Monthly Archives: September 2016

☆સુદામાજી એ જોયેલી માયા☆

Standard

એક વખત શ્રીકૃષ્ણ ના સખા સુદામાજી એ શ્રીકૃષ્ણ ને કહ્યું કે મને આપની માયા બતાવો..?
ત્યાંરે શ્રીકૃષ્ણે કહ્યું કે કોઇ પ્રસંગ મળશે ત્યારે બતાવીશ,  થોડા વખત પછી બન્યું એવું સુદામાપુરી બહાર ન્હાવા ગયાં ત્યાં શ્રીકૃષ્ણે સુદામાજી ને કહ્યું કે આજે આપણે ડુબકી મારવાની રમત રમવાની છે અને ડુબકી માં કોણ વધારે વખત રહી શકે છે તેની પરીક્ષા કરીએ.!!

એ પ્રમાણે સંકેત કરી બન્ને એ નદી માં ડુબકી મારી પછી માયા એ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને ડૂબકી માં રહેલાં સુદામાજી નો પગ પકડીને બહું દૂર પ્રદેશ માં કોઇ અજાણ્યે સ્થળે તેને નાખી દિધા.!!

ત્યાં સુદામાજી એ જળ ની બહાર નિકળતાં બહું ભયાનક વન જોયું ત્યાં એક ઝાડ નીચે શાંતિ લેવા બેઠા એટલાં માં કેટલાક લુંટારાઓ સુદામાજી ના જોવા માં આવ્યાં એટલે બીક થી તેવો ઝાડ ઉપર ચડી ગયાં લૂંટારુ ઓ નજીક આવ્યાં અને ઝાડ ઉપર રહેલાં સુદામાજી પર નજર પડી તે સુદામાજી તેમની દેવી ના ભોગ માટે ઉપયોગ માં આવશે એમ માની લૂંટારૂઓ પોતાને ગામ લઇ ગયાં !

ત્યાં ગયાં પછી લૂંટારુ ના મૂખી ની જૂવાન કન્યા ને સુદામા ઉપર મોહ થયો તેથી તેને એક યુક્તિ રચી  જયારે સુદામાજી ને દેવી ના ભોગ માટે મંદિર માં લઇ જવામાં આવ્યા અને સુદામાજી ને મારવાનો વખત આવ્યો ત્યારે મુખીની જુવાન કન્યા ગુપ્તપણે મંદિર માં ધૂસી ગઇ અને ત્યાંથી અવાજ કર્યો કે “હું તમારી માતા છું આ પરદેશી ને મારશો નહીં પણ તમારા મૂખી ની કન્યા સાથે તેને પરણાવી દો.”  આવો અવાજ મંદિર માંથી આવવાથી સુદામાજી ને મારવાનું કામ પડતું મૂકવામાં આવ્યું અને તેમનો વિવાહ મૂખી ની કન્યા જોડે કરવામાં આવ્યો..!!

આ બધુ અડધી મીનીટ ની ડૂબકી માં શ્રીકૃષ્ણ ની હાજરી માં બનતું હતું પણ સૂદામાજી ને તેની ખબર રહી નહીં કારણ કે તે ત્યારે જૂદા કાળની માયા ની અસર નીચે હતાં.!!

વિવાહ પછી સુદામાજી એ પોતાની નવી સ્ત્રીની સાથે કેટલાંક વર્ષો ગાળ્યાં અને તેને ત્રણ દિકરા થયાં એક દિવસે સુદામાજી એ પોતાની સ્ત્રીને પૂછયું કે સુદામાપુરી અહીંથી કેટલું દૂર છે.?   તેમની સ્ત્રીએ કહ્યું કે મને ખબર નથી પણ મારી માઁ ની માઁ જીવે છે તે જાણતાં હશે.!!

તેમને પૂછતાં તે ડોશીએ જવાબ આપ્યો કે મારી માઁ ની માઁ એમ કહેતાં કે અહીંથી રાત દિવસ વહાણ ચાલે તો ત્રણ વર્ષે સુદામાપુરી પહોંચી શકાય એ જવાબ સ્ત્રીએ સુદામાજી ને સંભળાવ્યો. સુદામાજી બહું વિચારમાં પડી ગયાં કે હું આ કયાં લોક માં આવ્યો છું હવે જો ડૂબકી માંથી નિકળે તો તે સુદામાપુરી માં જ હતાં પણ માયા ના પરીણામે તેમને કાળ નું અંતર માલૂમ પડયું..!!

એક દિવસે ઘર ના ઓટલા ઉપર સુદામાજી બેઠાં હતાં ત્યાંરે એક મડદું કોઇ માણસો સ્મશાને બાળવા માટે લઇ જાતાં હતાં એવું તેમનાં જોવા માં આવ્યું તેની પછવાડે એક માણસ ને પણ પકડીને લઇ જતાં હતાં.!!

તેનું કારણ સુદામાજી એ તેની સ્ત્રીને પૂછયું સ્ત્રીએ જવાબ આપ્યો કે અમારી નાત માં એવો રીવાજ છે કે કોઇ સ્ત્રી મરી જાય ત્યાંરે તેની પછવાડે તેના પતિ એ સત્તા થવું પડે છે એટલે કે સ્ત્રી ની સાથે તેના પતિ ને બળવું જોઇએ આ જવાબ સાંભળી સુદામાજી એ પોતાની સ્ત્રીને કહ્યું કે આજથી ઘરનું કામ બધું હું કરીશ તું બહું થોડું કામ કરજે કારણ કે જો તું પહેલાં મરી જાય તો મારે જીવતાં બળવું પડે તે મારા થી સહન થાય તેમ નથી.!!

તે દિવસ થી સુદામાજી એ ઘરનું ઘણું કામ પોતે ઉપાડી લીધું છતાં થોડા વખત પછી એક દિવસ તેમની સ્ત્રીને સર્પ કરડ્યો અને તે મરણ પામી તેથી સાથે સુદામાજી ને બાળવા માટે સ્મશાને લઇ ગયાં ત્યાં ચીતા માં બળતાં પહેલાં સુદામાજી ને ત્યાંની નદી માં સ્નાન કરી ભગવાન ની પ્રાર્થના કરવાની ઇચ્છા થઇ તેથી તે સ્નાન કરવા નદીમાં પડ્યા એટલા મા ભગવાને માયા ને કહ્યું કે ” હવે સુદામાજી ને પાછા લાવ ”  આવી આજ્ઞા સાંભળી સુદામાજી ને માયા સુદામાપુરી માં જ્યાં ડૂબકી મારી હતી ત્યાં લઇ આવી.!!

ખરી રીતે તો એ બધું થોડીવારની જળ ની ડૂબકી માંજ બન્યું હતું સુદામાજી ડૂબકી ની બહાર નિકળ્યાં કે તરત શ્રીકૃષ્ણ ભગવાન ને જોયાં ભગવાને તેમને કહ્યું કે સુદામાજી આજ તમે ડૂબકી માં મારા કરતાં વધારે સમય રહ્યા..!!

ત્યાંરે સુદામાજી એ જવાબ આપ્યો કે આપની આ માયા કોણ સમજી શકે.?  એક અડધી મીનીટ ની ડૂબકી માં મને ઘણાં વર્ષ ના ઘણાં બનાવો નો અનુભવ કરાવનાર આપની માયા આશ્ચર્ય માં નાખે તેવી જોઇ.!!

એટલે જ કિધું છે ને કે ઇશ્વર ની આ માયા સાગર જેવડી છે અને જ્ઞાની ઓ નું જ્ઞાન ગાગર જેવડું છે

જય દ્વારકાધીશ

દેવાયત પંડિત

Standard

એ ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા,
અસલ જુગ તો જતા રિયા,
એવી દીધી વાસા પાળો અમ ઘરે આવો આતમરામજી.

