Daily Archives: November 22, 2016

સંદેશ

Standard

​*-જય વસાવડા*

પ્રિય હમવતનીઓ,

બેશક, થોડી હાલાકી અને તકલીફ પડે છે મને-તમને-બધાને. કુદરતી આફત આવે તો આથી ય વધુ સહન કરવું પડે. આરામ ભોગવ્યો અત્યાર સુધી, તો ભોગ પણ આપવો પડે ક્યારેક. પણ જે ખરેખર તમામ અર્થમાં સામાન્ય માણસ છે, એ ચુપચાપ એ સહન કરીને પણ લાઈનમાં ઉભી જેમ તેમ છુટ્ટાનો વ્યવહાર ચલાવે છે. જાહેરાતને એક સપ્તાહ થવા આવ્યું. સામાન્ય આંદોલનો આપણે ત્યાં છાશવારે ફૂટી નીકળે છે, એમાં ય જાહેર મિલકતની ભાંગફોડ થાય છે, ચક્કાજામ થાય છે. કર્ફ્યું નાખવો પડે છે. ખાસ બંદોબસ્તની પુલિસ ગશ્ત લગાવવી પડે છે. લાઠીચાર્જ અને ગોળીબાર થાય છે. લાશો પડે છે. નેટ બેન કરવા પડે છે. અરે, આત્મવિલોપનનાં પ્રયાસો ય થાય છે. આમાંનું કશું ય થયું નથી. આખા દેશમાં ક્યાંય પણ નહી. બાકી ભીડ તો દાંડિયારાસનાં પાસ લેવા ગ્રાઉન્ડ પર જવામાં હોય છે અને લાઈન લોકલ ટ્રેનમાં ય હોય છે. એ ય હોવી ન જોઈએ ધક્કામુક્કી. પણ છે વર્ષોથી. એ સહન થઇ જાય તો આ ટેમ્પરરી છે. બ્લેક મની જગતમાં ક્યાંય સાવ નાબૂદ થયા નથી પણ નખ વધતા બન્ધ ન કરી શકો, સમય સમય પર કાપી, સાફ કરીને નિયંત્રિત તો કરી શકો ને ! મોદીના વિલ પાવરથી આ અંકુશની ધાક ફેલાઇ એ તો એમનાં વિરોધીઓએ છાના ખૂણે કબૂલવું પડે છે. 
કાળા નાણામાં મોટી શાર્ક છે, એ ઘેર બંડલ ના જ રાખતી હોય પણ બાકીનાએ તો ક્યાંક ઓકવા જ પડ્યા છે. અને એ બહાને હેરાન તો થયા ને- એ જોઇને અમારા જેવા નીતિથી પરસેવો પાડીને કમાનારા રાજી જ છે. Something is always better than nothing. ફાટીમૂઆ ભ્રષ્ટ લોકોને એક્સટેન્શનના વિચાર કરવા પડે એવું ટેન્શન આવ્યું ને જૂગાડમાં ધન્ધે તો લાગ્યા ને ! એ જ સજા છે. લાઈનમાં ઉભા છે એ તો ડીપોઝીટ કરવાવાળા નથી. છુટ્ટા કરવાવાળા છે. બાકીના તો ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રુવે એમ સલવાઈ ગયેલા છે. તે એ ક્યાંથી લાઈનમાં ઉભા રહે. એ સગેવગે કરવાની ચિંતામાં છે. એને છુટ્ટાની ચિંતા નથી. અને હોય તો એની પાસે ત્યાં ઉભા રાખવા માટે પગારદાર માણસો છે. પોતે ઉભા રહે તો ફોટા પડાવવા લાગે બીજા એમની સાથે ! જમા કરાવવા માટે પુરતો સમય છે જ. અને સારું, આ બહાને બધા કેશલેસ ડીજીટલ ઇકોનોમીનું મહત્વ સમજે. બેંક એકાઉન્ટ અને પાન કાર્ડ ગંભીરતાથી લે, તો એ આમ પણ અધધધ વસતિવાળા દેશમાં ઘૂસણખોરો ઓળખવા ઝૂંપડપટ્ટીમાં ય જરૂરી છે. વડાપ્રધાન થોડીક ડ્રામેટિક સ્પીચ આપે તો એ ય યોગ્ય જ છે. કિસમ કિસમની વરાયટીવાળા જનસમૂહના ગળે કોળીયો ઉતરાવવો હોય તો શાસ્ત્રીય સંગીત ના ચાલે, એ ચશ્મેઢબ ક્રિટીક્સે માસ સાથે કામ કર્યું હોય તો સમજાય.ત્યાં મેસેજને મેઈનસ્ટ્રીમ મસાલા ફિલ્મની જેમ આપવો પડે. ને ઐતિહાસિક જોખમ લીધું છે, તો એની ક્રેડિટ પણ માણસ લે જ. જાહેરજીવન કોઈ સંતનો આશ્રમ નથી, અને એવી તક તો સંસારત્યાગી બાવાઓ ય નામ કરવાની નોંધ લેવડાવવાની ચુકતા નથી. મૂળ તો બઘવાઈ ગયેલા બોગસીયાઓનો આ વલવલાટ છે. કૂતરાં પકડવાની ગાડી જોઈ કૂતરાં તો ભસાભસ કરી જ મૂકવાના.  
