કોડિયું

Standard

કારતક સુદ ત્રીજનો દહાડો આથમી ચૂક્યો હતો.
હજુયે દિવસે તો સૂર્ય શરીર બાળતો હતો. સૂર્યની વિદાયથી રાત પડયે જ કાંક રાહત થતી. આમ તો છેલ્લાં દસેક દિવસથી રોજ રાતે પશ્ચિમી વાયરો છૂટવા માંડયો હતો. પરિણામે અડધી રાતે તો ગોદડી ઓઢવી જ પડતી. રોજ પરોઢે પડતા ઝાકળથી લદબદ થઈ જતી ગોદડીને ધનજી આજે સાંજે ઘેર લેતો આવ્યો.
લગભગ એક દાયકા જેટલાં વરસોથી ધનજીએ ઘેર સૂવાનું છોડી દીધું હતું. ખેતરમાં બનાવેલા ખોરડાને જ કાયમી રાતવાસનું સ્થાન બનાવી દીધું હતું. પરંતુ આ ચોમાસે પડેલા ભરપેટ વરસાદમાં એનું ખોરડું જર્જરિત થઈ ચૂક્યું હતું. નળિયા વાંદરાઓએ કૂદી-કૂદીને ફોડી નાંખ્યાં હતા. દીવાલોની માટી પણ ઠીકઠીક ધોવાઈ ગઈ હતી અને તેનું મન પણ કોણ જાણે કેમ આ વરસે ફેર ઘેર સૂવા દોરાઈ રહ્યું.
‘ચ્યમ’ બાપા, ગોદડીઓ ઘેર લાવ્યા? : ધનજીના એક માત્ર દીકરા ગોપાલે પૂછયું.
‘અમથા….હમણાં ઝાકળ પડે છે ને!’: ધનજીએ ગોદડીઓ ડામચિયે પટકતાં આપવા ખાતર ઉત્તર વાળ્યો.
દસ વર્ષના નાના ગોપાલ માટે બહુ નહીં તો થોડાક આૃર્ય પૂરતું ધનજીનું વર્તન તો ખરું જ. કેમ કે એની ઉંમરમાં પહેલી જ વાર બાપને ઘેર સૂવા આવેલો ભાળ્યો હતો.
ઓસરીમાં રોટલા ટીપી રહેલા ઉજમ ડોસીએ ઉધરસ ખાતાં ખાતાં બૂમ મારી ‘કુણ ધનોભાઈ આયો?’
‘હોવે…મા…નિવેદ્ય તૈયાર છે?’ માટલામાંથી કળશ્યો પાણી ભરતાં ધનજીએ પૂછયું.
‘હોં….પાણિયાર પર પૈણાયાં મેલ્યાં છે…દિવેટોય વણી રાખી છે…જાવ બાપ-દીકરો નિવેદ્ય પતાવી આવો. આ રોટલો હું કૂતરાં ઓલે કરી લઉં એટલીવાર’ ઉજમ ડોસી કલાડામાં ‘ધબ્બ’ દેતોક રોટલો પટકતાં ખોયણા આઘા કરતાં કરતાં બોલ્યાં.
-અને ધનજી નિવેદ્યનું તાંસળું લઈ, ગોપાલને ઘી પૂરેલાં બે કોડિયા આપીને સાથે લીધો અને નિવેદ્ય કરવા ઊપડયો.
ગામના પાદરમાં આવેલ ઓટલી માની દહેરીના ઓટલા પર નિવેદ્ય મૂકી ધનજીએ નાનકડી દહેરીમાં પડેલા ઝાડુથી અંદરના ભાગમાં થયેલા કચરાનો થરસાફ કર્યો અને કોડિયું અંદર મૂકી એને પ્રગટાવ્યું. સાથે આણેલી એક અગરબત્તી જલાવી દીવાસળીના ખાલી ખોખામાં ઊભી કરીને દહેરીમાં મૂકી. નાળિયેર વધેયંર્ુ. મોટો જોઈને એક કટકો ઓટલી માને ધરાવ્યો ને બીજો કટકો ગોપાલને આપ્યો. સાથે લાવેલું નિવેધ ધરાવી બાપ-દીકરો પણ ઓટલા પર નિવેધ આરોગી રહ્યા.