આકાશે દેવતા સમરે, હા એ ધણીને પાતાળે ભોરીંગ,
માનવી મ્રૂતલોક સમરે, સમરે સરગાપરનો નાથ.

અંતક્રોડે સાધુ સમરે, હા એ ધણીની મેઘ જપે માળા,
વિશ્વાસ ઊભી વાટનો ભાઈ, એને કંઠડે વરમાળ.

સાહેબના મોલ હીરે જડિયા, હા રે ધણીના રત્ન જડિયા થંભા,
મીરા મો’લ પધારેશે ભાઈ, એને ટોડે નહીં તાળા.

પશ્ચિમના ધણી પાટે પધારો, હા રે જુગપતિ દીધી વાસા પાળો,
લીલુડે ઘોડે ચડી ભાઈ હંસલે ઘોડે ચડી, તારી મેદની સંભાળો.

બોલિયા દેવાયત પંડિત, હા રે જુગમાં કરો જેજેકાર,
કાળીંગારો કોપ ટાળો, સાહેબ સતશણગાર.

દેવાયત પંડિત

Standard

પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર હો જી,
ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી, ભગવા નિશાન ફરકશે હો જી.

ઉતરખંડથી હનુમો ચડશે એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,
રાતા છે ઘોડા ને રાતી છે ટોળી, રાતા નિશાન ફરકશે હો જી.

પાતાલદેશથી કાળીનાગ ચડશે, એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,
કાળા છે ઘોડા ને કાળી છે ટોપી, કાળા નિશાન ફરકશે હો જી.

બાર બાર મણની કમાનુ ઝાલશે, તેર તેર મણના ભલકા હો જી,
હનુમાન જોધા ત્યાં જઈ લડશે, કાળીંગાને મારશે હો જી.

બાર બાર મણના ડંકા ઝીલશે, જઈ પાવે પહોંચાડશે હો જી,
પાવાનો પતાઈ રાજ કરશે, તે દિ’ કાળીંગાને મારશે હો જી.

અમદાવાદથી પાવા સુધી, પિતળની ધાણી મંડાશે હો જી,
કુડીયા કપટીયા ભુવા, પાવરિયાને ધાણીએ ધાલશે હો જી.

સોળ કળાનો સુરજ ઊગશે, તે દિ’ તાંબાવરણી ધરતી થશે હો જી,
નવસે નવાણુ નદીઓ તુટી જશે, તે દિ’ રેવાજી પાઘડી પને થશેજી.

મેઘાને માથે સોનાનુ બેડુ, તે દિ’ નકળંગ નાળિયેર ઝિલશે,
આબુગઢ જુનાગઢ તોરણ બંધાશે, તે દિ’ નકળંગ નાર પરણશે.

સોળ સે સતાણુ વરસ, અઠાણુ નવાણુ સાલમાં થશે હો જી,
દેવાયત પંડિત ઈમ વદે, તે દિ’ નકળંગ નાર પરણશે હો જી.

