Daily Archives: February 25, 2016

વાળાની હરણપૂજા

Standard

હરણાંનાં ટોળાં હાલ્યાં જાતાં હોય, પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળાં પશુ નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્રાણ સાટે પણ ગોળી છોડવા દેતો નથી. વાળો હરણાંને પૂજે છે. જૂના કાળમાં હરણાંએ એનાં વંશ સાટુ જીવ દીધા હતા.

વાત એમ બોલાતી આવે છે કે પાદશાહની કચેરીમાં કોઇ ચાડીલો ચારણ હોડ વદી બેઠો. પાદશાહ બોલ્યા : “હસીને માથાં ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા.”

ચારણે જવાબ ચોડ્યો : “પાદશાહ ! તમને ખબર જ નથી. રજપૂત કુળ હજી જીવે છે. એવા પડ્યા છે કે એક સામટા સાત દીકરાનાં શિર વધેરી લ્યો તોય હસતાં હસતાં સાતેનાં મોત ઓળઘોળ કરે, અને સાતેની આંખો પગ હેઠળ ચાંપે. આંખમાંથી એક આંસુય ન દડવા દ્યે.”

ચારણનો ગર્વ પાદશાહથી ખમાયો નહિ. કચેરીના લોકો પણ આ બોલને વણતોળ્યા સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરી વાર પડકાર્યું : “સાત સાત દીકરાની આંખ્યું હસતાં હસતાં પગ હેઠળ ચાંપનારા હઠાળા રજપૂતો પડ્યા છે. અને પાદશાહ ! વખનાં પારખાં ન હોય. દાંત કાઢીને કોઇ રજપૂતોને બદનામું દ્યો મા, બાપ !”

ચારણની ફૂૂલ્ય દેખીને ચડસે ચડેલો પાદશાહ પૂછે છે : “એવો કોઇ રજપૂત ન મિલે તો ? તો ગઢવા, તમે શું હારો ?”

“હું હારું મારા પંડના દીકરા.”

“ઠીક ચારણ ! આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો. આજથી છ મહિનાની અવધ આપું છું લઇ આવો એવા રજપૂતને એના સાતે દીકરા સોતતો, અને શર્ત પાળી બતાવો. રજપૂત ને હું બેય પાસે રમીએ; એના સાતે દીકરાનાં ડોકાં ઊડે ; ને રમતો રમતો બાપ એની આંખો ચાંપે; ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું. જા, ગોતી આવ.”

સાતે પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો. ગામોગામ ને રાજ્યેરાજમાં આથડે છે. ક્ષત્રિયોની પાસે એકસાથે સાત સાત પુત્રોનાં માથાંનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઊઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે ?

ગઢવી કાઢિયાવાડના વળા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા.

સાતે જણે શિર ઝુકાવ્યાં. બાપુનો બોલ માથે ચઢાવ્યો. સાતે હસીને બોલી ઊઠ્યા : “બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે ?”

સાત દીકરાને અને એના પિતાને સાથે લઇ ચારણ દિલ્હી નગરમાં મુદ્ત પહેલાં એક જ દિવસે આવી પહોંચ્યો. કચેરીમાં જઇને હાકલ કરી : “જય હો ક્ષત્રી જાતનો !”

પાદશાહ તાજુબ બન્યો. પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હોત. એણે સાતે ક્ષત્રીપુત્રોને બોલાવી કહ્યું :

“આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારાં માથાં આ કચેરીમાં ટીંગાતાં હશે.”

સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું.

પાદશાહે ફરી ફાંફાં માર્યાં : “બેવકૂફ બાળકો, વિચાર કરો.” રજપૂતોએ હસ્યા જ કર્યું. વાળા દરબાર તરફ જોઇને ખુન્નસભર્યાં નેત્રે પાદશાહ બોલ્યા :

“દરબાર, દાન લેવાની રીત જાણો છો ?”

“જાણું છું; છતાં ફરમાવો.”

“જુઓ, દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય.”

“ક્ષત્રીને એમાં કાંઇ નવું નથી.”

“સુણો, સુણો, કાલે સવારે આ મેડી ઉપર એક પછી એક તમારા બેટાઓનાં ડોકાં પર તલવાર પડશે. એ અવાજ તમે સાંભળશો; એ સાંભળતાં સાંભળતાં મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે. તમારા બેટાની એક પછી એક બબ્બે આંખો હાજર થશે. તેને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે. એ દરમ્યાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુ:ખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચુકાશે કે એક નિસાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે, ને હું ચારણના દીકરાનો પણ જાન લઇશ.”

“સુખેથી, પાદશાહ, સુખેથી.”

બીજે દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી. ચોપાટ મંડાઇ. ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા. સાથોસાથ પાદશાહનો હુકમ છૂટ્યો : “ચલાવો કતલ !”

image

‘ચલાવો કતલ!’નો પોકાર પડતાં તો સાત ક્ષત્રીપુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી પર લઇ ગયા. ઉપલી મેડી પર ‘ધડાક’ એવો અવાજ થયો. જાણે એક માથું પડ્યું. બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારરની પાસે હાજર થયો. પાદશાહ કહે : “લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો.”

દરબારે એ બે આંખોને પગ નીચે ચગદી. છૂટેલા ચારણપુત્રને માથે હાથ મેલ્યો. ને ખુશખુશાલ દિલે હસતાં હસતાં ચોપાટ આગળ ચલાવી.

બીજી વાર ધડાકો, લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો. બાપ આંખોને ઓળખી-ઓળખીને ચગદતો જાય છે. છૂટેલા ચારણપુત્રને આશીર્વાદ દઇ રમત ખેલતો જાય છે. એની આંખમાં આંસુ નથી, મોંમા નિ:શ્વાસ નથી, અંતરમાં ઉદાસી નથી.

એમ છ દીકરાની જીવનલીલા પૂરી થઇ ગઇ. પાદશાહના ચહેરા પરથી નૂર ઊડી ગયું.

ત્યાં તો સાતમો ધડાકો થયો, અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપે એ કચરી નાખી, પણ ઓચિંતાં એની આંખોમાંથી બે આંસુ દડી પડ્યાં.

“બસ. ખલાસ !” પાદશાહ ઊકળીને તાળીઓ પાડતો પોકારી ઊઠ્યો. “તમારી સખાવત ફોક ગઇ. પકડો એ સાતે ચારણોને, ને ઉડાવી દ્યો સાતેનાં ડોકાં !”

વાળો રજપૂત ગરીબડો બનીને કહે : “પાદશાહ, પહેલાં મારી કથા સાંભળી લ્યો. હું રોઈ પડ્યો, તે મારા દીકરાને માટે નહિ.”

“ત્યારે ?”

“આ નાનેરો બાળ મારો નથી. એ પરાય દીકરો છે, મને વિચાર આવ્યો કે અરેરે ! આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને જ મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેદથી જ મારાથી રોઇ જવાયું. હું સૂરજની સાખે કહું છું.”

“આ સાતમો દીકરો તમારો નહોતો ?”

“સમજાવું. મારે છ જ દીકરા હતા. એક દિવસ પરોઢિયે હું ગામને પાદર દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ‘આ ચારણનો બાળક છે, એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઇશ તો આંધળો થઇશ. અમારું મવાડું અહીં નીકળેલું. અહીંયા બાળક અવતર્યો એટલે આંહીં એને રેઢો મૂકીને અમે ચાલ્યાં જઇએ છીએ.* ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે.’ આ બાળકને હું ઘેર લાવ્યો. ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે. જહાંપનાહ, આજ રોઉં છું, કારણ કે એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો.”

“શાબાશ ! શાબાશ ! ગભરાશો નહિ. નથી એ ચારણ મર્યો. કે નથી મર્યો તમારો એકેય દીકરો.”

“અરે પાદશાહ, હવે મશ્કરી શીદ કરો છો ?”

“પહેરેગીર ! સાતે દીકરાને હાજર કરો.”

મેડી ઉપરથી સાતે દીકરા આવી ઊભા રહ્યા.

“ક્ષત્રિય બચ્ચા ! પાદશાહ લોહીનો તરસ્યો નથી. એને કસોટી કરવી હતી.”

“ત્યારે આ આંખો કોની ? મારા દીકરાને બદલે કોણ મર્યું ?”

“સાત હરણાં.”

“આજથી એ પરગજુ હરણાં મારે ને મારા તમામ વંશજોને પૂજવાનાં પ્રાણીઓ બન્યાં.”

કચેરીમાં પાદશાહે પિતા-પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા, તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા.

* હજુ પણ એ રેઢા મુકાયેલા ચારણ-પુત્રના વંશજો ‘રેઢ’ નામ ધરાવે છે.

(પૂર્ણ)

Thakor shri Vajesang Gohil / ઠાકોરસાહેબ શ્રી વજેસંગ ગોહિલ

Standard

વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્વાર એક વાડીએ આવીને ઊતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યાં. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથપગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી.

સોંડો માળી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી-ઠોલીને લોહીલુહાણ કરી નાખેલાં કાંધ : સોંડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલા પૂંછડાં : બેસુમાર બગાંઓ : લોહીમાંસ વિનાનાં શરીરનાં બે હાડપિંજર : એવા બે બળદો છે. એક સો ને એક કાણાંવાળો એ કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે ! અને ચીંથરેહાલ એ સોંડો ! અસવાર એ બોખ નિહાળી રહ્યો. હાથ-મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળી ને બેઠો.

કોસ હાંકતાં હાંકતાં સોંડાએ વાત ઉચ્ચારી : “ક્યાં રે‘વાં ?”

“રે‘વાં તો ભાવનગર.”

“ત્યારે તો રાજના નોકર હશો.”

“હા, છીએ તો રાજના નોકર.”

“સપાઈ લાગો છો, સપાઈ.”

“હા, સપાઈ છીએ.”

“એલા, તમે નમકહલાલ કે નમકહરામ ?”

“કેમ ભાઈ ? નિમકહરામ ને નિમકહલાલ વળી કોને કહેવાય ?”

“નમકહલાલ હો તો ઠાકોરને કહો નહિ ?”

“શું ?”

“કે આખો દી સાંસલા ને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું કો‘ક દી જોશે ? અને રાણિયુંના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ! ખેડુનાં ઘરમાં ખાવા ધાન નો રે‘વા દીધું ! ઈ તો રાજા છે કે કસાઈ ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય !”

સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં સાતગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાનાં વેણ કહી નાખ્યાં.

અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ-પ્રસાદીથી તો એની ભૂખ ઊલટી વધી. સોંડાને એણે પૂછ્યું :

“ભાઈ, ભૂખ લાગી છે. કાંઈ ખાવાનું આપીશ ?”

“શું આપે, કાળજાં અમારાં ? તમે બધાએ ભેળા થઈને ખેડુના ઘરમાં ધાન ક્યાં રે‘વા દીધું છે ? બોળો ખાવો છે, બોળો ?”

“બોળો શું ?”

“બાપગોતર બોળોય દીઠો નથી ને ?” એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાસની અંદર ઘઉંનું થુલું (ભરડેલું ધાન) નાખીને ખેડુ લોકો રાંધે, અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટિંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શીળેરે હવામાં ઘણી વાર સુધી રહી, એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક દડિયો (પડિયો) બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું :

“વધારે છે ?”

સોંડે મીઠું મીઠું હસીને કહ્યું : “કેમ, મારે ખાવાય નથી રે‘વા દેવું ને ?” એમ કહીને બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી, બધો બોળો મહેમાનને ખવરાવી દીધો.

પરોણાનું પેટ ઠર્યું, તેમ દુઃખદાઝથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું.

તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતાં જાતાં એણે પૂછ્યું : “ભાઈ, તારું નામ શું ?”

“સોંડો.”

મુસાફ્રે ગજવામાં થી નોંધપોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો : “કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને ? નામ શીદ લખછ, બાપા ?”

હસતાં હસતાં અસવાર બોલ્યો : “ભાઈ ! ભાઈ ! ભાવનગર કોઈ દિવસ આવશો ને ?”

“હં, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય ! તેં તો વળી બોળો ખાધો ને નામેય લખ્યું, એટલે ઓળખીતાને બે ઠોંસા વધુ લગાવ્ય, ખરું ને ? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે !”


બીજા દિવસનું મોંસૂઝણું થયું ત્યારે છાશ-રોટલો શિરાવીને, માથે કોસ મેલી, વરત, વરતડી, પૈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જાવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું : “સોંડો માળી કોનું નામ ?”

“મારું નામ સોંડો.” કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો.

“કોણે, બાપ ?”

“ઠાકોર વજેસંગજીએ પંડે.”

આ સાંભળી, સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈ કાલની વાત સાંભરી; લાગ્યું કે ‘નક્કી કાલ મેં ગાળ્યું દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે, અને હવે નક્કી મને કેદમાં નાખશે.’

બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એનાં છોકરાં પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલાં. એમને કાંઈ સમજ ન પડી.

