Monthly Archives: August 2016

એક આદર્શ ગામ

Standard

સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. ‘સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય છે તો તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી. બપોરે દુકાન ખુલ્લી મૂકીને વેપારી જમવા ચાલ્યા જાય છે.

ગ્રાહક આવે તો પોતાને જોઈતી વસ્તુ લઈને તેની કિંમત ગલ્લામાં મૂકી દે છે. ગુટખાવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી,પણ રાજસમઢિયાળામાં ગુટખા વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી. ગ્રામપંચાયતની દુકાને રાહતભાવનું કેરોસીન વેચાય છે, પણ કેરોસીન લોકો જાતે લઈ લે છે. કોઈ ચોરી કરતું નથી. થોડાં વરસો પહેલાં ગામમાં ચોરી થઈ હતી. બીજા દિવસે એક ભાઇએ ગ્રામપંચાયતમાં ચોરીની જાહેરાત કરી કે તરત તેમને વળતર પેટેના સાઠ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા.

આ તમામ વાતોનો સઘળો જશ રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાને જાય છે. એમ.એ.નું ભણીને એસઆરપીમાં જોડાયેલા હરદેવસિંહ જાડેજાનું મન અકળાયું એટલે નોકરી છોડી દઈ ગામની વાટ પકડી લીધી, પણ એ પછી તેમણે ગામને એવું કંડાર્યું કે બીજાં ગામો રાજસમઢિયાળાના માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે. ‘હિ‌ન્દુસ્તાન’ના પત્રકાર વિજેન્દ્ર રાવતે તો લખ્યું પણ ખરું કે ભારત કે ઈસ ગાંવ કે પદચિહ્નો પર ચલેં તો દેશ કે ગાંવો કા ઉદ્ધાર નિ‌શ્ચિ‌ત હૈ

હરદેવસિંહ જાડેજા ૧૯૭૮માં આ ગામના સરપંચ બન્યા પછી આ ગામે આખા ભારતભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

સરપંચ બન્યા પછી હરદેવસિંહે કચરો નાખવાનો, જુગાર રમવાનો, દારૂ પીવાનો કે ઝઘડા વખતે પ્રથમ ગાળ બોલનારાને દંડ કરવાનો નિયમ કર્યો અને પ્રથમ વરસે ૩૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો. ‘ભૂવા નાબૂદી’નું સૂત્ર આપ્યું. બાળકદીઠ એક વૃક્ષ વાવવાનો નિયમ કર્યો અને તેના કારણે ગામની ફરતે ઘટાદાર વૃક્ષો ઉગાડાયાં. ઘરો ઉદ્યાન જેવાં બની ગયાં. તમે રાજસમઢિયાળા જાઓ તો હરદેવસિંહ જાડેજા ગ્રામપંચાયતની ઓફિસેથી સીધા જ હરિજનવાસમાં લઈ જાય અને કોઈ રિર્સોટ જેવો હરિજનવાસ જોઈને આભા થઈ જવાય. હરદેવસિંહે ગામ ફરતે પાળા કરાવીને વહી જતું પાણી રોકાવ્યું. તેને કારણે ગામ અને જમીનનાં તળ સુધર્યાં. પાણીની છૂટ થઈ ગઈ.

રાજસમઢિયાળાની વસતિ પૂરા બે હજાર માથાંની નથી, પણ તે વાર્ષિ‌ક ૩પ,૦૦૦ મણ ઘઉં અને સાત હજાર મણ કપાસનું વાવેતર મેળવે છે, બીજા પાક જુદા. વરસે પચાસ લાખથી વધારે કિંમતનાં તો આ ગામ શાકભાજી વેચે છે. અહીં ગામના દરેક વોકળા પર ચેક ડેમ બનાવી લેવામાં આવ્યા છે. એને કારણે ચોમાસાનું પાણી તળમાં ઊતરે છે. ગામની સીમમાં ધીમે ધીમે કરતાં પ૧,૦૦૦ વૃક્ષો પણ વાવ્યાં છે.

લોકોનું તો એવું છે કે ફાયદો જુએ તો શ્રદ્ધા બેવડાઈ જાય. હરદેવસિંહ જાડેજાને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું, એટલે તેમને ખોબલે ખોબલે સહકાર મળવા માંડયો. હરદેવસિંહની ઇચ્છા સ્ટેડિયમ બાંધવાની હતી તો ગામલોકોએ સામેથી જમીન આપી દીધી. સ્ટેડિયમમાં ક્રિકેટની પાંચ ટર્ફ વિકેટ બનાવવામાં આવી છે. હરદેવસિંહ જાડેજા કહે છે, ‘આ સ્ટેડિયમ પહેલાં અમે ગામના દરેક ઘરની પ્રાથમિક સુવિધાની દેખભાળ કરી હતી. અમારા આખા ગામમાં અત્યારે સિમેન્ટના રસ્તા બની ગયા છે. હવે અમે પ્લાસ્ટિક નાબૂદીની ઝુંબેશ ઉપાડી છે. પ્લાસ્ટિકનો કચરો ફેંકે તેને પ૧ રૂપિયા દંડ અને જેના ઘર પાસે એ કચરો પડયો હોય તેનો અગિયાર રૂપિયા દંડ અમે લઈએ છીએ. મારે રાજસમઢિયાળા ફરતે એક લાખ વૃક્ષો વાવવાં છે એટલે તેનો ટાર્ગેટ બધાને આપી દીધો છે. મારો ટાર્ગેટ સૌથી મોટો રાખ્યો છે. મારી જમીનમાં હું દસ હજાર વૃક્ષો વાવવાનો છું. પાંચ હજાર જેટલાં જામફળ અને સીતાફળ તો વાવી દીધાં છે. ૩પ૦ આંબા વાવ્યા છે.’

રાજસમઢિયાળાની સમૃદ્ધિ જોઈને તેની આજુબાજુનાં પંદરેક ગામો પણ તેને પગલે ચાલવા માટે તૈયાર છે. ખોબડદળ, અણિયારા, લીલી સાજડિયાણી, ભૂપગણ, લાખાપર, ત્રંબા જેવાં આ ગામોમાં ૧૩૦ જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. લીલી સાજડિયાણી ગામમાં સરપંચની ચૂંટણી નહીં, પણ પસંદગીથી ચૂંટાશે એવો નિર્ણય લેવાઈ ગયો છે.

જ્યાં પસંદગી હશે ત્યાં જ ગામનો વિકાસ ઝડપથી થશે એવું માનતા હરદેવસિંહ જાડેજાને આજથી દશ વરસ પહેલાં અમે પૂછેલું કે તમારા ગામ માટે છેલ્લે નવું શું કર્યું એ કહો? તો તેમણે કહ્યું કે, ‘ઉપગ્રહ મારફત મળેલી તસવીરોમાં જિયોલોજિક સર્વે કરાવીને અમે વર્ષો અગાઉ થયેલા ધરતીકંપથી થયેલી તિરાડો (ફ્રેક્ચર) શોધીને તેમાં પાણી ઉતાર્યું છે, એ કારણે અમારા ગામનાં તળ એક કિલોમીટર જેટલે ઊંડે સુધી પાણીવાળાં બન્યાં છે. આ દુષ્કાળમાં પણ અમારા ગામના એક કૂવામાં (ઉપરથી) દસ ફૂટ પાણી હજુ આજે પણ છે.’

🌺🌸🌺 *રવેચી માતાજી*🌺🌸🌺 🌺🌹🌸 *રાપર-ક્ચ્છ*🌸🌹🌺

Standard

image

કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ મુગ્ધ થઇ જાય છે. ઘટાદાર ઝાડ, તળાવ કિનારાની શીતળ હવા અને કુદરત સૌંદર્ય જોઈ મન નાચી ઉઠે છે. માતાજીના સ્થાનકે આવતા મુસાફરોના હૈયા પ્રફુલિત બને છે. સંકટો વિસરાઈ જાય છે. અહીં કચ્છ સૌરાષ્ટ્ર અને મુંબઈ વિગેરે દુર દુરના સ્થળેથી અનેક ભક્તો માતાજીના દર્શન આવે છે. અને યાત્રા પૂરી કરે છે. આવનાર પ્રવાસી તંદુરસ્તી મેળવે છે.

મંદિર તરફથી આવનાર યાત્રાળુઓને મફત સાદું અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. મીથી છાસથી યાત્રાળુઓ શાંતિ અનુભવે છે. આવનાર યાત્રાળુઓની મહંતશ્રી સુખ સગવડની ભોજનની પુરતી વ્યવસ્થા કરી આપે છે.

image

મંદિર પાસે ૨૫૦૦ ગાયો છે. જે ખીરામાં કહેવાય છે. ગાયોનું દૂધ વાલોવવામાં આવતું નથી માતાજીની ગાયોને અનેક ભક્તો ઘાસ અને ગોવાર ચારી માનતા પૂરી કરે છે. અહીં વિશાળ ગૌશાળા જોવાલાયક છે.

અહીં ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબૌ, અને જેસડા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રીના વાતો નથી. માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપેલું છે. માતાજીની કૃપા પર અપરંપાર છે. ભાવિક ભક્તોને હાજર હજુર છે. માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર અનેક ભક્તો પર માની કૃપાના પ્રત્યક્ષ પરચા મળ્યાના અનેક દાખલા મોજુદ છે.

પ્રવેશદ્વારમાં દાખલ થતાં શીતળા માતા, ગણપતિ,હનુમાનજી, વાસંગી ખેતરપાળની મૂર્તિઓ છે. પાસે ધર્મશાળા છે. પંચમુખા મહાદેવજીનું મંદિર છે. બાજુમાં મહંતશ્રી અમરજતી કેશવગીરીજી ગણેશગીરીજીની દેરીઓ છે. અર્જુનદેવનો શીલાલેખ છે. બાજુમાં વિશાળ દેવીસર તળાવ છે.

