ટિકર

Standard

ગુજરાતના મોરબી જીલ્લામાં હળવદમાં આવેલ ટીકર નામનુ ગામ. ચારે બાજુ રણની ધૂળ ઉડતી દેખાય છે. લીલોતરીનુ નામો નિશાન નથી. પરંતુ ત્યાથી ઍકાદ કિલોમીટર જેટલુ દૂર ઍક વર્ણેશ્વર નામનુ સ્થળ છે અફાટ રણમાં ધગધગતી રેતીમાં મરકડની જગ્યાઍ મીઠા પાણીનો વીરડો છે. વર્ણેશ્વર, વર્ણવોપીર કે વર્ણવા પરમારની જગ્યા કહો બધુ ઍક જ છે. વર્ણેશ્વરની જગ્યામાં ઍક પુરુષનો પાળિયો અન સ્ત્રીના પંજાનો પાળિયો જોવા મળે છે. શું ઘટના બની હતી આ જગ્યાઍ? જેની કહાની આ પ્રમાણે છે.            વર્ણવો પરમાર રાજપૂત શાખનો ક્ષત્રીય જુવાન. તેના લગ્નની વિધિ ચાલે છે. હાથમાં મીંઢળ બાંધેલ છે, કેશરીયો સાફો માથે શોભે છે, લગ્નગીતો ગવાય છે, રૂડા મંગળ  વર્તાય છે. સામેના ઝરૂખે પરણેતર પોતાના પતિની પ્રતીક્ષા કરવામાં સમય પસાર કરે છે. સવારનો સમય છે ડેલીમાં બધા માણસો પોતપોતાના કામમાં લાગેલા છે. ત્યાં તો ધ્રબાગ…ધ્રબાગ બૂંગીયો ઢોલ વાગ્યો. ધોડજો…. ધોડજો… ઍવા હોકારા પલકારા થયા. માળિયાના મિયાણા ગામની ગાયો લઈ જાય છે. આવા શબ્દો વર્ણવાના કાને પડ્યા. આંખો ધ્રગેલ ત્રાંબા જેવી લાલચોળ થઈ વર્ણવાને શુરાતન ચડ્યુ. અને ઍક ક્ષણની પરવાહ કર્યા વગર વર્ણવો ઘોડીઍ અસવાર થયો. બીજા રાજપુતોને પાછળ રાખી વર્ણવો મોખરે થયો અને ગાયોના ધણ સુધી આંબી ગયો. મિયાણાઑ ને રાજપૂતની મર્દાનગી જોઈ આભા બન્યા અને યુદ્ધ કર્યા વગર ગાયોનુ ધણ પાછુ સોંપ્યુ. ગાયોનુ ધણ લઈ વર્ણવો પાછો ગામ તરફ ફર્યો. સૌ પોતપોતાના પશુ લઈ વર્ણવાનો જયજયકાર કરવા લાગ્યા. પરંતુ ઍક સુથાર સ્ત્રી ફરિયાદ કરે છે બાપુ તમે સૌના ઢોર લઈ આવ્યા પણ મારી બોડી ગાય ત્યાં જ રહી ગઈ મારા છોકરા છાશુ વિના ભૂખ્યા રેશે.. વર્ણવો આટલુ સાંભળી ફરી ઘોડે ચડ્યો અને કહેતો ગયો બહેન તારી બોડી લીધા વીના પાછો નહી આવુ. બોડી ક્યાંથી મળે? મિયાણાઑ તેને કાપી નાખી હતી ખાવા માટે…વર્ણવો આ સાંભળીને મરણીયો બન્યો આખાય રણમાં તેણે રમખાણ મચાવ્યુ. સામે કાંઠે સુધી દુશ્મનો ના કટકા કર્યા અને પોતાનુ માથુ કપાવ્યુ. વર્ણવાનુ ધડ ક્યાંય સુધી લડતુ રહ્યુ અને મરકડની ધારમાં ધડ પડ્યુ જ્યાં હાલ વર્ણેશ્વરની જગ્યા છે.પોતાના પતિ રણમાથી પરત ન આવતા રાજપુતાણી મંગળ ચૂંદડી ઓઢી માથે ગંગાજળનો ઘડો મૂકી પોતાના પતિની તરસ છીપાવવા ઘોડાના પગલા જોતા જોતા રણમાં પહોચી. પોતાના પતિનુ શબ જોઈ તેને ઘડો જમીન પર પછાડયો. આજે તે જગ્યામાં મીઠા પાણીનો વીરડો છે. જ્યાં હાલમાં પાણી ખૂટતુ નથી.પતિના ધડ વિનાનાં શબ સાથે રાજપુતાણી સતી થઈ. વાત અહિયા પુરી નથી થતી.
થોડા વર્ષો બાદ.. આડેસર અને ટીકરની વચ્ચેના રણમાં ઍક સ્થળે ઍક ગાય રોજ ચરવા જતી. ઝાડીમાં જતી અને પાછી વળતી. ગાયનો ધણી રોજ તેને દોહતો પણ આંચળમાંથી દૂધ આવતુ જ ન હતુ. ધણી ઍક વાર ગાયની પાછળ પાછળ જઈ જોયુ ત્યારે ઝાડીમાં ગાય ઉભી હતી અને આંચળ ધાવવાનો અવાજ આવતો હતો. રાખેવાળે પાંદડા હટાવી જોયુ તો સરસ દેખાવડુ પથ્થરનુ માથુ ગાયને ધાવતુ હતુ. તે માથુ વર્ણવા પરમારનુ હતુ જે યુદ્ધ વખતે કપાઈ આ સ્થળે પડ્યુ હતુ. તે ગાય પેલી કપાઈ ગયેલ બોડી ગાયનો બીજો અવતાર હતો તેમ કહેવાય છે. આજે તે જગ્યાઍ ગૌ શાળા અને વર્ણવા પીરની જગ્યા આવેલ છે. હાલમાં પણ બોડી ગાયનો વંશ જોવા મળે છે.
કહેવાય છે કોઈ પ્રવાસી ભટકતો રણમાં રસ્તો ભૂલે અને તરસથી જીવ જાય ત્યારે સફેદ ઘોડી પર બેસી કોઈ વ્યક્તિ પાણી લાઇ આવે છે અને તરસ છિપાવી રસ્તો બતાવે છે. ઘણા કહે છે તે વર્ણવા પરમાર પોતે જ હોય છે. કોઈ બારોટે સરસ દુહો લખ્યો છે વર્ણવા પરમાર પર;

ક્ષત્રિય લાગે ખોટ ,ગઢથી જાતા ગાવડી
દેખીવણવા દોડ ,મત લજાવીએ માવડી

લેખક: કવિ હિરેન્દ્રસિંહ ભાવુભા વાઘેલા (ગોધાવી)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s