Daily Archives: December 15, 2016

​દિવ્ય ભાસ્કર રવિ-પૂર્તિ કોલમ ‘ચંદરવો’ ૧૧-૧૨-૨૦૧૬

Standard

‘આસ્થાની આકરી કસોટી’ – શ્રી રાઘવજી માધડ…

‘આતો ભારે ભૂંડી થઇ ભાઈ, તેં નો કરવાની કરી.’ લાઠીના દરબાર તખતસિંહ ગોહિલ દુભાતા સ્વરે બોલ્યા: ‘જો બાઇને કાંઇક નો થાવાનું થાશેતો મારી ફજેતી થઇ સમજ.’ પછી કહે :‘ફજેતી એટલે શું, એ સમ જાય છે  ને! ’આટલું કહ્યા પછી મ્યાનમાંથી તલવાર કાઢી ને ભીના-નીતરતા પંડે ઠાકોરજીની પૂજા- ઓરડીમાં ગયા. 
અને માથે તલવાર તોળીને કહે:‘હે કાળીયા ઠાકોર. કાં તો એ બાઇનો છેડા છૂટકો કર,ને કાં મારી કમળ પૂજા સ્વીકારી લે !’ નજીકના હજુરિયાએ આ સાંભળ્યું ને પછી તો આખો દરબારગઢ હલબલી ઉઠ્યો.
સવારના પહોરમાં દાદો સૂરજ નારાયણ હજુતો ઊગીને સમાનમો થયો ન્હોતો ત્યાં એક શ્રદ્ધાળુ જણ દોડતો આવીને કહે:‘મારે બાપુને મળવું છે. બોવ ઉતાવળનું કામ છે.’ચોકિયાતે ધારીને ઝીણી નજરે આવતલ ને ત્રોફ્યો. તેના લઘરવઘર દીદાર જોઇને મૂછમાં હસ્યો: ‘એલા તારે તે ઉતાવળનું કામ શું હોય,ઘેલસાગરા !?’
‘બાપલા બોવ ઉતાવળમાં છંવ, વેલામોડું થાશે તો મું રંડાય જાસ.’શ્વાસ થંભાવીને કહે:‘બાપુ ક્યાં છે ?’
‘નાવણ કરે છે.’અધીરાઈથી કહે:‘મારું એક કામ કરી દ્યો, બાપુની નાડીનું ધોવાણ લઇ આલો.. નંઇ તો મારી ઘરવાળી હતી નો’તી થૈઈ જાશે, નાનાં છોકરાં રઝળી પડશે બાપલા !’
ચોકિયાત આખી વાતને પામી ગયો. પણ એક કોર્ય આ ભોળુડા મનેખની આસ્થા અને બીજી કોર્ય બાપુને આવું અંધશ્રદ્ધાવાળું વલણ કે ચલણ જરાય ગમતું નથી.બાપુને ખબર પડેતો પોતાને લોંદાવી નાખે. સારી પટનો ઘઘલાવે.વળી બાપુ પોતેય દુઃખી થાય. કરવું શું ? ચોકિયાતની સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઇ.
લાઠી આમતો નાનકડું રજવાડું. વાટકીમાં શિરામણ જેવું પણ રાજવીની દિલાવરી અને પ્રજાવત્સલતા દરિયા જેવી વિશાળ.વળી સાવ સાદગી અને સ્વાવલંબનથી રહેનારા. સ્નાન માટેનું પાણી પણ કૂવામાંથી જાતે સીંચી લે. સીમમાં નીકળ્યા હોય, કોઈ ખેડૂતને વાડીમાં કામ કરતો જુએ તો જાણે પેઢી જુનો સગો હોય એમ એના ખબરઅંતર પૂછવા લાગે. રૈયત સાથે વાતું એ વળગી જાય. કોઈ આગ્રહ કરેતો એના સાથે બપોરનો રોટલો આરોગવા પણ સામાન્યજનની માફક બેસી જાય. રાજાને પ્રજાની ભેદરેખા ભૂંસાઇ જાય. રાજની રૈયતને પોતાનો બહોળો પરિવાર સમજે. તેથી લોકોને આ સંત જેવા રાજવી તખતસિંહ પર આસ્થા અપાર.
‘નાડીનું જરીક અમથુંય ધોવાણ લઇ આવી દ્યો, આયખાભર પાડ નંઇ ભૂલું. ’જણ ગળગળો થાતો બોલ્યો.
