Daily Archives: April 20, 2016

દ્વારિકા : અનંતદેવથી માંડીને વાઢેર સરદારો સુધીનો ઈતિહાસ

Standard

image

      ઓખા મંડળમાં છઠ્ઠા સૈકામાં સોરઠમાંથી ચાવડા સરદારોએ આક્રમણ કર્યુ હતું અને હાલના મૂળવાસર ચાવડા પાદર ગામ વસાવી તે રહ્યા હતાં. આ ચાવડા સરદારમાં એક કનકસેન નામના રાજાએ કનકાપુરી નગરી ઓખામંડળમાં વસાવી હતી. તેના અસલ ખંડેર આજે વસઇ ગામડે જોવા મળે છે પુરાતત્ત્વ વિભાગે એ ખંડેરોને અગત્‍યના અને પોતાના રક્ષણ હેઠળ લીધેલ છે. તેના નાનાભાઇ અનન્‍ત દેવે દ્વારકામાં રાજધાની વસાવી.
      દેવ દ્વારકામાં ગાદી સ્‍થાપી તેથી અનન્‍તદેવ ઉપર દેવનો કોપ ઉતર્યો અને પરમાર વંશના હેરોલ નુખથી ઓળખાતા રાજપૂતોએ દ્વારકા ઉપર ચડાઇ કરી અનન્‍તદેવને પદભ્રષ્‍ટ કર્યો આ રીતે ઓખામંડળમાં અસલી વાઘેર, ચાવડાઓ તથા હેરોલ સરદારો સતા ભોગવતા હતાં. તેવામાં તેરમાં શતકમાં મારવાડથી વેરાવળજી અને વિનસજી નામના રાઠોડ બંધુઓ દ્વારકાની યાત્રાએ આવી ચડયા. એ વીર રાજપૂતોએ ચાવડા સરકારનો પક્ષ લીધો અને હેરોલની સતા તોડી પાડવાનાં કાવતરા રચ્‍યાં એક મીજબાની વખતે હેરોલ સરદારોને જમવાને નોતરી આ રાઠોડ ભાઇઓએ છૂપાઇ રહેલા ચાવડાઓ દ્વારા હેરોલ સરદારનું ખૂન કરાવ્‍યાનું કાવતરું રચ્‍યું હતું. આ દગામાંથી બચી જનાર કેટલાક હેરોલ સરદારોએ પાડલીના માલાણી વાઘેરનો આશ્રય લીધો હતો. તેમાં બાપ વિનાની એક કન્‍યા પણ હતી.
      વાઢેર – રાઠોડ – રાજપૂતોનું રાજય ઓખામંડળમાં આરંભડા ગામે બહુ સારી રીતે ચાલતું હતું આઇન – એ – અકબરી નામના ગ્રંથમાં સૌરાષ્‍ટ્રની સીમા ઘોઘાથી આરંભડા સુધી અને સરધારથી દીવ સુધી આવેલી છે એમ લખાયું છે. તે પરથી આરંભડાની અગમ્‍યતા સમજાશે એ વાઢેર રાજાઓમાંના વિક્રમસિંહ કચ્‍છના રાજા અબડાના દિકરા જીઆજીની દીકરી સાથે પરણ્‍યા હતાં. એ કચ્‍છી રાણી સાથે તેના ભાઇ હમીરજી ઓખામંડળમાં આવતા જતા હતાં. આ હમીરજી હેરોલ રાજપૂતની બાપ વિનાની કન્‍યા પાડલીમાં માલાણી વાઘેરને ત્‍યાં ઉછરીને મોટી થઇ હતી. તેના પ્રેમમાં પડયા. હમીરજીના લગ્નએ રીતે હેરોલ પરમાર રાજપૂત કન્‍યા સાથે થયા. હમીરજીને વરવાળા ગામનું રાજય મળ્‍યું. આ લગ્ન ઘણા રાજપૂતોને પસંદ ન પડયું, કારણકે ચાંચીયાગીરી અને મછીઆરૂ કરનાર વાઘેર માલણની કન્‍યા જાડેજા રજપૂતનો પુત્ર પરણે તે ક્ષાત્રતેજની મમતાવાળાથી કેમ સાંખી શકાય ? હમીરજીએ પોતાની અટક ‘જાડેજા’ તજીને ‘માણેક’ રાખી તેવી લોકકથા છે.
      ઇ.સ. ૧૪૭૩ – ૭૪માં ગુજરાતના સુલતાન મહમંદ બેગડાએ સિન્‍ધ દેશના હિન્‍દુ જમીનદારો પર આક્રમણ કર્યુ હતું ઇ.