દરબાર ગઢ – ભુજ (કચ્‍છ).

દરબાર ગઢ

image

        ઇ.સ. ૧પ૪૯ માં રાવશ્રી ખેંગારજી પહેલાએ ભુજમાં તોરણ બાંધ્‍યુ.  ત્‍યાં તેમણે “ટીલામેડી” બનાવી, તે જ દરબાર ગઢનો પાયો.  પછી તો તેમના વંશજો આવતા ગયા તેમ તેમ પોતાપોતાની રૂચિ મુજબ તેમાં ફેરફારો કરતા ગયા, અને મેડી દરબારગઢમાં ફેરવાતી ગઇ.  તેનો વિસ્‍તાર વધતો ગયો.  રાવ ગોડજી તથા દેશળજી પહેલાના સમયથી તેનામાં કલાત્‍મકતા ઉમેરાઇ.

image

        આ બધામાં ઉલ્‍લેખનીય રાવ લખપતજી (સન ૧૭૫ર-૬૧) તે પોતે ઉત્તમ કળાવાંચ્‍છુ તથા સાહિત્‍યસેવી હતા, અને તેમને મળી ગયો રામસિંહ માલમ – યુરોપીયન કળાનો સિધ્‍ધહ‍સ્‍ત કળાકાર !  મહારાવ અને માલમના સ્‍વપ્‍નાનો આકાર – સાક્ષાત્‍કાર – એટલે દરબાર ગઢમાં આવેલ “આયના મહેલ” .  રામસિંહની એ કલ્‍પનાને સાકાર કરી કચ્‍છના પરંપરાંગત દહિસરિયા સુતારો પૈકી ગઇધર દેવશીએ ને આયના મહેલ સર્જાયો.  આજે પણ તે અજોડ ગણાય છે.  હવે તો તે ‘‘મહારાવ મદનસિંહજી મ્‍યુઝિયમ અને કલાઅટારી‘‘ માં ફેરવી નાખવામાં આવ્‍યો છે અને પ્રજા માટે ખુલ્‍લો મુકાયો છે.  પરંતુ તેના ખંડો અને તેમાં સાચવેલ ઐતિહાસિક વસ્‍તુઓને નીરખીએં તો મહારાવનો કળાપ્રેમ તથા રામસિંહની દ્રષ્ટિ પ્રત્‍યે સલામ ભરવાનું મન થાય.

image

        ભુજમાં આવેલા હોળી ચકલાના નાકામાં પ્રવેશો એટલે દરબારગઢના ચોકમાં પ્રવેશો છો.  ત્‍યાં સામે પ્રથમ નગારખાનું આવે.  તેના દરવાજામાં પ્રવેશો એટલે જુના રાજગઢમાં આવો છો.  ત્‍યાંથી આગળ વધી જુના ધુઆરની દોઢીને જોડાતા અટારિયા દરવાજામાંથી થઇ ‘‘મન-વિલાસ‘‘  ચોકમાં આવીએં કે તરત આયના મહેલ આવે છે.  તેના પ્રવેશદ્વવાર પાસે જ ‘‘કચ્‍છ વર્ક‘‘  ની નકશીદાર ઝાળી દેખાય છે.  તેનું ઝીણવટભર્યુ નકશીકામ ત્‍યાંથી પસાર થનાર કોઇ પણ વ્‍યકિતનું ધ્‍યાન તરત ખેંચે છે.  તેમાંથી અંદર પ્રવેશો એટલે ઝરૂખો દેખાશે, જે આગળ લોબી હતી.  હવે તેને મ્‍યુઝિયમમાં ફેરવી નાખવામાં આવી છે.  ત્‍યાંથી ‘‘શીત મહેલ‘‘  માં પ્રવેશ મળે છે.  ખંડના મધ્‍યમાં ૫૮૪ x ૬ર૮ સે.મી. માપનું પ્‍લેટફોર્મ (પેઢલી) છે.  તેના પર પશ્ચિમાભિમુખ મહારાવ લખપતનું શ્વેત સંગેમર્મર સુંદર આસન ગોઠવેલ છે.  તેના પર હવા નાખવા માટે બુટાદાર મોર ભરેલો ઝુલણ પંખો લટકાવ્‍યો છે.  ચારે બાજુ સંગીતના વિવિધ સાધનો ગોઠવ્‍યા છે.  પગટેકણીયા પાસે મહારાવની ચાખડી છે.  તેને પહેરીને ચાલતા ત્‍યારે કમળફૂલ આકારનું તેનું આંગણી ટેકણ ખટક અવાજથી ઉઘાડબંધ થતું અને તેમાંથી અતરરસ્‍યું કંકુ રેલાતું.