મંદિર બહાર રવેચી માતાની કામધેનું ગાયની દેરી છે. તે દેરી સ્વ. મહેતા પોપટલાલ નારાણજીના સ્મરણાર્થે તેમના સુપુત્રોએ બંધાવેલ છે. બાજુમાં ચબુતરો છે. અહીં ૩૦૦ જેટલા મોરલા અને પંખીઓને નિયમિત દાણા નખાય છે. અસલ મંદિર પાંડવોએ નવ શિખર અને ઘૂમટો સહીત બનાવેલું હતું વચ્ચે બાબી સુલતાને તોડી પાડ્યું હોવાનું કહેવાય છે.

image

વિક્રમ સંવત ૧૮૭૮ ની સાલે સામબાઈ માતાએ ૨૬૦૦૦ કોરીના ખર્ચે વિશાળ પાકી બાંધણી વાળું મંદિર ચણાવ્યું લગભગ ૫૪ ફૂટ ઊંચા ઘુમટવાળું ૧૪ ફૂટ લાંબુ અને ૧૩ ફુટ પહોળું છે. મંદિરના મધ્ય ભાગે રવેચી માતાજીની, ખોડીયાર માતાજીની, આશાપુરા માતાજીની અને બાજુમાં સામબાઈ માતાની મૂર્તિ બાજુમાં વિભુજાવાળા અંબામાની મૂર્તિ રવના ગરાશીયાઓની મૂળ પુરુષ મુરવાજી જાડેજાને રવનું રાજ્ય અપાવ્યું તેમની તેમની યાદગીરીમાં મૂર્તિ પધરાવેલી છે. રવરાયની મૂર્તિ સામે ત્રણ પગે ઉભેલ નકલંકી ઘોડાની મૂર્તિ છે. મંદિરની અંદર રામદેવજી ભગવાનનું નાનું મંદિર છે. બટુક ખેતરપાળ મંદિરની જયોત અખંડ બળે છે તેમને ખોળામાં લઇને બિરાજે છે. અહીં શુદ્ધ ઘીની અખંડ જ્યોત જલે છે.

મંદિરની બાજુમાં ઠાકર મંદિર છે. ત્યાં કૌરવનું સ્થાનક છે. પહેલે માનવનું બલિદાન અપાતું હશે ત્યાં આખા શ્રીફળનો ભોગ ધરાય છે. અહીં ત્રીકમજીનો ઓરડો છે. ગરુડ ભગવાન, ભૈરવ, ખેતરપાળ, લક્ષ્મીનારાયણ ભગવાન, હનુમાનજી તથા ગણપતિ બિરાજે છે. મંદિરમાં ત્રણ વખત સવારે ૪ વાગ્યે મંગળ આરતી, સવારે ૭ વાગ્યે શણગાર આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થાય છે.

મસાલી ગામના મુરવાજી રવેચી માતાના પરમ ભક્ત હતા, માતાજી તેમને પ્રસન્ન થયા રવ, ડાવરી, ત્રંબૌમાં દેદાઓનો અંત આવ્યો બાદ રાજ ચલાવવામાં આવ્યું માતાજી મુરવાજીની પેઢીએ એક એક શંખ બહાર કાઢતાં રહ્યાં છે. છ શંખ બહાર કાઢ્યા છે. જે માતાજીની મૂર્તિ પાસે મોજુદ છે. સાતમો શંખ હજુ નીકળેલ નથી.

અર્જુન દેવનો શિલાલેખ

અહીં અર્જુન દેવનો ઐતિહાસિક શિલાલેખ નીચે મુજબ હોવાનું જણાય છે. મહારાજા ધિરાજ અર્જુન દેવ અણહિલવાડ પાટણ તેમના કાર્યકર્તા કારભારી ધાન દલીયાણ બાઈથી થરીયા સુતરસિંહજી ધૃત વાટિકા તાલુકામાં આવેલા રવ ગામે માતાજી મંદિરે પોતાના આત્માના કલ્યાણ અર્થે વાવ ગળાવી તેમાં સોળસો દ્રવ્ય પરહર્યા તે વિક્રમ સંવત ૧૩૨૮ શ્રાવણ સૂદ ૨ શુક્રવારના લેખથી સાબિત થાય છે. એમ રવિસિંહજીને માતાજીને પ્રસન્ન થયેલ છે.

સામબાઈ માતા

સામબાઈ માતાનો જન્મ ઈ.સ. ૧૮૫૦ માં થયો હતો. ભટી ખેંગાર ભોપાની પુત્રી હતાં. નાનપણથી ગુણોવાળા અને દેવ કન્યા જેવા રૂપાળા હતા. ૧૫ વર્ષ ના થતાં ભટી ખેંગારને તેમને પરણાવવાની ચિંતા થવા લાગી પરંતુ સામબાઈ માતાતો કહે પુરુષ માત્ર મારે પેટના પોત્રા સમાન છે. મારે તો રવેચી માતની સેવા ભક્તિ કરવી છે.

છેવટે ખેંગારજી પોતાની પુત્રીને કંથકોટના મુરવાજી જોડે લગ્ન નક્કી કરે છે. બે ફેરા ખાંડાના કંથકોટ ફરીને આવ્યા. રસ્તામાં બહારવટીયા સાથેના ધીંગાણામાં મુરવાજી ખપી ગયા. સામબાઈ માતા વિધવા કન્યા રવેચી માતની ભક્તિમાં મન પરોવી દીધું.

રાપરના કલ્યાણેશ્વરના મહંત મસ્તગીરી પાસે આવી સામબાઈએ સન્યાસ લીધો સન્યાસ બાદ તેમનું નામ રામસાગરજી પાડ્યું. રવેચી માતની પુજા પાઠમાં જીવન વિતાવ્યું. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચાર ધામ અડસઠ તિરથ કર્યા હતા.

image

મહારાવશ્રી દેશલજીને શરીરના પાછળના ભાગમાં ગુમડાનું દર્દ સામબાઈએ કારેંગાની કરીથી મટાડ્યું હતું આથી મહારાવશ્રી પ્રસન્ન થઇ ખુશ થયા અને તેમના પ્રત્યે શ્રદ્ધા જાગી. સામબાઈના કહેવાથી ૧૮૯૫ માં ભુજ નજીક રુદ્રાણી માતાજીનું મંદિર બંધાવ્યું. તે સમયે પાડા વગેરે ચડતા તે બંધ કરાવી મોટી જાગીર શરુ કરાવી. સામબાઈ અને દેશલજી પૂર્વ જન્મમાં ભાઈ બહેન હોવાનું કહેવાય છે. સંવત ૧૯૧૬ માં સામબાઈ માતાએ રુદ્રાણી માતાજીના મંદિરે જીવતી સમાધી લીધી હોવાનું કહેવાય છે. રુદ્રાણીના મંદિરે રવેચી, રુદ્રાણી અને આશાપુરાની મૂર્તિઓ તથા ખેતરપાળનું મંદિર છે. સામબાઈ માતાનું શિખરબંધ મંદિર છે.

રૂદ્રાણી મંદિર

ભુજથી ૨૦ કિ.મી. દૂર રૂદ્રાણી માતાજીનું મંદિર છે. તે રવેચીના શાખાની જાગીર ગણાય છે. ત્યાં મહંત શ્રી ધર્મેન્દ્રગીરીજી બિરાજે છે. શ્રાવણ સૂદ આઠમના ત્યાં મેળો ભરાય છે. યુવરાજ શ્રી પધારે છે અને આજે પણ માતાજી ફૂલની પત્રી તેમને સાક્ષાત આપે છે. તે દિવસે જાત્રા થાય છે. ભજન મંડળી થાય છે. રાજકુટુંબ રવેચીમાને, રૂદ્રાણી માને પોતાના કુળદેવી તુલ્ય માને છે. અહીં સામબાઈએ જીવતી સમાધી લીધી હતી જેથી મહારાવ શ્રી દેશલજીએ શિખરબંધ મંદિર બંધાવ્યું. અહીં લક્ષ્મીનારાયણનું મંદિર તેમજ વાસગી ખેતરપાળ, બટુક ભૈરવ વિગેરે છે.

વિશ્રાંતિ ગૃહનું ઉદઘાટન

અહીં વિશ્રાંતિ ગૃહ નું ઉદઘાટન તેમજ દાતા તખ્તી અનાવરણ વિધિ તા. ૧૩-૯-૧૮૮૬ સંવત ૨૦૪૧, ભાદરવા સૂદ ૧૦ ના શ્રીયુત નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કરના પ્રમુખપદે યોજાયેલ જેમાં વિશ્રાંતિગૃહનું ઉદઘાટન ચરલા માલશીભાઈ મેઘજીભાઈએ કરેલ વિશ્રાંતિગૃહના મુખ્ય દાતા ત્રંબૌવાળા બૌઆ ડાયાલાલ નરશી અને અંદરના રૂમના દાતા પટેલ કાનજી વાઘજીનું નામ જોડવામાં આવેલ.

image

માતાજીના પરચા

જગડુશાનાં વહાણ તાર્યા :

        માતાજી નોંઘાભોપા સાથે પ્રત્યક્ષ ચોપાટ રમી રહ્યાં હતાં ત્યારે માતાજીની ચુડમાંથી પાણી ટપકતાં નોંઘાભોપાએ કરણ પૂછતાં માતાજીએ જણાવ્યું કે મારા પરમ ભક્ત જગડુશાનાં વહાણો મધદરિયે તોફાનોમાં સપડાયા છે. તેમણે મારું સ્મરણ કરતાં તે વહાણો મે ઉગાર્યા છે. નોંઘાભોપાને માનવામાં ન આવ્યું ત્યાર બાદ જગડુશા સંઘ સાથે ચોથો ભાગ લઇ માતાજીના મંદિરે આવી માનતા પૂરી કરી પોતાનું દ્રવ્ય શુભ માર્ગે વાપરવા કહ્યું. નોંઘાભોપાને પસ્તાવો થયો. ત્યાર બાદ માતાજી કદી પ્રત્યક્ષ ભોપા સાથે રમત રમવા ન આવતાં.

દજીયાને ચમત્કાર :

        દજીયાએ રવેચી માતાજીની આસપાસની જગ્યામાં ઊગેલ બાવળ નોંઘાભોપાએ ના કહેવા છતાં કાપવા ચાલુ રાખ્યા ત્યારે માતાજીએ પરચો બતાવ્યો જ્યાં દજીયો ઝાડ કાપતો હતો ત્યાં ઝાડો નીલા થઇ જઇ જમીનમાં ખુપી ગયા નાગે ડંખ દીધો દજીયો ત્યાંજ ઢળી પડ્યો.

