કચ્છના પર્યાવરણના પ્રખર જ્ઞાતા હિંમતસિંહજી

Standard

image

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

કચ્છના રાજવી પરિવારના મોભી અને ભૂતપૂર્વ સંસદસભ્ય હિંમતસિંહજી જાડેજાની ૨૦મી ફેબ્રુઆરી એ પુણ્યતિથિ છે. ભૂકંપ પછીના કચ્છના કલ્પનાતીત ઉદ્યોગીકરણે પર્યાવરણને ભારે જફા પહોંચાડી હોવાનો પ્રશ્ર્ન અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે હિંમતસિંહજી બાવા સહેજે યાદ આવી જાય છે. તેઓ કચ્છના ઈતિહાસ, ભૂગોળ અને પર્યાવરણના પ્રખર જ્ઞાતા હતા. ખાસ કરીને રણ પ્રદેશની પક્ષીસૃષ્ટિ વિશેની તેમની ઊંડાણભરી જાણકારીની અધિકૃતતાએ તો આંતરાષ્ટ્રીય સંસ્થાઓની દાદ સુધ્ધાં મેળવી હતી. છતાં એમના વ્યક્તિત્વની ખૂબી એ હતી કે પોતાના વિશાળ જ્ઞાન અને મોભાનો ભાર કયારેય નાનામાં નાના માનવી સાથેના વ્યવહાર પર પણ પડવા દીધો નહોતો. તેઓ સાચા અર્થમાં ખાનદાની હતા.

કચ્છના અખબારીઆલમ સાથેનો તેમનો સંબંધ સાતત્યથી ભરપૂર હતો. ‘રૂપકડા પક્ષી સુરખાબ’ અગર તો વન્યજીવન અંગે હિંમતસિંહજી સતત કંઈને કંઇ લખતા રહ્યા હતા. અન્ય પક્ષીપ્રેમીઓ વરસાદ પછી સ્થળાંતરીય પક્ષીઓનું આગમન થાય કે તરત જ એના સમાચાર મોકલે અને એ પ્રસિદ્ધ થાય, તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હિંમતસિંહજી તેના પ્રત્યે ધ્યાન દોરતા એટલું જ નહીં, એ જ દિવસે પોતાના સચોટ અભિપ્રાય લખીને મોકલી દેતા. આ પ્રકારના લખાણમાં કયારેય ક્ષતિ કરનાર લેખકને ઉતારી પાડવાનું વલણ તેમનામાં નહોતું. વિનય, વિવેક અને સીધીસાદી ભાષામાં સામેવાળાને માઠું ન લાગે એ રીતે ક્ષતિ તરફ ધ્યાન દોરતા અને સાથે સાથે પૂરક માહિતીઓ પૂરી પાડતા.

સાચું પૂછો તો, એમનાં તમામ લખાણો, પછી એ રાજકારણ અંગેના હોય, પર્યાવરણ વિષયક હોય કે પછી ઈતિહાસ-ભૂગોળને સ્પર્શતા હોય, પરંતુ એમાં એક ગજબનું સમતોલપણું અને તટસ્થતા જોવા મળતા. ન કોઈ પૂર્વગ્રહ કે ન કોઈ પક્ષપાત અને છતાં સમતોલ અને સચોટ અભિપ્રાય તેમણે આપ્યા છે. એ જ રીતે પોતાના વિચારો ઠોકી બેસાડવાનોય તેમણે કયારેય પ્રયાસ કર્યો નથી. ભાષા પરનો તેમનો કાબૂયે એવો કે લખાણમાં કયાંયે બિનજરૂરી શબ્દપ્રયોગ તમને ન દેખાય. બીજા અર્થમાં કહીએ તો લખાણમાં પણ તેમની સાચી ખાનદાનીનાં દર્શન થતાં.

રાજકારણમાં તેઓ મર્યાદિત સમય સુધી સક્રિય હતા. છતાં એ એક હકીકત છે કે છેક ૧૯૬૨માં જ્યારે એક શાસક પક્ષ તરીકે કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને હતો તેવા સમયે હિંમતસિંહજીના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર પક્ષે લોકસભા અને વિધાનસભામાં ચોગરદમ વિજયપતાકા ફરકાવીને કચ્છમાં ઇતિહાસ સર્જી દીધો હતો. વિધાનસભાની છએ છ અને સંસદની એક બેઠક મેળવીને પક્ષનો ડંકો વગાડી દીધો હતો. ૧૯૬૫ના યુદ્ધ સમયે અને ખાસ તો એ યુદ્ધ શરૂ થયું એ પહેલાં જ પાકિસ્તાને કચ્છના રણ પર આક્રમણ કર્યું હતું તેની વિગતે રજૂઆત તેમણે સંસદમાં કરી હતી તે ચિરસ્મરણીય છે. સરહદી સલામતી જેવા સંવેદનશીલ પ્રશ્ર્ને સરકારે કચ્છની અવગણના કરી હતી એવી તેમણે બેધડક રજૂઆત કરી હતી. કેન્દ્રની લાપરવાહીને લીધે જ કચ્છે છાડબેટ ગુમાવવું પડ્યું હોવાની ધારદાર છણાવટ સાથે તેમણે ૧૯૬૮ના કચ્છ સત્યાગ્રહમાંયે સક્રિય ભાગ લીધો હતો. તો ’૬૫ના યુદ્ધ પછી સીમા સુરક્ષાદળની રચના થઈ તે વખતે કેટલાક સૂચનો કર્યાં હોવાનું તેમણે જાતે એક વાર આ લખનાર સાથેની વાતચીતમાં કહ્યું હતું. તેમના મતે સીમા સુરક્ષાદળમાં ઉચ્ચ અધિકારીઓને પોલીસ દળમાંથી લેવામાં આવે છે. તેના બદલે લશ્કરમાંથી લેવા જોઈએ. આ સંદર્ભે તેઓ પાકિસ્તાન રેન્જર્સનો દાખલો આપતા. કચ્છને અલગ રાજ્ય બનાવવાની માગણી સાથે તેઓ સંમત હતા પણ તેઓ કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર થાય એમ ઈચ્છતા. એ કહેતા કે ઈશાન ભારતના નાનાં-નાનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પછી ઊલટો ભ્રષ્ટાચાર વધ્યો છે. ત્યાંના પ્રધાનોએ અને બીજા નેતાઓએ કેન્દ્રના અબજો રૂપિયાની ગ્રાન્ટો બરબાદ કરી મૂકી છે. તેથી રાજકીય રાજ્ય નહીં, પરંતુ કેન્દ્રશાસિત કચ્છ પ્રદેશની તેઓ હિમાયત કરતા.

