Daily Archives: February 25, 2016

Chamar ne bole / ચમાર ને બોલે

Standard

વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.

image

આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે. આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે : મટકુંયે નથી માર્યું. જાગીને મનમાં મનમાં ગાયા કર્યું કે –

વીરા ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,
વીરા, ક્યાં લગણ જોઉં તમારી વાટ રે,
મામેરા વેળા વહી જાશે રે….

ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશાભરી ઊઠી ઊઠીને એણે ડેલીમાં નજર કર્યા કરી છે. પણ અત્યાર સુધી એ જેની વાત જોતી હતી તે મહેમાનના ક્યાંયે વાવડ નથી. એ શોકાતુર માનવી બીજું કોઈ નહિ, પણ વરરાજાની ખુદ જનેતા છે. જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા ? એને તો કંઈક કંઈક રિસામણાંનાં મનામણાં કરવાનાં હોય, સંભારી સંભારીને સહુ સગાંવહલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય. એ બધું તો હોય, પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી. રાજાજી આવી આવીને એને મે’ણાં મારતા હતા : ‘કાં ! કહેતાં’તાં ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે ! કાં ? ગાંફ (ગામનું નામ)થી પહેરામણીનું ગાડું આવી પહોંચ્યું ને ? તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા કે શું !’

ઊજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતાં હતાં કે : ‘હા ! હા ! જોજો તો ખરા, દરબાર ! હવે ઘડી-બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું, આવ્યા વિના એ રહે જ નહિ.’

પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું. ગોખમાં ડોકાઈ ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઊડે છે ! ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે ! પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી. એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો : ‘બા, જે શ્રીકરશન !’ … સાંભળીને રાણીએ નીચે નજર કરી. ગાંફના ચમારને ભાળ્યો – કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઊભો હોય, એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો; કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું. એ બોલ્યાં : ‘ઓહોહો ! જે શ્રીકરશન ભાઈ ! તું આંહીં ક્યાંથી, બાપુ ?’

‘બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવને, બાનું મોઢું તો જોતો જાઉં. પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય, ભામણબામણ ઊભા હોય એટલે શી રીતે જવાય ? પછી સૂઝ્યું કે પછવાડેને ગોખેથી ટૌકો કરતો જાઉં !’
‘હેં ભાઈ ! ગાંફના કાંઈ વાવડ છે ?’

‘ના, બા ! કેમ પૂછ્યું ? વીવાએ કોઈ નથી આવ્યું ?’

રાણી જવાબ વાળી ન શક્યાં. હૈયું ભરાઈ આવ્યું. ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યાં. ચમાર કહે : ‘અરે, બા ! બાપ ! ખમ્મા તમને, કાં કોચવાવ ?’

‘ભાઈ ! અટાણે કુંવરને પે’રામણીનો વખત છે. પણ ગાંફનું કોઈ નથી આવ્યું. એક કોરીય મામેરાની નથી મોકલી. અને મારે માને મે’ણાંના મે’વરસે છે. મારા પિયરિયાં તે શું બધા મરી ખૂટ્યાં ?’

‘કોઈ નથી આવ્યું ?’ ચમારે અજાયબ બનીને પૂછ્યું.

‘ના, બાપ ! તારા વિના કોઈ નહિ.’

ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું. મારા વિના કોઈ નહિ ! – હાં ! મારા વિના કોઈ નહિ ! હું ય ગાંફનો છું ને ! ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું ? આ બે’નડીનાં આંસુડાં મારાથી શૅ દીઠાં જાય ? એ બોલી ઊઠ્યો : ‘બા ! તું રો તો તને મારાં છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ ?’
‘અરેરે, ભાઈ ! તું શું કરીશ ?’

‘શું કરીશ ? બા, બાપુને હું ઓળખું છું. આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ હોય ! પણ હું એને ઓળખું છું. હવે તું હરમત રાખજે હો, મા ! શું કરવું તે મને સૂઝી ગયું છે.’ એમ કહીને ચમાર ચાલ્યો. દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા : ‘ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો, ઝટ મોઢે થાવું છે.’

દરબાર બહાર આવ્યાં. તેમણે ચમારને દેખ્યો; મશ્કરીનાં વેણ કાઢ્યાં :

‘કાં ભાઈ ! મામેરું લઈને આવ્યા છો કે ?’

‘હા, અન્નદાતા ! આવ્યો છું તો મામેરું લઈને જ.’

‘એમ ! ઓહો ! કેમ, તમને મોકલવા પડ્યા ! ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?’

‘અરે દાદા ! ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણું થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે.’

‘ત્યારે તો મામેરાનાં ગાડાંની હેડ્ય વાંસે હાલી આવતી હશે, કાં ?’

‘એમ હોય, બાપા ! ગાંફના ભાણેજનાં મોસાળાં કાંઈ ગાડાંની હેડ્યુંમાં સામે ?’

‘ત્યારે ?’

‘એ અમારું ખસતા ગામ કુંવરને પે’રામણીમાં દીધું.’

દરબારે મોમાં આંગળી નાંખી. એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઈ હશે. એણે પૂછ્યું :

‘કાંઈ કાગળ દીધો છે ?’

‘ના, દાદા ! કાગળ વળી શું દેવો’તો ! ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજાગતા માનવીથીયે કાગળની કટકીની આંઈ વધુ ગણતરી હશે !’

ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફના એક ઢોર ચીરનારો ઢેઢ આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મે’ણાંના ઘા પડતા હતા તે થંભી ગયા. અને બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરથી અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે. એટલે મૂઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો, જઈને દરબારને મોઢામોઢ વેણ ચોડ્યાં : ‘ફટ્ય છે તમને દરબાર ! લાજતા નથી ? ઓલી બોનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડાં પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે અને તમે આંહીં બેઠા રિયા છો ? બાપુ ! ગાંફને ગાળ બેસે એનીય ખેવના ન રહી ?’

‘પણ છે શું, મૂરખા ?’ દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા.

‘હોય શું બીજું ? ભાણેજ પરણે છે ને મામા મોસાળાં લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે.’

‘અરરર ! એ તો સાંભર્યું જ નહિ : ગજબ થયો ! હવે કેમ કરવું ?’

‘હવે શું કરવાનું હતું ? ઈ તો પતી ગયું. હવે તો મારે જીવવું કે જીભ કરડીને મરવું, એ જ વાત બાકી રઈ છે.’

‘કાં એલા ! તારું તે શું ફટકી ગ્યું છે ?’

‘હા બાપુ ! ફટકી ગ્યું’તું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું.’

‘શી વાત કરછ ? તું આપણું ખસતા દઈ આવ્યો ?’

‘હા, હા ! હવે તમારે જે કરવું હોય તે કહી નાખો ને એટલે મને મારો મારગ સૂઝે.’

દરબારનું હૈયું ભરાઈ આવ્યું : ‘વાહ ! વાહ, મારી વસ્તી ! પરદેશમાંય એને મારી આબરૂ વહાલી થઈ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું ! વાહ ! મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ !…’ ‘ભાઈ ! ખસતા ગામ તેં તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે. આજે તારે મરવાનું હોય ? તારા વિના તો મારે મરવું પડત !’ ચમારને દરબારે પાઘડી બંધાવી, અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊજવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યાં : ‘વાત શી છે ? આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે ? ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય ?’

વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા. ગાંફના ધણીએ જવાબ મોકલ્યો : ‘એમાં પૂછવા જેવું શું લાગ્યું ? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહિયું કરી આપી છે.’ વરની માતા હવે દાઝ કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગ્નગીત ગજવી રહ્યાં છે કે –

તરવાર સરખી ઊજળી રે ઢોલા !
તરવાર ભેટમાં વિરાજે એ વાલીડા વીરાને,
એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને

આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે. આજુબાજુ ગાંફની જ સીમ છે, અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી.

Kaloji lunsariyo / કલોજી લુણસરિયો

Standard

ગોંડળના કોઠા ઉપર ‘ધ્રુસાંગ ! ધ્રુસાંગ ! ધ્રુસાંગ! એવા અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને ‘ઘોડા! ઘોડા ! ઘોડા !’ પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામા એક ડેલી માંથી એક જુવાન બહાર દોડયો આવે છે, અને ચોપદારને પુછે છે :” ભાઇ શુ છે ? અને શેનો ઢોલ વાગે છે?” “કલાજીભાઇ ” ચોપદાર ચાલતો ચાલતો કેતો ગયો: “કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે ચડશો મા.” “કાં?” “બાપુએ ના પાડી છે: હજુ તમારી ચાકરી નોંધાણી નથી” “એમતે કાઇ હોય! રજપુતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવી ને પછીજ અવતરે છે. ” એટલુ કહી કલોજી નામના અસવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી.

લૂણસર નામે વાંકાનેરનુ એક ભાયાતી ગામ છે. ત્યાનો ગરાસીયો કલોજી પોતાના ભાઈઓને લઇને ગોંડળ ભા ‘કુંભાની પાસે નોકરી કરવા આવ્યો હતો. ત્રીસ વરસ ની અવસ્થા હતી. આજ સવારથી એની ચાકરી નોંધાવાની હતી. પણ મળસકામા જ હાદા ખુમાણ નામે કુંડલાનો કાઠી પોતાના દોઢસો ઘોડા લઇને ગોંડલની સીમ મા ત્રાટકયો અને પહરમાંથી પરબારા ઢોર વાળ્યા.

       ભા’કુંભાના પગાર ખાનાર બીજા રજપુત બહાર નીકળે ન નીકળે ત્યાતો કલોજી પોતાના બે રજપુતોની સાથે ચડી નીકળ્યો. દોઢસો કાઠીઓએ પોતાની પાછળ ડાબલા ગાજતા સાંભળ્યા, પણ પાછળ નજર કરતા ત્રણ જ અસવાર જોયા.  કંડોલીયાને પાદર કલાજીએ ઘોડા ભેળા કરી દીધા. આપાઓ એકબીજાને કહેવા લાગ્યા કે ‘ એ બા ,ઇ તો , વષ્ટિ કરવા આવતા સે, વષ્ટિ કરવા.’  સહૂને વિશ્વાસ બેઠો. ત્યાતો રજપુતો આંબી ગયા.
“આપાઓ! આમાં હાદો ખુમાણ કોને કહીયે ?” ” એ ભણે મોઢા આગળ હાલ્યા જાવ મોઢા આગળ એ…. ઓલ્યા બાવળા ઘોડાનો અહવાર . માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો સોનાની કુંડળ્યે ભાલો અને સોનાની કૂબે ઢાલ ઇ જ આપો હાદો. બા, મારખ દ્યો, મારગ? રજપુતના દીકરા વષ્ટિ કરવા આવતા સે મારગ દ્યો.” પોણોસો પોણોસો ઘોડા નોખાં પડી ગયા. વચ્ચેથી ત્રમ રજપુતો આગલ વધ્યા. જે ઘડીએ આ ત્રણેય અસવાર હાદા ખુમાણની નજીક ગયા. તે ઘડીએ હાદા ખુમાણે જુવાનોની આંખ પારખી એ વષ્ટિ ન હતી વેર હતુ. હાદા ખુમાણે ઘોડો દાબ્યો. કલોજી વાંહે ગયા. પણ કલોજી આંબે નહી . એણે પોતાની ઘોડીના તરીંગમા બરછી ભરાવી. ઘોડી જાગી ગઈ. હાદા ખુમાણની સાથે ભેટ ભેટા કરાવી દીધા. કલાજી એ તલવાર ઉઘાડી . પેંગડામા ઊભા થઈ એણે તલવાર ઝીંકી. હાદો ખુમાણતો ઘોડાના પેટ નીચે નમી ગયો. પણ તલવારે ઘોડાની ઊપરનો ચોફાળ, ઓછાડ ને કાઠાંના પાઠાં એ બધુ કાપી ને ઘોડાના બે કટકા કરી નાખ્યા.

     હાદો ખુમાણ કુદીને આઘો ઉભો જ્યા નજર કરે ત્યા ઘોડો ગુડાઈ ગયો દીઠો. પણ કલાજીની આંખના બેય રતન બહાર લબડી પડેલા જોયા.  વાહ જુવાન!  રંગ જુવાન ! એવા ભલકારા દેતા દેતા હાદા ખુમાણ પોતાનો તરફાળ લઇ કલાજીને પવન ઢોળવા લાગ્યા. ત્યા દોઢસો કાઠીઓ આંબી ગયા. કાઠીઓ કહેવા લાગ્યા કે ” ભણે હાદા ખુમાણ ઇ ને ગુડુ નાખ  ગુડૂ નાખ. દુશ્મન ને આવા લાડ કાણા સાટુ લડાવતો સે ?!”
હાદો ખુમાણ બોલ્યા કે ” ખબરદાર એને કોઇ હાથ અડાડશો મા. દોઢસો કાઠીની વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારો ગાડા જેવો ઘોડો વાઢી નાખ્યો એને મારવાનો હોય નહી. આમ જુઓ નીમકહલાલી આંખના બેય રતન બહાર નીકળી પડ્યા છે.”
કાઠીઓ જોઈને દંગ થઇ ગયા. ત્યા ગોંડલની વાર દેખાણી. ભાલા ઝબુક્યા. કલાજીને મુકી કાઠી ઓ ભાગી છુટ્યા. પણ ત્યારથી આજ સુધીયે, ખુમાણોના ડાયરામા કસુંબા લેવાય છે ત્યારે ડાહ્યા કાઠીઓ રંગ છે કલાજી લૂણસરીયાને એમ કહી કહુંબા લે છે. ગોંડલ દરબારે કોઈ હકીમ પાસે કલાજીની આંખો ચડાવરાવી અનૈ મોટી જાગીર આપી એની ચાકરી નોંધી..

                                 *
     
ધંધુકા ગામમા એ વખતે મીરાં અને દાદો નામના બે બળીયા મુસલમાનો રહે. બેય ભાઇઓ કાઠીયાવાડમા ઘોડા ફેરવે અને પૈસા આપે એના પક્ષમા રહી ધીંગાણા કરે. મીરાં અને દાદો આજ પણ સૌરાષ્ટ્રમા શુરાઓ તરીકે પ્રખ્યાત છે. એક દીવસ મીરાંને ખબર પડી કે કલોજી ધંધુકાને પાદર થઈને જાય છે. મીરાંએ સાદ કર્યૉ કે “અરે કલોજી ધંધુકાને પાદરેથી પરબારા જાય ? દોડો એને પાછો વાળૉ.” નાનો ભાઈ દાદૉ માથા મા ખુબ ખુમારી રાખીને ફરતો. એ બોલ્યો કે ” ભાઈ કલોજી તે એવો કયો હેતનો કટકો કે ઊલટો તૂ એને બોલાવવા માણસ દોડાવછ?” “દાદા એ શુરવીર છે એને રામરામ કરયે પાપ ટળે” કલોજી આવ્યો. મીરાંજી એને બાથમા ઘાલીને મળ્યા. પણ દાદા એ મોએથી આવકાર પણ ના દીધો. કલોજીની બહુ સરભરા થવા માંડી. એ જોઈ દાદાને વસભુ લાગ્યુ. કલોજીને અપમાન લાગે એવા વેણ દાદા એ કાઠ્યા. મીરાં બોલ્યો કે ” દાદા આજ એ આપણો મેમાન છે નિકર અંહીજ તે એના બળનુ પારખુ થાત. પણ તારા મનમા ખુમારી રહી જાતી હોયતો એક વાર લુણસર જાજે.”