દેદાઓનો અંત :

        વાગડમાં જ્યારે દેદાઓ નું વર્ચસ્વ હતું ત્યારે લાખાજી જામના દેદાએ ઘોડીઓના વાછેરાઓને પીવડાવવા ખીરામાં ગાયોનું દૂધ માગ્યું. ઘોડો પીરનું વાહન હોતાં મુસ્લિમોને માતાજીની મનાઈ હતી જેથી ભોપાએ ના પાડી. લાખાજી છંછેડાયો. બધા દેદાઓને ભેગા કરી ગાયો લઇ જવાની ધમકી આપી. ભોપાએ માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માતાજીના સ્થાને પરોઢિયે ચાર વાગ્યે આપોઆપ વાજીંત્રો નગારા વાગ્યા માતાજીએ વાઘનું સ્વરૂપ ધારણ કર્યું. આ સ્વરૂપ જોઈ દેદાઓ ધ્રુજી ઉઠ્યા. માતાજી અને ભોપાની માફી માંગી બીજે દિવસે ભાગ પાડતાં દેદાઓ ઝગડી પડ્યા. અંદર અંદર ધીંગાણું થતાં કપાઈ મુઆ. દેદાઓ માતાજીના શ્રાપથી રવ, ડાવરી, જેસડા, ત્રંબૌ છોડી મોરબી તરફ ગયા. વાગડમાં દેદાઓનો અંત આવ્યો.

મંદિરે લુંટ : 

        સંવત ૧૯૪૫ ની સાલે રવના રાણા કોલીની મૈત્રીથી કાનડો બહારવટીયો અગિયાર સાથીઓ માળીયા મીંયાણાથી રવેચી મંદિરે આરતી ટાણે મહંત વશરામગરને દોરડાથી બાંધી ઓરડામાં પૂરી ૩૫૦૦ કોરીની મતા લુંટી. મહંત વશરામગરે માતાજીને પ્રાર્થના કરી એટલે આપોઆપ ઓરડો ખુલી ગયો દોરડા છૂટી ગયા.

બહારવટીયા લુંટ કરી મેવાસા ડુંગરમાં ચાલ્યા ગયા. રવોજી તથા મનુભાઈ ફોજદાર પગેરું લેતા મેવાસા ડુંગરમાં ગયા. સામસામી ગોળીયું છૂટી. બહારવટીયાની ગોળીઓ રવાજી અને ફોજદારને લીંડીની માફક સામાન્ય લાગતી. કાનડો અને બીજા બહારવટીયા ઢળી પડ્યા બચ્યો માત્ર એક જ બહારવટીયો જે પાણી ભરવા ગયો હતો અને માતાજીએ લુંટ કરવાની ના પાડી હતી. નારણ બહારવટીયે છુપાવેલી બધી મિલ્કત કાઢી આપી.

image

ભંડારો :

        સંવત ૧૯૯૨ માં જાગીર તરફથી ભંડારો કરવામાં આવેલ તે વખતે ગામે ગામથી લોકો આવી પહોંચ્યા. પાણીની અસહ્ય તંગી હતી. તળાવમાં પાણી ખૂટતું હતું. આ પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. રાત્રે મહંત શ્રી ભગવાનગરને સ્વપ્નામાં માતાજીના દર્શન થયાં. રવેચી માતાજીએ કહયું કે તું ચિંતા ન કર રાત્રે તળાવમાં પાણી આવી જશે.

સાચેજ બીજે દિવસે મંદિર પાસે જળાશય ઉપર કાળા વાદળો ઘેરાઈ વરસાદ પડ્યો તળાવમાં પાણી થયું.

📌 *પ્રેષિત-ટાઇપઃ*
મયુર સિધ્ધપુરા-જામનગર

શ્રી કૃષ્ણ જન્મ કથા

Standard

[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ]

દશમા સ્કંધને નિરોધ કહેવામાં આવે છે. દશમ સ્કંધને શ્રીનાથજીનું હ્રદય કહેવામાં આવે છે. દરેક માનવે પોતાના હ્રદયની ગતિને સંસારમાં જતી રોકીને ઇશ્વર તરફ વાળવા કોશિશ કરવી જોઇએ.

શ્રી કૃષ્ણ જન્મ કથા

શુકદેવજી કહે, “ હે પરીક્ષિત ! દશમા સ્કંધમાં પરમ કૃપાળુ શ્રીકૃષ્ણના જીવનની કથા હું તને કહી સંભળાવીશ.વસુદેવ અને દેવકીને ઘરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. વસુદેવ શ્રીકૃષ્ણનેગોકુળમાં નંદરાયને ઘરે મૂકી આવ્યા.

મથુરા એટલે માનવીની કાયા. વસુદેવ એટલે માનવીનો જીવ અને દેવકી એટલે માનવીની બુદ્ધિ. માણસ અંત:કરણપૂર્વક હ્રદયમાં રહેલા ભગવાનને સાક્ષાત્ કરવા પ્રયત્ન ક્રે તો બુદ્ધિ અને જીવ માનવને મદદ કરે. કૃષ્ણએ છઠ્ઠીના દિવસથી જ સંઘર્ષ શરુ કરી જીવન પર્યંત સંઘર્ષ જ કર્યો. બ્રહ્મા, શંકર, સરસ્વતી, દેવ્દેવીઓ ભગવાનની આરાધના કરવા ગયા. ભગવાને કહ્યું,” હું મથુરામાં જન્મી ગોકુળમાં જવાનો છું. તમે બધા ગોપી અને ગોવાળિયા બની મને મારા કાર્યમાં મદદ કરવા આવજો.”

મથુરાનો રાજા કંસ જુલ્મી હતો. કંસના અનેક જુલ્મો મથુરાની પ્રજા સહન કરે છે. ઉગ્રસેનની દીકરી દેવકીનું વેવિશાળ વસુદેવ સાથે થયું. રાજા ઉગ્રસેને દીકરીના લગ્ન લીધાં. દીકરીને ઘણું આપ્યું. દેવકીનો ભાઇ કંસ પોતાની બહેન ને વિદાય આપવા જાય છે. કંસ જાતે પોતાના બહેનબનેવીનો રથ હાંકવા બેઠો છે. એટલામાં આકાશવાણી થઇ, “હે કંસ ! તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ બનશે.” આકાશવાણી સાંભળી કંસ ગુસ્સે ભરાયો. તલવાર ઉગામી બહેનબનેવીને મારવા તૈયાર થયો. વસુદેવે કંસને કહ્યું, “ હે કંસ ! મેં તારી બહેન દેવકી સાથે લગ્ન કર્યા છે. હજી તો મીંઢળ છૂટ્યા નથી. લગ્ન પછી સંસાર ભોગવવાની અમારી ઇચ્છા છે. અમે અમારા જેટલા સંતાનો થાય તે તમને આપી દઇશું.”દેવકી કહે, “ વસુદેવ ! મામો ભાણેજને કાંઇક ભેટ આપે તેને બદલે મારા બાળકો જ કંસને આપી દેવા?” દેવકીને દુ:ખ થાય છે.

દેવકી-વસુદેવને પાંચ દીકરા થયા. એક દિવસ કંસ રાજસભામાં બેઠેલો. દેવકીના બાળકોને મારી નાખવાની યોજના કરે છે. તે જ વખતે નારદજી “ શ્રીમન્ન નારાયણ નારાયણ્’નો જપ કરતાં કરતાં કંસની સભામાં આવે છે. કંસને જોતાં નારદજીએ કહ્યું, “હે કંસ ! તમે કેમ આમ સુકાઇ ગયા છો?” કંસે નારદજીને આકાશવાણીની વાત કરી. નારદજી કહે, “ હે કંસરાજા ! કોઇપણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો. દેવકીનો આઠમો બાળક તમારો કાળ છે પણ તે આઠમો પહેલેથી કે છેલ્લેથી?” કંસે આ સાંભળતાં જ દેવકી-વસુદેવના બધા પુત્રોને નારિયેળ વધેરીએ તેમ વધેરી નાખ્યા. વસુદેવ-દેવકીને જેલમાં પૂર્યા. દેવકી ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. મારા નિર્દોષ બાળકોને મામાએ મારી નાખ્યા. વસુદેવ, દેવકીને ધીરજ આપતા કહે છે, “ હે દેવકી ! ઇશ્વરને જે ગમે તે સહન કરવું. હ્રદયમાં ઇશ્વરને રાખી તેનું સ્મરણ કરવું અને દુ:ખમાં ધીરજ રાખવી. એમ કરતાં કરતાં દેવકીના સાતમા ગર્ભની શરૂઆત થઇ. દેવકી-વસુદેવ ઇશ્વરનું આરાધન કરવા લાગ્યા. “ હે ભગવાન ! તમારા સિવાય અમારું કોઇ નથી ને જો તમારી સાચી ભક્તિ કરી હોય તો અમારા સંકટના સમયમાં અમારી વહારે ધાજો.” ભગવાનના  ભક્તો ચાર પ્રકારના હોય છે. 1.આર્ત. અનેકવિધ પીડાતો. 2.જિજ્ઞાસુ 3.અર્થાર્થી  4.જ્ઞાની. દરેક પોતપોતાની રીતે ભગવાનની ભક્તિ કરે છે.

વસુદેવ  દેવકીને કહે છે, “ હે દેવકી ! ભગવાન પાસે કાંઇ ન માંગવું.ભગવાનનું ભજન કરો.” ભગવાને યોગમાયાને કહ્યું,“ દેવકીના સાતમા ગર્ભને ખેંચી રોહિણીના ગર્ભમાં મૂકી આવ અને તું ગોકુળમાં યશોદાના પેટે જન્મ લે.”

ગોકુળના રાજા નંદરાયને ઘરે અનેક ગાયો હતી પણ સંતાન ન હતું. નંદરાય શાંડિલ્ય ઋષિને કહે છે અમારી કુંડળી માંડો અને કહો કે અમારા નસીબ આવા કેમ? શાંડિલ્ય ઋષિએ કહ્યું,” હે નંદરાય તમે અને યશોદાજી એકાદશીનું વ્રત કરો.” નંદરાય અને યશોદા બારે મહિના એકાદશીનું વ્રત કરે છે.