સોંડાએ બાયડીને કહ્યું : “હવે આપડા તો રામરામ સમજવા !” બળદ અને કોશ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતાં જાતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે, પણ ભેળાભેળ ઠાકોરને મોઢામોઢ જ મારે ઈનાં ઈ વેણ સંભળાવી લેવાં છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો ?

સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો ! એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો : આ તો ઠાકોર પોતે ! સોંડો ભયભીત બની ગયો.

ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું : “પણ સોંડા, તું બીવે છે શા માટે ?”

“બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે.”

“એમાં શું ખોટું થયું, ભાઈ ? તમે તો અમારા છોરુ કહેવાઓ. તમરે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક્ક છે. બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે.”

સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી : “ઓહો જેસાભાઈ ! પરમાણંદદાસ ! શું કહું ? આ ભોળિયા ખેડુનાં વગર ઓળખ્યે આદરમાન : એ મીઠો બોળો : અને એથીય મીઠી એની સાચુકલી ગાળો ! એવી મઝા મને આ મોલાત્યુંની મીઠાયુંમાં નથી પડી.” બોલાતાં ! બોલતાં ઠાકોરની છાતી ફૂલવા લાગી.

ઠાકોરે ફરી પૂછ્યું : “સોંડા ! તારે કેટલી જમીન છે ?”

“બાપુ, સો વીઘાં જમીન ને એક કોસની વાડી છે.”

મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું : “એક ત્રાંબાનું પતરું મંગાવો.”

ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું : ‘સોંડાને બાર સાંતીની જમીન અને છ વાડીના કોસ આપવામાં આવે છે.’

પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા : “પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે ? આપો બાર બળદ.”

બાર બળદ આપ્યા.

વળી દરબારે કહ્યું : “બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે ? આપો વીસ કળશી બાજરો.”

બાજરો આપ્યો.

“બિચારાને છોકરાં છાશ લેવા ક્યાં જશે ? આપો ચાર ભેંસો.”

ચાર ભેંસો અપાઈ.

“રૂપિયા એક હજાર આપો.”

માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો.

સોંડાના પરિવાર પાસે આત્યારે એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ શ્થિતિમાં છે.


એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા. ઓળખાય નહિ તેવો શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને બેચાર ગાળો દીધી : “મારા રોયા, ભાળતો નથી ? પીટ્યા, ઊભા ખેતરમાં ઘોડો હાંકછ તે લાજતો નથી ?”

image

મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું : “ડોસી, ગાળો કેમ કાઢછ ? ઓળખછ ? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દેશું, જેલમાં !”

“હવે જા જા, રોયા ! તારા જેવા સપારડા તો કૈંક આવે ને જાય ! બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ?”

ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે ‘વાહ ! મારી પ્રજા કેવી નીડર ! મારા પર એને કેવો વિશ્વાસ ! એને વધુ નીડર બનતાં શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ.’

એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી.
– ઝવેરચંદ મેઘાણી

Ranji Gohil / રાણજી ગોહિલ / राणजी गोहिल

Standard

ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશાનાં આઘાં-આઘાં ઝાડવાં વચ્ચે રોજ જ્યારે રુંઝો રડતી હયો, કંકુડાં ઢોળાતાં હોય, માથે ચાંદો ને ચાંદરણું નીતરતાં હોય, ત્યારે પણ કિલ્લો તો કોઇ ધૂંધળીમસ જેવો ધૂંધળાવરણો અને એકલવાયો જ પડીને ઊભો હોય છે.

image

હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દીવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે. કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા નીરખવા માટે જુક્તિદાર ઓરડા બંધાવેલા છે. હજુયે એક વાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નીરખીએ, ગરાસિયાનાં ઘોડાં ખેલતાં ભાળીએ, જુવાનોની કુસ્તી જોઇએ, ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદના રાસડા સાંભળીએ ત્યારે કાળ છસો વરસ પાછો ખસી જાય, અને એ વિલાસી રાજા રાણજીના હાસ્ય-કલ્લોલ તથા રાણીઓનાં કરુણ રોણાં કાને અથડાય છે.

image

એ ગામ રાણપુર : એ બે નદીઓ સુકભાદર અને ગોમા : રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો. એ તે કિલ્લો કે ક્રીડામહેલ !

રાણજી વિલાસી હતો. કહે છે કે એને ચોરાસી રાણીઓ હતી; દિવસ-રાત એ રણવાસમાં જ રહેતો. એને ‘કનૈયો’ કહેતા. બ્રાહ્મણોના ભુલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનનું મોં ન જોવું.

એક દિવસ જૂનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમણ ડોશી અને એનો દીકરો પાછાં અમદાવાદ જતાં હતાં. રસ્તામાં મા-દીકરો રાણપુર રાત રહ્યાં.

સવાર પડ્યું. રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાઇ. બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની ! રાજાને કુમતિ સૂઝી. એ બાળકનો શિરચ્છેદ કરાવ્યો !

છોકરા વિનાની માતાએ અમદાવાદ જઇને ચોધાર આંસુએ મહમદશાહ બેગડા પાસે વાત કહી. મહમદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે; પરંતુ રાજાને કોણ કહેવા જાય ? દુર્મતિઓ રાજા તો રાણવાસમાં અહોરાત ગુલતાન કરે છે. બહારની દુનિયામાં ડોકિયું પણ કરતો નથી. સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહિ નીકળે.

પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો : “એ બાપ રાણા ! –

રાણા રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
હે રાણા ! હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે સીમાેડ કનારા ગામ સુધી આવી પહોંચ્યું. હે ક્ષત્રિય ! ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો ?

ચારણના શબ્દો કાને પડતાં તે ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ દીધી કે : “જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઊડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું. પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો.”

રાણીઓએ ઉત્તર દીધો : “પણ રાજા, જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે ચોરાશીમાંથી એકેય જીવતી નહિ રહીએ.”

રાણજી સૈન્ય લઇને રણે ચડ્યો. રાણપુરથી ત્રણ-ચાર ગાઉ આઘે મહમદશાહની ફોજ સાથે એની તલવારો અફળાઈ. આંહીં ગઢને ગોખે બેઠી બેઠી ચોરાશી રજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે, ધજા ગગનમાં ઊડતી દેખાય છે; એ ધજાને આધારે રાણીઓ જીવે છે.

image

રાણજી ગોહિલ

વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે. પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને, તે રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઊતર્યો. રાણજીનું ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર ચોરાશી જીવાત્માઓ ટાંપીને બેઠા હશે !

કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ ચોરાશી ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં મુસલમાન આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા.

વિજયી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા, ત્યાં તો રાણીઓનાં શબથી કૂવો પુરાયેલો દીઠો ! એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો.

હવે જીવીને શું કરવું છે ? એમ વિચારીને એ પાછો વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી તેમાં પહોંચ્યો ને જુદ્ધ કરતાં કરતાં મરાયો.

મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઇને એક દાસી રાણજીના ભાઇને ઘેર ઉમરાળા નાસી ગઇ.

હજુય જાણે એ રાજમહેલમાં ખંડેરમાં ચોરાશી મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે, સામસામી તાળી દેતા સુંદર સુકોમળ હાથની ઘૂઘરીજડિત ચૂડલીઓ જાણે રણઝણી રહે છે; ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે; અને છેવટે ગૂંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ –

રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
અને એ પહોળો કૂવો ! ચોરાશી સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હીબકાં નહિ ભરતાં હોય ?

આજ એ કિલ્લાની નદી તરફની આખી દીવાલ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરાં કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાનાં કમાડ પડી ગયાં છે. કમાડ પર છસો ચોમાસાં વરસી ગયાં, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્નભિન્ન છે.

[કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહિ પણ કોઇ મુસલમાન સૂબાએ બંધાવ્યો છે, અને ‘રાણાનો કોટ’ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. અને ત્યાં જે કોઇ ખંડેરો દેખાય છે તે રાણાના કોટનાં છે.]

(પૂર્ણ)

દેપાળદે ગોહિલ / देपालदे गोहिल / Depalde Gohil

Standard

ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીસ સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં.

રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે : ‘હે દયાળુ ! મે’ વરસાવો ! મારાં પશુ, પંખી અને માનવી ભૂખ્યાં-તરસ્યાં મરે છે.’ પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ. ડુંગરા ઉપર ઘાસ ઊગ્યાં.

દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં તો ખરો, મારી વસ્તી સુખી છે કે દુ:ખી ? જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે કે નહિ ? દાણા વાવે છે કે નહિ ? તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ ?’ ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય. ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે, પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાંતીડે બબ્બે બળદો : બળદો પણ કેવા ! ધીંગા અને ધફડિયા.

પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે, પણ હળને બેય બાજુ બળદ નથી જોતર્યા; એક બાજુ જોતરેલ છે બળદ, ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી. માણસ હળ હાંકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે, બાયડીનેય લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળદે એની પાસે ગયા. જઈને કહ્યું: ‘અરે ભાઈ ! હળ તો ઊભું રાખ !’

image

દેપાળદે ગોહિલ

‘ઊભું તો નહિ જ રાખું. મારે વાવણી મોડી થાય તો ? તો ઊગે શું, તારું કપાળ ? વાવણી ને ઘી-તાવણી ! મડું ઢાંકીનેય વાવણી કરવી પડે, ઠાકોર !’ એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વીનવ્યો : ‘અરેરે, ભાઈ ! આવો નિર્દય ? બાયડીને હળમાં જોડી !’

‘તારે શી પંચાત ? બાયડી તો મારી છે ને ? ધરાર જોડીશ. ધરાર મારીશ.’

‘અરે ભાઈ, શીદ જોડી છે ? કારણ તો કહે !’

‘મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું વરસ ખાઉં શું ? બાયડી-છોકરાંને ખવરાવું શું ? એટલા માટે આને જોડી છે !’ ‘સાચી વાત ! ભાઈ, સાચેસાચી વાત ! લે, હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.’

‘પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ; તે પહેલા નહિ છોડું. હળને ઊભું તો નહિ જ રાખું. આ તો વાવણી છે, ખબર છે ?’

રાજાએ નોકર દોડાવ્યો : ‘જા ભાઈ, સામાં ખેતરોમાં. મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે.’ તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા બોલ્યા : ‘લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.’

ખેડૂત બોલ્યો : ‘આજ તો ઊભા કેમ રહેવાય ? વાવણીનો દિવસ. ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછાં થઈ જાય !’

રાજાજી દુભાઈ ગયા : ‘તું પુરુષ થઈને આટલો બધો નિર્દય ? તું તો માનવી કે રાક્ષસ ?’

ખેડૂતની જીભ તો કુહાડા જેવી ! તેમાંય પાછો ચારણ ખેડૂત ! બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે ! એવું જ બોલ્યો : ‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જા ને ! તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો ?’

‘બરાબર ! બરાબર !’ કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઊતર્યા. અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું : ‘લે, છોડ એ બાઈને અને જોડી દે મને.’ બાઈ છૂટી એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઈ રહ્યાં. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંક્યે જાય છે.

ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઊથલ પૂરો થયો, ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એ તો રાજાનાં વારણાં લેવા લાગી : ‘ખમ્મા, મારા વીરા ! ખમ્મા, મારા બાપ ! કરોડ દિવાળી તારાં રાજપાટ તપજો !’ દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા.

ચોમાસું પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા ! દરેક છોડની ઉપર અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું ? વેંત વેંત જેવડું ! ડૂંડામાં ભરચક દાણા ! ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા. જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે ! (એટલે કે એક પણ ડૂંડામાં દાણા જ ન મળે ) આ શું કૌતુક ! ચારણને સાંભર્યું : ‘હા હા ! તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે  કેવોય પાપિયો રાજા ! એનાં પગલાં પડ્યાં એટલી ભોમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલા દાણાય ફોગટ ગયા !’ ખિજાઈને ચારણ ઘેર ગયો, જઈને બાયડીને વાત કરી : ‘જા, જઈને જોઈ આવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું.’

બાઈ કહે : ‘અરે ચારણ ! હોય નહિ. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.’

‘ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી !’

દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક થાય છે, સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે : ‘હે સૂરજ, તમે તપો છો, તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટાં થાય છે ? મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ !’

જુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડા નીંઘલ્યાં જ નહોતાં, ને બીજા બધા છોડવા તો ડૂંડે ભાંગી પડે છે ! આ શું કૌતુક ! પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુરસુજાણ હતી. ચારણી હળવે હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડું હાથમાં લીધું. હળવે હાથે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું. આહાહાહા ! આ શું ? દાણા નહિ, પણ સાચાં મોતીડાં ! ડૂંડે ડૂંડે મોતીડાં; ચકચકતાં રૂપાળાં: રાતા, પીળાં અને આસમાની મોતીડાં. મોતી ! મોતી ! મોતી ! રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યાં !

ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો : ‘અરે, મૂરખા, ચાલ તો મારી સાથે ! તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો.’ પરાણે એને લઈ ગઈ; જઈને દેખાડ્યું : મોતી જોઈને ચારણ પસ્તાયો : ‘ઓહોહો ! મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી !’ બધાં મોતી ઉતાર્યાં. ચારણે ફાંટ બાંધી, પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુ:ખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ કરે છે ! રાજાજીનાં ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં.

રાજાજી પૂછે છે : ‘આ શું છે, ભાઈ ?’

ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો :

જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;
(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળદે !

[હે દેપાળદે રાજા ! જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે ? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને! – આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત ! ]

રાજાજી તો કાંઈ સમજ્યા નહિ. ‘અરે ભાઈ ! તું આ શું બોલે છે ?’ ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા : ‘અરે ભાઈ ! મોતી કાંઈ મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ મોતી પાક્યાં.’ ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો : ‘ભાઈ ! આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા !’ ‘બાપા ! તમારા પુણ્યનાં મોતી ! તમે જ રાખો.’ ‘ના, ભાઈ ! તારી સ્ત્રીનાં પુણ્યનાં મોતી : એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું.’

રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું. લઈને માથા પર ચડાવ્યું. પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો; ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો.
– ઝવેરચંદ મેઘાણી

Gajabha gohil / प्रजापालक राजवी गजाभा गोहिल / આનું નામ તે ધણી

Standard

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

image

શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’ વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’

અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.

ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.

જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’

અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.

‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.

તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે.

(ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]

Odha Jam Hothal Padmani / ઓઢા જામ અને હોથલ પદમણી / ओढ़ा जाम होथल पद्मनी

Standard

પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં, દેવસ્થાનો, નદીનાળાં અને ગઢકાંગરાનાં નામ લઇ લઇ ઓઢાને હોંશે હોંશે ઓળખાવતો જાય છે. બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા, નટવાની જેમ નાચ કરતા કરતા, નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે.

બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઇને ગઢે પહોંચ્યા. એ કોટમાં સાતવીસ સાંઢયો પુરાય છે. દેવળના થંભ જેવા પગવાળી,રેશમ જેવી સુંવાળી રુંવાટીવાળી, પવનવેગી અને મનવેગી–એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા બાદશાહનાં સાચાં સવા-લખાં મોતી જેવી છે.રાતોરાત પચાસ-પચાસ ગાઉની મજલ ખેંચીને એ પંખિણી જેવી સાંઢ્યો

બાંભણિયાને ઘેર લૂંટનો માલ પહોંચાડે છે. એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી ઘાણીને (ઊંટના તબેલાને ‘ધાણી’ કહે છે) બારણે ચડવાનીયે કોની મગદૂર ? રૂડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથામાં કાછલાં થઇને ઊડી પડે. પણ આજ ધાણી ઉપર રૂડિયો નથી. બીજા ચોકીદારોની આંખ મળી ગઇ છે.

એકલમલ્લ બોલ્યો :”ભાઇ ઠાકોરો, બોલો, કાં તો હું ધાનીનો ઝાંપો તોડું અને તમે સાંઢ્યો હાંકીને ભાગો, કાં તો તમે ઝાંપો તોડો તો હું સાંઢ્યો લઇ જાઉં.”

”એકલમલ્લ, તમે ઝાંપો તોડો, અમે સાંઢ્યો બહાર કાઢશું.”

રજપૂતોએ એકબીજાની સામે આંખોના મિચકારા કરીને જવાબ દીધો.

એકલમલ્લ હાલ્યો. ઝાંપાની નીચે જગ્યા હતી. હેઠળ પેસીને એકલમલ્લે પોતાની પીઠ ભરાવી, ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો તોતિંગ ઝાંપો ધરતીમાંથી ઊંચકાવી નાખીને આઘે ફગાવી દીધો.

રજપૂતો દોડ્યા સાંઢ્યો કાઢવા, પણ સાંઢ્યો નીકળતી નથી. ગલોફાં ફુલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢયો આડીઅવળી દોડે છે. રજપૂતોનાં માથાંને બટકાં ભરવા ડાચાં ફાડે છે. એકલમલ્લ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે છે.

ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા-પડકારા ગાજી ઊઠ્યા. બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે ‘ચોર !સાંઢ્યુંના ચોર !’નગારાને માથે ધોંસા પડ્યા. અને રજપૂતોએ કાયર થઇને કરગરવા માંડ્યું : “એકલમલ્લભાઇ, હવે અમારી આબરૂ તારા હાથમાં…. ”

“બસ, દરબારો ! શૂરાતન વાપરી લીધું?સાંઢ્યો લેવા આવતાં પહેલાં ઇલમ તો જાણવો’તો !” એમ કહીને એકલમલ્લે ભાથામાંથી તીર તાણ્યું. એક સાંઢ્યના ડેબામાં પરોવી દીધું. લોહીની ધાર થઇ તેમાં પોતાની પછેડી લઇને ભીંજાવી. ભાલા ઉપર લોહિયાળી પછેડી ચઢાવી એક સાંઢ્યને સૂંઘાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભાગ્યો.

લોહીની ગંધે ગંધે સાતે વીસ સાંઢ્યોએ દોટ દીધી. મોખરે લોહિયાળા લૂગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ્લ દોડ્યો જાય છે અને વાંસે એક સોને ચાલીસ સાંઢ્યો ગાંગરતી આવે છે.

“વાહ એકલમલ્લ ! વાહ એકલમલ્લ ! વાહ બેલીડા !” એમ ઓઢો ભલકારા દેતો આવે છે.

ત્યાં તો સૂરજ ઊગ્યો. વાંસે જુએ છે તો દેકારા બોલતા આવે છે. ધરતી ધણેણી રહી છે. આભમાં દઁઅરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે. એકલમલ્લ્બોલ્યો : “રજપૂતો ! કાં તો તમે સાંઢ્યોને લઇ ભાગી છૂટો, ને કાં આ વારને રોકો.”

રજપૂતો કહે : “ભાઇ ! તમે વારને રોકો. અમે સાંઢ્યોને લઇ જઇને સરખા ભાગ પાડી રાખશું !”

એકલમલ્લના હાથમાંથી લોહિયાળા લૂગડાનો નેજો લઇ રજપૂતો હાલી નીકળ્યા. પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢયો વાંસે દોડી આવે છે. પોતાના લોહીની ઘ્રાણ એને એવી મીઠી લાગે છે.

“ઓઢા જામ ! તમેય ભાગો. શીદ ઊભા છો ? મારી પાછળ મોટુ કટક આવે છે, તમે બચી છૂટો.”એકલમલ્લ બોલ્યો.

બેલી,કોના સારુ બચી છૂટું ?કોઇનો ચૂડો ભાંગવાનો નથી.”

“અરે, કોઇક બિચારી રાહ જોતી હશે.”

“કોઇ ન મળે, બેલી ! સંસારમાં ક્યાંય માયા લગાડી નથી.”

એમ મોતના ડાચામાં ઊભા ઊભા બેય જુવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે. એકલમલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી, સામાન આડો અવળો નાખી,ઘોડને ખરેરો કરવા માંડ્યો.

“અરે, એકલમલ્લ ભાઇ! આવી રીતે મરવું છે? વાર હમણાં આંબશે, હો! “

“આંબવા દ્યો, ઓઢા જામ ! તમે આ ઘસિયા ઉપર બેસો. જો મરવું જ છે, તો મોજ કરતાં કરતાં કાં ન મરવું ?”

બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઇ રહ્યો છે: “વાહ અલ્લા !વાહ તારી કરામત ! બેય દુશમન ધરપત કરીને બેઠા છે—કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોઇએ !”

“ એઇ બાદશાહ !” એકલમલ્લે ઘોડાને ખરેરો કરતાં કરતાં અવાજ દીધો :”પાછો વ્ળી જા. એઇ લાખોના પાળનાર, પાછો વળી જા. તારી

બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે.”

ખડ !ખડ ! ખડ !ફોજ હસી પડી. એકલમલ્લે અસવાર થઇને ઘોડો કુદાવ્યો. તીર કામઠાં ઉપાડ્યાં.

પેલે વેલે બાણ, પૂવે તગારી પાડિયા, કુદાયા કેકાણ, હોથી ઘોડો ઝલ્લિયે.

[પહેલે જ તીરે પાદશાહના ડંકાવાળાને પાડી દીધો, ડંકો ધૂળમાં રોળાણો.]

તોય બાંભણિયાનો સેનાપતિ દરિયલખાન ચાલ્યો આવે છે. એકલમલ્લે ધનુષ્ય ઉપાડ્યું, તીર ચડાવ્યું કાન સુધી પણછ ખેંચી પડકાર્યું:બાદશાહ, તારી થાળીમાં લાખોના કકોળિયા કહેવાય. તને મારું તો પાપી ઠરું ; પણ તારું છત્તર સંભાળજે. .” એકલમલ્લના ધનુષ્યમાંથી સુસવાટ કરતું તીર છૂટ્યું. બાંભણિયાનું છત્ર ઉપાદી લીધું.

બીજે થાયે બાણ, પૂવે છત્તરપાડિયો,
કુદાયા કેકાણ, હોથી હલ્લી નીકળ્યો.

[છત્ર પાડ્યું, ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઇને બાંભણિયો થંભી ગયો.]

’વાહ, રજપૂત, વાહ વાહ !”એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છે :

માડુ તોં મુલાન, તું કિયોરજો રાજિયો,

પૂછે દરિયલખાન, રૂપ સોરંગી ઘાટિયો.

[એ માનવી, તું એવો બહાદુર કોણ? તું પોતે જ કિયોરનો રાજા ઓઢો ?]

નૈ માડુ મુલાન, નૈ કિયોરજો રાજિયો, ખુદ સુણ દરિયલખાન, (હું) ચાકર છેલ્લી બાજરો.

[હે સેનાપતિ, હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું. મારાથી તો સાતગણા જોરાવર જોદ્ધા આખે માર્ગે ઊભા છે. માટે પાછા વળી જાઓ. નીકર કબ્રસ્તાનું વીસ-પચીસ વીધાં વધી પડશે.]

બાંભણિયો કે બેલીડા, કરીએ તોજી આસ,

કરોડ ડીજા કોડસું, ચંદર ઊગે માસ.

[બાંભણિયે સાદ દીધો કે હે શૂરવીર, તારી એકની જ આશા કરતો ઊભો છું. હાલ્યો આવ. દર મહિને ચાંદરાતને દિવસે તને એક કરોડ કોરીનો મુસારો ચૂકવીશ.]

”માફ કરજે, બાંભણિયા રાજા ! મને દરગુજર કરજે !”

કરોડ ન લીજે કીનજા ન કીજેં કીનજી આસ,

ઓઢો અસાંજો રાજિયો, આઉં ઓઢે જો દાસ.

[કોઇની કરોડ કોરી લૂંટીશ નહિ. મારી આશા મેલી દેજે. હું ઓઢાનો દાસ છું]

“યા અલ્લા !”એમ નિસાસો નાખીને બાંભણિયો પાછો વળી ગયો.

ઓઢો અબોલ બનીને ઊભો રહ્યો છે. ઓઢાને વાચા જડતી નથી

. એક જ ઘડીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળઘોળ થૈઇ જનારો આ એકલમલ્લ આગલે ભવે મારે શું થાતો હશે! કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે. ?

“ઓઢા જામ !” એકલમલ્લે સાદ અકર્યો: “ કોનું ધ્યાન ધરી રહ્યો છો ?કહેતા હતાને, કોઇની સાથે માયા લગાડી નથી?”

“બેલી ! બેલી ! બેલી !”ઓઢો એટલું જ ઉચ્ચારી શક્યો, જીભના લોચા વળી ગયા. ઘોડે ચડીને બેય અસવારો ચાલી નીકળ્યા.

એક તળાવડીની પાળે સાંઢ્યોના બે ભાગ પાડીને રજપૂતો બેઠા છે. જાતવંત સાંઢ્યો જુદી તારવી છે અને ખાંડિયાબાંડિયાનું ટોળું બતાવીને રજપૂતો બોલ્યા: “ એક્લમલ્લભાઇ, લ્યો આ તમારો ભાગ.”

“ઓઢા જામ !”એકલમલ્લ મરકીને બોલ્યો: “જોયા તમારા રજપૂત ? કેવી ખાનદાની બતાવી રહ્યા છે !”

“ધિક્કાર છે, રજપૂતો ! જનેતાઓ લાજે છે !”એમ કહીને ઓઢાએ બેય ટોળાની વચ્ચોવચ્ચ ઘોડો નાખ્યો. સારી અને નરસીના સરખ ભાગ પાડી નાખ્યા. “ લ્યો ભાઇ, તમારો ભાગ ઉપાડી લ્યો, એકલમલ્લ!”