કોડિયું

Standard

કારતક સુદ ત્રીજનો દહાડો આથમી ચૂક્યો હતો.
હજુયે દિવસે તો સૂર્ય શરીર બાળતો હતો. સૂર્યની વિદાયથી રાત પડયે જ કાંક રાહત થતી. આમ તો છેલ્લાં દસેક દિવસથી રોજ રાતે પશ્ચિમી વાયરો છૂટવા માંડયો હતો. પરિણામે અડધી રાતે તો ગોદડી ઓઢવી જ પડતી. રોજ પરોઢે પડતા ઝાકળથી લદબદ થઈ જતી ગોદડીને ધનજી આજે સાંજે ઘેર લેતો આવ્યો.
લગભગ એક દાયકા જેટલાં વરસોથી ધનજીએ ઘેર સૂવાનું છોડી દીધું હતું. ખેતરમાં બનાવેલા ખોરડાને જ કાયમી રાતવાસનું સ્થાન બનાવી દીધું હતું. પરંતુ આ ચોમાસે પડેલા ભરપેટ વરસાદમાં એનું ખોરડું જર્જરિત થઈ ચૂક્યું હતું. નળિયા વાંદરાઓએ કૂદી-કૂદીને ફોડી નાંખ્યાં હતા. દીવાલોની માટી પણ ઠીકઠીક ધોવાઈ ગઈ હતી અને તેનું મન પણ કોણ જાણે કેમ આ વરસે ફેર ઘેર સૂવા દોરાઈ રહ્યું.
‘ચ્યમ’ બાપા, ગોદડીઓ ઘેર લાવ્યા? : ધનજીના એક માત્ર દીકરા ગોપાલે પૂછયું.
‘અમથા….હમણાં ઝાકળ પડે છે ને!’: ધનજીએ ગોદડીઓ ડામચિયે પટકતાં આપવા ખાતર ઉત્તર વાળ્યો.
દસ વર્ષના નાના ગોપાલ માટે બહુ નહીં તો થોડાક આૃર્ય પૂરતું ધનજીનું વર્તન તો ખરું જ. કેમ કે એની ઉંમરમાં પહેલી જ વાર બાપને ઘેર સૂવા આવેલો ભાળ્યો હતો.
ઓસરીમાં રોટલા ટીપી રહેલા ઉજમ ડોસીએ ઉધરસ ખાતાં ખાતાં બૂમ મારી ‘કુણ ધનોભાઈ આયો?’
‘હોવે…મા…નિવેદ્ય તૈયાર છે?’ માટલામાંથી કળશ્યો પાણી ભરતાં ધનજીએ પૂછયું.
‘હોં….પાણિયાર પર પૈણાયાં મેલ્યાં છે…દિવેટોય વણી રાખી છે…જાવ બાપ-દીકરો નિવેદ્ય પતાવી આવો. આ રોટલો હું કૂતરાં ઓલે કરી લઉં એટલીવાર’ ઉજમ ડોસી કલાડામાં ‘ધબ્બ’ દેતોક રોટલો પટકતાં ખોયણા આઘા કરતાં કરતાં બોલ્યાં.
-અને ધનજી નિવેદ્યનું તાંસળું લઈ, ગોપાલને ઘી પૂરેલાં બે કોડિયા આપીને સાથે લીધો અને નિવેદ્ય કરવા ઊપડયો.
ગામના પાદરમાં આવેલ ઓટલી માની દહેરીના ઓટલા પર નિવેદ્ય મૂકી ધનજીએ નાનકડી દહેરીમાં પડેલા ઝાડુથી અંદરના ભાગમાં થયેલા કચરાનો થરસાફ કર્યો અને કોડિયું અંદર મૂકી એને પ્રગટાવ્યું. સાથે આણેલી એક અગરબત્તી જલાવી દીવાસળીના ખાલી ખોખામાં ઊભી કરીને દહેરીમાં મૂકી. નાળિયેર વધેયંર્ુ. મોટો જોઈને એક કટકો ઓટલી માને ધરાવ્યો ને બીજો કટકો ગોપાલને આપ્યો. સાથે લાવેલું નિવેધ ધરાવી બાપ-દીકરો પણ ઓટલા પર નિવેધ આરોગી રહ્યા.
‘હવે તું ઘેર જા….હું કૂવે દીવો કરીને આવું છું.’ ધનજીએ કહ્યું,
‘ના બાપા, હુંયે આવું’ ગોપાલે વિનંતી કરી.
‘હારુ લે હેંડ….’ થોડોક વિચાર કરીને ધનજી એ કહ્યું. ધનજી અને ગોપાલ પાદરથી સહેજ દૂર આવેલ એમના ખેતર ભણી ચાલી રહ્યા.
ખેતરમાં બાપ-દીકરો પ્રવેશ્યા. કૂવાની કિનાર પર આવીને પાણીનાં ઉરાં પર બનાવેલા એક કુંડાળા પાસે આવીને ધનજી બેઠો અને તેનું ચિત્ત વધુ ને વધુ અસ્વસ્થ થતું ગયું.
અત્યાર સુધી ચૂપ રહેલા ગોપાલે ઉરાની પાળી પર બેસતા સીધો સવાલ કર્યો, ‘બાપા…, આંય કૂવે કેમ દીવો કરો છો?’
ધનજીએ એકદમ ઝાટકાની સાથે ગોપાલ તરફ નજર ફેરવી અને ગોપાલ અંધારામાં બાપના મોઢાના ભાવ તાગી શક્યો તો નહીં, પરંતુ સહેજ ગભરાયો ખરો.
થોડીવાર સુધી પુનઃશાંતિ પ્રસરી અને ખિસ્સામાંથી દીવાસળીની પેટી કાઢતાં જરા ખમચાઈને પ્રગટયા વિનાના કોડિયા સામે તાકીને જોઈ રહ્યો.  કંઈક ગડમથલ અનુભવતું એનું મન, એ દીવાની જેમ એની જિંદગી અજવાળનાર અને દીવાની જયોતથીયે અધિક ઊજળી ઘરવાળીને યાદ કરતું રોઈ રહ્યું…
….એ દિવસે એનો બાપ માંદો હતો અને લાલપુરમાં કોક ડોસીના રાવણે જવાનું થયું.
‘જાને ભઈ તું જ જઈ આય ને…મારામાં હેંડવાની પોંચ નથી.’
ધનજીના બાપે કહ્યું.
‘પણ બાપા…મને એ નહીં ફાવે…હું તો કોય દન….’
‘અલ્યા એ તો શીખવા મળશે…સહુની પાછળ ‘ઓ…ઓ…ઓ…’ કરતો મોંં ઢાંકી હેંડી જજે. ને ઘર આગળ લગીર બેસીને સહુની હારે ઊભા થઈ કોગળો કરી નાંખવાના.’
અને ધનજીને રાવણે જવું જ પડયું.
રસ્તામાં ધનજી એના દોસ્તદારો સાથે હેંડવામાં સૌની આગળ નીકળી ગયો. લાલપુરની સીમમાં પહોંચ્યા ત્યાં સુધીમાં ગામનાં બીજા લોકો ક્યાંય પાછળ પડી ગયા હતા. એમની વાટ જોતો આ મોતિયારો ઘડીક વિસામો લેવા એક આંબલા નીચે બેઠા.
દરમિયાન બે-ચાર છોકરીઓ માથે છાણાં વીણવાનો ટોપલો લઈ દૂરથી આવતી જણાઈ.
‘શુકન તો હારા થાય છે. પણ…’ કોક બોલ્યું.
‘કહે છે કે લાલપુરની છોડીઓ જેવાં ફુમતાં આખા મલકમાં નથી!’ શંકરે વાત ઉપાડી.
‘છાનો મર…લાલપુરના ફુમતાંના હાથ જેવો બીજે ક્યાંયની યે છોડીઓનો હાથ ભારે નથી…એ તને ખબર નૈ હોય.’ ધનજીએ ટકોર કરી.
વધુ ને વધુ નજીક આવી રહેલી એ છોડીઓ આ મોતિયારો તરફ નજર નાંખી માંહેમાંહે મરક મરક હસી લેતી જણાઈ.
‘મારી હાહુવાળી આપણને હસતી લાગે છે…’ દાંત કચ-કચાવતાં ધનજી બોલ્યો, ‘મારું ગામ હોત તો બતાવી દેત.’
છેક નજીક આવી ગયેલી છોડીઓને સીધો સવાલ કરતાં ધનજી બોલ્યોઃ ‘લાલપુર કેટલું છેટું આંયથી?’
ગામનાં ખોરડા ચોખ્ખા વરતાતા હોવા છતાં પૂછાયેલા સવાલથી બધી ચૂપચાપ એકબીજી સામે જોઈ રહી.
જરાક વિચાર કરીને એેકે બીજીને પૂછયું: ‘શાન્તા! પરદેશી લાગે છે….બાપડાને જવાબ તો આલ…’
શાન્તાએ આંખ મારતા કહ્યું: ‘લાલપુર હજી તૈણ ગઉ રહ્યું. કેમ લી મંગુ?’
‘હોવ હોવ. બાપડાને ભરજુવાનીમાં પડોળાં આયા છે. એ કે’તા હોય તો દોરીને મેલી જઈએ.’ મંગુએ સામે આંખ મારતા તીર છોડયું.
અને બધી છોકરીઓ ખડખડાટ હસી પડી.
આંબા નીચે બેઠેલા મોતિયારો માંહેમાંહે સમસમી રહ્યા. શાંતાએ અચાનક બૂમ પાડી ‘હો મા રે મરી ગઈ. મરી ગઈ મા રે…’
‘અલી શું થયું શાન્તા? કેમ બૂમો પાડે છે?’
શાન્તા ત્યાં જ બેસી ગઈ….એક વીંછી ડંખ મારીને ઘાસમાં ઘૂસી રહ્યો હતો. શાન્તાની ઊઘાડી પાની પર લોહીની ટશર ફાટી આવી હતી.
આંબા નીચે બેઠેલા ચારે જણા દોડયા અને અને ચૂપચાપ ટોળે વળી જોઈ રહ્યા.
દયામણું મોં કરીને બધી છોડીઓ એમની સામે તાકી રહી…
‘ધનજી…., તારો ઉપાય અજમાય.’: શંકરે સૂચવ્યું.
ધનજી લગી ખમચાયો અને બોલ્યો, ‘પણ…!’
‘ઝટ કરો….મરી ગઈ બાપા…’ શાન્તા રડી રહી.
ધનજી એકદમ નીચે બેસી ગયો અને શાન્તાના ઘાઘરાની કોર સહેજ ખસેડીને પગની આજુબાજુ હજુરિયો ખેંચીને તાંણી બાંધ્યો. ધનજીની સારવાર જોઈને બીજી છોડીઓ સહેજ શરમાતા મોઢે એકબીજી સામે જોઈ રહી, પણ ધનજી મશગૂલ હતો. એટલીવારમાં તો એકી ઝાટકે શાન્તાની પાનીને બાઝી પડયો.ડંખવાળા પગની પાનીને મોઢે વળગાડી ઝેરવાળું લોહી ચૂસી રહ્યો.
સ્તબ્ધ બનેલા સૌ આ નિરખી રહ્યા અને શાન્તા આંખો મીંચી વાંકા વળેલા ધનજીની પીઠ પર  માથું પટકી ત્રાસ અનુભવી રહી.
-અને એવા જ બીજા એક દિવસે ધનજી ફરી શાન્તાના પગની પાની ચૂસી રહ્યો હતો.
એ વેળા શાન્તા કોઈ પરાયી છેલબટાઉ છોડી નહોતી, પણ એની ઘરવાળી હતી.
એ વેળા શાન્તાએ કોઈ વીંછી કરડયો નહોતો. પણ ખેતરેથી આવેલો ધનજી તરસ્યો થયો હતો અને તરસ છિપાવવા ઓસરીમાં રોટલા ટીપતી શાન્તાના પગને ખેંચી અચાનક બાઝી પડયો હતો. હસી રહેલી શાન્તા છણકો કરીને પગ ખેંચવા મથતી હતી.
‘લાજો જરા…, બૈરાના ટાંટિયા પકડતા શરમેય નથી આવતી?’
‘એ દન બધાની હાજરીમાં શરમ ન’તી આવી. આજ આંય કોઈ નથી, શરમ હેંની?’ પગની પાનીને હટાવી સહેજ અડપલું કરતાં ધનજી બોલ્યો.
શાન્તા કંઈક જવાબ આપવા મથી. પણ તેના હોઠ ઢંકાઈ ગયા અને લોટવાળો હાથ ધનજીના બરડે ભરાવી લીધો. કલાડું એકલું-એકલું તપી રહ્યું હતું. લોટ પણ સૂકાઈ રહ્યો પણ શાન્તા નવરી પડી નહીં.
ઘરવાળી પાછળ ઘેલો બનેલો ધનજી આખા ગામમાં પંકાઈ ચૂક્યો. શાન્તા એનું સંસાર જીવન ઘણાં-ઘણાંની અદેખાઈનું કારણ સુધ્ધાં બની ચૂક્યું હતું. દરમિયાન એક રૂપાળો દીકરો શાન્તાના પેટ અવતરી ચૂક્યો હતો.
એક રાત્રે શાન્તાની સોડમાં ભરાયેલો ધનજી રિસાયો હતો. શાન્તા સાથે અબોલા લીધા હતા,  છતાં એના સાંનિધ્યથી દૂર હટતો જ નહોતો.
શાન્તાએ એના માથામાં આંગળીઓ ફેરવતાં કહ્યું, ‘રિસાયા છો તો પછી આ બધું શેનું તોફાન?’
છતાં ધનજી ચૂપ હતો.
શાન્તાએ કંટાળીને ધનજીના બરડામાં મૂઠી મારતાં કહ્યું, ‘મને ફટકારવી હોય તો ફટકારી લ્યો…, પણ મારી સાથે બોલો…! મારાથી આ નથી સહેવાતું.’
છતાં ધનજી ચૂપ હતો.
‘તમને મારા સમ…, તમારા પગે લાગું છું….! અબોલા મેલો હવે!’
ધનજી હજુયે ચૂપ હતો.
‘જુઓ ! હાંભળી લ્યો તારે…, હવે અબોલા નહીં મેલો તો આ હેંડી…! જિંદગીભર હાથ નંઈ આવું.’
શાન્તા ગળગળા સાદે બોલી.
પણ ધનજી પર એની કોઈ જ અસર નહોતી.
શાન્તા ધનજીને ખસેડીને ઊભી થઈ.
ધનજી જડની જેમ પડી રહ્યો.
શાન્તા બારણા સુધી ગઈ, પણ ધનજીએ એના તરફ ધ્યાન સરખું દીધું નહીં.
‘બસ ત્યારે…., છોકરાને હાચવજો. હું જાઉં છું.’
પ્રત્યુત્તરની રાહ જોતી શાન્તા ક્ષણભર દયામણા મોઢે ધનજી તરફ જોતી ઊભી રહી, પણ ધનજી ચસક્યો સરખો નહીં.
-અને શાન્તા બારણા બહાર અંધારામાં ચાલી ગઈ…! -અને ખરેખર ત્યારબાદ શાન્તા આજ સુધી કદી પાછી આવી નહીં.
પાણીમાં એક મોટો ધીબાકો થયો હોય એવો અવાજ આવ્યો હતો.
-ધનજી ચમકી ગયો. નૈવેધ ધરાવવા કૂવાની કિનારે બેઠેલો તેનો દીકરો એને ઢંઢોળી રહ્યો હતો.
‘બાપા…બાપા….’
ધનજી જાગૃત થયો. તેના હાથમાં તો હજુ સળગાવ્યા વિનાની દીવાસળી એમની એમ હતી.
એના દીકરા સામે જોઈ તે એટલું જ બોલ્યોઃ ‘બેટા, મમતે કદી ચડીશ નહીં…! મારી મમતમાં તારી માએ આ કૂવો પૂર્યો. મારા મર્યા પછીયે તું દર કારતકી સુદ ત્રીજે આંય દીવો કરજે.’
ધનજીએ દીવાસળી સળગાવી, કોડિયું પેટાયું. ઝળહળી ઊઠેલી એ સોનાવરણી ઝાંયમાં ધનજી એના દીકરા સામે જોઈ રહ્યો. જાણે કે શાન્તાનો જ અદ્લ ચહેરો હતો.
__._,_.___