યોગમાયાએ દેવકીના સાતમા ગર્ભને રોહિણીના પેટમાં મૂકી દીધો અને યશોદાના પેટે જન્મ લીધો. ભગવાન દેવકીના આઠમા ગર્ભમાં રહ્યા. વસુદેવ-દેવકી દિવસ-રાત ઇશ્વરસ્મરણ કરે છે. નંદરાય અને યશોદા એકાદશી વ્રત કરે છે. દશ માસ ને દશ દિવસ થયા છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. જેલના ચોકીદારો યોગનિદ્રામાં પડ્યા છે.( ઘોરે છે.) શ્રાવણ વદ આઠમને બુધવાર, રોહિણી નક્ષત્ર, રાત્રે બાર વાગ્યે મથુરાની જેલમાં પરમકૃપાળુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. વસુદેવ-દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા.”  “ હે પ્રભુ !  આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લો. ભગવાન કહે,“ હે વસુદેવ-દેવકી ! ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતા હતા. જ્યારે તમે અદિતિ અને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો. પાંચ વર્ષની ઉંમરે માતાપિતાનો ત્યાગ કરી ઇશ્વરાઅરાધના અર્થે ચાલી નીકળેલો. આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું. હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળસ્વરૂપ ધારણ કરું છું. જુઓ, સામે કરંડિયો પડ્યો છે. તેમાં મને મૂકી ગોકુળ લઇ જાવ. ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે. તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો.” પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળ સ્વરૂપ ધારણ કર્યું. વસુદેવે બાળકૃષ્ણને કરંડિયામાં મૂક્યા. પીળું વસ્ત્ર ઓઢાડ્યું. ચુંબન કર્યું. માથા પર કરંડિયો મૂકી જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખૂલી ગયા. પહેરેદારો યોગનિદ્રામાં પોઢી ગયા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. શેષનાગે બાળકૃષ્ણ પર છાયો કર્યો. મહારાણી યમુના બાળકૃષ્ણના ચરણસ્પર્શ કરવા જોર જોરથી ઊછળવા લાગ્યા. વસુદેવ યમુનાજીમાં ઊતર્યા. બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધો. ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમુનાજીએ માર્ગ કરી આપ્યો. વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા. યશોદાના પડખામાં સૂતેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઇ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાચા આવી ગયા.

યોગમાયાને દેવકીના પડખામા6 મૂકી. ચોકીદારો એ જાગીને કંસને ખબર આપી કે દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે. તરત જ કંસે આવી યોગમાયાને બે પગથી પકડી પથ્થર પર પછાડવા જતો હતો ત્યાં જ યોગમાયા આકાશમાં જઇ પહોંચી અને કંસને કહેતી ગઇ. “ હે કંસ ! તારો વેરી તો ક્યારનો કોઇક સ્થળે જન્મી ચૂક્યો છે.”

નંદરાયના ઘર આગળ દૂધના ઘડા લઇ ગોવાળિયાઓ  બાળજન્મની વધામણીની રાહ જુએ છે. યશોદાની બહેને બહાર આવી નંદરાયને વધાઇ આપી “ લાલો ભયો હૈ” નંદરાયના ગળામાં મોંઘી માળા હતી તે યશોદાની બહેનને આપી દીધી.(ન્યોછાવર કરી દીધી) . વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી નાળછેદનવિધિ કરાવ્યો. પુત્ર જન્મની ખુશાલીમાં નંદરાયે બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. સારાયે ગોકુળમાં જાહેરાત થઇ કે નંદરાયને ઘરે યશોદાને પેટે  લાલાનો જન્મ થયો છે નેઆખું  ગોકુળગામ ગાંડુ થયું છે ને જોરજોરથી ગાય છે “ નંદ ઘેર આનંદ ભયો હૈ, જય કનૈયા લાલકી.” ભગવાન બાળકૃષ્ણનો  જન્મ થયો.

શુકદેવજી કહે,“ હે પરીક્ષિત ! આ તારો પાંચમો દિવસ છે. ગોકુળમાં ઠાકોરજીના પ્રાદુર્ભાવમાં ગોકુળગામ આખું ગાંડું થયું છે. લાખો ગાયોના માલિક, અઢળક સંપત્તિ છતાં નંદરાયને ઘરે આજદિન સુધી શેર માટીની ખોટ હતી. ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય-યશોદાના આનંદની સીમા ન રહી.

માતા યશોદા પાસે એક દિવસ સર્પધારી બાવો આવ્યો. યશોદા માતાને કહે, “ હે માતા ! મારે તમારા લાલાના દર્શન કરવા છે.” યશોદા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઇ મારો લાલો ડરી જશે. તેથી નંદરાયને કહ્યું બાળજન્મનો ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે. એમને દક્ષિણા આપી દો. બાવો કહે, “ મા ! મારે દક્ષિણા નથી જોઇતી. મારે તો લાલાના દર્શન કરવા છે.” અંદર બાળકૃષ્ણ રડવા રડવા લાગ્યા. માતા યશોદા ઘણા વાના કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી. બાવાજી કહે, “ બાળકને અહીં લાવો. મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે.” યશોદાજી કહે, “બાવાજી દૂર ઊભા રહો, હું મારા બાળકને લઇને આવું છું.” બાવાજી પણ રડવા લાગ્યા. બાળક બાવાજીને જોતાં જ હસવા લાગ્યું. બન્ને હસ્યા. બાવાજી સાક્ષાત્  શિવજી હતા.ઠાકોરજીના બાળ સ્વરૂપનાં દર્શન કરવા આવેલા.હરિ અને હર મળ્યા, સાથે રડ્યા, સાથે હસ્યા.

આ બાજુ મથુરામાં કંસે વિચાર કર્યો, મારો વેરી જન્મી ચૂક્યો છે તો આજે મારા રાજ્યમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખો. આજે ચૌદશ હતી. બાળ કનૈયાની છઠ્ઠી હતી. વિધાતા આજે કનૈયાના લેખ લખવાની હતી. અનેક પ્રકારની તૈયારીઓ ગોકુળમાં થઇ રહી હતી. આજના ઉત્સવમાં ભાગ લેવા માનવમહેરામણ ઊમટ્યો હતો.

સાભાર..રવિન્દ્રભાઇ પીઠડીયા
સાભાર : રાજભા ઝાલા

ગઝલ

Standard

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું…

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું…

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું…

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું…

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું…

‘નઈમ’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું…!!!

#unknown

ગઝલ

Standard

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા.

સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા.

કોણ બીજું જાય વરસી ? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા.

કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા.

કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં.

હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત ! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં.

મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તમે ઉસ્તાદ છો

Standard

દર્પણે વાનર બતાવો તો તમે ઉસ્તાદ છો
વ્યૂહને તોડી બતાવો તો તમે ઉસ્તાદ છો

તસ્કરોનાં કાન કાપી ખો ભૂલાવી દો બધી 
તારલા દિવસે બતાવો તો તમે ઉસ્તાદ છો

કાચને તોડી શકે છે દોસ્ત સૌ સહેલાઈથી
હાથને જોડી બતાવો તો તમે ઉસ્તાદ છો

સમજણોનાં ચોકઠાથી પૂર્વગ્રહ ઊભા કર્યા
બાળને સમજી બતાવો તો તમે ઉસ્તાદ છો

ગાળિયો નાંખી સરળને છેતરે છે જોકરો
ચોરને લૂંટી બતાવો તો તમે ઉસ્તાદ છો

કાલકૂટ પણ પી ગયો છે દેવ એ ભોળો નથી
ઝેરને ઝીરવી બતાવો તો તમે ઉસ્તાદ છો

આંગળી ચીંધી રહ્યા છે સામસામે સૌ અહીં
ભૂલ સ્વીકારી બતાવો તો તમે ઉસ્તાદ છો
———શૈલેષ ગઢવી.

