Daily Archives: March 3, 2016

કચ્છ મહારાઓ દેશળજી બાવા

Standard

કચ્છની રાજગાદી પર રાવ દેશળજી હતા એ સમયે પ્રજાહિતના અનેક કામો નોંધાયા છે અને તે પૈકી કેટલીક વાતો આ સ્થાનેથી કરી પણ છે. રાવ દેશળજી પ્રજામાં લોકપ્રિય પણ હતા. ઇ.સ.૧૭૩૦ના વર્ષની એક ઘટના છે.

image

મોરબીના કાંયાજીએ મોરબી અને વાગડને સ્વતંત્ર જાહેર કરતાં કચ્છ રાજય અને મોરબી વચ્ચે તનાવનું વાતાવરણ હતું. એવામાં સવંત ૧૮૭૨માં મોરબીના ઠાકોર કાંયાજીએ ગુજરાતનાં સૂબેદાર શેર બુલંદખાનની કાન ભંભેરણી કરી કચ્છ પર ચડાઈ કરવા ઉશ્કેર્યો. પરિણામે કાંયાજી અને સૂબેદાર શેર બુલંદખાને ભુજીયા ડુંગર પાસે છાવણી નાખી અને અને ડુંગર પર હુમલો કર્યો અને કચ્છ અને મોરબી વચ્ચે તુમુલ યુદ્ધ થયું. અને બંને પક્ષે ખાનાખરાબી થઈ, પણ તેનો આ પ્રયાસ તેને જ ભારે ભારી પડી ગયો હતો. આ સમયે દેશળજી કચ્છ પર થયેલા અચાનક આવા હુમલાથી પરેશાન થઈ ગયા. જોકે તે સમયે યોગાનાયુગ સિંધમાં હિંગળાજ પીરસવા જતા નાગાબાવાની જમાતનો ભુજના ખાખચોકમાં પડાવ હતો. કચ્છ રાજય તરફથી આ નાગાબાવાની જમાતને નિયમિત સર-સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ હતી. આ ઉપરાંત બીજી પણ કેટલીક સુવિધાઑ તેમને આપવામાં આવતી હતી. નાગાબાવાઓએ જયારે જાણ્યું કે મહારાવ દેશળજી શેર બુલંદખાનની ચડાઈથી પરેશાન છે, ત્યારે તેઓ સૌ કચ્છ રાજ્યની મદદે આવી ચડ્યા અને જેનું ઋણ ખાધું છે તે ચુકવાની ઘડી આવી છે તેવું સમજીને કચ્છ રાજ્યના લશ્કર સાથે તેઓ પણ ચડાઈમાં તેઓ પણ જોડાઈ ગયા. એક તરફ કચ્છનું લશ્કર અને નાગાબાવાઑ ની જમાત અને બીજી તરફ કચ્છના જાડેજાઑ વીરો, અને ત્રીજી તરફ મિયાણાઓ ની ફોજ! આમ ત્રણેય તરફથી અચાનક સાગમટે થયેલા હુમલાથી શેર બુલંદખાનનું લશ્કર હેબતાઈ ગયું અને ઊભી પુંછડીએ કચ્છ  છોડી નાસી ગયું. જો કે આ લડાઈ પછી કચ્છ મોરબી વચ્ચે સમાધાન થયું, અને વાગડનો અમુક હિસ્સો કચ્છમાં રહે અને અમુક હિસ્સો મોરબીમાં પાસે રહે તેવું નક્કી કરાયું. ગુજરાતના સૂબેદાર શેર બુલંદખાનના આ કરતૂતના વાવડ દિલ્હીના મોગલ શાસક ને મળતાં તે ખુબજ ગુસ્સે થયા, કારણ કે કચ્છ રાજય સાથે તેમને શાંતિ ભર્યા સબંધ હતા અને તેઓ આવા જ સંબધો જાળવી રાખવા ઇચ્છતા હતા. કેમકે કચ્છમાંથી મક્કા-મદીનાની હજ યાત્રા માટે પસાર થતાં મુસ્લિમ બિરાદરોને કચ્છ રાજય તરફથી અનેક સુવિધાઓ આપવામાં આવતી હતી. શેર બુલંદખાનની આવી આપખુદી અને જોહુકમીથી નારાજ મોગલ શાસકે તેમની પાસેથી ગુજરાતની સૂબેદારી ઝૂંટવી લીધી અને રાજસ્થાનના જોધપુર સમ્રાટ અભયસિંહ રાઠોરને ગુજરાતની સૂબેદારી સોપી અને શેર બુલંદખાનને આગ્રા જવાનો હુકમ કર્યો. આ હુકમથી શેર બુલંદખાન ખુબજ ક્રોધિત થયો. શેર બુલંદખાનને ઘમંડ હતો કે તેનાથી તો ઇરાનના અસતખાન જેવા રાજા પણ કાંપે છે, તો આ અભયસિંહ વળી કોણ ? આથી તેને પડકાર કર્યો કે જો મહંમદ શાહ દિલ્હી છોડે તો જ હું ગુજરાત છોડું.

શેર બુલંદખાન આ પડકારથી જોધપુરના અભયસિંહ રાઠોર પોતાના લાવ લશ્કર સાથે અમદાવાદ આવ્યા અને શહેર નજીકના એક ટેકરા પર પડાવ નાખી શેર બુલંદખાનને જંગ ખેલવા પડકાર કર્યો. અને પરિણામે જોરદાર લડાઈ થઈ. આ લડાઈ ચાર દિવસ ચાલી. અંતમાં બુલંદખાનને પોતાની હારના ચિહ્નો નજરે પડતાં જોધપુર નરેશ સાથે તેણે સમાધાન કર્યું અને આગ્રા જવા સ્વીકારી તે તરફ પ્રયાણ કર્યું. કચ્છ પર તેને કરેલ હુમલાનું આવું દૂરોગામી પરિણામ તેને ભોગવવું પડ્યું. કચ્છ પર તેણે કરેલ છમકલું તેને જ ભારે પડી ગયું. જોધપુર નરેશે હુમલા અગાઉ અમદાવાદ શહેરની બહાર જે ટેકરા પર પડાવ નાખ્યો હતો, તે ટેકરો એ જ આજે અમદાવાદમાં જોધપુર ટેકરા તરીકે ઓળખાય છે, અને એક આખા વિસ્તારને તે નામથી જાણવામાં આવે છે.

