Daily Archives: August 22, 2016

*કાશ્મીરની જેમ બલૂચિસ્તાન અંગે પણ નહેરુની ભૂલ નડી ગઈ?*

Standard

                                        વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ ઑગસ્ટે કાશ્મીર પર બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં સ્પષ્ટ કહી દીધું કે હવે સમય આવી ગયો છે કે બલૂચિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પાકિસ્તાનના અત્યાચારોને ખુલ્લા પાડવામાં આવે. મોદીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યો કે તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના જે લોકો પાકિસ્તાન બહાર રહેતા હોય તેમનો સંપર્ક કરે અને તે પ્રદેશમાં પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતા અત્યાચારો અંગે માહિતી એકત્ર કરે.

મોદીએ કહ્યું કે પાકિસ્તાન ભૂલી જાય છે કે તે તેના જ નાગરિકો પર લડાકુ વિમાનો દ્વારા બોમ્બમારો કરે છે. મોદીએ કહ્યું કે તેમની સરકાર કાશ્મીર ઘાટીની સમસ્યા ઉકેલશે પરંતુ કાશ્મીરની ચર્ચા થાય ત્યારે જમ્મુ, લદ્દાખ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની પણ એ જ સૂરમાં ચર્ચા થવી જોઈએ.

આ પછી મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેર ભાષણ કરતાં પણ બલૂચિસ્તાન, ગિલગીટ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો પ્રશ્ર્ન ઉઠાવીને પાકિસ્તાનની દુ:ખતી રગ પર હાથ મૂક્યો છે. તેમણે માત્ર આટલું જ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર, બલૂચિસ્તાન અને ગિલગીટના લોકોએ પોતાના પ્રશ્ર્નો ઉઠાવવા બદલ તેમનો આભાર માન્યો છે અને તે બદલ તેઓ કૃતજ્ઞતા અનુભવે છે. પણ રાજદ્વારી રીતે આટલા શબ્દો પણ એ સમજવા પૂરતા છે કે ભારતની પાકિસ્તાન પ્રત્યેની નીતિમાં ૧૮૦ ડિગ્રીનું પરિવર્તન આવી ગયું છે.

મોદીના આવ્યા પહેલાં ભારતની નીતિ ખૂબ જ સંરક્ષણાત્મક હતી. પાકિસ્તાન ભારતમાંથી જ જન્મ્યું છે. તેમ છતાં કાશ્મીર પર તેણે આક્રમણ કર્યું અને નહેરુ સંયુક્ત રાષ્ટ્રોમાં ગયા. તે પછી ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો થયાં. ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું. દર વખતે આપણે મેદાનમાં જીત્યા અને મંત્રણાના મેજ પર કૂટનીતિમાં હારી ગયા. આપણી સ્થિતિ સમજવા આ ઉદાહરણ પૂરતું છે. એક કિશોર જે ખૂબ જ હટ્ટોકટ્ટો અને ઊંચો છે છતાં જ્યારે શેરીમાં નીકળે ત્યારે એક સૂકલકડી ઠીંગણો કિશોર તેને ખૂબ જ ચીડવે, તેને લાફા મારે. હટ્ટોકટ્ટો કિશોર રોતોરોતો ઘરમાં આવીને ફરિયાદ કરે. એક વાર તેના ઘરમાં માબાપ નહોતા અને કાકા આવ્યા હતા. કાકા આગળ ભત્રીજાએ ફરિયાદ કરી. કાકાએ સામે તેને લાફો માર્યો અને કહ્યું, ખબરદાર, ફરિયાદ લઈને આવ્યો છે તો. જા જઈને પેલાને પાંસરો કરી આવ. કંઈ થશે તો હું બેઠો છું. અત્યાર સુધી લશ્કરને કે રાજનીતિની રીતે એવું કહેનાર કોઈ નહોતું કે કંઈ થશે તો હું બેઠો છું. આક્રમકતાનો અભાવ હતો. પરંતુ પહેલી વાર ભારતની નીતિ આક્રમક જણાય છે અને ભારતની અચાનક આ નીતિથી પાકિસ્તાન સ્તબ્ધ છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે બલૂચિસ્તાન, ગિલગીટ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રશ્ર્નો શું છે? પાકિસ્તાનને તેનાથી કેમ પેટમાં દુ:ખે છે?

