Daily Archives: February 24, 2016

Brave story of Rajput after haldighati battle

Standard

હલદીઘાટીનુ  યુદ્ધ પોતાની બધી જ ભયાનકતા પાછળ મુકતું ગયું હતું. મહારાણા પ્રતાપ ના 22,000 સિસોદિયા રજપૂતોએ મોતને વહાલું કરી લીધું હતું. ઘાયલ મહારાણા પ્રતાપને લઇને, તેનો ઘોડો ચેતક રણમેદાન છોડી ચુક્યો હતો. મુઘલ સેના મહારાણા પ્રતાપને શોધવા આકાશ પાતાળ એક કરી રહી હતી. મહારાણા પ્રતાપને શોધી કાઢવા મુઘલ સેનાપતિએ કેટલીય ટુકડીઓ દશે દિશામાં રવાના કરી હતી. પણ મુઘલ સેના મહારાણા પ્રતાપને શોધી શકતી ન હતી.

image

આવી કેટલીક ટુકડીઓમાંથી એક ટુકડીનો સરદાર હામીદખાન પણ એડીચોટીનું જોર લગાવી, દિવસ રાત જોયા વગર; ગાંડાની જેમ, મહારાણા પ્રતાપનું પગેરું શોધી રહ્યો હતો. લોભ, લાલચ, ધાકધમકી અને બળજબરી જે કઈ અજમાવવું પડે તે અજમાવી આ ખુંખાર મુઘલ સરદાર, કોઈ પણ હિસાબે; મહારાણા પ્રતાપને પકડી અકબરના દિલ્હી દરબારમાં રજુ કરવા માંગતો હતો, પણ દિવસો સુધી અથાક પ્રયત્નો કર્યા પછી પણ, મહારાણા પ્રતાપના કોઈ સગડ મળતા ન હતા.

એક દિવસ સાંજે થાક્યો પાક્યો તે પોતાના તંબુમાં આરામ કરી રહ્યો હતો, ત્યારે એક સિપાહીએ કુરનિસ બજાવી; અતિ ગુપ્ત સમાચાર આપ્યા કે, તેમણે એક એવી વ્યક્તિને પકડ્યો છે, જે મહારાણા પ્રતાપ વિષે જાણે છે. પણ આપના સિવાય કોઈને પણ બતાવવા માંગતો નથી. આપ કહો તો તેને આપની ખીદમતમાં હાજર કરું. હામીદખાન આ સમાચાર સંભાળીને ઉછળી પડ્યો. કઈ કેટલાય દિવસની થકવી નાખે તેવી રખડપટ્ટી અને ગુસ્સો દેવડાવતી નાકામિયાબી પછી, અલ્લાહની મહેરબાનીથી આજે કામિયાબી મળી. ત્યાર બાદ એક યુવાન પુરુષ અને એક યુવતીને હામીદખાન સામે હાજર કરવામાં આવ્યા. પહેરવેશ પરથી તેઓ રાજસ્થાની મારવાડી હોય તેવું લાગતું હતું. તેમની અને હામીદખાન વચ્ચે થયેલી વાતનો સાર આ મુજબ હતો. મારવાડી યુવાનની સાથે હતી તે તેની પત્ની હતી. યુવાન તેને લેવા માટે પોતાની સાંઢણી લઈને તેને પિયર ગયો હતો, અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો. યુવકનું નામ રણજીતસિંહ હતું. તેને મહારાણા પ્રતાપ ક્યાં છે તે ખબર હતી. પણ તે ખુબ જ ગરીબ હતો, અને પોતાનું ભારણ પોષણ માંડ માંડ કરી શકતો હતો. જો થોડા નાણા મળી જાય તો તે મહારાણા પ્રતાપ જ્યાં છુપાયા હતા તે જગ્યા બતાવી શકતો હતો.