સૌજન્ય : ભુજ બોલે છે બ્લોગ

અંગ્રેજ સલ્તનત ને કાયદેસર પડકાર દેનારા ભાડવા દરબાર ચંદ્રસિંહજી,

Standard

ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું.

image

તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન કોઈએ એની સત્યતાની ચકાસણી કરી હતી ગમે તે રીતે એ વાત ભાડવા રિસાયતનાં ગામોમાં જાણે આંટો મારી રહી હતી!

રાજકોટથી અગ્નિ ખૂણામાં ચાલીસ જેટલા કિમીના અંતરે બેઠેલા ભાડવા ગામના દરબાર ચંદ્રસિંહજીના કાને વાત આવતાં તો એ આંચકો ખાઈ ગયા! એમની આંખોમાં ખનખન અંગારા ઝરવા લાગ્યા, કાયા માથેની રુવાંટી ઊભી થઈ ગઈ. રગેરગમાં ક્ષાત્રત્વનું રુધિર ઉછળી રહ્યું. તેમના આરાધ્ય ગુરુ રણછોડદાસજીના શબ્દો હૈયામાં રમી રહ્યા.’કર્મણ્યે વા ધિકારસ્તે’ ભલે જે થવાનું હોય તે થાય, કર્મ કરતા રહેવું. નિત્યક્રમ પૂરો કરી હજુ હમણાં જ રામાયણનું પઠન કરીને બેઠકે આવેલા. તેજસ્વી આંખો તણખા વેરવા લાગી. ખાખી બ્રીજીસ, ખાખી શર્ટ અને માથે હેટ ધારણ કરીને ફોજી ઓફિસરની જેમ બેઠા. ત્રણે ગામે ઘોડાને રમતાં કરી પચાસ જેટલાં પોતાના ભેરુઓને ભાડવાની બેઠકમાં નિમંત્રીને વચ્ચોવચ બેઠેલા એ ભડવીરે ભેરુઓ સામી દૃષ્ટિને ફરતી કરી.

ઊગમણા આભમાં હજુ રંગોળીના રંગો ભૂંસાયા ન હતા. રાત્રિની શીતળતાએ પૂરેપૂરી વિદાય લીધી ન હતી. તેવે ટાણે ભાડવા દરબારની બેઠક ગાજવા લાગી.

“બોલો ભેરુઓ શું કરીશું? વાવડ તો એવા આવ્યા છે કે એજન્સીના હુકમથી ગોંડલના અધિકારીઓ ભાડવાનો કબજો લેવા આવે છે.”

“બળથી બીવરાવીને આપણને બાપડા બનાવવા માગે છે? પૂછયાગાછયા વિના આટલી બધી જોહુકમી કાં કરે છે?” એક જુવાનનું લોહી ધસી આવતાં વાત કરી.

“ધણીનો કોઈ ધણી નથી! એ જાણે છે કે એમની પાસે સત્તાનું બળ અને સાધનો છે.” બીજાએ જાણે જવાબ દીધો.

“આપનો શું હુકમ છે?” ભાડવાના દરબાર ચંદ્રસિંહજી સામે નજર કરીને કાંડાબળિયા રાજપૂતે સીધો જ પ્રશ્ન કર્યો.

“હું તો એમ માનું છું કે જીવતાજીવત ભાડવાનાં પાદર અંગ્રેજો કહે તેમ સોંપવાં નહીં.”

“તો કેસરીયાં કરીએ.” મહાસત્તા સામે પચાસ જુવાનિયાઓ જાણે મોતને નિમંત્રણ આપી રહ્યાં ન હોય તેમ ઝઝૂમવા તૈયાર થયા. એમની આંખોમાં હિંગળોકીય રંગ પુરાયા. દરેકે સફેદ વસ્ત્રો ધારણ કર્યાં, કેસરિયાં છાંટણા છંટાયા. હાથમાં હથિયાર ધારણ કરીને રણમેદાનમાં ખપી જવા થનગની રહ્યા. ભાડવાના એ જવાંમર્દ ચંદ્રસિંહે સાત ભડાકાની નવ એમએમની માઉઝર બંદૂક હાથમાં લીધી. મહાસત્તાના મહાસાગર દ્વારા ઊછળતાં મોજાં સામે પોતાની પાસે જે કંઈ હથિયારો હતાં તે લઈને ભાડવાના પાદરમાં સાબદા બન્યા. માથે મોતનાં નગારાં વાગી રહ્યાં હતાં. એની એમને જાણ હોવા છતાં એનો ડર ન હતો.

બીના તો એવી બનેલી કે બ્રિટિશ હિંદના ગવર્નર જનરલ અને વાઈસરોયે એવા હુકમ છોડયા કે નાનાં રાજ્યોનાં કુંડાળાં બંધ કરીને એને મોટાં રાજ્યોમાં ભેળવી દેવાં. ઈ.સ.૧૯૪૩ના અરસામાં એનું જાહેરનામું બહાર પાડયું અને ભાડવા રિયાસતને ગોંડલ ભેગી ભેળવી દેવી તેવો નિર્ણય લેવાયો. પોતાની પ્રજાનો મત, વિચારો જાણ્યા વિના કે તેના રાજવીને પૂછગાછ વિના લેવાયેલા આ નિર્ણય સામે ચંદ્રસિંહજી ઉકળી ઊઠયા. તેમણે અંગ્રેજ સલ્તનતને સંભળાવ્યું કે, “મારી પ્રજાની મરજી વિરુદ્ધ આવો હુકમ કરવાના વાઈસરોયને અધિકાર નથી.” બળિયાં સામે બાથ ભરતો હુંકાર સાંભળતાં અંગ્રેજ સત્તાધીશો રાતાપીળા થઈ ગયા. આવા ભભકી ઊઠેલા મામલામાં ઉપર પ્રમાણે સમાચાર આવેલા અને જવાંમર્દ જુવાનિયાઓ ભાડવા દરબારની રણહાકે મોતને મુઠ્ઠીમાં લઈને ઝઝૂમવા થનગની રહ્યા હતા પરંતુ જે વાવડ આવેલા તે પ્રમાણે કોઈએ તે’દી ભાડવામાં પગ દીધો નહીં.