બલૂચિસ્તાન એ અગ્નિ ખૂણામાં આવેલો પાકિસ્તાનનો પ્રાંત છે. ત્યાં બલોચ, પશ્તુન, બ્રહુઇસ, સિંધી, પંજાબી વગેરે સમુદાયો રહે છે. ઈ.સ. ૬૫૪માં અહીં ઈસ્લામનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. ચીન જે બંદર વિકસાવી રહ્યું છે તે ગ્વાદર પણ બલૂચિસ્તાનનો ૧૯૭૭થી ભાગ છે. આથી ભારતના આ વલણથી ચીન પણ સ્તબ્ધ છે.

વાસ્તવમાં, બલૂચિસ્તાન ભારતનો જ ભાગ હોત, પણ પં. નહેરુની ઉદાર નીતિ અહીં પણ આપણને નડી ગઈ. જ્યારે બ્રિટિશરો ભારતીય ઉપખંડ છોડીને ગયા ત્યારે તાત્કાલિક બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ નહોતું બન્યું. તે સાડા સાત મહિના સુધી સ્વતંત્ર હતું. એક રીતે તેની સ્થિતિ કાશ્મીર જેવી જ હતી. બલૂચિસ્તાનના રાજા ખાન ઑફ કલાત મીર અહેમદીયાર ખાન બલૂચિસ્તાનને ભારતમાં ભેળવવા માગતા હતા. પવન દુર્રાની નામના કાશ્મીરી પત્રકાર અને બ્લોગરે ૨૬ ઑક્ટોબર ૨૦૧૨માં ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા: ૧૯૪૭માં કિંગ ઑફ કલાત (બલોચિસ્તાન)એ ભારતમાં વિલીનીકરણ કર્યું હતું. દુર્ભાગ્યે નહેરુએ તેને નકારી દીધું. બાકીનો ઇતિહાસ છે. બલોચ હજુ પણ સહન કરી રહ્યા છે.

મીર અહેમદીયાર ખાન રેડિયો સાંભળવાના શોખીન હતા અને તેમાંય ઑલ ઇન્ડિયા રેડિયો. ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર જે સાંભળ્યું તેનાથી તેઓ ચોંકી ગયા. રેડિયો પર વિદેશ સચિવ વી. પી. મેનનને લગતા સમાચાર આવી રહ્યા હતા. મેનને નિવેદન જાહેર કર્યું હતું કે ખાન ઑફ કલાત બલૂચિસ્તાનને ભારતમાં ભેળવવા માગે છે પરંતુ ભારતને તેની સાથે કોઈ લેવા દેવા નથી.

વી. પી. મેનનના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો. સરદાર પટેલે બીજા જ દિવસે નિવેદન જાહેર કરી દીધું કે ખાન ઑફ કલાત તરફથી ભારતને કોઈ વિનંતી મળી નથી. ૩૦ માર્ચ ૧૯૪૮ના રોજ વડા પ્રધાન નહેરુએ તો મેનને જે કંઈ કહ્યું હતું તેનો વિગતવાર નકાર કર્યો. દરમિયાનમાં પાકિસ્તાનની સેનાએ ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ બલૂચિસ્તાન પર આક્રમણ કર્યું અને ખાન ઑફ કલાતને ૨૮ માર્ચે પરાણે બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવવું પડ્યું.

ખાન ઑફ કલાતને પણ મોહમ્મદ અલી ઝીણાના દગાખોર સ્વભાવનો પરચો મળી ગયો. ખાન ઑફ કલાત બ્રિટિશરોથી મુક્ત બલૂચિસ્તાન ઈચ્છતા હતા. તેઓ મુસ્લિમ લીગને ઉદાર હાથે ફંડ આપતા હતા. તેમણે ઝીણાને રાજ્યના કાનૂની સલાહકાર નિમ્યા હતા! ૪ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ એવી સમજૂતી થઈ હતી કે કલાત સ્ટેટ (બલૂચિસ્તાન) ૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર થશે. તે ૧૮૩૮માં જે દરજ્જો ભોગવતું હતું તે જ દરજ્જો ભોગવશે.

અંતે પાકિસ્તાનનો જન્મ થયો તે પછી કલાતને મીર અહેમદીયાર ખાને સ્વતંત્ર જાહેર કર્યું પરંતુ ઝીણાએ સેના મોકલીને તેને પાકિસ્તાનમાં ભેળવી દીધું. ૧૯૫૮-૫૯માં બલૂચ નેતા નવાબ નૌરોઝ ખાને વિદ્રોહ કર્યો. તેણે અને તેના સાથીઓએ ગેરિલા યુદ્ધ છેડ્યું હતું. પરંતુ તેમની ધરપકડ થઈ અને તેમના પર રાજદ્રોહનો આરોપ લગાડી તેને હૈદરાબાદ જેલમાં મૂકી દેવાયા. તેમના કુટુંબના પાંચ સભ્યો જેમાં તેમના પુત્રો અને ભત્રીજાઓનો સમાવેશ થતો હતો તેમને ફાંસી આપી દેવાઈ. નવાબ નૌરોઝ ખાનનું જેલમાં જ મૃત્યુ થયું.

