સંતો અને ભગતો વિશે ના નામ તથા પરીચય

Standard

સંતો અને ભગતો વિશે ના નામ તથા પરીચય
                ભાગ-1

(૧)   અક્કલદાસ

રવિભાણ સંપ્રદાયના સંત કવિ. ભીમ સાહેબ (જન્મ ઇ.સ.૧૭૧૮)ના શિષ્ય. થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)ના ગેડિયા બ્રાહ્મણ. ગુરુભાઈ : દાસી જીવણ. (ઇ.૧૭પ૦-૧૮રપ)

(ર)   અખો (ઇ.સ.૧૬૧પ-૧૬૭પ)

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી વેદાન્તી કવિ. જન્મ જેતલપુર (જિ.અમદાવાદ)માં સોની જ્ઞાતિમાં.

(૩)   અખૈયો

સમર્થ જ્ઞાનમાર્ગી વાણીના સર્જક સંત કવિ. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ જ્ઞાન ઉપાસનાનો સમન્વય થયો છે. ભૂતનાથ (ઇ.સ.૧૭૬ર)ના શિષ્ય. આદરિયાણા (તા.દસાડા કે પાટડી ? જિ.સુરેન્દ્રનગર.) ગામે ભાલિયા નાડોદા રાજપૂત જ્ઞાતિમાં જન્મ. ત્યાં અખૈયાની જાળનું વૃક્ષ અને ભૂતનાથનો ચોરો છે. જગ્યા છે. ગુરુ ભૂતપુરી મુંજપુરમાં રહેતા‚ અખૈયો રોજ ત્યાં જાય. વરસતા વરસાદે પહોંચ્યા. એક રબારી રોજ ભૂતનાથને દૂધ આપવા આવતો‚ એણે ગુરુએ આપેલ દૂધ ન પીધું‚ અખૈયાને પાયું ને એની ચેતના જાગૃત થઈ ગઇ.કેટલાક ભજનિકો ભૂતનાથને રામદેવપીરના ગુરુ બાળનાથના ગુરુ તરીકે પણ ઓળખાવે છે‚ એ મુજબ ભૂતનાથ શિષ્ય અખૈયો રામદેવપીરનો કાકાગુરુ થાય અને અખૈયાની દીકરી ડાલીબાઈ બહેન થાય… પણ આ વાતને કોઈ જ પ્રમાણ મળતાં નથી…

(૪)   અત્તરશાહ

સૂરજગરના શિષ્ય. જ્ઞાનમાર્ગી ભજન-વાણીના રચયિતા. સંત કવિ.

(પ)   અમરબાઈ

પરબના સંત દેવીદાસ (ઇ.સ.૧૭રપ-૧૮૦૦)નાં શિષ્યા સંત કવયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિરનાં દીકરી. સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યામાં રક્તપિત્તિયાઓની સેવા કરતા સંત દેવીદાસને જોઈને અંતરમાં ભક્તિભાવ જાગ્યો અને વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ કર્યો. એમના વિશે અનેક ચમત્કારો નોંધાયા છે. અનુમાને (ઇ.સ.૧૭પ૦-૬૦)માં અમરબાઈએ દીક્ષા લીધી હશે.

(૬)   અમરસંગ રાજા રાજ્યકાળ (ઇ.સ.૧૮૦૪ થી ૧૮૪૩)

સૌરાષ્ટ્રના  નાનકડા ધ્રાંગધ્રા રાજ્યના રાજવી ધ્રાંગધ્રામાં ‘રામ મહેલ’ નામે ઓળખાતું મંદિર બંધાવ્યું લોકો ભક્તરાજ તરીકે ઓળખતા‚ ભજનોની રચનાઓ  મળે છે.

(૭)   અરજણ (ઇ.સ.૧૯ મી સદી પૂર્વાર્ધ)

રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. દાસી જીવણ (ઇ.સ.૧૬રપ-૧૮પ૦)ના શિષ્ય. જામકંડોરણા પાસેના ભાદરા ગામના રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં કબીર પરંપરાની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.