તે પછી ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. ભાડવા તાલુકામાં જ આપઘાતનો એક કિસ્સો બન્યો “કેસ ક્યાં ચાલે?” નો ન્યાયિક પ્રશ્ન ઊભો થયો. તેમણે એની આગેવાની લીધી, ઓલ્યા જાહેરનામાને પડકાર્યું કે બ્રિટિશ રાજ્યને અગર એજન્સીને ભાડવા રાજ્યને ગોંડલ રાજ્ય સાથે જોડવા કોઈ હકૂમત નથી. ગોંડલ રાજ્યની હકૂમતને પડકારતી રિવિઝન અરજી એજન્સીના જ્યુડિશિયલ કમિશનર સમક્ષ નોંધાવી. જ્યુડિશિયલ કમિશનરે આ માટે દિલ્હી લખીને “ખાસ ટ્રિબ્યુનલ” ની રચના કરાવી. અંગ્રેજ ન્યાયાધીશે કેસ સાંભળ્યો. નિર્ણય આવ્યો કે, “નાના તાલુકા અગર રાજ્યને બીજાં રાજ્યો સાથે જોડવાનો વાઈસરોયને અધિકાર નથી.” ભાડવા દરબારનો વિજય થયો. અજમેર મુકામે આવેલા આ ચુકાદાએ ભારતભરનાં રજવાડાંમાં એક નવી હવા ફેલાવી તેના લીધે ત્રણ ગામની રિયાસતના ભાડવા દરબારનું નામ છેક બ્રિટન સુધી પહોંચી ગયું. આ ચુકાદો ‘અજમેર ચુકાદા’ તરીકે ઈ.સ.૧૯૪૫માં પ્રસિદ્ધ થયેલો.

ભાડવાના દરબારનો વિજય તો થયો પણ થોડાક જ સમયમાં બ્રિટિશ પાર્લમેન્ટે આ જોડાણ યોજનાને કાયદાનું સ્વરૂપ આપી દીધું. આ દરમિયાન દેશમાં છેલ્લા તબક્કાના આઝાદીનાં રણશીંગાં ફૂંકાઈ રહ્યાં હતાં.

ચંદ્રસિંહ અણનમ રહ્યા. ભાડવા ઉપર તા.૨૩-૫-૪૬થી ગોંડલની જપ્તી બેસાડી વહીવટદાર નીમાયા, પરંતુ પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ના એ ભડવીરે રાષ્ટ્રને અખંડ રાખવા હિંદસંઘમાં ભળી જવા ખબર દઈ દીધા. અલગ  ચોકો કરીને ‘રાજવી સ્થાન’ બનાવવાના વિચારોને ચંદ્રસિંહે જાકારો દીધો. જીવ્યા ત્યાં સુધી રાષ્ટ્રીય ખમીરનું લોહી એમની રગોમાં ધબકતું રહ્યું. જૂનાગઢના નવાબ સામેની આરઝી હકૂમતની લડતમાં નવાનગરનો કિલ્લો સર કરવામાં એમનાં તેજ ઝળકી ઊઠેલાં.

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર (વસુંધરાનાં વહેતાં વહેણ)
વસુંધરા – શિવદાન ગઢવી