નહેરુએ કાશ્મીરને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપ્યો તે હજુ પણ ચાલુ છે અને આપણા ટેક્સના પૈસે કાશ્મીરીઓ જલસા કરે છે. પરંતુ બલૂચિસ્તાનના મામલે આવું થયું નહીં. પાકિસ્તાનને બલૂચિસ્તાનને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપવાની લોલિપોપ આપી હતી. પરંતુ ૧૯૫૬માં પાકિસ્તાને ખંધાઈ કરી અને બલૂચિસ્તાનને આપેલી સ્વાયત્તતા ઘટાડી નાખી. આથી શેર મોહમ્મદ બીજરાનીના નેતૃત્વમાં બલોચ લોકોએ ગેરિલા પદ્ધતિથી ફરી યુદ્ધ છેડ્યું. તેમની એક માગણી એ પણ હતી કે બલૂચિસ્તાનમાં સુઈ ગેસ ક્ષેત્રમાંથી જે આવક મળતી હતી તેમાં બલૂચિસ્તાનને ભાગ મળવો જોઈએ. પરંતુ દુર્ભાગ્યે બલોચ નેતાઓ પાકિસ્તાનની સેના સામે હારી ગયા અને ૧૯૬૯માં તેમણે યુદ્ધ વિરામ જાહેર કરવો પડ્યો. ૧૯૭૦માં પાકિસ્તાનના પ્રમુખ યાહ્યાખાને બલૂચિસ્તાનને પાકિસ્તાનનું ચોથું પ્રાંત જાહેર કરી દીધું.

૧૯૭૩માં પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ બળવાનું કારણ આપીને બલૂચિસ્તાન અને નોર્થ વેસ્ટ ફ્રંટિયર પ્રોવિન્સની સરકારોને પદભ્રષ્ટ કરી દીધી. ત્યાં માર્શલ લૉ લાદી દીધો. આના પરિણામે ખૈર બક્ષ મારીએ બલૂચિસ્તાન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ રચી દીધો અને મારી અને મેંગાલ આદિવાસીઓએ પાકિસ્તાનની સરકાર સામે ગેરિલા પદ્ધતિથી યુદ્ધ છેડી દીધું. આ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાએ ૩૦૦થી ૪૦૦ સૈનિકો ગુમાવ્યા તો સામે પક્ષે બલૂચિસ્તાનના ૭,૩૦૦ સૈનિકો અને ૯,૦૦૦ નાગરિકો મરાયા.

વર્ષ ૨૦૦૪માં ગ્વાદર બંદર પર હુમલો કરાયો હતો જેમાં ચીનના ત્રણ ઇજનેરો મરાયા હતા. ૨૦૦૫માં બલોચના નવાબ અકબર ખાન બુગતી અને મીર બલચ મારીએ પાકિસ્તાન સરકાર સમક્ષ ૧૫ મુદ્દાનો એજન્ડા મૂક્યો. ઑગસ્ટ ૨૦૦૬માં આ બુગતી સેનાની સાથે લડાઈમાં માર્યા ગયા. તેમાં પાકિસ્તાનના ૬૦ સૈનિકો પણ મરાયા હતા. એપ્રિલ ૨૦૦૯માં બલોચ રાષ્ટ્રીય ચળવળના પ્રમુખ ગુલામ મોહમ્મદ બલોચ અને બીજા બે રાષ્ટ્રવાદી નેતાની ધરપકડ કરાઈ અને તેમને આંખ પર પાટા બાંધી દઈ તેમને ધક્કા દઈ એક ટ્રકમાં ચડાવી દેવાયા. પાંચ દિવસ પછી તેમના મૃતદેહો મળી આવ્યા હતા. ૧૨ ઑગસ્ટ ૨૦૦૯ના રોજ ખાન ઑફ કલાત સુલેમાન દાઉદે પોતાને બલૂચિસ્તાનનો શાસક જાહેર કરી દીધો.