(૮)   આનંદઘન (ઇ.સ.૧૬પ૦માં હયાત)

જૈન સંપ્રદાયના સાધુકવિ. મૂળ નામ લાભાનંદ. સિદ્ધ-અવધૂત પરંપરાના યોગી  પ્રેમી ભક્ત મહાપુરુષ.

(૯)   આંબાભગત આંબેવ (અવ. સં. ૧૯૩૦)

ચુડા (જિ. જુનાગઢ) ના કોળી પટેલ જ્ઞાતિમાં જન્મેલા ભક્તકવિ. ભીમગરજી મહારાજના શિષ્ય. પત્ની : મીણાંબાઈ‚ પુત્ર : હરજી‚ પૌત્ર : ડાયાભગત. ચુડામાં રામદેવજીનું મંદિર બંધાવ્યું. કેટલાક ભજનો પદોની રચના. શિષ્ય : ગોવિંદ ભગત. દાસી ભાવે પદોની રચના અવ.સં. ૧૯૩૦

(૧૦)  કચરો-મેઘ કચરો

હરિજન મેઘવાળ સમાજના‚ મહાપંથી સંતકવિ.

(૧૧)  કતીબશા

જેસલ તોરલ‚ રૂપાંદે માલદે (ઇ.સ.૧૩ર૬-૧૪૦૦)ના સમકાલીન રાજસ્થાની મહાપંથી સંતકવિ. જેમણે કદાચ કચ્છ સૌરાષ્ટ્રમાં પણ પરિભ્રમણ કર્યું હશે એમ એમની રાજસ્થાની મારવાડી ભાષામાં રચાયેલી ભજન રચનાઓની લોકપ્રિયતા અને ગુજરાતીકરણ પામેલાં ભજનો જોતાં લાગે છે.

(૧ર)  કનડપરી

દશનામી શૈવ પરંપરાના સંતકવિ.

(૧૩)  કબીર (ઇ.સ.૧૩૯૮-૧પ૧૮)

ભારતવર્ષના મુખ્ય સંત‚ સ્વામી રામાનંદના શિષ્ય‚ જન્મસ્થળ : કાશી‚  અવસાન : મગહર. રચના : સાખી‚ પદ‚ શબદી‚ રવૈણી આદિ. પ્રસિદ્ધ ગ્રંથ : ‘બીજક’.

(૧૪)  કરમણ (ઇ.સ. ૧૮રપમાં હયાત)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંતકવિ. મોરાર સાહેબ (૧૭પ૮-૧૮૪૯)ના શિષ્ય. વાવડી (જિ.સુરેન્દ્રનગર‚ ધ્રાંગધ્રા નજીક)માં વણકર જ્ઞાતિમાં જન્મ. લખીરામના ગુરુ.

(૧પ) કલ્યાણ (ઇ.સ.૧૮ર૭માં હયાત)

ડાકોરના સાધુ કવિ. ‘ભક્તિ એવી રે ભાઈ એવી જેમ તરસ્યાંને પાણી જેવી…’ જેવાં ભજનોના રચયિતા.

(૧૬)  કાજી મામદશા

નાનકશાના પિતા. દીન દરવેશના શિષ્ય ભક્તિમાર્ગી અને જ્ઞાન-વૈરાગ્યલક્ષી ભજનોના રચિયતા. એમના વિશે નોંધાયેલી વિગતો મુજબ ખેડા જિલ્લાના બીરપુર ગામે ઇ.સ.૧૪૬૮માં જન્મ. પિતા : કાજી હમીદ જેઓ અમદાવાદના શાહ આલમના શિષ્ય તરીકે શાહ ચાલન્દા તરીકે પણ ઓળખાતા. કાજી મામદશાનું મૂળ નામ કાજી મહેમૂદ દરિયાઈ હતું. રાજસ્થાની સાહિત્યના ઈતિહાસમાં નોંધાયેલા સંત કવિ કાઝી મહમૂદ (૧પમી સદી)નાં ૪પ જેટલાં પદો વિવિધ હસ્તપ્રતોમાંથી મળે છે. જૂનામાં જૂની હસ્તપ્રત ઇ.સ.૧૬રપની સાલની છે. જ્યારે ઇ.સ. ૧પરપ માં સહજસુંદર નામના જૈન કવિએ ‘રત્નસાર ચોપાઈ’માં કાઝી મહમૂદના એક પદ ‘ભૂલા ભમરલા કાંઈ ભમઈ એ’ના ઢાળ મુજબ રચના કરી છે.