*અશ્વ પ્રશંસા*

Standard

પ્રચીન સમય થી અશ્વ ની પ્રશંસા થાતિ આવે છે તેના કાર્ય માટે. અશ્વસાસ્ત્રમાં(નકુલ કૃત) વાજીપ્રસંશા નામ ના અધ્યાય આશ્વ ની પ્રસંશા  નકુલ કહે છે કે,
अश्वैर्हस्तगता पृथ्वी श्रीरश्वैर्विपुलं यशः
वीजयश्च भवेदश्वेरश्वो हर्म्यवीभुषनं
→અશ્વ દ્વારાજ રાજ્ય, શ્રી, વીપુલ યશ અને વીજય ની પ્રપ્તી થાય છે, વસ્તવ મા અશ્વ જ રાજા નુ આભુષણ છે.
राजा राष्ट्रं यशो लक्ष्मीर्धर्मकामार्थसंपदः
वाजीनो यत्र तिष्ठन्ति सर्वलक्षनसंयुताः
→જ્યા સર્વલક્ષણ સમ્પન્ન અશ્વ નીવાસ કરે છે ત્યા રાજા, રાષ્ટ્ર , ઐશ્ચર્ય, ધર્મ, કામ અને અર્થ સ્થીર થાય છે.
तस्या सागरपर्यतन्ता हस्ते तिष्ठति मेदिनि
एकाहमपि यस्याश्वा निवशन्ति गृहाजीरे
→જેના ઘરના આંગણા મા એક દીવસ પણ અશ્વ નીવાસ કરે છે તે સમુદ્ર સુધી ફેલએલી આખી પૃથ્વી તેના હસ્તગત થય જાય.
विष्णोर्वक्षः स्थलं मुक्त्वा लक्ष्मीस्तस्य गृहे स्थीरा
निवसत्यश्वसड्गातैः संपुर्णा यस्य वाहीनी
→જેની સેના અશ્વો થી પરીપુર્ણ હોય તેના ઘર મા લક્ષ્મી વીષ્ણુ નો ત્યાગ કરિ સ્થીર સ્વરૂપ એ નીવાસ કરે છે.
ते हयाः शत्रुलक्ष्मीणं हठादाकर्षणक्षमाः
ये वाजीनः सुसचाराः सव्यासव्ये सुशिक्षिताः
ते वीपक्षक्षयं कृत्वा प्राप्नुयु: श्रियमुत्तमाम
→જો સુસીક્ષિત અશ્વ હોય તો શત્રુ નો નાશ કરી ઐસ્વર્ય પ્રાપ્ત થાય છે.
कोडन्यस्तुरड्गमं हित्वा प्रविशेद्रिपुवाहिनीम
अश्वेन पुनरभ्येति कृत्वा परपराभवन
→શત્રુ સેના મા અશ્વ સીવાય બીજુ કોણ પ્રવેશી સકે? અશ્વ થી યુક્ત યોદ્ધો શત્રુ ને પરાસ્થ કરીને જ પાછો આવે છે.
रणे शस्त्रविभिन्नाग़ान गतास्त्रान व्रनविह्वलान
स्वामी वाजीनं मुक्त्वा को निर्वाहयितुं क्षमः
→યુદ્ધમાં સસ્ત્રથી છીન્ન અંગવાળો, સસ્ત્ર રહીત, જેના આખા શરીરમાં ઘા લાગ્યા છે તેને અશ્વ શીવાય કોણ પાછુ લાવે ?
पवित्रं परंम स्थांन माण्ग़ल्यामपि चोत्तमम
दुराध्वानं गमयतां तथा सन्धानकर्मनि
अश्वेभ्यः परमं नास्ति राज्ञां वीजयसाधानम
→દુર ના સ્થાને જવા રાજા માટે અશ્વ સીવય બીજુ કયુ સાધન અશ્વ જેટલુ પવીત્ર, શ્રેષ્ઠ, ઉત્તમ, અને મંગલમય છે.
यस्यैकोडपि सुपुष्टोडश्वः बद्धस्तिष्ठन्ति वेश्मनि
तस्यापि विगतोत्साहा भीतास्तिष्ठन्ति शत्रवः
→જેના ઘરમાં એક પણ સુપુષ્ટ અશ્વ હોય તો તેના શત્રુ ઉત્સાહહીન અને ભયભીત બની જાય છે.
दुरदेशान्तर स्थोडपि रिपुस्तिष्ठति शक्तिः
तुरगा यस्य शास्त्रोक्ता वीचरन्ति महीतले
→જેના રાજ્યમાં સાસ્ત્રોક્ત લક્ષણથી યુક્ત અશ્વ હોય તેના શત્રુ ને દુર દેશમાં હોય તો પણ ભય હોય છે.
सुकल्पितो वरारोहो गजो न रिपुवाहीनिम
तिष्ठन्ति वा चलन्तीं वा प्रविशेत यथा हयः
→શત્રુસેના સાથે યુદ્ધ થાય ત્યારે સુશિક્ષીત હાથી પણ અશ્વ સાથે ના આવી સકે.
आशु कार्यानि भुपानां यथाडश्वाः पृथिवीतले
कुर्वन्तीह यथा शीघ्रं न राजा न पदातयः
→અશ્વ ની સહાયતા થી રાજા જેટલુ જડપી કામ કરી સકે તેટલુ પોતે ચાલીને ના કરી સકે.
पदातिगजमुख्यैश्च शतशोडथ सहस्त्रशः
वेष्टितोडपि व्रजत्यश्वो यथेष्टं पक्षिराडिव
→હજારો સેનીક અને હાથી થી યુક્ત શત્રુસેના મા અશ્વ ગરૂડ જેમ પ્રવેશે છે.
रणाहतोडपि तुरगो देशकालाघपेणया
पुनः प्रतिनिवर्तेत हत्वा शत्रुं च मुर्धनि
→અશ્વ ભલે ને યુદ્ધમાં ઘાયલ હોય તો પણ દેશ અને સામયીક પરીસ્થીતિ અનુરૂપ શત્રુ ને યુદ્ધમા મારી નેજ પાછો આવે છે.
क्षणादेकत्वमायान्ति क्षणाघान्ति सहस्रधा
क्षणामुख़्यं रिपुं वीक्ष्य नयन्ति यमसादनम
→અત્યંત વેગ ના કારણે અશ્વ પલવારમાં એક કોઇ પલવારમાં હજાર પ્રતીત થાય છે. અશ્વ ક્ષણવારમાંજ શત્રુ ને યમલોક પોહચાડે છે.
क्षणमारत क्षणं दुरं क्षणं याति रिपुं प्रति
एंन्द्रजालिकवतिष्ठेत्कोडन्यो मुक्त्वा तुरंग़मम
→ક્ષણ મા પાસે, ક્ષણ મા દુર અને ક્ષણ વાર માજ શત્રુ ની પાસે પોહચી ને શત્રુ ને ભ્રમીત કરીદે છે, અશ્વ ને છોડી બીજુ કોન આ કામ કરી શકે
ते विपक्षक्षयं कृत्वा प्राप्नुयुः श्रियमुत्तमाम
खण्डीकृत्य रिपुव्युहं विचरन्ति तुरंगमा
→શત્રુ રચીત નુ વ્યુહ ખંડન કરી અને વીપક્ષ નો નાશ કરી અશ્વ ઉત્તમ એશ્વર્ય પ્રાપ્ત કરે છે.
शिक्षितोडपि यदा तिष्ठेव्दिना यवसखादनैः
तदाडप्यरिं विजयते यदीन्द्रेणापि रक्षितम
→શીક્ષીત અશ્વ ભુખા પેટે પણ ઇન્દ્ર દ્વાર રક્ષીત સેના ઉપર વીજય મેળવી શકે છે.
शत्रोः सहायमायान्तं धृत्वा दुरादपि प्लुतम
गत्वा ध्नन्ति हयारोहाः पुनश्चायान्ति तत्क्षणात
→અશ્વ ની સહાયથી શત્રુ ના સહાયક ને દુર હોય ત્યાજ મારી નાખી અશ્વસવારો પાછા આવે છે.
खादनं यवसं तोयं नाशयन्ति न संशय
अयुध्यमाना अप्येव क्षपयन्ति ध्विषां  चमुम
खज्जत्वाख्यं च यद्दोषं गमयन्ति न संशय
→અશ્વારોહી વેગવાન અશ્વોના બળના કારણે શત્રુ ની સુવીધા નો નાશ કરી યુદ્ધ મા શત્રુ સેના ને નાશ કરીદે છે અને શત્રુ સ્થીતિ વીકટ મા મુકીદે છે.
कल्पिताः संस्थिताः शुरः क्षिप्रसन्नाहधारिणः
खड्ग़प्रासधनुर्हस्ताः सड्ग्रामे दुर्जया नराः
→શૂર, યુદ્ધ માટે કાયમ તૈયાર રહેવાવાલા, ખડગ, પ્રાસ અને ધનુષ ધારન કરવાવાળા અશ્વારોહી જીતી ના શકાય
जितशीतातपा ये च जिरत्रासा जिताशनाः
युध्यमाना हयारोह देवानापि दुर्जयाः
तस्मादाखेटकाः कार्या हयसन्दोहसंवृताः
→ઠંડી અને ગરમી ને સહન કરવામા સામર્થ અને, ભય અને ભુખ ને જીતવાળા અશ્વારોહીને દેવતા પણ ના જીતી શકે
चंन्द्रहीना यथा रात्रिः पतिहिना पतिव्रता
हयहीना तथा सेना विस्तीर्णापि न शोभते
→જેવી રીતે ચંદ્ર વીન રાત્રી ના શોભે,  પતી વીના પતીવ્રતા નારી નો શોભે તેવીજ રીતે અશ્વ વીના સેના ના શોભે

युध्यन्ते येडपि मातंग भिन्नाह शैलेन्द्रसन्निमाह
दुर्धरा दुर्निवारास्ते पादरक्षैस्तुरद्गमैः
तस्मादह्स्वान प्रशंसन्ति सेनाड्डेगषु न संशयः
अश्वेर्विहीन यान्त्यन्तं छिन्नामुला इव द्रुमाः
→યુદ્ધ કર્તા મહાકાય હાથી પણ અશ્વ ની રક્ષા કારણેજ સુરક્ષીત રહે છે, એટલેજ સૈન્યમા અશ્વ ની પ્રશંસા થાય છે. અશ્વ વીના ની સેના, મુળ વીનાના વૃક્ષ ની જેમ નાશ પામે છે.
येडश्वारुढा भुपतयो मत्तमाहागजरथरत्ननिकरवरभटजनितरुधिर-
नदीसड्कुलममित्र बलजलधिमामथ्य तन्मध्यादचिराल्लक्ष्मीमाहत्या निजभुज-
वशमानीय वेश्यमिव प्रणयिजनोपभोग्यां कुर्वन्ति, अकण्डकावनितलराज्यलाभा
दवाप्तधर्मार्थाकामाः स्फ़टिकमणिमुक्ताफलधवलयशसा त्रिभुवनमापुरयन्ति: ये
चाश्वाः धृतधनुः प्रासासितोरैरारोहैरधिष्ठितास्ते प्रवरसमीरा इव प्रभुतमद
सान्द्रीकृतगण्डमण्डललग्नमधुपमधुरध्वनिमुखरितमहारि-
गजधटासुघटशाकटनिकटकटिकाधनग्रथितविकटाटोप-
निबद्धसन्नाहसुभटसमुहकृतानवरतमुक्तबानविमलसलिलधारा
सहस्त्राच्छादितदिनकरनिकरनिकरप्रसारान्धकारी कृतसकलदिडनभोभगं
स्फुरद्राष्ट्रसौदामिनीलताप्रधोतितमतीगर्जन्तं महारिपुजलदव्युहं ते वीराः शतशः
काण्डखण्डीकृतविधटितविग्रहं दिशोदश पातयन्ति
→ઉનમત્ત હાથી, રથ, રત્ન સમુહ અને ઉત્કુષ્ઠ યોદ્ધા મા રક્તની નદી ચાલી જાતી હોય તેવી શત્રુસેના નુ સમુદ્રમંથન કરી વચ્ચમાંથી જયલક્ષમી નુ હરણ કરી અશ્વારોહી તેને વૈશ્યા જેમ ભોગવે છે અને પૃથ્વી નુ રાજ્ય ધર્મ, અર્થ, કામ થી ભોગવીને ત્રીભુન મા રાજ કરે છે. તલવાર અને ધનુષ થી સજ અશ્વારોહી મેઘ સમાન ગર્જા કરનાર શત્રુ ને મારી નાખે છે પછી મહાકાય હાથી ઉપર આક્રમણ કરી તેને ચારે દીશામાં ભગાડી મુકે છે.
तस्यानुरक्ता दढविग्रहा महारिपोस्च लक्ष्मीर्गुहवासमृच्छति
हष्टानना साडप्यभिसारिका भवेत्तुरड्गमा यस्य बले महीपतेः
→શત્રુ ના ઘરમા થી લક્ષ્મી પ્રસન્ન મુખે એવા રાજા પાસે આવે છે જેની સેના અશ્વથી યુક્ત હોય.
सर्वाम्भोनिमेखलां सुरसरिद्रोमावलीभुषिताम
उत्तुड्गाद्रिपयोधरां पुखरप्राकारहारोज्ज्वलाम
निःशेषप्रतिपक्षदोषसहितां विद्धज्जनोच्चाननां
पृथ्वीं स्वां वरकामिनीनिव चिरं भुडत्केडश्वसेनापतिः
→જેને સમુદ્ર રૂપી મેખલા છે, ગંગા રૂપી રોમાવલી, પર્વત રૂપી સ્તન, નગર રૂપી હાર છે, શત્રુરૂપી દોષ રહીત અને વીધ્વાન જેવુ મુખ ધારણ કરવાવાળી પૃથ્વી ને અશ્વારોહી પોતાની પત્ની પ્રીય જેમ ચીરકાલ સુધી ભોગવે છે.
प्रीयोत्काण्ठोपनीता ये दीर्धमार्गपरिष्कृताः
प्राप्नुवन्ति सुखं क्षिप्रं प्रियासड्गमजं हयैः
→પોતાની પ્રીયા(સ્ત્રી) ના વીરહ થી વ્યાકુલ યોદ્ધો અશ્વ દ્વાર લાંબો માર્ગ કાપી પ્રીયા ને મળીને આનંદ પ્રાપ્ત કરે છે.
भुषितं हेमकाण्डेश्च चामरैश्चाप्यलद्गतम
आरुह्या वाजीनं राजा निरुन्ध्याद्धैरिमण्डलम
प्रबलं तत्सामुहं च मृदुं भुरि सराष्ट्रकम
साड्गं च विहलीकृत्य क्षणात्तत स्ववशं नयेत
→સુવર્ણ ના ઘરેણા થી સુશોભીત અશ્વ ઉપર આરુઠ રાજા શત્રુ ના પુરા રાષ્ટ્ર્ર ની સેના ક્ષણમાજ વશ મા કરી લે
एते चान्ये च राजन्प्रकटगुणगणाः सन्ति मर्त्ये हयानां
स्वर्गेडप्येवं गुणा ये सुरपतिसहिताः सुर्यचन्द्रदयश्य
देवा जानन्ति येषां प्रवरगुणवंता रोगनाशस्य हेतुं
सिद्धैः स्वप्नेश्च योगैर्मुनिवरगदितैर्व्याहतैषा चिकित्सा
→હે રાજન ! આ મુત્યુલોક ના અશ્વ ના ઉપર્યુક્ત ગુણો સીવાય ના બીજા પણ ઘણા ગુણ હોઇ છે. આ ગુણ સ્વર્ગ મા પણ જોવા મળે છે. અશ્વ ના કારનભુત ચીકિત્સા ઇન્દ્રદેવ, સુર્યદેવ, ચંદ્રદેવ જાણે છે. આ ચીકીત્સા નુ જ્ઞાન સીદ્ધો દ્વારા,સ્વપ્નો દ્વારા, મુનીવરો દ્વારા કહેવાયુ છે. 