આ જ રીતે ગિલગીટ અને બાલ્ટીસ્તાનનો મુદ્દો પણ પાકિસ્તાનના ગળામાં ફસાયેલો છે. પાકિસ્તાન પહેલાં તેને નોર્ધન એરિયા તરીકે ઓળખાવતું હતું, પરંતુ ઑગસ્ટ ૨૦૦૯થી તે ગિલગીટ-બાલ્ટીસ્તાન તરીકે ઓળખાય છે. બે બ્રિટિશ અધિકારીઓની ગદ્દારીના કારણે ગિલગીટ-બાલ્ટીસ્તાન પાકિસ્તાનમાં જતા રહ્યા. જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહે મેજર ડબ્લ્યુ. એ. બ્રાઉન અને કેપ્ટન એ. એસ. મેથીસનને ગિલગીટના મહારાજાને આપ્યા હતા. હરિસિંહે કાશ્મીરને ભારતમાં ભેળવ્યું તેની સાથે આ બંને બ્રિટિશ અધિકારીઓએ દગો કરી ગિલગીટના સેનાના અધિકારી બ્રિગેડિયર ઘંસારા સિંહને જેલમાં પૂરી દીધા. અને ગિલગીટને પાકિસ્તાનમાં ભેળવી દીધું. આ બળવાના સમાચાર સાંભળીને લુચ્ચા બ્રિટિશરોએ ગિલગીટનો કબજો પાકિસ્તાન પાસે જ રહેવા દીધો.

અહીં સ્થાનિક વસતિનું પ્રમાણ જળવાઈ રહે તે માટે કાયદો હતો, પરંતુ પાકિસ્તાનના પ્રમુખ ભુટ્ટોએ આ કાયદો ફેરવી તોળ્યો જેથી પાકિસ્તાનના સુન્ની મુસ્લિમો ત્યાં જમીન લઈ શકે અને સ્થાયી થઈ શકે. (આપણા કોઈ નેતાને હજુ કાશ્મીરમાં આવો કાયદો ૩૭૦ ફેરવી તોળવાનો વિચાર આવતો નથી.) તે પછી ઝિયા ઉલ હક આવ્યા. તેમના વખતમાં શિયા વિરોધી દળોના હિંસાચારથી આ પ્રદેશમાં શિયા મુસ્લિમોની વસતિ ધરખમ રીતે ઘટી ગઈ. અહીં હમણાં હમણાંથી પાકિસ્તાન પ્રત્યે રોષ વધી ગયો છે. અહીંના લોકો પાકિસ્તાનથી સ્વતંત્રતા ઈચ્છે છે.

તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની સ્થિતિ પણ જુદી નથી. ત્યાં સ્વાયત્તતા નામ પૂરતી છે. સંસાધનો પુષ્કળ છે, પરંતુ જોઈએ તેવો વિકાસ થયો નથી. ત્યાં પાકિસ્તાનની કઠપૂતળી સરકાર જ આવે છે. તાજેતરમાં નવાઝ શરીફના પક્ષ મુસ્લિમ લીગ (એન)નો મોટા પ્રમાણમાં વિજય થયો પરંતુ લોકો તેને ધાંધલ ધમાલથી થયેલો વિજય ગણાવે છે. અહીંના લોકો હવે કાશ્મીરમાં ભારતની મદદ જોઈને ભારતમાં ભળવા માગે છે.

દુર્ભાગ્યે ભારતના કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત લોકો રોજ સેના પર પથ્થરમારો કરે છે, હુમલા કરે છે. અને બરખા દત્ત, દિગ્વિજયસિંહ જેવા પત્રકારો-રાજકીય નેતાઓ- ક્ધહૈયાકુમાર જેવા વિદ્યાર્થી નેતાઓ- એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા જેવી સંસ્થાઓ તેને પ્રોત્સાહન આપતા લેખો લખે છે- કાર્યક્રમો કરે છે- સૂત્રોચ્ચાર કરે છે. પરંતુ નરેન્દ્ર મોદીની આક્રમક નીતિ જો ચાલુ રખાશે તો તે રંગ લાવશે જ તેમાં કોઈ બેમત નથી.         
જયવંત પંડ્યા