image

         આ બેઠકમાં ફરતે ૭૦ સે.મી. ઉંડો અને ૧૭૦ સે.મી. પહોળો હોજ બનાવ્‍યો છે. તેમાં ફૂવારા ગોઠવ્‍યા છે.  તેની કિનારી ફરતે કૃત્રિમ કમળ ફૂલની દીપની હારમાળા મૂકી છે.  તેની પાછળ ફરતે ર૧પ સે.મી. લાંબી પરશાળ છે.  તેની થાંભલીઓ પર વિવિધ છબીઓ મૂકી છે.  તેની ચારે તરફ ૩ર૦ સે.મી. ની ઉંચાઇની પથ્‍થરનાં ચણતરની દિવાલ છે. તેના પર આવેલ ચૂનાની ભારે છત્ત માત્ર લાકડાકામ પર ટેકવેલ છે.  દિવાલ પર મૂકેલ જાડા લાકડાની પાટો પર મૂકેલ દરેક ખૂણે પાંચ એવા ૫૦૦ સે.મી. મોટા સવલણના ર૫ ગુંધાના આધારે ટેકવેલ છે.  છત અને દિવાલ વચ્‍ચેના ખુલ્‍લા ભાગને ૩૦૦ સે.મી. ઉંચી લાકડાની કમાન દિવાલથી ઢાંકી દીધેલ છે.  રાવ લખપતજીએ આ ખંડમાં મનોરમ્‍ય વાતાવરણ સર્જવાનો પ્રયત્‍ન કર્યો છે.  સૂર્યનો સીધો પ્રકાશ પણ ન આવે છતાં તેની છાયા નિયં‍ત્રિત થવાથી ખાસ પ્રકારનું અંધારૂં તેમાં થાય અને તેમાં ઝગમગતા દીવડાઓથી અને ઝુમ્‍મરોથી એક પ્રકારનું માદક વાતાવરણ ઉભું થાય.  મહારાવ અહીં દરબાર ભરતા, નૃત્‍ય જોતા અને કાવ્‍ય સર્જન પણ કરતા..

image

        તેના પાસે ‘‘બહારમોલ‘‘ છે.  તે વાસ્‍તવમાં આયના મહેલ છે.  તેની થાંભલીઓ અને છત પર આભલાંજડિત અરીસાઓ જડેલા છે.  ખંડમાં વિવિધ દેવોની કાષ્‍ટમૂર્તિઓ રાખેલ છે.  કચ્‍છના મહારાવોનાં તથા મોઘલોનાં ચિત્રો પણ રાખેલાં છે જે અભ્‍યાસનીય છે.

        આ ખંડની વચ્‍ચે ‘‘હીરામોલ‘‘  છે.  તે મહારાવનો શયનખંડ છે.  તેની ભીંત આરસની છે.  છતમાં સોનાની કિનારીવાળા આયના જડી દિવાલને હીરાજડિત વેલબૂટાની બાંધણી ભાતથી અલંકૃત કરી છે.  ડાબી બાજુ સુવર્ણના પાયાવાળો ઢોલીયો છે.  તેના પર (હવે) લખપતજીની ‍હીરાજડિત ઢાલ-તલવાર રાખવામાં આવેલ છે.  ખંડમાં મહારાવનો શોખ પ્રગટ કરતી અને રામસિંહની કળાદ્રષ્ટિની કમાલ દેખાળતી વસ્‍તુઓ ગોઠવી છે.

        ત્‍યાંથી જનાનખાના (રાણીવાસ) માં જવાના દરવાજા પર બેસાડેલ કમાડ હાથી દાંતના છે.  તે લખપતજીના પિતા ગોડજીના સમયમાં ૧૭૦૮ માં બનાવેલ છે.  તેની સૂક્ષ્‍મતમ નકશી જોનાર આશ્ચર્યવત જ બને છે.  અનેકે તેની માંગણી કરી છે, પણ સદભાગ્‍યે, તે આજે પણ મ્‍યુઝિયમમાં જ સચવાયેલ છે.

        આયના મહેલમાં અનેક વસ્‍તુઓ જોવાલાયક છે. તેમાં મુખ્‍ય છે ૧પપ વર્ષનું જુનું કચ્‍છી બનાવટનું અદભુત ઘડિયાળ.  તે દર મિનિટે મધુર રણકારવાળો ટકોરો કરે છે.  તે સાલ, માસ, તિથિ, ચોઘડીયાં, કલાક, મિનિટ, સેકન્‍ડ, સુર્યોદય, સુર્યાસ્‍ત તથા ચંદ્રકળા બતાવે છે. આજે પણ તે ચાલુ છે.  તેના સામેની ભીંત પર રાવ પ્રાગમલજીના સમયમાં યોજાતી નાગપંચમીની ભુજીયાની સવારીની ચિત્રપટ્ટી પણ જોવાલાયક છે. તેમાંથી રાજદરબારની રસમો તથા લોકજીવનનાં દર્શન થાય છે.

Leave a comment