“વેદ” વિષે આટલું તો જરૂરથી જાણો!

Standard

વેદ શ્રુષ્ટિના સૌ પ્રથમ ગ્રંથો છે. ઈશ્વરે શ્રુષ્ટિની ઉત્પત્તિ સમયે વેદોનો પ્રકાશ કર્યો હતો. અત્યંત સંશયવાદી શોધકર્તા પાસે પણ વેદ ઉત્પત્તિ કોઈ ચોક્કસ સમયે થઇ હોવાનું એક પણ વિશ્વસનીય પ્રમાણ નથી. વેદ ઉત્પત્તિનો કોઈ ચોક્કસ સમય છે તેમ પ્રમાણિત કરવાના નિરર્થક પ્રયાસોના મૂળમાં નીચેની કેટલીક ધારણાઓનો સમાવેશ થાય છે:

–   બાઈબલ અનુસાર શ્રુષ્ટિની ઉત્પત્તિ જેનીસીસ પછી થઇ હતી. આથી વેદોની ઉત્પત્તિ પણ ત્યાર બાદ જ થઇ હોવી જોઈએ.

–   હજારો વર્ષો પહેલાં મનુષ્યો પોતાના ક્રમિક વિકાસના પ્રાથમિક ચરણમાં હોવાથી તેઓનું માનસિક સ્તર ઉચ્ચ ન હતું. આથી વેદોની ઉત્પત્તિ પણ મનુષ્યનો પુરતો માનસિક વિકાસ થયા બાદ જ થઇ હોવી જોઈએ. પણ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે મનુષ્યોનો માનસિક વિકાસ ઉત્તરોતર થયો હોવો જોઈએ અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, આ બે માન્યતાઓનું એક પણ વિશ્વનીય પ્રમાણ હજુ સુધી પુરાતત્વ વિજ્ઞાન આપી શક્યું નથી. ભલે ને પછી આવી અપ્રમાણિત માન્યતાઓએ બાળકોના અભ્યાસની પુસ્તકોમાં સ્થાન મેળવી લીધું હોય, અથવા તો પ્રચારના અન્ય માધ્યમો દ્વારા બહુ પ્રખ્યાતિ અને પ્રસિદ્ધિ મેળવી હોય! આ ઉપરાંત, ભારત પર આર્યોનું આક્રમણ અને વેદ ભરવાડો દ્વારા ગવાયેલા ગીત હતા, આ બંને માન્યતાઓ પણ તદ્દન ખોટી જ છે. આપણે આવી ખોટી માન્યતાઓનું ખંડન પાછળથી કરીશું.

નોંધ: આ એક ભારે ચિંતાનો વિષય છે. કારણે કે કોઈ વૈજ્ઞાનિક આધાર કે વિશ્વસનીય પુરાવાઓના અભાવમાં પણ નાનપણથી જ શૈક્ષણિક માધ્યમ દ્વારા ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત બાળકોના મનમાં ઠુંસી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મનુષ્ય એક ભૌતિક-રસાયણિક પ્રતિક્રિયા સિવાય બીજુ કઈ નથી એવી અવચેતન માન્યતા પણ આપણાં મગજમાં ઠુંસવામાં આવી છે. પણ જો મનુષ્ય એક ભૌતિક-રસાયણિક પ્રતિક્રિયા જ હોય તો સાચું-ખોટું, સત્ય- અસત્ય વગેરેનો કોઈ અર્થ રહી જતો નથી. આ જ કારણે મનુષ્ય ભોગવાદી બની ચુક્યો છે. અને આ ભોગવાદ મનુષ્યના બધાં જ પાપકર્મ અને અનૈતિક આચરણનું પ્રમુખ કારણ છે.

