卐નાગ પંચમી卐

Standard

નાગપાંચમ કથા

પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહું મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી – તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યુ કે ‘ અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહી.’ આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ.
તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી. અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી – સાંપ ભાઈ પ્રણામ.સાંપ બોલ્યો ‘ તે મને ભાઈ કહ્યુ છે તેથી જવા દઉ છુ નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેતો. તે બોલી – ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાંપ બોલ્યો – સારું આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી ભાઈ મારુ કોઈ નથી, સારું થયુ કે તમે મારા ભાઈ બની ગયા.
થોડાક દિવસો વિત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે – મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ‘ આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો – હું તેનો દૂરનો ભાઈ છુ. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ સાંપ છું, એટલે તુ ગભરાઈશ નહી. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે સાંપના કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ.
એક દિવસે સાંપની માતાએ તેને કહ્યુ – હું એક કામથી બહાર જઈ રહી છું, તુ તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ. જેનાથી સાંપનું મોં બળી ગયું. સાંપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાંપે તેમણે ચૂપ રહેવાનું કહ્યુ. પછી તેને બહું બધું સોનુ, ચાંદી, હીરા- ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી.
આટલું ધન જોઈને મોટી વહુંને ઈર્ષા આવી તે બોલી – ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજુ વધુ ધન લેવું જોઈએ. સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી.
સાંપે નાની વહુને હીરા-મોતીનો અદ્ભૂત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી – શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલદી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યુ કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારુ ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે – ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાંપે તેવુ જ કર્યુ. જેવો રાણીએ હાર પહેર્યો કે તરતજ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી.
રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા. કે રાજા ન જાણે શુ કરશે ? તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુ ને પૂછ્યું – તે શુ જાદુ કર્યો છે , હું તને દંડ આપીશ. નાની વહુ બોલી – રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા-મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાંપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે – હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંપમાંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો.
આ જોઈને રાજા ધણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ધણી સોનોમહોરો પણ આપી. તે બધુ લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા – આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું – સાચુ બોલ કે તને આ ધન કોણ આપે છે ?નાની વહુએ તરતજ સાંપને યાદ કર્યો. સાંપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો – જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.
નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાંપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.

નાગદેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્રદોરી ઘીનો દિવો કરી વંદન કરે છે.અને શ્રીફળ વધેરે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે. નાગ નો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ના કરવામાં આવે તો તે કરડતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે.હૃદય અને મનમાં કેટલાક માણસોમાં ઝેર ભર્યુ હોય છે.જો કે આવો સ્વભાવ આખરે નુકશાન કારક નિવડે જ છે. આજના માણસ વગર છંછેડે ફુંફાડા મારે છે. નાગની ખાસીયત છે કે તે પોતાના ભાઈ ભાંડુને ડંખ મારતો નથી જ્યારે આજનો માણસ?

દ્બભગવાન કૃષ્ણે કાળીનાગનું દમન કર્યુ. તેમણે નાગની ઝેરી વૃત્તીઓનું જ દમન કર્યુ છે. તેને મોક્ષ આપ્યો છે.ભગવાન કૃષ્ણે લખ્યું છે કે નાગોમાં હું ‘વાસુકી નાગ’ છું.કાળીનાગ વૃદાવનમાં લોકોને ત્રાસ આપતો હતો આજે માણસો જે ત્રાસવાદી છે તે ત્રાસ આપી રહ્યા છે તેને નાથવાની જરૂર છે.
દ્બનાગનો ઉપયોગ દેવોએ કર્યો છે. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાં દોરડું બની ને તે કામમાં આવ્યો. સમુદ્ર મંથનમાં નાગ કેવો ઉપયોગી નીવડ્યો. દેવો ઉપર ઉપકાર કેવો કર્યો? તો ઉપકાર કરનાર પૂજાયજ ને? ભગવાન ભોળાનાથ પોતાના ગળામાં નાગ રાખે છે. ભગવાન ભોળેનાથે જગતનું ઝેર કંઠમાં રાખી કેવો ઉપદેશ આપ્યો છે.

જે જગતના ઝેર પી શકે તે જ શંકર થઈ શકેને? ભગવાન વિષ્ણુ પણ પાતાળમાં શેષ શૈયા ઉપર બિરાજ્યા છે.નાગનું મહત્વ દેવતાઓએ વધાર્યુ છે. એવી માન્યતા છે કે નાગ પાંચમ કરવાથી રાત્રે ખરાબ સ્વપના આવતા નથી. નાગ દેવતા રક્ષણ કરે છે ભગવાન વિષ્ણુ અને ભોળાનાથ તેમના ઉપર પ્રસન્ન રહે છે. અમદાવાદના શાહીબાગ ડફનાળામાં આવેલા ભેખળધારી ગોગા મહારાજનું મંદિર આવેલું છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ ગોગા મહારાજ મંદિરના મહંત ઈશ્વરભાઈ દેસાઈએ નાગ દેવતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાનું કોઈ ખેતર એવું નહી હોય કે જ્યાં નાગ દાદાની ડેરી ના હોય. ગામડાઓમાં નાગ દેવતાને ખેતીયાદાદા તરીકે ઓળખવામાં આવે છે. નાગનું પૂજન કરવાથી નાગ કરડતો નથી આખા ઘરનું રક્ષણ કરે છે.કોઈ સારા કામે જતા હોઈએ અને નાગ સામે દેખાય તો તેને શુભ શકન માનવામાં આવે છે.

નાગ પંચમીએ નાગને ચોખ્ખા ઘીનો દીવો શા માટે?
શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોના ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે.
ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનો સ્વામી(અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. બંગાળ તથા કેરાલા એ નાગપૂજાના પ્રધાનક્ષેત્ર ગણાય છે.

