પાંચ વીઘા જમીન બોલે છે, દરબાર!’

Standard

બારોટજીનો અવાજ આખાય ઓરડામાં પડઘાઈ રહ્યો. ખાટલા પર રૂવેલ ગોદડું છે ને ગોદડા પર પથરાઈ છે ફૂલવેલની ડિઝાઈનવાળી ચાદર. ને એના પર બેઠા છે મોટી ફાંદવાળા, મોટી મોટી વાંકડી મૂછોવાળા ને માથે છોગાળા સાફાવાળા બારોટજી! બબલજી બારોટ! નીચે બેઠા છે જીવણજી દરબાર! દરબારી ગામ છે. મોટાભાગની વસ્તી દરબારોની છે! હશે ગામમાં સો-સવાસો ઘર. પણ એ બધામાં એંશી ટકા ઘર વાઘેલા દરબારોનાં.
જીવણજી વાઘેલા કહો કે જીવણજી દરબાર કહો, પણ એમની પાસે જમીન છે માત્ર પાંચ વીઘાં. પાંચ દીકરા છે. પાંચ વીઘાંમાં તો બધાનું શેં પુરું થાય? એટલે એક દીકરો ખેતી કરે છે, એક દીકરો રીક્ષા ચલાવે છે, એક દીકરો નજીકના શહેરમાં પટાવાળો છે, એક દીકરો શહેરમાં શાકભાજી વેચે છે તો એક દીકરો નજીકના ગામના શેઠને ત્યાં ઉઘરાણીનું કામ કરે છે.

જીવણજી વાઘેલા એકલા જ રહે છે. હા, એમનાં ઘરવાળાં છે, પણ બાપડાં ભારેખમ કાયાને કારણે ખાટલાવશ છે. તોય જીવણજીને તેજલબાનો સથવારો છે! આન-બાન અને શાન માટે પ્રાણનેય ન્યોછાવર કરી દેનારા ક્ષત્રિયવીરોના વંશજોથી ગામ ઉભરાય છે. ગામ માથે આફત આવે તો હાક દેતાં વાર ન લગાડે! જાણે સાવજની ડણક! તલવાર કરતાંય વધારે જોરાંતી છે એમની ગર્જના. પાદરમાં પાળિયા છે. ગામ ઇતિહાસના ઓશીકે સૂતું છે. કુરબાનીની કથાઓ પોકારી પોકારીને કહેનારા પાળિયા આખે આખો ઇતિહાસ દબાવીને બેઠા છે!

જીવણજી વાઘેલા પાસે માત્ર પાંચ વીઘાં જ જમીન છે. પાંચમી પેઢી પાસે પાંચસો વીઘાં હતી. પછી પેઢી દર પેઢી જમીન વહેંચાતી ગઈ… ને આજે તો રહી ગઈ છે એમની પાસે માત્ર પાંચ વીઘાં જમીન! આખાય ગામમાં તરતાં ઘર પણ છે. સંધાય પાંચ પાંચ પેઢીના વંશજો છે. આમ તો બધા કુટુંબીઓ જ કહેવાય! પચાસ વીઘાવાળા ય છે ને ચાલીસ વીઘાંવાળા ય છે, તો સો વીઘાંવાળાય ચાર જણ છે.

ઠીક છે, છે એની પાસે ઘણું છે.

પણ જીવણજી વાઘેલા પાસે તો ગણીને પાંચ વીઘાં જમીન છે… એનું દુઃખ નથી એમને. ઉપરવાળાએ જે આપ્યું તે બરાબર.. વાઘેલી માનો વસ્તાર આ ગામમાં પહોળા પને પથરાયો છે, વાંધો નહિ. પાંચેય દિકરા અલગ અલગ કામધંધે વળગ્યાં છે, છતાં એક છે. સાંજ પડ્યે પાંચેય જણ ભેળા થઈ જાય છે…

ચાલે છે સંસાર.

