*કાશ્મીરની જેમ બલૂચિસ્તાન અંગે પણ નહેરુની ભૂલ નડી ગઈ?*

Standard

                                        વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ ઑગસ્ટે કાશ્મીર પર બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં સ્પષ્ટ કહી દીધું કે હવે સમય આવી ગયો છે કે બલૂચિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પાકિસ્તાનના અત્યાચારોને ખુલ્લા પાડવામાં આવે. મોદીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યો કે તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના જે લોકો પાકિસ્તાન બહાર રહેતા હોય તેમનો સંપર્ક કરે અને તે પ્રદેશમાં પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતા અત્યાચારો અંગે માહિતી એકત્ર કરે.

મોદીએ કહ્યું કે પાકિસ્તાન ભૂલી જાય છે કે તે તેના જ નાગરિકો પર લડાકુ વિમાનો દ્વારા બોમ્બમારો કરે છે. મોદીએ કહ્યું કે તેમની સરકાર કાશ્મીર ઘાટીની સમસ્યા ઉકેલશે પરંતુ કાશ્મીરની ચર્ચા થાય ત્યારે જમ્મુ, લદ્દાખ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની પણ એ જ સૂરમાં ચર્ચા થવી જોઈએ.

આ પછી મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેર ભાષણ કરતાં પણ બલૂચિસ્તાન, ગિલગીટ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો પ્રશ્ર્ન ઉઠાવીને પાકિસ્તાનની દુ:ખતી રગ પર હાથ મૂક્યો છે. તેમણે માત્ર આટલું જ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર, બલૂચિસ્તાન અને ગિલગીટના લોકોએ પોતાના પ્રશ્ર્નો ઉઠાવવા બદલ તેમનો આભાર માન્યો છે અને તે બદલ તેઓ કૃતજ્ઞતા અનુભવે છે. પણ રાજદ્વારી રીતે આટલા શબ્દો પણ એ સમજવા પૂરતા છે કે ભારતની પાકિસ્તાન પ્રત્યેની નીતિમાં ૧૮૦ ડિગ્રીનું પરિવર્તન આવી ગયું છે.

મોદીના આવ્યા પહેલાં ભારતની નીતિ ખૂબ જ સંરક્ષણાત્મક હતી. પાકિસ્તાન ભારતમાંથી જ જન્મ્યું છે. તેમ છતાં કાશ્મીર પર તેણે આક્રમણ કર્યું અને નહેરુ સંયુક્ત રાષ્ટ્રોમાં ગયા. તે પછી ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો થયાં. ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું. દર વખતે આપણે મેદાનમાં જીત્યા અને મંત્રણાના મેજ પર કૂટનીતિમાં હારી ગયા. આપણી સ્થિતિ સમજવા આ ઉદાહરણ પૂરતું છે. એક કિશોર જે ખૂબ જ હટ્ટોકટ્ટો અને ઊંચો છે છતાં જ્યારે શેરીમાં નીકળે ત્યારે એક સૂકલકડી ઠીંગણો કિશોર તેને ખૂબ જ ચીડવે, તેને લાફા મારે. હટ્ટોકટ્ટો કિશોર રોતોરોતો ઘરમાં આવીને ફરિયાદ કરે. એક વાર તેના ઘરમાં માબાપ નહોતા અને કાકા આવ્યા હતા. કાકા આગળ ભત્રીજાએ ફરિયાદ કરી. કાકાએ સામે તેને લાફો માર્યો અને કહ્યું, ખબરદાર, ફરિયાદ લઈને આવ્યો છે તો. જા જઈને પેલાને પાંસરો કરી આવ. કંઈ થશે તો હું બેઠો છું. અત્યાર સુધી લશ્કરને કે રાજનીતિની રીતે એવું કહેનાર કોઈ નહોતું કે કંઈ થશે તો હું બેઠો છું. આક્રમકતાનો અભાવ હતો. પરંતુ પહેલી વાર ભારતની નીતિ આક્રમક જણાય છે અને ભારતની અચાનક આ નીતિથી પાકિસ્તાન સ્તબ્ધ છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે બલૂચિસ્તાન, ગિલગીટ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રશ્ર્નો શું છે? પાકિસ્તાનને તેનાથી કેમ પેટમાં દુ:ખે છે?

