Daily Archives: August 25, 2016

શ્રી કૃષ્ણ જન્મ કથા

Standard

[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ]

દશમા સ્કંધને નિરોધ કહેવામાં આવે છે. દશમ સ્કંધને શ્રીનાથજીનું હ્રદય કહેવામાં આવે છે. દરેક માનવે પોતાના હ્રદયની ગતિને સંસારમાં જતી રોકીને ઇશ્વર તરફ વાળવા કોશિશ કરવી જોઇએ.

શ્રી કૃષ્ણ જન્મ કથા

શુકદેવજી કહે, “ હે પરીક્ષિત ! દશમા સ્કંધમાં પરમ કૃપાળુ શ્રીકૃષ્ણના જીવનની કથા હું તને કહી સંભળાવીશ.વસુદેવ અને દેવકીને ઘરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. વસુદેવ શ્રીકૃષ્ણનેગોકુળમાં નંદરાયને ઘરે મૂકી આવ્યા.

મથુરા એટલે માનવીની કાયા. વસુદેવ એટલે માનવીનો જીવ અને દેવકી એટલે માનવીની બુદ્ધિ. માણસ અંત:કરણપૂર્વક હ્રદયમાં રહેલા ભગવાનને સાક્ષાત્ કરવા પ્રયત્ન ક્રે તો બુદ્ધિ અને જીવ માનવને મદદ કરે. કૃષ્ણએ છઠ્ઠીના દિવસથી જ સંઘર્ષ શરુ કરી જીવન પર્યંત સંઘર્ષ જ કર્યો. બ્રહ્મા, શંકર, સરસ્વતી, દેવ્દેવીઓ ભગવાનની આરાધના કરવા ગયા. ભગવાને કહ્યું,” હું મથુરામાં જન્મી ગોકુળમાં જવાનો છું. તમે બધા ગોપી અને ગોવાળિયા બની મને મારા કાર્યમાં મદદ કરવા આવજો.”

મથુરાનો રાજા કંસ જુલ્મી હતો. કંસના અનેક જુલ્મો મથુરાની પ્રજા સહન કરે છે. ઉગ્રસેનની દીકરી દેવકીનું વેવિશાળ વસુદેવ સાથે થયું. રાજા ઉગ્રસેને દીકરીના લગ્ન લીધાં. દીકરીને ઘણું આપ્યું. દેવકીનો ભાઇ કંસ પોતાની બહેન ને વિદાય આપવા જાય છે. કંસ જાતે પોતાના બહેનબનેવીનો રથ હાંકવા બેઠો છે. એટલામાં આકાશવાણી થઇ, “હે કંસ ! તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ બનશે.” આકાશવાણી સાંભળી કંસ ગુસ્સે ભરાયો. તલવાર ઉગામી બહેનબનેવીને મારવા તૈયાર થયો. વસુદેવે કંસને કહ્યું, “ હે કંસ ! મેં તારી બહેન દેવકી સાથે લગ્ન કર્યા છે. હજી તો મીંઢળ છૂટ્યા નથી. લગ્ન પછી સંસાર ભોગવવાની અમારી ઇચ્છા છે. અમે અમારા જેટલા સંતાનો થાય તે તમને આપી દઇશું.”દેવકી કહે, “ વસુદેવ ! મામો ભાણેજને કાંઇક ભેટ આપે તેને બદલે મારા બાળકો જ કંસને આપી દેવા?” દેવકીને દુ:ખ થાય છે.