–   વેદોના અલગ અલગ અધ્યાયોની ભાષા અલગ અલગ છે. આથી અન્ય ભાષાઓની ઉત્પત્તિ થયા બાદ જ વેદોની ઉત્પત્તિ થઇ હોવી જોઈએ.

–   વ્યવહારિક ભાષામાં ઉપયોગમાં આવતો શબ્દ “સોનું” શબ્દનો સમાનર્થી શબ્દ વેદોમાં જોવા મળે છે. આથી વેદોની ઉત્પત્તિ ત્યાર બાદ જ થઇ હોવી જોઈએ.

–   વેદોમાં ગંગા, યમુના, સરસ્વતી જેવા શબ્દો જોવા મળે છે. આથી સરસ્વતી નદીની ઉત્પત્તિ થયા બાદ જ વેદોની ઉત્પત્તિ થઇ હોવી જોઈએ. (આ તો એવી વાત છે કે કોઈ એમ કહે કે મહાભારત હમણાં જ લખાયું હોવું જોઈએ કારણ કે તેમાં અર્જુન સિંઘ અને લાલ કૃષ્ણ અડવાનીનો ઉલ્લેખ છે!)

આમ, તથાકથિત વિદ્વાનો વૈજ્ઞાનિક આધાર કે વિશ્વસનીય પ્રમાણો રજુ કર્યા સિવાય વેદોની ઉત્પત્તિનો ચોક્કસ સમય કે તારીખ હોવાનો દાવો કરતા ફરે છે અને પછી આ દાવાને ખરો સાબિત કરવા માટે અવનવી વાર્તાઓ અને કારણો બનાવતા રહે છે. એવી જ રીતે કે જેમ મોટા વ્યવસાયોમાં પહેલાં લાભનો આંકડો નક્કી કરી દેવામાં આવે છે અને પછી તે લાભના આંકડાને મળે તેવો હિસાબ પાછળથી ગોઠવવામાં આવે છે.

પણ હકીકત તો એ છે કે, કોઈપણ વ્યક્તિ વેદોની ઉત્પત્તિનો ચોક્કસ સમય કે તારીખ આપી શકે નહીં. કારણ કે વેદોની ઉત્પત્તિ આદિકાળથી જ થયેલી છે. અન્ય પૌરાણિક ગ્રંથો પણ વેદોની ઉત્પત્તિ આદિકાળથી થયેલી હોવાનું કહે છે.

વેદ શ્રુષ્ટિની શરૂઆતમાં જે સ્વરૂપે પ્રકટ્યા હતા, તે જ સ્વરૂપમાં, કોઈપણ જાતના સુધારા કે વધારા વગર આજે પણ એવાને એવા જ તેના વિશુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. સંસારના સૌથી પ્રાચીનતમ ગ્રંથ વેદનું સંરક્ષણ એવી રીતે થયેલું છે કે વેદોમાંના કોઈપણ મંત્ર, અધ્યાય કે પછી શબ્દાંશમાં થયેલ લેશ માત્ર ફેરફારને પણ પકડી શકાય છે. આદિકાળથી આજ દિન સુધી વેદ કેવી રીતે સુરક્ષિત રખાયા તે જાણવા માટે વેદમાં પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો? લેખ ધ્યાનથી વાંચો.

વેદોમાં કોઈ ઇતિહાસ નથી. વેદોમાંના દરેક શબ્દોનો અર્થ વેદોમાં વર્ણવેલા તે શબ્દના મૂળ – ધાતુ – પ્રમાણે જ કરવો જોઈએ, અને નહીં કે સર્વ સામાન્ય રીતે થતા વ્યવહારિક ઉપયોગ પ્રમાણે. ઉદાહરણ તરેક, “ગૌ” શબ્દના બીજા ઘણાં અર્થ માનો એક અર્થ “ગતિ કરતુ” એવો થાય છે. આથી દરેક મંત્રમાં “ગૌ”  શબ્દનો અર્થ “ગાય” કરી લેવો તે યોગ્ય નથી. આપણે આ વિષય પર પાછળથી ઊંડાણમાં ચર્ચા કરીશું.

વેદોમાં બધાં જ પ્રકારના જ્ઞાન અને વિજ્ઞાન તેના મૂળરૂપમાં વિદ્યમાન છે –  ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ચિકિત્સાશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, ગણિત, ધર્મશાસ્ત્ર, ઇજનેરશાસ્ત્ર વગેરે.

વેદ જાતિ, લિંગ કે જન્મ પર આધારિત કોઈપણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવની વિરુદ્ધ છે. વેદ માત્ર વ્યક્તિની લાયકાત અને યોગ્યતાને જ દૃઢ સમર્થન આપે છે.

વેદ દરેક મનુષ્ય માત્રને ભણવાનો અધિકાર છે, પછી તે શુદ્ર હોય કે સ્ત્રી.

વેદ કોઈપણ પ્રકારના અંધવિશ્વાસો, મૂર્તિ-પૂજા કે નિયતિવાદની વિરુદ્ધ છે.

વેદમાં જીવાત્માની ઈચ્છા- સ્વતંત્રતા હોવાનું અને જીવાત્મા કર્મ પ્રમાણેના ફળની પ્રાપ્તિ કરતી હોવાનું વિધાન છે. 

વેદોમાં ઈશ્વરની ઉપાસના માટેની કોઈ ચોક્કસ વિધિશાસ્ત્ર, પદ્ધતિ કે પ્રતિમાનું વર્ણન નથી. વેદ માત્ર મૂળભૂત સિદ્ધાંતો આપે છે. પણ આ સિદ્ધાંતો બીજી કોઈ પૂજા પદ્ધતિનો તાર્કિક આધાર હોઈ શકે.

વેદોમાં બધાં જ જીવો પ્રત્યે માન અને દયાભાવ રાખવાનું, તથા તેમના પાલન-પોષણ અને રક્ષણનું વિધાન છે. સ્વાર્થ ખાતર કોઈપણ પ્રાણીમાત્રની હત્યા કરવી વેદ વિરુદ્ધ છે. જે લોકો એવો દાવો કરતા ફરે છે કે વેદોમાં ગૌહત્યા અને યજ્ઞોમાં પ્રાણીઓની આહુતિ આપવાનું વિધાન છે, તેઓ અજ્ઞાની અને મૂર્ખ સ્વ:ઘોષિત વિદ્વાનો છે.

વેદ વૈદિક- સંસ્કૃતમાં (વ્યવહારિક સંસ્કૃત ભાષામાં નહીં) લખાયેલા છે કે જે વિશ્વની બધી જ ભાષાઓની જનની છે.

વેદ સાર્વભૌમિક અને સર્વકાલિક છે. વેદ કુરાન અને બાઈબલની જેમ વેદ કોઈ ચોક્કસ દેશ, જાતિ, મત, પંથ કે સંપ્રદાય માટે જ સીમિત નથી.

વૈદિક ધર્મના બધાં જ સિદ્ધાંતો શ્રુષ્ટિક્રમના નિયમોને અનુકુળ છે અને વિજ્ઞાનની કસોટી પર ખરા ઉતરે છે.

સંસારભરના બીજા મત, પંથ કે સંપ્રદાય કોઈને કોઈ પૈગમ્બર, મસીહા, યુગ પુરુષ વગેરે દ્વારા પ્રવર્તિત કરાયા છે. પરંતુ વૈદિક ધર્મ ઈશ્વરીય છે.

વૈદિક ધર્મમાં એક અને માત્ર એક, નિરાકાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી, ન્યાયકારી ઈશ્વરને જ ઉપાસ્ય દેવ માનવામાં આવ્યો છે, તેની જ ઉપાસના કરાય છે.

વેદમાં પરમેશ્વરના અનેક નામોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પરંતુ પરમેશ્વરનું નિજ નામ “ઓમ્” છે.