તું લખેશરી લાખો, અને અમે તો આથડતા ઓડ

Standard

image

પિયુ પિયુ કર પ્યાસી ભઈ,
જલમેં પડી ન્હાય
શિર પર પાની ફરી વળ્યો
પિયુ બીન પ્યાસ ન જાય.
ધણીના અડપલાથી નવોઢાના ગોરા ગાલ ઉપર શરમનો જેવો રંગ ઘૂંટાય એવા રંગ સંધ્યાની ચૂંદડીમાં ઘૂંટતો સૂરજદાદો આથમણા આભમાં ઉતરી રહ્યો હતો. ગવતરીયુ ધણમાંથી વળી રહી હતી ને પંખીઓ માળામાં. દિવે વાટયું ચડી કે ચડશે એવું ટાણું સંધાઈ રહ્યું હતું.
આવા વખતે કચ્છના કેરાકોટનો ધણી જામ નુખનો લાખો ફૂલાણી પોતાના સામંત સુભટ્ટો અને હેતુમિત્રોથી વીંટળાઇને દરબારમાં બેઠો છે. અઢારસે ગોવાળીઆની વચ્ચે ગોવિંદ શોભી રહ્યા હતા એમ શોભી રહ્યો છે. કાંધ માથે વાંકડીઆ ઓડિયા પડયા છે. ઝરીઅન અંગરખામાં ઢબુરાયેલ ઢાલવા છાતી માથે ભીતાગળ ફૂમતે શોભતી અંગરખાની દોઢે બંધાયેલી દોરી ઝૂલી રહી છે. આઠેય આંગળીએ હીરેમઢ્યાં વેઢ પડયા છે. ફણીધરની ફેણ માથે જેનાં બેસણાં હોય એવા વીંછીના આંકડા જેવી મૂછો ત્રણ ત્રણ આંટે વળ લઈને ગાલની ટશરો ઉપર તોળાઈ રહી છે, મુઠી ભરીને કોઈએ હીંગળો ઠાલવ્યો હોય એવો આંખોમાં આઠેય પહોર રંગ ઘૂંટાઈ રહ્યો છે.
આવો લાખો ફૂલાણી સોને મઢ્યો ત્રીજી કંમે ચડેલા હોકાની ઘૂટયું તાણી રહ્યો છે. ડાયરો આખો મોજમાં છે, મોજાુના જાણે તોરા છૂટી રહ્યા છે.
આવા ભર્યા ડાયરામાં વંથળી સોરઠના કાસદે આવીને ડગલા દીધાં.
”ઘણી ખમ્મા કચ્છના ધણી લાખા જામને” કહીને કાસદે લાખા જામને હાથોહાથ રૃકો દીધો.
હોકાને પડતો મૂકીને લાખા ફૂલાણીએ રૃકાને ઉકેલ્યો.
સોરઠ વંથળીના સુવાંગ ધણી ગ્રહરિપુએ કેણ મોકલ્યું હતું કે –
વંથળી માથે પાટણપતિ મૂળરાજ સોલંકી ફોજુ લઈને આવે છે. સોલંકીને સોરઠની લીલી વનરાઈયુના સપના આવે છે. ભાઈબંધીને નાતે મરદાનગીને માંડવે મહાલવા તુને નોતરુ છે.
વાંચતા જ લાખાના અંગ માથેના નવાણું લાખ રુંવાડા અવળી આંટીએ ચડી ગયા. આંખના ખૂણામાં લાલ શેરડા ઉપડી ગયા, અંતરમાં રણસંગ્રામના રણશીંગા ફૂંકાવા લાગ્યા. કાનના પડદા ધ્રીજબાંગ ધ્રીજબાંગ ઢોલનાં પડઘા ઝીલવા લાગ્યા. ગ્રહપુરિની ભેર કરવા જામ લાખાએ ભરી કચેરીમાં હુકમ દીધો કે ”ફોજને સાબદી રાખો. પ્રભાતના પડઘમે ઘોડે પલાણ માંડશું., મરદાનગીને માંડવે મહાલશું.”
બોલીને લાખો બેઠો થઈ ગયો. એની પાછળ કડેડાટ કરતો ડાયરો ઉઠી ગયો, બાંદીએ જઈને રાણી જસમાને ઓરડે ખબર દીધા કે –
બાપુ દિ’ ઉગતા મોર્ય ભેરૃની ભેરે ચડવાના છે. રણમેદાનમાં દુશ્મનોના માથાં લણવાના છે. ફોજ લઈને સોરઠ વંથળી જાવાના છે. ફોજને હુકમ દેવાઈ ગયા છે.
બાંદીના બોલ સાંભળીને પ્રીતે પરોવાયેલ રાણી જસમા લાખા સાથે રંગભરી રાત રમી લેવા, સ્નેહની સોગઠા બાઝી ખેલી લેવા, સોળે શણગાર સજવા બેઠી.
આજુબાજુ રણઘેલુંડાઓએ રણ મેદાનની રાત બધી સાબદાઈ કરવા માંડી.
સોળે કળાએ ખીલેલા ચંદ્રનું તેજ સાગરમાં સમાઈ રહ્યું છે. આભને આંગણેથી અંધારા ઉતરી ગયાં છે, કચ્છના કેરાકોટના જસમા રાણીના રંગ મોલની મેડીએ અધીરી અધરાત થંભી ગઈ છે, ઓરડામાં ઉતરતા અંધારાને હડસેલતો ફૂલેલ તેલનો દીવડો ઝબકારા દઈ રહ્યો છે. કૃતિકા નક્ષત્ર અર્ધે આવીને ઊભું રહી ગયું છે.