સ. ૧૪૭૩-૭૪માં ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ સિન્‍ધ દેશના હિન્‍દુ જમીનદારો પર આક્રમણ ર્ક્‍યુ હતું અને તેમાંના ઘણાને ઇસ્‍લામ ધર્મમાં દાખલ ર્ક્‍યા હતાં. એ સમયે સુલતાન મહંમદે સાંભળ્‍યું કે સમરકન્‍દના એક મુલ્લા પોતાના કુટુંબ સહિત વહાણ મારફત જતા હતા તેમના વહાણને દ્વારકાના સરદારે ચાંચીયાગીરી કરી લૂંટી લીધું અને મુલ્લાને તથા તેમના કુટુંબને અટકાયતમાં રાખ્‍યા હતાં મુલ્લાની પજવણીનું વેર લેવા સુલતાન મહંમદ બેગડાએ દ્વારકા ઉપર ચડાઇ કરી ત્‍યાંના રાજા ભીમજી દ્વારકા છોડી બેટમાં જતા રહ્યા મહમદ સુલતાને તે વખતે દ્વારકામાં અને બેટમાં લૂટફાટ કરી મંદિરો તોડયા અને ઓખામંડળના રાજા ભીમજીને કેદ કરી અમદાવાદ મોકલી દેવામાં આવ્‍યો. ત્‍યાં એમ કહેવાય છે કે ભીમજીનો વધ કરવામાં આવ્‍યો અને તેના શરીરના ટૂકડા વેરની વસુલાત કરવા અમદાવાદના જુદા જુદા દરવાજે લટકાવવામાં આવ્‍યા હતાં. અકબર પાદશાહે નીમેલા ગુજરાતના સૂબા મીરજા અઝિઝ કોકાને અમદાવાદના છેલ્લા સુલતાન મુઝફરશાહને તાળે કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અમદાવાદથી નાશી જઇ એ સુલતાને જુદે જુદે સ્‍થળેથી મદદ મેળવી કેટલેક ઠેકાણે મોગલ શહેનશાહનો સામનો ર્ક્‍યો હતો. તેમાં તેણે હાર ખાધી હતી અને તેથી તે ઠેકાણે ઠેકાણે સરદારોના આશ્રય તળે છૂપાતો ફરતો હતો. ઇ.સ.૧૫૯૨માં મીરઝા અઝિઝ કોકા કાઠીયાવાડમાં આવ્‍યો ત્‍યારે તેને બાતમી મળી કે સુલતાન મુઝફર ઓખામંડળના આરંભડા બેટમાં રાજાને ત્‍યાં છૂપાયેલ છે આ કારણે તેણે નવરખખાનને ઓખામંડળ મોકલ્‍યો મોગલ લશ્‍કરે આરંભડા ફરતે ઘેરો છાલ્‍યો આરંભડાના રાજા સવાજીએ શરણે આવેલા મુઝફરશાહનું ઉપરાણું લીધું તે પોતે એ ધીંગાણામાં કામ આવ્‍યા. મુઝફરશાહ ગુપ્ત રીતે કચ્‍છમાં જતો રહ્યો. કચ્‍છના રાજા ભારમલે પહેલાતો મુઝફરશાહને આશરો આપ્‍યો પરંતુ પાછળથી મોગલ લશ્‍કરના ડરને કારણે અને મોગલ તરફથી મોરબી મેળવવાની લાલચે મુઝફરશાહને મોગલ સરદાર અબદલ્લાખાનને સોંપી દીધો મુઝફરશાહને લઇને મોગલ સરદાર કચ્‍છથી અમદાવાદ જતો રહ્યો રસ્‍તામાં ધ્રોલ પાસે સુલતાન મુઝફરે જીંદગીથી કંટાળી અષાાવડે પોતાનું ગળુ કાપી આપઘાત ર્ક્‍યો હતો.
       આરંભડામાં આવેલા મોગલ લશ્‍કરની છાવણી ધામો નાખી પડી હતી. મોગલ સરદારને હાથે મરાયેલા સવાજી રાણાનો દિકરો સાંગણજી સિન્‍ધમાં નાશી ગયો હતો. લગભગ સાત વર્ષ સુધી મોગલસત્તા આરંભડામાં રહી. આ દરમિયાન દ્વારકાના વાઘેર સરદાર માણેક શામળાએ બીડું ઝડપ્‍યું કે સાંગણજીને ગમે ત્‍યાંથી શોધી કાઢી ઓખામંડળમાંથી મોગલોને હાંકી કાઢી સાંગણજીને આરંભડાની ગાદીએ બેસાડવા તે પ્રતિજ્ઞા પ્રમાણે પોતાના ભાઇ માલા માણેકને દ્વારકાનો પ્રદેશ સોંપી શામળો માણેક સિન્‍ધ ગયો ત્‍યાંથી સાંગણજીને તેડી લાવ્‍યો અમે આરંભડા પાસે વાઘેરો અને વાઢેરો એકત્ર થઇ મોગલો સાથે ખૂંખાર યુદ્ધ લડયા વાઘેર અને વાઢેરનું જૂથ બળ વધી જવાથી મોગલો આરંભીડા ઘોડી નાશી ગયા. સાંગણજી ફરી આરંભડાની ગાદીએ બેઠા. આ વંશના એક કુંવર વેજરાજને આરંભડાથી દૂર કરવા પોશીત્રા નામના ગામે મોકલી આપવામાં આવ્‍યા હતાં. તેણે પોશીત્રાની ગાદી ચાલુ કરી.
      જેમ આરંભડાના વાઢેર રાજપૂતોના આરંભડા અને પોશીત્રા એ બે થાણા થયા તેમ વાઢેર સરદારોએ દ્વારકા ઉપરાંત બીજી ગાદી વસઇ ગામે સ્‍થાપી હતી
      જય દ્વારકાધીશ
      કથા – ૫
      :: આલેખન ::
      જયંતિભાઇ બાંભણીયા