(૧૭)  કાપડી બાવો

કાપડી પંથના સંભવત : કચ્છના અજ્ઞાત સાધુકવિ.

(૧૮)  કાળાભગત (ઇ.સ.૧૮પ૪)

થોરખાણ (બાબરા પાસે)ના હરિજન ભક્ત કવિ. જન્મ વિ.સં.૧૯૧૦ ઇ.સ. ૧૮પ૪. ગુરુ : દેહાભગત રચના : ભજનો.

(૧૯)  કાળુજી (જન્મ ઇ.સ.૧૮૭૧‚ અવ. ઇ.સ. ૧૯૪૧)

મેઘપુર (ટંકારા પાસે‚ જિ. રાજકોટ)માં ઝાલા ગરાસિયા કુટુંબમાં સં. ૧૯ર૭ ચૈત્ર સુદ-૪ મંગળવારે જન્મ. પિતા : ખેંગારજી‚ માતા : ફઈબા. વિવાહ : કરણીબા સાથે (૧૯૪૬ માગશર સુદ ૧૦) ઇ.સ. ૧૮૯૦ ગુરુ : મંગળગરજી (મારવાડના બખશાજી મહારાજની પરંપરાના) પાસે ઇ.સ. ૧૮૯૩ સં. ૧૯૪૯ ભાદરવા સુદ ર ને દિવસે દીક્ષા લીધી. રચના : ભક્તિ‚ જ્ઞાન‚ યોગ અને ઉપદેશની ભજનવાણી જેમાં કીર્તન‚ કુંડળિયા‚ ભજન‚ પદ‚ બારમાસ‚ કાફી‚ સંધ્યા‚ પ્રભાતી‚ સાવળ‚ પ્યાલો‚ ઝીલણિયાં‚ ધોળ‚ સરવડાં‚ થાળ‚ અંતકાળિયાં‚ આરતી‚ સ્તુતિ‚ રાસ‚ રાસડા‚ તિથિ‚ વાર‚ મહિનો‚ પરજ અને સાખીયો જેવી રચનાઓ ઉપરાંત ૧૪૦ જેટલી પંક્તિઓમાં ‘ચિંતામણી’ ૧રપ જેટલી પંક્તિઓમાં ‘ક્કકા’ ૩૦ જેટલા ‘કુંડળિયા’ અને ૧પ૦ જેટલી સાખીઓ પ્રકાશિત થઈ છે. ખેંગારજી અવ.ઇ.સ.૧૯૧૩. માતા ફઈબા અવ.ઇ.સ.૧૯૧૯ પત્ની અવ.ઇ.સ. ૧૯ર૦

(ર૦)  કાયમદીન – પીર કાયમુદ્દીન ચિશ્તી (ઇ.સ.૧૬૯૦-૧૭૬૮)

ચિશ્તિયા સૂફી પરંપરાના સંતકવિ. જન્મ : મહેસાણા જિલ્લાના કડી ગામે‚ પિતા : સુફી સંત બદરૂદ્દીનસાહેબ. અવસાન મહારાષ્ટ્રના નંદરબાર નજીકના કોઈ ગામે‚ તેમના દેહને એકલબારા (તા.પાદરા‚ જિ.વડોદરા) ભૂમિદાહ અપાયો‚ અને દરગાહ બાંધી છે. શિષ્યા સંત કવયિત્રીઓ રતનબાઈ‚ દીવાળીબાઈ વગેરે…

(ર૧)  કેશવલાલ સાયલાકર (ઇ.સ.૧૮૯પ-૧૯૭ર)