હામીદખાન શંકાની નજરે તે બંનેની સામે જોઈ રહ્યો. અને પુછ્યું  ”અને તારી બતાવેલી જગ્યાએ મહારાણા પ્રતાપ ન મળે તો?” ”તો તમારી તલવાર અને મારું માથું” રણજીતસિંહે જવાબ આપ્યો. હામીદખાન મનોમન વિચારી રહ્યો, આવા ગદ્દારો જ્યાં સુધી હિન્દુસ્તાનમાં છે ત્યાં સુધી મુઘલોને કોઈ વાંધો આવે તેમ નથી. છતાં તને શંકા તો ગઈ જ કે કોઈ પણ રજપૂત આટલી જલ્દી ગદ્દારી કરે તો નહિ જ.”તેણે પૂછ્યું, ’’કેમ પ્રતાપ સાથે કઈ અંગત દુશ્મનાવટ છે?” રણજીતસિહે કહ્યું ”સરદાર, અમે તો બહુ નાના માણસો છીએ. આવડા મોટા લોકો સાથે આમરે તે વળી શું વેર હોય?” હામિદખાને પૂછ્યું ”તો પછી?” રણજીત સિંહે કહ્યું ”અમારા જેવા માણસોને તો મુઘલ બાદશાહ  હોય કે રાજપૂત રાજા કોઈ ફેર ક્યાં પડે છે? અમે તો અભાગિયા જીવો. મારવા વાંકે જીવીએ. કોઈ આવીને આમારો કઈ ઉધ્ધાર કરવાના નથી. જો આવી નાણા બનાવવાની તક સામેથી આવી હોય તો જીંદગી બની જાય. બાકી તો આમારા જેવા ગરીબના ભાગે તો કોઈ પણ રાજા હોય; વૈતરું જ લખાયેલું હોય છે. આ તો કોઈ સારું પુણ્યનું કામ કર્યું હશે કે આજે આપ જેવાને કૈક કામ આવીએ અને તો બાકીની જીંદગી આરામથી ગુજરે. હામીદખાનને હજી વિશ્વાસ બેસતો ન હતો તેણે બંનેને બહાર રાહ  જોવા માટે હુકમ કર્યો અને તાત્કાલિક પોતાના અંગત માણસોને બોલાવી વિચાર વિમર્શ કર્યો. પછી રણજીતસિંહને બોલાવી રકમની તડજોડ શરૂ કરી. રણજીતસિંહ દોઢ લાખ રૂપિયા માંગતો હતો. જે હામીદખાનને ઘણા વધારે લગતા હતા. એટલે તેણે રણજીતસિંહને ઘણો મનાવ્યો. ધમકાવ્યો પણ ખરો. તેની પત્નીને મારી નાખવાની ધમકી પણ આપી. પણ રણજીતસિંહ એક નો બે ન થયો. છેવટે દોઢ લાખ રૂપિયા રોકડા ગણી દેવામાં આવ્યા. અને બીજા દિવસની સવારે હામીદખાન અને તેના 400 ઘોડેસવારો રણજીતસિંહને વચ્ચે રાખીને તેણે બતાવેલી દિશા તરફ ચાલ્યા. મારવાડથી અજાણ્યા એવા મુઘલોના ઘોડાઓને રણની રેતીમાં ચાલવાની તકલીફ પડતી હતી. જયારે રણજીતસિંહની સાંઢણી તો આરામથી ચાલતી હતી.    

આખા દિવસની મુસાફરી પછી પણ કોઈ ગામ કે કોઈ માણસ મળ્યું નહિ. ચારે બાજુ બસ રેતી રેતી અને રેતી જ. ક્યાય કોઈ ઝાડ, ક્યાય કોઈ રસ્તો કે નાની કેડી પણ નહિ. હામીદખાન અવારનવાર સવાલો પૂછાતો અને રણજીતસિંહ જવાબો આપતો. હામીદખાન પુછતો ‘’હજી કેટલું દુર છે?’’ તો રણજીતસિંહ જવાબ આપતો ‘’બસ મારા સસરાનું ગામ આવે, પછીના ગામમાં જ મહારાણા સંતાયા છે. તે પછી તો શહેરાનું અફાટ રણ શરૂ થઈ જાય છે. તે રણમાં તો કોઈ હજુ ગયું નથી અને ગયું તે પાછું આવ્યું નથી.’’ બીજા દિવસે પણ મુસાફરી ચાલુ જ રહી બળબળતા સૂર્યે આગ ઓકવાનું શરૂ કર્યું. સૈનિકો પાસે પાણીનો જે જથ્થો હતો તે પણ ખલાસ થઇ જવા આવ્યો. ચારે બાજુ બળબળતી રેતી ઉડતી હતી અને સવારો અને ઘોડાના નાક કાનમાં ઘુસી જતી હતી. બળબળતી લૂમાં સૈનિકો માંદા પડી જવાની પણ દહેસત હતી.  હામીદખાન પુછતો ‘’હજી કેટલું દુર છે?’’ તો રણજીતસિંહ જવાબ આપતો ‘’ આવતી કાલે બપોર સુધીમાં તો આપણે જરૂર પંહોચી જઈશું. ઘોડા કે સૈનિકો કોઈ આવા વાતાવરણથી ટેવાયેલા ન હતા પણ સાંઢણી અને તેના બંને અસવારો માટે આ કઈ ખાસ નવું ન હતું.

