Daily Archives: April 17, 2016

કેશવરામ કાશીરામ શાસ્ત્રી

Standard

image

સ્વ.શ્રી કે.કા.શાસ્ત્રીજી આપણા બહુશ્રુત વિદ્વાન હતા. તેમનું પુરુ નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે.તેમનો જન્મ જૂનાગઢ જિલ્લાના .માંગરોળ હાલનું પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના પસવારી ગામે (સોરઠ) ખાતે 1905ની 28મી જુલાઇના રોજ થયેલો. તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા. બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિ જેવા ઉપનામ થી ઓળખાતા તેઓ પાંડિત્યની પરાકાષ્ટાએ પહોચેલા. તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ‘ડોક્ટરેટ’(Ph.d) માટેના માન્ય ગાઈડ પણ હતા. તેમણે ૨૪૦ જેટલાં પુસ્તકો, ૧૫૦૦ લેખ લખ્યા છે અને સાથોસાથ ૧૯ વિદ્યાર્થીઓ ને પી. એચ.ડી. માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિયામક હોવાની સાથે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક પણ હતા. ૧૯૮૫માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમવામાં આવ્યા. તેઓ સપ્ટેમ્બર ૯ – ૨૦૦૬ ના રોજ ૧૦૧ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી અવસાન પામ્યા. તેમની માતાનું નામ દેવકી બહેન અને પિતાનું નામ કાશીરામ કરશનજી હતુ.

મુખ્ય રચનાઓ

    ભાષાશાસ્ત્ર અને વ્યાકરણ- અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન, ગુજરાતી ભાષાલેખન, ગુજરાતી વાગવિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, વાગવિભવ
    કોશ – ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, બૃહદગુજરાતી કોશ ખંડ
    ઇતિહાસ – ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, અસાંજો કચ્છ, અતીતને આરે
    સંપાદન – ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ ૧,૨; ભીમકૃત પ્રબોધપ્રકાશ, દયારામકૃત ભક્તિપોષણ, હારસમેનાં પદ અને હારમાળા, શ્રીમહાપ્રભુસ્તુતિમુક્તાવલિ, શ્રીકૃષ્ણસ્તવનાવલિ, બ્રહ્મવાદપ્રવેશિકા, નરસિંહ મહેતાકૃત રાસ સહસ્ત્ર પદી, અસાઇત કૃત હંસાઉલિ, દલપત કાવ્ય, પ્રેમાનન્દ કૃત મામેરું
    નાટક – અજેય ગૌરી શંકર અને બીજી એકાંકીઓ, ખનદાન લોહી
    ચરિત્ર – આપણા કવિઓ, આપણા સારસ્વતો
    સામ્પ્રદાયિક – વૈષ્ણવ બાલ પાઠાવલિ, પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર, નારદ અને શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો, ભગવદ ગીતા – તાત્વિક અભ્યાસ, વેદ ચિંતામણિ
    સંસ્કૃત – સૌંદર્ય પદ્યમ, નવરત્ન સ્તોત્રમ્, અમરકોશ, વનૌષધિ કોશ, સિધ્ધાંત રહસ્યમ્
    અનુવાદ – પ્રેમની પ્રસાદી, સંક્ષિપ્ત ભરત નાટ્ય શાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કાલિદાસનાં નાટકો, ષોડશ ગ્રંથ, ભાસ નાટક ચક્ર
    અંગ્રેજી – Structural build up of a Thesis

સન્માન

    ૧૯૫૨- રણજિતરામ સુવર્ણચંદ્રક
    ૧૯૬૬- અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી વિદ્યાવાચસ્પતિ ની પદવી
    ૧૯૬૬- ભારતી પરિષદ, પ્રયાગ તરફથી મહામહિમોપાધ્યાય ની પદવી
    ૧૯૭૬- ભારત સરકાર તરફથી પદ્મશ્રી