અર્વાચીન સમયના આખ્યાનકાર-સંતસાહિત્ય સંશોધક અને કવિ ભજનિક. જેમણે ‘રામદેવ રામાયણ’ ગ્રંથ દ્વારા ગુજરાતમાં રામદેવપીરનો વિશેષ પ્રચાર-પ્રસાર કર્યો છે. ‘મહાત્મા મૂળદાસ’‚ ‘સતી લોયણ’‚ ‘સતી તોરલ’‚ ‘દેવાયત પંડિત’‚ ‘શેઠ સગાળશા’‚ ‘ગોરખ નાથ’‚ ‘ભતૃહરિ’‚ ‘ગંગાસતી’ વગેરે આખ્યાનો તથા કાવ્યસંગ્રહો ‘રામસાગર’‚ ‘કડવાભગતની વાણી’.

(રર)  ખીમરો કોટવાળ

મહાપંથના સંત. નિજિયાપંથી‚ બીજમાર્ગી પાટપૂજાના સમયે કોટવાળ થવાની લાયકાત ધરાવનાર હરિજન (મેઘવાળ) ચમાર કે વણકર ભક્ત. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ)માં નિવાસ. પત્ની : દાડલદે રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ. એમની વાણીમાં મહાપંથની સાધના‚ તેના સિદ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ‚ આગમ અને રૂપકાત્મક પદો ભજનોના રચયિતા. રાજસ્થાનમાં ખીંવણજી નામના એક સંત કવિની રચનાઓ ગવાય છે એ ખીંવણજી રાજસ્થાનના જૂની દૂધુ ગામે ભાટીવંશમાં થઈ ગયા. જે વિ.સં.૧રપ૦માં પીર શમસના શિષ્ય બનેલા.

(ર૩)  ખીમસાહેબ / ખેમદાસ / ખીમદાસ (ઇ.સ.૧૭૩૪-૧૮૦૧)

રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ. સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય. માતા ભાણબાઈ જ્ઞાતિએ લોહાણા. જન્મ : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા). ખીમસાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ ‘ખલક દરિયા ખીમ’ કે ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાવે છે. એમના જીવન વિશે અનેક ચમત્કારો આલેખાયા છે. કચ્છના ખારવાઓમાં એમણે ‘રામકબીરપંથ’નો પ્રચાર કરેલો. હરિજન જ્ઞાતિના ત્રિકમ ભગતને દીક્ષા આપીને એમણે ‘રવિ ભાણ સંપ્રદાય’માં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યાં હતા. જેમાંથી ત્રિકમસાહેબ‚ ભીમસાહેબ‚ દાસી જીવણ જેવા સંત રત્નો મળ્યાં. ઇ.સ. ૧૭૭૧ માં રાપર (જિ. કચ્છ)માં ખીમસાહેબે જગ્યા બાંધી‚ એ જ સ્થળે ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી. રચના : ‘ચિંતામણી’ / ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દી રચના) ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી. અને વિવિધ પ્રકારનાં ભજનો. હિન્દી‚ ગુજરાતી અને કચ્છી બોલીમાં. રવિસાહેબ પાસેથી પણ સાધના માર્ગદર્શન મેળવેલું. સાખી ચોપાઈ બંધની પ૮ કડીની જ્ઞાનમાર્ગી હિન્દી ‘ચિંતામણી’ (ર.ઇ.સ.૧૭૭૦)

(ર૪) ગણપતરામ

નિરાંત (ઇ.સ.૧૭૪૭-૧૮પર) સંપ્રદાયના જ્ઞાનમાર્ગી કવિ‚ જન્મ અને વતન : ઝણોર  ભરૂચ જ્ઞાતિએ મેવાડા સુથાર… સમય : ઇ.સ.ની ઓગણીસમીનો પૂર્વાર્ધ‚ ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગનાં પદો ભજનોના રચયિતા. બીજા ગણપતરામ પણ ભરૂચ જિલ્લાના સિસોદરા ગામના બ્રાહ્મણ કવિ હતા. જેના હિન્દી ગુજરાતી વેદાન્તી જ્ઞાનમાર્ગી પદો હસ્તપ્રતોમાં મળે છે.

