ગુજરાતનો ઇતિહાસ

Standard

ગુજરાતને પોતાનાં સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે.
આરંભ પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્‍થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્‍ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્‍ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્‍થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્‍યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.દ્વારકામાં શ્રીકૃષ્‍ણે યાદવોનું રાજ્ય સ્‍થાપ્‍યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્‍થળી રચાઈ. શ્રીકૃષ્‍ણનો પૌત્ર અને અનિરુદ્ધનો પુત્ર વાજ્ર, યાદવાસ્‍થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અર્જુને વાજ્રને મથુરાના શાસક તરીકે સ્‍થાપિત કર્યો અને આ રીતે સૌરાષ્‍ટ્રમાં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.

·        ગુજરાતનો પ્રાચીન યુગ
ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે.
ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.
ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું.
આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.
મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી.
ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942).
મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.  સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો. !!

સાભાર…પરશુરામ ચૌહાણ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s