ચાલે છે ધંધા-પાણી.

ચાલે છે ગામનો વ્યવહાર.

ટેકીલા ક્ષત્રિયો છે.

જાન જાય તો જૂતે મારી, શાન ન જવી જોઈએ! ઈજ્જત માટે માથું આપી દેતાં વાર ન કરે આ વાઘેલા દરબારો. ટેક એટલે ટેક. ને એ દિવસે અચાનક જ આવી ચઢ્‌યા બારોટજી… બબલજી બારોટ. જીભે આ શારદાનાં બેસણાં. ગીત-કવિ-છંદને દુહા બઘું જ જીભના ટેરવે! દરબારોના બારોટજી! એમનો અવાજ પણ સંિહની ડણક જેવો! પાંચ-સાત પેઢીનો ઈતિહાસ એમના દિમાગમાં. એમના ચોપડામાં વાઘેલા દરબારોની સાત પેઢીની ક્ષણ ક્ષણની વાતો ચિતરાયેલી હોય! સંિહની ડણક, સતીનું શીલ અને વાઘેલાઓની ટેક – આ ત્રણેયની બરાબરી કોઈ ન કરી શકે!

‘આવો, આવો, બારોટજી.’

– જીવણજી વાઘેલાએ અમરતિયો આવકાર આપ્યો. તો અંદર આવતાં બબલજી બારોટે ઓચર્યું ઃ ‘મા ભવાનીનો હુકમ થયો કે જા, જીવણજીના ઘેર જઈ આવ! દરબાર, તમારે ત્યાં તો જોગમાયાનાં બેસણાં છે! વાહ, વાહ, તમારું કુળ તો ટેક માટે જીવ ન્યોછાવર કરનારું છે…’ ને બારોટજી અંદર આવ્યા. ખાટલે રૂવેલ ગોદડાં પથરાયાં. ઉપર રંગીન ચાદર નંખાણી. ઓશીકે હાથ ટેકવીને બારોટજી બેઠા. પાણીનો કળશ્યો આપ્યો. પાણી પીતાં પીતાં બારોટજી બોલ્યા ઃ ‘વાહ રે વાહ! ધન્ય થઈ ગયા! આજ તો તમારા ઘરનું અમૃત પીવા મળ્યું! જોગમાયાનાં બેસણાં છે, દરબાર!’

ભોજન બન્યું.

દાળને ભાત. ત્રણ જાતનાં મધમધતાં શાક… ખીરનો કટોરો. પૂરી ને પાતરાં… વાહ! વાહ! ખીરનો વાડકો મોઢે મૂકતાં જ બારોટજીની મૂછોની સફેદ લકીર ખેંચાઈ! જમી રહ્યા બારોટજી… ખાટલે બેઠા. પાનનાં બીડાં આવ્યાં. પાન ખાતાં ખાતાં બારોટજી બોલ્યા ઃ ‘દરબાર, મારે તમને એક વાત કહેવાની છે.’

‘કહોને, કવિરાજ!’

‘લખેલું વંચાશે.’

‘ભલે.’

‘ટેક પાળવી પડશે.’

‘પાળીશ. નોં પાળું તો તમારું ખાસડું ને મારા ગાલ!’ બારોટજીએ ચોપડો કાઢ્‌યો. પાનાં ફેરવ્યાં. એક પાના પર એમની નજર અટકી. શ્વાસ ખાઈને એ બોલ્યા ઃ ‘દરબાર, તમારી ચોથી પેઢીના દરબાર શત્રુધ્નસંિહજી. એમણે જે વચન આપ્યું હતું મારી ચોથી પેઢીના દાદાને એ વાંચું છું.’

‘વાંચો.’

‘હું શત્રુધ્નસંિહ વાઘેલા, આથી પાંચ વીઘાં જમીન કેવડાજી બારોટને આપું છું.’

‘બરાબર!’

