​શહીદોના સથવારે 

Standard

​શહીદોના સથવારે 


ગુજરાતના ગુંડાઓ મોટાભાગે મુંબઈના ગુંડાઓ આધારિત રહેતા. લતીફ પહેલા મુંબઈના કરીમલાલા એના ભત્રીજા સમદખાન અને આલમઝેબનાં હાથ નીચે અમદાવાદમાં કામ કરતો હતો. મુંબઈમાં કરીમલાલા આણી મંડળીનો સૌથી મોટો દુશ્મન દાઉદ ઇબ્રાહીમ હતો. બંને એક જ કોમના હતા. માટે કહું છું ગુંડાઓનો કોઈ ધર્મ હોતો નથી. બંને ગેંગ એકબીજાના લોહીની તરસી હતી. 
દાઉદ કરીમલાલાની ગેન્ગના એક પછી એક મહત્વના સભ્યોના ઢીમ ઢાળી રહ્યો હતો. આલમઝેબને  મારવા પણ તે ગુજરાત આવી ચૂક્યો હતો. તે સમયે ગુજરાતમાં આવતા રસ્તામાં એમ્બેસેડર કારમાં રિવૉલ્વરનું પરીક્ષણ કરતા એના સાગરીતને જ ગોળી વાગી ગયેલી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં એને દાખલ કરવો પડેલો ત્યારે વડોદરાના કમિશનર દત્તા સાહેબે એને પકડ્યો પણ હતો પણ બીજા દિવસે જામીન પર કોર્ટે છોડી મૂકેલો. ત્યાર પછી તે કદી પકડાયો જ નહિ. પણ આ બનાવ પછી લતીફની પાછલી ફાટી ગયેલી દાઉદના ડરથી.. પછી લતીફ ભાઈ સમાધાન કરી દાઉદના ખાસ માણસ બની ગયા. ઊગતા સૂરજને પૂજવો સારો, કરીમલાલા આથમતો સૂરજ હતો, અને એના આક્રમક ભત્રીજા સમદખાનને દાઉદના માણસો ધાણીફૂટ ગોળીબાર કરીને મારી ચૂક્યા હતા. એટલે આલમઝેબ ગુજરાતમાં ભાગી આવેલો. આલમઝેબની હથિયાર ભરેલી એક મેટાડોર અમારા એક પિતરાઈ ભાઈ મહેન્દ્રસિંહ બહાદુરસિંહ  રાઓલ સાહેબે પકડી હતી. આલમઝેબ સુરતમાં ભાગતા મરાયો હતો, એને ગોળી મારનાર પારધી સાહેબને ખબર નહોતી કે આ બહુ મોટો કુખ્યાત ગુંડો છે. આમ કરીમલાલાનું સામ્રાજ્ય ખતમ થઇ ગયું આલમઝેબનાં મોત સાથે, એટલે લતીફ ડરનો માર્યો પાટલી બદલી દાઉદ જોડે સંકળાઈ ગયો.  
ગુજરાતના રમખાણોના ઇતિહાસમાં ૧૯૮૫નાં મેં મહિનાની આઠમી તારીખ એક ઇતિહાસ બની જવાની હતી. કાલુપુર ચકલા પોલીસ ચોકીના પોલીસ સબઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ટેમુભા રાણા બપોરે થયેલા પથ્થરમારામાં ઘાયલ તો થયેલા જ હતા. એમના ધર્મપત્ની પ્રેગનન્ટ હોવાથી અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાનાં હોવાથી મહેન્દ્રસિંહ ૧૫ દિવસની રજા લઈ ઘેર જવાના હતા. પોલીસની કામગીરી ૨૪/૭ ખાલી ભારતમાં જ હોય છે તે અમુક મુરખોને ખબર હોતી નથી અને પોલીસને ગાળો દીધે રાખતા હોય છે. ઘેર જવા સામાન પેક કરતા મહેન્દ્રસિંહ ઉપર વાયરલેસ મૅસેજ ઉપરા ઉપરી આવવા લાગ્યા કે ભંડેરી પોળ જે હિન્દુઓની હતી તેને ગુંડાઓએ ઘેરી લીધી છે અને એને આખી સળગાવી મારવાનો પ્લાન છે. લતીફના માણસો આખી પોળને સળગાવી મારવાની તૈયારીમાં છે. 
પ્રજા માટે પોતાના માથા આપી દેવાના બાપદાદાઓના DNA ધરાવતા રાણા સાહેબ તરત પહેલા તો કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજા રદ કરાવી હાજર થઈ ગયા. એસ.પી. જાડેજા સાહેબે હુકમ કર્યો ભંડેરી પોળ પહોચો. સ્ટાફ કોઈ હાજર નહોતો તો ફક્ત બે કૉન્સ્ટેબલ, એક ભરવાડ અને એક ગઢવીને લઈ રાણા સાહેબ ભંડેરી પોળ પહોચ્યા. ભારતના કોન્સ્ટેબલના હાથમાં શું હોય બે ડંડા.. પી.એસ.આઈનાં હાથમાં શું હોય એક બાવાઆદમના જમાનાની સર્વિસ રિવૉલ્વર. એ જમાનામાં પોળોમાં છાપરાવાળા મકાનો. કોઈ અગાસીમાંથી ખાનગી ગોળીબાર થતા હતા. મહેન્દ્રસિંહ પોતે એક છાપરા ઉપર ચડ્યા. લતીફના માણસોએ સામેથી લાઈટો બંધ કરી દીધી અને એકદમ શાંતિ પથરાઈ ગઈ. કૉન્સ્ટેબલ પાસેથી ટૉર્ચ લઈ મહેન્દ્રસિંહ હાથમાં સર્વિસ રિવૉલ્વર લઈ સામે પડ્યા તો સામેથી A.K.56 માંથી ધાણીફૂટ ગોળીબારમાં શાર્પશૂટરોએ મહેન્દ્રસિંહ ટેમુભા રાણાનું હૃદય જ વીંધી નાખ્યું સાત ગોળીઓ છોડીને. 

