Daily Archives: April 18, 2016

ચૈત્રી નવરાત્રી નિમિતે દસ દિવસ નાં દસ વીર છપ્પય

Standard

image

ચૈત્રી નવરાત્રી નિમિતે દસ દિવસ નાં દસ વીર છપ્પય માતાજી નાં ભાવ સ્તવન રૂપે પ્રાર્થના અર્ચના સહ પ્રણામ…

છંદ : વીર છપ્પય

દેવી તું દાતાર, તાર ત્રય તાપ થી તપ્પે,
સુણ લીજે સંભાર, વ્હાર લે જાપ જ જપ્પે,
પાપ તણો નહીં પાર, આર સમદરીયો ખપ્પે,
ટાણા કઠણા ટાર, ઠાર દાવા જે ઠપ્પે,
સુખ શાંતિ કર ભુવનમેં, ગુણલા એવા ગાત.
અનંત રમવા નિસરજે, નવલી આ નવરાત.

સંધ્યા ડૂબી સાંજ, વાજ વાજીંતર વાજૈ,
ઢોલ ઢબુકણ કાજ, આજ શરણાયું સાજૈ,
શંખ નગારા ગાજ, છાજ શગતીય સુહાજૈ,
રમવા ખોડલ રાજ, ઝાંઝ પખ્ખાજ અવાજે,
દુજે નોરતે દેવીયું, ભૈરવ સંગે ભ્રાત.
રમતી અનંત રાસડે, નવલી આ નવરાત.

તૃતીય નોરતે તાન, ભાન ભૂલીય રમંતી,
ગરબા કેરા ગાન, કાન સુણી ધ્યાન ધરંતી,
જગમાં ભરતી જાન, દાન મોંઘાય દવંતી,
મબલક દીધે માન, ધાન દાણાય પુરંતી,
ત્રિશૂલાળી ધાજે તરત, પરતહું પાયે માત.
કરગર અનંત મેં કરત, નવલી આ નવરાત.

પલમાં થઇ પરગટ્ટ, અટ્ટ હાસ્ય જ હસંતી,
ઘેરાણો જીવ ઘટ્ટ, ષટ્ટ શાત્રવા દમંતી,
કંકાસા કર કટ્ટ, જટ્ટ જોગણી જમંતી,
રહું જાપવા રટ્ટ, વટ્ટ વેદાય વદંતી,
લટ્ટ મોકળી કટી લગી, શિર ત્રિપુંડ સોહાત.
અજવાળી માવડ અનંત, નવલી આ નવરાત.

પંચમ તત્વ પ્રમાણ, આણ જીણ દેહ સકલ આ,
પૃથ્વી ને જળ રાણ, પ્રાણ આકાશ અનલ વા,
પંચ કર્મ ને જ્ઞાન, ધ્યાન ઇન્દ્રિય અકળ હાં,
પાંચ કામ રા બાણ, હાણ તપ તાપ વિફળવા,
ધર્મ પ્રતીક અમૃત ધરી, પાંચ કલેશ હર પાત.
આદશગત ભજહું અનંત, નવલી આ નવરાત.

ષટ ઋતુઆં મેં સેવ, હેવ એવા સુખકારા,
ષટ મુક્તિ ના મેવ, દેવ્ય દે સદા દયારા,
ષટ વિકાર હર લેવ, ખેવના એજ અપારા,
ષટ શિક્ષા છે જેવ, તેવ ગુણ ગાઉં તિહારા,
ષટ નોરતે સૃષ્ટિ મહીં, વંદન જે વિખ્યાત.
અનંત નભના આંગણે, નવલી આ નવરાત.

સપ્ત ઋષિ કિધ આશ, વાસ સત દ્વીપ વિરાજે,
સપ્ત લોક પાતાલ, મ્હાલ સિંધુ સત માં જે,
સપ્ત પુરી પર્વત, સપ્ત ભૂત ભાવ ભજંતા,
સપ્ત યોગ ને છંદ, ફંદ સઘળાય ફગંતા,
સપ્ત વહંતા સમીર સા, અવની પર અખિયાત.
અનંત અવસર ઉજળો, નવલી આ નવરાત.

અષ્ટમ રૂપ ઉદાર, ભાર ભૂમિય ઉતારણ,
અષ્ટ વિનાયક જપે, તપે અઠ ભૈરવ તારણ,
અષ્ટ યોગ ના અંગ, ગંગ સમા અષ્ટ સરિતા,
અષ્ટ વસુધા અગન, મગન મન માજ રહિતા,
અષ્ટ પ્રહર જપ તપ થકી, જૂના પાતક જાત.
અનંત નમન આદ્યશગત, નવલી આ નવરાત.

નવધા ભક્તિ નોમ, હોમ નવ વિધિ વાતા,
નવમેં દુર્ગા રૂપ, ભૂપ સહુ ભાવે ગાતા,
નવમેં નવરસ કાવ્ય, ભાવ્ય વર્ણન વિધઆતા,
નવમેં નવ નવ રત્ન, યત્ન દે દેવ સુદાતા,
નવમેં નવવિષ વારણી, તારણ તું માં તાત.
સર્વે અનંત સુખકારણી, નવલી આ નવરાત.

દસમેં દશમુખ આગ, ભાગ દિગપાલ ધ્રુજાવે,
દસમેં દશરથનંદ, દ્વંદ દશકંધ ડરાવે,
દસમેં દસ અવતાર, કાર બણ રાખ્ખહ્ લરાવે,
દસ બ્રહ્માજી પુત, દૂત ધ્રમ ધરણ ધરાવે,
દસમેં દી દશેરા વડો, મહાવિદ્યા દસ માત.
અનંત પ્રણમુ આઈને, નવલી જે નવરાત.
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત