!! કૃષ્ણ કુરુસભામાં !!

Standard

કૃષ્ણની વિષ્ટિ જેટલી મહત્ત્વની છે, એટલો જ મહિમા એ વિષ્ટિ વિશે કુરુસભામાં થયેલા વિચારનો છે. કૃષ્ણની પ્રભાવશાળી વાણી સાંભળ્યા પચી ‘પાર્થિવ’ એવા કોઇ મનુષ્યનું ગજું ન હતું કે બોલે. જ્યારે બધા જ રાજવીઓ મૂક થઇ ગયા, ત્યારે જમદગ્નિના પુત્ર પરશુરામ ઊભા થયા.
પરશુરામ, કણ્વ, નારદ ત્રણે એક કથાનો આશ્રય લઇ દુર્યોધનને સમજાવવા યત્ન કરે છે. પરશુરામ નરનારાયણની કથા કહે છે.દંભોદ્ ભવ રાજા પોતાના બળના મદમાં આવી જાય છે અને પૃથ્વી પર પોતાનો કોઇ સમોવડિયો નથી એમ માને છે. ગંધમાદન પર્વતમાં તપ કરતા બે તપસ્વીઓ નર અને નારાયણ સાથે મુકાબલામાં ઊતરવા જતાં દંભોદ્ ભવનો મદ ઊતરી જાય છે.  પરશુરામ કહે છે કે અર્જુન અને કૃષ્ણ આ નર અને નારાયણના જ અવતાર છે. એટલે તેઓ સાથે યુદ્ધ કરવામાં દુર્યોધનનું શ્રેય નથી. 
કણ્વ ઋષિએ રાજા ઇન્દ્રના સારથિ માતલિની વાત કહી. માતલિ પોતાની પુત્રી માટે વર શોધવા નીકળે છે: નાગરાજ આર્યકના પૌત્ર સુમુખ પર તેની પસંદગી ઊતરે છે. સુમુખના પિતાને ગરુડ ખાઇ ગયા છે અને પછીના મહિને સુમુખનો ગ્રાસ કરવાની ધમકી આપી ગયા છે. માતલિ તેને લઇ ઇન્દ્ર પાસે જાય છે. ઇન્દ્ર સુમુખને આયુષ્ય આપે છે. ગરુડ આથી ક્રોધે ભરાય છે, એને અભિમાન આવે છે. એ ઇન્દ્રને કહે છે જે ભગવાન વિષ્ણુને ધારણ કરનાર બળ જ હું છું. આ વખતે વિષ્ણુપોતાનો હાથ ગરુડ પર મૂકે છે અને ગરુડના હોશકોશ ઊડી જાય છે. એ તુરત જ ક્ષમા કરવા પ્રાર્થના કરે છે.
બળવાન આગળ મદ કરનારની શી હાલત થાય છે એની ભગવાન પરશુરામ તથા કણ્વ મુનિ જેવાએ કહેલી બોધકથાઓ દુર્યોધન પાર અસર કરી શકતી નથી. આથી છેવટે દેવર્ષિ નારદ ઊભા થાય છે.
આ તમામ ઋષિઓ દુર્યોધનને સીધો બોધ નથી આપતા. સાંપ્રત રાજકારણમાં પક્ષકાર થવું આ ઋષિઓને પસંદ નથી, છતાંસત્યને ગોપવવું પણ નથી. એટલે જ તેઓ અભિમાનને કારણે કેવી દશા થાય છે અને અભિમાનનો પરિત્યાગ કરવાથી શાં ફળો પ્રાપ્ત થાય છે તેની કથા કહે છે: પ્રસ્તુત બંનેકથામાં તથા દેવર્ષિ નારદ કહે છે એ ત્રીજી કથામાં મદોન્મત માનવી નું ગર્વ ખંડન થાય છે પણ પ્રાયશ્ચિત્ત પછી તેના માનની પુન:સ્થાપના પણ થાય છે. આ કથાઓ દ્વારા ત્રણે ઋષિઓ દુર્યોધન પણ પોતાના અભિમાનને ત્યાગી ગૌરવને પુન: સ્થાપે એ જ ઇચ્છે છે.
નારદ જે કથા કહે છે એમાં હઠાગ્રહ અને અભિમાનાનાં દુષ્પરિણામો ઉપરાંત એ યુગના સમાજની કથા પણ છે; જે સમાજમાં દ્રૌપદીનાં પાંચ પતિ સાથેનાં લગ્ન ધર્મ દ્વારા નિર્વાહ્ય  હતાં, એ સમાજમાં માધવી ચાર જુદા જુદા રાજાઓને પુત્ર આપે એવી ઘટના પણ બને છે. આ ઉપાખ્યાન અનેક રીતે ખૂબ જ સુંદર છે.
વિશ્વામિત્ર ઋષિ તપ કરતા હતા ત્યારે ગાલવ ઋષિએ તેમની ખૂબ જ હેતથી પરિચર્યા કરી. વિશ્વામિત્ર ઋષિ ગાલવની સેવાથી અત્યંત પ્રબાવિત થયા. વિશ્વામિત્ર ઋષિની વિદાય લેતી વખતે ગાલવ ઋષિએ કહ્યું:’ આપ મને કહો, હું તમને શી ગુરુદક્ષિણા આપું?’ વિશ્વામિત્ર કહે છે: ‘તું જા.’ ‘ગચ્છ, ગચ્છ’ એવા વિશ્વામિત્રના શબ્દો સામે ગાલવ ‘હું શું આપું’(કિં દદામીતિ)  એવી જિદ્ પકડી રાખે છેવિશ્વામિત્ર ક્રોધમાં આવીને કહે છે:’ચન્દ્રમા જેવા શ્વેત રંગવાળા તથા એક કાન કાળો હોય એવા આઠસો અશ્વો મને આપ !’ 
આ માગણી સાંભળતાં જ ગાલવની સ્થિતિ વિચિત્ર થઇ ગઇ. પોતાના દુરાગ્રહનું આ પરિણામ આવશે એની તેને કલ્પના ન હતી. અને ગુરુદક્ષિણા ન આપી શકે તો પોતાની વિદ્યા વ્યર્થ જાય એમ હતી. એ પ્રભુને પ્રાર્થના કરે છે. વિષ્ણુની પ્રેરણાથી વિનતાનો પુત્ર ગરુડ ગાલવ પાસે આવે છે અને કહે છે કે હું તમે કહો ત્યાં 
તમને લઇ જાઉં. ગરુડ એ પછી પૂર્વ,દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર એ ચારે દિશાઓનું જે રીતે વર્ણન કરે છે એ અત્યંત રમણીય અને કાવ્યાત્મક છે. ભગવાન સૂર્યે આચાર્ય કશ્યપને દક્ષિણા રૂપે જે દિશાનું દાન કર્યું એ દક્ષિણ. અત્યંત પૂર્વકાળમાં પહેલાં જે દિશા દેવતાઓથી આવૃત હતી એ પૂર્વ. દિવસ પશ્ચાત્ સૂર્યદેવ જ્યાં પોતાના કિરણોનું વિસર્જન કરે છે એ પશ્ચિમ દિશા. જે માર્ગ પર જતાં  મનુષ્યના પાપનો ઉદ્ધાર થાય છે એઉત્તારણ માર્ગ—એટલે સંસારની પાર ઉતારનારો માર્ગ એ ઉત્તર દિશા. દિશાના આવા અદ્ ભુત વર્ણનના ચાર અધ્યાયો(ઉદ્યોગ, 106/9) પછી ગરુડની પીઠ પર બેસેલા ગાલવનો આકાશગતિનો અનુભવ આવે છે. ગાલવ છેવટે ગરુડને પોતાની દ્વિધા કહે છે અને કહે છે કે આવી ગુરુદક્ષિણા ન આપી શકું તો હું પ્રાણનો પરિત્યાગ કરવા માગું છું. ત્યારે વિનતાત્મજ ગરુડ કહે છે:
નાતિપ્રજ્ઞોસિ વિપ્રર્ષે યોડડત્માનં ત્ય્કતુમિચ્છસિ,
ન ચાપિ કૃત્રિમ: કાલ: કાલા હિ પરમેશ્વર:.
(ઉદ્યોગ, 110:20)
હે વિપ્રર્ષિ , તમે પ્રાણત્યાગ કરવા ઇચ્છો છો એટલે પ્રાજ્ઞ નથી લાગતા. કાળ ક્યારેય કૃત્રિમ નથી હોતો. (એટલે કે તમે ઇચ્છો ત્યારે એ નથી આવતો.)કાળ તો પરમેશ્વર છે. પ્રભુ આપણી પાસે આપને ઇચ્છીએ ત્યારે નહિ, એ પોતે ઇચ્છે ત્યારે પ્રગટ થાય છે.
ગરુડ ગાલવને રાજા યયાતિની રાજસભામાં લઇ જાય છે. અને રાજા યયાતિને ગાલવની મૂંઝવણની વાત કહે છે. રાજા યયાતિ માટે મૂંઝવણ થાય છે. એની પાસે આવા અશ્વોનથી; અને બ્રાહ્મણ યાચકને પાછો વાળવાની વૃત્તિ નથી. એટલે કહે છે:’ ચાર કુળોની સ્થાપના કરનાર દેવકન્યા જેવી મારીપુત્રી માધવી હું ગાલવ ઋષિને આપું છું. એને પામવા માટે રાજાઓ પોતાનું રાજ્ય પણ આપી દેશે, પછી આઠસો અશ્વોની તો ક્યાં વાત ?’
ગાલવ માધવીને લઇ ઇક્ષ્વાકુ નૃપતિશિરોમણિ હર્યશ્વ પાસે અયોધ્યામાં જાય છે. હર્યશ્વ માધવીને જોઇને વિહ્ વળ બને છે.પણ એની પાસે માત્ર બસો જ અશ્વ છે. એટલે એ કહે છે કે આ કન્યા મને આપો. એનાથી માત્ર હું એક જ સંતાન પ્રાપ્ત  કરીશ અને પછી કન્યા તમને સોંપી દઇશ. મૂંઝાતા ઋષિને કન્યા કહે છે : ‘મુનિ, મને એક મહાત્માએ વરદાન આપ્યું છે કે પ્રત્યેક પ્રસવની બદ તું કન્યા બની જઇશ. અને મને માત્ર ચાર જ પુત્રો થવાના છે.એટલે ચાર રાજાઓ પાસેથી બસો બસો અશ્વ લઇને મને સોંપજો.’
હર્યશ્વને માધવી દ્વારા પુત્ર પ્રાપ્ત થયા પછી ગાલવ માધવીને લઇ રાજા દિવોદાસ પાસે જાય છે. તેની પાસેથી બસો અશ્વ લે છે. પછી ભોજનગરના રાજા ઉશીનર પાસે જાય છે.આ ત્રણ રાજવીઓને માધવી દ્વારા ત્રણ પ્રતાપીપુત્રો મળે છે. અને ગાલવને છસો અશ્વો મળે છે. દરમિયાન ગરુડ ગાલવને મળી કહે છે કે આ પ્રકારના કુલ એક હજાર અશ્વો જ હતા. એમાંથી ચારસો જેલમનદીના પૂરમાં વહી ગયા છે—એ ક્યાંયથી પણ પ્રાપ્ત થઇ શકે એમ નથી. એટલે હવે તમે આ છસો અશ્વ અને બાકીના બસોના બદલામાં માધવીને જ વિશ્વામિત્ર  ઋષિને ગુરુદક્ષિણા રૂપે આપો. ગુરુ આ દક્ષિણા સહર્ષ સ્વીકારે છે. માધવી ઋષિ વિશ્વામિત્રને પુત્ર આપ્યા પછી તપોવનમાં તપશ્ચર્યા કરવા ચાલી જાય છે. 
રાજા યયાતિ અનેક પુણ્ય કર્યા પછી સ્વર્ગમાં જાય છે: પણ સ્વર્ગમાં અભિમાનને કારણે એ પોતા સિવાયના સૌ કોઇને તુચ્છ માનવા લાગે છે એટલે તેનું પતન થાય છે. એ પૃથ્વી પર આવે છે ત્યારે માધવી તથા તેના ચાર  દોહિત્રો પોતપોતાનું પુણ્યફળ યયાતિને આપે છે અને યયાતિ પાછો સ્વર્ગમાં સ્થાન પામે છે. યયાતિ બ્રહ્માને પૂછે છે:’ મેં અનેક યજ્ઞો અને દાન દ્વારા જે મહાન પુણ્યફળ મેળવ્યું હતું એ એકાએક ક્ષીણ કેમ થઇ ગયું અને મારે સ્વર્ગમાંથી પૃથ્વીપર કેમ આવવું પડ્યું?’ બ્રહ્મા કહે છે:’તારા અભિમાનના કારણે જ સ્વર્ગલોકમાંથી તારે નીચે પડવું પડ્યું હતું !’
નારદની આ કથા સાંભળી એ પછી પણ  દુર્યોધનનો હૃદયપલટો થતો નથી.
ઋષિઓ બોધકથા દ્વારા દુર્યોધનના દિમાગમાં ધર્મની પ્રેરણા થાય એવો પ્રયત્ન કરે છે. પણ દુર્યોધનની મતિમાં યુદ્ધમાં સ્થિર થયેલી છે. દુર્યોધન પર આમાંના કોઇના કહેવાનો પ્રભાવ પડતો નથી, એટલે ધૃતરાષ્ટ્ર કહે છે:’ હુંમારા વશમાં નથી. જે થાય છે તે અમને પ્રિયકર નથી. તમે જો દુર્યોધનને સંધિમાટે રાજી કરી શકો તો હે પુરુષોત્તમ, તમે સુહ્રત્કાર્ય  કર્યું કહેવાશે .’

કૃષ્ણ જાણે છે કે દુર્યોધન પર જો પોતાના વિષ્ટિવચનની કે આ ત્રણ ઋષિઓએ  જે કંઇ કહ્યું છે તેની અસર નથી થઇ, તો પછી આ પોતાના પુન:કથનની કશી અસર થવાની નથી. છતાં એ દુર્યોધનને સલાહ આપવા બેસે છે. એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે:’તારી વિપરીત વૃત્તિ એ અધર્મ છે અને એ ઘોર તેમજ પ્રાણહર છે.’ કૃષ્ણ  દુર્યોધનના પરાક્રમને ઓછું આંકતાં નથી. અને પુરુષવ્યાઘ્ર કહીને સંબોધે છે અને કહે છે કે ‘પ્રાજ્ઞ, શૂર, મહોત્સાહી અને માની એવા પાંડવો સાથે તું સંધિ કરી લે.’
કૃષ્ણ નારાયણનો અવતાર છે એ વાત સભામાં પરશુરામ જેવાએ કહી છે. કૃષ્ણ દ્રૌપદીને કહી ચૂક્યા છે કે ‘આજે તું રડે છે એમજ એક વાર કૌરવોની પત્નીઓ રણક્ષેત્રમાં પોતાના વૈધવ્યને રડતી હશે.’ આમ એ બધું જ જાણે છે, છતાં એ દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ધર્મ માતે મથવું એમાં જ મહત્તા છે. સફળ થવું કે નિષ્ફળ થવું એ બીજી વાત છે. એટલે જ મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણ ધર્મસ્થાપના માટે કે શાંતિ માટે મથ્યા ન હતા એવું કોઇ પણ કહી શકે એવું રહેતું નથી.
કૃષ્ણે જે કહ્યું તેની પુષ્ટિમાં ભીષ્મ, દ્રોણ વગેરે પણ પોતાનો મત કહી ચૂક્યા છે. ભગવાન વેદવ્યાસ પણ આ વિષ્ટિસભામાં હાજર છે. એ પણ અગાઉ દુર્યોધનને સંબોધી ચૂક્યા છે. વ્યાસ એ મહાભારતના પ્રણેતા છે.સાથે જ એ મહાભારત દ્વારા પોતાના જ વંશની વાત કરી રહ્યા છે . કારણ કે ધૃતરાષ્ટ્ર.પાંડુ અને વિદુર તેમનાં જ સંતાનો છે. વ્યાસ કવિ તરીકે અને વ્યાસ પાત્ર તરીકે એમ બેવડી ભૂમિકામાં છે: પણ કવિ પોતાના પાત્રને ક્યાંય વધારે ઉપસાવતા નથી.આટલી હદે વ્યાસ સજગ છે. આપણે ઘણી નવલકથાઓમાં આત્મકથાના અંશો જોઇએ છીએ. આ મહાકાવ્યમાં વ્યાસ પોતાની જ કુલકથા આલેખે છે. છતાં તેઓ કેટલા નિરપેક્ષ રહી શક્યા છે ! આ તટસ્થતા એક સ્વતંત્ર અભ્યાસવિષય છે.
આટાઅટલા મહાનુભાવો દ્વારા કહેવાયા છતાં દુર્યોધનના મનમાં કોઇ વાત હજી ઊતરી નથી. એ તો પોતાના બળ પર મુસ્તાક છે. એનું અભિમાન દંભોદ્ ભવ, ગરુડ કે રાજા યયાતિ કરતાં વિશેષ છે. એનો હઠાગ્રહ વિશ્વામિત્રને ગુરુદક્ષિણા આપવા માગતા ગાલવ જેવો પવિત્ર કે નિ:સ્વાર્થ નથી. એનો સ્વાર્થી હઠાગ્રહ છે. એટલે જ એ કહે છે:
યાવદ્ધિ સૂચ્યાસ્તીક્ષ્ણાયા વિધ્યેદગ્રેણમાધવ,
તાવદપ્યપરિત્યાજ્યં ભૂમેર્ન:પાણ્ડવાંપ્રતિ.
(ઉદ્યોગ, 125:26)
સૂક્ષ્મ સોયની અણી દ્વારા છેદી શકાય એટલોભૂમિનો અંશ પણ પાંડવોને મળી શકશે નહિ.
દુર્યોધન એક તરફથી આવી સૂચ્યગ્ર—સોયની અણી ઊભીઅર્હે એટલી—જમીન પણ પાંડવોને ન આપવા કૃતસંકલ્પ હતો; બીજી તરફથીએને ભય હતો કે કૃષ્ણનાં વચનોના પ્રભાવ હેઠળ આવી ગયેલા પોતાના જ પિતા અને ગુરુજનો તેને કેદ કરી કૃષ્ણને હવાલે કરશે. આવું કંઇ બને એ પહેલાં જ કૃષ્ણને કેદ કરવાનો વિચાર દુર્યોધનના મનમાં પ્રગટ થાય છે અને એનો અમલ કેમકરવો એની વિચારણા શકુનિ ઇત્યાદિ પોતાના સાથીઓ સાથે કરવા એ સભાની બહાર જાય છે.
કૃષ્ણ દૂત તરીકે આવ્યા છે. દૂઅત્નો સંદેશો અણગમતો હોય તોપણ તેને અવધ્ય લેખવાની પ્રણાલિકા છે: હનુમાન જેવા નટખટ દૂત સંબંધે પણ  રાવણે તેનો વધ ન કરવાનું ઉચિત લેખ્યું હતું. એ રીતે દૂતને પકડી પણ ન શકાય.પરંતુ દુર્યોધન આ નિયમોની ખેવના કરે એવો નથી એ વાત કૃષ્ણ સારી રીતે જાણતા હતા. એટલે જ તેમને સાત્યકિને તથા પોતાની સેનાને સાથે લીધાં હતાં. સાત્યકિ દુર્યોધનના આશયને તત્કાલ સમજી ગયો. તેને પોતાના માણસોને સજ્જ રાખ્યા અને સભામાં આવી ધૃતરાષ્ટ્ર ઇત્યાદિને આ અંગે ચેતવ્યા.