     કલોજી હસીને બોલ્યો: ” હાં હાં મીરાજીભાઈ  દાદો તો બાળક કેવાય. મારા મનમા એનો કોઇ ધોખો નથી. અને દાદા તુ ખુશીથી લૂણસર આવજે હુ મારા ગજા પ્રમાણે પાણીનો કળશો ભરીને પાદર ઉભો રહીશ”
       કલોજી લુણસર ગયો પણ દાદાથી ન રહેવાયુ.એનેતો લૂણસર જોવુ હતુ. એક દીવસ પોતાના સવારૉ લઈ બેય ભાઈ ચાલી નીકળ્યા. લુણસરને પાદર ઉભા રહી ને કલાજીને ખબર આપ્યા કે દાદો ધીંગાણા માટે આવીને વાટ જુએ છૈ. કલાજીની આંખો દુખતી હતિ. આંખો મા ભરણ આંજીને સુતો હતો. આંખો ધોઈને એક કાટેલી તલવાર હોતો એ સામાન પણ નાખ્યા વીના એ ચડ્યો. પાદરે આવીને આઘેથી બોલ્યો.”મીરાં દાદા  રામરામ બહુ સારૂ કર્યુ ભલે આવ્યા!
મીરાંએ દાદાને કહ્યુ “ભાઈ કલાજીનુ પાણી તારે એકલા એજ જોવુ છે મારે એની સાથે વેર નથી અને આ બીચારા અહવારૉ તો પેટ હાટુ આવ્યા છે. માટે અમે ઊભા ઊભા જોશુ ને તમે બે સામસામા બાટકો. કાં તો અમે તને દફન કરીછુ ને કા અમે એને બાળીને જાશુ.”

image

બેય જણા વચ્ચે ધીંગાણુ ચાલ્યુ. કલો કહે ” દાદા પહેલો ઘા તારો ” “લે ત્યારે પહેલો ઘા સવા લાખ નો….” કહીને દાદાએ ભાલૂ ઝીંક્યુ. કલાજીની ઘોડી ગોઠણભેર બેસો ગઈ. ઊપર થઈને ભાલુ ખાલી ગયૂ. “દાદા એમ નો હોય . જો ઘા આમ કરાય.” એમ બોલી કલાજીએ કાટેલ તરવાર લઈ ઘોડીને દાબી. દાદાને માથે જનોઈવઢ ઘા કર્યો દાદો પડ્યો. મીરાં એના અસવારોને કહે”ભાઇયુ કલાજીના હાથ તો જોયા ને? હવે એનુ હૈયુ જોવૂ હોય તો હાલો ભાગી નીકળો.” અસવારો લઈને મીરાં ભાગ્યો કલાજી એ વીચાર્યુ “હાય હાય એનો સગો ભાઈ એને મુકી ને ભાગ્યો. પણ દાદા ફીકર નહી હુ તારો ભાઈ છુ” એમ કહી દાદાને ઘોડી ઊપર નાખી. રજપુત પોતાને ઘેર લઈ ગયો. માને કહ્યૂ “માડી પેટનો દીકરો માની દાદાની ચાકરી કરજો” બે મહીના દાદાને પડદે નાખી સુવાણ થયા પછી કલોજી ધંધુકે મુકી આવ્યો. મીરાં કહે ” કાં દાદા કલોજી ને ઓળ્ખયો ?” દાદો દાંત ભીસીને બોલ્યો ” ઓળ્ખયો પણ એકવાર એના લુણસરને માથે ગધેડાના હળ હાંકીને મીઠા વવરાવુ તો જ હૂ દાદો”

                               *
      અમાસની અંધારી ઘોર અધરાત ભાંગી ગઇ હતી. મોટુ ભળકડુ થવા આવ્યુ હતુ. તે વખતે ગોંડલને દરવાજે બ્રાહ્મણે આવીને સાદ પાડયો કે ” ભાઇ દરવાણી ઝટ દરવાજો ઉઘાડ”
“દરવાજો અત્યારે ન ઊઘડે. કૂંચિયુ કલાજીભાઈને ઘેર રહે છે.” દરવાને જવાબ દીધો. “મારે કલાજીભાઈનુ જ કામ છે. એને માથે આફત તોળાઈ રહી છે. ભાઈ દરવાણી મારા ઘણીનૈ ઝટ ખબર દે.” કલાજીને ઘેરથી દરવાજાની કુંચીઓ આવી. બ્રાહ્મણને કલાજીની પાસે લઈ ગયા. ઓળખીને કલોજી બોલી ઊઠ્યો “ઓહો ગામોટ તમે અટાણે ક્યાથી? લૂણસરમાં સહુ ખુશીમા છે?” “બાપુ કાલ લુણસર હસે કે નહી હોય. આજ બપોરે અહીથી ત્રીસ ગાઊ ઊપર મને એક કટક ભેટ્યુ. આંબરડી થી હાદો ખુમાણ અને ધંધુકેથી મીરા દાદો સાથે સાડા ત્રણસો ઘોડેસવાર કહ્યુ કે લૂણસર ઊપર કાલે મીઠા ના હળ હાંકીશુ. સાંભળીને મે ગોંડલનો રસ્તો લીધો. તમારા પુણ્યે જ મારા પગમા જોર આવ્યુ. આથી વહેલાતો પહોચાય એવુ નહતુ. મરતો મરતો પહોચ્યો છુ.

        આકાશમા મીટ માંડી કલોજી વખત માપવા માંડ્યો. સવાર આડો જાજો વખત ન હતો. લૂણસર ત્રીસ ગાઊ આઘુ હતૂ. સવાર પડશે ત્યા પોત્ની જનમભોમકા ઊપર શાં શાં વિતકો વિતશે વિચારી કલોજી ધ્રુજી ઊઠ્યો.
પોતાના ભાણેજને બોલાવી એણે ભલામણ કરી “બાપ આજ સવારે ભા’કુંભાને કહુંબાના નૉતરા દીધા છે. પણ હુ સવાર સુધી રહુતો મારે કહુંબા સાટે ઝેરની તાહળી પીવી પડે. તું દરબારને કસુંબો પાઇને ચડી નીકળજે. ભા’કુંભાને મારી વાત કહેજે. ફરી મળીએ તો હરીની મહેર નીકર છેલ્લા રામરામ.” એટલુ કહી કલોજી એકલો ઘોડી ઉપર ચડ્યો. ઘોડીની ગરદન ઊપર હાથ થાબડીને કહ્યુ “બાપ તાજણ આજ સુધી મારી આબરુ તેં જ રાખી છે. માટે આજ છેલ્લી ઘડી એ મારૂ મોત બગાડતી નય હો આપણુ લૂણસર લુંટાય છે બેટા !” લુણસરના સિમાડા ઊપર સૂરજ મારાજનો ઝળહળાટ કરતો મુંગટ દેખાયો તે વખતે શ્યામ મોઢાં લઈને વસ્તીના લોકો પાદર ઊભા હતા. વીસ વીસ વરસના કેટલાક જૂવાનો ઘાયલ થઈને પડ્યા હતા. પડખે લોહીના પાટોડા ભર્યા હતા.

       થોડાક લોકોએ એક સામટી ચીસ પાડી ઊઠ્યા “એ એ કલોજી બાપુ આવે.”
કોઈ કહે “અરે ગાંડા થાવમા ક્યા ગોંડલને ક્યા લૂણસર અત્યારે કલોજી બાપુ કેવા ?” “અરે ન હોય શુ ? આ એનોજ ભાલો ઝબકે આ તાજણ બીજાની ન હોય. નક્કી બાપુના રૂદીયામા રામના દૂત કહી આવ્યા.” “અરરર કલોજી બાપુને મોઢુ શુ બતાવશુ?” એમ બોલી ઘાયલ પડેલા જુવાનો પડખુ ફર્યા. ને સદાને માટે આંખો મીંચી ગયા. કલોજી આવ્યો જાણે સિમાડેથી સૂરજ આવ્યો. આખી રાતના ઊજાગરાથી આંખો રાતીઘૂમ થયેલી. મોઢાના દેવાંગી નૂર પર હાલારની માટીના થર જામી પડ્યા. ઘોડીનામોંમાથી ફીણ ચાલ્યા જાય છે. “બાપુ જરાક મોડુ થ્યુ.” માણસો બોલ્યા. કલાજીના મોમાથી નિસાસો નીકળ્યો જાણે જીવ ગયો. “પણ કાંઈ લુંટાણુ નથી હૉ !” કોઇએ દિલાસો દીધો. “દરબારગઢમાં કોઈ જીવતુ છે?” “એક પંખીડુ પણ નથી ઊડ્યુ.” “શી રીતે?” “દાદો તો ગઢના લબાચા વિખવા આવ્યો પણ મીરાંએ કહ્યુ ખબરદાર કલાજીની ઘરવાળીયુ મારી બોન્યુ છે. આજ કલોજી ગામતરે હોયને જો એના ઓરડા ચુંથાય તો તે પેલા મીરાંને માથે માથૂ ન રહે. એમ કહી એણે દોઢસો ઘોડા નોખા તારવી ગઢ ફરતે વિંટી દીધા બાપુ.!” “એકજ માના બે દિકરા વાહ મીરાંજી ભલે ભાંગ્યુ લૂણસર તને ઓળ્ખયો!” કલોજી બોલી ઊઠ્યા. કલોજી ઓરડે ગયો. લોકોએ માન્યુ કે બાપુના મનની વેદના હેઠી બેઠી ગઇ. ઓરડાની ઓસરીની કોર પર રજપુત બેસી ગયો. બાર વરહની નમણી અને કાલી કાલી બોલતી દીકરી આવી ઊભી રહી. પોતાની ઘોડીના હનામાંથી કાંસાની તાસળી કાઢીને કલાજીએ કહ્યુ “બેટા આ તાંસળીમા ગોરસ લાવજે.” દહી આવ્યુ અંદર મુઠી ભરીને સાકરનાખી. એ ઘોળી કલોજી પોતે પી ગયા. રોટલાના બટકામા અફીણ ભરી તાજણને ખવરાવ્યુ. અફીણ પેટ મા જતા તાજણ થનગનાટ કરવા લાગી. બાપુના પેટમા ઠંડક થઈ. એણે દીકરીને કહ્યુ “લે બેટા હવે મારા દુખણા લે બાપ!” દીકરીની આંખમાથી આંશુ વહેવા લાગ્યા.

“રજપુતાણીયુ ! બેય જણિયું ઘરમાં શું કરી રહ્યા છો? આપણુ બાળક આમ રોવા બેસે તો સાત પેઢીને ખોટ લાગે, હો ! છાની રાખો ગીગિને. સારો જમાઇ ગોતીને પરણાવજો ! કરિયાવરમાં કચાશ રાખશો મા ! કિરતાર તમારા રખવાળા કરશે. લે, બેટા ગીગી, દુખણેં લઈને સારા શુકન દે , કે ઊજળે મોઢે બાપનું મૉત થાય!.

                                *
         ભળકડામા લૂણસર ભાંગીને મીરાં દાદો અને હાદો ખુમાણ ચાલ્યા જતા હતા. આખી રાતનો ઊજાગરો હોવાથી અસવારો ઝોકા ખાતા ખાતા ધીરી ગતીએ ઘોડા હાક્યે જતા હતા.
         “એલા ભણે કલોજી !”એક કાઠીએ ઓચીંતી ચીસ પાડી.
કાઠીઓ અને મીરાદાદો ભાગ્યા. વાંહેથી કલાજીનો પડકાર ગાજ્યો કે માટી થાજો રજપુતની હાકલથી શત્રુઑનુ અર્ઘુ કૌવત હણાઈ ગયુ. ભેટભેટા થઈ. જેને માથે કલાજીની તરવારનો ઘા પડ્યો તે બીજો ન માંગે. એમ ગણાને સુવડાવ્યા. અને એણે પોતાના શરીર પર એંશી એંશી ઘા ઝીલ્યા. ઘોડી પણ ઘા મા વેતરાઈ ગઇ. કલોજી પડ્યો. ઘોડી એના ઊપર ચારેય પગ પહોળા કરી ઊભી રહી. પોતાના લોહીના ધારોડા તાજણે પોતાના ઘણીને નવડાવી નાખ્યો. ત્યા તો માટી થાજો લૂણસર ભાંગનારા માટી થાજો એવો અવાજ આવ્યો.ગોંડલની વહાર ધરતીને ધણધણાવતી આવી પહોચી. દુશ્મનો ભાગતા ભાગતા ફોજના એક મોવડીને ઘા કરી પાડતા ગયા. કલોજી અનેએનો ભાણેજ પડ્યા. જેમ વંટોળીયો જાય તેમ બે કટક ગયા. આગળ દુશ્મનો ને પાછળ ગોંડળીયા.

      પચીસ વરસની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો કે ચાલીસ વરસે શંકરને માથે કમળપુજા ખાવી. આજ મૉતની ઘડીએ કલોજીને એ પ્રતીજ્ઞા સાંભરી. આજ એને પાત્રિસ વરસ થયા છે. મનમા આજ વિચાર ઊપ્ડયો કે કમળપુજાની હોશ હૈયામા રહી જશે તો અસદ્ ગતી પામીશ.
ઊભા થવાની તાકાત નહતી. એટલે ઘોડીનુ પેંગડુ ઝાલ્યુ ઝાલીને ટીંગાણો. અને ઊંચો થયો. કાઠાની મુંડકી સાથે ભંભલી બાંધી. એમાથી પાણી ભોંય ટર ઢોળ્યુ. પાછો નીચે પછડાણો. હાથ લંબાવીને ધુળપાણી ચોળ્યા. ગારો કરી એમાથી શિવલીગનો આકાર બનાવ્યો. હાથમા તલવાર લીધી. પીછી જમીનમા ભરાવી. મૂઠ હાથમાં ઝાલી. ને ધાર ઊપર ગળાનો ઘસરકો દીધો. આખૂંય માથુ ઉતરી ગયુ ત્યા સુધી ભીંસ દીધી. ગારાના શંકર પર પોતાનુ ગળુ રાખ્યૂ. એટલે લોહીની જાણે જળાધારી વહેવા લાગી.પૂજા મહાદેવને માથે પહોચી ગઈ. પાંચ વરસ વહેલી પહોચી.

બેઠો બે વીસાં તણી, જડધર વાટ્યુ જોઈ પણ કલીયો વેદૂ કોઈ, પાંત્રીસે પોગાડીયું.

Sanchoji parmar muli Sinh Nu Daan / સિંહ નું દાન

Standard

સિંહનું દાન

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કાંઈક વ્રતો લીધાં, પણ ચાંચેાજીએ તો એવું વ્રત લીધું કે ‘મારી પાસે જે કાંઈ હશે તે હું મારા જાચનારને આપીશ.’

image

ત્રણે જાત્રાળુઓ ઘરે આવ્યા. બે મોટા દરબારોનાં વ્રત થોડે વખતે છૂટી ગયાં, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી.

હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું.

ચારણ કહે: “પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે.”

દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે.”

ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરેા.”

“બાપ ! તમથી નહિ બને.”

“શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહિ. કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી; માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે.”

“અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.”

“જે માગવું હોય તે માગો.”

ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :

અશ આપે કે[૧] અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ,[૨] રે પારકરા પરમાર !

કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.

“સાવજ!” સભાનો અવાજ ફાટી ગયો.

“હા, હા, જીવતો સાવજ !” ચારણે લલકાર કર્યો :

જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર !

કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કેાઈ પોતાનાં લાલાં માથાં ઉતારી આપે, પણ હે પરમાર, તારી પાસે તો હું સાવજ માગું છું.

હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી : “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માને છે કે ?”

ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :

ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર !

તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવનાં દાન દેજે, પણ મને તે, હે પારકર પરમાર, સાવજ જ ખપે.

“ગોઝારો ગઢવો !” સભામાં સ્વર ઊઠયો. ગઢવીએ ચેાથો દુહો ગાયો:

દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,
મેાઢે ઊજળે દે મને, પારકરા પરમાર !

હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.

ચાંચોજીના મુખની એકેય રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું : “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”

મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”

દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”

બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”

પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી :

પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી : “લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”

ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”

સાવઝ ભાળી સામહો,[૧] ભડક્યા, કેમહી ભાગ,
પાંથું,[૨] પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !

સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.

દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે :

ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,
(હવે) રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી !

ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !

સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : “ જાઓ, વનરાજ ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લેાકેા કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા.

Varnvo parmar / વર્ણવો પરમાર

Standard

વર્ણવો પરમાર
સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાંચ ઝાડનાં ઝુંડની વચ્ચે એક મીઠા પાણીને વીરડો છે, એક પુરુષનો પાળિયો છે, ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડયું છે.’ચૌદ ચૌદ ગાઉ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાંયડી, દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે, તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહિ તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે, રાતે ચાલેલા વટેમાર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે. એને ‘વર્ણવા પીરની જગ્યા’ કહે છે.

આ વર્ણવો પરમાર કોણ હતો ? પચીસ વર્ષનો એક ક્ષત્રી જુવાન : હજુ તો દસૈયા [૧] નહાતે હતેા. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઊતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હીંચકતું હતું. પ્રેમીની આંખના પાંચ પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રી-ડાયરો એના સંયમની ચોકી કરતા, અને ત્યાર પછી તો એ કંકુની ટશર જેવા રાતા ઢોલિયામાં, સવા મણ રૂની એ તળાઈમાં, સમુદ્રફીણ સરખા એ ધોળા એાછાડમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડયાં પડયાં રાત્રિના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા; રાત્રિથી જાણે એ ક્ષત્રીબેલડીનાં સુખ નહોતાં સહેવાતાં, નહોતાં જોવાતાં.

આજ છઠ્ઠા દિવસનું સવાર હતું. રાત અાડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેડી ઉપરથી કમાડની તરડ સાંસરવી, ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી, પણ વર્ણવાનું માથું તેા એ બીડેલી બારી સામે શી રીતે ઊંચુ થઈ શકે ? ઉઘાડી સમશેરો સરખી કેટલીયે અાંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તે હતાં ક્ષત્રીનાં પરણેતર!

ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરેઘર વાછરુ રોવા લાગ્યાં. બૂંગિયો ઢોલ ગાજ્યો; અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે :

ક્ષત્રી લાગે ખોટ, ગઢથી જાતાં ગાવડી,
દેખી વર્ણવા દોડ, મત લજાવ્યે માવડી !

ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા. ભાલો લઈને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો, મિયાણાની ગોળીએાનો મે’વરસતો હતો. તેમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડ્યા આવતા આ મીંઢળબંધા વરરાજાને જોતાં તો મિયાણાને પણ થયું કે ‘વાહ રજપૂત !’ એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભરી આવી. જુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોંપ્યું ન કહ્યું : “જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે.”

સહુને પોતપોતાનાં પશુ પહોંચી ગયાં. પણ સુતારની બાયડી પોતાના રાતાં છોકરાંને કેડે વળગાડીને કકળતી અાવી : “એ બાપુ વર્ણવા ! બધાંયનાં ઢોર લાવ્યો, ને એક મારી બોડી ગા જ રહી ગઈ? મીરાં ગભરુડી જ શું છાશું વિના ટળવળશે ?”

વર્ણવો ફરી વાર ચડ્યો. “બહેન, તારી બોડી વિના પાછો નહિ આવું.” કહેતો ઊપડ્યો. પણ બેાડી ક્યાંથી મળે ? મિયાણાએાએ ખાવાને માટે કાપી નાખી હતી. ગૌમાતાનું રુધિર ભાળીને વર્ણવો મરણિયો બન્યો. આખા રણમાં રમખાણ જાગ્યું. કંઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડયું; ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટયા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવાર ને માથે ઊછળતી રુધિરની ધાર; મરડકની ધારથી ત્રણ ગાઉ ઉપર ધડ પડયું.

રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા ને મર્યો હોય તે મોંમાં જળ મેલવા, પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચૂંદડીએ, માથે ગંગાજળને ઘડે મૂકીને રણમાં આવી. સ્વામીનું શબ જોયું, પણ માથું ન મળે.

એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડયો. ધડની સાથે જ બળી મરી.

[ છપ્પય [૨]]

હાંકી ધેન હજાર, સુણી આજુદ્ધ [૩]સજાયો,
કર ગ્રહિપો કબ્બાન, અહુચળ ખાગ [૪] ઉઠાયો.
વરણવ [૫] સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો.
પણ પડતે પરમાર, પાટ ઇંદ્રાપર પાયે.
જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ [૬]હંદા મથે.

એ દિન નીર અમૃત ભર્યું, હિંદવાણી નાર પોતે હથે.

જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખેા તરસ્યા જીવો એ એનાં જળ પીધેલાં હશે, અને કરોડો હજુ પીશે. આસપાસ ત્રણ દિશે ચૌદ ગાઉમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી.


વસિયો, વણમાં વર્ણવો, દીનો મરતાં દેન[૭],

પાણ થઈ પરમારનું , ધાવે મસ્તક ધેન.
વર્ણવો તો રણમાં મર્યો, એના શરીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું.

રણને સામે કાંઠે, આડેસર ગામની અને ધ્રાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડયું હતું, પણ એ કયાં પડયું તે કોણ જાણે ? આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે ! ગાયનો ધણી ગોવાળને રાજ ઠપકો આપે કે : “ કોઈક મારી ગાયને દોહી લે છે.”

એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા માંડયું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું. ધણને રેઢું મૂકીને એ ગાયની પાછળ ચા૯યો. આઘે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ, ચારે પગ પટાળા કરીને ઊભી રહી. એનાં ચારે અાંચળમાંથી ખળળ ખળળ દૂધની ધાર ચાલી, અને જમીનમાં પાંદડાંના ગંજ નીચેથી ઘટાક ! ઘટાક ! ઘટાક કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આઉ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડાં ઉખેળીને જુએ

ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું
દૂધેભર્યું મોં દીઠું !

તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવાપીરની જગ્યા બંધાયેલી છે.

આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી એ રણમાં ભૂલા પડે છે. પાણી વિના એને ગળે શોષ પડે છે, જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર, એક હાથમાં ભાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે, અને બેશુદ્ધ બની ગયેલા મુસાફરને મોંએ પાણી સીંચે છે, એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે.

↑ * ક્ષત્રિયોમાં એવી રીત છે કે પરણ્યા પછી દસ દિવસ સુધી રોજ સવારે નહાય, ને પાછો એ-નો એ પોશાક પહેરી લે.
↑ *આ છપય એક ઢાઢીનો રચેલા છે, કારણ કે ચારણો સ્ત્રીનું કાવ્ય કરતા નથી .
↑ ૧. શસ્ત્રો
↑ ૨. ખડગ.
↑ ૩. પાણીમાં બળતી જ્વાળા: વડવાન; સમુદ્રમાં જે વડવાનલ બળે છે તેની આગ અત્યંત આકરી હોય છે. વર્ણવાની ક્ષત્રીવટાને અહીં એ ઉપમા અાપી છે.
↑ ૪. પથ્થર.
↑ *દહન

Lakhdhirji Parmar / લખધીરજી પરમાર મુળી

Standard

એક અબળાને કારણે

સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કામદેવના ભૂવા સરખા સૂમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલાવ્યું.

હેબતખાને ના પાડી; જવાબ વાળ્યો : “ રાજાના હીરામોતીના હારની બેડીઓ કરતાં તો મારી સૂમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ.”

સૂમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો : “નાસવા માંડ, છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ.”

હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડયો. ભૂજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું. રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર-ઉમરાવેાએ ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું : “સૂમરાનાં ભાલાં આવીને હમણાં ભૂજને રોળી નાખશે.” કામદારે હેબતખાનને કહ્યું : “ચાલ્યો જા.” ભરકચેરીમાં હેબતખાને રાવને પૂછયું : “ આ હુકમ આપનો છે ?”

રાવની આંખો ભોંયમાં ખૂંતી ગઈ. એણે માથું ઊંચું કર્યું નહિ. ‘યા અલ્લાહ !’ કહીને હેબતખાન પોતાના બાળબચ્ચાં લઈ ચાલતો થયો. [ ૬૫ ] બધા જતો જામનગરમાં રોકાઈને આશરો માગવા ગયા. જામનગરે સંભળાવ્યું : “ભૂજે ન સંઘર્યો, તો મારું શું ગજું?” નગરનાં બારણાં બંધ જોઈને જતો ધ્રોળ રાજમાં ગયા. ધ્રોળથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો.

માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો પાદરમાં જ જુવાન સોઢાઓ રમતા-ખેલતા હતા. જુવાનેાએ આ જતેાનાં બાળકોને રોતાં સાંભળ્યાં, લીંબુની ફાડ જેવી આખેાંમાંથી બોર બોર જેવડાં પાણી પાડતી જતાણીઓને જોઈ. મૂળીને પાદરથી એક વટેમાર્ગુ પણ પોરો ખાધા વગર જાય નહિ, અને આ રોતાંકકળતાં દોઢ હજાર મુસાફરો કાં સીધાં ચાલ્યાં જાય ? સોઢાએાએ જતને પૂછયું : “ ભાઈ કયાં જાવું ?”

“જાવું તો દરિયામાં.”

“ કેમ, એમ ?”

“ ધરતી અમને બધેયથી જાકારો દે છે, એને અમારે ભાર આકરો થઈ પડયો છે.”

“ આમ આડું કેમ બેાલો છો, ભા ?”

“ આડું નથી બોલતા, ભાઈ ! સાચું જ કહીએ છીએ. પરશુરામે એકેય રજપૂત કયાં રહેવા દીધો ?”

“પણ, ભાઈ, બોલો તો ખરા, શી આફત છે ?”

હેબતખાને બધી વાત કહી સંભળાવી. પરમારોમાં વાત પ્રસરી ગઈ. મૂળીને ટીંબે મોટા લખધીરજીથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાટ તપતું હતું. એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછયું : “માડી, જતોને આશરો આપું ?”

પરમાર માતા બેાલ્યાં : “ દીકરા, આજ એક વાત મને સાંભરી આવે છે : તું નાનેા હતેા. એક વખત હું [ ૬૬ ] નાહવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો. હું આવીને જોઉં, ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી. મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખેલું. પણ આજ લાગે છે કે એકાદ ટીપુ તારા પેટમાં રહી ગયું હશે, નહિ તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહિ.” એટલું બોલતાં તો માની મોટી મોટી અાંખેામાંથી અાંસુડાં ચાલ્યાં ગયાં.

“માડી ! તમારે અક્કેક આંસુએ મારે અક્કેક અવતાર એળઘોળ કરું.” એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઊપડતે પગે ચા૯યે ગયો. આખો ડાયરો લઈને જતોની આડે ફર્યો : “જવાય નહિ, મૂળીના કુબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું; અને રક્ષણ નહિ કરી શકાય, તોય મરશું તો ખરા !”

હેબતખાન બોલ્યો : “ હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો, પરમારો ! હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માગું છું કે આખરે અમને સંઘરનાર રજપૂત મળ્યા ખરા. ”

પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. જતના ઉચાળાને વીંટીને રાતદિવસ પરમારોનો પહેરો બેસી ગયો. ત્યાં તો સૂમરાની ફોજના પડઘા બેાલ્યા.

મૂળીની ભેાં થાળી જેવી સપાટ છે. થોડે માણસે એ ભોંમાં બચાવ થઈ શકે નહિ. તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો લીધો. સૂમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડા લગાવી બેઠી. પણ ઉપર જવાનો લાગ આવતો નથી, ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો તે નીચેનાં ઊંડાં કોતરામાં ઊડી પડે છે. એમ છ મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ [ ૬૭ ] વેલા નામના હજામને કાંઈક આકરાં વેણ કહ્યાં હશે, તે ન સંખાવાથી વેલો ભાગીને સૂમરા બાદશાહની છાવણીમાં આવ્યો. આવીને કહ્યું : “શું કામ મરો છો ? તમને એક દિવસમાં જિતાડું.”

બાદશાહ કહે : “ શાબાશ ! હું તને ગામગરાસ અાપીશ ”

વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂપી જગ્યાએ પરમારોને પાણી પીવાને એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલા હજામે સૂમરાએાને હાથે બે ગાયો કપાવી નખાવી.

સાંજે આવીને પરમારોના પખાલીએાએ કુવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી દીધું : “ ભાઈ એા, સવારે ઊઠીને અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયાં કરશું, પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો નથી, તમે સુખેથી જિવાય ત્યાં લગી જીવજો. અમારા છેલ્લા રામરામ છે !”

હેબતખાને જવાબ વાળ્યો : “ શું એકલા પરમારો જ મરી જાણે છે ? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ ભરી છે કે નહિ ?”

રાત પડી ત્યાં તો જતાણીએામાં કાળો કકળાટ થઈ રહ્યો : “ અરેરે ! દૂધિયા દાંતવાળા પરમારોને આવતી કાલે તો જારનાં ડૂંડાંની જેમ વાઢી નાખશે, અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીએ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણ દીકરી, સૂમરી ! હાય ડાકણી ! તું કેટલાને ભરખી લઈશ !”

સૂમરીએ એક ખૂણામાં બેઠાં બેઠાં આ મે’ણાં સાંભળ્યાં. અધરાત ભાંગી અને સહુ જતાણીએાની આંખ મીચાઈ તે વખતે સૂમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી. [ ૬૮ ] આકાશમાં ટમટમ ઝબૂકતાં ચાંદરડાં સામે જોઈ રહી. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો : “રે ખુદા ! મારો શેા ગુનો ? મને આવડું બધું રૂપ કાં દીધું ?”

સવારને પહોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદયાચળને માથે કેાર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સૂમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સૂમરીને સંભળાવ્યું : “ ચુડેલ ! તારા સગા ભાઈનેય તેં આજ ભરખ્યો ?”

સૂમરીને કાળજે જાણે છેલ્લું તીર ભેાંકવાનું હતું તે ભેંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે છાનીમાની બહાર નીકળી, એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સૂમરી સાંઢય ઉપર ચડી, અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતાં જ એની પાછળ સૂમરાઓ ચડયા. બરાબર બગબગું થયું તે ટાણે સૂમરી વણોદ ગામને પાદર પહોંચી પાછું વાળીને જુએ ત્યાં તે સૂમરાના ઘેાડા આડા ફરી વળેલ જોયા !

“ હે અમ્મા, મારગ દેજે !” એટલું કહીને સૂમરીએ. સાંઢય ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી, અને મા જેમ રાતા બાળકને પોતાને થાનેલે વળગાડીને ઉપર પાલવ ઢાંકે, તેમ ધરતીએ પણ સૂમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સૂમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં “ સૂમરી બીબીનું તળાવ” છે, ને કબર છે, એ કબરની માનતા ચાલે છે.

અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લાહીની શેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડયો હતો, અને એનાથી થોડે આઘે લખધીરનો [ ૬૯ ] કાકો આસેાજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયનાં અંગમાંથી ખળળ ખળળ લેાહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લેાહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા મંડ્યો : “ભાઈ ઈસા ! મરતી વખતે શું તને ચાળો ઊપડ્યો ? માટી શીદ ફેંકી રહ્યો છે ?”

ઈસો જવાબ આપે છે : “ હે ભાઈ, આ ચાળેા નથી. આ મારું – મુસલમાનનું – લેાહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈ ને તને ભ્રષ્ટ ન કરે, ને તારું મોત ન બગાડે, માટે હું આડી પાળ બાંધું છું !”

“એ ઈસા ! મ બોલ, મ બોલ ! મેાત બગડતું નથી, સુધરે છે. આજ છેલ્લી પથારીએ સૂતાં સૂતાં આભડછેટ ન હેાય. ન અટકાવ, ન અટકાવ. આપણાં લેાહીને ભેળાવા દે.”

ઇસા સુણ, અાસો કહે, મરતો પાળ મ બાંધ,
જત પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ.

એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયનાં લેાહી ભેળાં રેલ્યાં. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ લોહીનાં આલિંગન અમર રહી ગયાં છે.

ત્યાં તો વણેાદથી વળી આવેલા સવારો એ ખબર આપ્યા કે જેને માટે વેર મડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનેાના હાથમાં ન ગઈ, અને મોત વહાલું ગણ્યું, તે જોઈને જતો પ્રસન્ન થયા. પણ પરમારો ને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રીહત્યા જેટલી જ વસમી લાગી. પરમારો હતાશ થઈ ગયા. સૂમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું : “મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહિ આ૫ તો [ ૭૦ ] હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ.”

લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહમદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી, અને ખર્ચા પરમારે ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું.

હાલોજી પરમાર મહમદશાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો; પણ જોરજુલમથી નહિ – એને ઈસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે ચાર મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઈસ્લામ ધર્મનાં રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા. પણ હાલાજીનું મન પલળ્યું નહિ. સૂમરાની ખંડણી પૂરી થયે હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો.

પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલેાજી પાછો અમદાવાદ આવ્યો. ભરકચેરીમાં હાંફતી છાતીએ હાલેાજી આવીને બોલી ઉઠ્યો : “બાદશાહ સલામત ! મને મુસલમાન બનાવો, જલદી મને મુસલમાન બનાવો.”

બાદશાહ તાજુબ બની ગયા. એમણે બધી હકીકત પૃછી. હાલાજીએ હકીકત કહી.

“હું મારે ઘેર ગયો, આપે અાંહી મને કેવી રીતે પવિત્ર રાખ્યા તેની વાત મેં મારાં ભાઈ-ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણિયારે જવા ઊઠ્યો, ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું : “તમે પાણીને ગોળે અડશો મા.”

“મેં કહ્યું : ‘ભાભી, હાંસી કરો છો કે શું ?’ ભાભી [ ૭૧ ] બોલ્યાં : ‘ના, હાંસી નથી, ખરું છે.’ તેાય હું હાંસી સમજ્યો, ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું : ‘તમે તો મુસલમાનની ભેળા રહી આવ્યા છે. હવે તમે ચોખા ન ગણાઓ.” જહાંપનાહ, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું ? મને મુસલમાન જ બનાવો.”

હાલોજી મુસલમાન બન્યો; બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા, અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો. બાદશાહે પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યાં; એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મેાગલ, શેખ, સિપાઈ, લેાદી અને બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા; એક મસાલ આપી.

એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીનાં કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઊઠયું. મનમાંથી અંતર્યામી દેવ બેાલ્યા : “હાલાજી, તારી કાયા ભલે વટલી, પણ રુદિયે। તો ગૌબ્રાહ્મણપ્રતિપાળનો રહ્યો છે ને ! આજ તું બેઠાં કાઠી ગાયે વાળી જશે? હે અગ્નિપુત્ર ! બાપદાદાના બિરદસંભાર !”

એકલ પંડ હાલોજી ગાયોની વહારે ચડયા. ધંધુકાની દક્ષિણે એક ગાઉ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો. અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજ સરવરશા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી કબર મોજૂદ છે.