જસમાના અંગ ઉપર રાતા રંગની પાંભડી પડી છે. જસમાની લાલ ગુલાબી રંગી કાયા સાથે પાંભડી એકાકાર થઈ ગઈ છે, ઉઘડતા આભના ઉજાસ જેવા જસમાના કાંચનવરણા કપોલ ઉપર પૂનમના ચંદ્ર જેવડો ચાંદલો ઘૂંટાઈ ગયો છે, હૈયા ઉપર હેમનો નવસેરોએ શોભતો હાર ઝુલી રહ્યો છે, કોઈ કાળોતરા નાગ જેવો ચોટલો મૃગલી જેવી ગરદન ઉપરથી સરીને ભૂખી સિંહણની કેડય જેવી જસમાની કમ્મરના વળાંકને વળોટી નીતંબથીએ નીચો ઢળકી રહ્યો છે. જોબનને બાંધીને કસે બંધાયેલા કમખામાંથી કોઈ સંગેમરમરની પ્રતિમાની છાતીએ ઉંધા સુવર્ણકળશ મુકેલા હોય એવા પયોધર ડોકાઈ રહ્યા છે. કમખાની ભાતમાં ભેળા જડાયેલા આભલા દીવડાની ડોલતી જ્યોત સામે છાના સનકારા કરી રહ્યા છે. કાજળે અંજાયેલ પાંપણોના બે પડની ધારૃ કમાન જેવી તીરછી દેખાઈ રહી છે, કુરૃક્ષેત્રના રણમેદાનમાં દુંદુભીના નાદે અર્જુનના હાથે તણાયેલા ગાંડીવની પણછ પછી ગાંડીવ ધનુષ્યનો જેવો આકાર ઉઠયો હતો એવા આકારે રાણી જસમાની આંખ ઉપરની ભ્રમરો અરથી રહી છે. આંખોમાંથી સ્નેહની છાલકુ ઉડી રહી છે. ગુલાબની પાંદડીએ મઢ્યા બે અધરોમાંથી અમી ઉભરાઇ રહ્યા છે. પંડયમાંથી પળે પળે પિયુના જાણે પોકારો ઊઠી રહ્યા છે. વાલમની વાટ જોતા જોતા આકળવીકળ થતી જસમાએ કમળની પાંખડીએ મઢાયેલી પગની પાનીઓ ઉપાડી પગલાં પાડતાં જ કાંબી ને કડલાએ સામસામો તાળીઓ પાડીને એમાંથી રદયમાં રમી જાય એવો રૃડો રણકાર ઉઠયો એ રણકારે જાણે આખો ઓરડો ઉભરાઈ રહ્યો.
રોમ રોમ બુંદ ચૂવે, લોગ પ્રસવેદ કરંત
સજની સજન બિયોગતે સબ તન રૃદન કરંત.
રાત સરી રહી છે, રાણી જસમાને પળ પળ જાણે પહાડ જેવડી લાગવા માંડી છે. હજુએ રંગમોલનો રમનારો આવ્યો નહિ? ને જસમાની આંખમાં પાણી બંધાણાં.
ત્યાં તો લાખાના ઘોડાના ડાબાના ચોકમાં અવાજ ઉઠયા, કળાયેલ મોરની ફરતી ઢેલ જેમ લળીલળીને ઝૂકીઝૂકીને પગલાં પાડે એમ જસમાએ સામા પગલાં પાડયાં.
નલિનીના નીરમાં કાંકરી પડે ને વર્તુળો પડે એમ જસમાના ગુલમોસી  ગાલ ઉપર હાસ્યના હળવા ગલ પડયા. હવાની હળવી લહેરખીએ ગુલાબની પાંદડી ફરકવા માંડે એમ એના અધર થરકવા માંડયા.
શ્વેત સાચા મોતીની આડી સેર જેવી બત્રીશી ઝળકી ગઈ.
લાખાએ ઓરડાનો ઉંબરો વળોટી પ્રીતઘેલીની છલકાતી આંખોને ચૂમતા વેણ કાઢ્યાંઃ
”જસમા, તારું મન મીઠું છે, જોબનધન મીઠું છે. મીઠપની તું તો જાણે વીરડી છો. મીઠાશને માણતા મારા મનને ધરવ ક્યાં થાય છે?”
વૃક્ષને વેલ વીંટળાય એમ લાખાને વીંટાળવા જસમા હૈયાના હેતને હાથ વાટે લંબાવીને લાખાના ગળામાં ગલગોટાનો હાર ઝૂલે એમ ઝૂલી રહી. પહાડીની ટુંક જેવા ને ભુજબળીઆ લાખાએ જસમાને બન્ને હાથ વતી ઝૂલાવીને ગલગોટાની પીળી પાંખડીઓ ખરતી રહે એમ જસમાનું જોબન ખરી રહ્યું.
વૈશાખી કોયલનો ટહુકો સર્યોઃ
”તું લખેસરી લાખો જામ અને અમે તો આથડતા ઓડ. ઉંચેરા આભને નીચેરી ધરતીના કોડ ક્યાંથી જાગ્યા લાખા?”
‘જસમા, જ્યાં પ્રેમનો પમરાટ પ્રગટ થાય છે ત્યાં જોજનના જોજન અંતર કપાય છે. ઉમરનાય આવરણો અળગાં થાય છે.’
થંભ થડકે મંડી હસે ખેલણ લાગી ખાટ,
સો સજણાં આળી આજેની જોતા વાટ
પળવારમાં તો પ્રીતની સામસામી સરવાણીયુ ફૂટી ગઈ. મેડી ને મોલાતુ હસે છે, હિંડોળાખાટ ને હૈયા હસે છે. દિ’તો રોજ હસે છે પણ આજ તો રાત હસે છે.
અવસ્થાને આંબુ આંબુ થાતા લાખા ફૂલાણીને અંગે અલખ સાથે એકાકાર થઈ ગયેલો ઓલીઓ અંજલી છાંટે ને મડદું આળસ મરડીને બેઠું થાય એમ નવું જોબન બેઠું થઈ ગયું છે. ઊંઘતી જુવાની જાગી ગઈ છે. રસમસ્તીની રંગછોળો ઉડી ગઈ છે, ઉડી રહી છે.