બલૂચિસ્તાન એ અગ્નિ ખૂણામાં આવેલો પાકિસ્તાનનો પ્રાંત છે. ત્યાં બલોચ, પશ્તુન, બ્રહુઇસ, સિંધી, પંજાબી વગેરે સમુદાયો રહે છે. ઈ.સ. ૬૫૪માં અહીં ઈસ્લામનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. ચીન જે બંદર વિકસાવી રહ્યું છે તે ગ્વાદર પણ બલૂચિસ્તાનનો ૧૯૭૭થી ભાગ છે. આથી ભારતના આ વલણથી ચીન પણ સ્તબ્ધ છે.

વાસ્તવમાં, બલૂચિસ્તાન ભારતનો જ ભાગ હોત, પણ પં. નહેરુની ઉદાર નીતિ અહીં પણ આપણને નડી ગઈ. જ્યારે બ્રિટિશરો ભારતીય ઉપખંડ છોડીને ગયા ત્યારે તાત્કાલિક બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ નહોતું બન્યું. તે સાડા સાત મહિના સુધી સ્વતંત્ર હતું. એક રીતે તેની સ્થિતિ કાશ્મીર જેવી જ હતી. બલૂચિસ્તાનના રાજા ખાન ઑફ કલાત મીર અહેમદીયાર ખાન બલૂચિસ્તાનને ભારતમાં ભેળવવા માગતા હતા. પવન દુર્રાની નામના કાશ્મીરી પત્રકાર અને બ્લોગરે ૨૬ ઑક્ટોબર ૨૦૧૨માં ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા: ૧૯૪૭માં કિંગ ઑફ કલાત (બલોચિસ્તાન)એ ભારતમાં વિલીનીકરણ કર્યું હતું. દુર્ભાગ્યે નહેરુએ તેને નકારી દીધું. બાકીનો ઇતિહાસ છે. બલોચ હજુ પણ સહન કરી રહ્યા છે.

મીર અહેમદીયાર ખાન રેડિયો સાંભળવાના શોખીન હતા અને તેમાંય ઑલ ઇન્ડિયા રેડિયો. ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર જે સાંભળ્યું તેનાથી તેઓ ચોંકી ગયા. રેડિયો પર વિદેશ સચિવ વી. પી. મેનનને લગતા સમાચાર આવી રહ્યા હતા. મેનને નિવેદન જાહેર કર્યું હતું કે ખાન ઑફ કલાત બલૂચિસ્તાનને ભારતમાં ભેળવવા માગે છે પરંતુ ભારતને તેની સાથે કોઈ લેવા દેવા નથી.

વી. પી. મેનનના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો. સરદાર પટેલે બીજા જ દિવસે નિવેદન જાહેર કરી દીધું કે ખાન ઑફ કલાત તરફથી ભારતને કોઈ વિનંતી મળી નથી. ૩૦ માર્ચ ૧૯૪૮ના રોજ વડા પ્રધાન નહેરુએ તો મેનને જે કંઈ કહ્યું હતું તેનો વિગતવાર નકાર કર્યો. દરમિયાનમાં પાકિસ્તાનની સેનાએ ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ બલૂચિસ્તાન પર આક્રમણ કર્યું અને ખાન ઑફ કલાતને ૨૮ માર્ચે પરાણે બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવવું પડ્યું.

ખાન ઑફ કલાતને પણ મોહમ્મદ અલી ઝીણાના દગાખોર સ્વભાવનો પરચો મળી ગયો. ખાન ઑફ કલાત બ્રિટિશરોથી મુક્ત બલૂચિસ્તાન ઈચ્છતા હતા. તેઓ મુસ્લિમ લીગને ઉદાર હાથે ફંડ આપતા હતા. તેમણે ઝીણાને રાજ્યના કાનૂની સલાહકાર નિમ્યા હતા! ૪ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ એવી સમજૂતી થઈ હતી કે કલાત સ્ટેટ (બલૂચિસ્તાન) ૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર થશે. તે ૧૮૩૮માં જે દરજ્જો ભોગવતું હતું તે જ દરજ્જો ભોગવશે.