હાલાજીનાં રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયાં. રાણીની અરજથી, જે જગ્યાએ [ ૭૨ ] ગાયેાને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી.*[૧]

હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, ભહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામનાં ચાર ગામડાં પણ આપેલાં. તે ગામ આજે ઉજજડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયાં છે. હજુયે એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે, અને એ ગામો ઉપરથી મારગેાનાં નામ પણ પડેલાં છે.

↑ * અાજે અંગ્રેજ સરકારે એ જગ્યાની સરકારી વીડી બનાવી નાખી છે.

રા’ નવઘણ / Raa’ Navghan / रा’ नवघण

Standard

રા’ નવઘણ

“લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર.” એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંકયો. ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતાં સાંભળીને એને અચંબો થયો. એણે પૂછયું : ” કોણ આ ?”

આયર ઢૂંકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું : ” મોદળનો રા’ – જૂનાણાનો ધણી.”

” આંહી કયાંથી ? ”

” એ… જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સેાળંકીનાં કટક ઊતર્યાં, ને તે દી સેાળંકીની રાણિયું જાત્રાએ આવેલી, તેને દાણ લીધા વિના રા’ ડિયાસે દામેકંડ નાવા નો’તી દીધી ખરી ને, અપમાન કરીને પાછી કાઢી’તી ને, તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીએાએ. રાજા દુર્લભસેનનાં દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રા’ને રસાલા સોતો જમવા નોતર્યો, હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધાં. પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ બેય જીતી લીધાં.” “આ ફૂલ કયાંથી બચી નીકળ્યું ?” દીકરાદીકરીને ઘૂંટડેઘૂંટડા ભરાવતી આહીરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી.

” બીજી રાણિયું તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખેાળે રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર સેરવી દીધી. મા તો રખડીરવડીને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે અાંહી પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે.”

” અહોહો ! ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો હશે. ઝટ લાવો એને, આયર !” એમ કહીને આહીરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી. બોલી : “બાપ જાહલ ! મારગ કર અા અાપણા અાશરા લેનાર સારુ. તું હવે ઘણું ધાવી, ને તું તો દીકરીની જાત : પા’ણા ખાઈનેય મોટી થાઈશ; માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ.”

એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠે મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા મંડયો. અમીના કુંભ જેવા આહીરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઊઠયો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઊભરાયું.

દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું : “તમતમારે હવે ઉચાટ કરશે મા. મારે તે એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટ્યમાં પડીપડીય વધશે. એનો વાંધો નહિ.”  ” પણ તું હજી સમજતી નથી લાગતી.”

” કાં ? ”

“વાંસે દા બળે છે, ખબર છે ને? સોળંકીએાએ જૂનાને માથે થાણું બેસાર્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વશબીજ આપણા ઘરમાં છે, એવી જો જાણ થાશે તો આપણું જડામૂળ કાઢશે.”

“ફકર નહિ, મોરલીધરનાં રખવાળાં. તમતમારે છાનામાના કામે લાગી જાવ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય. તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહિ મરે ભલે સોળકિંયુંને થાણદાર જીવતું ચામડું ઉતારતો.”

દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને અાંહીં આહીરાણી માતા એના નવા બાળને અંગેઅંગે હાથ ફેરવતી, મેલના ગેાળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી :

“બાપા ! તું તો આઈ ખોડિયારનો, ગળધરાવાળીનો દીધેલો. તારી વાત મેં સાંભળી છે. તું તો રા’ ડિયાસના ગઢનું રતન; તારાં વાંઝિયાં માવતરને ઘરે નવ સરઠુંનાં રાજપાટ હતાં. છતાં ચકલાંયે એના ઘરની ચણ્ય નો’તાં ચાખતાં. તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઈખોડિયારને એારડે પહેાંચી’તી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો. દેવીનાં વરદાનથી તારાં ઓધાન રિયાં’તાં, અને મારા ફૂલ ! તારી માને તો તું જરાપણમાં જડેલો : મા તારી માગતી’તી કે :

દેવી દેને દીકરો, ( હું ) ખાંતે ખેલાવું,
જોબન જાતે નો જડ્યો, ( હવે ) જરપણે ઝુલાવું.

“ને તારાં તો એાધાન પણ કેવાં દોયલાં હતાં ! તું તો માનો દુશ્મન હતો, ડાયલા !” એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો. “તું તો માના ઓદરમાંથી નીકળતો’તો જ કયાં ! તુંને ખબર છે ? તારી અપરમાયુંએ કામણટૂમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બા’ર નીકળ ને ! પૂતળું ભેાંમાં ભંડારેલ, ત્યાં સુધી તું યે માના પેટમાં પુરાયલ : પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ. એણેય સામાં કપટ કર્યા. ખોટેખેાટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયાફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભેામાં ભડારેલ માટલી ઉપાડીને જોયું, ત્યાં તો હે દોંગા ! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચેસાચ અવતરી ચૂકયો. સાંભળ્યું મારા મેાભી ? ”

કેાઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલીકાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથપગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર વાહણને ધાવતા દીઠો. ઝોંટાઈને સામે પડેલી ધાવવા સારુ પાછી વલખાં મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણે છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણે જણાં ઘુઘવાટા ક૨તાં લાગ્યાં.

પાંચેક વરસની અવધ વટી ગઈ હતી. વાહણ, નવઘણ અને જાહલ માને ખોળે મૂકીને ફળીમાં રમતાં થયાં છે. ત્રણે છોકરાં શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી રહ્યાં છે. એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ-વણથલીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ થયું. થાણદારે ગામફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુંય ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાએાને તેડાવી ઝરડકી દેવા માંડી : “બોલો, દેવાયત, બેાદડના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી ?”

તમામ આહીરેએ માથાં ધુણાવીને ના પાડી : “હોય, તો રામ જાણે; અમને ખબર નથી.”

” બોલો, નીકર હું જીવતી ખેાળ ઉતરડી દઈશ. હાથેપગે નાગફણિયું જડીશ.”

આહીરાણીનું ધાવણ ધાવેલા-એકવચની મુછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડયો.

પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂકાઈ ગયું હતું. લાલચના માર્યા, કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીએ પૂછયું : “આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઊઝરે છે એ વાત સાચી ?”

રૂપેરી હોકાની ઘૂંટ લેતાં દોંગું મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધો : ” સાચી વાત, બાપા ! સહુ જાણે છે. મલક છતરાયો જ નવઘણ મારે ઘેર ઊઝરે છે.”

આલિદર-બોડીદરના આહીર ડાયરાનાં મોઢાં ઉપર મશ ઢળી ગઈ, સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવઘણને દોરીને દઈ દેશે.

“આપા દેવાયત !” થાણદારે મે’ણું દીધું : ” રાજાના શત્રુને દુધ પાએ છો કે ? રાજનું વેર શીદ વહોર્યું ? સોંલકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઊઠીને કાવતરાં માંડયાં છે કે ? ”

” કાવતરું હોત તો સાચું શા સારુ કહી દેત ?”

” ત્યારે ?”

” મારે તો રાજભક્તિ દેખાડવી હતી, ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી, પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકિયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”

આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયેા લાગ્યો. કંઈકને દેવાયતના દેહના કટકેકટકા કરવાનું મન થયું. પણ ચોગરદમ સોલંકીએાની સમશેરો વીંટાઈ વળી હતી. ત્યાંથી કેાઈ ચસ દઈ શકે તેમ નહોતું.

“ત્યારે તો ઝાઝા રંગ તમને, આપા દેવાયત ! રાજ તમારી ભક્તિને ભૂલશે નહિ. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો.”

” ભલે બાપ ! અબઘડી ! લાવો દોતકલમ ! ઘર ઉપર કાગળ લખી દઉં.”

દેવાયતે અક્ષરે પાડયા કે, “આયરાણી, નવઘણને બનાવીઠનાવી રાજની રીતે અહીં આ આવેલા આદમી હારે રવાના કરજે.” વધુમાં ઉમેર્યું કે “રા’ રખતી વાત કરજે.”

” રા’ રખતી વાત કરજે !” એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહિ. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળશત્રુનો કબજો કરવા દોડયા. જઈને આહીરાણીને આહીરનો સંદેશો દીધો. વાહણની મા બધું છલ વરતી ગઈ.

” હં-અ બાપુ ! અમે તો ઈ જ વાટ જોઈને બેઠાં’તાં; ઈ લાલચે તો છેકરાને ઉઝેર્યો છે. લ્યો, તૈયાર કરીને લાવું છું.”

એમ ડેલીએ કહેવરાવીને આહીરાણીએ અંદરના ઊંંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણે બચ્ચાંને દીઠાં. ” વાહણ ! દીકરા ! ઊઠ્ય, અાંહી આવ ! તને તારો બાપ કચેરીમાં તેડાવે છે. લે, નવાં લૂગડાંઘરેણાં પહેરાવું;” એમ કહી સાદ દબાવી, આંખો લૂછી, એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડયું. ત્યાં બાકીનાં બન્ને છોકરાં દોડયાં આવ્યાં : ” મા, મને નહિ ? માડી, મને નહિ? મારેય જાવું છે ભાઈ ભેળું.” એવું બોલતો નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ એને પહેલી જ વાર દુઃખ લાગ્યું, બાળહૈયાને ઓછું આવ્યું. આજ સુધી તે મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી, અને આજ મને કાં તારવે છે? વાહણભાઈને હથિયાર પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ લઈ, ચોખા ચોડેલા ચાંદલા સાતે જયારે વળાવ્યો, ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો. “બેટા વાહણ ! વે’લો આવજે.” એટલું બોલી મા એારડે થંભી રહી. એણે દીકરાને જીવતોજાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ધા સંભળાઈઃ “વાહણને છેતરીને વળાવ્યો : આશરા-ધર્મના પાલન સાટુ.’

” લ્યો, બાપા ! આ ડિયાસ વંશના છેલ્લો દીવો સંભાળી લ્યો !” એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી. એને એક કેારે આહીરાણી સાંભરતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાઝતો હતો. “આયરાણી! ઝાઝા રંગ છે તને, જનેતા ! તેં તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો.”  આહીર ડાયરાએ છોકરાને એાળખ્યો. દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી, એ દેખીને આહીરોનાં હૈયાં ફાટુંફાટું થઈ રહ્યાં. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો; પણ એની મુખમુદ્રામાં કયાંયે ઝાંખપ ન દ

ેખાઈ.

ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંકયા કે : “તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડયો છે.”

“ત્યારે આ હત્યા કોની થઈ ?”

“એના પોતાના છોકરાની.”

“જૂઠી વાત, દેવાયત તો હસતો ઊભો હતો.”

“દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેયને પણ સગે હાથે એ રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે.”

“ત્યારે હવે શી રીતે ખાતરી કરીશું ?”

“બોલાવો દેવાયતની ધણિયાણીને, અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટના જણ્યો મર્યો હશે, તે એ માતાની અાંખોમાં પાણી આવશે. પુત્રની અાંખો ઉપર પગ મૂકતાં જનેતા ચીસ પાડશે.”

આહીરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું : ” જો આ તારો બાળક ન હોય તો એની અાંખેા પર પગ મૂક.”

દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતે આકાશ જાણે તૂટી પડ્યા.

પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી, એ ખબર આજે પડી; હસતે મોંએ આહીરાણીએ વાહણની અાંખો ચગદી. સૂબેદારને ખાતરી થઈ કે બસ. છેલ્લો દુશમન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી.

પાંચ વરસનો નવઘણ જેતજોતામાં તો પંદર વરસની. વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભેાંયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું, પણ દેવાયત. એને નીકળવા કેમ દે !

એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો. ખેતરે હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી. પણ પછી તો ઈલાજ ન રહ્યો.

સામે જ સાંતી ઊભું હતું; નવઘણ ત્યાં પહોંચ્યો. સાંતી હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતાં જ સાંતીના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાયું. બળદ કેમેય કરતાં ચાલ્યા નહિ. નવઘણ માટી ઉખેળીને જુએ ત્યાં તે દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું, ઊંચકાતાં ઊંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું એ કડું કોઈ ચીજની સાથે ચાંટયું હોય એમ લાગ્યું.

અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું, દેવાયત સમજી ગયા. તે વખતે તે સાંતી હાંકી બધાં ઘેર ગયાં, પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોનામહોરભર્યા સાત ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું કે, ‘બસ ! હવે આ બાળકનો સમો આવી પહોંરયો.’

દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામેગામના આહીરોને કંકોતરી મોકલી કે, ‘જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે અક્કેક હથિયાર લેતા આવજો.’

પહાડ સમાં અડીખમ શરીરવાળા, ગીરના સિંહોની સાથે જુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતને અાંગણે જમાવટ થઈ સહુની પાસે ચકચકતાં ઢાલ, તલવાર, કટારી, ભાલાં એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયાં છે. કાટેલી કે બૂઠી તલવારને ઘાએ પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભેાગળ સમી ભુજાઓ હતી. આખી નાત આલિદર-બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા, આજે એ નાતના પટેલને ઘર આંગણે પહેલો જ અવસર હતો, એમ સમજીને મહેમાનોનાં જૂથ ઊતરી પડયાં. દેવાયતે તેડું મોકલેલું કે, ‘પાઘડીને અાંટો લઈ જાણનાર એકેએક આયર આ સમો સાચવવા આવી પહોંચજો.’ આહીરની આખી જાત હૂકળી.

દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું : “આ મારે પહેલવહેલો સમો છે. વળી હું સોળંકીરાજનો સ્વામીભક્તિ છું. આજે મારે ઉંબરે સોરઠના રાજાનાં પગલાં કરાવવાં છે, ભાઈઓ ! એટલે આપણે સહુએ મળીને જૂનેગઢ તેડું કરવા જાવું છે.”

ઘેાડે-સાંઢિયે રાંગ વાળીને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામેગામથી નવા નવા જુવાનો જોડાય છે. ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકી ઓનાં ઠાણમાં ઘેાડાંએ ખૂંદણ મચાવી. જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા, ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામેગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારની ટૂંકેટૂંકે દીવા તબકતા હતા.

દેવાયતનું વેણ ફરી વળ્યું : ” ભાઈઓ, ઘેાડાં લાદ કરી લ્યો એટલી વાર સહુ હેઠા ઊતરો. સહુ પોતપોતાનાં ઘેાડાં-સાંઢિયાના ઊગટા બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો.”

સોય પડે તોયે સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ મેલીને પૂછયું : “આને તમે એાળખો છો ?”

સહુ ચૂપ રહ્યા.

“આ પંડે જ ડિયાસને દીકરો નવઘણ, તે દી એને સાટે કપાયો, એ તો હતો નકલી નવઘણ. મારો વાહણ હતો એ. જોઈ લ્યો સહુ, આ જૂનાણાના ધણીને.”

ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયેા હતેા.

દેવાયતે કહ્યું : “આહીર ભાઈઓ ! આજ આપણે સેાળંકી રાજને આવવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે નહિ તેની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે. જાહલને હું અટાણે કઈ ઠારકે પરણાવું ? આની મા — મારી ધર્મની માનેલ બોન – મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે ?”

દેવાયત નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો : “જુવાન ! તું મોદળને ધણી છો. આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળજૂનું નગારું પડયું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. કૈંક જુગનું એ પડયું છે. સોળ વરસથી એ અબોલ બેઠું છે આજ તારી ભુજાએાથી એને દાંડીના ઘાવ દેજે, એકોએક આયર બચ્ચો તારી ભેરે છે.”

નવઘણનાં નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યાં. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમેરોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂકયો. વહાલો ભાઈ વાહણ તે દિવસે પોતાને સાટે કપાયેા હતો, તેનું વેર રાતનાં અંધારાંમાંથી જાણે પોકારી ઊઠયું.

“ત્યારે શું ? જે મોરલીધર !” દેવાયતે સવાલ પૂછયો.

” જે મોરલીધર !” ડાયરાએ બોલ ઝીલ્યો.

કટક ઊપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘેાડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હાલ્યો.

ગીરકાંઠાણો આહીર ડાયરો આજે તેડે આવે છે : ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સાલંકીએાના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝાં આદરમાન દેવા સારૂ ખડા હતા. હજાર આહીરો ઉપરકોટમાં હૂકળી રહ્યા, અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સહુની નજર પડયું.

” આપા ! આવડું મોટું આ શું છે ? ” નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો.