“ઓઢા જામ, મને મારો ભાગ પહોંચી ગયો છે. મારી સાંઢ્યો હું તમને ભેટ કરું છું. મારે સાંઢ્યોને શું કરવી છે ? મારા બાપુના જીવની સ ગતિ સારુ જ મેં તો આ મહેનત કરી. અને હવે, ઓઢા જામ, રામ રામ ! અહીંથી જ હવે નોખા પડશું.”

નહિ વિસારું

ઝાડની ડાળીઓ ઝાલીને બેય જુવાન ઊભા રહ્યા. સામસામા ઊભા રહ્યા. હૈયે ભર્યું છે એટલું હોઠે આવતું નથી. આંખમાં ઝળઝળિયાં આણીને ઓઢો બોલ્યો : “ બેલીડા ! વીસરી તો નહિ જાઓને ?”

“ ઓઢા જામ ! હવે તો કેમ વીસરાશે?” જોવિસારું વલહા, ઘડી એક જ ઘટમાં,

તો ખાંપણમાંય ખતાં, (મુંને) મરણ સજાયું નવ મળે.

[એક પલક પણ જો મારા હૈયામાંથી હું મારા વા’લાને વિસારું તો તો, હે ઇશ્વર, મને મરણ ટાણે સાથરોય મળશો મા, અંતરિયાળ મારું મોત થાજો. મારું મડદું ઢાંકવા ખાંપણ પણ મળશો નહિ. ઓઢા જામ , વધુ તો શું કહું ?]

જો વિસારું વલહા, રૂદિયામાંથી રૂપ, તો લગે ઓતરજી લૂક, થર બાબીડી થઇ ફરાં.

[હે વા’લીડા, અંતરમાંથી જો તારું રૂપ વીસરી જાઉં તો મને ઓતરાદી દિશાના ઊના વાયરા વાજો. અને થરપારકર જેવા ઉજ્જડ અને આગ ઝરતા પ્રદેશમાં બાબીડી (હોલી) પંખિણીનો અવતાર પામીને મારો પ્રાણ અપોકાર કરતો કરતો ભટક્યા કરજો.]

“ લ્યો ઓઢા જામ, પરણો તે દી એકલમલ્લભાઇને યાદ કરજો અને કામ પડે તો કનરા ડુંગરના ગાળામાં આવી સાદ કરજો. બાકીતો જીવ્યા-મૂઆના જુહાર છે.”

એટલું બોલીને એકલમલ્લે ઘોડો મરડ્યો. એ આભને ભરતો ભાલો, એ ખંભે પડેલી કમાન, એ તીરનો ભાથો, વંકો અસવાર, વંકો ઘોડો અને અસવારને માથે ચામર ઢોળતો એ ઘોડાના પૂંછનો ઝૂડો : બધુંય ઓઢો જામ ઊભો ઊભો જોઇ રહ્યો. પાછો વળીને એકલમલ્લ નજર નાખતો જાય છે. સલામો કરતો જાય છે. જાય છે ! ઓ જાય ! ખેપટમાં અસવાર ઢંકાઇ જાય છે. માત્ર ભાલો જ ઝબૂકે છે.

એક ઘોડો ! ઓઢાનો ઘોડો જંબુમોર અને એકલમલ્લનો ઘોડો એળચી : એકબીજાને દેખ્યા ત્યાં સુધી બેઉ ઘોડા સામસામી હાવળ દેતા ગયા. ઘોડાનેય જાણે પૂર્વજન્મની પ્રીત બંધાણી હતી.

પંખી વિનાના સૂના માળા જેવું હૈયું લઇને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો. એને બીજું કાંઇ ભાન નથી. એના અંતરમં છેલ્લા એ ઉદ્ ગારોના ભણકારા બોલે છે :’સ્ત્રી પુરુષને કહે એવા દુહા એકલમલ્લે કાં કહ્યા ? એની તણખાઝરતી આંખડીઓ એ ટાણે અમીભરી કાં દેખાણી ?એના સાવજ જેવા સાદમાં કોયલના સૂર કાં ટૌક્યા ?’

એણે ઘોડો થંભાવ્યો.

”ના, ના, હે જીવ, એ તો ખોટા ભણકારા.’

ઘોડોહાંક્યો, પણ મન ચગડોળે ચડ્યું. કોઇક ઝાલી રાખે છે, કોઇ જાણે પાછું વાળે છે. ફરી વાર ઘોડો થંભાવ્યો. સાથીઓને કહ્યું:” ઓ ભાઇઓ !

ઝાઝા ડીજ જુવાર, વીસરદેવ વાઘેલકે,

જિતે અંબી વાર, તિતે ઓઢો છંડિયો.

[જાઓ, જઇને વીસળદેવ વાઘેલાને મારા ઝાઝા જુહાર દેજો; અને જો પૂછે કે ઓઢો ક્યાં, તો કહેજો કે જ્યાં બાંભણિયાની સેના આંબી ગઇ ત્યાં ધીંગાણું કરતાં ઓઢો કામ આવી ગયો.]

એટલું કહીને ઓઢાએ ઘોડો પાછો વાલ્યો. પોતાને રસ્તાની જાણ નથી. જંબુમોરની ગરદન થાબડીને બોલ્યો : “ હે દેવમુનિ, તારી કાનસૂરીએ ચોકડું છોડી દઉં છું. તને સૂઝે તે માર્ગે ચાલ્યો જાજે.”

જ6બુમોર ઘોડો પોતાના ભાઇબંધ એળચીને સગડે સગડે ડાબા મેલતો ચાલી નીકળ્યો.

ચખાસર સરોવર :કિનારે ઝાડવાંની ઘટા ઝળૂંબી રહી છે. પંખી કિલ્લોલ કરે છે.

ચખાસરના ઝુંડમાં જઇને જંબુમોરે હાવળ દીધી. ત્યાં તો હં –હં –હં—હં ! કોઇક ઘોડાએ સામી હણેણાટી દીધી.

અવાજ ઓળખાણો.એકલમલ્લન ઘોડા એળચીનો જ એ અવાજ. આઘેથી નીલો નેજો, ભાલો, ભાથો, તરવાર અને બખતર ઝાડને ટેકે પડેલાં દેખ્યાં.

અહાહા ! એ જ મારા બેલીડાનો સામાન. બેલી મારો નહાતો હશે. પાળે ચડ્યો. ઝબક્યો. શું જોયું ?

ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,

વિછાઇ બેઠી વાર, પાણી મથ્થે પદમણી.

[પાળે ચડીને નજર કરે ત્યાં તો ચખાસરના હિલોળા લેતાં નીર ઉપર વાસુકિનાગનાં બચળાં જેવા પેનીઢક વાળ પાથરીને પદમણી નહાય છે. ચંપકવરણી કાયા ઉપર ચોટલો ઢંકાઇ ગયો છે.]

ચડી ચખાસર પાર, હોથલ ન્યારી હેકલી,

સીંધે ઉખલા વાર, તરે ને તડકું દિયે

[એકલી સ્ત્રી ! દેવાંગના જેવાં રૂપ !પાણી ઉપર તરે છે. મગર માફક સેલારા મારે છે.]

પદ્મિણીએ પાળ માથે પુરુષ પેખ્યો. ઓઢા જામને જોયો. ઉઘાડું અંગ જલની અંદર સંતાડી લીધું. ગરદન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધો :

ઓઢો ઓથે ઊભિયો, રેખડિયારા જામ,

નહિ એકલમલ્લ ઉમરો, હોથલ મુંજો નામ.

[એ ઓઢા જામ, ઝાડની ઓથી ઊભા રહો. હું તમારો એકલમલ્લ નહિ. હું તો હોથલ. હું નારી. મને મારી એબ ઢાંકવા દ્યો.]

મહાપાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો. પાળેથી નીચે ઊતરી ગયો. એનું જમણું અંગ ફરકવા માંડ્યું. અંતર ઊછળીને ઊછળીને આભે અડી રહ્યું છે. એના કલેજામાં દીવા થઇ ગયા છે. એની રોમરાઇ ઊભી થઇ ગઇ છે.

પદ્મિણી પાણીમાંથી બહાર નીકળી. નવલખા મૉતીનો હાર વીખરાયો હોય એવાં પાણીના ટીપાં માથાના વાળમાંથી નીતરવા મંડ્યા. થડકતે હૈયે એણે લૂગડાં પહેર્યા. પછી બોલી :”ઓઢા રાણા, આવો.”

વાચા વિનાનો ઓઢો , હાથ ઝાલીને કોઇ દોરી જતું હોય તેમ ચાલ્યો. અબોલ બન્ને કનરા ડુંગરામાં પહોંચ્યા. ભોંયરામાં દાખલ થયા. પાષાણના બાજઠ, પાષાણની રજાઇ, પાષાણનાં ઓશીકાં:એવું જાણે કોઇ તપિયાનું ધામ જોયું. શિલા ઉપર ઓઢો બેઠો. પદ્મિણી ઊંડાણમાં ગઇ.

થોડીવારે પાછી આવી. કેસર-કંકુની આદ કરી. સેંથામાં હિંગળો પૂરી, આંખડીમાં કાજળ આંજી, નેણમાં સોંધો કંડારી, મલપતાં પગલાં ભરતી આવી. પાવાસરની જાને હંસલી આવી. હોથલ આવી.

એકલમલ્લની કરડાઇ ન મળે, બાણાવળીના લોખંડી બાહુ ન મળે, ધરતીને ધ્રુજાવનારા ધબકારા ન મળે. લોઢાના બખતર હેઠળ શું એકલમલ્લે રૂપના આવડા બધા ભંડાર છુપાવેલા હતા !

“ઓઢા જામ ! સમસ્યા પારખીને આવ્યો ?”

“હે દેવાંગના ! હું આવ્યો તો હતો તમને ભેરુ જાણીને .મારો સંસાર સળગાવીને આવ્યો છું. મારા એકલમલ્લ બેલીને માટે ઝૂરતો આવ્યો છું.

“ઓઢા, બાપની મરણ-સજાઇ માથે વ્રત લીધેલાં કે સાંઢ્યું વાળ્યા પહેલાં વિવા ન કરું. એ વ્રત તો પૂરાં થયાં. તારી સાથે લેણાદેણી જાગી. સંસારમાં બીજા સહુ ભાઇ-બાપ બની ગયા. પણ તારી આગળ અંતર ન ઊઘડી શક્યું. આખો ભવ બાવાવેશે પૂરો કરત. પણ ચાર, ચાર મહિનાના મેલ ચડેલા તે આજ ના’વા પડી. તેં મને નાંતી ભાળી. બસ ,હવે હું બીજે ક્યાં જાઉં ?’

ઓઢો ધરતી સામે જોઇ રહ્યો.

“પણ ઓઢા, જોજે હો ! મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે. હું મરણલોકનું માનવી નથી. તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારે ને મારે આંખ્યુંનીયે ઓળખાણ નહિ રહે.હો !”

ઓઢાની ધીરજ તૂટી—

ચાવ તો માર્ય જિવાડ્ય, મરણું ચંગું માશૂક હથ,

જીવ જિવાદડણહાર, નેણાં તોજાં નિગામરી.

[હોથલ, હે નિગામરાની પુત્રી, ચાહે તો મને માર, ચાહે તો જીવાડ, તારે હાથે તો મરવું યે મીઠું]

પછી તો–

રણમેં કિયો માંડવો, વિછાઇ દાદમ ધ્રાખ, ઓઢો હોથલ પરણીજેં, (તેંજી) સૂરજ પૂરજેં સાખ.

[વનરાવનમાં દાડમડીનાં ઝાડ ઝૂલી રહ્યાં છે. ઝાડવાંને માથે દ્રાક્ષના વેલા પથરાઇને લેલૂંબ મંડપ રચાઇ રહ્યા છે. એવા મંડપનો માંડવો કરીને ઓઢો –હોથલ આજ હથેવાળે પરણે છે. હે સૂરજદેવ, એની સાક્ષી પૂરજે.]

ચોરી આંટા ચાર,ઓઢે હોથલસેં ડિના, નિગામરી એક નાર, બિયો કિયોરજો રાજિયો.

[તે દિવસે સાંજને ટાણે,ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યો. એક નિગામરા વંશની પુત્રી, ને બીજો કિયોર કકડાણાનો રાજવી:માનવીએ અને દેવીએ સંસાર માંડ્યા. ડુંગરનાં ઘર કર્યા. પશુપંખીનો પરિવાર પાળ્યો.]

                                       સજણ સંભરિયા
એવા રસભર્યા સંસારના દસ-દસ વરસ જાણે દસ દિવસ જેવડાં થઇને વીતી ગયાં છે. હોથલના ખોળામાં બે દીકરા રમે છે. કનરાની કુંજો એ સાવજ જેવા જખરા અને જેસળની ત્રાડોથી હલમલી હાલી છે, ઘટાટોપ ઝાડીમાં હિલોળા મચ્યા છે. એવે એક દિવસ આઘે આઘે ઓતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતીએ એકબીજાને બથ ભરી છે, ત્યાં મીટ માંડીને ઓઢો જામ શિલા ઉપર બેઠો છે. એના અંતરમાં અકળ ઉદાસી ભરી છે. ત્યાં તો મેઘ-ધરતીના આલિંગનમાંથી વરસાદના દોરિયા ફૂટ્યા.