અંતે પાકિસ્તાનનો જન્મ થયો તે પછી કલાતને મીર અહેમદીયાર ખાને સ્વતંત્ર જાહેર કર્યું પરંતુ ઝીણાએ સેના મોકલીને તેને પાકિસ્તાનમાં ભેળવી દીધું. ૧૯૫૮-૫૯માં બલૂચ નેતા નવાબ નૌરોઝ ખાને વિદ્રોહ કર્યો. તેણે અને તેના સાથીઓએ ગેરિલા યુદ્ધ છેડ્યું હતું. પરંતુ તેમની ધરપકડ થઈ અને તેમના પર રાજદ્રોહનો આરોપ લગાડી તેને હૈદરાબાદ જેલમાં મૂકી દેવાયા. તેમના કુટુંબના પાંચ સભ્યો જેમાં તેમના પુત્રો અને ભત્રીજાઓનો સમાવેશ થતો હતો તેમને ફાંસી આપી દેવાઈ. નવાબ નૌરોઝ ખાનનું જેલમાં જ મૃત્યુ થયું.

નહેરુએ કાશ્મીરને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપ્યો તે હજુ પણ ચાલુ છે અને આપણા ટેક્સના પૈસે કાશ્મીરીઓ જલસા કરે છે. પરંતુ બલૂચિસ્તાનના મામલે આવું થયું નહીં. પાકિસ્તાનને બલૂચિસ્તાનને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપવાની લોલિપોપ આપી હતી. પરંતુ ૧૯૫૬માં પાકિસ્તાને ખંધાઈ કરી અને બલૂચિસ્તાનને આપેલી સ્વાયત્તતા ઘટાડી નાખી. આથી શેર મોહમ્મદ બીજરાનીના નેતૃત્વમાં બલોચ લોકોએ ગેરિલા પદ્ધતિથી ફરી યુદ્ધ છેડ્યું. તેમની એક માગણી એ પણ હતી કે બલૂચિસ્તાનમાં સુઈ ગેસ ક્ષેત્રમાંથી જે આવક મળતી હતી તેમાં બલૂચિસ્તાનને ભાગ મળવો જોઈએ. પરંતુ દુર્ભાગ્યે બલોચ નેતાઓ પાકિસ્તાનની સેના સામે હારી ગયા અને ૧૯૬૯માં તેમણે યુદ્ધ વિરામ જાહેર કરવો પડ્યો. ૧૯૭૦માં પાકિસ્તાનના પ્રમુખ યાહ્યાખાને બલૂચિસ્તાનને પાકિસ્તાનનું ચોથું પ્રાંત જાહેર કરી દીધું.

૧૯૭૩માં પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ બળવાનું કારણ આપીને બલૂચિસ્તાન અને નોર્થ વેસ્ટ ફ્રંટિયર પ્રોવિન્સની સરકારોને પદભ્રષ્ટ કરી દીધી. ત્યાં માર્શલ લૉ લાદી દીધો. આના પરિણામે ખૈર બક્ષ મારીએ બલૂચિસ્તાન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ રચી દીધો અને મારી અને મેંગાલ આદિવાસીઓએ પાકિસ્તાનની સરકાર સામે ગેરિલા પદ્ધતિથી યુદ્ધ છેડી દીધું. આ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાએ ૩૦૦થી ૪૦૦ સૈનિકો ગુમાવ્યા તો સામે પક્ષે બલૂચિસ્તાનના ૭,૩૦૦ સૈનિકો અને ૯,૦૦૦ નાગરિકો મરાયા.

વર્ષ ૨૦૦૪માં ગ્વાદર બંદર પર હુમલો કરાયો હતો જેમાં ચીનના ત્રણ ઇજનેરો મરાયા હતા. ૨૦૦૫માં બલોચના નવાબ અકબર ખાન બુગતી અને મીર બલચ મારીએ પાકિસ્તાન સરકાર સમક્ષ ૧૫ મુદ્દાનો એજન્ડા મૂક્યો. ઑગસ્ટ ૨૦૦૬માં આ બુગતી સેનાની સાથે લડાઈમાં માર્યા ગયા. તેમાં પાકિસ્તાનના ૬૦ સૈનિકો પણ મરાયા હતા. એપ્રિલ ૨૦૦૯માં બલોચ રાષ્ટ્રીય ચળવળના પ્રમુખ ગુલામ મોહમ્મદ બલોચ અને બીજા બે રાષ્ટ્રવાદી નેતાની ધરપકડ કરાઈ અને તેમને આંખ પર પાટા બાંધી દઈ તેમને ધક્કા દઈ એક ટ્રકમાં ચડાવી દેવાયા. પાંચ દિવસ પછી તેમના મૃતદેહો મળી આવ્યા હતા. ૧૨ ઑગસ્ટ ૨૦૦૯ના રોજ ખાન ઑફ કલાત સુલેમાન દાઉદે પોતાને બલૂચિસ્તાનનો શાસક જાહેર કરી દીધો.

