અશ્વ

Standard

​અશ્વ; નહિ વાગોળનારાં પશુમાંનું સવારીનું એક સુંદર ચોપગું પશું; તુરગ; હય. 

ઘોડાને પગે ફાટ નથી હોતી. તેને ખરી નહિ પણ ડાબલા જેવો આખો નખ હોય છે. સિંહની માફક એની ગરહદન ઉપર વાળ હોય છે. આ પ્રાણી સવારી કરવામાં અને ગાડીએ તથા હળે જોડવાના કામમાં આવે છે. બધાં પ્રાણીઓમાં ઘોડો ખરેખરો નર ગણાય છે. કારણકે તેને એકલાને જ સ્ત્રીચિહ્ન એટલે સ્તન હોતાં નથી.
મહામુલા અશ્વો નુ દાન પણ પ્રસિધ્ધી પાત્ર થતુ.
*જસદણ દ.શ્રી. આલા ખાચર નો દુહો*
*કવિયા તેં કેતા કીયા, ઘરેઘર ઘોડા થા;*

*તેથી અમર કીત વરી, તું ને વાછાહરા.*
*નવાનગર ના સ્થાપક જામ રાવળ નો દુહોઃ*
*જડિયો જંગલ મા વસે, ઘોડા નો દાતાર;*

*ત્રુઠ્યો રાવળ જામને હાકિ દિધો હાલાર.*
 બધાં જાનવરોમાં સુંદર બાંધો અને દેખાવપણાનો ગુણ ઘોડામાં જ જોવામાં આવે છે. ઘોડો એ સોંદર્ય અને ઉત્સાહની મૂર્તિ જ હોય એમ દેખાય છે. તે રંગે ધોળો, કાળો, રાતો, પીળો અથવા મિશ્ર રંગનો હોય છે. તેના અવાજને ખોંખારવું કે હણહણવું કહે છે. 

સ્વભાવે તે ગરીબ, હુકમ ઉઠાવનાર અને વફાદાર છે. ખડ અને ધાન્ય તેનો ખોરાક છે. ઘોડી ગર્ભાધાનથી ૧૧ મહિને અથવા તો ૩૪૫ દિવસે એક બચ્ચાંને જન્મ આપે છે. ઘોડાની આયુમર્યાદા ૨૭ વર્ષની મનાય છે. એમ લોક માન્યતા  છે કે ઘોડા પાસે શેતાન આવી શકતો નથી માઠા બનાવની ૪૦ દિવસ અગાઉ તેને ખબર પડે છે. 

રંગ અને ગુણ ઉપરથી ઘોડાની ચાર જાત માનેલી છ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.

 બ્રાહ્મણ: આ ઘોડાના શરીરની વાસ ફળ અથવા દૂધ જેવી હોય. તે સ્વભાવે ગરીબ અને દયાળુ હોય. પાણીમાં મોઢું ડૂબાડી પાણી પીએ. તેને ઘેર રાખ્યાથી ધનવૃદ્ધિ થાય. 

ક્ષત્રિય: તેના શરીરની વાસ બકરા કે અગરૂ જેવી હોય. તે ચંચળ અને બળવાન હોય છે. પાણી પીતાં હોઠ બીડી ખરી ઠોક્યા કરે છે. તે લડાઈ માટે પસંદ થાય છે. 

વૈશ્ય: તેના શરીરની વાસ ઘી જેવી હોય છે. પાણી પીતાં તે નાકને પાણીમાં ડૂબાડે. 

શૂદ્ર: તેના શરીરની વાસ માછઠલી જેવી હોય. પાણી પીતાં તે પાણીને નાક અડાડતો નથી. સ્વભાવે તે ગુસ્સાબાજ અને બોજો ઉપાડવાના કામનો છે. 
ઘોડો ખરીદતી વખતે તેના ગુણદોષ તેના રંગ ઉપરથી પારખવામાં આવે છે. ખજૂરના જેવા રંગવાળો, અબલકી, જેનો આગલો અર્ધો ભાગ હરતાલના જેવા રંગનો પીળો હોય, જેનું માથું, કાન, ચારે પગ લાલ અને છાતી સફેદ હોય, જેના જમણો કાન લાલ અથવા કાળો હોય તે સારો ઘોડો ગણાય છે. 

ચક્રવાક, મલ્લિકાક્ષ, શ્યામકર્ણ, પંચકલ્યાણી અને અષ્ટમંગળ એ શુભ લક્ષણવાળા ઘોડા છે. 