ઉગતા અરૃણની લાલી જેવી જસમાના મોં ઉપર રાતડય ફૂટી રહ્યા છે. રસમસ્તીની છોળો છૂટી ગઈ છે, તડોતડ કમખાની કસો તૂટી ગઈ છે. કહુંબાની છલકાતી બે કટોરી જેવી આંખોમાં જોબનના રંગે છલકાઈ છે.
અણવટ ને વીંછીઆ બાજુબંધને બોરમાળા કેડયના કંદોરા ને કંકણ મીઠા મેળાપની મોજમાં ગરવથી ગરકાવ થઈ ગયા છે.
રંગભરી રાત રાતી છે, જસમાનો રંગમહેલ પણ રાતો છે. જસમા રૃપે રાતી છે. જામ લાખો જોબને રાતો છે, આમ રતુંબડી રંગભરી ચાર ચાર સખીઓ સામસામી બાથ ભીડી ગઈ છે.
રંગમસ્તીમાં માથાબોળ નવરાવતી રૃંવે રૃંવે રોળતી રાત સરી ગઈ છે, તારોડીઆ તેજ સંકેલી છુપાયાં આભના મિનારા માથેથી ગડથોલીયુ ખાધું કિલ્લા માથે કુકડા બોલ્યા, પ્રભાતના પડઘમ વાગ્યા, ઉદયાચળના પહાડ ઉપરથી સૂરજનારાયણની છડી પોકારાણી, કોઈ કોડીલી કન્યાના મહેંદી મૂક્યા હાથની હથેળી જેવું પ્રભાત ઉઘડી ગયું. લાખાની બાથમાંથી કેળના સ્થંભ જેવી જસમાં છૂટી ગઈ.
”જસમા, તુને સ્નેહનો સાગર સાદ કરે છે, મને રણમેદાન યાદ કરે છે.”
લાખાનાં વેણ સાંભળી જસમા ઝબકી ગઈ. પ્રેમના પડ જાણે ધબકી ગયાં.
જસમાએ પ્રીતના પાયરણા સંકેલ્યા. લાખાએ સ્નેહના સંભારણાં ખંખેર્યાં. હાથમાં તલવાર લીધી, મોજડીએ પગ ઘાલ્યો, જસમાએ હાથમાં હાર લીધો. શૌર્ય અને શૃંગાર રસના બે છેડા સામસામા દેખાણાં.
જસમાએ વસમી વિદાય આપી. જામ લાખા ફૂલાણીએ ઘોડે પલાણ માંડી. ફોજને હાકલ કરી ભાઈબંધની ભેરે ચડયો.
કચ્છના કોરાકોટના કાંગરેથી બાગડદા બાગડદા ઘોડા છુટયાં, ધૂળની ખેપટુ ઉડી, આભમાં ડમ્મરીઓ ચડી, કચ્છી કંધોતરોના ભાલાના ફણાં ઉગતા સૂરજના તેજે ઝબકી ઝબકીને ચાંદુડિયા પાડવા માંડયા. પાણીના રેલાની જેમ કચ્છના છૂટેલા ઘોડા વંથળીના પાદરમાં પુગ્યા ત્યાં તો પાટણપતિ સોલંકીની તલવારના ચમકારા દીઠા. લાખો તેગ તાણી દુશ્મનોના માથા લણવા લાગ્યો. અંદરથી ભલકારાં ઉઠયાઃ રંગ લાખા રંગઃ ફૂલાણી કુળના કુળદીપક રંગ તુને, રંગ તારી જણનારીને. લાખો રણસંગ્રામમાં શૂરવીરતાના સાથીઆ પુરવા માંડયો. સામસામી ઝાકાઝીક બોલવા માંડી, તલવારોની તાળીઓ પડવા લાગી, માથાઓ ઘોડાને ઠેબે આવવા લાગ્યા, લોહીમાંસના માંદણ થવા માંડયા, ધગાગ ધગધગ લોહીના ધોધ પડવા માંડયા.
આગલી રાતે સ્નેહસાગરમાં કમળના ફૂલ જેવો શોભી ઉઠેલો લાખો આજ રણસંગ્રામના ચોકમાં રૌદ્રરૃપે દેખાણો. દુશ્મનોનો દાટ વાળતા વાળતા લાખાનું માથું કપાણું, કપાયેલું માથું દુશ્મનોએ ભાલાના ફણા ઉપર તોળ્યું. એ તોળાયેલું માથું લાલબંબોળ ઉગતા અરૃણ જેવું તે’દિ શોભી ઉઠયું હતું.
લાખાની રસમસ્તીની એ છેલ્લી રાત હતી.
નોંધ ઃ લાખો ફૂલાણી કચ્છનો મહાપ્રતાપી મહારાવ હતો. તેને આઠ માસ પછી પોતાનું યુધ્ધમાં મૃત્યુ થશે તેવો અણસાર આવી જતાં કેરામાં ભાયાતોને એકઠા કરેલા.
લાખે મરણ સંભરેઓ
આઠ મહિના આગે
વારે મુંજા વગ કજા કરે કંથીએ
માન ઉધર કી ઉભી’ઓ
સુણી સિંધુ રાગ
લાખો ચે મુ બોલિયા
કેરે ડીજા ડાથ.
મૃત્યુની ગવાહી પુરતો છપ્પો
સંવત દસ સેં એક, માસ કાર્તિક નીરંતર
પિતા વેરે છલ, ગ્રહે સાડ દાખે અત્ત સધ્ધર
પડે સામા સો પનર, પડે સોલંકી સોખટ
સો ઓગણીસ ચાવડા મુઆ રણખત્ર રાજવી
મંગલ ગાવે અપ્સરા સેલ સિંહ નામે સરં
આઠમે શુક્ર પક્ષ મૂલરાજ લાખો મરે.