卐નાગ પંચમી卐

Standard

નાગપાંચમ કથા

પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહું મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી – તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યુ કે ‘ અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહી.’ આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ.
તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી. અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી – સાંપ ભાઈ પ્રણામ.સાંપ બોલ્યો ‘ તે મને ભાઈ કહ્યુ છે તેથી જવા દઉ છુ નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેતો. તે બોલી – ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાંપ બોલ્યો – સારું આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી ભાઈ મારુ કોઈ નથી, સારું થયુ કે તમે મારા ભાઈ બની ગયા.
થોડાક દિવસો વિત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે – મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ‘ આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો – હું તેનો દૂરનો ભાઈ છુ. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ સાંપ છું, એટલે તુ ગભરાઈશ નહી. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે સાંપના કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ.
એક દિવસે સાંપની માતાએ તેને કહ્યુ – હું એક કામથી બહાર જઈ રહી છું, તુ તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ. જેનાથી સાંપનું મોં બળી ગયું. સાંપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાંપે તેમણે ચૂપ રહેવાનું કહ્યુ. પછી તેને બહું બધું સોનુ, ચાંદી, હીરા- ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી.
આટલું ધન જોઈને મોટી વહુંને ઈર્ષા આવી તે બોલી – ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજુ વધુ ધન લેવું જોઈએ. સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી.
સાંપે નાની વહુને હીરા-મોતીનો અદ્ભૂત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી – શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલદી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યુ કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારુ ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે – ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાંપે તેવુ જ કર્યુ. જેવો રાણીએ હાર પહેર્યો કે તરતજ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી.
રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા. કે રાજા ન જાણે શુ કરશે ? તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુ ને પૂછ્યું – તે શુ જાદુ કર્યો છે , હું તને દંડ આપીશ. નાની વહુ બોલી – રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા-મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાંપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે – હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંપમાંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો.
આ જોઈને રાજા ધણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ધણી સોનોમહોરો પણ આપી. તે બધુ લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા – આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું – સાચુ બોલ કે તને આ ધન કોણ આપે છે ?નાની વહુએ તરતજ સાંપને યાદ કર્યો. સાંપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો – જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.
નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાંપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.

નાગદેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્રદોરી ઘીનો દિવો કરી વંદન કરે છે.અને શ્રીફળ વધેરે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે. નાગ નો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ના કરવામાં આવે તો તે કરડતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે.હૃદય અને મનમાં કેટલાક માણસોમાં ઝેર ભર્યુ હોય છે.જો કે આવો સ્વભાવ આખરે નુકશાન કારક નિવડે જ છે. આજના માણસ વગર છંછેડે ફુંફાડા મારે છે. નાગની ખાસીયત છે કે તે પોતાના ભાઈ ભાંડુને ડંખ મારતો નથી જ્યારે આજનો માણસ?

દ્બભગવાન કૃષ્ણે કાળીનાગનું દમન કર્યુ. તેમણે નાગની ઝેરી વૃત્તીઓનું જ દમન કર્યુ છે. તેને મોક્ષ આપ્યો છે.ભગવાન કૃષ્ણે લખ્યું છે કે નાગોમાં હું ‘વાસુકી નાગ’ છું.કાળીનાગ વૃદાવનમાં લોકોને ત્રાસ આપતો હતો આજે માણસો જે ત્રાસવાદી છે તે ત્રાસ આપી રહ્યા છે તેને નાથવાની જરૂર છે.
દ્બનાગનો ઉપયોગ દેવોએ કર્યો છે. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાં દોરડું બની ને તે કામમાં આવ્યો. સમુદ્ર મંથનમાં નાગ કેવો ઉપયોગી નીવડ્યો. દેવો ઉપર ઉપકાર કેવો કર્યો? તો ઉપકાર કરનાર પૂજાયજ ને? ભગવાન ભોળાનાથ પોતાના ગળામાં નાગ રાખે છે. ભગવાન ભોળેનાથે જગતનું ઝેર કંઠમાં રાખી કેવો ઉપદેશ આપ્યો છે.

જે જગતના ઝેર પી શકે તે જ શંકર થઈ શકેને? ભગવાન વિષ્ણુ પણ પાતાળમાં શેષ શૈયા ઉપર બિરાજ્યા છે.નાગનું મહત્વ દેવતાઓએ વધાર્યુ છે. એવી માન્યતા છે કે નાગ પાંચમ કરવાથી રાત્રે ખરાબ સ્વપના આવતા નથી. નાગ દેવતા રક્ષણ કરે છે ભગવાન વિષ્ણુ અને ભોળાનાથ તેમના ઉપર પ્રસન્ન રહે છે. અમદાવાદના શાહીબાગ ડફનાળામાં આવેલા ભેખળધારી ગોગા મહારાજનું મંદિર આવેલું છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ ગોગા મહારાજ મંદિરના મહંત ઈશ્વરભાઈ દેસાઈએ નાગ દેવતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાનું કોઈ ખેતર એવું નહી હોય કે જ્યાં નાગ દાદાની ડેરી ના હોય. ગામડાઓમાં નાગ દેવતાને ખેતીયાદાદા તરીકે ઓળખવામાં આવે છે. નાગનું પૂજન કરવાથી નાગ કરડતો નથી આખા ઘરનું રક્ષણ કરે છે.કોઈ સારા કામે જતા હોઈએ અને નાગ સામે દેખાય તો તેને શુભ શકન માનવામાં આવે છે.

