચ્છના લોકજીવનમાં આગવું સ્થાન ધરાવે છે. ભૂકંપ પછી અહીં નવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ચમત્કારોને આજે કોઈ યાદ કરતું નથી.
સૌજન્ય : જોરાવરસિંહ જાદવ

પોસ્ટ : દિવ્યરાજસિંહ સરવૈયા

2 responses »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s