હવે રહી રહીને જે રેલીની વાતોએ ચડ્યા છે, એ તો જેમની નીચે રેલો આવ્યો છે એવા ખંધા ખૂટલો છે. એમને તો સતત હાલાકીનો હોહાગોકીરો કરીને પોતાનું કામ બીજાના નામે કઢાવી લેવું છે. મીડિયા અમુક ન્યુઝ બતાવે એ તો બરાબર કે એ કરન્ટ ઇન્ટરેસ્ટ ટોપિક છે, અને એ બહાને અમુક કામચોર કર્મચારી કે લલ્લુઉલ્લુ દુકાનદાર હોય તો એમને થોડીક ધાસ્તી પણ રહે. અમુક સમચારો તો કેવળ લાગ જોઇને ચગાવી મરેલા છે, જે વાસ્તવમાં યોગાનુયોગ પણ હોય. પણ એકલદોકલ દુઃખને તારસ્વરે રજુ કરવામાં બેંક કર્મચારીઓ કે અન્ય એવા જ લોકો માનવતા ના નાતે સતત અને સખ્ત ફરજ બજાવી રહ્યા છે એ મોટા પાયે બનતી પોઝીટીવ ઘટના ભૂલાઈ જાય છે. સરકારે અમુક આયોજન આગોતરા કરવા જોઈએ પણ એ કરવા ગયા હોત તો વાત સાવ ખાનગી ન રહેત અને તો આટલી આકરી અસર ન આવત. વળી, આ નેવરબિફોર જેવો નિર્ણય છે. એના કોઈ એવા ચેક્પોઈન્ટસ નાં હોય. થોડો અન્જાન એરિયા છે, બધા માટે અને સરકાર સહિત સહુ કોઈ માટે લર્નિંગ એક્સપિરિયન્સ છે, દેશને બેહતર બનાવવા માટે પ્રયાસ કરવાનો. એમાં ભૂલો થાય તો ય ક્ષમ્ય કહેવાય. અમુક છીંડા રહે તો ય સરવાળે, એમ જ પડેલા બ્લેક મની ચોપડે ચડી ફરતા થશે અને પહેલા કરતા તો વધુ હિસાબો ચોખ્ખા થશે ને રહેશે એ નક્કી છે. 
એની વે, પણ આડેધડ આંકડાઓના કોઈ ઓથેન્ટિક સોર્સ વિના ‘ગિનાન’  ઠાલવતા મેસેજ કરનારા અને વાતે વાતે મોકો મળે ત્યાં મફતિયા વિદેશી સોશ્યલ નેટવર્ક પર કાળો કકળાટ કરી રહી છે – એ ‘પરજા’ને ખાસ બે ઉંધા હાથનની અડબોથ ઝીંકવાની ચળ આવે એમ છે. આ એ જ વાનરવેજા છે , જે હજુ હમણાં થોડાક અઠવાડિયા પહેલા કોઈ પણ ભોગે યુદ્ધ યુદ્ધના પડકારા કરવા શૂરીપૂરી હતી ! ત્યારે તો આ અક્કલના દુશ્મનો ગાઈવગાડીને કહેતા હતા કે ભલે ગમે તે થઇ જાય, ન્યુક્લીઅર વોર ફાટી નીકળે પણ બસ લડી જ લેવું છે. ઠાલું થૂંક ઉડાડતી મેસેજ ફોરવર્ડિયા રાષ્ટ્રભક્તિ ! આટલામાં ફીણ આવી ગયા ને બોકાસા નીકળી ગયા તો બૂડથલો કયા મોઢે યુદ્ધના નારા ઠોકતા હતા ? બન્કરમાં રહેવું પડે અને એર સ્ટ્રાઈક થાય તો સાત દી’ લગી ફૂડ પેકેટ ય નાં મળે. છાણ છે નહિ લાઈનમાં ઉભા રહેવાનું કરન્સી એક્સચેન્જ માટે તો યુદ્ધમાં તો જખમ થાય. ઘર તૂટે, લાશો પડે. સરનામાં વીંખાઈ જાય. મોંઘવારી થાય તો ય વસ્તુ ના મળે, વીજળી