નાગ પંચમીએ નાગને ચોખ્ખા ઘીનો દીવો શા માટે?
શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોના ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે.
ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનો સ્વામી(અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. બંગાળ તથા કેરાલા એ નાગપૂજાના પ્રધાનક્ષેત્ર ગણાય છે.

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં શ્રાવણ સુદ પાંચમને દિવસે નાગપંચમી ઉજવાય છે. જ્યારે બાકીના મોટાભાગનાં ગુજરાતી વિસ્તારમાં રક્ષાબંધન (બળેવ) પછીની અને જન્માષ્ટમી પહેલાની પાંચમ(વદ પાંચમ) નાગ પંચમી તરીકે ઉજવાય છે.
આ અંગે પંચાંગ વિષયના એક અભ્યાસી ખગોળવિંદ વધુમાં જણાવે છે કે દક્ષિણ ભારતના ઘણાં મંદિરોમાં નાગદેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોય છે. આપણે ત્યાં ખોડિયાર માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિને ખોડીદાસ, બહુચર માતાની બાધાથી જન્મેલ વ્યક્તિને બહેચરદાસ અને મહાકાળી-કાળકા માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિનું નામ કાળીદાસ રાખવામાં આવતું હતું. આ જ પરંપરા મુજબ નાગદેવતાની કૃપાથી જન્મેલ વ્યક્તિનું નામ નાગજીભાઈ રાખવામાં આવતું હતું. તેથી જ પશુપાલકો તથા માલધારી સમાજમાં નાગજીભાઈ નામ વિશેષ જોવા મળે છે.
આપણા પૂર્વજોને જ્ઞાાન હતું કે નાગ-સાપને રૂ-કપાસ-કપાસિયા તથા ચોખ્ખા ઘીની વાસ ગમતી નથી. તેથી જ્યારે માનવીના રહેણાંકની નજીકમાં સાપ આવ્યો હોય ત્યારે ઘીનો દીવો અથવા કપાસિયા-ઘીનો ધૂપ કરવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ સાપને માનવવસ્તીથી દૂર કરવા – ભગાડવા માટેનો આ સાત્વિક-નિર્દોષ ઉપચાર છે જેને ધર્મ સાથે, પૂજ્ય ભાવથી જોડી દેવામાં આવ્યો છે.
ભવિષ્ય પુરાણ નામના ધર્મગ્રંથમાં બાર પ્રકારના નાગકુળ જણાવ્યા છે. જે આ પ્રમાણે છે,
(૧) અનંત (૨) વાસુકિ (૩) શંખ (૪) પદ્મ (૫) કંબલ (૬) કર્કોટક (૭) અશ્વતર (૮) ધૃતરાષ્ટ્ર (૯) શંખપાલ (૧૦) કાલિય (૧૧) તક્ષક (૧૨) પીંગલ.
જ્યારે કૃષિ જ્યોતિષ – પરંપરાગત હવામાનશાસ્ત્રનાં ગ્રંથોમાં બાર પ્રકારના મેઘના નામની સાથે બાર પ્રકારનાં નાગ સાંકળવામાં આવ્યા છે. સંવત્સરની ગણતરીના આધારે દર વર્ષે કયા નાગનું પ્રભુત્વ (ઋતુવૈજ્ઞાાનિક પ્રભાવક અસરો) રહેશે તે અંગે રસપ્રદ વિગતો મળે છે. હવામાનશાસ્ત્રનાં આ બાર પ્રકારના નાગનાં નામ સહેજ અલગ પડે છે,
(૧) સુબુધ્ધ (૨) નંદસારી (૩) કર્કોટક (૪) પૃથુશ્રવ (૫) વાસુકિ (૬) તક્ષક (૭) કંબલ (૮) અશ્વતર (૯) હેમમાલી (૧૦) નરેન્દ્ર (૧૧) વ્રજદ્રષ્ટ (૧૨) વૃષ.
સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ નગરના ગ્રામદેવતા વાસુકિ નાગ છે. ધાધલ કુળનાં કાઠી દરબારોના કુળદેવતા પણ વાસકિ નાગ મનાય છે. નરસિંહ મહેતાનાં નાગદમન કાવ્યમાં કાલિય નાગનું વર્ણન છે. પરીક્ષિત રાજાની સાથે તક્ષક નાગની કથા ધર્મશાસ્ત્રમાં જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં સર્પદંશથી મૃત્યુ પામનાર વ્યક્તિનું શ્રાદ્ધ નાગપાંચમને દિવસે કરવાનો રિવાજ છે.
નાગ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છમાં જ નાગ સાથે જોડાયેલા સ્થળનામ (ગામના નામ) ની સંખ્યા ૩૪ જેટલી છે. જેમાં નાગડકા, નાગડોળ, નાગતર, નાગધરા, નાગનેશ, નાગફણાં, નાગપુર, નાગલપુર, નાગલપર, નાગલોડ, નાગવદર, નાગવાસણ, નાગવીરી વગેરે નોંધપાત્ર છે. જખવાડા – ગમાનપુરા વગેરે સ્થળે નાગદેવતાનાં મેળા યોજાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાપ-નાગ ખરેખર દૂધ પીતા હોવાનું જાણ્યું નથી. પ્રાણીશાસ્ત્રીઓ સ્પષ્ટ કહે છે કે નાગ-સાપ દૂધ પીતા નથી. નાગપાંચમનાં દિવસે મદારી તથા ભિક્ષુકોની ખોટી માંગણીઓને તાબે થવું નહીં. પરંતુ એવી સંસ્થાઓની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં બાળકોને સાપ-નાગ અંગે સાચી જાણકારી મળી રહે. નવી પેઢીને સર્પસૃષ્ટિની યોગ્ય અને સાચી માહિતી આપવાના હકારાત્મક પ્રયત્નો કરવા જોઈએ.
સાભાર : ગૌતમ કોટીલા