કૃષ્ણ આ પ્રસંગે કહે છે:
એતાન્હિ સર્વાંસંરબ્ધાન નિયંતુમહમુત્સહે,
ન્ત્વહં નિન્દિતં કર્મ કુર્યાંપાપં કથંચન.
(ઉદ્યોગ.128:25)
આમતો ક્રોધથી છલકાતા એવા આ સમસ્ત કૌરવોને બંદીવાન બનાવવાની મારામાં શક્તિ છે; પરંતુ હું કોઇ પણ નિંદિત કર્મ કે પાપ કરી શકતો નથી.
કૃષ્ણ દૂત તરીકેના કર્તવ્યથી સભાન છે. દૂત યુદ્ધ જાહેર કરે એ યોગ્ય નથી, એ યુદ્ધ કરે એ પણ અનુચિત છે. કૃષ્ણમાં આ સમજ સતત છે. આ વિષ્ટિ પણ કર્તવ્યભાનથી પ્રેરાઇને કરાઇ છે. ભવિષ્યના ઇતિહાસમાં કૃષ્ણ યુદ્ધ નિવારવાનો પ્રયત્ન નહોતો કર્યો એમ ન લખાય એ માટે તો એ આ વિષ્ટિકાર્ય માટે આવ્યા છે. સહદેવ જેવા ત્રિકાળજ્ઞાનીએ પોતે યુદ્ધ કરશે જ એમ કહ્યું ત્યારે પણ સૌ આગળ એટલું તો સ્પષ્ટ થઇ જ ગયું કે યુદ્ધ થઇને જ રહેવાનું છે. કૃષ્ણમાં એકલે હાથે કૌરવોને પરાજય કરવાની શક્તિ છે. એ માત્ર કહી બતાવે છે એટલું જ નહિ, કરી પણ બતાવે છે. દુર્યોધન સભામાં પુન: આવે છે ત્યારે કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરે છે. આ રૂપ પછીથી કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને પણ જોવા મળવાનું છે. કૌરવો સમક્ષ એ વિશ્વરૂપ સૌ પ્રથમ પ્રગટ થાય છે. દુર્યોધનને સંબોધીને એ વિશ્વરૂપ પ્રગટ કરે છે.
અર્જુન સમક્ષ કુરુક્ષેત્રમાં વિશ્વરૂપદર્શન થાય છે ત્યારે એ અર્જુનના સાંત્વન માટે છે. કુરુસભામાં ‘હું એકલો નથી’ કહી કૃષ્ણ અટ્ટહાસ્ય કરી પોતાનું વિશ્વરૂપ દુર્યોધન સમક્ષ પ્રગટ કરે છે, ત્યારે દુર્યોધનને ડારવા માટેનું એ નિમિત્ત થઇ જાય છે. ભગવાનનું એક જ રૂપ ધર્મમાર્ગે ચાલનાર માટે સાંત્વન બને છે; ધર્મમાર્ગે ન ચાલનાર માટે કાલ બની જાય છે. કૃષ્ણ દુર્યોધનને કહે છે :
ઇહૈવ પાણ્ડવા: સર્વે તથૈવાન્ધકવૃષ્ણય:,
ઇહાદિત્યાશ્ચ રુદ્રાશ્ચ વસવશ્ચ મહર્ષિભિ:.
(ઉદ્યોગ. 129;3)
જો,સઘળા પાંડવો અહીં છે; અંધક અને વૃષ્ણિવંશના સૌ વીરો અહીં છે. આદિત્યો, રુદ્રો, વસુઓ અને મહર્ષિઓ પણ અહીં છે.