ત્યાં તો સાંઢણી ઉપરથી જાણે અસવાર કાબુ ગુમાવતો હોય તેમ તે રઘવાઈ થઇ ગઈ. રણજીતસિંહે જોયું તો સામેથી જબરજસ્ત આંધી આવી રહી હતી. તે મનોમન મુસ્કુરાયો. તે આ જ ઘડીની રાહ જોઈ રહ્યો હતો તેણે હામીદખાનને કહ્યું ”હામીદ આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પંહોચી ગયા છીએ. સામેથી આવતી જબરજસ્ત આંધીમાંથી આપણામાંથી કોઈ બચી શકવાનું  નથી. તારા અલ્લાહને યાદ કરી લે. મહારાણા પ્રતાપ વિષે મને કઈ જ ખબર નથી અને ખબર હોય તોય હું તને બતાવું નહિ. હું રાજપૂત છું તે તું ભૂલી ગયો. હવે કમોતે મર”

આટલું કહેતા તો આંધીએ બધાને ઘેરી લીધા સાંઢણી રણની ભોમીયણ હતી માટે તે પીઠ ફેરવીને આવી હતી તે દિશામાં ભાગી. હામીદખાન જોરથી થુક્યો અને એક ગાળ બોલીને રણજીતસિંહ માટે એજ શબ્દ ગદ્દાર ફરીથી વાપર્યો. પણ આ વખતે તેનો અર્થ સાવ જ અલગ હતો. ચારે બાજુ ઉડતી ભયાનક રેતી અને સુસવાટા મારતી ગરમ લુ એ ઘોડા અને અસવારોના નાક કાન અને આંખો રેતીથી ભરી દીધા એક કલાક સુધી આ આંધીનું ભયાનક તાંડવ ચાલ્યું. એક પણ પ્રાણી કે એક પણ માનવી જીવિત બચ્યું નહિ. સાંઢણી જીવ ઉપર આવીને ભાગી પણ રણની આ ભયાનક આંધી પાસે તેનું પણ કઈ ચાલ્યું નહિ. એક કલાક પછી આંધી સમી ત્યારે, મૃત મુઘલ સરદાર અને સૈનિકોના મોઢા પર અંત સમયે આવેલ ક્રોધ તથા મૃત રણજીતસિંહ અને તેની પત્નીના મોઢા પર પોતે પોતાના રાજા તરફની બજાવેલી ફરજની મુશ્કાન હતી.

Sant Shri LalBapu / संत श्री लालबापू

Standard

ક્ષત્રીય ,ચારણ ને વાણિયો
ચોથી નાનકડી નાર,
આને ભક્તિ નો રંગ લાગે નઈ અને લાગે તો બેડો પાર..