(રપ) ગંગાદાસ – ગંગારામદાસબાપુ

કેશોદ તાલુકાનું ગેલાણા ગામ. મઢી-આશ્રમ. જન્મ : આગ્રાથી ૧ર માઈલ ઠકરઈ ગામે. ઇ.સ. ૧૮૯૦. આઠ વર્ષે ઘર છોડયું. ભરતપુરના રામભુષણદાસજી પાસે દીક્ષા. ૪૧ વર્ષ દેશાટન કર્યું. ઇ.સ.૧૯પ૩માં ગુરુનું અવસાન. ૮૭વર્ષે ૧૯૭૭ ફાગણ વદી પ ગુરુવારે દેહત્યાગ.

(ર૬)  ગંગાબાઈ – ગંગામાતા – ગંગાદાસજી

પરબના સંત‚ કાનદાસજીના અવ.સં.૧૯૬૧ પછી મહંત પદે. સં.ર૦૦ર શ્રાવણ વદી ૪ અવસાન. એ પહેલાં સં.૧૯૯ર આસો સુદ. ૧૦ રવિવારે બાળકદાસજીને મહંત પદે સ્થાપેલાં.

(ર૭) ગંગાસતી (સમાધિ : ઇ.સ. ૧૮૯૪)

સંત કવયિત્રી. સમઢિયાળા (જિ. ભાવનગર ધોળા જંકશન પાસે)ના કહળુભા/કસળસિંહ ગોહિલનાં પત્ની. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ રાજપરા ગામે ક્ષત્રિય જ્ઞાતિમાં ભાઈજીભી સરવૈયા અને માતા રૂપાળીબાને ત્યાં જન્મ. લગ્નના દાયજામાં પઢીયાર શાખના હમીરભાઈ ખવાસની દીકરી પાનબાઈને સમઢીયાળા લઈ ગયેલ (વિ.સં. ૧૯ર૦). સંતાનો : પુત્રી-બાઈરાજબા (જન્મ સં. ૧૯રર)‚ હરિબા – (જન્મ સં. ૧૯ર૪). દેહત્યાગ વિ.સં. ૧૯પ૦‚ ફાગણ સુદ ૮‚ ગુરુવાર તા.૧પ-૩-૧૮૯૪ સમઢીયાળા ગામે. સંભવત : ભોજાભગતના ગુરુ રામેતવનનાં શિષ્યા. તેમના પતિએ પોતાની ભક્તિની કપરી કસોટી આપવાનો સમય આવ્યો ત્યારે થયેલા ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યો એની સાથે ગંગાસતી સમાધિ લેવા તૈયાર થયાં પણ પતિ આજ્ઞાએ પાનબાઈને બાવન દિવસ સુધી રોજ ભજનવાણીની રચનાઓ કરીને મહામાર્ગનો પૂર્ણ ઉપદેશ આપ્યા બાદ સમાધિ લીધી. એમની ભજનવાણીમાં ‘નિજારપંથ’ ‘બીજમાર્ગે’‚ મહાપંથની સાધનાનું આલેખન થયું છે. શીલ‚ સત્સંગ‚ ગુરુઉપાસના‚ વૃત્તિવિરામ. મિતવ્યવહાર અને યોગક્રિયા ઇત્યાદિ પગલાંની બનેલી વિકટવાટનું સદષ્ટાંત દર્શન કરાવતાં તેમનાં ભજનો સૌરાષ્ટ્રની ‘સંતવાણી’ની આગવી મૂડી છે. કહળુભા અને ગંગાસતીની તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.

(ર૮)  ગંગેવ (કંથડનાથ શિષ્ય)

નાથ સંપ્રદાયના અનુયાયી સંતકવિ. સધુક્કડી ગુજરાતી હિન્દી ભાષામાં ભજનોના રચયિતા.