*એક અંગ્રેજ લેખક C. A. Kincaid લખે છે કાઠી ક્ષત્રીયો અને તેમના અશ્વોનો શોખ કવી ની કવીતા માટે નો એક અગત્ય નો વીષય રહ્યો છે. ખુદ અંગ્રેજો કાઠી ક્ષત્રીયોના અશ્વ ની પ્રશંસા કરતા ના થાક્તા.

સંકલન:- काठी संस्कृतिदीप संस्थान

આલેખન;- વનરાજભાઇ કાઠી, પ્રતાપભાઇ કાઠી
Reference:-  અશ્વસાસ્ત્ર(નકુલ) :- સંદીપ જોષી

અદભુત updesh

Standard

એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.
કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.
ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ ‘દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો’. બીજાએ કહ્યુ ‘ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની’ ત્રીજાએ વળી કહ્યુ ‘ ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય’.
આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા. માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ, “શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે” માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?
જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.

*કાશ્મીરની જેમ બલૂચિસ્તાન અંગે પણ નહેરુની ભૂલ નડી ગઈ?*

Standard

                                        વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ ઑગસ્ટે કાશ્મીર પર બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં સ્પષ્ટ કહી દીધું કે હવે સમય આવી ગયો છે કે બલૂચિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પાકિસ્તાનના અત્યાચારોને ખુલ્લા પાડવામાં આવે. મોદીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યો કે તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના જે લોકો પાકિસ્તાન બહાર રહેતા હોય તેમનો સંપર્ક કરે અને તે પ્રદેશમાં પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતા અત્યાચારો અંગે માહિતી એકત્ર કરે.

મોદીએ કહ્યું કે પાકિસ્તાન ભૂલી જાય છે કે તે તેના જ નાગરિકો પર લડાકુ વિમાનો દ્વારા બોમ્બમારો કરે છે. મોદીએ કહ્યું કે તેમની સરકાર કાશ્મીર ઘાટીની સમસ્યા ઉકેલશે પરંતુ કાશ્મીરની ચર્ચા થાય ત્યારે જમ્મુ, લદ્દાખ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની પણ એ જ સૂરમાં ચર્ચા થવી જોઈએ.

આ પછી મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેર ભાષણ કરતાં પણ બલૂચિસ્તાન, ગિલગીટ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો પ્રશ્ર્ન ઉઠાવીને પાકિસ્તાનની દુ:ખતી રગ પર હાથ મૂક્યો છે. તેમણે માત્ર આટલું જ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર, બલૂચિસ્તાન અને ગિલગીટના લોકોએ પોતાના પ્રશ્ર્નો ઉઠાવવા બદલ તેમનો આભાર માન્યો છે અને તે બદલ તેઓ કૃતજ્ઞતા અનુભવે છે. પણ રાજદ્વારી રીતે આટલા શબ્દો પણ એ સમજવા પૂરતા છે કે ભારતની પાકિસ્તાન પ્રત્યેની નીતિમાં ૧૮૦ ડિગ્રીનું પરિવર્તન આવી ગયું છે.

મોદીના આવ્યા પહેલાં ભારતની નીતિ ખૂબ જ સંરક્ષણાત્મક હતી. પાકિસ્તાન ભારતમાંથી જ જન્મ્યું છે. તેમ છતાં કાશ્મીર પર તેણે આક્રમણ કર્યું અને નહેરુ સંયુક્ત રાષ્ટ્રોમાં ગયા. તે પછી ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો થયાં. ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું. દર વખતે આપણે મેદાનમાં જીત્યા અને મંત્રણાના મેજ પર કૂટનીતિમાં હારી ગયા. આપણી સ્થિતિ સમજવા આ ઉદાહરણ પૂરતું છે. એક કિશોર જે ખૂબ જ હટ્ટોકટ્ટો અને ઊંચો છે છતાં જ્યારે શેરીમાં નીકળે ત્યારે એક સૂકલકડી ઠીંગણો કિશોર તેને ખૂબ જ ચીડવે, તેને લાફા મારે. હટ્ટોકટ્ટો કિશોર રોતોરોતો ઘરમાં આવીને ફરિયાદ કરે. એક વાર તેના ઘરમાં માબાપ નહોતા અને કાકા આવ્યા હતા. કાકા આગળ ભત્રીજાએ ફરિયાદ કરી. કાકાએ સામે તેને લાફો માર્યો અને કહ્યું, ખબરદાર, ફરિયાદ લઈને આવ્યો છે તો. જા જઈને પેલાને પાંસરો કરી આવ. કંઈ થશે તો હું બેઠો છું. અત્યાર સુધી લશ્કરને કે રાજનીતિની રીતે એવું કહેનાર કોઈ નહોતું કે કંઈ થશે તો હું બેઠો છું. આક્રમકતાનો અભાવ હતો. પરંતુ પહેલી વાર ભારતની નીતિ આક્રમક જણાય છે અને ભારતની અચાનક આ નીતિથી પાકિસ્તાન સ્તબ્ધ છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે બલૂચિસ્તાન, ગિલગીટ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રશ્ર્નો શું છે? પાકિસ્તાનને તેનાથી કેમ પેટમાં દુ:ખે છે?

બલૂચિસ્તાન એ અગ્નિ ખૂણામાં આવેલો પાકિસ્તાનનો પ્રાંત છે. ત્યાં બલોચ, પશ્તુન, બ્રહુઇસ, સિંધી, પંજાબી વગેરે સમુદાયો રહે છે. ઈ.સ. ૬૫૪માં અહીં ઈસ્લામનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. ચીન જે બંદર વિકસાવી રહ્યું છે તે ગ્વાદર પણ બલૂચિસ્તાનનો ૧૯૭૭થી ભાગ છે. આથી ભારતના આ વલણથી ચીન પણ સ્તબ્ધ છે.

વાસ્તવમાં, બલૂચિસ્તાન ભારતનો જ ભાગ હોત, પણ પં. નહેરુની ઉદાર નીતિ અહીં પણ આપણને નડી ગઈ. જ્યારે બ્રિટિશરો ભારતીય ઉપખંડ છોડીને ગયા ત્યારે તાત્કાલિક બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ નહોતું બન્યું. તે સાડા સાત મહિના સુધી સ્વતંત્ર હતું. એક રીતે તેની સ્થિતિ કાશ્મીર જેવી જ હતી. બલૂચિસ્તાનના રાજા ખાન ઑફ કલાત મીર અહેમદીયાર ખાન બલૂચિસ્તાનને ભારતમાં ભેળવવા માગતા હતા. પવન દુર્રાની નામના કાશ્મીરી પત્રકાર અને બ્લોગરે ૨૬ ઑક્ટોબર ૨૦૧૨માં ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા: ૧૯૪૭માં કિંગ ઑફ કલાત (બલોચિસ્તાન)એ ભારતમાં વિલીનીકરણ કર્યું હતું. દુર્ભાગ્યે નહેરુએ તેને નકારી દીધું. બાકીનો ઇતિહાસ છે. બલોચ હજુ પણ સહન કરી રહ્યા છે.

મીર અહેમદીયાર ખાન રેડિયો સાંભળવાના શોખીન હતા અને તેમાંય ઑલ ઇન્ડિયા રેડિયો. ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર જે સાંભળ્યું તેનાથી તેઓ ચોંકી ગયા. રેડિયો પર વિદેશ સચિવ વી. પી. મેનનને લગતા સમાચાર આવી રહ્યા હતા. મેનને નિવેદન જાહેર કર્યું હતું કે ખાન ઑફ કલાત બલૂચિસ્તાનને ભારતમાં ભેળવવા માગે છે પરંતુ ભારતને તેની સાથે કોઈ લેવા દેવા નથી.

વી. પી. મેનનના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો. સરદાર પટેલે બીજા જ દિવસે નિવેદન જાહેર કરી દીધું કે ખાન ઑફ કલાત તરફથી ભારતને કોઈ વિનંતી મળી નથી. ૩૦ માર્ચ ૧૯૪૮ના રોજ વડા પ્રધાન નહેરુએ તો મેનને જે કંઈ કહ્યું હતું તેનો વિગતવાર નકાર કર્યો. દરમિયાનમાં પાકિસ્તાનની સેનાએ ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ બલૂચિસ્તાન પર આક્રમણ કર્યું અને ખાન ઑફ કલાતને ૨૮ માર્ચે પરાણે બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવવું પડ્યું.