“બાપ ! ઈ રાજનગારું. ઈ વાગે ત્યારે રાજપલટો થાય. ”  ” એમ ? તઈં તો ઠીક !” કહી નવઘણ ઠેકી પડયો. દાંડી ઉપાડીને મંડ્યો ધડૂસવા : રડીબામ ! રડીબામ ! રડીબામ! ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધણધણી ઊઠયો, અડીકડી વાવમાંથી સામો અવાજ ઊઠયા: દીવાલે-દીવાલ બોલી કે, ‘ આવ્યો ! આવ્યો ! કાળદૂત આવી પહેાંચ્યો !’

– અને પછી દેકારો બોલ્યો. હજાર આહીરોની દૂધમલ ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીએાના લેાહીની નદીમાં પાશેર પાશેરનો પા’ણો તણાયો.

પ્રભાતને પહોર નવઘણને કપાળે રાજતિલક ચોડાયું. આહીરેાનાં થાણાં ઠેર ઠેર બેસી ગયાં.

“હાં ! હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી કયે સુખે સંસાર માંડત! બાપ, સોરઠના ધણી ! હવે તો બોનના હાથે તિલક લેવા આલિદર પધારો.”

જાહલબહેન સંસતિયા નામના જુવાન આહીરની સાથે ચાર ફેરા ફરી. લીલુડે માંડવે સોરઠનો ધણી ઊઠીને લગન માણવા બેઠો. જાહલે ભાઈને ટિલાવ્યો. ભાઈએ હાથ લાંબો કર્યો : ” બે’ન ! કાપડાની કેાર આપવી છે.”

જાહલ બોલી : ” આજ નહિ, વીરા મારા ! ટાણું આવ્ય માગીશ. તારું કાપડું આજ કાંઈ હોય ! તારા કાપડાનું શું એવડું જ માત્યમ છે મારે ?”

નવઘણ સમજી ગયો, બહેનનાં વારણાં પામીને એ

જૂનાગઢ ગયો. જોતજોતામાં સોરઠ કડે કરી.

દસબાર વરસનો ગાળો નીકળી ગયો છે. દેવાયત બોદડ અને આહીરાણીના દેહ પડી ગયા છે. દીકરી જાહલ અને જમાઈ સંસતિઓ પોતાનો માલ ઘોળીને પરમુલકમાં ઊતરી ગયાં છે. સોરઠમાં એવો દુકાળ ફાટયો છે કે ગાયેા મકોડા ચરે છે. ગામડાં ઉજજડ પડયાં છે. માલધારીએાનાં મવાડાં, કોઈ માળવે, કોઈ સિંધમાં ને કોઈ ગુજરાતમાં નોખનોખાં વાંઢ્યો લઈ લઈ દુકાળ વરતવા નીકળી પડયાં છે.

નવઘણની તો હવે પચીસી બેઠી હતી. ભુજાઓ ફાટફાટ થતી હતી. ધીંગાણાં વિના ધરાઈને ધાન ખાવું ભાવતું નહોતું. સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણીવીણીને કાઢયા છે. ગરવાનો ધણી નવા નવા રણસંગ્રામ ગેાતે છે, ભાલાં ભેડવવા આવનાર નવા શત્રુઓની વાટ જોવે છે. ગીરની ઘટાટોપ ઝાડીએામાં ઘેાડલાં ઝીંકીઝીંકી સાવજના શિકાર ખેલે છે, કરાડો, પહાડો ને ભેખડોનું જીવતર એના જીવને પ્યારું થઈ પડયું છે. હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘેાડાના ડાબલા હેઠળ ખૂંદાય છે. નાંદીવેલા અને વાંસાઢોળની ડુંગરમાળ નવઘણનાં પગલાંને ‘ખમા ! ખમા !’ કરતી ધણેણી હાલે છે, સાવજદીપડાની ડણકો, ડુંગરાની ટૂંકેટૂંક ઉપર ઠેકાઠેક, અને ઘુઘવાટા સંભળાવીને પોતાની ભેખડો ઉપર રા’ને પોઢાડતી નદીઓનાં પથ્થર-એશીકાં : એ બધાં જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ છે.

એવા સમયમાં એક દિવસ એક ચીંથરેહાલ આદમી ઉપરકોટને દરવાજે આંટા દેવા લાગ્યો. એને અંદર દાખલ થવું હતું. પહેરેગીરે તેને અટકાવ્યો : ” શું કામ છે ?”

” મારે રા’ને રૂબરૂ મળવું છે.”

“રા’ને પંડ્યને? રૂબરૂ મળવું છે ? તારે ભિખારડાને ?” સહુ ખિખિયાટા કરવા લાગ્યા. “મારે રા’ને સંદેશો દેવો છે. ઢીલ કરવા જેવું નથી. રા’ને ઝટ ખબર આપો.”

માણસેાએ એને કાલો ગણીને કાઢી મૂકયો. પણ એ આદમી ખસ્યો નહિ; એને એક તરકીબ હાથ લાગી. દોડ્યો ગયો ગિરનારના શેષાવનમાં. બળબળતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડાં થોડાં લીલાં ખડ ઊગેલાં, ત્યાં જઈ પહેાંચ્યો. ભારી બાંધીને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો.

નવઘણના ઘોડાના ઠાણિયાઓ દોડયા : “એલા, એ ભારી મને વેચાતી દે ! મને દે ! મને દે ! એવા પોકાર પડ્યા. સહુને રા’ના નોખાનોખા ધોડાની માવજત સારી કરી દેખાડવી હતી. એવા કાળમાં પોતપોતાના ઘેાડાને લીલવણી ઘાસ નીરવાની હોંશ કોને ન હોય ?

પણ ભારી લાવનારને જાણ થઈ ચૂકી હતી કે સહુ ઘેાડામાંથી ઝપડો ઘેાડો નવઘણણો માનીતો હતો. સાત સાત દિવસે રા’ ઝપડાનું ઠાણ તપાસવા આવતો. ત્યાં મારો ભેટો થશે એમ સમજીને એ ભિખારી ત્યાં જ ભારીઓ લાવતો હતેા. ઝપડા ઘોડાને ખીલે એ સાતમા દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો.

જુવાન નવઘણ જેવા ઝપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ આ અજાણ્યો આદમી સામે જઈ ઊભો રહ્યો. ‘રામરામ’ કર્યા.

નવઘણે મીટ માંડી, અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એક વાર દીઠેલ છે. “રામરામ, ભાઈ! કેાણ છો ? કયાંથી આવ્યા છો ?”

આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથાબંધણાના લીરામાં અમેાલખ રતનની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી રા’ના હાથમાં આપ્યો. મેલાઘેલા રેળાઈ ગયેલ અક્ષરોને રા’ ઉકેલવા લાગ્યો. કાગળના લખાણ ઉપર આંસુના છાંટા છંટવાઈ ગયા હતા. રા’ની અાંખો ચમકી ઊઠી. એના હોઠ વાંચવા લાગ્યા. પહેલો સોરઠો વાંચ્યો:

માંડવ અમારે માલતો, (તે દી ) બંધાવા, દીધેલ બેાલ,
( આજ ) કર કપડાની કોર, જાહલને જૂનાના ધણી !

હે બાંધવ, તે દિવસે મારા લગ્નમંડપ નીચે તું મહાલતો હતો તે વેળા તેં મને કાપડું માગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવ્યે માગીશ. હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે.

“બોન જાહલનો કાગળ ?” નવઘણે જુવાનની સામે જોયું. “કેાણ, સંસતિયો તો નહિ !”

જુવાનની આંખોમાં ઝળઝળિયાં હતાં. એ અબોલ ઊભે રહ્યો.

“તારી આ દશા, ભાઈ!” કહીને નવઘણ સંસતિયાને ભેટી પડ્યો. ” આ શું છે ? તું કેમ કાંઈ કહેતો નથી ?”

” કાગળ જ બધું કહેશે.”

નવઘણે આગળ વાંચ્યું : સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા : એક પછી એક કેવા કારમા ઘા કર્યા છે બહેને :

નવધણ, તમણે નેહ, ( અમે ) થાનોરવ ઠરિયાં નહિ,
( કાંઉ ) બાળક બાળ્યપ લ્યે, અણધાવ્યાં ઊઝર્યાં અમ
હે વીરા નવઘણ, તારા ઉપરના સ્નેહને લીધે તે હું માતાના થાનેાલા (સ્તન) ઉપર ટકી નહોતી, તને ઉછેરવા સારૂ તો માએ મને ઝોંટીને આઘી ફગાવેલી, એમ હું તો ધાવ્યા વિના ઊછરી. એમાં મારૂ બાળપણ શી રીતે બલવંત બને ? હું આજ ઓશિયાળો બેઠી છું.

નવઘણને બાળપણ સાંભર્યું’.” અને, હે ભાઈ!

તું આડો મેં આપિયો, વાહણુમાયલો વીર,
સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી !
તારી આડે – તારી રક્ષા ખાતર – તે મેં મારા માડીજાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ વાત તું બરાબર સમજજે !

પણ શું બન્યું છે? બે’નડી ઉપર શી વિપત પડી છે ? બહેન આજ આવાં આકરાં સંભારણા કાં આગળ ધરી રહી છે ? પછીનો સોરઠો વાંચ્યો :

તું નો’તે જે નુઈ, તે તું હુતે હુઈ!
વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી !
હે વીરા ! તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ જીવતાં છતાં આ બધું આ જ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહેાતું ભોગવવું પડયું. વિધાતાના કેવા વાંકા લેખ !

” હે ભાઈ !

કૂવે કાદવ અાવિયા, નદીએ ખૂટ્યાં નીર,
સોરઠ સતાળો પડ્યો, વરતવા આવ્યા વીર !
સોરઠ દેશમાં સુડતાળો કાળ પડયો, નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયાં, અમારાં ઢોરને કોઈ આધાર ન રહ્યો, એટલે અમારે ભેંસો હાંકીને પેટગુજારા સારૂ છેક અાંહી સિંધમાં આવવું પડયું.

” અાંહીં અમારા શા હાલ થયા છે ?

કાબલિયા નજરું કરે, મુંગલ ને મિયાં,
અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.
મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે, એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર ( છાતી ) ઉપર પડયા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે,

નહિ મોસાળે માવલો, નહિ માડીજાયો વીર,
સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.
મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ અાંહીં રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે, ને હું આજ અસહાય છું, કેમ કે મારે નથી મોસાળમાં વહાલો ( મામો ) કે નથી મારે માનો જણ્યો ભાઈ, એટલે જ મારી આ ગતિ ને !

નવઘણ વાંચી રહ્યો. ડળક ડળક એનાં નેત્રોમાંથી અાંસુ દડવા લાગ્યાં. બહેનને મારી પાંતીનું આટલું બધું એાછું આવ્યું ! કેમ ન આવે ! આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે !

નવઘણે સંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી. સંસતિયાએ માંડીને અથ-ઈતિ કહી : ” માલ લઈને અમે જંગલેામાં નદીકાંઠે નેસ નાખીને પડયાં હતાં. અમે સહુ ચારવા નીકળેલા. વાંસેથી જાહલ તળાવકાંઠે નહાતી હતી. શિકારે નીકળેલા હમીર સૂમરાએ જાહલનાં રૂપ નીરખ્યાં. હેમની પાટ્ય સરીખા સોરઠિયાણીના વાંસા ઉપર વાસુકિ નાગ પડયો હોય તેવો સવા વાંભનો ચોટલો દીઠો. આહીરાણીનાં ગોરાંગોરાં રૂપ દીઠાં; પહાડપુત્રીની ઘાટીલી કાયા દીઠી; સૂમરો ગાંડોતૂર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી. અમે બહુ સૂનમૂન થઈ ગયાં. પણ જાહલે જુક્તિ વાપરી: ‘મારે છ મહિનાનું શિયળવ્રત છે. માતાની માનતા છે. પછી ખુશીથી સૂમરા રાજાનું પટરાણીપદ સ્વીકારીશ.’ એવું કહી ફોસલાવી, છ માસની મહેતલ મેળવી, આ કાગળ લઈ અાંહી મને મોકલ્યો છે. હું છાનેમાને નીકળી આવ્યો છું.  અવધ હવે ઓછી રહી છે. છ મહિના પૂરા થયે તો જાહલ જીભ કરડીને મરશે, પાપીને હાથ નહિ પડે.


વીરો નવઘણ બહેનની વારે ચડ્યો. મેાદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.

[ ૧ ]
*[૧] નવલાખ ધોડે ચડયો નવઘણ સુમરા-ધર સલ્લડે,
સર સાત ખળભળ, શેષ સળવળ, ચાર ચકધર ચળવળે,
અણરૂપ આયો શંધ ઉપર અળાં રજ અંબર અડી,

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
સુમરાની ધરતીને રોળવા સારુ નવઘણ નવ લાખ ઘેાડે ચડ્યો. ભાર થકી સાત સાગરો ખળભળ્યા, શેષનાગ સળવળ્યો અને ચાર ખંડો ડગમગ્યા. આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળુ વિનાનાં (ભૂખ્યાં) મનુષ્યોને વાળુ (રાતનું ભોજન) પૂરનારી દેવી વરૂવડી, હે નરા શાખના ચારણની દીકરી (નરહી), તારે પ્રતાપે આમ થયું.

ભેળા ભલભલા વીરભદ્રો છે. નવઘણનો સાળો અયપ પરમાર છે : કાળઝાળ ફરશી ભાટ છે : ગીરના શાદૂળા આહીરો છે : ચૂડાસમા જદુવંશી રજપૂતો છેઃ રા’ની ધર્મબહેનનાં શિયળ રક્ષવા સારુ આખી સેરઠ ઊમટી છે. નવજવાન નવઘણ પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલ છે. અને –

↑ *આ છંદ સારસી નામનો છે. વરુવડી નામની ચારણદેવી કે જેણે
નવઘણને સિંધ પર ચડાઈ લઈ જવામાં સહાય કરી હોવાનું કહેવાય છે
તેની સ્તુતિનું આ વીરકાવ્ય છે, અને એમાં નવઘણ વરૂવડીના મેળાપને
ઇતિહાસ સંકળાયો છે. આ કાવ્યની એક પછી એક કડી ટંકાતી આવશે.

શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરૂવડીની રજા માગી. વરૂવડીએ પૂછયું : ” બાપ, કયે કેડે સિંધ પોગવું છે ?”

“આઈ, સીધે રસ્તે તો આડો સમદર છે. ફેરમાં જવું પડશે.”

” અવધે પોગાશે ?”

“એ જ વિમાસણ છે, આઈ!” નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા. પલેપલ એની નજર સામે બહેન જાહલ તરવરે છે. સૂમરો જાણે કે જાહલના નેસ ઉપર માર-માર કરતો ધસી રહ્યો છે. બહેનની ને એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે. સૂમરો જાહલના મડદાને ચૂંથશે ?

“વીર નવઘણ !” વરૂવડીએ વારણાં લઈને સિંદૂરનો ચાંદલો કરતાં કહ્યું : “ફેરમાં ન જાશો, સીધે જ મારગે ઘેાડાં હાંકજો. સમદરને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણીને માથે જો કાળીદેવ્ય ( કાળી દેવચકલી ) આવીને બેસે તો તો બીક રાખ્યા વિના દરિયામાં ઘેાડો નાખજે. થડકીશ મા, તારા ઝપડાને પગે છબછબિયાં, ને કટકના પગમાં ખેપટ ઊડતી આવશે. કાળીદેવ્ય દરિયો શેાષી લેશે.”

આશીર્વાદ લઈને કટક ઊપડયું. દરિયાકાંઠે જઈ ઊભા. દૈત્યની સેના જેવાં મોજાં ત્રાડ પાડતાં છલાંગો મારે છે. દરિયાઈ પીરની ફોજના કરોડો નીલવરણા ઘોડા જાણે હણહણાટ કરે છે ને દૂધલાં ફીણની કેશવાળીઓ ઝુલાવે છે. એક એક મોજાના મરોડમાં કેાઈ જાતવંત અશ્વોની બંકી ગરદન રચાઈ છે. જળનો દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢીને જાણે ધરતીનાં રાજપાટ જીતવા તલપી રહ્યો છે. પલકમાં તો ગગનથી ચીંકાર કરતી મેઘવરણી કાળીદેવ્ય, જાણે કે કોઈ વાદળમાં બાંધેલ માળામાંથી આવીને નવઘણને ભાલે બેસી ગઈ.

“જે જગદંબા !” એવી હાકલ કરીને જુવાન નવઘણે ઝપડાને જળમાં ઝીંકયો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળઘોડલીએાની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજનાં ઘોડાં ખાબકયાં. મેાજા બેય બાજુ ખસીને ઊભાં. વચ્ચે કેડી પડી ગઈ. પાણીનાં ઘોડલાં ડાબાં ને જમણાં ઘણે દૂર દૂર દોડયાં ગયાં. ( આજ આ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે. )

કચ્છ વળેાટીને ગરવોરાજ સૂમરાની ધરા ઉપર ઊતર્યો : “સંસતિયા ! હવે ઝટ મને લઈ જા, કયાં છે તમારા નેસ ? કયાં બેઠી છે દુખિયારી બહેન ? તું આગળ થા ! બહેનનાં આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ.” એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે.

– અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે : કયાંય ભાઈ આવે છે ? વીર મારાનો કયાંય નેજો કળાય છે ? આજ સાંજ સુધીમાં નહિ આવે, તો પછી રાત તો સૂમરાની થવાની છે. સૂમરો સોયરે અાંખો અાંજીને, લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને, ડોલર-માગરાનો અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સૂમરાને ઢોલિયે આજ અધરાતે તો મારું મડદું સૂતું હશે. ઓહોહો ! ભાઈ શું નહિ જ આવે ? ભાઈ શું બોલકોલ ભૂલ્યો ? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું ? જીવવાની મમતા ન મુકાઈ? મરવું શું મારા વીરને વસમું લાગ્યું ?

સાંજ પડી. તારોડિયા ઊગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સૂનસાન બન્યો, આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભધરતી એકાકાર બની રહ્યાં હતાં. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી.

ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બો૯યા ધરતી થરથરી. મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિ- યાણીનાં શિયળ લૂંટનારો આવે છે, ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના નેજા ઝળેળ્યા. ભાઈ ને ભાલે બહેનને દેવાનું કાપડું ફરુકી ઊઠયું. સૂમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા.

આવી પહોંચ્યો ! આવી પહોંચ્યો ! ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો.

નવધણ ઘોડાં ફેરવે, ( એને ) ભાલે વરૂવડ આઈ,
માર બાણું લખ સંધવો, ( મને ) વીસરે વાહણ ભાઈ.

એને ભાલે વરૂવડી કાળીદેવ્ય બનીને બેઠી છે. એ જ મારો ભાઈ ! શાબાશ વીરા ! આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે મને મારો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય.

બહેન દેખે છે અને ભાઈ ઝૂઝે છે. સોરઠ અને સિંધની સેનાએ આફળે છે. સવાર પડયું ત્યાં તો રંગીલા સૂમરાની અતલસે મઢેલી લાશ બહેનના નેસને ઝાંપે રોળાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુંગલાએાની હજારો દાઢીએા પવનમાં ફરફરતી હતી.

*

દંતકથા આગળ ચાલે છે કે –

સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી, નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અક્કેક ઈટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરૂવડી માતાની દેરી ચણાવશું. તમામે અક્કેક ઇંટ ઉપાડી લીધી, પણ રાજાના સાળા અયપ પરમારે અહંકાર કરી ઉદ્દગાર કાઢયો : ” હું રાજાનો સાળો, આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી, ખડ્‌ગ ચલાવવા માટે છે, હું નહિ ઉપાડું.”

વરૂવડીના ધામે સેના આવી પહોંચી, પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી. રા’એ આવીને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી. એણે પૂછયું : ” આ એક ઈંટ કેમ ખૂટે છે ?”

માણસો મૂંઝાયા. ઉત્તર આપી ન શકાયો, છેવટે જવાબ વાળ્યો : “માતાનો દીવો કરવા માટે એ ગોખલો રાખ્યો છે.” આખરે માલૂમ પડયું કે મિથ્યાભિમાની અયપ પરમારે પોતાના ભાગની ઇંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે.

એ નવી ચણાવેલી દેરીના ઉંબરમાં જ નવઘણની તલવારના ઘાએ અયપનું મસ્તક કપાઇને નીચે પડ્યું. સેના જુનાગઢ તરફ ચાલી નીકળી.

વરૂવડી માતા એ દેરી પાસે આવ્યાં. જોયું તો અયપનું માથું ને ધડ રઝળતાં પડેલાં. પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી છંટાયેલું એ દેવીથી ન સહેવાયું. અયપે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો. તોયે એ નિરભિમાની ચારણીનું મન ન દુભાયું. એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. અયપ સજીવન થયો.

હાથમાં ભાલો ઉઠાવી ઘોડા દોડાવતો લોહીનો તરસ્યો અયપ નવઘણની પાછળ પડયો. બરાબર જૂનાગઢના ઝાંપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો.

પરંતુ નવઘણના એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જેયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપને પકડી લીધો.

એ પ્રસંગે મીશણ કુંચાળા નામના ચારણે દુહો કહ્યો કે:

જડ ચૂક્યો ઝપડા જદી, ભાલા અયપકા,
માતા લીએ વારુણાં, નવઘણ ઘર આયા.

[ અયપના ભાલાનો ધા ઝપડાએ ચુકાવી લીધો, તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા, ને માતાએ ઓવારણાં લીધા.]

વરૂવડીનો છંદ આગળ વધે છે :

[ ૫ ]

કા૫ડી છો લખ જાત્ર કારણ એહ વહેતા અાયિહા,[૧]
દોહણે હેંકણ [૨] તે જ દેવી પંથ વહેતા પાહિયા.[૩]
સત ધન્યો વરૂવડ, કિરણ સૂરજ પ્રસધ નવખંડ પરવડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !

[ એવી જ રીતે છ લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરૂવડી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા સતને, માતા ! તારી કીર્તિ નવ ખંડની અંદર સૂર્યના પ્રકાશની માફક પ્રસરી વળી છે. ]

[ ૬ ]

અણ ગરથ[૪]ઉણથે [૫]સગ્રેહ[૬] હેકણ, પોરસે દળ પોખીઆ,
કે વાર જીમણ ધ્રવે કટકહ, સમંદર પડ સોખીઅા.
અણરૂપ ઊંંડી નાખ્ય અાખા, સજણ જળતણ શગ ચડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !

એ રીતે બહુ હોંશ કરીને તેં મોટા સૈન્યને જમાડયું, અને સમુદ્રને શોષી લીધો.

[૭]

કામઈ તુંહી કરનલ, આદ્ય દેવી આવડી,
શવદેવી તુંહી તુંહી એણલ, ખરી દેવલ ખૂબડી,
વડદેવ વડીઆ પાટ વરૂવડ, લિયા નવલખ લોબડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !

કામઈ, કરનલ, શવદેવ્ય, એણલ અને ખોડિયાર[૭] એ તમામ દેવીઓરૂપે તું લીલા કરે છે. ‘નવલખ લેાબડિયાળી’ નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારાં જ સ્વરૂપો છે. ]

↑ ૧. અાયિહા– આયા, અાવ્યા.
↑ ૨. દોહણે હેંકણ – એક જ દોણામાંથી
↑ ૩. પાહિયા – જમાડ્યા.
↑ ૪. અણ ગરથ = ધન વગર.
↑ પ. ઉણથે =સાધનહીન.
↑ ૬. સગ્રેહ = સારે ઘરે, વરૂડીને નિવાસસ્થાને.
↑ * ખોડિયાર એક પગે ખોડાં હોવાથી ‘ ખૂબડી ‘ કહેવાય છે.

Parmar એક તેતર ને કારણે

Standard

એક તેતરને કારણે

પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાએાએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટયા, તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા.

image

સોળે કળાએ શેભતો તેજસ્વી નર નીકળ્યો, તે સેાળંકી કહેવાયો. ચારે ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ ( ચૌહાણ ) કહેવાયો. કુંડમાંથી નીકળતાં નીકળતાં પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડયું; એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા.

આખરે અગ્નિના ભડકામાંથી ‘માર ! માર !’ની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને ‘પર’ કહેતાં રાક્ષસને જેણે સંહાર્યો, તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિતોડ ઉપર એના વંશની આણ વrતી ગઈ ચિતોડગઢનાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઊતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરને નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું, ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ : રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજુ કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા; નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા: રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા; રૈયતની સાથેસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ –

અંગ પોરસ, રસણે અમૃત, ભુજ પરચો રજભાર,
સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર.
સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.

બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા: આખેાજી, આસેાજી, લખધીરજી ને મૂંજોજી મા અને દીકરા ગોડી પારસનાથજીનાં* મોટાં ભક્ત હતાં.

સંવત ૧૪૭૪ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડયાં. બે હજાર સોઢાઓ પોતાનાં ઢોર લઈ ને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે ? માટે આખોજી બોલ્યા : “ભાઈ લખધીર! તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને આસો અાંહી રહીશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઈ બોલ્યાં : “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા કયાંથી મળશે ? માટે હુંય સાથે ચાલીશ.”

માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાનાં ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા.

પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથનાં દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડયું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવનાં દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ તેમ પીલુ પહોંચવામાં મોડું થવા માંડયું. એક પહોર, બે પહોર, ચાર પહોર, ને પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા : ‘ બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતાં જ તને ગાયનું એક ઘણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદશે, તો તને એક પ્રતિમા જડશે એ પ્રતિમાનાં દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઈ જજે, ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહિ, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે.’

બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી, ને મૂર્તિ જડી. એ માંડવ-રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખેાળામાં લઈને બેઠાં અને સોનાના થાળ સરખી પાંચાળ-ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે, કેવો છે એ પાંચાળ દેશ ?

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભેાય દેવકો પાંચાળ. (૧)

એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાર ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.

ગૂઢે વસ્તરે ગોરિયાં, પગની પિંડીનો તાલ,
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ. (૨)

પાંચાળની સ્ત્રીઓમાં વિશેષે કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.

એાદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ,
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ. (૩)

જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે તેથીયે વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે.

નરનારી બન્ને ભલાં, કદી ન અાંગણ કાળ,
અાવેલને અાદર કરે, પડ જોવો પાંચાળ. (૪)

અાછાં પાણી વીરડે, ધરતી લાંપડિયાળ,
સ૨ ભર્યા સારસ લવે, પડ જોવો પાંચાળ. (૫)

જેની ધરતી લાંપડ (કાંટાવાળા) ઊંંચા ઘાસથી ઢંકાયેલી છે, જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવાં નિર્મળ પાણી પીએ છે, જેનાં ભરપૂર સરોવરડાંમાં સારસ પક્ષીઓ કલ્લોલ કરતાં હોય છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે.

નદી ખળકે નિઝરણાં મલપતાં પીએ માલ,
ગાળે કસૂંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. (૬)

જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ (ગાયભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાં નીર પીએ છે, જ્યાં ગોવાળ લોકો અફીણના કસૂંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે.

ઠાંગો માંડવ ઠીક છે, કદી ન અાંગણ કાળ
ચારપગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ. (૭)

જ્યાં ઠાંગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપગાં જાનવરો ફરે છે એવા એ પાંચાળ દેશ છે.

તાતા તોરિંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ,
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ. (૮)

જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર, રંગરંગના ઘોડા નીપજે છે.

કૂકડકંધા મૃગકૂદણા, શત્રુને હૈયે સાલ,
નવરંગ તોરિંગ નીપજે, પડ જોવો પાંચાળ. (૯)

જયાં કૂકડાના જેવી ઊભી ગરદનવાળા, અને દુશ્મનેાના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે.

કળ ડોળી ફળ લીંબોળી, વનસ્પતિ હરમાળ,
(પણ) નર પટાધર નીપજે, બોંય દેવકો પાંચાળ.(૧૦)

કુળનાં જુએ તે ઘણું ખરું કેાળીના જ કુળ વસે છે.(કોળીની સંખ્યા બહુ મોટી છે ), ફળમાં લીંબોળી બહુ થાય છે, અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે, એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષે પાકે છે, એ દેવભૂમિ પાંચાળ છે.

ચાલતાં ચાલતાં એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર, એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો, પણ પૈડાં ચસકયાં નહિ. નાડાં બાંધી-બાંધીને રથ તાણ્યો, પણ નાડાં તૂટી ગયાં. લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીટી, પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું : “હે ઠાકર ! તે દિવસ સ્વપ્નામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું. પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે ? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું.”

એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તે આરસપા’ણની ભેાં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડયા, નાનાં ઝૂંપડાં ઊભાં કરી દીધાં, અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરાં, ઘેટાં ને ઊંટ, બધાં પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતાં ગજવતાં લહેરથી ચરવા લાગ્યાં. જે નેરામાં રથ થંભી ગયેા હતો તે અત્યારે પણ ‘નાડાતેાડિયું’ નામથી એાળખાય છે.

પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય ? પરમારનો દીકરો – અને વળી પ્રભુનો સેવક – લખધીરજી તપાસ કરવા માંડયા. ખબર પડી કે વઢવાણના રાજા વીસળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મૂંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વીસળદેવ ચોપાટ રમે છે, ત્યાં જઈને પરમારે ઘેાડીએથી ઊતરી, [ ૫૫ ] ઘેાડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી, બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામરામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવભીની બે મોટી આંખો, અને હજુ તે ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી “માર ! માર!” કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો : જોતાં તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમારપુત્ર વીસળદેવજીના હૈયામાં વસી ગયેા. મહેમાન કયાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે, એવું પૂછયા વિના પાધરે રાજાએ સવાલ કર્યો :

“ ચેાપાટે રમશો ?”

“ જેવી મરજી.”

“ ઘેાડી બાંધી દ્યો.”

“ ના, રાજ ! ઘેાડી મારી હેવાઈ છે. બીજે નહિ બંધાય. એક તરણુંયે મોંમાં નહિ લ્યે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે.”

હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસૂરી માંડીને હણહણાટી દીધી. વીસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો; અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વીસળદેવ મોહ પામી ગયા.

સાંજ પડી એટલે વીસળદેવે એળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી : “દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો તો માલ ચારીએ.”

વીસળદેવ બોલ્યા : “ એ ભેાં તો ઉજજડ પડી છે : તમે પચાવી પડયા હોત તોપણ બની શકત, પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોપું છું. સુખેથી ગામ બાંધો. પણ ઊભા રહો, એક શરત છે. રોજરોજ આંહી ચોપાટ રમવા આવવું પડશે.” લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી, રાંગ વાળી, પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો : “વાહ રજપૂત ! કાંઈ વંકો રજપૂત છે ! રાજપૂતી આંટો લઈ ગઈ છે !”

ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લેાહી ભર્યું હતું.. પેટમાં પાપ ઊગ્યું હતું.

એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મૂંજાજીએ એને વાત કહી : “ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈ ને હસ્યા !”

ચતુર લખધીરજીએ વાત રોળીટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મૂંજાજીને માથે ભાર છે : તે વગર પ્રતિમા હસે નહિ.

“ માડી ! સાંભળ્યું કે ?”

“શું છે, છોડી ?”

“ આ એાલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચેાપાટે રમવા આવે છે, એની ખબર છે ને ?”

“હા, એ રેાયો આવે છે ત્યારથી દરબારે એારડે આવવાનુંય એાછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથડ સોઢાએ. ”

“મા, તમે તે બહુ ભોળાં છો. સાચી વાત કહું ? એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બે’ન છે. મારા બાપુને વિવા કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આંહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય-આવે છે.”

ઠાકાર વીસળદેવનાં ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વીસળ [ ૫૭ ] દેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાએાએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી.

રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ શોક્ય આવશે. એનાં રૂંવાડાં સડસડ બળવા લાગ્યાં. એનું પિયર સાયલે હતું. પિયરિયાં ચભાડ જાતનાં રજપૂત હતાં. પોતાના ભાઈભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફાડી ઊઠી : “મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છે. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ આંહીંથી નીકળી જશે. માટે મારા ભાઈએા હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખે, અને મારી-મારીને પાછા પારકરને રસ્તેા પકડાવો.”

જંગલ તેતર ઊડિયો, આવ્યો રાજદુવાર,
ચભાડ સહુ ઘોડે ચડયા, બાંધી ઊભા બાર.

“તેતર ઘવાણો, બરાબર ઘવાણો !” તીરંદાજોએ ચાસકા કર્યા. ‘કિયો ! કિયો ! કિયો !’ એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઊડી શકતું નથી. પગ સાબૂત છે તેથી દોટાદોટ કરવા લાગ્યું. વનનાં બીજા પક્ષીએાએ કળેળાટ મચાવી મૂકયો.

“હા, હવે ધ્યાન રાખજો, ભાઈઓ ! જોજો. તેતર બીજે જાય નહિ. હાંકો આ પરમારેાના ઉચાળામાં, કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે.”

એમ બોલતાં એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંકયો.

ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો, અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાતપૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજઠની નીચે લપાઈ ગયો. મા જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને આંહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુજાપની માળા પડતી મૂકીને એમણે બાજઠ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતરબોળ પંખીને. હૈયાસરસું ચાંપીને પંપાળવા માંડયું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. મા તેતરને પંપાળતાં પંપાળતાં કહેવા લાગ્યાં કે : “બી મા, મારા બાપ ! હવે આંહીં મારે હૈયે ચડયા પછી તને બીક કોની છે ? થરથર મા હવે, આ તો રજપૂતાણીને ખોળો છે, મારા બચ્ચા !”

ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોનાં ઘેાડાં હમચી ખૂંદતાં હતાં અને ચભાડો ચાસકેચાસકા કરતા હતા : “આંહીં ગયો. એલા, અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા ?”

સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા : “ કોણ છો તમે સહુ, માડુ ? આટલા બધા રીડિયા શીદ કરો છો ? આંહીં બચરવાળેાના ઉચાળા છે. એટલું તો ધ્યાન રાખો, ભાઈઓ !”

“અમારો ચોર કાઢી આપો જલદી. ચેારી ઉપર શિરજોરી કરો મા.” ચભાડોએ તોછડાઈ માંડી.

“કોણ તમારો ચેાર ?”

“અમારો શિકાર : જખમી તેતર.”

સોઢાએામાં હસાહસ ચાલી : “વાહ ! રંગ તમને ! એક તેતર સારુ આટલી બહાદુરી ?”

ત્યાં તો ઝાંપે જોમબાઈ દેખાણાં, ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછયું : “શું છે, બાપ?”

“ઈ જ ! ઈ જ અમારો ચોર ! ઈ જ તેતર ! લાવો પાછો.”

“તેતર પાછો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો, ભાઈ ! વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય ?”

શરણ ગયો સોંપે નહિ, રજપૂતાંરી રીત,
મરે તેાય મેલે નહિ, ખત્રી હોય ખચીત,
“ અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો, બચ્ચાઓ ! ”

“ હા, અમે ચભાડો છીએ.”

“ત્યારે હું તમને શું શીખવું ? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે, એટલુંય શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું, બાપ ?”

ચભાડો કોપ્યા : “હવે એ બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી દ્યો.”

“ભાઈ! તમે ઘર ભૂલ્યા.” કહીને મા જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો, તેતરના માથા પર હાથ પંપાળ્યો.

“તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. આંહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડાં લાગશો.”

જોમબાઈએ કહ્યું : “શીદ ઠાલા ઝેર વાવો છો ? અમને પરદેશીઓને શા સારુ સંતાપો છો ? કહો તો મારાં ઘેટાં આપું, ગાય-ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ?” ચભાડોને તે કજિયો જોઈતો હતો. બહાનું જડી ગયું. સમશેરે ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મૂંજાજીને પડકાર્યો.

મૂંજાને માતા કહે, સુણ સોઢાના શામ,
દળમાં બળ દાખો હવે, કરે ભલેરાં કામ.
મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર,’

ગર્વ ભર્યા ગુર્જરધણી, આપે નહિ અણવાર
બેટા, એક ચકલ્યું છે, તોપણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યામાર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રજપૂતી જેતા જાય.

“વાહ મારી જનની !” કહી મૂંજોજી તેગ લઈને ઊઠયો : “ હું તો પરમારને પેટ ધાવ્યો છું ના !”

ધ્રુવ ચળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર,

[તોય] મરડે ક્યમ મૂળીધણી, પગ પાછા પરમાર ?
ધ્રુવને તારો ચળે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે, તો પણ પરમાર પાછો પગ કેમ માંડે ?

પછી તો તે દિવસે –

સંવત ચૌદ ચુમોતરે, સોઢાનો સંગ્રામ,
રણઘેલે રતનાવતો, નવખંડ રાખ્યું નામ.

સંવત ૧૪૭૪માં સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું.

વાર શનિચર શુદ પખે, ટાઢા પૂરજ ત્રીજ,
રણ બાંધે રતનાવતો, ધારણ મૂંજો ધીજ.

ફાગણ મહિનાના શુકલ પક્ષની ત્રીજ ને શનિવારના રોજ રનજીના પુત્રે રણતોરણ બાંધ્યું.

↑ * ‘રાસમાળા’ ( પાનું ૩૯૮) માં જણાવેલ છે કે ‘ માર્તંડરાય અથવા માંડવરાય, જે સૂર્ય દેવની મૂર્તિ કહેવાય છે ( કેમ કે મૃતંડનો વંશજ સૂર્ય છે તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે.) તેના ઉપાસક બન્ને નાયક હતા.’ પણ માંડવરાય નામ તો સોરઠમાં પરમારોના આગમન પછી ‘માંડવ ડુંગર’ પરથી પડ્યું લાગે છે, મતલબ કે ‘ માંડવરાય ‘ શબ્દ ‘માર્તંડરાય’ નો અપભ્રંશહોવા સંભવતો નથી. પરિણામે, સોઢા પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ગોડી પાર્શ્વનાથની, તે નિર્ણયને અન્ય કશાક આધારની જરૂર છે.
↑ “રાસમાળા’નો પાઠ : ‘સંવત સાત પનોતરે.” પણ સાતસો પંદર
અતિ વહેલું છે.

મા જુએ છે ને બેટે ઝૂઝે છે : એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચભાડેાનાં તીરભાલાં વરસ્યાં, પરમારોની ખાંગેાએ ખપ્પર ભર્યા, અને દિવસ આથમતે તો –

પડ્યા, ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,

એક તેતરને કારણે અળ રાખી અખિયાત.
પાંચસે ચભાડો કપાઈ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી.

લખધીરજી તો તે વખતે વીસળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વીસળદેવને રાણીએ બેાલાવી લીધા; કહ્યું : “હવે આંહીં બેસો.”

“ પણ મહેમાન એકલા બેઠા છે.”

“મહેમાનને એકલા નહિ રાખું, હમણાં એના ભાઈયુંની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ.”

“ રાણી, શું આ બેાલો છો ?”

“ ઠીક બેાલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે, કાં ?”

“ તમે આ શી વાત કરો છો ?”

“હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે !”

વીસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે : “ ભાઈ, જલદી ભાગ, તારે માથે આફત છે, ફરી આંહીં આવીશ મા !”

છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણુ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરાબાજો આડા ફર્યા. “ મને કોઈ રીતે જાવા દ્યો ?”

“હા, તારી હાંસલી દેતો જા.”

“ ખુશીથી, પણ દરવાજે. આંહી બજારમાં હું ગરાસિયો ઊઠીને ભેાંય ચાલીશ તે મારી આબરૂ જાશે.”

દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યો કે : “ લ્યો બા, રામરામ ! રજપૂતનાં ઘેાડાં ને ડોકાં, બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહિ.”

હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું કરે ? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયેલો હતો, પાછળ વઢવાણની વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તે હવામાં ઊડવા લાગી. એમ કરતાં રસ્તામાં એક ૧૮-૨૦ હાથનો વોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ.

રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ, તો મા મૂંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠાં હતાં. એક તેતરને કારણે મૂંજો મરે, એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી. માને કહે કે “ મા, આજ રોવાનું ન હોય, આજ તો ધેાળમંગળ ગાવાનો દિવસ છે, આજ તમારી કૂખ દીપાવીને મૂંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મૂંજારા મોં ? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે ! આવું મોત તો તમારા ચારે દીકરાને માટે માગજો, માડી !”

↑ ત્યારથી એ વોંકળાનું નામ આજ પણ ‘ઘેાડાપટ’ કહેવાય છે.

“બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાણું નહિ. આજ તારા બાપની ને મારી વચ્ચે વીસ વીસ વરસનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે જ મને રાજી થઈને જાવા દે.”

ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયાં. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે એવી લોકવાયકા છે.

મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શેાકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું, મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

Standard

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

“તેદુ’ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !”

એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભાં ઊભાં એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટેગોટા ઊંચે ચડવા લાગ્યા. મેાં મલકાવી એણે કહ્યું:

“ઈ બધું આવું, ભાઈ ! આ ધુમાડા જેવું અમારા સોરઠમાં તો કૈંક ટાઢા પો’રના ગપાટા હાલે છે; પણ હું તો આ ઢાંકને ડુંગરે ડાંગને ટેકે લઈને જયારે ચલમ ચેતવું છું, ત્યારે મને તો ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી જીવતીજાગતી લાગે છે. હજાર વરસ તે મારી અાંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ ધૂંવાડાની ફૂંક જેવો ધૂંધળાવરણો ધૂંધળીનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે.”

“વાત તો કહો !”

“અરે વાત કેવી ? ઈ તો ટાઢા પો’રના ! બે ઘડી ગપાટા હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે ! આ તો વેલાંની વાતું, મોઢામોઢ હાલી આવે, એના કોઈ આંકડા થોડા માંડેલ છે ?”

એટલું બોલતાં એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો. આંખના ખૂણા લાલચટક બન્યા, અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી…

ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો; જાતને કોળી. આ વાંસાવડ દીમનો રે’તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસે વરસ બજરનાં પડતલાં વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દ્યે, પાછે આવીને બજર વાવવા માંડે.

ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા માંડયા. જેવું ધ્યાન તેવું દિલનું ગજું : જેવું અન્ન તેવો ઓડકાર: ધૂંધાને તે ગિરનારનું જ ધ્યાન રાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માંડયો. સંસારની ગાંઠ વછૂટી ગઈ. બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે : “ધૂંધળીનાથ ! ધૂંધળીનાથ! નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો.”

‘અહાલેક ! ‘ શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તે જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનાથ, શાંતિનાથ, અવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા : “જોગંદરો, અાપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ, સાફીએને આપો.”

જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે.પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછયું. નવ નાથોએ ખુલાસે કર્યો ” ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામો કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ.”

અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે “ધૂંધળીનાથ ! બાર વરસ બીજા : આબુમાં જઈ ધૂણી પ્રગટો ! જાવ બાપ ! ચોરાસી સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે.”

આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યા. અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ નવે નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે : ” આનાથી તપ જીરવાશે નહિ એ હલકું દૂધ છે; કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસશે.”

તેજની જીવતજ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એનું આવવું થયું.

ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં. ગુરુનાં ચરણુંમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો.

↑ ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટુકડો , રાખવામા આવે તેને ‘ સાફી ‘ કહે છે

ધૂંધળીનાથે ધ્યાન ધર્યું, રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્યા: પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું : “રાણાજી ! બાર વરસે પાછે આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી આંસુ પાડવા બેસીશ મા. બાર વરસે પાછો આવું છું.”

બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઈ બહાર નીકળ્યાં. બેમાંથી એક ઘરાણેલૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં. પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લૂગડે ઢાંકી રહે ? ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ? મેલાઘેલાને જ જોગીએ ઉપાડી લીધો. બાર વરસનો બાળકો દોટ દઈને ગુરુને કાંડે બાઝી પડ્યો. માતાપિતા નજરે દેખે તેમ એ બાર વરસના બાળકને માથું મૂંડાવી ભગવાં પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજારાણી ખોબે ખોબે આંસુ પાડતા ચિતોડગઢ પાછાં વળ્યાં.

ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંકયો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ, ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું. અાંહી તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું : ” બાપ, હું આ ડુંગરામાં બાર વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને અાંહીં સદાવ્રત રાખજો, ભૂખ્યાંદુખ્યાં અને અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઈ પૂરજો.” એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું.

વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઈ ગઈ? નગરીમાં ઝોળી ફેરવે, પણ કોઈએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવાં લોક વસતાં’તાં. પણ સત્તર અઢાર વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો: સમજુ હતો: એણે અક્કેક ચેલાને અક્કેક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડાં વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપમહેનતથી ઉદર ભરો ! જોગીનો ધરમ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહિ. જાઓ જંગલમાં.

બીજે દી, ત્રીજે દી, અને ચોથો દી થતાં તો કુહાડા મેલી-મેલીને બધા ચેલાએ મારગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણાકુળનું બીજ, એમાં ફેર ન પડે. પ્રભાતનો પહોર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલાં તે આશ્રમને વાળીચોળી, ઝાડવાંને પાણી પાઈ, સિદ્ધનાથ વનમાં ઊપડી જાય. સાંજે બળતણની ભારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહિ જેવું નીપજે. તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડેાશી એવી નીકળી કે જે એને રેાટલો ટીપી આપે. એ હતી કુંભારની ડેાશી. અઢાર વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઈ ડેાશી લળી લળી હેત ઢોળે છે.

આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યાં. માથું છોલાઈને જીવાત પડી સુંવાળી કાયા ખરી ને ! કેટલુંક સહેવાય ? દુઃખ તો ચિતોડની મોલાતમાં કોઈ દિવસ દીઠું નહોતું. અને આંહીં એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યો ગયો. બાર વરસે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. અાંખે ઉઘાડીને ગુરુએ આશ્રમ નીરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછયું કે બીજા બધા કયાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખેાટો જવાબ વાળ્યો; ગુરુને પટાવી લીધા.

ઘણાં વરસનો થાકયો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગયો છે. શીળા વાયરાની લે’રેલે’રે એની ઉજાગરાભરી અાંખો મળી ગઈ છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું, માથા ઉપરનું ઓઢણુ સરી પડયું, માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઈને જોયું, માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડયું છે. ગંધ વછૂટે છે.

ગુરુએ ચેલાને જગાડયો. પૂછયું : “આ શું થયું, બચ્ચા ?”

“કાંઈ નહિ બાપુ ! ગૂમડું થયું છે.” સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.

“સિદ્ધનાથ !” ગુરુની ભ્રકુટિ ચડી: “જોગ પહેર્યો છે એ ભૂલીશ મા. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુદુહાઈ છે.”

સિદ્ધનાથ ધીરે રહીને વાતો કહેતો ગયો, તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠયું. અડતાલીસ વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય તેવું રૂપ બંધાઈ ગયું. હૈયામાંથી ‘હાય! હાય! હાય !’ એમ હાહાકાર નીકળી આભને અડવા માંડયા : “અરે હાય હાય ! જગતનાં માનવી ! દયા પરવારી રહ્યાં ! મારા બાળ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે ! અને મારી તપસ્યા ! ભડકે ભડકે પ્રલેકાર મચાવી દઉં ! મારે તપસ્યાને શું કરવી છે ! સિદ્ધનાથ ! બચ્ચા ! દોડ, ઓલી કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું વાળીને ન જોવે હો : આજ હું પ્રેહપાટણને પલટાવું છું.”

એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં. અને ત્રાહિ !ત્રાહિ ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે “ગુરુદેવ !ગુરુદેવ ! તપસ્યાનાં પુણ્ય એમ નથી ખોંવાં. અરે બાપુ ! માનવીઓ તો બધાંય માટીનાં એનાં પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ.ગજબ કરો મા ! લાખ્ખોની હ યા, નિસાસા, કલ્પાંત : કેમ જોયાં ને સાંભળ્યાં જાશે, ગુરુદેવ ?”

પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડયું; ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી, ડુંગર ડોલ્યા. દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું : “સિદ્ધનાથ ! હવે કમાનમાંથી તીર છૂટે છે, દોડ, દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહિ તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા !”

સિદ્ધનાથે દોટ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી, છોકરાને આંગળીએ લઈ ડેોસી ભાગે છે, અને આંહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે : ” ઓ ધરતી મૈયા !

પટ્ટણ સો દટ્ટણ ! અને માયા, સો મિટ્ટી !”

– એમ પોકારીને એણે ખપ્પર ઊંધુ વાળ્યું. વાળતાં જ વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળાં તૂટી પડ્યાં, મોટા પહાડ મૂળમાંથી ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. એક  પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઈ ગઈ.

ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની ધીરજ ખુટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે !

આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવ નાથ અને ચારાસી સિદ્ધોએ અવાજ દીધો કે “આજથી એની ચલમસાફી બંધ કરો ! બંધ કરો ! ” કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા. સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઈ ગયા. ” ભાઈ ! ગમે તેવા તોય કેાળીનું દુધ ના !”

અાંહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું ? ડુંગરે ઉભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એના જીવ જંપ્યો નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાછત શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહિ. અરેરે ! ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી ને નાનાં છોકરાં કલ્લોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઈ હોંકારો દેવા પણ હાજર નહિ ? હું સિદ્ધનાથ : ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઈશ, મારાં તપ સંઘરીશ : એવું વિચારીને એ કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું. એક દિવસ સાંજ નમતી હતી. એાછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે. ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઈ ગયેલ ધાતુનાં વાસણો નીરખે છે. માને ધાવતાં બચ્ચાનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઈ જોઈ ને બેય માનવી રોવે છે. જેગી સિદ્ધનાથે બેયને જોયાં, બોલાવ્યાં, પૂછયું : “ કોણ છો ?”

“આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારા બેટો નાગાજણ જેઠવો.”

“કેમ કરીને બચી નીકળ્યાં ?”

“રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હતો.”