આ જ રીતે ગિલગીટ અને બાલ્ટીસ્તાનનો મુદ્દો પણ પાકિસ્તાનના ગળામાં ફસાયેલો છે. પાકિસ્તાન પહેલાં તેને નોર્ધન એરિયા તરીકે ઓળખાવતું હતું, પરંતુ ઑગસ્ટ ૨૦૦૯થી તે ગિલગીટ-બાલ્ટીસ્તાન તરીકે ઓળખાય છે. બે બ્રિટિશ અધિકારીઓની ગદ્દારીના કારણે ગિલગીટ-બાલ્ટીસ્તાન પાકિસ્તાનમાં જતા રહ્યા. જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહે મેજર ડબ્લ્યુ. એ. બ્રાઉન અને કેપ્ટન એ. એસ. મેથીસનને ગિલગીટના મહારાજાને આપ્યા હતા. હરિસિંહે કાશ્મીરને ભારતમાં ભેળવ્યું તેની સાથે આ બંને બ્રિટિશ અધિકારીઓએ દગો કરી ગિલગીટના સેનાના અધિકારી બ્રિગેડિયર ઘંસારા સિંહને જેલમાં પૂરી દીધા. અને ગિલગીટને પાકિસ્તાનમાં ભેળવી દીધું. આ બળવાના સમાચાર સાંભળીને લુચ્ચા બ્રિટિશરોએ ગિલગીટનો કબજો પાકિસ્તાન પાસે જ રહેવા દીધો.

અહીં સ્થાનિક વસતિનું પ્રમાણ જળવાઈ રહે તે માટે કાયદો હતો, પરંતુ પાકિસ્તાનના પ્રમુખ ભુટ્ટોએ આ કાયદો ફેરવી તોળ્યો જેથી પાકિસ્તાનના સુન્ની મુસ્લિમો ત્યાં જમીન લઈ શકે અને સ્થાયી થઈ શકે. (આપણા કોઈ નેતાને હજુ કાશ્મીરમાં આવો કાયદો ૩૭૦ ફેરવી તોળવાનો વિચાર આવતો નથી.) તે પછી ઝિયા ઉલ હક આવ્યા. તેમના વખતમાં શિયા વિરોધી દળોના હિંસાચારથી આ પ્રદેશમાં શિયા મુસ્લિમોની વસતિ ધરખમ રીતે ઘટી ગઈ. અહીં હમણાં હમણાંથી પાકિસ્તાન પ્રત્યે રોષ વધી ગયો છે. અહીંના લોકો પાકિસ્તાનથી સ્વતંત્રતા ઈચ્છે છે.

તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની સ્થિતિ પણ જુદી નથી. ત્યાં સ્વાયત્તતા નામ પૂરતી છે. સંસાધનો પુષ્કળ છે, પરંતુ જોઈએ તેવો વિકાસ થયો નથી. ત્યાં પાકિસ્તાનની કઠપૂતળી સરકાર જ આવે છે. તાજેતરમાં નવાઝ શરીફના પક્ષ મુસ્લિમ લીગ (એન)નો મોટા પ્રમાણમાં વિજય થયો પરંતુ લોકો તેને ધાંધલ ધમાલથી થયેલો વિજય ગણાવે છે. અહીંના લોકો હવે કાશ્મીરમાં ભારતની મદદ જોઈને ભારતમાં ભળવા માગે છે.

દુર્ભાગ્યે ભારતના કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત લોકો રોજ સેના પર પથ્થરમારો કરે છે, હુમલા કરે છે. અને બરખા દત્ત, દિગ્વિજયસિંહ જેવા પત્રકારો-રાજકીય નેતાઓ- ક્ધહૈયાકુમાર જેવા વિદ્યાર્થી નેતાઓ- એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા જેવી સંસ્થાઓ તેને પ્રોત્સાહન આપતા લેખો લખે છે- કાર્યક્રમો કરે છે- સૂત્રોચ્ચાર કરે છે. પરંતુ નરેન્દ્ર મોદીની આક્રમક નીતિ જો ચાલુ રખાશે તો તે રંગ લાવશે જ તેમાં કોઈ બેમત નથી.         
જયવંત પંડ્યા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s