(ર૯)  ગંગેવ

પરબની જગ્યાના ભજનિક કવિ. મા હુરાંના શિષ્ય. રચના : ભજનો. સમાધિ : ધોરાજીમાં – માં હુરાંની સમાધિ પાસે. પરબની મોટી જગ્યા. કેટલાક ભજનિકો પરબના ગંગાબાઈ ગંગામાતાજીએ જ ગંગેવદાસી નામાચરણથી ભજનો ગાયાંછે એમ માને છે.

(૩૦)  ગેમલ (ઇ.સ.૧૮પ૦માં હયાત)

જ્ઞાનમાર્ગી કવિ. કૂકડ (જિ.ભાવનગર). તેમની સમાધિ કેવદ્રા (જિ.જૂનાગઢ) મુકામે તેમની દીકરીના ગામમાં આવેલી છે. રામનાથ (બીલખા‚ જૂનાગઢ)ના જેરામ ભારતી અને રામેતવન (‘ભારતી’ અને ‘વન’)ની દશનામી પરંપરાના હરિદાસ (ખદડપર)ના ઉપદેશથી જીવનપરિવર્તન‚ તેમના ઉપદેશનાં ભજનો ખૂબ લોકપ્રિય છે.

(૩૧)  ગોરખનાથ (ઇ.સ.૯૦૦ આસપાસ હયાત)

નવનાથમાંના એક‚ મત્સ્યેન  નાથના શિષ્ય‚ જન્મસ્થળ પેશાવર (વર્તમાન પાકિસ્તાન). સમય : ઇ.સ.ની નવમી સદી. યુવાવસ્થામાં ગૃહત્યાગ‚ ભારતભ્રમણ‚ નેપાળ અને સૌરાષ્ટ્ર ગિરનારમાં તપશ્વર્યા. ઉત્તરાવસ્થા અને અવસાન : ગોરખનાથમઢી‚ સોમનાથના દરિયાકિનારે. રચના : સંસ્કૃત‚ અપભ્રંશ અને હિન્દીમાં સાખી‚ આરતી‚ પદ શબદી‚ ગોષ્ઠી વગેરે.

(૩ર)  ગોવિંદ- ગોવિંદગર

આધ્યાત્મિક જ્ઞાન ભક્તિ વિષયક ભજનોના કર્તા. ઇ.સ.૧૯૦૦ ની હસ્તપ્રતમાં રચનાઓ. નરસંડા (તા.આણંદ) ગામના. સં.૧૯૪૧માં ચેતવણી. સાખી‚ જ્ઞાનમાર્ગી ભજનો…

(૩૩)  ગૌરીબાઈ (ઇ.સ.૧૭પ૯-૧૮૦૯)

જ્ઞાનમાર્ગી સંતકવયિત્રી‚ વડનગરા નાગર જ્ઞાતિમાં ડુંગરપુર ગામે જન્મ. છસો ઉપરાંત ગુજરાતી હિન્દી રાજસ્થાની પદો ભજનોના રચયિતા સાધ્વી.

(૩૪)  છોટમ (ઇ.સ.૧૮૧ર-૧૮૮પ)

છોટાલાલ કાળિદાસ ત્રિવેદી-ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં મલાતજ (તા.પેટલાદ‚ જિ.ખેડા) ગામે જન્મ. વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીના મોટાભાઇ. ગુજરાતી તથા વ્રજભાષામાં ચારસોથી વધુ પદો ભજનો કાવ્યોનું સર્જન.

(૩પ) જેઠીરામ (ઇ.સ.૧૮મી સદી ઉત્તરાર્ધ)

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવા સાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-૧ની પાંચમી પેઢીના સંતાન. જાડેજા રાજપૂત કુટુંબમાં સતાજી જાડેજાને ત્યાં જન્મ. જન્મનામ જેઠુજી દેવાસાહેબનું અવસાન થતાં હમલા (કચ્છ)ની ગાદી પોતે ન સંભાળતાં દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી વહીવટ કરેલો. અનેક ભાવવાહી ભજનો સંતવાણીની રચના. હિન્દીની છાંટવાળી ગુજરાતી ભાષામાં અને કચ્છી હિન્દી ભાષામાં રચાયેલાં આ ભજનો સૌરાષ્ટ્રના ભજનિકોમાં ખૂબ લોકપ્રિય છે. વિ.સં.૧૮૧૭ ઇ.સ. ૧૭૬૧ માં કચ્છ પડેલા દુષ્કાળ વખતે અન્નદાન ને લોકસેવા પણ તેમણે કરેલા.