‘પણ બીજા જ દિવસે શત્રુધ્નસંિહ વાઘેલાનું હૃદયરોગના હુમલાને કારણ અણચંિતવ્યું મરણ થયું. કાળી કાગારોળ અને રોકકળ વચ્ચે કેવડાજી બારોટ ત્યાંથી જતા રહ્યા! બસ, ચાર પેઢીથી મારા ચોપડામાં તમારી પાંચ વીઘા જમીન બાકી બોલે છે, બોલો શું કહેવું છે તમારું?’

‘છોકરાઓને પૂછવું પડે!’

‘પૂછો.’

એજ સાંજે એમણે મોટા દીકરા માનવેન્દ્રને બોલાવ્યો. બધી જ વાત કરી. તો કહે ઃ ‘બાપુજી, હું તો તમારો દીકરો છું. તમારે મને પૂછવાનું હોય? જમીન આપવાની બાકી છે તો આપી દો! દેવું રાખવાની શી જરૂર છે?’

‘વાહ! વાહ!’ બારોટજીના મુખમાંથી ધન્યવાદના શબ્દો નીકળી પડ્યા. એમણે કહ્યું ઃ ‘જીવણજી, હું આવતીકાલે પણ રોકાઈશ. કાલે બોલાવીને પૂછી લો તમારા બીજા દીકરાને.’

બીજે દિવસે બીજા પુત્ર પ્રદ્યુમ્નસંિહને બોલાવ્યો. બધી વાત કરી, તો તે બોલી ઊઠ્યો ઃ ‘બાપુ, દેવું છે, તો ભરી દો દેવું. આપી દો આપણી પાંચ વીઘાં જમીન… બારોટજીને રાજી કરો. બારોટજીનો ચોપડો કદી ખોટું ન બોલ! દેવું ભરપાઈ કરી દો.’

બારોટજી રાજી થઈ ગયા.

બબડ્યા ઃ ‘ધન્ય છે જીવણજી તમારા કુળને!’

પછી મોટેથી બોલ્યા ઃ ‘જીવણજી વાઘેલા, હું આવતીકાલે પણ રોકાઈશ. બોલાવીને પૂછી લો તમારા ત્રીજા દીકરાને!’ બીજે દિવસે ત્રીજો પુત્ર રણમલસંિહ આવ્યો. વાત જાણી બોલ્યો ઃ ‘બાપુ, એમાં અમને પૂછવાનું હોય ખરું? બારોટજીનું દેવું કદી ન રખાય. આપી દો તમ તમારે આપણી પાંચે પાંચ વીઘા જમીન! ઉપરથી ધાનના કોથળા પણ ભરી આપો.’

બારોટજી એટલા હર્ષાવેશમાં આવી ગયા કે ઊભા થઈને તેમણે જીવણજીની પીઠ દાબડી ઃ ‘ધન્ય છે તમને અને તમારા પુત્રોને! તમારા પુત્રો તો કુળ તારણહાર છે! હું આવતીકાલે પણ રોકાઈશ. બોલાવો તમારા સૌથી નાના દીકરાને!’

બીજે દિવસે ચોથો દીકરો બલભદ્રસંિહ આવ્યો. વાત જાણીને બોલ્યો ઃ ‘બાપુ, તમતમારે આપી દો પાંચ વીઘાં બારોટજીને! પણ ઊભા રહો-’

‘કેમ?’

‘પાંચ વીઘાં આપણી ચોથી પેઢીના દાદાએ આપ્યાં હતાં. ચાર ચાર પેઢીઓ જવા છતાં આપણે દેવું ભરપાઈ કરી શક્યા નથી. ધીરધાર કરનાર હોય તો વ્યાજનું ય વ્યાજ ગણે. પણ આપણે સીધી ગણતરી મૂકી. ચાર પેઢીએ દેવું ચારગણું થાય. બારોટજીને આપણે એ હિસાબે વીસ વીઘાં જમીન આપવી પડે. આપણી પાસે તો પાંચ જ વીઘાં છે.’