               ઉત્તર શેડ્યું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયાં,
               હેડો રડફે મચ્છ જીં, સજણ સંભરિયાં
[ઓતરાદા આભમાં વાદળીઓની શેડ્યો ચડી, ડુંગરા ઉપર મેઘાડંબર ઘ્ઘૂંભ્યો. આણું વળીને મહિયરથી ચાલી આવતી કામિનીઓ જેમ પોતાના સ્વામીનાથ ઉપર વહાલ વરસાવતી હોય તેમ ઓઢાણું હૈયું તરફડવા માંડ્યું. ઓહોહો ! ઓઢાને સ્વજન સાંભર્યા. પોતાની જન્મભોમ સાંભરી, બાળપણના મિત્રો સાંભર્યા. વડેરો અને નાનેરો ભાઇઅ સાંભર્યા. કિયોર કકડાણાનો પથ્થરે પથ્થર અને ઝાડવે ઝાડવું સાંભરી આવ્યાં. ઓઢો ઉદાસ થઇ ગયો. જન્મભોમની દિશામાં જોઇ રહ્યો.]

દીકરાઓ બાપુ પાસે રમવા આવ્યા. જીવતરમાં તે દિવસે પહેલી જ વાર બાપુએ બેટાઓને બોલાવ્યા નહિ. દોડીને દીકરાઓએ માતાને જાણ કરી : “માડી, બાપુ આજે કેમ બોલતા નથી ?”

લપાતી લપાતી હોથલ આવી. હળવેક રહીને એણે પછવાડેથી ઓઢાની આંખો દાબી દીધી.

તોય ઓઢો બોક્યો નહિ.

”ઓઢા જામ ! શું થયું છે ? રિસાણા છો? કાંઇ અપરાધ ?”

ત્યાં તો કેહૂ….ક ! કેહૂ….ક! કેહૂ…..ક ! મોરલો ટૌક્યો.

જાણે કિયોરની ધરતીમાંથી મોરલો સંદેશા લઇને કનરે ઊતર્યો. ડળક !ડળક ! ડળક ! ઓઢાની આંખમાંથી આંસુ વહેવા મંડ્યાં.

“મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો!” કહીને હોથલે હાકલ દીધી

               મત લવ્ય મત લવ્ય મોરલા, લવતો આઘો જા,
               એક તો ઓઢો અણોહરો, ઉપર તોંજી ઘા.
[ઓ મોરલા, તારી લવારી કરતો તું દૂર જા.આજ એક તો મારો ઓઢો ઉદાસ છે, અને તેમાં પાછો તું ઘા પોકારીને એને વધુ ફસોસ કાં કરાવી રહ્યો છે ?]

અને મોરલા—

               મારીશ તોંકે મોર, સિગણજાં ચડાવે કરે,
               અર્યે ચિતજા ચોર, ઓઢેકે ઉદાસી કિયો.
[તું ઊડી જા, નીકર તીર ચડાવીને વીંધી નાખીશ; હે ચિતડાના ચોર, આજ તેં મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો.]

કેહૂક ! કેહૂક ! કેહૂક ! કરતો મોરલો જાણે કે જવાબ વાળે છે : હે હોથલ !–

               અસીં ગિરવરજા મોરલા, કાંકર પેટભરાં,
               (મારી) રત આવે ન બોલિયાં, (તો તો ) હૈડો ફાટ મરં.
[હે પદમણી, અમે તો ડુંગરના મોરલા, અમે ગરીબ પંખીડાં કાંકરા ચણી ચણીને પેટ ભરીએ. અમારા જીવતરમાં બીજો કશોયે સ્વાદ ન મળે. પણ જો અમારી ઋતુ આવ્યેય અમે ન ટૌકીએ, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલાં ગીતોને દાબી રાખીએ, તો તો અમારાં હૈયાં ફાટી જાય.અમારું મૉત થાય. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય ?]

એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે હોથલને ખીજવતો હોય તેમ મોરલો પોતાની સાંકળ(ડોક) ના ત્રણ-ત્રણ કટકા કરીને કેહૂક !કેહૂક ! ટૌકવા લાગ્યો.

હોથલે ખભામાં ધનુષ્ય હતું તેની પણછ ચડાવી. ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો. “ હાં !હાં !હાં ! હોથલ  !”

                       ગેલી મ થા ગેલડી, લાંબા ન બાંધ્ય દોર,
                       ગાળે ગાળે ગળકશે, તું કેતાક ઉડાડીશ મોર ?
[હે ઘેલી, ધનુષ્યની પણછ ન બાંધ. ગરની ખીણે ખીણમાં આ અસંખ્ય મોરલા ટૌકી રહેલ છે, એમાં તું કેટલાકને મારી શકીશ?]

                       કરાયલકે ન મારીએં, જેંજાં રત્તા નેણ,
                       તડ વીઠાં ટૌકા કરે, નીત સંભારે સે’ણ.
[અરે હોથલ, બિચારા મોરને તે મરાય ? એનાં રાતુંડાં નેત્ર જો, કેવાં પ્યારાં લાગે છે?અને એ બિચારાં પંખી તો ટૌકતાં ટૌકતાં એનાં વહાલશેરીને સંભારે છે.]

અરે હોથલ!

                       રેલમછેલા ડુંગરા, ચાવો લગે ચકોર,
                       વીસર્યા સંભારી ડીએ,સે ન મારીજે મોર.
[આવા રેલમછેલ ડુંગરાની અંદર છલકાતાં સુખની વચ્ચે માનવીને પોતાનાં વિસારે પડેલાં વહાલાં યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય.]

કહેતાં કહેતાં ઓઢાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે.

”અરે ઓઢા જામ ! એવડું તે શું દુ:ખ પડ્યું? આજે શું સાંભર્યું છે ?”

એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાળે છે. પણ ઓઢાનાં આંસુ થંભતાં નથી.એમ કરતાં કરતાં તો—

                       છીપર ભીંજાણી છકહુવો, ત્રંબક હુઇ વ્યાં નેણ,
                       અમથી ઉત્તમ ગારિયાં, ચડી તોજે ચિત સેણ.
[જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઇ ગઇ. રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઇ ગઇ. ત્યાર પછી હોથલ ગરીબડું મોં કરીને બોલી : “ઓઢા, શું મારાથી અધિક ગુણવતી કોઇ સુંદરી તારા ચિત્તમાં ચડી ? નીકર, તું મને આજે આમ તરછોડત નહિ.”]

એટલું બોલતાં તો હોથલનું ગળું રૂંધાઇ ગયું. એની આંખો છલકાઇ ગઇ. હોથલની હડપચી ઝાલીને ઓઢાએ મોં ઊંચું કર્યું અને કહ્યું :હોથલ !—

કનડે મોતી નીપજે, ક્ચ્છમેં થિયેતા મઠ, હોથલ જેડી પદમણી, કચ્છમેં નેણે ન દઠ.

[હોથલ, એવા અંદેશા આણ્ય મા, ઓઢા ઉપર આવડાં બધાં આળ શોભે ? ઓ મારી હોથલ, તારા સરખાં મોતી તો કનડામાં જ નીપજે છે. કચ્છમાં તો ભૂંડા મઠ જ થાય છે. હોતલ જેવી સુંદરી કચ્છમાં મેં નથી ભાળી.]

અને–

                       ખેરી બૂરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ,
                       (પણ) હોથલ હલો કછડે, જિતીં માડુ સવાયા લખ.
[કચ્છમાં તો ખેર, બાવળ અને બોરનાં ભૂંડાં કાંટાળાં ઝાડ ઉગે છે. ત્યાં કોઇ ફૂલ-મેવાની વનસ્પતિ નથી. તોય, એ હોથલ, મને આજ મારો કચ્છ સાંભરે છે, કેમ કે, ત્યાં લાખેણા જવાંમર્દો નીપજે છે. હાલો, હોથલ, એ ઉજ્જદ રણવગડા જેવી તોય મરદોની ભોમકામાં હાલો.]

મારો કચ્છ ! વાહ મારું વતન ! મને કચ્છ વિના હવે જંપ

નથી. ઓહોહોહો ! જ્યાં–

                       ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેસ,
                       રાજા જદુવંસરા, ઓ ડોલરિયો દેસ.
[એવા રૂડા ઘોડા ને એવા વંકા કાઠી જોદ્ધાઓ પાકે છે, જેના અંગ ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે છે, તે પોતાના દેહને જરાયે ઉઘાઓ રાખવામાં એબ સમજે છે, અને જ્યાં જાદવવંશના ધર્મી રાજા રાજ કરે છે :એવા મારા ડોલરિયા દેશમાં –મારા કચ્છમાં –એક વાર હાલો, હોથલદે !]

અને વળી–

                       વંકા કુંવર, વિક્ટ ભડ, વંકા વાછડીએ વછ,
                       વંકા કુંવર ત થિયેં, પાણી પીએ જો કચ્છ.
[રાજાના રનબંકા કુંવરો, બંકા મરદો અને ગાયોના બંકા વાછડા જો કચ્છનું પાણી પીએ તો જ એનામાં મરદાનગીઆવે. મારા જખરા—જેસળને પણ જો કચ્છનું નીર પિવડાવીએ, તો એ સાવજ સરખા બને.]

હાલો, હોથલ, હાલો કચ્છમાં; અરે દેવી !

                       હરણ અખાડા નહિ છડે, જનમભોમ નરાં,
                       હાથીકે વિંધ્યાચળાં, વીસરશે મૂવાં.
[કનડાનાં છલકાતાં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું? હરણ એના અખાડાને, માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે ?એ તો મરીએ ત્યારે જ વીસરાય.]

હોથલ ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી.મારો સૂકો અળગતો કચ્છ સાંભર્યા કરે છે.

                       ગર મોરાં, વન કુંજરાં, આંબા ડાળ સૂવા,
                       સજણરો કવચન, જનમધર, વીસરશે મૂવા.
[હોથલ, મારી હોથલ, મોરને એનો ડુંગર, કુંજરને એનાં જંગલ, સૂડા-પોપટને એની આંબાડાળ, વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમ:એટલાં તો મરીએ ત્યારે જ વીસરાશે.]

જનમભોમની આટલી ઝંખના ! હોથલ સડક થઇ ગઇ. માનવીને માનવીના કરતાંય જનમભોમનાં ઝાડ-પથરા આટલાં બધાં વહાલાં? હોથલ અજાયબીમાં ગરક બની ગઇ. ઓઢાના મુખમંડળ ઉપર એને જાને કોઇ જનેતાની છાયા છવાઇ ગઇ હોય એવું જોયુ. માતાના થાનેલા ઉપરથી

વિછોડાયેલુંબાળક ફરી વાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવું દીઠું. એ બોલી :”ઓઢા રાણા ! કચ્છમાં ખુશી થી હાલો.”

                                       જનમભોમમાં
ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઇને ઓઢા-હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.

“હોઠલ ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઇને ભેટી રહ્યાં છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહાહા! હોથલ, જનમભોમની માયા તો જો !”

“ઓઢા જામ !” હોથલ હસી :”હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઇને તપાસી આવો. અમે આંહીં બેઠાં છીએ.”

“કાં ?”

“ઓઢા, ઠીક કહું છું. માનવીના હૈયામાં મારગ ન હોય તો છાનાંમાનાં પાછા વળે જશું.”

અંધારે ઓઢો એકલો ચાલ્યો; શેરીએ શેરીએ ફૂલ અને મોતીડાંનાં આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સૂનકાર ખાવા ધાય છે. માણસોનાં મોઢાં નિસ્તેજ થઇ ગયાં છે. ઘ્રેઘરની પછીતે ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સખુન કોઇના મોંમાંથી સંભળાતો નથી. કિયોરની ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વીસરાયા છે. વાહ ! વાહ સમય ! હું થાપ ખાઇ જાત. ડાહી હોથલે ભલો ચેતવ્યો:ત્યાં તો–

“બાપ ઓઢાણ્ય ! બા….પો ઓઢા….ણ્ય ! બે….ટા ઓઢાણ્ય !” એવો અવાજ આવ્યો. એક ભીંત પછવાડે ઓઢો ચમકી ઊભો રહ્યો. ઓરડાની ફળીમાં પોતાના નામને આ કોણ લાડ લડાવી રહ્યું છે? પાછો અવાજ આવ્યો—

“બાપ ઓઢાણ્ય ! તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ ! અધરાત સુધી વટકીને કાં ઊભી છો, બાપ ! લે હવે તો પ્રાસવ્ય !”

ઓઢાના અંતરનો મે’રામણ ઊછળ્યો. ઓઢાને સમજ પડી:’આ તો મારો ચારણ. એને મેં દીધેલી ભેંસની પાડીનું એણે ‘ઓઢાણ્ય’ નામ પાડ્યું લાગે છે.’

ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રસવો મેલ્યો અને ચારણને સાદ કર્યો : “હાં ચારણ્ય ! તાંબડી લાવ્ય. ઓઢાણ્યને ઠપકો લાગ્યો, ઠપકો લાગ્યો. ઝટ તાંબડી લાવ્ય.”

તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી, અને દોહતો દોહતો ચારણ ‘વાહ ઓઢા ! વાહ ઓઢા ! તારા નામને !’ એમ પોરસ દેતો ગયો.

પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુદે પોતાનાં નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી.

                       મિતર કિજે મંગણાં, અવરાં આરપંપાર,
                       જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર.
[મિત્ર કરીએ તોચારણને જ કરીએ; બીજી સહુ આળપંપાળ, ચારણ જીવતાં જશ ગાય, પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે !]

પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઇને દોડ્યો.”ઓઢા ! બાપ ઓઢા ! ઓઢા, જીવતો છો ?”

“સાહેબધણીની દયાથી !”

બેય જન બથ લઇને ભેટ્યા. ઓધે સમાચાર પૂછ્યા:” ગઢવી, ભાઇ—ભાભી સહુ ખુશીમાં ?”

“મારા બાપ ! ભૈનું મોટું ગામતરું થયું. ને આજ કિયોર કકડાણાને માથે નાનેરા ભાઇ બુઢ્ઢાએ આદું વાવી દીધાં છે. તું ભાગવા માંડ. તને ભૂંડે મૉત મારશે. ભાઇ, વસ્તી વીફરી બેઠી છે. કિયોરની ધરતીમાંથી ઇશ્વર ઊઠી ગયો છે.”

“બસ, ગઢવા ?”

”બસ !”

ફરી બેય જણાએ બથ લીધી. ઓઢાએ જુહાર દીધા. અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો.

“ હોથલ !હાલો, જનમભોમ જાકારો દે છે.”

“કાં ?”

“કાં શું ? માનવીનાં પારખાં નહોતાં. તેં આજ દુનિયાની લીલા દેખાડી.”

“જનમભોમની વહાલપ જાણી લીધી.”

“જાણી લીધી—પેટ ભરીને માણી લીધી.”

“હવે ઓરતો નહિ રહી જાય ને ?”

“સાત અવતાર સુધી નહિ.”

“હાલો ત્યારે, ક્યાં જાશું?”

“પીરણેપાટણ, મશિયાઇને આંગણે.”

”જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.”

                               છતી કરી
પીરાણા પાટણના સરોવર-કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રેજાઓને સાવધ કર્યા:” ભાઇ જેસળ, ભાઇ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો ! કાળઝાળ સાવજ રહે છે.”

પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ઘા ખાઇ ગયા. પદમણીના પુત્રો તે ટાણે કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઇ ને પમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઇ છે કે ‘ક્યારે સાવજ મારીએ !”

સાંજના અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટામાં કોઇ ભેંકાર નરસિંહ અવતાર જેવા એ સાવજના પીળા ડોળા દેવતાના અંગારા જેવા ઝગી રહ્યા છે. આઠ હાથ લાંબો, ડાલામથ્થો, છરા જેવા દાંત કચકચાવતો કેસરી લપાઇને બેઠો છે.

“ઊઠ, ઊઠ, એય કૂતરા !” પંદર વરસના પદમણીપુત્રોએ સાવજને પડકાર્યો.

વનરાજ આળસ મરડીને ઊઠયો. કેશવાળી ખંખેરીને ઊઠ્યો, મહા કાળઝાળ જોગંદર જાણે સમાધિનો ભંગ થાય ને ઊઠે તેમ ઊઠ્યો. ઝાડવાં હલમલી ઊઠે તેમ ત્રાડ દીધી. પૂંછડાનો ઝુંડો ઊંચે ઉપાડીને પોતાની પડછંદ કાયાને સંકેલી છલંગ મારી.

પણ આભની વીજળી જેમ પ્રચંડા જલધરને વીંધી લે, એમ જેસળની કમાનમાંથી છૂટેલા તીરે સાવજને આકાશમાં અદ્ધર ને અદ્ધર પરોવી લીધો. એના મરનની કારમી કિકિયારીએ રાતના આસમાનને જાને ચીરી નાખ્યું. પછડાટી ખાઇને એ ધરતી માથે પડ્યો. એના પ્રાણ નીકળી ગયા.

પીરાણા પાટણનો દરબારગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગિરદીમાં ફાટફાટ થાય છે. ‘શાબાશ ! શાબાશ !’ ના જાણે મેહુલા મંડાણા છે. પંદર વરસના બેટાઓની પીઠ થાબડતા શૂરવીરોજાને ધરાતા નથી.

“ ઓઢા જામ ! આવા મહાવીરો જેના થાન ધવ્યા છે તે જનેતાની તો ઓળખાણ આપો !જેસળ-જખરાનું મોસાળ કોણ?”

ઓઢાના મુખમંડળ ઉપરની બધી કાંતિ પલક વારમાં શોષાઇ ગઇ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયા ઊતર્યા. એને હોથલનો કરાર સાંભર્યો. એ કેમ બોલે ?

અમુક વાઘેલાના ભાણેજ, ફલાણા ઝાલાઓના ભાણેજ, સોલંકીના ભાણેજ—એમ કંઇ કંઇ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી. પન દાયરામાંથી દરેક વાર જાણકારોના જવાબ મળ્ય કે ‘જૂઠી વાત ! એવું કોઇ કુળ નથી. એને કોઇ દીકરી નથી.સાચું કહો, ઓઢા જામ !”

ઓઢાની જીભ ખિલાઇ ગઇ. ડાયરો દાંત કાઢવા લાગ્યો. જેસળ-જખરાની આંખના ખૂણામાંથી અંગાર ઝર્યો. કેડેથી તરવારો તાણીને બેય ભાઇઓએ બાપના મસ્તક ઉપર તોળી.

“બાપુ, કેમ ગોટા વાળી રહ્યા છો ? અમારી જનેતાના કુળમાં એવું તે શું કલંક છે કે ભરદાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો ?બોલો, નીકર ત્રણેયનું લોહી અહીં છંટાશે.”

“ બેટા, રે’વા દિયો, પસ્તાશો.”

“ ભલે બ્રહ્માંડ તૂટે. બોલો.”

ઓઢાનું અંતર આવતી કાલના વિજોગની બીકે ચિરાઇ ગયું. હોથલને હાથમાંથી ઊડી જતી એ જોઇ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચ્ચાર્યું:

“ દાયરાના ઠાકોરો ! દીકરાને માથે તો છે ઇંદ્રાપુરનું મોસાળ. એની જનેતા મરતલોકનું માનવી નહી. પદમણી છે.”

“ પદમણી કોણ?”

“ હોથલ !”

“વાહવા ! વાહવા ! વાહવા ! હોથલના પેટમાં પાકેલા પુત્રો ! હવે શી તાજુબી ! ઓઢાને ઘેર હોથલદે નાર છે. વાહ રે ઓઢાના તકદીર ! પદમણીનો કંથ ઓઢો !”

પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે?વાયરા વાત લઇ ગયા. હોથલ છતી થઇ. અરેરે ! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઇ ગયા.

                       ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,
                       ઓઢા વાંચ  નિહાર, અસાંજો નેડો એતરો.
[હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં:ઓઢા, આપણા નેહ-સ્નેહનો આટલેથી જ અંત આવ્યો.]

                       આવન પંખિ ઊડિયાં, નહિ સગડ નહિ પાર,
                       હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં  જ્વાર.
ચિઠ્ઠીલખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઇ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે ?

                       ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,
                       ઓઢાં વણનાં એકલાં , કનડે કેમ રેવાય ?
[ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.]

                       સાયર લેર્યું ને પણંગ ઘર, થળ વેળુ ને સર વાળ,
                       દનમાં દાડી સંભરે, ઓઢો એતી વાર.
[સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિંદુ, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.]

                       દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,
                       ઝાડવે ઝાડવે જીંગરતા, (હું) કેતાક ઉડાડું મોર ?
[ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે દુંગરે ચડું છું પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે

છે, ત્યાં હું કેટલાકને ઉડાડું?]

બીજી બાજુ–

                       સામી ધાર દીવા બળે, વીજળી ચમક ભળાં,
                       ઓઢો આજ અણહોરો, હોથલ નૈ ઘરાં.
[સામા ડુંગરામાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે, કેમકે હોથલ ઘેર નથી.]

ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં.

માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ.

વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું; અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરીક્ષમાંથી હોથલ ઉપાડી ગઇ:પુત્રના લગ્ન કાળે હોથલ પોંખવા આવે અને એ વખતે પુત્ર-વધૂએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યાં વગેરે.

‘કનડો ડુંગર’ કાઠિયાવાડમાં બે-ત્રણ જગ્યાએ બતાવવામાં આવે છે. હોથલ કાઠિયાવાડણ હતી એવીયે લોકોક્તિ છે. ગીરના ડુંગરમાં એનાં ચમત્કારો હજીયે થતા હોવાની વાતો બોલાય છે. કોઇ કહે છે કે પાંચાળમાં હોથલિયો ડુંગર અને રંગતળાવડી છે તે જ હોથલ્નું રહેઠાણ; કોઇ મેંદરડા પાસેનો કનડો ડુંગર બતાવે છે.જ્યારે કનડો ડુંગર કચ્છ પ્રદેશનીયે ઉત્તરે થરપારકર તરફ હોવાનું મક્કમપણે કહેવાય છે.

આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે. પન અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઇ ગઈ છે.]
– ઝવેરચંદ મેઘાણી

Rajputani / ગરાસણી / राजपूतानी – Zaverchand Meghani

Standard

ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?”

“ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સપારડા ઘણાં છે.”

ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામમો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ૪૦-૫૦ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરા સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું.પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.

એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપરગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતાં. એક વેલડું, બે છોડીઓ ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધા હેબતઓઅર ગામે બાને તેડવા ચાલ્યાં.

image

Rajputani

હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ હતું. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમકે પાણી વિના પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠાં. બીજા ગાડાંમાં ફ્ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળી બા પસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે ભર્યો હતો.

ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળાવા લાગ્ય્પ્. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : ” ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવાજેવું નથી, હો બાપા ! હોશિયાર રે’જો.”

ગેમાએ જવાબ દીધો : “એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તરે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ.”

ગેમો નસકોરા ગ્જાવવા લાગ્યો. નરકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : ” ગેમાભાઈ, બાપા, અટાણે સુવાય નહિ હો!”

ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબળતો હતો : ” હું કોણ ? હું ગેમો !”

આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ-બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડુએ નજર કરીતો આઘેથી તળાવડીમાં આગના તનખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચક્મક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : ” ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી હો!”

ગેમાનો તો એક જ જવાબ હતો : “મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !”

ગાડાં તળાવળી નજીક પહોંચ્યા એટાલે ગાડાખેડુને દસ બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઊઠી ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે ? એ તો ગેમો !”

જોતાજોતમાં તો અંધારે બારજણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : ” મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !” ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો.

એક જણે કહ્યું : ” એલા, એને ઝટ રણગોટીળો કરી મેલો !”

લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ-પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાડડી નાખી, એક ધક્કો દઈ દદાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોટીળો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.

“કોણ છે વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ઝટ!” લૂંટારાએ ત્રાડ દીધી.

રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોઇએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું.

બદમાશો બોલ્યા : “ડિલ ઉપરથી ઘરેણું ઉતાર.”

બાઈએ બધા ઘરેણા ઊતાર્યાં; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં

“કડલાં સોત ઉતાર” બદમાશોએ બૂમ પાડી.

બાઈ વીનવવા લાગ્યાં : ” ભાઈ , આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી હું ભર્યે પેટે છું. મારાથી નહિ ઊઘડે; માટે આટલેથી ખેમૈયા કરો ને, મારા વીરા!”

“સગાઈ કર મા ને ઝટ કાધી દે!”

“ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો,” એમ કહી રૂપાલીએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું.

રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી, બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાંના આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા.

રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસનીને સૂરાતન ચડ્યું; આડુમ્ લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠભેર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા- ચંડી રૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા- જેના પર પડે છે તે ફરી વાર ઊઠવા નથી આપતો.

અઢાર વર્ષની ગર્ભવંતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટાકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદમ્બાનું રૂપ પ્રગટ થયું; બચેલા બદમાશો પલાયન કરી ગયા.

ગેમો રણગોળીટો થઈને ઝાંખરામં પડેલો હતો. બાઈએ કહ્યું : “છોડી નાખો એ બાયલાને.”

છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહિ.

જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી; એના અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું; નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી; હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ ! વાહ ગરાસણી ! વનનાં ઝાડાવાં જોઈ રહ્યાં હતાં.

ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહિ. એના શરીરમાં શૂરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટાલા ઘા પડ્યા હોય, પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે; એનું લોહી શાંતિ પામે નહિ, રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યાં.

સવાર પડ્યું ત્યાં મોણપરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસૂંબો લઈને આવે.

કસૂંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખ્મોની પીડા દેખાય માટે કસૂંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો :

“બેટા, આમ્હીં રોકાઈ જાઓ.”

‘ના, મામા, મારે જલ્દી ઘર પહોંચવું છે, માને અને મારા બાપુને મળી લેવું છે.”

બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યાં હતાં કે કોઈ એનાં વખાણ ન કરશો, ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહિ તો બહેનને ચમક ઊપડશે.

ચમક ઊપડે એટલે માણસ મરી જાય.

લોહીએ નીતરતાં બહેન આવ્યાં. બહેનને ઢોલિયામાં સુવાડ્યાં, બધાંય ઠપકો દેવા લાગ્યાં : ” બેટા ! બહુ અઘટિત કર્યું. પાંચ હજારનાં ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત!”

એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો; પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.

(પૂર્ણ)
ઝવેરચંદ મેઘાણી

Brave story of Amarsinhji Rathore / अमरसिंह राठौर

Standard

बीकानेर के राजा रायसिंहजी का भाई अमरसिंह किसी बात पर दिल्ली के बादशाह अकबर से नाराज हो बागी बन गया था और बादशाह के अधीन खालसा गांवों में लूटपाट करने लगा इसलिए उसे पकड़ने के लिए अकबर ने आरबखां को सेना के साथ जाने का हुक्म दिया | इस बात का पता जब अमरसिंह के बड़े भाई पृथ्वीराजसिंह जी को लगा तो वे अकबर के पास गए बोले-
” मेरा भाई अमर बादशाह से विमुख हुआ है आपके शासित गांवों में उसने लूटपाट की है उसकी तो उसको सजा मिलनी चाहिए पर एक बात है आपने जिन्हें उसे पकड़ने हेतु भेजा है वह उनसे कभी पकड़ में नहीं आएगा | ये पकड़ने जाने वाले मारे जायेंगे | ये पक्की बात है हजरत इसे गाँठ बांधलें |”
अकबर बोला- “पृथ्वीराज ! हम तुम्हारे भाई को जरुर पकड़कर दिखायेंगे |”
पृथ्वीराज ने फिर कहा- “जहाँपनाह ! वो मेरा भाई है उसे मैं अच्छी तरह से जानता हूँ वो हरगिज पकड़ में नहीं आएगा और पकड़ने वालों को मारेगा भी |

पृथ्वीराज के साथ इस तरह की बातचीत होने के बाद अकबर ने मीरहम्जा को तीन हजार घुड़सवारों के साथ आरबखां की मदद के लिए रवाना कर दिया | उधर पृथ्वीराजजी ने अपने भाई अमरसिंह को पत्र लिख भेजा कि- ” भाई अमरसिंह ! मेरे और बादशाह के बीच वाद विवाद हो गया है | तेरे ऊपर बादशाह के सिपहसलार फ़ौज लेकर चढ़ने आ रहे है तुम इनको पकड़ना मत,इन्हें मार देना | और तूं तो जिन्दा कभी पकड़ने में आएगा नहीं ये मुझे भरोसा है | भाई मेरी बात रखना |”
ये वही पृथ्वीराज थे जो अकबर के खास प्रिय थे और जिन्होंने राणा प्रताप को अपने प्रण पर दृढ रहने हेतु दोहे लिखकर भेजे थे जिन्हें पढने के बाद महाराणा प्रताप ने अकबर के आगे कभी न झुकने का प्रण किया था | पृथ्वीराज जी का पत्र मिलते ही अमरसिंह ने अपने साथी २००० घुड़सवार राजपूत योद्धाओं को वह पत्र पढ़कर सुनाया,पत्र सुनने के बाद सभी ने अपनी मूंछों पर ताव देते हुए मरने मारने की कसम खाई कि- ” मरेंगे या मरेंगे |”

अमरसिंह को अम्ल (अफीम) का नशा करने की आदत थी | नशा कर वे जब सो जाते थे तो उन्हें जगाने की किसी की हिम्मत नहीं होती थी कारण नशे में जगाने पर वे बिना देखे,सुने सीधे जगाने वाले के सिर पर तलवार की ठोक देते थे | उस दिन अमरसिंह अफीम के नशे में सो रहे थे कि अचानक आरबखां ने अपनी सेनासहित “हारणी खेड़ा” नामक गांव जिसमे अमरसिंह रहता था को घेर लिया पर अमरसिंह तो सो रहे थे उन्हें जगाने की किसी की हिम्मत नहीं हो रही थी ,कौन अपना सिर गंवाना चाहता | आखिर वहां रहने वाली एक चारण कन्या “पद्मा” जिसे अमरसिंह ने धर्म बहन बना रखा था ने अमरसिंह को जगाने का निर्णय लिया | पद्मा बहुत अच्छी कवियत्री थी | उसने अमरसिंह को संबोधित कर एक ऐसी वीर रस की कविता सुनाई जो कविता क्या कोई मन्त्र था,प्रेरणा का पुंज था,युद्ध का न्योता था | उसकी कविता का एक एक अक्षर एसा कि कायर भी सुन ले तो तलवार उठाकर युद्ध भूमि में चला जाए | कोई मृत योद्धा सुनले तो उठकर तलवार बजाने लग जाये |

पद्मा की कविता के बोलों ने अमरसिंह को नशे से उठा दिया | वे बोले – “बहन पद्मा ! क्या बादशाह की फ़ौज आ गयी है ?”
अमरसिंह तुरंत उठे ,शस्त्र संभाले,अपने सभी राजपूतों को अम्ल की मनुहार की | और घोड़े पर अपने साथियों सहित आरबखां पर टूट पड़े | उन्होंने देखा आरबखां धनुष लिए हाथी पर बैठा है और दुसरे ही क्षण उन्होंने अपना घोडा आरबखां के हाथी पर कूदा दिया , अमरसिंह के घोड़े के अगले दोनों पैर हाथी के दांतों पर थे अमरसिंह ने एक हाथ से तुरंत हाथी का होदा पकड़ा और दुसरे हाथ से आरबखां पर वार करने के उछला ही था कि पीछे से किसी मुग़ल सैनिक में अमरसिंह की कमर पर तलवार का एक जोरदार वार किया और उनकी कमर कट गयी पर धड़ उछल चूका था , अमरसिंह का कमर से निचे का धड़ उनके घोड़े पर रह गया और ऊपर का धड़ उछलकर सीधे आरबखां के हाथी के होदे में कूदता हुआ पहुंचा और एक ही झटके में आरबखां की गर्दन उड़ गयी |

image

पक्ष विपक्ष के लोगों ने देखा अमरसिंह का आधा धड़ घोड़े पर सवार है और आधा धड़ हाथी के होदे में पड़ा है और सबके मुंह से वाह वाह निकल पड़ा |
एक सन्देशवाहक ने जाकर बादशाह अकबर को सन्देश दिया -” जहाँपनाह ! अमरसिंह मारा गया और बादशाह सलामत की फ़ौज विजयी हुई |”
अकबर ने पृथ्वीराज की और देखते हुए कहा- ” अमरसिंह को श्रधांजलि दो|”
पृथ्वीराज ने कहा – ” अभी श्रधांजलि नहीं दूंगा, ये खबर पूरी नहीं है झूंठी है |”
तभी के दूसरा संदेशवाहक अकबर के दरबार में पहुंचा और उसने पूरा घटनाकर्म सुनाते हुए बताया कि- “कैसे अमरसिंह के शरीर के दो टुकड़े होने के बाद भी उसकी धड़ ने उछलकर आरबखां का वध कर दिया |”
अकबर चूँकि गुणग्राही था ,अमरसिंह की वीरता भरी मौत कीई कहानी सुनकर विचलित हुआ और बोल पड़ा – “अमरसिंह उड़ता शेर था ,पृथ्वीराज ! भाई पर तुझे जैसा गुमान था वह ठीक वैसा ही था ,अमरसिंह वाकई सच्चा वीर राजपूत था | काश वह हमसे रूठता नहीं |”
अमरसिंह की मौत पर पद्मा ने उनकी याद और वीरता पर दोहे बनाये –

आरब मारयो अमरसी,बड़ हत्थे वरियाम,
हठ कर खेड़े हांरणी,कमधज आयो काम |
कमर कटे उड़कै कमध, भमर हूएली भार,
आरब हण हौदे अमर, समर बजाई सार ||

**** ડિજીટલ દરબાર **** ****ડિજીટલ ઈતિહાસ****

Standard

**** ડિજીટલ દરબાર ****
****ડિજીટલ ઈતિહાસ****

(આ પોસ્ટ આખી વાંચવા વિનંતિ છે, થોડુક લાંબુ લખાઈ ગયુ છે તો મહેરબાની કરીને વાંચવામાં આળસ ના કરશો તેમજ મહેરબાની કરી આ પોસ્ટ કોપી ના કરવા વિનંતિ. Share કરી શકો છો)

image

^^ પાણીના કોઈ પરબ પર એક જ ગ્લાસ હોય અને પાણી પીવાવાળાની ભીડ હોય ત્યારે આપણી આગળ પાણી પીતો માણસ પાસે જો આપડે ગ્લાસ માંગીશુ તો તે માણસ પહેલા પોતાના સાથી-મિત્રો કે સગાવહાલાને ગ્લાસ આપશે

^^ કોઈની પાસે ઉછીના ૨૦૦૦ રુપિયા માંગવા જાઓ તો તમને લગભગ પૈસા આપવાના બદલે મંદી અને મોંઘવારીની વાર્તાઓ સાંભળવા મળે.

^^ અરે ભાઈ રેલ્વે સ્ટેશને જાઓ તો સરકારી ટ્રેનના ડબ્બામાં પણ રૂમાલ મુકી દીધા પછી એ સીટ પર રૂમાલ મુકનાર કોઈને બેસવા દેતો નથી

^^ અરે ભાઈ ૧૦૦ ની નોટના છુટા(ખુલ્લા) લેવા જાવ તો પણ વટાવ આપવો પડે છે, મફતમાં ખુલ્લા પણ મળતા નથી

કહેવાનો મતલબ એમ કે દુનિયાના કોઈ માણસને એક પાંચિયા કે પાવલી જેટલુંય જતુ કરવુ નથી કે પોતાના હક્ક હિસ્સો જતો કરવો નથી, અરે છુટ્ટા(ખુલ્લા) જેવી શી** જેટલી વાતમાં પણ માણસ અત્યારે વટાવ માંગે છે ત્યારે

આખા ભારત ઉપર જેના બાપ-દાદાઓના નામનો કાયદેસરનો રૂમાલ હતો એવા ગરાસિયાઓને હું આજ જરૂર યાદ કરીશ, માણસ પોતાના સગ્ગા ભાઈને જમીનમાંથી એક ટુકડો પણ વધારે નહી આપવાં માટે આખી જીંદગી કોર્ટના ધક્કા ખાઈ ને અંતે મરી જાય છે પણ આ તો વાત ત્યાગભાવનાની છે, આંખના પલકારા જેટલા સમયમાં આખા ભારત આખામાંથી રૂમાલ ઉઠાવી લીધો અને પોતાનુ સર્વસ્વ ગરીબોના માટે સમર્પિત કરી દીધુ. પોતાનો હક્ક જતો કરવો એનાથી મોટી બહાદુરી એક પણ નથી, જે માણસ સાર્વજનિક પરબનો ગ્લાસ પણ બીજાને ના આપી શકતો હોય ત્યારે આખુ ભારત મફતમાં આપી દીધુ એવા મહાન મહારાજાઓની મહાનતા સમજવા માટે હજુ મારે બે-ચાર જનમ લેવા પડશે,

આજ આપણા દેશમાં સરદાર પટેલ, ડૉ.આંબેડકર, ગાંધીજી, જવારહરલાલ નહેરૂ, જેવા અનેક નામી-અનામી રાજપુરૂષોના પુતળાઓ ઉભા કરવામાં આવ્યા છે અને દેશની વિધાનસભાઓ/લોકસભામાં તેમના ફોટાઓ રાખવામાં આવ્યા છે, તેમના નામે હજારો યોજનાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ આખુ ભારત જેના બાપનુ હતુ અને એક સેકન્ડમાં પ્રજાની સેવામાં સઘળુ ન્યોચ્છાવર કરી દીધુ એવા રાજામહારાજોનો એક પણ ફોટો કે એમના નામે એક પણ યોજનાઓ જોવા મળતી નથી, જવાહરલાલ નહેરૂ અને રાજીવગાંધીના નામ પર ગરીબો માટેની હજારો યોજનાઓ જોવા મળે છે પણ રાજોના નામે એક પણ યોજના કેમ નથી? શું રાજાઓ ગરીબ વિરોધી હતા? નહી જ . પરંતુ જે મહારાજાઓએ ગરીબોના નામે બધુ ત્યાગ કર્યુ એ જ ગરીબોના નામે આ લંપટ રાજકારણીઓ મતબેંકની રાજનિતી કરી ગયા.

અરે આજના એક પણ રાજકારણી પોતાની માં ના પેટમાં પણ નહી હોય ને ત્યારે આપણા મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સાહેબે અમરેલીમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કર્યુ હતુ, અને આ લુચ્ચાઓ આજ લોકોને મફત અને ફરજીયાત શિક્ષણના કાયદાઓ બનાવી રાજીવ ગાંધીના નામે યોજના બનાવી દીધી.