“બચ્ચા નાગાજણ ! હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો, બાપ ? મારી દુવા છે તને કે :

જેસો લંકેશ તેસો ઢંકેશ,

દુશ્મન માર વસાવ દેશ.
જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંક- આ ઢંકાયેલી નગરી–નો સ્વામી બનીશ. તારી ઢક (ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે બેટા, ફરી વાર આંહી આપણે નગર વસાવીએ.

ઢંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિસિદ્ધિમાં ઢાંકી દીધાં. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મુકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ: બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. એાલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે, સરજવું દોહ્યલું છે, બાપ! સિદ્ધનાથે સરજી જાણ્યું.

પણ કાળનો આવવો છે ના ! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડયા.

“કેમ બચ્ચા ?” જોગીએ પૂછયું.

“ગુરુદેવ ! એક જ બાબત બાકી રહે છે.”

“શી ?”

“આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ !”

“હા.”

“તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”

“નાગાજણ !” ગુરુએ નિસાસો નાખયે : “એવો અરથ લીધો ? આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”

“આપનું વેણ છે.”

“વેણેવેણ સાચું કરવું છે ?”

“હા.”

“ તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા! સોનાની લંકા રોળાણી હતી.”

“ફિકર નહિ.”

“તને ભાગ્ય ભુલાવે છે, રાજા ! પણ ખેર : હવે પૂરું કરીશ. નાગાજણ ! ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવાણ (શાલિવાહન) ગોહિલ: એને ઘેર સોનદેવી રાણી : એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું થઈ જાય. બેાલાવું ?”

“બેાલાવો.”

“અધર્મ નહિ કર્ય ને ?”

“મા-જણી બોન માનીશ?”

“શાલિવાહન સાથે વેર પાલવશે ?”

“રે ગુરુદેવ ! હું નાગાજણ : હું જેઠવો : ઝૂઝી જાણું છું.”

પછી તે સિદ્ધનાથે તપોબળ છોડયાં. મુંગીપુરને મહેલેથી સતી સોનરાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી, જોગી આઘેરો ઊભે રહ્યો. નાગાજણે હાથ જોડ્યા : “બેન, મને તારો મા-જણ્યો ભાઈ માનજે. અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ !”

રોજ બેાલાવે. રોજ ઓળીપો કરાવે. પાછી પહોંચાડે.

છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો : “ બેન, કંઈક કાપડાની કેાર માગી લે.”

“ટાણે માગીશ, ભાઈ !”

કહીને રાણી ચાલી ગઈ આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠયો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંકયાં. કેાઈ કહે કે એ તો શાલિવાહન : એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો. કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.

આંહીં તો ઢાંક લંકા જેવા ઝગારા કરે છે. છત્રીસ છત્રીસ તો એના કનકકોટ શોભે છે, ગુરુ સિદ્ધનાથ એ અક્કેક કોઠા ઉપર નાગાજણને લઈને ચડતો ગયે. ચડીચડીને એણે આગમ ભાખ્યાં, જુગજુગની ભવિષ્યવાણી કાઢી. ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતીપડતી થાશે એના કાળલેખ ઉકેલી-ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.

“નાગાજણ ! હવે મને રજા દે, બચ્ચા ! ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉ છું. અમારા પંથ અઘોર છે, બાપ !તારી સન્મતિ થાજો ! તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પથ ચૂકીશ મા ! બાકી તો તેં જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે ?”

જુવાન સિદ્ધનાથ માર્ગે પડયા. એક તો ક્ષત્રી અને વળી ચિતોડગઢનું કુળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ : વીરભદ્ર જેવો એ મહાજતિ મોકળી લટે અહાલેક ! અહાલેક ! બોલતો, દુનિયાને જગાડતો, કેાઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો.

નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો.

શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં ડેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડયો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નથી; એક શિલા પણ ચસ દેતી નથી.

“કોઈ જઈને નાગાજણનું મસ્તક લાવી આપે ? હું એ એક માથું લઈને પાછો જાઉં.”શાલિવાહન રાજાએ સાદ પાડયો.

એક ચારણને કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો, ચારણ ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈએ ચાલતી હોય તોય ચારણ, ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો ચારણ : એનો એવો ભરોસો. ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.

અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોંદીને જગાડયો. “આવી જા, સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ.”

તે દિવસે તો, ભાઈ! રાજાનાં માથાં અને માન પણ ચારણને જ હાથ સચવાતાં ખરાં ને! કમતિયા દસોંદીએ ચોપાટમાં નાગાજણનું શીશ માંડયું. શાલિવાહનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા, જીત્યો, માટી થયો. કહે કે “લાવ તારા રાજાનું માથું.”

દસોંદી શું મેાં લઈને જાય ! પણ નાગાજણને કાને વાત પહેાંચી અને લલકારી ઊઠયો : “અરે, મારો દસોંદી ! એનાં વેણ માથે તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રી માથું મેલીને નિર્ભય બની સૂઈ જાય; બોલાવો એ ચારણને.”

દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એણે ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી. “આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?” દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો : “હવે તે આ માથા વગરનું ધડ ઉલ્કાપાત માંડશે, ચારણ! આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જેગમાયા રાણીમાને – મારી બોનને – કહેજે કે ભાઈનું જુદ્ધ જોવા બહાર નીકળે.”

એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઈ પડયું થાળીમાં લઈને દસેાંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો.

અાંહીં નાગાજણનું કબંધ (ધડ) ઊડયું. બે હાથમાં બે સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે છે: માથે જાણે રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.

વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં ત્રાટકયો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું. રાજા ભાગ્યો, પાછળ કબંધે દોટ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર નહોતો.

એવી અણીને સમયે સોન રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી, પાલવ પાથર્યો, તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે : “બોન, માગી લે.”

“વીરા મારા ! તે દી વેણ દીધું’તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરાતન શમાવી લે, ભાઈ !”

શબ્દ સાંભળીને ધડ ટાઢું પડયું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.

હજારો લાશો રગદોળાઈ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ  પાસે બેસીને જોંગદરે અાંસુડાં ટપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.

*

“આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઈ! મોરુકી વાતું હાલી આવે છે. અમે તે રાતને ટાઢે પો’રે ડોબાં ચારીએ, અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ.”

એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ, કેાઈ અવધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય એવો, વાદળીએ વીંટાતો હતેા.

Kataar Varnan / કટારી નું કીર્તન

Standard

‘રા’જકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં: એક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને ‘પ્રવીણસાગર’નો પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ‘ પ્રવીણસાગર’ રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે.

એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો; ધૂણી ચેતાવી. ધીરેધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી-ભંગેડીઓ ગાંજો-ભાંગ પીબા ટોળે મળાવા માંડ્યા. રાખમાં રૂપિયા-પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમ જ નટખટ નારીઓ દોરાધાગા કરાવવા આવતી થઈ. એક દિવસ એ બાવાએ રાજની બે વડારણોને શીખવ્યું: “તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મેરામણજી ઠાકોરને હીણો વહેવાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું.”

હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી-આવતી થઈ ને કૂડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું.

આ બાવો કોણ હતો? મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી.સોની વેર વાળવા આવ્યો હતો.

એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે. ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ધર પાસેથી નીકળી, પઠાણનો વહેમ વધ્યો.

વડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોછી ગઈ હતી. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું: “બાપુને જોવા છે?”

“ના, બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે.”

“અમે આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો. બાપુ તો આપણાં માવતર કહેવાય.”

ગાડી નીકળી. ઊંચી બારીમાં બે વડારણો ઊભી છે. વચ્ચેથી પઠાણનિ વહુ જોવે છે. એમાં ઓચિંતાની વડારણો બેસી ગઈ. પઠાણની વહુને ભાન આવે તે પહેલાં પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી.

ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભરી. ભાઈબંધ પડખે જ બેઠા છે, બિરદાવેલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. ‘આવો જમાદાર!’ એટલું બોલીને ઠાકોર જ્યાં આદર આપે છે, ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો.

એક જ ઘડી- અને ઠાકોરના દેહ પર ઝાટકો પડત.

પણ પાંપણનો પલકારો પૂરો થાય તે પહેલાં તો એક હાથ દેખાણો. એક કટાર ઝબૂકી. અને કટાર પડી. ક્યાં? પઠાણની પહોળી છાતીમાં. પહાડ જેવો પઠાણ પડ્યો. ઝબકેલાં માણસોને જાણે ફરી વાર જીવ આવ્યો.

ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યાઃ “ગઢવી! તમે મારા પ્રાણદાતા!”

“ખમા બાપને!” ગઢવી બોલ્યાઃ”હું નહિ, જોગમાયા!”

“ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માડી આપું છું.”

“શી જરૂર છે, બાપ? આ કાયા પડે જ તારે કણે બંધાણી છે.”

“પણ જેસા ગઢવી! એક રોણકી દીધે જીવની હોશ પૂરી થાતી નથી. અંતરમા કાવ્યની છોળ્યું આવે છે.”

એમ કહી ઠાકોરે ‘કટારીનું કીર્તન” પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈઃ

image

[ગીત- સપાખરું]

ભલી વેંડારી કટારી, લાંગ! એના દી ફળાકા ભાણ!
સંભારી ક્યારી માંહી હોવ’તે સંગ્રામ.
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હોયા
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!

પઢ્ઢી અઢ્ઢી આખરાંકી જમ્મદઢ્ઢી કઢ્ઢા પાર
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ.
બંબોળી રતમ્માં થકી કંકાળી શી કઢ્ઢી બા’ર
હોળી રમી પાદશારી નીસરી હરમ!

આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેરે,
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,
હેમરે જાળીએ કરી શાહજાદી હાથઃ

કરી વાત આખયાત, અણી ભાત ન થે કણી
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,

ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!
૧. યુધ્ધકાળમાં આતિ સમર્થ લાંગા! આટલા દિવસ તે કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એનેતેં ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઈનામ માગતી હોય એવો દેખાવ થયો.

૨. તારી કટારી કેવી! જાણે અઢી અક્ષરનો મારણમંત્ર! જાણે જમની દાઢ! તારો સ્વામીધર્મ સાચવવા તેં અને શત્રુની છાતીમા ઘોંચીને આરપાર કાઢી.અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી બહાર કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમની કળી!

૩. કેવી! કેવી એ કટારી! અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમા ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ  ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય?

૪. બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું નીરખતી હોયઃ પતિની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકેય જેવી નહિ, પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.

________________________________________

એ શંકરનો મહામંત્ર કહેવાય છે. એ મંત્ર ‘ચંડીજી’માં છે. એના બળથી ગમે તે માણસને મારી નાખી શકાય એવું માનવામાં આવે છે.

(પૂર્ણ)

Saai nehdi – Ebhal Vala / સાઈ નેહડી – એભલ વાળા

Standard

મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.

સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની હાવળ દીધી.

સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઊઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું: “કોણ?”

જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઇ અસવાર બોલાશ ન આવ્યો.

નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો.

“માથે કોણ છે, મારા બાપ?” કહીને બાઇએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોહીમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે.

વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો.

“જે હોય ઇ! નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે.”

એટલું કહી બાઇએ અસવારને ઘૉડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ, ખાટલે સુવાડ્યો, ઘોડાને ઓશરીમાં બાંધી લીધો.

આદમી જીવે છે કે નહિ? બાઇએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો; ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો ઝગ્યો. ઝટઝટ સગડી ચેતાવી. અડાયાં છાણા અને ડુંગરાઉ લાકડાંનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રી એ ટાઢાબોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઇ નહોતું.

શેક્યું, શેક્યું, પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે.

“શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહિ થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમાં કુળનાં પખાં અને આ હત્યા શું મારે માથે ચડશે?”

ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે.

ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ.

“ફકર નહિ! દીવો તો નથી, પણ ઇશ્વર પંડે તો અંધારેય ભાળે છે ને! ફકર નહિ. આ મળમૂતરની ભરેલી કૂડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મડું છે, મારું પેટ છે, ફકર નહિ.”

જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબું કર્યું. કામળીની સોડ તાણી લીધી, પોતાની હૂફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી.

ધીરે-ધીરે-ધીરે ધબકારા વધ્યા. અંગ ઊનાં થવા લાગ્યાં, શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી લૂગડાં સંભાળ્યાં. ટોયલી ભરીભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું.

પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળવકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું: “હું કોણ છું? તમે કોણ છો, બોન?”

“તું તારી ધરમની બોનને ઘેર છો, બાપ! બીશ મા.”

બાઇએ બધી વાત કહી. આદમી ઊઠીને એના પગમાં પડી ગયો. બાઇએ પૂછ્યું, “તું કોણ છો, બાપ?”

image

“બોન, હું એભલ વાળો.”

“એભલ વાળો? તળાજું? તું દેવરાજા એભલ!”

“હા, બોન. એ પંડે જ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું.”

“તારી આ દશા, બાપ એભલ?”

“હા, આઇ, સાત વરસે હું આજ મે’વાળી શક્યો!”

“શું બન્યું’તું, ભાઇ!”

“તળાજા માથે સાત દુકાળ પડ્યા, આઇ! મારી વસ્તી ધા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ફોરુંય ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે: તેમાં એજ્ક કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલાં તરણાંની કેડ ઊગતી આવે છે. આ કૌતુક શું? પૂછતાં પૂછતાં વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઇક જતિ પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી, ડગળી બંધ કરી, બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મે’ વરસે. સાંભળીને હું ચડ્યો, બોન! જંગલમાં કાળિયારનો કેડો લીધો. આઘે આઘે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી.”

“વાહ રે, મારા વીરા! વારણાં તારાં! વઘ્ન્યાં બાપનાં! અમર કાયા તપજો વીર એભલની!”

“તારું નામ, બોન?”

“સાંઇ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઊતર્યો છે, બાપ! સાત વરસ વિજોગનાં વીત્યાં; હવે તો ભેંસુ હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે, હો! તારી વાત સાંભળીને એને ભારી હરખ થાશે, મારા વીરા!”

“બોન! આજ તો શું આપું? કાંઇ જ નથી. પણ વીરપહલી લેવા કોક દી તળાજે આવજે!”

“ખમ્મા તુંને, વીર! આવીશ.”

આરામ થયે એભલ વાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો.

સાત વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદીનેરાં જાય છે ખળખળ્યાં. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકાભરી સાંઇ નેહડીએ એભલ વાળાની વાત કહી સંભળાવી. ગામતરેથી આવતાં તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઊભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે ‘કોઇ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો!’

ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઇ ગયું. પોતાની કંકુવરણી ચારણી પર એ ટાણે કટાણે ખિજાવા મંડ્યો; છતાં ચારણી તો ચૂપ રહીને જ બધાં વેણ સાંભળ્યે જતી. એને પણ વાતની સાન તો આવી ગઈ છે.

એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આઉમાં પહોંચ્યું. ચારણ ખિજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું: “તારા હેતુને કોને સંભારી રહી છો?” હાથમાં શેલાયું(નોંજણું) હતું. તે લઈને એને સાંઇના શરીર પર કારમો પ્રહાર કર્યો.

ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહિ. દૂધના બોઘરામાંથી અંજળિ ભરીને આથમતા સૂરજ સંમુખ બોલી: “હે સૂરજ! આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ! હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો, ડાડા!” એમ કહીને એણે ચારણ ઉપર અંજળિ છાંટી. છાંટતાં તો સમ! સમ! સમ! કોઇ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઊઠ્યા. ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીનાં નેણાં નીતરવા લાગ્યાં.

થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઇ ગયું. આસું સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી, અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી, કંડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી.

રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી. આદર સત્કારમાં ઓછપ ન રાખી; પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી.

એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી.

બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો.

“બોન! બાપ! આ દશા?”

“હા બાપ! મારા કરમ!”

“હવે કાંઇ ઉપાય?”

“તેટલા માટે જ તારી પાસે આવી છું.”

“ફરમાવો.”

“બની શકશે?”

“કરો પારખું!”

“ઉપાય એક જ, ભાઇ! બત્રીસલક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે.”

“વાહ વાહ! કોણ છે બત્રીસલક્ષણો? હાજરકરું.”

“એક તો તું, ને બીજો તારો દીકરો અણો.”

“વાહ વાહ બોન! ભાગ્ય મારાં કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ.”

ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું: “બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો.”

બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી. પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો, એભલે પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યાં.

આજ પણ સાંઇ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે. અને પિતાપુત્ર એભલ-અણો નીચેના દુહામાં અમર બન્યા છે:

સરઠાં! કરો વિચાર, બે વાળામાં ક્યો વડો?

સરનો સોંપણહાર, કે વાઢણહાર વખાણીએ?

[હે સોરના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને અણો વાળો-બેમાંથી કોણ ચડે? કોનાં વખાણ કરીએ? પોતાનું શિર સોંપનાર બેટાનાં, કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપનાં?]