દેવકી-વસુદેવને પાંચ દીકરા થયા. એક દિવસ કંસ રાજસભામાં બેઠેલો. દેવકીના બાળકોને મારી નાખવાની યોજના કરે છે. તે જ વખતે નારદજી “ શ્રીમન્ન નારાયણ નારાયણ્’નો જપ કરતાં કરતાં કંસની સભામાં આવે છે. કંસને જોતાં નારદજીએ કહ્યું, “હે કંસ ! તમે કેમ આમ સુકાઇ ગયા છો?” કંસે નારદજીને આકાશવાણીની વાત કરી. નારદજી કહે, “ હે કંસરાજા ! કોઇપણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો. દેવકીનો આઠમો બાળક તમારો કાળ છે પણ તે આઠમો પહેલેથી કે છેલ્લેથી?” કંસે આ સાંભળતાં જ દેવકી-વસુદેવના બધા પુત્રોને નારિયેળ વધેરીએ તેમ વધેરી નાખ્યા. વસુદેવ-દેવકીને જેલમાં પૂર્યા. દેવકી ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. મારા નિર્દોષ બાળકોને મામાએ મારી નાખ્યા. વસુદેવ, દેવકીને ધીરજ આપતા કહે છે, “ હે દેવકી ! ઇશ્વરને જે ગમે તે સહન કરવું. હ્રદયમાં ઇશ્વરને રાખી તેનું સ્મરણ કરવું અને દુ:ખમાં ધીરજ રાખવી. એમ કરતાં કરતાં દેવકીના સાતમા ગર્ભની શરૂઆત થઇ. દેવકી-વસુદેવ ઇશ્વરનું આરાધન કરવા લાગ્યા. “ હે ભગવાન ! તમારા સિવાય અમારું કોઇ નથી ને જો તમારી સાચી ભક્તિ કરી હોય તો અમારા સંકટના સમયમાં અમારી વહારે ધાજો.” ભગવાનના  ભક્તો ચાર પ્રકારના હોય છે. 1.આર્ત. અનેકવિધ પીડાતો. 2.જિજ્ઞાસુ 3.અર્થાર્થી  4.જ્ઞાની. દરેક પોતપોતાની રીતે ભગવાનની ભક્તિ કરે છે.

વસુદેવ  દેવકીને કહે છે, “ હે દેવકી ! ભગવાન પાસે કાંઇ ન માંગવું.ભગવાનનું ભજન કરો.” ભગવાને યોગમાયાને કહ્યું,“ દેવકીના સાતમા ગર્ભને ખેંચી રોહિણીના ગર્ભમાં મૂકી આવ અને તું ગોકુળમાં યશોદાના પેટે જન્મ લે.”

ગોકુળના રાજા નંદરાયને ઘરે અનેક ગાયો હતી પણ સંતાન ન હતું. નંદરાય શાંડિલ્ય ઋષિને કહે છે અમારી કુંડળી માંડો અને કહો કે અમારા નસીબ આવા કેમ? શાંડિલ્ય ઋષિએ કહ્યું,” હે નંદરાય તમે અને યશોદાજી એકાદશીનું વ્રત કરો.” નંદરાય અને યશોદા બારે મહિના એકાદશીનું વ્રત કરે છે.

યોગમાયાએ દેવકીના સાતમા ગર્ભને રોહિણીના પેટમાં મૂકી દીધો અને યશોદાના પેટે જન્મ લીધો. ભગવાન દેવકીના આઠમા ગર્ભમાં રહ્યા. વસુદેવ-દેવકી દિવસ-રાત ઇશ્વરસ્મરણ કરે છે. નંદરાય અને યશોદા એકાદશી વ્રત કરે છે. દશ માસ ને દશ દિવસ થયા છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. જેલના ચોકીદારો યોગનિદ્રામાં પડ્યા છે.( ઘોરે છે.) શ્રાવણ વદ આઠમને બુધવાર, રોહિણી નક્ષત્ર, રાત્રે બાર વાગ્યે મથુરાની જેલમાં પરમકૃપાળુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. વસુદેવ-દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા.”  “ હે પ્રભુ !  આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લો. ભગવાન કહે,“ હે વસુદેવ-દેવકી ! ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતા હતા. જ્યારે તમે અદિતિ અને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો. પાંચ વર્ષની ઉંમરે માતાપિતાનો ત્યાગ કરી ઇશ્વરાઅરાધના અર્થે ચાલી નીકળેલો. આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું. હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળસ્વરૂપ ધારણ કરું છું. જુઓ, સામે કરંડિયો પડ્યો છે. તેમાં મને મૂકી ગોકુળ લઇ જાવ. ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે. તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો.” પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળ સ્વરૂપ ધારણ કર્યું. વસુદેવે બાળકૃષ્ણને કરંડિયામાં મૂક્યા. પીળું વસ્ત્ર ઓઢાડ્યું. ચુંબન કર્યું. માથા પર કરંડિયો મૂકી જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખૂલી ગયા. પહેરેદારો યોગનિદ્રામાં પોઢી ગયા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. શેષનાગે બાળકૃષ્ણ પર છાયો કર્યો. મહારાણી યમુના બાળકૃષ્ણના ચરણસ્પર્શ કરવા જોર જોરથી ઊછળવા લાગ્યા. વસુદેવ યમુનાજીમાં ઊતર્યા. બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધો. ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમુનાજીએ માર્ગ કરી આપ્યો. વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા. યશોદાના પડખામાં સૂતેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઇ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાચા આવી ગયા.