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં શ્રાવણ સુદ પાંચમને દિવસે નાગપંચમી ઉજવાય છે. જ્યારે બાકીના મોટાભાગનાં ગુજરાતી વિસ્તારમાં રક્ષાબંધન (બળેવ) પછીની અને જન્માષ્ટમી પહેલાની પાંચમ(વદ પાંચમ) નાગ પંચમી તરીકે ઉજવાય છે.
આ અંગે પંચાંગ વિષયના એક અભ્યાસી ખગોળવિંદ વધુમાં જણાવે છે કે દક્ષિણ ભારતના ઘણાં મંદિરોમાં નાગદેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોય છે. આપણે ત્યાં ખોડિયાર માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિને ખોડીદાસ, બહુચર માતાની બાધાથી જન્મેલ વ્યક્તિને બહેચરદાસ અને મહાકાળી-કાળકા માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિનું નામ કાળીદાસ રાખવામાં આવતું હતું. આ જ પરંપરા મુજબ નાગદેવતાની કૃપાથી જન્મેલ વ્યક્તિનું નામ નાગજીભાઈ રાખવામાં આવતું હતું. તેથી જ પશુપાલકો તથા માલધારી સમાજમાં નાગજીભાઈ નામ વિશેષ જોવા મળે છે.
આપણા પૂર્વજોને જ્ઞાાન હતું કે નાગ-સાપને રૂ-કપાસ-કપાસિયા તથા ચોખ્ખા ઘીની વાસ ગમતી નથી. તેથી જ્યારે માનવીના રહેણાંકની નજીકમાં સાપ આવ્યો હોય ત્યારે ઘીનો દીવો અથવા કપાસિયા-ઘીનો ધૂપ કરવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ સાપને માનવવસ્તીથી દૂર કરવા – ભગાડવા માટેનો આ સાત્વિક-નિર્દોષ ઉપચાર છે જેને ધર્મ સાથે, પૂજ્ય ભાવથી જોડી દેવામાં આવ્યો છે.
ભવિષ્ય પુરાણ નામના ધર્મગ્રંથમાં બાર પ્રકારના નાગકુળ જણાવ્યા છે. જે આ પ્રમાણે છે,
(૧) અનંત (૨) વાસુકિ (૩) શંખ (૪) પદ્મ (૫) કંબલ (૬) કર્કોટક (૭) અશ્વતર (૮) ધૃતરાષ્ટ્ર (૯) શંખપાલ (૧૦) કાલિય (૧૧) તક્ષક (૧૨) પીંગલ.
જ્યારે કૃષિ જ્યોતિષ – પરંપરાગત હવામાનશાસ્ત્રનાં ગ્રંથોમાં બાર પ્રકારના મેઘના નામની સાથે બાર પ્રકારનાં નાગ સાંકળવામાં આવ્યા છે. સંવત્સરની ગણતરીના આધારે દર વર્ષે કયા નાગનું પ્રભુત્વ (ઋતુવૈજ્ઞાાનિક પ્રભાવક અસરો) રહેશે તે અંગે રસપ્રદ વિગતો મળે છે. હવામાનશાસ્ત્રનાં આ બાર પ્રકારના નાગનાં નામ સહેજ અલગ પડે છે,
(૧) સુબુધ્ધ (૨) નંદસારી (૩) કર્કોટક (૪) પૃથુશ્રવ (૫) વાસુકિ (૬) તક્ષક (૭) કંબલ (૮) અશ્વતર (૯) હેમમાલી (૧૦) નરેન્દ્ર (૧૧) વ્રજદ્રષ્ટ (૧૨) વૃષ.
સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ નગરના ગ્રામદેવતા વાસુકિ નાગ છે. ધાધલ કુળનાં કાઠી દરબારોના કુળદેવતા પણ વાસકિ નાગ મનાય છે. નરસિંહ મહેતાનાં નાગદમન કાવ્યમાં કાલિય નાગનું વર્ણન છે. પરીક્ષિત રાજાની સાથે તક્ષક નાગની કથા ધર્મશાસ્ત્રમાં જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં સર્પદંશથી મૃત્યુ પામનાર વ્યક્તિનું શ્રાદ્ધ નાગપાંચમને દિવસે કરવાનો રિવાજ છે.
નાગ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છમાં જ નાગ સાથે જોડાયેલા સ્થળનામ (ગામના નામ) ની સંખ્યા ૩૪ જેટલી છે. જેમાં નાગડકા, નાગડોળ, નાગતર, નાગધરા, નાગનેશ, નાગફણાં, નાગપુર, નાગલપુર, નાગલપર, નાગલોડ, નાગવદર, નાગવાસણ, નાગવીરી વગેરે નોંધપાત્ર છે. જખવાડા – ગમાનપુરા વગેરે સ્થળે નાગદેવતાનાં મેળા યોજાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાપ-નાગ ખરેખર દૂધ પીતા હોવાનું જાણ્યું નથી. પ્રાણીશાસ્ત્રીઓ સ્પષ્ટ કહે છે કે નાગ-સાપ દૂધ પીતા નથી. નાગપાંચમનાં દિવસે મદારી તથા ભિક્ષુકોની ખોટી માંગણીઓને તાબે થવું નહીં. પરંતુ એવી સંસ્થાઓની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં બાળકોને સાપ-નાગ અંગે સાચી જાણકારી મળી રહે. નવી પેઢીને સર્પસૃષ્ટિની યોગ્ય અને સાચી માહિતી આપવાના હકારાત્મક પ્રયત્નો કરવા જોઈએ.
સાભાર : ગૌતમ કોટીલા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s