(૩૬)  જેમલભારથી – સંભવત : જેમલજી (ઇ.સ.૧૮ર૦)

ધ્રાફાના જાડેજા રાજપુત કુટુંબમાં જન્મ. સંતકવિ. મૂળનામ : જાલમસિંહજી જાડેજા. રચના : ભજનો. ગુરુ : જમનાનંદજી બાપુ‚ ફુલઝર નદીને કાંઠે આવેલી ટેકરી પર દતાત્રેયના પગલાં પધરાવ્યાં ત્યાં જગ્યા આશ્રમ મોજુદ છે.

(૩૭)  જેસલ/જેસલપીર (ઇ.સ.૧૩૮૦માં હયાત)

કચ્છના આ સંતકવિનું ચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયું છે. મહાપંથના બીજમાર્ગી નિજારી સંપ્રદાયના અનુયાયી જેસલનો જન્મ કચ્છના દેદા વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો હતો એમ નોંધાયું છે. જેસલનું પૂર્વજીવન રાજય સામે બહારવટે ચડેલા કાળજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રના સલડી/સરલી/વાંસાવડ ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધિ સમયે અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઇ. કુર અને પાપી જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાંસતિયાને પોતાની ઘોડી તલવાર સાથે તોરલ તોળીરાણી પણ જેસલને સોંપી દીધી. અનેક કસોટીઓની વચ્ચે તોરલે એનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હ્રદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા પછી એણે ભજનવાણીની રચનાઓ કરી છે. જેમાં પોતાના પાપોનું પ્રાયશ્ચિત અને હ્રદયવ્યથાનું નિરૂપણ છે. અંજાર (કચ્છ)માં જીવતાં સમાધિ લઈ લેનાર જેસલ આજે ‘જેસલપીર’ તરીકે પુજાય છે. રાજસ્થાનના ભાટી ઉગમશીના શિષ્ય સંત માલદે રાવ મલ્લીનાથ (ઇ.સ.૧૩ર૮ અથવા ૧૩૩૧માં જન્મેલા અને ઇ.સ.૧૩૯૯માં જેમણે સજોડે જીવંત સમાધિ લીધી એવા મેઘ ધારૂનાં શિષ્યા સંત કવયિત્રી સતી રૂપાંદેના પતિ) સાથેની જેસલની મૈત્રી અને મેળાપના ઉલ્લેખો ધરાવતાં ભજનો મળે છે. જેસલની સમાધિ વખતે માલદેની હાજરી અંજારમાં છે. આ રીતે જેસલ-તોરલ અને રૂપાંદે-માલદે રામદેવપીર (ઇ.સ.૧૩પ૧-૧૪પ૯ વિ.સં.૧૪૦૭-૧પ૧પ)ના પૂરોગામી પાટ ઉપાસક મહાપંથી સાધકો છે. રામદેવપીર રચિત ‘ચૌબીસ પ્રમાણ’ કૃતિમાં જેસલ તોરલ‚ રૂપાંદે-માલદે‚ ભાટી ઉગમશી વગેરે ભક્તોનાં નામો પણ મળે છે.

(૩૮)  ડુંગરપૂરી

(ઇ.સ.૧૭૯૪માં હયાત) મારવાડ રાજસ્થાનના સંત કવિ. ભાવપૂરીના શિષ્ય. જોધપુર પાસેના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે. પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા તેવું મનાય છે‚ તો વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર માવજી ભગત અને માતા રૂડીબાને ત્યાં જન્મેલા એવી દંતકથા પણ મળે છે. પાલનપુર તાલુકાના અમીરગઢમાં સમાધિ લીધેલી. રચના : હિન્દી‚ ગુજરાતી‚ મારવાડી ભજનો.