વૈદિકમંત્રોના આધ્યાત્મિક, સામાજિક, ભૌતિક એમ એક કરતા વધારે અર્થ નીકળી શકે છે. આથી વેદમંત્રોનું વિશ્લેષણ કરી તેની સાચી સમજ કેળવવા તથા વેદ મંત્રોની અનુભૂતિ કરવા માટે ગહન મનન, મનની શુદ્ધિ અને યોગી જેવું દૈનિક જીવન અતિ આવશ્યક છે. જો આમ ન બને તો વેદો વિષે ઘણી મિથ્યા ધારણાઓ અને ગેરસમજ ઉભી થવાની ભારે સંભાવના રહે છે. આથી જ આજે આપણે માંસાહાર, દારુ, વ્યાભિચાર, અહંમ, આધ્યાત્મિક મૂલ્યોનો અભાવ જેવી ખરાબ આદતોના પ્રભાવમાં જકડાયેલા ઘણાં સ્વ:ઘોષિત વેદ વિદ્વાનોને જોઈએ છીએ. આ ઉપરાંત વ્યક્તિ વ્યવહારિક ઉપયોગ અને માન્યતાઓ અનુસાર વેદ મંત્રના અર્થમાં ફેરફાર ન કરે એટલા માટે પણ મનની શુદ્ધિ અને યોગી જેવું દૈનિક જીવન આવશ્યક છે.

વેદોના મેક્સ મૂલર, વિલસન, ગ્રીફીથ દ્વારા કરાયેલ અનુવાદો પ્રમાણિક નથી. આથી આવા અનુવાદોનો પ્રયોગ કરતા પહેલાં તેમની પ્રમાણિકરીતે નિષ્પક્ષ કસોટી કરી લેવી જોઈએ.

🌞 ψ ।। શ્રી આદિ મહાશક્તિ ભવાની માતાજી ની જાગીર ।। ψ🌙
  સાભાર – રૂદ્ર જાગીર

ગુજરાતનો ઇતિહાસ

Standard

ગુજરાતને પોતાનાં સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે.
આરંભ પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્‍થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્‍ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્‍ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્‍થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્‍યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.દ્વારકામાં શ્રીકૃષ્‍ણે યાદવોનું રાજ્ય સ્‍થાપ્‍યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્‍થળી રચાઈ. શ્રીકૃષ્‍ણનો પૌત્ર અને અનિરુદ્ધનો પુત્ર વાજ્ર, યાદવાસ્‍થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અર્જુને વાજ્રને મથુરાના શાસક તરીકે સ્‍થાપિત કર્યો અને આ રીતે સૌરાષ્‍ટ્રમાં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.

·        ગુજરાતનો પ્રાચીન યુગ
ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે.
ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.
ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું.
આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.
મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી.
ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942).
મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.  સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો. !!

સાભાર…પરશુરામ ચૌહાણ

ગુજરાતની શોભામાં વધારો કરે છે આ રાજવી પેલેસ, જાણો ભાવગનરની હોટલ નિલમબાગ વિશે

Standard

ગુજરાત રાજ્યનો ભાવનગર જીલ્લો વ્યાપારિક અને ઓદ્યોગિક જીલ્લા તરીકે ઓળખાય છે. ભાવનગરની આ શોભામાં હોટલ નિલમબાગ પેલેસ વધારો કરે છે. ભાવનગરના શાસક અને ગોહિલ રાજવંશે વર્ષ 1859માં સુંદર લીલાછમ લોન અને ખાખી પર્ણસમૂહમાંથી સુખદ સાંનિધ્ય જગ્યાએ બંધાવેલ આ પેલેસ અત્યારે તો એક હેરિટેજ હોટલના રૂપમાં ફેરવાઈ ગયો છે. અઢારમી સદીમાં બનેલા નિલમબાગ મહેલની જાહોજલાલી કંઇક અલગ જ છે. આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઇ ગયો છે. મહેલના બારી-બારણા અને ફર્નિચરની સુંદરતા અદભુત છે. સ્વિમિંગ પુલ, સુંદર ગાર્ડન અને ઐતિહાસિક પુસ્તકાલય મહેલની શોભામાં અલગ જ અભિવૃધ્ધિ કરે છે. આજ સુધીમાં દેશ-વિદેશનાં અનેક મહાનુભાવો તથા સહેલાણીઓને આકર્ષી ચૂકેલો નીલમબાગ પેલેસ ભાવનગરની શાન સમાન છે.

image

ભાવનગરના તખ્સસિંહજીએ સુખ શાંતિ અને કુદરતી સોદર્યનાં અલાયદા સ્થળે પોતાના નિવાસસ્થાન માટે બંધાવેલ આ પેલેસ ગુજરાત રાજ્ય બન્યા બાદ એક હેરિટેજ હોટલમાં ફેરવાઈ ગઈ છે. અઢારમી સદીમાં બનેલા આ મહેલ જર્મન આર્કિટેક્ચર મિ. સિમ્સમના વડપણ હેઠળ બંધાવવામાં આવ્યો છે. ભાવનગરની શાન ગણાતા આ હોટલ કમ મહેલમાં લીલાછમ લોન વચ્ચે શાંત, શાહી અને બાદશાહી ભૂતકાળની પ્રતિમા ઉપસી આવે છે. મહેલની ગૂચવણભરી કોતરવામાં આવેલ લાકડાની બારી બારણા તેની આગવી ઓળખ ઉભી કરે છે. લાકડાની અદ્દભૂત કોતરણીમાંથી તૈયાર કરાયેલો દિપડો અને મહેલનું અનોખુ ફર્નિચર પ્રવાસીઓને તેના તરફ ખેચે છે.

image

મહેલના સાગના લાડકામાંથી તૈયાર કરવામાં આવેલા ડાઈનિંગ રૂમમાં ભોજન સમારંભ કોષ્ટકો અને ચેર પર પ્રકાશ પડે એ રીતે ગોઠવણી કરવામાં આવી છે. ડાઈનિંગ રૂમમાં ભારતીય અને ચિની ભોજનની પસંદગી મુજબ રંગ આપવામાં આવ્યા છે. મહેલમાં વ્યાવસાયિક રીતે વિચારીને એક વિશાળ કોન્ફરન્સ હોલની પણ સુવિધા કરવામાં આવી છે. મહેલમાં ચામડાના કવર વાળા કેટલાક સોફા પણ મુકવામાં આવ્યા છે.

image

હોટેલ નિલમબાગ પેલેસમાં સોફ્ટ લાઈટ અને શાંત સંગીત અને એકાંત મન માટે રોમેન્ટિક ગાર્ડન રેસ્ટોરન્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. સાથે જ પહેલાની શાહિ સ્નાનની માફક એક વિશાળ સ્વિમિંગ પૂલ પણ હોટલની શાનમાં વધારો કરે છે. સાજના સમયે આ ગાર્ડનમાં રોમેન્ટિક ડિનર લેવાનો લ્હાવો જ અનેરો હોય છે. ભાવનગરની આ હોટેલ નિલમબાગ પેલેસમાં ભારતીય સાંસ્કૃત વારસો પણ સચવાયેલો છે. હોટલમાં સાંસ્કૃતિક નૃત્ય અને સંગીત કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. હોટેલ નિલમબાગ પેલેસમાં રોકાવા માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હોટલમાં ડીલક્ષ હેરિટેજ ક્લાસીક અને રોયલ કોટેઝ જેવા વિભાગોમાં રૂમને વહેચવામાં આવ્યા છે.