ચક્રવાકનું શરીર પીળું અને પગ ધોળા મલ્લિકાક્ષનું શરીર જાંબુઆ રંગનું અને પગ ધોળા, શ્યામકર્ણનું શરીર ધોળું અને બીજા રંગ મિશ્રિત, પંચકલ્યાણીનું મોં અને પગ ધોળા તથા અષ્ટમંગળનાં મોં, કપાળ, પૂછડું, પગ અને છાતી સફેદ હોય છે. 

જુદા જુદા દેશમાં ઉત્પત્તિ મુજબ પણ ઘોડાને નામ અપાય છે: જેમકે, સિંધી, કાઠિયાવાડી, અરબી, કાબૂલી દક્ષિણી, પહાડી, પેગુ, મારવાડી, કચ્છી, માળવી, ઓસ્ટ્રેલિયન વગેરે. 

સિંધી ઘાડનું નાક બકરા જેવું ઊંચું હઈ તેની ચાલ રેતીમાં ચાલવા જેવી છે. 

કાઠિયાવાડી ઘોડો તીખો, શરીરે પાતળો અને દેખાવડો હોય છે. 

ઘોડાની સંખ્યાબંધ જાત છે: ફૂલમાળિયો, માણેક, બોરિયો, તાજણિયો, કેસરી, રેડિયો, માલિયો, બોદલિયો, લખિયો, કેશિયો, શિંગાળિયો, બાદરિયો, ચવરઢાળ, જખાદિયો, હરણિયો, મારૂચો, ડોલર, રેશમિયો, લખમિયો, વાગળિયો, બેગડિયો, ચટપંખો, નાગફણો, બહેરિયો, સારટિયો, રીમિયો, બાજળિયો, ચિંતામણી, અગરિયો, પરવાળિયો, મોરધજ, પારખમણી, પરૈયો, પોપટ, છલબલ, તોખારિયો, સાંકળિયો, કાબર, ઘૂમટી, કાલડી, કાગડિયો, પંખાળિયો, હસળિયો, મણિયો, આખાડિયો, રામપહા, કાળીભાર, પૂતળિયો, તેજો, ખંખારિયો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો, હરડિયો, માકડો, છપરિયો, ચોટીલો, હીરાળો, માછલિઓ વગેરે. 

આ પ્રાણી મનુષ્યને જીવતાં જેમ ઉપયોગી છે તેમ મુઆ પછી તેની લાશમાંથી પણ ઉપયોગી ચીજો બને છે. પગનાં હાડકાંમાંથી છરીકાંટાના હાથા, પૂછડીના વાળનું કપડું, પાંસળી અને ગરદનને બાળીને તેનાં હાડકાંનો કોલસો અને ચામડામાંથી શિકારી બૂટ બને છે. તેની ખરી સાફ કરી તેમાંથી તેલ કાઢી લીધા પછી બાકી રહેલી કઠણ ચીજનાં લિખિયાં અને દાંતખોતરણી બને છે. 
ઊંચાઈ પ્રમાણે ઘોડા સાત જાતના છે: સાઠ આંગળ ઊંચો સાધુ, ચોસઠ આંગળ શ્રીવત્સ, અટસઠ આંગળ અહિલાદ, બોતેર આંગળ મનોહારી, છોતેર આંગળ અશવિજય, એંશી આંગળ વૈભવ અને ચોરાશી આંગલ ઊંચો ઘોડો શાન્ત કહેવાય છે.
સૌરાષ્ટ્ર મા અસલ ઓલાદ ના અશ્વો ઉછેરવામાં આવતા ઉપરાંત વંશાવળીયો પણ રાખવા મા આવતી. જેના પણ વહિવંચાઓ નામ નોંધતા.ઘોડો ખરીદતી વખતે એના માબાપ ના સારા નરસા ગુણ અવશ્ય જોવાય છે. આવા દેવાંશી અશ્વો એ યુધ્ધ માં વિજય અપાવ્યાના , સાહસ અને શોર્ય દાખવ્યા ના,પ્રાણ બચાવ્યા ના અસંખ્ય દાખલાઓ છે.
*યુધ્ધકાળ મા અશ્વ નુ , અગ્રસ્થાન ગણાય;*

*ક્ષાત્રધર્મ ની પાલના, હય થી અધિક મનાય.*
પણ હવે અશ્વ યુગ આથમી રહ્યો છે.
*ગયા ઘોડા ગઇ હાવળ્યો, ગયાં સોનેરી સાજ;*

*મોટર ખટારા માંડવે, કરતાં ભૂં ભૂં અવાજ.*

☀ *કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન* ☀
સાભારઃ ભગવદ ગો મંડલ, જોરાવરસિંહ જાદવ
🏇🏇🏇🏇🏇🏇

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s