ભાઈ તમારા રાજીવગાંધી અને જવાહરલાલ, શાહ, જેટલી, ડડવાણી, ના જન્મ પહેલા અમારા રાજાઓ માહિતી અધિકારનો કાયદો લાવ્યા હતા અને જે માણસને જે કંઈ પણ તકલીફ હોય તો રાજાના દરબારનો ઘંટ બેફિકર વગાડી શકતા હતા અને ન્યાય મેળવી શકતા હતા ભાઈ

વાંચે ગુજરાત નામની સરસ યોજના લાવી અને લોકોને ઈતિહાસ અને વિજ્ઞાન વંચાવવાને બદલે ફક્ત ને ફક્ત સરકારી યોજનાઓની જાહેરાતો જ વંચાનાર લોકો જ્યારે પેદા પણ નહી થયા હોય ને ત્યારે ભlવનગરના મહારાજા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજીના ગોહિલના રાજવંશ તરફથી બાર્ટન નામની લાયબ્રેરીની સ્થાપના કરી દીધી હતી અને આજે પણ રોજના હજારો લોકો ત્યાં વાંચે છે, (બાર્ટન લાયબ્રેરીનો વાંચક હું પણ રહી ચુક્યો છુ)

ઉનાળામાં લોકો માટલા લઈને રોડ ઉપર ઉતરી જાય છે, ઠેર ઠેર પાણી કાપના કકળાટ ચાલુ થાય ત્યારે જવાહરલાલના નામે મોટી મોટી ફેંકનારા લોકો ઘરભેગા થઈ જાય છે પણ અમારા રાજવંશોએ “મલાવ તળાવ” બંધાવી આપ્યુ હતુ અને માણસ તો ઠીક ચાર પગવાળું પ્રાણી પણ પોતાની તરસ છીપાવી શકે તે માટે છેક જળ ની સપાટી સુધી પગથિયા વાળી “અડાલજની વાવ” અમને અમારા માઈબાપ મહારાજાઓ એ બંધાવી આપી હતી.

ગરીબ, ગરીબ ગરીબ કરીને દેશમાં એકદમ ગંદા પ્રકારનું રાજકારણ રમી રહ્યા છે એ લોકો સાંભળી લે કે ગરીબોની ખરેખર આટલી ચિંતા થતી હોત ને તો આજ ભારતમાં કોઈ ગરીબ જ ના હોય, ગરીબો માટે દિલમાં કેટલી ક્ષમાભાવના હોય અને કેટલી હોવી જોઈયે એ જાણવુ હોય તો અમારા મિનળદેવીબા એ બંધાવેલ ધોળકાનું તળાવ જોઈ લેવુ ભાઈ
એ સમય હતો જ્યારે રાજામહારાજાઓના નામ પર અંધારામાં લોકો જંગલ પાર કરી જતા હતા, કોઈની માં એ એટલી સુંઠ ખાધી ના હતી કે એનો દિકરો પરસ્ત્રી સામુ ઉંચી આંખ કરીને પણ જોઈ શકે, અને આજના નમાલાઓના નાક નીચે(દિલ્લી) જાહેરમાં ચિરહરણ થાય છે

સવારે બનાવેલ રોડમાં સાંજ સુધીમાં ખાડા પડી જાય છે અને સામાન્ય વરસાદમાં આખો ચેકડેમ તનાઈ જાય છે તેવી પરિસ્થિતીમાં વિકાસની બુમાબુમ કરતા લોકો ભુગર્ભમાં ઉતરી જાય છે એમણે ક્યારેક અમારા રાજાએ બંધાવેલ સાર્વજનિક બાંધકામો જોઈ લેવા જોઈયે, હજારો વર્ષોથી અડિખમ ઉભેલા મહેલો, તળાવો, અલગ અલગ વાવ, ચબુતરાઓ, ચોરાની આજે કાંકરી પણ ખરી નથી અને અલગ અલગ જિલ્લામાં આવેલી કોટ(શહેર ફરતી દિવાલ) આજે પણ અમને અમારા મહારાજા સાહેબની હાજરીની પ્રતિતી કરાવે છે.

જ્યારે હોય ત્યારે ગરીબ ગરીબ ગરીબ કરીને ગરીબના હીત અને ગરીબના હક્કની વાત કરનારાઓ, ગરીબોના નામે જાતિવાદ અને અસ્પૃશ્યતા ફેલાવનારાઓ આજ ચુંટણી સિવાય ક્યારેય ગરીબોનું સાંભળવા તૈયાર નથી અને ચુંટણી સમયે પણ ૨૦ વાળી પોટલી(કોથળી) મફતમાં પીવડાવીને ગરીબો ઉપર ઉપકાર કર્યો હોય એવી ફિલિંગ અનુભનારાઓ ક્યારેક ઈતિહાસ વાંચી લે તો ખબર પડે કે ડૉ.આંબેડકર જેવા (જે તે સમયે અત્યંજ ગણાતા) લોકોને વિદેશમાં ભણાવા જવા માટે સહાય મહારાજા ગાયકવાડ અને છત્રપતિ સાહુ મહારાજે કરી હતી ત્યારે આજના રાજકારણીઓ લોકોના પૈસાના ઘઉઁચોખા આપીને પોતાની જાતને ભગવાન માનવા લાગે છે. યાદ રાખો કે તમે એક જ ગરીબોના બેલી નથી પણ ગરીબો માટે અમારા રાજાએ ઘણુ કર્યુ હતુ.

ઉદારતાની, ક્ષમાની, કરૂણાની, પ્રેમની, પ્રજાવત્સલતાની, વીરતાની તો ઘણી બધી વાતો છે જે અહિંયા કરવી અશક્ય છે પણ આ પોસ્ટ લખાવાનું મુળ કારણ મારા ખાસ મિત્ર પરિક્ષિતસિંહ, જેઓ હાલમાં લેવાયેલી PSI ની પરિક્ષામાં પસંદગી પામ્યા છે, તેમના દ્વારા મને જાણવા મળેલ કે હમણા લેવાયેલ PSI ની પરિક્ષામાં જનરલ ઉમેદવારો નું મેરીટ ૩૧૩.૬૦ હતુ જ્યારે ઓબીસીનું મેરીટ ૩૦૬ હતુ. વધુમાં તેઓએ મને જણવેલ કે જે લોકોને જનરલના મેરીટ ૩૧૩ માર્કસ કરતા ઓછા માર્કસ હોય પરંતુ ઓબીસીના માર્ક્સ ૩૦૬ કરતા વધારે હોય એવા કેટલાય ઉમેદવારો હતા પણ ખાસ નોંધવા લાયક વાત એ હતી કે ૩૦૬ કરતા વધારે માર્ક્સ લાવનાર લોકોમાંથી ૬૦ થી વધુ તો ફક્ત ગરાસિયા દરબારો જ છે.

એટલે જોવા જઈયે તો ઓબીસીના માર્કસ ૩૦૬ ની કિંમત વધારે અને જનરલના ૩૦૭ થી ૩૧૨ માર્કસની કિંમત સાવ શુન્ય?? છે ને જબરજસ્ત લોજીક આપણી સરકારનું, અરે ભાઈ જેના વડવાઓએ બધુ આપી દીધુ હોય એની ત્યાગભાવનાની કદર કરવાને બદલે તેમને વોટબેંક અને અનામતની રાજનીતિ કરી હક્કથી પણ વંચિત રાખો? દરબારોથી તો આ દુખ સહન નહી જ થતુ હોય પણ મને આ સાંભળીને ખુબ દુ:ખ લાગ્યુ મિત્રો.

હવે બીજી વાત ઓબીસીના મેરીટ મુજબ ૩૦૬ અને તેનાથી વધારે માર્ક્સ લાવનાર અને PSI ના પદ માટે પસંદગી પામનાર ઉમેદવારોમાં ઘણા બધા ઉમેદવારોના નામ “સિંહ” વાળા છે અને ઘણાની અટક પણ દરબારી છે, આમ અનામતની ગંદી રાજનીતિ અસલ રાજપુતની ઈજ્જત, સંસ્કારો, તેમજ ઈતિહાસને તો નુકશાન કરે છે પણ સાથે સાથે હક્કથી પણ વંચિત રાખે છે.
ક્ષત્રિયો પોતાના મોભા, માન અને મર્યાદાથી બંધાયેલા છે એટલે જ હજુ પણ અન્યાય સહન કરી રહ્યા છે, પોતાના બાપદાદાઓના નામનો એક પણ ફોટો લોકસભામાં નથી કે રાજાઓના નામની એકપણ યોજના નથી આમ છતા ક્યારેય તે બાબતે આંદોલન કે રજુઆત નહી કરીને પોતાના વડવાએ કરેલ ત્યાગને સાર્થક કર્યો છે.

પરંતુ દેશ હવે ડિજીટલ થવા જઈ રહ્યો છે, લોકોને ઈતિહાસ કરતા વિજ્ઞાનમાં વધારે રસ પડવા લાગ્યો છે, મહારાજાઓએ શું કર્યુ હતુ એ જાણવાને બદલે કઈ શોધ ક્યારે થઈ અને અને હવે કઈ શોધ થવાની છે એ બાબતે વધારે કાળજી લેતા થયા છે, ઈતિહાસની સાક્ષી પુરવા માટે મહેલો અને અન્ય જાહેર બાંધકામો જ વધ્યા છે ત્યારે ક્ષત્રિયોઓએ દર દશેરાએ શસ્ત્રોનું પુજન કરી અને પછી કબાટમાં કે પેટીમાં મુકી દેવાને બદલે શસ્ત્રો ઉપાડવાનો સમય આવી ગયો છે, આઝાદી મળ્યા પછી જે શસ્ત્રોનો ફક્ત પુજવામાં જ ઉપયોગ થતો આવ્યો છે એવા શસ્ત્રોનો યોગ્ય ઉપયોગ કરવાની ઘડી આવી ગઈ છે,

આ સમય છે લોકશાહીનો અહીં “આંદોલન” “સંગઠન” “મત” વગેરે પ્રકારના શસ્ત્રો ઉપલબ્ધ છે જે જેના બાપદાદાનું હતુ તેમાથી તેમને થોડોક હક્ક મળે તે સારૂ શસ્ત્ર ઉઠાવો,

ગાયો, બ્રાહ્મણોના પ્રતિપાળ એવા ક્ષત્રિયો હવે જાગે અને ગાયોના નામે રાજકારણ કરનાર અહંકારીઓ, તેમજ અનામતનું રાજકારણ કરીને બ્રાહ્મણો તેમજે ક્ષત્રિયોના હક્કને નુકસાન પહોંચાડનાર, તેમજ નકલી “સિંહો”ને લલકારીને ક્ષત્રિયોના સુવર્ણ ઈતિહાસને ફરી એકવાર વિશ્વફલક પર ઝળકાવવાની આ #ડિજીટલ_તક ઝડપી લે એવી અપેક્ષા.

હવે આ દેશમાં સુધારો લાવવા કે સુશાસન લાવવા માટે અમને રાજનેતાઓ કરતા રાજવંશ પર વધારે વિશ્વાસ છે. અને રાજવંશનો ઈતિહાસ સાક્ષી છે કે તેઓએ ક્યારેય કોઈને અન્યાય નથી કર્યો.

આ દશેરાએ શસ્ત્રોને ફક્ત પુજવાને બદલે શસ્ત્રોને સજાવો અને ખબરાદાર બનો એ જ સાચુ શસ્ત્ર પુજન છે.
આજે નહી તો ફરી ક્યારેય નહી,

****ચિનગારી****
જો આજ આપણે ફરીવાર ઈતિહાસ નહી લખીયે તો આપણા બાળકો પાસે ગર્વ લેવા જેવુ કંઈ જ નહી હોય 

(આ પોસ્ટમાં ક્ષત્રિયો વિશે લખવામાં કે ઈતિહાસ દર્શવવામાં કોઈ ભુલ થઈ હોય તો માફી માગુ છુ અને મારી ભુલને સુધારીને મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરશો તો મને વધારે ગમશે)

આજના પ્રસંગે હું અમારા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીને વંદન કરૂ છુ અને તેમના શબ્દો “મારી પ્રજાનુ કલ્યાણ થાજો” યાદ કરૂ છુ અને ગર્વ અનુભવુ છુ કે અમે કૃષ્ણકુમારસિંહજી જેવા મહાન મહારાજાની પ્રજા છીયે.

****જય રાજપુતાના***
***જય હિંદ****

ટાંકણ : જે પણ લેખકમિત્ર એ આ પોસ્ટ લખી છે તેમનો હાર્દિક આભાર, ખરા હૃદયથી રાજામહારાજાઓ નો આભાર, શિયાળીયા સિંહ નું ચામડું પહેરી ને બેઠા હોય તેવાઓ ને ફિટકાર… પ્રજા હિત નો વાયદો કરી ને પૂરો તો રાજા મહારાજાઓ જ કરતા, બાકી આજ નાં નેતાઓ તો “રાત ગઈ બાત ગઈ” “ખાધું પીધું ને મોજ કરી” સિવાય કાંઈ નહીં…
અને ફરી થી આ પોસ્ટ લખનાર મિત્ર નો અંતઃકરણ પૂર્વક આભાર..