image

વિશ્ર્વકલ્યાણ અર્થે જે કાર્ય કરી રહ્યા છે તે શ્રી  લાલ બાપુ વિષે થોડું જાણીએ. લાલબાપુનો જન્મ ઉપલેટા તાલુકાના નાના એવા ગામ ગધેથડમાં “વાળા” રાજપુત પરીવાર માં  થયેલો, પૂ. બાપુ બાલ્યાવસ્થાથી પુર્ણ ધર્મમય અને ખાસ કરીને ગાયત્રી મંત્ર અને ગાયત્રી માતાના ઉપાસક રહેલાં, તેઓ નાનપણમાં નાગવદર માં પાઇપ સિમેન્ટ ફેકટરીમાં મજૂરી કરતા હતા અને જીવન નિર્વાહ માટે પરિવારને આર્થિક સહયોગ આપતા શ્રી બાપુ મૌનથી જ તેઓ ગાયત્રી જાપ કરતા અને સાથે સાથે કામ, મહેનત પણ કરતા  ત્યારબાદ 22 વર્ષની યુવા વયે બાપુએ નાગવદર ગામના પાદરમાં એક નાના એવા મકાનમાં ગાયત્રી આશ્રમ ચાલુ કર્યો અને બાપુ 17 વર્ષ સુધી ત્યાં રહી અને અનુષ્ઠાન પણ ચાલુ રાખેલ. 1992માં બાપુએ સંકલ્પ કર્યો કે સાડા ત્રણ વર્ષ સુધી કોઇને મળવું નહીં માત્ર ગાયત્રી મા નું અનુષ્ઠાન અને એકાંત માં રહેવું કોઇપણ વ્યકિતના સંપર્કમાં આવવું નહિં. માત્ર તેમના શિષ્ય એવી રાજુ ભગત ભોજનની થાડી પહોંચાડે બાપુએ ત્રણ વર્ષ સુધી એક આસને સવા કરોડ મંત્ર પૂર્ણ કર્યા. આ અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે 23-03-96 ના રોજ ૧૫૧ કુંડી ગાયત્રી યજ્ઞ કરેલ અને જેમા આશરે પ લાખ લોકોને ભોજન રૂપી પ્રસાદ લીધેલ. ત્યારબાદ 1997માં બાપુએ ગધેથડ વેણુ ડેમના કાંઠે ટેકરા પર વડલો વાવી ત્યાં આશ્રમ બનાવાની ટેક લીધેલ ત્યારબાદ બાપુએ સંકલ્પય કર્યો કે આ મંદિરનું નિર્માણ આ ટેકરા પર નહીં થાય ત્યાં સુધી આશ્રમ ની બહાર પગ નહીં મુકુ તે તેની ટેક 12 વર્ષ સુધી ચાલી બાપુએ 12 વર્ષ સુધી આશ્રમની બહાર પગ ન મુકયો અને અંદર ને અંદર અનુષ્ઠાન અને પુજા પાઠ જ ચાલ્યા.12 વર્ષ પછી શિખરબંધ ગાયત્રી મંદિર બનેલ જયા શ્રી બાપુ તેના શિષ્ય એવા રાજુ ભગત સાથે જમવા નું  બનાવે અને ઉપસ્થિત ભકતજનોને ભોજનરૂપી પ્રસાદ કરાવે. ત્યારબાદ પોતે ભોજન લે, આ નિત્ય પ્રક્રિયા આજે પણ ચાલુ છે. સમાજના લાખો દરિદ્ર નારાયણ દૂધ આરોગી નથી શકતા તેથી પોતે કયારેય દૂધ ને સ્‍પર્શ કર્યો નથી.  શ્રી બાપુના ગુરૂ મગનલાલ જોષી અત્યારે બ્રહ્મલીન છે. અને શ્રી બાપુ કહે છે કે વૈભવ પ્રેમી નહિં પ્રભુ પ્રેમી બનો. આજે આવડા વિશાળ આશ્રમમાં મોટરકાર નથી, સ્કુટર નથી, ટીવી નથી, મોબાઇલ ફોન નથી અરે ન્યુઝ પેપર પણ નથી માત્ર ને માત્ર પ્રભુમય વાતાવરણ માત્ર એક સાયકલ છે. શ્રી બાપુ કહે છે સમાજના પૈસાથી અમારે કોઇ પ્રસાધન સાધનો ન રાખવા જોઇએ અને રાત્રે માત્ર ચટાઇ પર જ સુવે છે.  અને રાત્રે ૮-૦૦ વાગ્‍યા પછી પ્રકૃતિમાં ઉગતી વિવિધ વનસ્‍પતિઓ દ્વારા અસાધ્‍ય રોગો જેવા કે કેન્‍સર, એઇડ્‍સ, કીડની એચ. આઇ. વી. તેમજ અન્‍ય પીડાઓની નીઃશુલ્‍ક સારવારનો નિયમિત ક્રમ, આ શ્રી બાપુની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. માટે સૌ આ યજ્ઞમાં એક વખત જરૂર પધારજો અને સાક્ષાત્કાર નો અનુભવ મેળવશો.

Taranetar Mahadev Mandir / ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ”

Standard

ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક
નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ”

image

મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.
આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે….

“નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;
વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ.”

આમ આ પાંચાળ નો મોટો ભાગ જેના રાજ્યની હદ માં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતર ના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્ર સમાજ લઇશકે, ઠાકોર શ્રી કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. ૧૫-૬-૧૮૪૬નો દિવસ હતો.
તેમણે સંવત ૧૯૪૦ના ફાગણ વદી ૧ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૃ કરેલો. જે સંવત ૧૯૫૦ના આસો સુદી ૧૦ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૃ. ૧ લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા..

તરણેતરનો  ટુંકો ઈતિહાસ :-

ભારતભર માં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. (૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને (૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે  પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતર ના રાજવી ‘કરણસિંહજી’ એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો.તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા.પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી.

તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે.કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય.શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.
મંદીરની ત્રણ બાજુ કુંડ છે.તેને વિષ્ણુકુંડ,શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવો ના નામ જોડ્યા છે.મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે.એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે.એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે,પણ તેની કોતરણી અનુપમ છે.ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે,તેથી સુકી હવા અને પવનની થપાડો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે.શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે.
આપ રાજપૂતો ની કીર્તિ અને ધર્મરક્ષક ના દાઈત્વ ને ચરિતાર્થ કરતુ આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાનો મેળો પણ અદ્ભુત છે,

લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) ના જય શંકરના…