‘હવે તું ઘેર જા….હું કૂવે દીવો કરીને આવું છું.’ ધનજીએ કહ્યું,
‘ના બાપા, હુંયે આવું’ ગોપાલે વિનંતી કરી.
‘હારુ લે હેંડ….’ થોડોક વિચાર કરીને ધનજી એ કહ્યું. ધનજી અને ગોપાલ પાદરથી સહેજ દૂર આવેલ એમના ખેતર ભણી ચાલી રહ્યા.
ખેતરમાં બાપ-દીકરો પ્રવેશ્યા. કૂવાની કિનાર પર આવીને પાણીનાં ઉરાં પર બનાવેલા એક કુંડાળા પાસે આવીને ધનજી બેઠો અને તેનું ચિત્ત વધુ ને વધુ અસ્વસ્થ થતું ગયું.
અત્યાર સુધી ચૂપ રહેલા ગોપાલે ઉરાની પાળી પર બેસતા સીધો સવાલ કર્યો, ‘બાપા…, આંય કૂવે કેમ દીવો કરો છો?’
ધનજીએ એકદમ ઝાટકાની સાથે ગોપાલ તરફ નજર ફેરવી અને ગોપાલ અંધારામાં બાપના મોઢાના ભાવ તાગી શક્યો તો નહીં, પરંતુ સહેજ ગભરાયો ખરો.
થોડીવાર સુધી પુનઃશાંતિ પ્રસરી અને ખિસ્સામાંથી દીવાસળીની પેટી કાઢતાં જરા ખમચાઈને પ્રગટયા વિનાના કોડિયા સામે તાકીને જોઈ રહ્યો.  કંઈક ગડમથલ અનુભવતું એનું મન, એ દીવાની જેમ એની જિંદગી અજવાળનાર અને દીવાની જયોતથીયે અધિક ઊજળી ઘરવાળીને યાદ કરતું રોઈ રહ્યું…
….એ દિવસે એનો બાપ માંદો હતો અને લાલપુરમાં કોક ડોસીના રાવણે જવાનું થયું.
‘જાને ભઈ તું જ જઈ આય ને…મારામાં હેંડવાની પોંચ નથી.’
ધનજીના બાપે કહ્યું.
‘પણ બાપા…મને એ નહીં ફાવે…હું તો કોય દન….’
‘અલ્યા એ તો શીખવા મળશે…સહુની પાછળ ‘ઓ…ઓ…ઓ…’ કરતો મોંં ઢાંકી હેંડી જજે. ને ઘર આગળ લગીર બેસીને સહુની હારે ઊભા થઈ કોગળો કરી નાંખવાના.’
અને ધનજીને રાવણે જવું જ પડયું.
રસ્તામાં ધનજી એના દોસ્તદારો સાથે હેંડવામાં સૌની આગળ નીકળી ગયો. લાલપુરની સીમમાં પહોંચ્યા ત્યાં સુધીમાં ગામનાં બીજા લોકો ક્યાંય પાછળ પડી ગયા હતા. એમની વાટ જોતો આ મોતિયારો ઘડીક વિસામો લેવા એક આંબલા નીચે બેઠા.
દરમિયાન બે-ચાર છોકરીઓ માથે છાણાં વીણવાનો ટોપલો લઈ દૂરથી આવતી જણાઈ.
‘શુકન તો હારા થાય છે. પણ…’ કોક બોલ્યું.
‘કહે છે કે લાલપુરની છોડીઓ જેવાં ફુમતાં આખા મલકમાં નથી!’ શંકરે વાત ઉપાડી.
‘છાનો મર…લાલપુરના ફુમતાંના હાથ જેવો બીજે ક્યાંયની યે છોડીઓનો હાથ ભારે નથી…એ તને ખબર નૈ હોય.’ ધનજીએ ટકોર કરી.
વધુ ને વધુ નજીક આવી રહેલી એ છોડીઓ આ મોતિયારો તરફ નજર નાંખી માંહેમાંહે મરક મરક હસી લેતી જણાઈ.
‘મારી હાહુવાળી આપણને હસતી લાગે છે…’ દાંત કચ-કચાવતાં ધનજી બોલ્યો, ‘મારું ગામ હોત તો બતાવી દેત.’