ભડભાદર જેવા આદમીને આમ રગરગતો જોઈ ચોકિયાતનું દિલ પિઘલવા લાગ્યું.પણ ઉપાય સૂઝતો નહોતો. બાપુને ખબર પડે, બે વેણ કહેતો વાંધો નહોતો. રાજાની ગાળ્યું તો ઘી ની નાળ્યું બરાબર કહેવાય. પણ એમનો આત્મા કોચવાયા કરે, મનોમન સંકોરાયા કરે. જેના લીધે ગઢ બહાર નીકળવાનું ટાળે. કોઈ હાથ જોડી, કરગરીને સામે ઊભું રહેતો પોતે ક્ષોભ અનુભવે. અને સામે હાથ જોડીને કહે:‘ભાઈ મારા નામની બાધા, આખડી કે માનતા કરવાનું રહેવા દ્યો. ઉપરવાળો હાજરાહજૂર છે તેના પર આસ્થા રાખો.’
પછી દિલ દુભાતું હોય એમ ઉમેરીને કહે :‘ભાઈ, હું પામર જીવ છું. મારી માનતા રાખી મને પાપમાં ન પાડશો.’ પણ લોકના આદર-ભાવ સામે આમ કહેવું મિથ્યા સાબિત થાય.આસ્થા જીતે ને રાજા હારે ત્યારે છેવટનો ઉપાય અજમાવતા કહી દે : ‘મારી માનતા માનશો તો હું નિર્જળા ઉપવાસ કરીશ.’ પણ ભોળુંડી પ્રજા આવું માને શેની ?
બાપુને પહેરવાના વસ્ત્રો બહાર બાજોઠ પર હતા ને બાપુ સ્નાનગૃહમાં. વસ્ત્રોમાં ચોરણી પણ હતી. કોઈને ખબર ન પડે એમ ચોરણીનું નાડું પાણીમાં ઝબોળીને વાટકીમાં નીચોવી લીધું. પછી કાલાવાલા કરતા જણને વાટકી અંબાવી ને કીધું :‘બાપુના નામ હારે પ્રભુનું નામેય લેજે. દોરી ઉપરવાળાના હાથમાં છે. જા, ઉપડ ઝટ..’.
તખતસિંહ સ્નાનગૃહમાથી બહાર આવ્યા. વસ્ત્રોને સહેજ વીંખાયેલા જોયા. વળી ચોરણીના નાડાનો એક છેડે થોડો બહાર નીકળી ગયેલો હતોને પાછો ભીનો. બાજોઠ પડખે પાણીનું ટીપુંય નહોતું. તેથી પેલા ચોકિયાત સમા માણસ સામે જોયું. તેનું મોં બુઝાયેલા ફાનસ જેવું હતું. ‘બોલ શું હતું ?’ત્યાં સામે હાથ જોડી, થઇ થાવાની હકીકત કહી દીધી.‘તેં ભારે કરી…’ 
કહેતા તખતસિંહ કકળીને ઊભા રહ્યા. એને જરીકેય ગમતી વાત નહોતી. પ્રજામાં આવી ખોટી આસ્થા હોવી કે ઉછરવી ન જોઈએ. કાયમી ધોરણે બંધ થાવી જોઈએ. તેનાં અંતિમ ઉપાય તરીકે રાજવીએ તરતજ કમળપૂજાનો નિર્ણય લીધો.આમ એમના એક હાથમાં માળાને બીજા હાથમાં તલવાર રહેતી હતી. બેઉ એકસાથે હતા. તેમાં કોણ જીતે ને કોણ હારે ઇ રાજવી નો નહી પણ પ્રજાનો પ્રશ્ન હતો.
ખોબા જેવડા લાઠી નગર કાળોકકળાટ વ્યાપી ગયો. નગર ઉલેચાઈને ગઢની અડખેપડખે ટળવળવા લાગ્યું. ત્યાં કોઈને સુઝ્યું તે કહે :‘ઓલ્યો નાડું ભંગાવવા પાણી લઇ ગયો છે…એની ભાળ મેળવો’
લોક દોડતું એના ઘેર પૂગ્યુંને જોયું તો ત્યાં સારાવાના થયા હતા.માં ને છોરું સાજા-નરવા હતાં. બાપુને ખબર આપ્યા. કમળપૂજાનું માંડીવાળી ભવિષ્યમાં આવું કોઈ નહી કરે તેનાં પણ લેવડાવ્યા.
આ ઓલિયા જેવા રાજવી તખતસિંહ ગોહિલના લગ્ન બાશ્રી રામબા (ગણોદ) સાથે થયા હતા. પણ સંસાર માં જીવ નહી રાણીવાસથી દૂર ગઢના છેડાના આવાસમાં રહેતા હતા.પણ વડીલોની સમજાવટ અને વંશને ખાતર સંસાર ભોગવ્યો હતો. 
અને તેમને આંગણે સૂરસિંહજી ગોહિલ – ‘કલાપી’ નો જન્મ થયો હતો…..