image

હોટેલમાં રોકાવા ઈચ્છતા લોકો માટે એડવાન્સ બુકીંગની સુવિધા પણ છે. આ ઉપરાંત પેલેસમાં એક અત્યાધુનિક સાધનોથી સજ્જ એક મોટુ જિમ્નેશિયમ પણ રાખવામાં આવ્યું છે.જ્યા બહારથી આવતા મહેમાન સવાર સાંજ પોતાની હેલ્થ માટે સાધનો દ્વારા કસરત કરી શકે છે. હોટેલની મુલાકાતે આવતી સહેલાણીઓ માટે ટેનીસ કોર્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. હોટેલ નિલમબાગ પેલેસમાં ખાસ ઐતિહાસિક લાઈબ્રેરીની પણ સુવિધા રાખવામાં આવી છે. આ ઐતિહાસિક પુસ્તકાલય મહેલની શોભામાં ચાર ચાંદ લગાવે તેમ લાગે છે. સાથે જ બાદશાહી સમયની શાહિ રહેણીકરણી અને અત્યાનુધિક સુવિધાનો સંગમ અહિ આ હોટલ નિલમબાગ પેલેસમાં જોવા મળે છે.

image

ગુજરાત રાજ્યના અસ્તિત્વ બાદ રાજાના આ પેલેસને હેરિટેજ હોટેલનો દરજ્જો મળતા હોટેલ નિલમબાગ પેલેસથી ભાવનગરની શાનમાં વધારો થયો છે. તેમ જ વર્ષ દરમ્યાન દેશ-વિદેશમાંથી અનેક સહેલાણીઓ આ મહેલની મુલાકાત લઈ રાજાશાહીનાં સમયની જાહોજલાલીનો નજારો નિહાળે અને માણે છે.

પોરબંદર નરેશ નટવરસિંહજી

Standard

image

વાટે…ઘાટે… વી.એસ.ગઢવી

પ્રસંગ તો નાનો છે પરંતુ તેમાં વિવેક તથા સૌજન્ય છલકતા જોવા મળે છે. આથી જ આ નાની લાગતી ઘટના ચિરસ્મરણીય બને છે. આ પ્રસંગ મહાકવિ ન્હાનાલાલ અને પોરબંદરના તત્કાલીન રાજવી નટવરસિંહજી વચ્ચેના સ્નેહાદરના સંબંધોને પ્રગટ કરે છે. કવિ શ્રી ન્હાનાલાલ પોરબંદર આવે છે. ભારત આ સમયે બ્રિટીશ હકૂમત હેઠળ પરાધીન હતું. સૌરાષ્ટ્ર-કચ્છના લોકો નાના મોટા અનેક રાજવીઓના વહીવટ હેઠળ જીવતા હતા. કવિ ન્હાનાલાલની પોરબંદરની મુલાકાત સમયે પોરબંદરના રાજવી તરીકે નટવરસિંહજી બીરાજતા હતા. ન્હાનાલાલ અને નટવરસિંહજી ગુરુ-શિષ્યનો સ્નેહ – સંબંધ ધરાવતા હતા. નટવરસિંહજી રાજકુમાર કોલેજ રાજકોટમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ ત્યાં અધ્યાપક હતા. સામાન્ય રીતે રાજ્યના પ્રોટોકોલ મુજબ કોઇ મહત્વના મહેમાન આવે તો રાજાના કોઇ પ્રતિનિધિ તેમનું સ્વાગત રેલવે સ્ટેશન પર કરે તેવી વ્યવસ્થા હતી. પ્રોટોકોલની આ ફોર્મલ પ્રથા બ્રિટિશ શાસનની દેણગી હતી.

પોરબંદર રાજ્ય પણ કેટલાંક વર્ષો સુધી બ્રિટિશરોના વહીવટ હેઠળ રહેલું હતું. આજે પણ આપણે ત્યાં રાજ્યના મહેમાનો માટેના પ્રોટોકોલની વ્યવસ્થા છે. પરંતુ અહીં રાજવી નટવરસિંહજીએ પ્રોટોકોલની પરવા કર્યા સિવાય પોતાના ગુરુ તથા કવિ ન્હાનાલાલનો સ્નેહ તથા આદરથી સત્કાર કરવા પોરબંદરના રેલવે સ્ટેશને હાજરી આપી. રાજવીનો વિવેક તથા સૌજન્ય તો આ પ્રસંગમાંથી પ્રગટ થયાં જ, પરંતુ કવિની અંતરની પ્રસન્નતાથી રાજવી અને સમગ્ર પોરબંદર ભીંજાયા. શાસક તથા વિદ્યાનું પ્રદાન કરતા ગુરુ વચ્ચેના કુષ્ણ – સાંદિપનીના સંબંધો જાણે ફરી પોરબંદરના રેલવે સ્ટેશને તે દિવસે પ્રગટ થયા. આજ રીતે આ વિદ્યા વ્યાસંગી રાજવી ૧૯૨૩માં કવીવર રવીન્દ્રનાથ ટાગોરને આવકારવા પોરબંદરના દરિયાકિનારે પોતાનાં ધર્મપત્ની સાથે હાજર રહ્યા અને કવિગુરુને આદરથી આવકાર્યા. કવિગુરુનું વાજતે ગાજતે સ્વાગત તો થયું જ, પરંતુ શાંતિનિકેતન માટે ફંડમાં રાજ્ય તરફથી સારી એવી રકમનું પણ પ્રદાન કરવામાં આવ્યું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં નાનાં-મોટાં રજવાડાઓતો બસ્સોથી પણ વધારે હતાં, પરંતુ નટવરસિંહજી અને પોરબંદર તેમાં જુદી ભાત પાડતા હતા. પાલનપુર નવાબના એક ગુણગ્રાહી ચારણ કવિએ સોરઠની મુલાકાત પછી પાછા ફરીને નવાબની સભામાં પોતાની યાત્રાનાં સંભારણાંને વાગોળતાં ભાવનગર તથા પોરબંદરમાં પોતાની નજરે જોયેલા કીર્તિના બે કળશની હરખાઇને વાત માંડી. સોરઠ મંડલ કે શિખર કીર્તિ કે દોઉ કેન્દ્ર (એક) પટ્ટણી મંત્રી ભાવપુર (બીજો) નટવર પોર નરેન્દ્ર. આવા શીલભદ્ર અને પુણ્યશ્લોક રાજવીની જન્મજયંતી ૩૦ જૂનના રોજ આવે છે. આ સમયે તેમનું વિશેષ સ્મરણ થાય છે. ૧૯૦૧માં જન્મેલા આ રાજવીની ઉજળી સ્મૃતિ તથા તેમની કાર્ય કીર્તિ કદી ઝાંખા પડે તેવા નથી. આજીવન અભ્યાસુ તથા શ્વેતકેશી અને સ્નેહાળ સ્વજન શ્રી નરોત્તમભાઇ પલાણનાં લખાણોમાં પોરબંદરના રાજવી તથા પોરબંદરના સમગ્ર ઇતિહાસનાં અનેક ભાતીગળ રંગોનું દર્શન થાય છે. આપણે આ માટે પલાણ સાહેબના ઋણી છીએ.

રાજવીઓનું વંશપરંપરાગત શાસન સદીઓ સુધી ટક્યું છે. પ્રજાને અનેક પ્રકારે પીડા આપનાર શાસકોની એક યાદી તૈયાર થઇ શકે તેવી છે. આજ રીતે પ્રજાહિતમાં રાજ્યનું હિત જોનાર અને તે રીતેજ વહીવટ કરનાર રાજવીઓની યાદીમાં કેટલાક રાજવીઓ હક્કથી પોતાનું સ્થાન મેળવી શકે તેવા છે. ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના વિચક્ષણ અને પ્રજાકલ્યાણનાં કાર્યો માટે સદાકાળ જાગૃત રાજવી ભગવતસિંહજીની હરોળમાં ઊભા રહી શકે તેવા પોરબંદરના છેલ્લા રાજવી નટવરસિંહજી હતા. દુનિયાભરમાં જોયેલી તથા અનુભવેલી સારી બાબતો પોરબંદરમાં કેવી રીતે અમલમાં લાવી શકાય તેની સતત ખેવના રાખીને નટવરસિંહજીએ રાજ્યનો વહીવટ ચલાવ્યો. નટવરસિંહજીનાં માતુશ્રી એ ભાવનગરના રાજવી તખ્તસિંહજીનાં પુત્રી હતા. આથી ભાવનગરના ઉજળા સંસ્કાર નટવરસિંહજીને ગળથૂથીમાંજ મળ્યા હતા તેમ કહી શકાય.