અતિકડકાઈ આફત નોતરે છે

Standard

અતિકડકાઈ આફત નોતરે છે
વસુંધરા – શિવદાન ગઢવી

કુંવર ભવાનીસિંહ સૂરજમલમાં રહેલા બળનો ભારે આદર કરતા હોવા છતાં એમનામાં રહેલ અહ્મના શબ્દોથી તે ઘવાયા. કુંવરે કારભારી સૂરજમલને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ જેમ જેમ એ સમજાવતા ગયા તેમ પેલા ભોજક ઉપર વધારે ક્રોધ ભરાઈને તલવાર ખેંચવા સુધી આવ્યા. કુંવરે પોતે સફાઈ કરવા તત્પરતા બતાવી તો પણ સૂરજમલ એકના બે ન થયા. છેવટે સંભળાવ્યું, “એની જ જીભથી એણે થૂંક સાફ કરવું પડશે.”

image

“તુંઆ મેડી ઉપર થૂંક્યો જ કેમ? હવે તે થૂંક તારા જીભથી ચા જઈને સાફ કર!”
“બાપુ, મારી ઇચ્છાથી આવું ગંદું કૃત્ય મેં કર્યું નથી. મને થૂંકવાની ટેવ પડી ગઈ હોવાથી અજાણતાં આવું બનેલ છે!”
“ના, હું બોલું છું તે મહારાજા શિવસિંહના કારભારી તરીકેનો હુકમ માનવો, તું અત્યારે કુંવર ભવાનીસિંહ સાથે આવ્યો છે તેની ના નથી કહેતો. આ ચાંદણી ગામનો હું સુવાંગ ધણી છું અને ઈડરના હાકેમનો કારભારી છું. તું જાણે છે કે મારું વેણ અફર છે. ઇડરિયો ડુંગરો કદાચ પડખું બદલે, આભ ફાટી જાય, ધર કંપે, શર તૂટે, પૃથ્વી ડોલમડોલ થવા માંડે તોયે હું ચંપાવત રાઠોડ મારા હુકમને ફેરવતો નથી, એનાથી તું અજાણ છે? મારા ચાંદણી ગામે આજે કુંવર મહેમાન છે પણ હું ઈડરનો તો કારભારી ખરો કે નહી? તું મહેમાન નથી.”
“હા બાપુ, ઈની ક્યાં ના પાડું છું. તમે મારા શિર ઉપર છો પણ માણસ માત્ર ભૂલને પાત્ર. મારી આ ભૂલ ક્ષમા કરો. આપનો હુકમ છે તેથી મારાં જ કપડાં વતી આ થૂંક લૂછીને મેડી અબઘડી સાફ કરી નાખું.” ભોજક બ્રાહ્મણ થર થર કંપવા માંડયો. એણે ધોતી, અર્ધી બાંયનું ખમીસ અને માથે પાઘડી ધારણ કરેલી હતી. કપાળે તિલક કર્યું હતું. બ્રાહ્મણ સામે એ દૃશ્ય તરવરવા માંડયું. સૂરજમલ રાઠોડ એટલે ચાંદણી ગામનો ચંપાવટી ગજવેલનો ટુકડો. દિમાગ અને બળનો એના જેવો કોઈ ત્યા બરોબરિયો ન હતો. ઈડરના કારભારી તરીકે જ્યારથી વહીવટ સંભાળ્યો ત્યારથી એની સડકો ચોખ્ખીચણાક થવા માંડી. રસ્તામાં કોઈ કચરો ફેંકે એટલે એ માણસનાં જાણે મોતિયાં મરી જાય. સૂરજમલ માનતો કે ભય વિના પ્રીતિ નથી થતી. રાજ ચલાવવું હોય તો આંખો લાલ કરવી પડે. કાયદાઓ કરવાથી રાજ હાલતાં નથી. એના કડક અમલથી રાજ બરાબર ચાલે છે. કોઈ ચૂં કે ચાં ન કરી શકે તેવી સૂરજમલની ધાક હતી, તેથી મહારાજા શિવસિંહ નિરાંતે મહેલમાં બેસી શકતા. ન્યાય અને સ્વચ્છતાનો સૂરજમલ એટલો આગ્રહી હતો કે સવારમાં ઈડર શહેર પ્રભુના ધામ જેવું સ્વચ્છ ભાસે. અત્યારે ભોજક બ્રાહ્મણ સામે એક નોબત વગાડનારાનું ચિત્ર ફરી રહ્યું. એણે રસ્તામાં ગંદકી કર્યાનું સૂરજમલના ધ્યાને આવતાં તેને પકડયો, ઘૂંટણિયે દોરડું બાંધીને મરતાં સુધી પાણીમાં ઝબકોળાવેલો. આ દૃશ્ય નગરના લોકોએ જોયેલું તેથી આ ભોજક કંપતો કંપતો સૂરજમલને હાથ જોડીને વિનવણી કરી રહ્યો છે. મહારાજાના કુંવર સાથે હોવા છતાં એનું મોત નજીકમાં આવ્યું હોય તેમ આ આધેડ વયનો વિપ્ર સમજી ગયેલો. જીવ બચાવવા કાલાવાલા કરતો તે સૂરજમલને પગે પડી રહ્યો છે.
બીના તો કંઇક એવી છે કે અગાઉના સમયે ઇડર પરગણામાં આવેલા ઇડરથી નજીકના ચાંદણી ગામના એક દરબારી મેડા ઉપર વાસંતી વાયુ ઉલ્લાસના ગુલાલ વેરે છે. દૂર દૂરના ડુંગરાઓ માથે પ્રકૃતિએ વસંતનો વૈભવ છૂટા હાથે વેર્યો છે. મેડા ઉપર બેઠા બેઠા ચાંદણી સરદાર સૂરજમલ રાઠોડ મૂછે તાવ દેતાં દેતાં ઇડર રાવ શિવસિંહજીના કુંવર ભવાનીસિંહને સંભળાવે છે. “કુંવર ભવાનીસિંહ, આ ઈડરની ગાદી માથે આપનો સૂરજ તપે છે તે કોના લીધે? અંગ ઉપર અંગરખુ ધોતી ધારણ કરેલ અને માથે મેવાડી પાઘ પહેરેલ સૂરજમલ નામનો ચંપાવત શાખાનો રાઠોડ બોલ્યો.