‘હા, બેટા!’

‘કંઈ વાંધો નહિ, બાપુ! હું ખુદ વેચાઈ જઈશ,પણ દેવું નહિ રહેવા દઉં! અરે, કોઈને ત્યાં આજીવન ખેડૂ તરીકે રહી જઈશ, જો એ પંદર વીઘાં જમીન આપે તો…’

‘કરો ગામ ભેગું.’

એ સાંજે ગામના પાદરમાં વડ હેઠળ આખું ગામ એકઠું થયું. આમ તો બધાય પાંચમી પેઢીના નાતે કુટુંબીઓ જ હતા. ભાઈઓ હતા. બધા આવી ગયા એટલે બલભદ્રસંિહ સૌને હાથ જોડીને બધી જ વાત કરી પછી બોલ્યો ઃ ‘પંદર વીઘાના બદલામાં હું જંિદગીના છેલ્લા શ્વાસ સુધી ખેડૂ રહેવા તૈયાર છું. બોલો, છે કોઈ મારો ખરીદદાર?’

સભામાં સોપો પડી ગયો. એકદમ શાંતિ પથરાઈ ગઈ… બલભદ્ર નિરાશ થઈ ગયો. ત્યાં જ સભામાં એક જણ ઊભો થયો. એ હતો વીરભદ્ર સંિહ. ચાલીસ વીઘાં ભોંનો માલિક. એ બોલ્યો ઃ ‘ભાઈઓ, ચોથી પેઢીના દાદા તો આપણા ય દાદા થયા. એમનું દેવું એકલો બલભદ્ર શા માટે ભરે? એમ થાય તો દરબારોની દિલાવરી લાજે. મારી પાસે ચાલીસ વીઘા જમીન છે. જીવણકાકા જો પાંચ વીઘાં બારોટજીને આપી દે તો એમની પાસે કશું જ ન રહે. એટલે હું એકલો જ મારી જમીનમાંથી વીસ વીઘાં જમીન બારોટજીને આપી દઉં છું! જય ભવાની મા! જય જોગમાયા! મારે ખેડૂ રાખવાની કોઈ જરૂર નથી! જય ભોલેનાથ!’

બારોટજી તો છક થઈ ગયા. દરબારોની દિલાવરી જોઈને!

બીજા દિવસે વીરભદ્રસંિહ દસ્તાવેજના કાગળો લઈને આવ્યા તો બારોટજી બોલ્યા ઃ ‘ના દરબાર! મારે કશું જ નથી જોઈતું. તમારા જેવા દરબારોની દિલાવરી સામે મારું લેણું ખતવાઈ ગયું! આમ તો મારે જવું હતું તીરથયાત્રાએ. પણ હવે નથી જવું!’

‘કેમ, બારોટજી?’

‘મારે તો અહીં જ તીરથયાત્રા થઈ ગઈ! તમને બધાને જોયા, ગામને જોયું, ને મને તીરથનું પુણ્ય મળી ગયું! દરબારોની દિલાવરીથી મોટી તીરથયાત્રા કઈ હોઈ શકે? લો, આવજો બધા, રામ રામ! જય ભોલે નાથ!’ ને બારોટજી ઘરની બહાર નીકળી ગયા – એમનાં પડતાં પગલાંમાં પુણ્યપ્રાપ્તિની વિરલ સંતૃપ્તિનો પ્રતિઘ્વનિ ઊઠતો હતો! ઘટના તો ઘણી પુરાણી છે, પણ એના પડછંદા બનાસકાંઠામાં આવેલા દરબારી દિલાવરીથી ભર્યા ભર્યા એ ગામમાં આજેય સંભળાય છે!

(કથાબીજ ઃ ડી.બી. પટેલ ‘નીરવ’, ગાંધીનગર)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s