૧૯૨૦ની જાન્યુઆરીના શુભ દિવસે નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. દેશ આઝાદ થયો ત્યાં સુધીના દીર્ઘકાળનો નટવરસિંહજીનો વહીવટ એક આદર્શ વહીવટકર્તાને છાજે તેવો રહ્યો. નટવરસિંહજી તે સમયે બરાબર સમજી શક્યા કે દરિયાઇ વેપારનો વિકાસ કરી રાજ્યને વેપાર-વાણિજ્યમાં સમૃદ્ધ કરી શકાય છે. આથી બંદરનો વિકાસ કરી તેને સુગ્રથિત બનાવવાનું કાર્ય આ રાજવીએ અગ્રતાના ધોરણે કર્યું. નાનજી કાળીદાસ મહેતા જેવા નરરત્નો આ દરિયાદેવ થકી વિકાસ અને સમૃદ્ધિની અનેક તકો પારખી શક્યા હતા. રેલવે સાથે બંદરનું જોડાણ-સ્ટોરેજ માટેની વ્યવસ્થા જેવી પાયાની સવલતો વધારીને નટવરસિંહજીએ પોરબંદરના દરિયાકિનારાને ધબકતો કર્યો. રાજ્યનાં વેપાર-સમૃદ્ધિ વધ્યાં.

સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ શ્રી શંભુપ્રસાદ દેસાઇએ નોંધ કરી છે તેમ આ કાળના દેશી રજવાડાઓના આપખુદ તેમજ એકહથ્થુ શાસનની અનેક ઘટનાઓ નોંધાયેલી છે. રાજવીઓના શિકાર-શોખ તેમજ લખલૂટ ખર્ચાઓના કારણે રાજ્યના સામાન્ય લોકોના ભાગે હંમેશા સહન કરવાનું રહેતું હતું. આ સ્થિતિની સામે કેટલાક રાજવીઓની હિમ્મત, સાહિત્યપ્રેમ તથા પ્રજાવત્સલતાનાં પણ ઉદાહરણો છે. પોરબંદરના રાજવી નટવરસિંહજીએ શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે સુધારાઓ દાખલ કરવામાં નોંધપાત્ર કાર્ય કરેલું હતું.

જીવનના સંધ્યાકાળે પોતાના ગુરુ કવિ ન્હાનાલાલના અવસાન સમયે જાહેર શોકસભામાં વાયોલીનના કરુણ સુર છેડીને આ રાજવીએ ઉત્તમ સ્વરાંજલિ આપી. આ રોયલ રાજવી જીવનના સંધ્યાકાળે એકલતાનો અનુભવ કરતા હતા. સ્વરાજ્ય મળ્યા પછી પોતાની અનેક પેઢીઓથી ચાલી આવતી સત્તાનો ત્યાગ કરવાનો સમય રાજવીઓ માટે આવી ચૂક્યો હતો. આવા સમયને પારખનારા રાજવીઓની ગૌરવપૂર્ણ યાદીમાં ભાવનગર પછી પોરબંદરનું નામ આવે છે તે નટવરસિંહજીનું પ્રજાલક્ષી વલણ અને દીર્ધદૃષ્ટિ સૂચવે છે. પ્રજાલક્ષી વહીવટની જયારે પણ વાત થશે ત્યારે જાણતાં કે અજાણતાં પણ આ રાજવીની સ્મૃતિ તાજી થયા કરશે. નટવરસિંહજીનો કીર્તિ કળશ કાળના કપરા પ્રવાહમાં ઝાંખો પડે તેવો નથી.

ગંગા અષ્ટક

Standard

        છંદ – નારાચ
   રચના – ચમન ગજ્જર

પ્રચંડ ધાર વાર પાર શિખરાં પછારતી,
કરંત પાન ને સનાન માનવાં ઉધારતી,
દિયેત મુગતિ સકલ જગ્ત પાપ જારની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માંય તારની. (૧)

હરી ચરન નખ્ખ થી તું દેવ માત નીસરી,
હજાર સાઠ તારવા પતાલ પંથ તું પરી,
હજુર હાજર હજીય વિપત્તાં વિદારની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માંય તારની. (૨)

ઉડ ઉપરે ખગોળ જોય પંખી જાવનં,
પ્રતાપ માત આપ એય હોઈ જાત પાવનં,
લિયેત નામ ગંગ માત સર્વ કામ સારની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માંય તારની. (૩)

વિભાગ તીન ભાગ હોઈ તિન લોક તું પરી,
ધરા પરે તું ગંગ સર્ગ નામ તોર સુરસરી,
પતાલ પાટ વાટ ઘાટ વેત્રની વહી બની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માય તારની. (૪)

પ્રયાગ રાજ તિર્થ મેં વહ્યો ત્રિવેણી સંગનં,
કરંત દર્શ પર્શ હોત ભવ્વ દુખ્ખ ભંજનં,
અઘોર ઘોર પંથ ભોર આરતી શ્રીરામ ની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માય તારની. (૫)

અયો થો માત આળ દુખ હોત પૃથુ રાજકું,
કટાર પેટ નાંખ ગીત ગાય કર્ન કાજકું,
બિકાઈ નેર માત આપ આય પૃથુ તારની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માય તારની. (૬)

રાજદે ખિલાફ બાત બાદશા બતાઈકે,
ગયો મસિદ દ્વાર બ્લંદ બાંગ દિ લગાઈકે,
ગઢે જુના અવી કવી ઈ રાજદે ઉધારની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માય।તારની. (૭)

પ્રતાપ તિન લોક તોર ગેન હૈ જળાં ગતી,
કથે કવી કીં કાવ્ય કર ‘ચમન્ન’ મંદ હૈ મતી,
ક્ષમા કરો ક્ષમા કરો મા પાપ તાપ ટારની,
નમામિ દેવી ગંગ તું ત્રિલોક માય તારની. (૮)

[ ચમન ગજ્જર કૃત ]

ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર.

Standard

~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પ્ના કરી ત્યારે બ્ર્મ્હાં એ ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યુ. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિ તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા.

વિશેષતા એ છે કે ગણપતિએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ, સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશ સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદ વ્યાસે અઘરા શ્ર્લોક મૂક્યા છે, જેથી શ્ર્વાસ લેવાનો સમય મળે. એક માન્યતા અનુસાર ગણેશનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતાં રહ્યાં છે. સત્યયુગમાં ગણેશને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતા યુગમાં તેમને છ હાથ અને વાહન મોર હતું. દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર ભુજા હતી અને કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વાહન થયો. સત્યયુગ અને ત્રેતાયુગમાં ‘વિનાયક’ અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ‘ગજાનન’ કહેવાયા.

એવું કહેવાય છે કે, પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો એક સરસ આશ્રમ હતો. તેમની પત્ની અત્યંત સુંદર, સ્વ‚પવાન અને મોહક હતી. તેનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડાં લેવા જંગલમાં ગયા. મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કૌંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો. તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શાપ આપતાં કહ્યું કે તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે, આથી તું મૂષક (ઉંદર) બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ. ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય. પણ દ્વાપર યુગમાં ગણપતિનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે. ll
– જીતુ ભાઇ ઠકકર

સાભાર: રાજભા ઝાલા