વિશ્વરૂપના આ બે દર્શનો પાસે જવા જેવું છે. અર્જુન પણ નરી આંખે આ રૂપ જોઇ શકતો નથી. એટલે કૃષ્ણ તેને દિવ્યચક્ષુ આપે છે. આ સભામાં પણ કૃષ્ણનું આ ઘોર રૂપ અને દુ:સહ તેજ બધા રાજાઓને અંધ કરી દે છે. માત્ર દ્રોણ, ભીષ્મ, વિદુર,સંજય અને તપસ્વી મહર્ષિઓ જ, તેમને જનાર્દને દિવ્યચક્ષુ આપ્યાં છે એટલે જ આ વિશ્વરૂપ જોઇ શકે છે.
કુરુસભાના વિશ્વરૂપદર્શન પાછળ કૃષ્ણ પરમાત્મા છે અને તે જે પક્ષે હોય તેની સાથે લડવામાં સર્વનાશ છે એ લાગણી અનુભવી દુર્યોધ્ન યુદ્ધ નિવારવા તૈયાર થાઅય એવો પ્રયત્ન છે; જ્યારે કુરુક્ષેત્રમાં અર્જુન સમક્ષ પ્રગટ કરાયેલા વિશ્વરૂપમાં અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાની પ્રેરણા છે. આ રીતે પણ આ બંને વિશ્વરૂપદર્શન જુદાં પડે છે. એક વર યુદ્ધ નિવારવા તિ બીજી વાર યુદ્ધ થાઅય એ માટે કૃષ્ણ પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે.
કૃષ્ણની આ વિષ્ટિ તો અફળ જ ગઇ છે. એ કુરુસભામાંથી વિદાય લે છે ત્યારે વિષ્ટિ અફળ ગઇ છે, પણ કૃષ્ણનો ઉદ્દેશ સફળ થયો છે, કારણકે એ શાંતિ માટે પોતાનો બનતો પ્રયત્ન કરી છૂટ્યા છે. એ કહે છે:
પ્રત્યક્ષમેતદ્ ભવતાં  યદ્ વૃતં  કુરુસંસદિ,
યથા ચાશિષ્ટવન્મન્દો રોષાદસકૃદુત્થિત:.
(ઉદ્યોગ.129:30)
કૌરવસભામાં જે બન્યું છે એ અત્મે સૌએ નજરે નિહાળ્યું છે. હવે કોઇ કૃષ્ણનો દોષ નહિ કાઢી શકે.કૃષ્ણના શાંતિના પ્રયત્નો અને તેની સામે અશિષ્ત અને મંદમતિ દુર્યોધનનો વ્યવહાર—
કૃષ્ણ આમ પોતાના કાર્યના સાક્ષી તરીકે આખી કુરુસભાને રાખી વિદાય લે છે ત્યારે એમાં નિષ્ફળતા નહિ, સફળતાનો અણસાર દેખાય છે.
આપૃચ્છે ભવત: સર્વાન્ ગમિષ્યામિ યુધિષ્ઠિરમ્ .
(ઉદ્યોગ. 129:31)
હું તમારા સૌની આજ્ઞા લઇ  યુધિષ્ઠિર પાસે જાઉં છું.
એમને વિદાય આપવા રથ સુધી પહોંચાડવા જે કુરુઓ જાય છે તેની યાદી ભગવાન વ્યાસ આપે છે. આ યાદી મહત્ત્વની છે. એમાં એવા લોકો છે જે દુર્યોધનના પક્ષે લડ્યા છતાં જેમની ભક્તિ કૃષ્ણ માટે હતી. આ વીરો છે—ભીષ્મ, દ્રોણ, કૃપ, વિદુર,ધૃતરાષ્ટ્ર, અશ્વત્થામા, વિકર્ણ અને યુયુત્સુ. વિકર્ણનું નામ યાદ કરીએ એ સાથે જ દ્રૌપદીવસ્ત્રહરણ વખતે એ એક જ મહારથી દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર આપવા ઊભો થયો હતો એ વાત ભૂલવા જેવી નથી.
આટલા વીરો જેને રથ સુધી વળાવવા આવે એવા કૃષ્ણની વિષ્ટિ અફળ ગઇ છે એમ તો કોણ કહી શકે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s