ને વેપાર ઠપ્પ થઇ જાય. પેલા ચાઇનીઝ રાજદ્વારીએ કડવું, પણ સાચું કરેલું કે ભારતની જનતા બહિષ્કારની વાતું જ કરે છે, બાકી રૂપિયા બચાવવાની વાત આવે ત્યાં દેશ બાજુએ મુકીને બેસી જાય એવી છે એટલે અમે એને સિરિયસલી લેતા જ નથી. હમણાં કો’ક ખાનનું નિવેદન આવ્યું હોત કે અશ્લીલ પોસ્ટર જોયું =હોત કે પ્રેમી પંખીડાને પરેશાન કરવાના હોત તો  ચિત્રો કે થીએટરના કાચ કે ચિત્રો -પુસ્તકો તોડવાના હોત તો ટોળું પેંતરા કરતું સીનસપાટા કરવા પહોંચી ગયું હોત. સાવ ફાલતુ મુદ્દે ઠેકડા મારનારા ખરા અર્થમાં પાયાનું પરાક્રમ બતાવવા માટે સાવ નાનકડું તપ કરવાનું છે, ત્યાં વાઇસર ટાઈટ થઇ જાય છે. શેરીઓ તો સ્વચ્છ નથી કરતા કોડાવ, ખાતું તો સ્વચ્છ કરો પોતાનું. બધી વાતમાં જૂની કુટેવ છોડવાની વાત આવે એટલે ભેંકડા તાણીને રીડિયારમણ કરવાનું ? ફટ છે ભૂંડાવ. સારા નથી લાગતા. 
માંડ પ્રોજેક્ટને બદલે પોલિસીની દિશામાં એક સારો નિર્ણય આવ્યો છે આપણા હોતી હૈ ચલતી હૈ, આગુ સે ચલી આતી હૈના દેશમાં. એને વધાવશું તો જ બીજા આવા અનેક જરૂરી નિર્ણયોની ચેઈન બનવા માટે સીસ્ટમ પર પ્રેશર અને પ્રેરણા બંને આવશે. ગુમાવવાનું કેવળ ચોરટાઓએ જ છે. અને ઉપરથી ધાર્મિક દેખાતો આ દેશ મૂળ તો પૈસાને પરમેશ્વર માનનારો છે એ દંભ ઉઘાડો પડી રહ્યો છે, એ ય સારું છે. પૈસાની વાત આવી તો પ્રેયસીથી પાકિસ્તાન, પરમાત્માથી પાનસોપારી બધું ભૂલીને આ કહેવાતા સદાચારી જીવડાં રઘવાયા થઈને ઉધામા કરવા લાગ્યા છે ! પણ આપણે પોતાની જ લાચારી પર હસતાંહસતાં, સેલ્ફ જોક બનાવતા બનાવતા પણ સેટિંગ ફિક્સિંગને બદલે આ પરિવર્તનને એટલો ને એવો પ્રેમ કરીએ કે ઉપર બેઠેલાઓ ભારતવર્ષનો નવતર પારદર્શક આધુનિક મિજાજ પારખીને એક એક કડીમાંથી આખી હારમાળા રચવા મજબૂર થઇ જાય નવનિર્માણની ! લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યાં મોં ધોવા ન જવાય. કૃષ્ણે સફાઈ માટે કુરુક્ષેત્ર અને યાદવાસ્થળી જોવી પડેલી. આપણે તો કશું ભોગવવાનું નથી આવ્યું. તો અસલી રામરાજ્ય વખતે મંથરા કે પેલા અયોધ્યાના ધોબી ( આ એ અળવીતરાં નાગરિક માટે સ્વભાવગત કોમેન્ટ છે, caste or gender based નહી )  ન બનીએ. આપણી આદતો અને વિચારોનું વાયરિંગ બદલાવી ટોળાંમાથી નાગરિક બનીએ. નવેસરથી પ્રામાણિક શિસ્ત કેળવીએ હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને. અધિકારી કે નેતા, ભ્રષ્ટ માનસિકતાનિ જ પેદાશ છે. આવી સહેલાઇથી સ્વરાજ ઘડવાની તક વારંવાર નથી આવતી. પેલા નોટનું ખિસ્સું જ ના રાખનારા બાપુ આજકાલ બહુ ગુલાબી બનીને મલકાઈ રહ્યા હોય એવું લાગે છે. 🙂
IN FREEDOM OF THAT HEAVEN, LET MY COUNTRY AWAKE !
~ જય વસાવડા