🌺🌸 *ભવનાથ મહાદેવ*🌸🌺 🌹🌸 *મૃગીકુંડ જુનાગઢ*🌸🌹

Standard

        સિધ્ધરાજ સોલંકી,રણક્દેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે,ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે?

*ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો,*
*મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયો?*

ગિરનારની  તળેતીમાં આવેલા પુરાણપ્રસિધ્ધ દામોદર કુંડમાં પ્રિયજનના અસ્થિ પધરાવીને, રેવતીકુંડમાં સ્નાન કરી, મૃગીકુંડ અને ભવનાથના દર્શને આવેલો કોઇ અનામી વિયોગી મૃગીકુંડને પુછે છેઃ

*મરઘીકુંડના કાંઠડા*,
*તને કેતા જુગ થિયા?*

પથ્થર તો શું જવાબ આપે?એટલે લોકકવિ પુનઃ પ્રશ્ન દ્રારા ઉતર વાળે છેઃ

*મરઘીકુંડના કાંઠડા,તને કેતા જુગ થિયા?*
*માઢુ હતા એ હાલી વિયા, પાણ જ પડ્યા રિયા?*

સ્વજન તો સિધાવી ગયા ને તમે પથરા જ અહીં રહ્યા? પથ્થરને માનવીએ કરેલો ઉપાલંભ આ દુહામાં ચોટદાર રીતે વ્યક્ત થયો છે.

          સૌરાષ્ટ્રના જે મુખ્ય શીવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે.ગિરતળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે.લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાત્મા અશ્વતથામા શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગી કુંડમાં સ્નાન કરે છે તેવી ક્થા પણ છે.

             ગિરનાર ચોર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે. યોગીઓની તપો ભૂમી અને સાધુ-સંતો માટે માનો ખોળો છે.પ્રાચિન શીવાલયોની ઉત્પતી ક્થા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી.જુના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા.ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે.

        જગતપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી,સંસારીઓના સુખદુઃખનું સમાપન કરવાની વિનંતી કરી.શંકરે પૃથ્વી પર નજર દોડાવી.વનરાજીથી આભૂષીત એવો રેવતાચળ ગિરનાર તેમની નજરે ચડ્યો.ગિરનારના ખોળે તેમને આસન ભિડ્યુ.બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી.શંકરને દેવોએ સૃષ્ટી પર મોક્લ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા.પતિની શોધ ખોળ કરતા પાર્વતી શંકરે જ્યા આસન વાળેલુ ત્યાં આવ્યા.પાછળ બીજા દેવતાઓ પણ હતા. શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો.પાર્વતીએ અંબીકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરરાય તરીકે દામોદરકુંડમાં વાસ કર્યો.અન્ય દેવતા સહિત નવ નાથ,ચોરાસી સિધ્ધો,યક્ષો,ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા.

          ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ આવીજ એક કથા છે.કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઇ સ્ત્રી ફરે છે.હરણની જેમ તે કૂદે છે.સ્ત્રીનું મોઢુ હરણનું છે પણ શરીર મહિલાનું છે.રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઇ આવી શક્યો.પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી.વિદ્રાનો કોઇ માર્ગ શોધીન શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષી પાસે રાજા ભોજ ગયો.