“ઈ તો તમે સહુ સરદારો, ભાયાતોના લીધે જ…” કુંવર ભવાનીસિંહે ઠાવકાઈથી જવાબ દઈને પોતાના માથે સરદારોએ કરેલ ઉપકારને યાદ કર્યો. એમના ગળે હેમનો હાર છે, કેડયે કટારી છે, અંગ માથે અંગરખુ તેમજ પાઘડી પહેરેલી છે. બંને વચ્ચે ભાઈબંધીના તાણાવાણા એવા તો ગૂંથાઈ ગયેલા કે ન પૂછો વાત. ઈડર મહારાજા એટલે કે કુંવર ભવાનીસિંહના પિતા શિવસિંહને તો વૃદ્ધા અવસ્થાએ ઘેરી લીધાનું સહુ કોઈ જાણતું હતું. રાજ્યનો કારભાર તો ચાંદણીનો આ જવાંમર્દ રાઠોડ સૂરજમલ કરતો હતો. તેના નામની પંથકમાં હાક અને ડાક વાગતી. મર્દનું છોગું કહેવાતો તેથી ભવાનીસિંહનાં વેણ સાંભળતાં એ વળ ખાઈ ગયો અને આંખના ભાવો બદલતાં બોલ્યો, “કુમાર! તમે, તમારા પિતા અને ભાઈઓ તો ઈડરની ગાદી ભૂંસી વળ્યા હતા! જે’દી મરાઠા હાકેમ આપાસાહેબ મોટી ગાયકવાડી ફોજ લઇને ઈડરને જબ્બે કરવા ત્રાટક્યો હતો ત્યારે તમે પાંચે ભાઈઓ અને મહારાજા તો ઘૂંટણિયે પડયા! તમારા કાકા રાયસિંહ અપુત્ર મરણ પામ્યા. તેને આગળ ધરીને ઈડરનું અડધું રાજ્ય આપા સાહેબે આંચકી લેવા આક્રમણ કરેલું તે તમે ક્યાં નથી જાણતાં! તે વખતે કેવું બનેલું તે ખબર છે ને? તમે તો ઈડરનું રાજ્ય સોંપવા મત્તું મારી દીધું. આપાસાહેબે સાત સરદારોની તેમાં સાક્ષી લીધી. સરદારોએ તે સમયે થોડી કુનેહ વાપરીને કહ્યું કે, સૂરજમલની સહી વિના આ લેખ ખરો ઠરશે નહીં. મને તેડાવ્યો મેં ઘસીને ના પાડી, તમે તેમના ભેગા ભળ્યા. મજબૂરીથી મારી સાથે ચાંદણિયે આફળ્યા. સામસામી તોપો મંડાણી. આપાસાહેબ ફાવ્યા નહી, ઈડરનું રાજ્ય મેં બચાવેલું. આપા સાહેબ ખંડણી લઈને પાછા ગયેલા. એ વાત કરો.”
“પણ મહારાજાએ તમોને અંદરખાને સાથ આપીને મરાઠા હાકેમને મહેસૂસ કરાવેલું કે સૂરજમલ તો કાળો કોપ છે, એ ક્ષત્રિયને તમે સાણસામાં નહી લઈ શકો.”
“તમારી એ વાત ખરી એમાં તો મારું કાંડાબળ બોલતું હતું.” સૂરજમલ રાઠોડનો હુંકાર સંભળાણો ને કુંવર ભવાનીસિંહ હવે ઠરી ગયો! એવે ટાણે જ તેમની સાથે આવેલ ભોજક બ્રાહ્મણ મેડા ઉપર થૂંકતા બંને વચ્ચે પ્રારંભનાં જણાવી એ વડછડ ચાલી રહી છે. કુંવર ભવાનીસિંહ સૂરજમલમાં રહેલા બળનો ભારે આદર કરતા હોવા છતાં એમનામાં રહેલ અહ્મના શબ્દોથી તે ઘવાયા. કુંવરે કારભારી સૂરજમલને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ જેમ જેમ એ સમજાવતા ગયા તેમ પેલા ભોજક ઉપર વધારે ક્રોધ ભરાઈને તલવાર ખેંચવા સુધી આવ્યા. કુંવરે પોતે સફાઈ કરવા તત્પરતા બતાવી તો પણ સૂરજમલ એકના બે ન થયા. છેવટે સંભળાવ્યું, “એની જ જીભથી એણે થૂંક સાફ કરવું પડશે.”
નાની અમસ્તી વાત અહ્મમાં ટકરાઈ ઊઠી. આંખોની ભ્રુકૂટિઓ ખેંચાણી. કુંવર ભવાનીસિંહ અને ભોજક મહેમાનગતિ માણ્યા વિના ધૂંઆપૂંઆ થતાં ઈડર તરફ હાલી નીકળ્યા. રાંધ્યાં ધાન રઝળ્યાં. તે રાત્રે મહારાજા શિવસિંહનો મહેલ જાણે જાગતો હતો. મહારાજાએ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં.
થોડા મહિના વીત્યા હશે ને મહારાજ કુંવર ભવાનીસિંહે સૂરજમલને મનાવી લીધાનું નાટક રચ્યું. તેમને ઈડરમાં જમવા નોતર્યા તે અગાઉ રૂડી રાણીના બંગલે લઈ ગયા. ઈડરનો કિલ્લો ફરી ફરીને બતાવ્યો. ત્યાં ગણતરીના કલાક વીત્યા પછી ઈડર મહારાજા શિવસિંહના દરબારમાં એક ચારણે સોરઠો સંભળાવતાં દરબારીઓને ખબર પડી કે સૂરજમલને ઝાટકે દીધો છે. ચારણ કવિએ આક્રોશ સાથે ભાવિ તરફ મીટ માંડીને ઠપકો દેતાં કહેલું કે,
ચાંપા ચૂક્કર્યે, નરેન્દ્ર જો મારત નહી
ગુર્જર ધરા ઘર, કર દેતો, સૂજો કમધ!
હે મહારાજા, નરેન્દ્ર જેવા સૂરજમલના ગુણને યાદ કરી તેને માર્યો ન હોત તો ગુજરાતની ધરતી ઈડર રાજ્યના આંગણે લાવીને મૂકત.
લોકો તો પોતાની રીતે કહેવા માંડયા કે, ભાઈ, અતિની ગતિ સારી નથી હોતી!
ઈડરની ધરા એક બાજુ ચારણના શબ્દોને યાદ કરે છે. બીજી બાજુ લોકજીવનના શબ્દો વાગોળે છે. જ્યારે મર્દ સૂરજમલ ખુમારીથી હસી રહ્યો છે.
નોંધ :
(૧) ઘટના સમય : અંદાજે ઈ.સ. ૧૭૯૦થી ઈ.સ. ૧૭૯૫.
(૨) ચાંદણી ઉપર તોપો મંડાણી તેની સાક્ષી આપતો આ દુહો જુઓ શિવસિંહને ઠપકો દેતો દુહો છે,
નિહ્મે નિંદરડીય, અરિયાંને આવે નહીં
ચકવે ચાંદણીહ, તેં કીધી સજા કમંધ
(સૂરજમલના લીધે દુશ્મનોની ઊંઘ ઊડી ગયેલી. ચાંદણી ઉપર તોપો મંડાવવી તે સૂરજમલને સજા કરાવી ગણાય.)