યોગમાયાને દેવકીના પડખામા6 મૂકી. ચોકીદારો એ જાગીને કંસને ખબર આપી કે દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે. તરત જ કંસે આવી યોગમાયાને બે પગથી પકડી પથ્થર પર પછાડવા જતો હતો ત્યાં જ યોગમાયા આકાશમાં જઇ પહોંચી અને કંસને કહેતી ગઇ. “ હે કંસ ! તારો વેરી તો ક્યારનો કોઇક સ્થળે જન્મી ચૂક્યો છે.”

નંદરાયના ઘર આગળ દૂધના ઘડા લઇ ગોવાળિયાઓ  બાળજન્મની વધામણીની રાહ જુએ છે. યશોદાની બહેને બહાર આવી નંદરાયને વધાઇ આપી “ લાલો ભયો હૈ” નંદરાયના ગળામાં મોંઘી માળા હતી તે યશોદાની બહેનને આપી દીધી.(ન્યોછાવર કરી દીધી) . વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી નાળછેદનવિધિ કરાવ્યો. પુત્ર જન્મની ખુશાલીમાં નંદરાયે બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. સારાયે ગોકુળમાં જાહેરાત થઇ કે નંદરાયને ઘરે યશોદાને પેટે  લાલાનો જન્મ થયો છે નેઆખું  ગોકુળગામ ગાંડુ થયું છે ને જોરજોરથી ગાય છે “ નંદ ઘેર આનંદ ભયો હૈ, જય કનૈયા લાલકી.” ભગવાન બાળકૃષ્ણનો  જન્મ થયો.

શુકદેવજી કહે,“ હે પરીક્ષિત ! આ તારો પાંચમો દિવસ છે. ગોકુળમાં ઠાકોરજીના પ્રાદુર્ભાવમાં ગોકુળગામ આખું ગાંડું થયું છે. લાખો ગાયોના માલિક, અઢળક સંપત્તિ છતાં નંદરાયને ઘરે આજદિન સુધી શેર માટીની ખોટ હતી. ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય-યશોદાના આનંદની સીમા ન રહી.

માતા યશોદા પાસે એક દિવસ સર્પધારી બાવો આવ્યો. યશોદા માતાને કહે, “ હે માતા ! મારે તમારા લાલાના દર્શન કરવા છે.” યશોદા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઇ મારો લાલો ડરી જશે. તેથી નંદરાયને કહ્યું બાળજન્મનો ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે. એમને દક્ષિણા આપી દો. બાવો કહે, “ મા ! મારે દક્ષિણા નથી જોઇતી. મારે તો લાલાના દર્શન કરવા છે.” અંદર બાળકૃષ્ણ રડવા રડવા લાગ્યા. માતા યશોદા ઘણા વાના કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી. બાવાજી કહે, “ બાળકને અહીં લાવો. મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે.” યશોદાજી કહે, “બાવાજી દૂર ઊભા રહો, હું મારા બાળકને લઇને આવું છું.” બાવાજી પણ રડવા લાગ્યા. બાળક બાવાજીને જોતાં જ હસવા લાગ્યું. બન્ને હસ્યા. બાવાજી સાક્ષાત્  શિવજી હતા.ઠાકોરજીના બાળ સ્વરૂપનાં દર્શન કરવા આવેલા.હરિ અને હર મળ્યા, સાથે રડ્યા, સાથે હસ્યા.

આ બાજુ મથુરામાં કંસે વિચાર કર્યો, મારો વેરી જન્મી ચૂક્યો છે તો આજે મારા રાજ્યમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખો. આજે ચૌદશ હતી. બાળ કનૈયાની છઠ્ઠી હતી. વિધાતા આજે કનૈયાના લેખ લખવાની હતી. અનેક પ્રકારની તૈયારીઓ ગોકુળમાં થઇ રહી હતી. આજના ઉત્સવમાં ભાગ લેવા માનવમહેરામણ ઊમટ્યો હતો.

સાભાર..રવિન્દ્રભાઇ પીઠડીયા
સાભાર : રાજભા ઝાલા