        ઉધર્વરેતાએ મૃગમખીને માનવીની વાચા આપી.ગયા ભવમાં ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી.સિંહે મૃગલીનો શીકાર કર્યો ત્યારે ભાગવા જતા વાસની ઝાડીમાં તેનુ મસ્તક અટવાઇ ગયું. બાકીનુ શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડયુ.નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું.ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવીતો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી.તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી.મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું.ભોજે વિદ્રાનોના આશીર્વાદ લઇ તેમની સાથે લગ્ન કર્યા.

     પત્નીનું સૂચન માની રેવતાચળની તળેતીમાં ભોજે એક કુંડ બનાવ્યો.તે કુંડ એટલે મૃગી કુંડ! બન્ને કથા લોકાધારિત છે.પણ ભવનાથનો મહિમા તેમાથી જોઇ શકાય છે.શિવરાત્રીની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીક્ળે છે.તલવાર,ત્રીશુલ,ચીપયા,ભાલા ના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે.હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપુજા કરે છે.

           કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરીક્રમાનું વિશેષ મહત્વ છે.હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમા સામેલ થાય છે.એકાદશીના દિવસે દામોદર કુંડ અને મૃગી કુડમાં સ્નાન કરી ભવનાથ-દૂધેશ્વરના દર્શન કરવામાં આવે છે.બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે.તેરસને દિવસે સુર્યકુંડ તથા સરક્ડીયા હનુમાન,ચૌદશને દિવસે માળવેલથી ઉપડી,ગિરનારની પૂર્વમાં થઇ બોરદેવીમાં પડાવ નખાય છે.અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે.આજુબાજુ બોરડીનું વન અને તાતણીયો ધુનો છે.કાર્તિકી પુર્ણીમાંએ બોરદેવીથી નીક્ળી પાછા ભવનાથ અવાય છે.સમગ્ર પરિક્ર્મા ૪૦ કિલોમીટરની છે. પરિક્ર્મા દરમ્યાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવ જંતુ કે હિંસક પ્રાણીયોનો ભય રેહતો નથી.વળી અહિંનો શિવરાત્રીનો મેળો ખુબજ પ્રસિધ્ધ છે.

           મેળાના દિવસે ૫૦૦ કરતા પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવા તૈયાર થાય છે.દરેક જ્ઞાતેની વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાય જાય છે.શિવરાત્રીની રાત્રે ૧૦ વાગ્યાના આરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનુ સરઘસ નીક્ળે છે.નાગા બાવાનુ આ સરઘસ છ દિવસના મેળાની ચરમ સીમા છે.સરધસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ગુરૂદતાત્રેય ની હોય છે.ત્યાર બાદ અભાવ અખાડાના ગાદિપતીની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે. નાગા સાધુઓના તલવાર,ભાલા,પટ્ટાબાજીના અને લાકડીના હેરત ભર્યા ખેલ જોવા લોકો થોકે થોકે ઉમટે છે.

*શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં*

નમામીશમીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપમ્ ।
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેઽહમ્ ॥ ૧॥

નિરાકારમોંકારમૂલં તુરીયં ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશમ્ ।
કરાલં મહાકાલ કાલં કૃપાલં ગુણાગાર સંસારપારં નતોઽહમ્ ॥ ૨॥

તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં મનોભૂત કોટિપ્રભા શ્રી શરીરમ્ ।
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગઙ્ગા લસદ્ભાલબાલેન્દુ કણ્ઠે ભુજઙ્ગા ॥ ૩॥

ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકણ્ઠં દયાલમ્ ।
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ॥ ૪॥

પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્ ।
ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેઽહં ભવાનીપતિં ભાવગમ્યમ્ ॥ ૫॥

કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી સદા સજ્જનાનન્દદાતા પુરારી ।
ચિદાનન્દ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી ॥ ૬॥

ન યાવત્ ઉમાનાથ પાદારવિન્દં ભજન્તીહ લોકે પરે વા નરાણામ્ ।
ન તાવત્ સુખં શાન્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ્ ॥ ૭॥

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં નતોઽહં સદા સર્વદા શમ્ભુ તુભ્યમ્ ।
જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં પ્રભો પાહિ આપન્નમામીશ શમ્ભો ॥ ૮॥

રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે ।
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ॥

॥  ઇતિ શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥

📕 *માહિતી-સંદર્ભઃ*
જયમલ્લભાઇ.પરમાર
📌 *સંક્લન-પ્રેષિતઃ*
મયુર.સિધ્ધપુરા-જામનગર