છેક નજીક આવી ગયેલી છોડીઓને સીધો સવાલ કરતાં ધનજી બોલ્યોઃ ‘લાલપુર કેટલું છેટું આંયથી?’
ગામનાં ખોરડા ચોખ્ખા વરતાતા હોવા છતાં પૂછાયેલા સવાલથી બધી ચૂપચાપ એકબીજી સામે જોઈ રહી.
જરાક વિચાર કરીને એેકે બીજીને પૂછયું: ‘શાન્તા! પરદેશી લાગે છે….બાપડાને જવાબ તો આલ…’
શાન્તાએ આંખ મારતા કહ્યું: ‘લાલપુર હજી તૈણ ગઉ રહ્યું. કેમ લી મંગુ?’
‘હોવ હોવ. બાપડાને ભરજુવાનીમાં પડોળાં આયા છે. એ કે’તા હોય તો દોરીને મેલી જઈએ.’ મંગુએ સામે આંખ મારતા તીર છોડયું.
અને બધી છોકરીઓ ખડખડાટ હસી પડી.
આંબા નીચે બેઠેલા મોતિયારો માંહેમાંહે સમસમી રહ્યા. શાંતાએ અચાનક બૂમ પાડી ‘હો મા રે મરી ગઈ. મરી ગઈ મા રે…’
‘અલી શું થયું શાન્તા? કેમ બૂમો પાડે છે?’
શાન્તા ત્યાં જ બેસી ગઈ….એક વીંછી ડંખ મારીને ઘાસમાં ઘૂસી રહ્યો હતો. શાન્તાની ઊઘાડી પાની પર લોહીની ટશર ફાટી આવી હતી.
આંબા નીચે બેઠેલા ચારે જણા દોડયા અને અને ચૂપચાપ ટોળે વળી જોઈ રહ્યા.
દયામણું મોં કરીને બધી છોડીઓ એમની સામે તાકી રહી…
‘ધનજી…., તારો ઉપાય અજમાય.’: શંકરે સૂચવ્યું.
ધનજી લગી ખમચાયો અને બોલ્યો, ‘પણ…!’
‘ઝટ કરો….મરી ગઈ બાપા…’ શાન્તા રડી રહી.
ધનજી એકદમ નીચે બેસી ગયો અને શાન્તાના ઘાઘરાની કોર સહેજ ખસેડીને પગની આજુબાજુ હજુરિયો ખેંચીને તાંણી બાંધ્યો. ધનજીની સારવાર જોઈને બીજી છોડીઓ સહેજ શરમાતા મોઢે એકબીજી સામે જોઈ રહી, પણ ધનજી મશગૂલ હતો. એટલીવારમાં તો એકી ઝાટકે શાન્તાની પાનીને બાઝી પડયો.ડંખવાળા પગની પાનીને મોઢે વળગાડી ઝેરવાળું લોહી ચૂસી રહ્યો.
સ્તબ્ધ બનેલા સૌ આ નિરખી રહ્યા અને શાન્તા આંખો મીંચી વાંકા વળેલા ધનજીની પીઠ પર  માથું પટકી ત્રાસ અનુભવી રહી.
-અને એવા જ બીજા એક દિવસે ધનજી ફરી શાન્તાના પગની પાની ચૂસી રહ્યો હતો.
એ વેળા શાન્તા કોઈ પરાયી છેલબટાઉ છોડી નહોતી, પણ એની ઘરવાળી હતી.
એ વેળા શાન્તાએ કોઈ વીંછી કરડયો નહોતો. પણ ખેતરેથી આવેલો ધનજી તરસ્યો થયો હતો અને તરસ છિપાવવા ઓસરીમાં રોટલા ટીપતી શાન્તાના પગને ખેંચી અચાનક બાઝી પડયો હતો. હસી રહેલી શાન્તા છણકો કરીને પગ ખેંચવા મથતી હતી.
‘લાજો જરા…, બૈરાના ટાંટિયા પકડતા શરમેય નથી આવતી?’
‘એ દન બધાની હાજરીમાં શરમ ન’તી આવી. આજ આંય કોઈ નથી, શરમ હેંની?’ પગની પાનીને હટાવી સહેજ અડપલું કરતાં ધનજી બોલ્યો.