ખાન ઑફ કલાતને પણ મોહમ્મદ અલી ઝીણાના દગાખોર સ્વભાવનો પરચો મળી ગયો. ખાન ઑફ કલાત બ્રિટિશરોથી મુક્ત બલૂચિસ્તાન ઈચ્છતા હતા. તેઓ મુસ્લિમ લીગને ઉદાર હાથે ફંડ આપતા હતા. તેમણે ઝીણાને રાજ્યના કાનૂની સલાહકાર નિમ્યા હતા! ૪ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ એવી સમજૂતી થઈ હતી કે કલાત સ્ટેટ (બલૂચિસ્તાન) ૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર થશે. તે ૧૮૩૮માં જે દરજ્જો ભોગવતું હતું તે જ દરજ્જો ભોગવશે.

અંતે પાકિસ્તાનનો જન્મ થયો તે પછી કલાતને મીર અહેમદીયાર ખાને સ્વતંત્ર જાહેર કર્યું પરંતુ ઝીણાએ સેના મોકલીને તેને પાકિસ્તાનમાં ભેળવી દીધું. ૧૯૫૮-૫૯માં બલૂચ નેતા નવાબ નૌરોઝ ખાને વિદ્રોહ કર્યો. તેણે અને તેના સાથીઓએ ગેરિલા યુદ્ધ છેડ્યું હતું. પરંતુ તેમની ધરપકડ થઈ અને તેમના પર રાજદ્રોહનો આરોપ લગાડી તેને હૈદરાબાદ જેલમાં મૂકી દેવાયા. તેમના કુટુંબના પાંચ સભ્યો જેમાં તેમના પુત્રો અને ભત્રીજાઓનો સમાવેશ થતો હતો તેમને ફાંસી આપી દેવાઈ. નવાબ નૌરોઝ ખાનનું જેલમાં જ મૃત્યુ થયું.

નહેરુએ કાશ્મીરને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપ્યો તે હજુ પણ ચાલુ છે અને આપણા ટેક્સના પૈસે કાશ્મીરીઓ જલસા કરે છે. પરંતુ બલૂચિસ્તાનના મામલે આવું થયું નહીં. પાકિસ્તાનને બલૂચિસ્તાનને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપવાની લોલિપોપ આપી હતી. પરંતુ ૧૯૫૬માં પાકિસ્તાને ખંધાઈ કરી અને બલૂચિસ્તાનને આપેલી સ્વાયત્તતા ઘટાડી નાખી. આથી શેર મોહમ્મદ બીજરાનીના નેતૃત્વમાં બલોચ લોકોએ ગેરિલા પદ્ધતિથી ફરી યુદ્ધ છેડ્યું. તેમની એક માગણી એ પણ હતી કે બલૂચિસ્તાનમાં સુઈ ગેસ ક્ષેત્રમાંથી જે આવક મળતી હતી તેમાં બલૂચિસ્તાનને ભાગ મળવો જોઈએ. પરંતુ દુર્ભાગ્યે બલોચ નેતાઓ પાકિસ્તાનની સેના સામે હારી ગયા અને ૧૯૬૯માં તેમણે યુદ્ધ વિરામ જાહેર કરવો પડ્યો. ૧૯૭૦માં પાકિસ્તાનના પ્રમુખ યાહ્યાખાને બલૂચિસ્તાનને પાકિસ્તાનનું ચોથું પ્રાંત જાહેર કરી દીધું.

૧૯૭૩માં પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ બળવાનું કારણ આપીને બલૂચિસ્તાન અને નોર્થ વેસ્ટ ફ્રંટિયર પ્રોવિન્સની સરકારોને પદભ્રષ્ટ કરી દીધી. ત્યાં માર્શલ લૉ લાદી દીધો. આના પરિણામે ખૈર બક્ષ મારીએ બલૂચિસ્તાન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ રચી દીધો અને મારી અને મેંગાલ આદિવાસીઓએ પાકિસ્તાનની સરકાર સામે ગેરિલા પદ્ધતિથી યુદ્ધ છેડી દીધું. આ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાએ ૩૦૦થી ૪૦૦ સૈનિકો ગુમાવ્યા તો સામે પક્ષે બલૂચિસ્તાનના ૭,૩૦૦ સૈનિકો અને ૯,૦૦૦ નાગરિકો મરાયા.

વર્ષ ૨૦૦૪માં ગ્વાદર બંદર પર હુમલો કરાયો હતો જેમાં ચીનના ત્રણ ઇજનેરો મરાયા હતા. ૨૦૦૫માં બલોચના નવાબ અકબર ખાન બુગતી અને મીર બલચ મારીએ પાકિસ્તાન સરકાર સમક્ષ ૧૫ મુદ્દાનો એજન્ડા મૂક્યો. ઑગસ્ટ ૨૦૦૬માં આ બુગતી સેનાની સાથે લડાઈમાં માર્યા ગયા. તેમાં પાકિસ્તાનના ૬૦ સૈનિકો પણ મરાયા હતા. એપ્રિલ ૨૦૦૯માં બલોચ રાષ્ટ્રીય ચળવળના પ્રમુખ ગુલામ મોહમ્મદ બલોચ અને બીજા બે રાષ્ટ્રવાદી નેતાની ધરપકડ કરાઈ અને તેમને આંખ પર પાટા બાંધી દઈ તેમને ધક્કા દઈ એક ટ્રકમાં ચડાવી દેવાયા. પાંચ દિવસ પછી તેમના મૃતદેહો મળી આવ્યા હતા. ૧૨ ઑગસ્ટ ૨૦૦૯ના રોજ ખાન ઑફ કલાત સુલેમાન દાઉદે પોતાને બલૂચિસ્તાનનો શાસક જાહેર કરી દીધો.

આ જ રીતે ગિલગીટ અને બાલ્ટીસ્તાનનો મુદ્દો પણ પાકિસ્તાનના ગળામાં ફસાયેલો છે. પાકિસ્તાન પહેલાં તેને નોર્ધન એરિયા તરીકે ઓળખાવતું હતું, પરંતુ ઑગસ્ટ ૨૦૦૯થી તે ગિલગીટ-બાલ્ટીસ્તાન તરીકે ઓળખાય છે. બે બ્રિટિશ અધિકારીઓની ગદ્દારીના કારણે ગિલગીટ-બાલ્ટીસ્તાન પાકિસ્તાનમાં જતા રહ્યા. જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહે મેજર ડબ્લ્યુ. એ. બ્રાઉન અને કેપ્ટન એ. એસ. મેથીસનને ગિલગીટના મહારાજાને આપ્યા હતા. હરિસિંહે કાશ્મીરને ભારતમાં ભેળવ્યું તેની સાથે આ બંને બ્રિટિશ અધિકારીઓએ દગો કરી ગિલગીટના સેનાના અધિકારી બ્રિગેડિયર ઘંસારા સિંહને જેલમાં પૂરી દીધા. અને ગિલગીટને પાકિસ્તાનમાં ભેળવી દીધું. આ બળવાના સમાચાર સાંભળીને લુચ્ચા બ્રિટિશરોએ ગિલગીટનો કબજો પાકિસ્તાન પાસે જ રહેવા દીધો.

અહીં સ્થાનિક વસતિનું પ્રમાણ જળવાઈ રહે તે માટે કાયદો હતો, પરંતુ પાકિસ્તાનના પ્રમુખ ભુટ્ટોએ આ કાયદો ફેરવી તોળ્યો જેથી પાકિસ્તાનના સુન્ની મુસ્લિમો ત્યાં જમીન લઈ શકે અને સ્થાયી થઈ શકે. (આપણા કોઈ નેતાને હજુ કાશ્મીરમાં આવો કાયદો ૩૭૦ ફેરવી તોળવાનો વિચાર આવતો નથી.) તે પછી ઝિયા ઉલ હક આવ્યા. તેમના વખતમાં શિયા વિરોધી દળોના હિંસાચારથી આ પ્રદેશમાં શિયા મુસ્લિમોની વસતિ ધરખમ રીતે ઘટી ગઈ. અહીં હમણાં હમણાંથી પાકિસ્તાન પ્રત્યે રોષ વધી ગયો છે. અહીંના લોકો પાકિસ્તાનથી સ્વતંત્રતા ઈચ્છે છે.

તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની સ્થિતિ પણ જુદી નથી. ત્યાં સ્વાયત્તતા નામ પૂરતી છે. સંસાધનો પુષ્કળ છે, પરંતુ જોઈએ તેવો વિકાસ થયો નથી. ત્યાં પાકિસ્તાનની કઠપૂતળી સરકાર જ આવે છે. તાજેતરમાં નવાઝ શરીફના પક્ષ મુસ્લિમ લીગ (એન)નો મોટા પ્રમાણમાં વિજય થયો પરંતુ લોકો તેને ધાંધલ ધમાલથી થયેલો વિજય ગણાવે છે. અહીંના લોકો હવે કાશ્મીરમાં ભારતની મદદ જોઈને ભારતમાં ભળવા માગે છે.

દુર્ભાગ્યે ભારતના કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત લોકો રોજ સેના પર પથ્થરમારો કરે છે, હુમલા કરે છે. અને બરખા દત્ત, દિગ્વિજયસિંહ જેવા પત્રકારો-રાજકીય નેતાઓ- ક્ધહૈયાકુમાર જેવા વિદ્યાર્થી નેતાઓ- એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા જેવી સંસ્થાઓ તેને પ્રોત્સાહન આપતા લેખો લખે છે- કાર્યક્રમો કરે છે- સૂત્રોચ્ચાર કરે છે. પરંતુ નરેન્દ્ર મોદીની આક્રમક નીતિ જો ચાલુ રખાશે તો તે રંગ લાવશે જ તેમાં કોઈ બેમત નથી.         
જયવંત પંડ્યા

卐નાગ પંચમી卐

Standard

નાગપાંચમ કથા

પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહું મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી – તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યુ કે ‘ અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહી.’ આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ.
તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી. અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી – સાંપ ભાઈ પ્રણામ.સાંપ બોલ્યો ‘ તે મને ભાઈ કહ્યુ છે તેથી જવા દઉ છુ નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેતો. તે બોલી – ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાંપ બોલ્યો – સારું આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી ભાઈ મારુ કોઈ નથી, સારું થયુ કે તમે મારા ભાઈ બની ગયા.
થોડાક દિવસો વિત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે – મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ‘ આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો – હું તેનો દૂરનો ભાઈ છુ. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ સાંપ છું, એટલે તુ ગભરાઈશ નહી. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે સાંપના કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ.
એક દિવસે સાંપની માતાએ તેને કહ્યુ – હું એક કામથી બહાર જઈ રહી છું, તુ તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ. જેનાથી સાંપનું મોં બળી ગયું. સાંપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાંપે તેમણે ચૂપ રહેવાનું કહ્યુ. પછી તેને બહું બધું સોનુ, ચાંદી, હીરા- ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી.
આટલું ધન જોઈને મોટી વહુંને ઈર્ષા આવી તે બોલી – ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજુ વધુ ધન લેવું જોઈએ. સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી.
સાંપે નાની વહુને હીરા-મોતીનો અદ્ભૂત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી – શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલદી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યુ કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારુ ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે – ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાંપે તેવુ જ કર્યુ. જેવો રાણીએ હાર પહેર્યો કે તરતજ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી.
રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા. કે રાજા ન જાણે શુ કરશે ? તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુ ને પૂછ્યું – તે શુ જાદુ કર્યો છે , હું તને દંડ આપીશ. નાની વહુ બોલી – રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા-મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાંપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે – હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંપમાંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો.
આ જોઈને રાજા ધણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ધણી સોનોમહોરો પણ આપી. તે બધુ લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા – આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું – સાચુ બોલ કે તને આ ધન કોણ આપે છે ?નાની વહુએ તરતજ સાંપને યાદ કર્યો. સાંપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો – જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.
નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાંપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.

નાગદેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્રદોરી ઘીનો દિવો કરી વંદન કરે છે.અને શ્રીફળ વધેરે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે. નાગ નો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ના કરવામાં આવે તો તે કરડતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે.હૃદય અને મનમાં કેટલાક માણસોમાં ઝેર ભર્યુ હોય છે.જો કે આવો સ્વભાવ આખરે નુકશાન કારક નિવડે જ છે. આજના માણસ વગર છંછેડે ફુંફાડા મારે છે. નાગની ખાસીયત છે કે તે પોતાના ભાઈ ભાંડુને ડંખ મારતો નથી જ્યારે આજનો માણસ?

દ્બભગવાન કૃષ્ણે કાળીનાગનું દમન કર્યુ. તેમણે નાગની ઝેરી વૃત્તીઓનું જ દમન કર્યુ છે. તેને મોક્ષ આપ્યો છે.ભગવાન કૃષ્ણે લખ્યું છે કે નાગોમાં હું ‘વાસુકી નાગ’ છું.કાળીનાગ વૃદાવનમાં લોકોને ત્રાસ આપતો હતો આજે માણસો જે ત્રાસવાદી છે તે ત્રાસ આપી રહ્યા છે તેને નાથવાની જરૂર છે.
દ્બનાગનો ઉપયોગ દેવોએ કર્યો છે. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાં દોરડું બની ને તે કામમાં આવ્યો. સમુદ્ર મંથનમાં નાગ કેવો ઉપયોગી નીવડ્યો. દેવો ઉપર ઉપકાર કેવો કર્યો? તો ઉપકાર કરનાર પૂજાયજ ને? ભગવાન ભોળાનાથ પોતાના ગળામાં નાગ રાખે છે. ભગવાન ભોળેનાથે જગતનું ઝેર કંઠમાં રાખી કેવો ઉપદેશ આપ્યો છે.

જે જગતના ઝેર પી શકે તે જ શંકર થઈ શકેને? ભગવાન વિષ્ણુ પણ પાતાળમાં શેષ શૈયા ઉપર બિરાજ્યા છે.નાગનું મહત્વ દેવતાઓએ વધાર્યુ છે. એવી માન્યતા છે કે નાગ પાંચમ કરવાથી રાત્રે ખરાબ સ્વપના આવતા નથી. નાગ દેવતા રક્ષણ કરે છે ભગવાન વિષ્ણુ અને ભોળાનાથ તેમના ઉપર પ્રસન્ન રહે છે. અમદાવાદના શાહીબાગ ડફનાળામાં આવેલા ભેખળધારી ગોગા મહારાજનું મંદિર આવેલું છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ ગોગા મહારાજ મંદિરના મહંત ઈશ્વરભાઈ દેસાઈએ નાગ દેવતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાનું કોઈ ખેતર એવું નહી હોય કે જ્યાં નાગ દાદાની ડેરી ના હોય. ગામડાઓમાં નાગ દેવતાને ખેતીયાદાદા તરીકે ઓળખવામાં આવે છે. નાગનું પૂજન કરવાથી નાગ કરડતો નથી આખા ઘરનું રક્ષણ કરે છે.કોઈ સારા કામે જતા હોઈએ અને નાગ સામે દેખાય તો તેને શુભ શકન માનવામાં આવે છે.

નાગ પંચમીએ નાગને ચોખ્ખા ઘીનો દીવો શા માટે?
શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોના ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે.
ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનો સ્વામી(અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. બંગાળ તથા કેરાલા એ નાગપૂજાના પ્રધાનક્ષેત્ર ગણાય છે.

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં શ્રાવણ સુદ પાંચમને દિવસે નાગપંચમી ઉજવાય છે. જ્યારે બાકીના મોટાભાગનાં ગુજરાતી વિસ્તારમાં રક્ષાબંધન (બળેવ) પછીની અને જન્માષ્ટમી પહેલાની પાંચમ(વદ પાંચમ) નાગ પંચમી તરીકે ઉજવાય છે.
આ અંગે પંચાંગ વિષયના એક અભ્યાસી ખગોળવિંદ વધુમાં જણાવે છે કે દક્ષિણ ભારતના ઘણાં મંદિરોમાં નાગદેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોય છે. આપણે ત્યાં ખોડિયાર માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિને ખોડીદાસ, બહુચર માતાની બાધાથી જન્મેલ વ્યક્તિને બહેચરદાસ અને મહાકાળી-કાળકા માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિનું નામ કાળીદાસ રાખવામાં આવતું હતું. આ જ પરંપરા મુજબ નાગદેવતાની કૃપાથી જન્મેલ વ્યક્તિનું નામ નાગજીભાઈ રાખવામાં આવતું હતું. તેથી જ પશુપાલકો તથા માલધારી સમાજમાં નાગજીભાઈ નામ વિશેષ જોવા મળે છે.
આપણા પૂર્વજોને જ્ઞાાન હતું કે નાગ-સાપને રૂ-કપાસ-કપાસિયા તથા ચોખ્ખા ઘીની વાસ ગમતી નથી. તેથી જ્યારે માનવીના રહેણાંકની નજીકમાં સાપ આવ્યો હોય ત્યારે ઘીનો દીવો અથવા કપાસિયા-ઘીનો ધૂપ કરવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ સાપને માનવવસ્તીથી દૂર કરવા – ભગાડવા માટેનો આ સાત્વિક-નિર્દોષ ઉપચાર છે જેને ધર્મ સાથે, પૂજ્ય ભાવથી જોડી દેવામાં આવ્યો છે.
ભવિષ્ય પુરાણ નામના ધર્મગ્રંથમાં બાર પ્રકારના નાગકુળ જણાવ્યા છે. જે આ પ્રમાણે છે,
(૧) અનંત (૨) વાસુકિ (૩) શંખ (૪) પદ્મ (૫) કંબલ (૬) કર્કોટક (૭) અશ્વતર (૮) ધૃતરાષ્ટ્ર (૯) શંખપાલ (૧૦) કાલિય (૧૧) તક્ષક (૧૨) પીંગલ.
જ્યારે કૃષિ જ્યોતિષ – પરંપરાગત હવામાનશાસ્ત્રનાં ગ્રંથોમાં બાર પ્રકારના મેઘના નામની સાથે બાર પ્રકારનાં નાગ સાંકળવામાં આવ્યા છે. સંવત્સરની ગણતરીના આધારે દર વર્ષે કયા નાગનું પ્રભુત્વ (ઋતુવૈજ્ઞાાનિક પ્રભાવક અસરો) રહેશે તે અંગે રસપ્રદ વિગતો મળે છે. હવામાનશાસ્ત્રનાં આ બાર પ્રકારના નાગનાં નામ સહેજ અલગ પડે છે,
(૧) સુબુધ્ધ (૨) નંદસારી (૩) કર્કોટક (૪) પૃથુશ્રવ (૫) વાસુકિ (૬) તક્ષક (૭) કંબલ (૮) અશ્વતર (૯) હેમમાલી (૧૦) નરેન્દ્ર (૧૧) વ્રજદ્રષ્ટ (૧૨) વૃષ.
સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ નગરના ગ્રામદેવતા વાસુકિ નાગ છે. ધાધલ કુળનાં કાઠી દરબારોના કુળદેવતા પણ વાસકિ નાગ મનાય છે. નરસિંહ મહેતાનાં નાગદમન કાવ્યમાં કાલિય નાગનું વર્ણન છે. પરીક્ષિત રાજાની સાથે તક્ષક નાગની કથા ધર્મશાસ્ત્રમાં જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં સર્પદંશથી મૃત્યુ પામનાર વ્યક્તિનું શ્રાદ્ધ નાગપાંચમને દિવસે કરવાનો રિવાજ છે.
નાગ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છમાં જ નાગ સાથે જોડાયેલા સ્થળનામ (ગામના નામ) ની સંખ્યા ૩૪ જેટલી છે. જેમાં નાગડકા, નાગડોળ, નાગતર, નાગધરા, નાગનેશ, નાગફણાં, નાગપુર, નાગલપુર, નાગલપર, નાગલોડ, નાગવદર, નાગવાસણ, નાગવીરી વગેરે નોંધપાત્ર છે. જખવાડા – ગમાનપુરા વગેરે સ્થળે નાગદેવતાનાં મેળા યોજાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાપ-નાગ ખરેખર દૂધ પીતા હોવાનું જાણ્યું નથી. પ્રાણીશાસ્ત્રીઓ સ્પષ્ટ કહે છે કે નાગ-સાપ દૂધ પીતા નથી. નાગપાંચમનાં દિવસે મદારી તથા ભિક્ષુકોની ખોટી માંગણીઓને તાબે થવું નહીં. પરંતુ એવી સંસ્થાઓની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં બાળકોને સાપ-નાગ અંગે સાચી જાણકારી મળી રહે. નવી પેઢીને સર્પસૃષ્ટિની યોગ્ય અને સાચી માહિતી આપવાના હકારાત્મક પ્રયત્નો કરવા જોઈએ.
સાભાર : ગૌતમ કોટીલા