પોલીસ સબઇન્સ્પેક્ટરને માર્યા પછી લતીફના ગુંડાઓની હિંમત રહી નહિ આખી પોળને ભૂંજી મારવાની. કારણ હવે ગુજરાત પોલીસ ભુરાઈ થવાની જ હતી. અને થઈ પણ હતી. અને થઈ નાં હોત તો તોફાનો કાબુમાં પણ આવવાનાં નહોતા. ઘેલી પ્રજાના પોલીસવાળાને પણ ઘેલા થયા વગર ચાલે તેમ હોતું નથી. 
કરુણતા જુઓ, તે દિવસે મહેન્દ્રસિંહનાં પિતરાઈ બહેનના લગ્ન હતા. અને બીજા કોઈ સંબંધીના લગ્નમાં હાજરી આપવી અનિવાર્ય હોવાથી એમના પિતા ટેમુભા રાજકોટ ગયેલા. પાણસી પોલીસ સ્ટેશનથી ખુદ ડી.એસ.પી. આવીને સુખદ પ્રસંગમાં દુઃખદ સમાચાર આપે છે. શું વીતી હશે એમના કુટુંબીઓ ઉપર? મહેન્દ્રસિંહનાં બારમાનાં દિવસે એમના પત્નીએ દીકરી અલ્પાબાને જન્મ આપ્યો, કે તે દીકરી કદી બાપનું મુખ જોવા પામવાની નહોતી. બાપ એના જન્મની સાક્ષી બનવા રજા મૂકી આવવાનો હતો પણ ફરજ કોને કીધી? પ્રજાના જાનમાલની રક્ષા માટે એ બાપ કાયમી વિદાય લઈ ચૂક્યો હતો. 
એક બાજુ દીકરીનો જન્મ હતો અને એક બાજુ તેના બાપનું બારમું હતું.
ત્યારે જે ભંડેરી પોળને બચાવવા જીવ આપેલો તે પોળના આગેવાન વડીલો અને યુવાનો મહેન્દ્રસિંહનાં બારમામાં હાજર હતા. એટલે સુધી કે પોતાનો સગો બાપ મરી ગયો હોય તેમ બધાએ માથે મુંડન પણ કરાવેલું, અને શ્રાદ્ધ પણ કરેલું. આ લખતા મારી આંખોમાં પાણી આવે છે. કોઈના માનવામાં નહિ આવે પણ મહેન્દ્રસિંહના મોટા દીકરી વંદનાબાના લગ્નમાં વગર આમંત્રણ ભંડેરી પોળના રહીશો, એ જમાનામાં ૨૫૦૦૦ રૂપિયાનું મામેરું લઈને આવેલા. એમના બીજા દીકરીના લગ્નમાં પણ ભંડેરી પોળના રહીશો હાજર હતા. 
મહેન્દ્રસિંહનો દયાળુ જીવ જુઓ. એમના તાબાના એરિયામાં પાથરણાવાળા ગરીબ વેપારીઓની વસ્તુઓ લઈ પોલીસવાળા પૈસા આપે નહિ. પી.એસ.આઈ મહેન્દ્રસિન્હે પોતાના પોલીસવાળા વિરુદ્ધ જઈને પાથરણાવાળા વેપારીઓને કહી દીધેલું કે કોઈ પોલીસવાળો મફતમાં વસ્તુ લઈ જાય તો મને કહેજો, કે ખોટી રીતે હેરાન કરે તો મને કહેજો હું એને સીધો કરીશ. મહેન્દ્રસિંહની શહાદત અમર છે. ભંડેરીપોળમાં આવેલા હનુમાન મંદિરના મહંતનાં પ્રયાસો વડે એમની પ્રતિમા સ્મારક રૂપે ત્યાં ઊભી જ છે. આજે પણ ભંડેરીપોળના રહીશો એમના એમ.ટી.રાણા સાહેબ મહેન્દ્રસિંહ ટેમુભા રાણાને યાદ કરે છે. પોલીસ હંમેશાં ખરાબ હોતી નથી.. તેનો મજબૂત પુરાવો મહેન્દ્રસિંહ ટેમુભા રાણા છે. તો હવે દાદાની કંડારેલી કેડી પર એમના પૌત્ર યશપાલસિંહ રાણા પી.એસ.આઇ તરીકેની સફળ ટ્રેનિંગ લઈને ગુજરાત પોલીસમાં સેવા આપવા તૈયારી કરી ચૂક્યા છે. — ભૂપેન્દ્રસિંહ રાઓલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s