શાન્તા કંઈક જવાબ આપવા મથી. પણ તેના હોઠ ઢંકાઈ ગયા અને લોટવાળો હાથ ધનજીના બરડે ભરાવી લીધો. કલાડું એકલું-એકલું તપી રહ્યું હતું. લોટ પણ સૂકાઈ રહ્યો પણ શાન્તા નવરી પડી નહીં.
ઘરવાળી પાછળ ઘેલો બનેલો ધનજી આખા ગામમાં પંકાઈ ચૂક્યો. શાન્તા એનું સંસાર જીવન ઘણાં-ઘણાંની અદેખાઈનું કારણ સુધ્ધાં બની ચૂક્યું હતું. દરમિયાન એક રૂપાળો દીકરો શાન્તાના પેટ અવતરી ચૂક્યો હતો.
એક રાત્રે શાન્તાની સોડમાં ભરાયેલો ધનજી રિસાયો હતો. શાન્તા સાથે અબોલા લીધા હતા,  છતાં એના સાંનિધ્યથી દૂર હટતો જ નહોતો.
શાન્તાએ એના માથામાં આંગળીઓ ફેરવતાં કહ્યું, ‘રિસાયા છો તો પછી આ બધું શેનું તોફાન?’
છતાં ધનજી ચૂપ હતો.
શાન્તાએ કંટાળીને ધનજીના બરડામાં મૂઠી મારતાં કહ્યું, ‘મને ફટકારવી હોય તો ફટકારી લ્યો…, પણ મારી સાથે બોલો…! મારાથી આ નથી સહેવાતું.’
છતાં ધનજી ચૂપ હતો.
‘તમને મારા સમ…, તમારા પગે લાગું છું….! અબોલા મેલો હવે!’
ધનજી હજુયે ચૂપ હતો.
‘જુઓ ! હાંભળી લ્યો તારે…, હવે અબોલા નહીં મેલો તો આ હેંડી…! જિંદગીભર હાથ નંઈ આવું.’
શાન્તા ગળગળા સાદે બોલી.
પણ ધનજી પર એની કોઈ જ અસર નહોતી.
શાન્તા ધનજીને ખસેડીને ઊભી થઈ.
ધનજી જડની જેમ પડી રહ્યો.
શાન્તા બારણા સુધી ગઈ, પણ ધનજીએ એના તરફ ધ્યાન સરખું દીધું નહીં.
‘બસ ત્યારે…., છોકરાને હાચવજો. હું જાઉં છું.’
પ્રત્યુત્તરની રાહ જોતી શાન્તા ક્ષણભર દયામણા મોઢે ધનજી તરફ જોતી ઊભી રહી, પણ ધનજી ચસક્યો સરખો નહીં.
-અને શાન્તા બારણા બહાર અંધારામાં ચાલી ગઈ…! -અને ખરેખર ત્યારબાદ શાન્તા આજ સુધી કદી પાછી આવી નહીં.
પાણીમાં એક મોટો ધીબાકો થયો હોય એવો અવાજ આવ્યો હતો.
-ધનજી ચમકી ગયો. નૈવેધ ધરાવવા કૂવાની કિનારે બેઠેલો તેનો દીકરો એને ઢંઢોળી રહ્યો હતો.
‘બાપા…બાપા….’
ધનજી જાગૃત થયો. તેના હાથમાં તો હજુ સળગાવ્યા વિનાની દીવાસળી એમની એમ હતી.
એના દીકરા સામે જોઈ તે એટલું જ બોલ્યોઃ ‘બેટા, મમતે કદી ચડીશ નહીં…! મારી મમતમાં તારી માએ આ કૂવો પૂર્યો. મારા મર્યા પછીયે તું દર કારતકી સુદ ત્રીજે આંય દીવો કરજે.’
ધનજીએ દીવાસળી સળગાવી, કોડિયું પેટાયું. ઝળહળી ઊઠેલી એ સોનાવરણી ઝાંયમાં ધનજી એના દીકરા સામે જોઈ રહ્યો. જાણે કે શાન્તાનો જ અદ્લ ચહેરો હતો.
__._,_.___

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s