એક વાર, સંભવત: ૧૯૯૨માં, તેમની સાથે છારી ઢંઢની મુલાકાત લીધી હતી. મોટી હેટ અને ટ્રેકરના બૂટ પહેરીને આવેલા હિંમતસિંહજી બાવા સાથે નખત્રાણાની માહિતી ખાતાની કચેરી પર ગયા ત્યારે ત્યાંના સ્ટાફે નાસ્તો તૈયાર રાખ્યો હતો. બાવાને ઓફર કરવી કે નહીં એ વિશે દ્વિધા થતી હતી. પણ તેઓ જાતે જ નિખાલસતાથી અમારી સાથે એક જ ડિશમાં નાસ્તો કરવા બેસી ગયા. પછી અમે છારી ઢંઢ ગયા અને એ અમારી યાદગાર મુલાકાત બની રહી.

અહીં, અમને તેમના સમતોલ વલણનો પરિચય મળ્યો. એ સમયે પણ ત્યાં માછીમારી થતી હતી. આ પ્રવૃત્તિથી પક્ષીઓને ખલેલ પહોંચતી હતી અને ઘણીવાર એવું બનતું કે પક્ષીઓ જતા રહેતાં. અમે આ વાત છેડી તો તેમણે કહ્યું જુઓ આ માછીમારી તો આજુબાજુના ગામના લોકો પોતાના આહાર માટે કરે છે, નહીં કે ધંધાદારી કમાણી કરવા. ટૂંકમાં તેમનો વિરોધ વ્યાવસાયિક ધોરણે બેફામ માછીમારી કરીને બહાર મોકલાય તેની સામે હતો.

છારી ઢંઢ એક રક્ષિત અભયારણ્ય જાહેર થાય એની તેમણે સતત ચિંતા સેવી હતી. તેમના મતે જો ગુજરાત સરકાર ઘટિત પગલાં લે તો છારી ઢંઢ રાજસ્થાનના ભરતપુર અભયારણ્ય કરતાંયે ચડિયાતું સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. મૃત્યુથી એક દિવસ પૂર્વે પણ તેમણે મિત્રો સમક્ષ છારી ઢંઢ અંગેની ચિંતા વ્યક્ત કરી હતી.

ગાંડા બાવળના ફેલાવાનો પ્રશ્ર્ન હોય કે ચેરિયાં છેદનનો, પણ હિંમતસિંહજી બાવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ વિચાર રજૂ કરતા. ગાંડા બાવળના ગેરફાયદા અનેક હોવા છતાં એને આડેધડ નિર્મૂળ કરવાથી પર્યાવરણને નુકસાન થવાનો ભય છે એમ તેઓ કહેતા. ઔદ્યોગિકરણ અને પર્યાવરણ વચ્ચે સમતુલાની હિમાયત તેમણે કરી હતી પણ જો ઉદ્યોગો બેફામ ભૂગર્ભ જળ ઊલેચે તો તે તેમને મંજૂર નહોતું.

પર્યાવરણ ઉપરાંત કચ્છના નર્મદા સંબંધી પ્રશ્ર્ન હોય કે અન્ય સમસ્યા હિંમતસિંહજી બાવા પોતાના વિચાર સ્પષ્ટ રીતે રજૂ કરતાં અચકાતા નહીં. સિરક્રીક મામલે પણ તેમણે પ્રસંગોપાત લેખ લખ્યા છે. સિંધ પ્રાંત અને કચ્છ-રાજ વચ્ચે ચોખ્ખા કરાર હોવા છતાં ભારત સરકાર સિરક્રીકને વિવાદાગ્રસ્ત વિસ્તાર ગણે છે એની સામે તેમને ભારે રોષ હતો. તેઓ એમ માનતા કે સિરક્રીક પ્રકરણ વિવાદાસ્પદ છે એનો સ્વીકાર જ ભારતે કરવાની જરૂર નહોતી.

કચ્છમાં સીમા સુરક્ષા દળ, લશ્કર કે વાયુસેના મથકના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમનો સતત સંપર્ક રહેતો. કચ્છની સરહદોની સુરક્ષા અંગે પણ સૂચનો કરતા રહેતા. આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇકો ડિપ્લોમસીની આજમાયશ ખાસ કરીને સરદાર ચોકી નજીકના શકુર લેક અને સુરખાબનગર સંદર્ભે કરવાની હિમાયત થઇ રહી છે ત્યારે તેમની હાજરીની ખોટ સાલે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s