(૩૯)  તિલકદાસ (ઇ.સ.૧૮પ૯-૧૯૩ર)

કબીરપંથી રવિભાણ સંપ્રદાયના હરિજન સંત. જન્મ નામ : તેજાભાઇ. માનસદાસ   મહારાજ પાસે પુન : દીક્ષા-ગુરુમંત્ર. ૭પ વર્ષની વયે ઇ.સ.૧૯૩ર માં સમાધિસ્ત થયા. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. કચ્છના વિરાણી ગામે હરિજન કુટુંબમાં જન્મ નાની ઉમરે ઘર છોડી ભાગ્યા‚ ભાણસંપ્રદાયના સાધુ બાલકદાસજી પાસે દીક્ષા તેજાભાઈને બદલે તિલકદાસ નામ. જન્મ : વિ.સં.૧૯૧પ કારતક સુદ પૂનમ અને સોમવાર તથા દેહત્યાગ વિ.સં.૧૯૮૮ માગશર વદ આઠમ ને શુક્રવાર.

(૪૦) તુલસીદાસ

ગુજરાતમાં તુલસીદાસ નામના ત્રણ કવિઓ નોંધાયા છે. તુલસીદાસ ૧ (ઇ.સ.૧૬૭૬માં હયાત) ધોળકા પાસેના લીલાવતી લીલાપુરના વતની જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ પિતા-મંગલ. ૧૧૪ અધ્યાયની ‘પાંડવાશ્વમેધ’ (ર.ઇ.સ.૧૬૭૬) તુલસીદાસ-ર‚ મધ્યકાલીન આખ્યાન કવિ. કુતિયાણા (જિ.જૂનાગઢ)ના સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં માધવ/માધવજીને ત્યાં જન્મ : રચના : ધ્રુવાખ્યાન‚ ઇ.સ.૧૬ર૮ થી પ૮ વચ્ચે હયાત હોવાનું નોંધાયું છે. આ રચના હાથપ્રતોમાં તેમના પુત્ર વૈકુંઠના નામે પણ મળે છે. તુલસીદાસ-૩‚લીલિયા (જિ. અમરેલી)ના મધ્યકાલીન સર્જક. રચના ‘અશ્વમેઘ’ પર્વ ઇ.સ. ૧૬૬૬. એ ઉપરાંત ‘રામ ચરિત માનસ’ના રચયિતા તુલસીદાસજીનાં કેટલાંક પદો ગુજરાતીકરણ પામીને પણ લોકભજનિકોમાં ગવાય છે.

(૪૧)  તોરલ તોળલ તોળાંદે તોળીરાણી (ઇ.સ.૧૩૮૦માં હયાત)

મહાપંથનાં સંત કવયિત્રી. ગુજરાતી ભાષાનાં આ કવયિત્રી. બીજમાર્ગી નિજારી પાટપૂજામાં ‘સતી’ તરીકેનું સ્થાન ધરાવનારાં‚ સૌરાષ્ટ્રના સરલી/સલડી કે વાંસાવડના સંત રાજવી સાંસતિયા કાઠીનાં પત્ની. જેમણે જેસલ જાડેજાને ‘જેસલ પીર’ બનાવ્યો. સમાધિ : કચ્છ-અંજાર. એમની ઘણી ભજનરચનાઓ અત્યંત લોકદાર પામી છે. ધારી પાસે સરસીયા ગામે તોરલ અને સાસતિયાની જગ્યા છે એમ કહેવાય છે. સાસતિયાની સમાધિ ભૂચરમોરીના સ્થાને. સધીર શેઠ વહાણિયાનું સ્થાન પણ સરસીયા ગામે હોવાનું કહેવાય છે. પરંતુ આ સ્થળો વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણો સાંપડતાં નથી.
સાભાર : ઝાલાવાડ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s