Daily Archives: January 13, 2017

વાત મારા ને તમારા જેવા ની જેને શૂન્યમાંથી સર્જન કરીયુ …

Standard

<~~Jyoti CNC ના પરાક્રમસિંહ જાડેજા રાજકોટ~~>  હાથમાં નાણા નહીં, ધંધો શરૂ કરવા માટે જગ્યા નહીં,  સાયકલ ઉપર ઓર્ડર મેળવવાનો, ડિલવરી આપવાની અને ઉઘરાણી પણ કરવાની ! 30 હજારની લોન લેનારો ગુજરાતી બનાવે છે કરોડોનું એક મશીન
ધરતી ઉપર પગ રાખીને પણ ઉડી શકાય તેવું સાબિત કર્યું છે રાજકોટના આ ઉદ્યોગપતિએ 
ધંધો શરૂ કરવા માટે ગ્રાહકો, મિત્રો અને અન્ય રીતે લોન એકત્ર કરી કામકાજ શરૂ કરવું પડે. પણ કલ્પના કરી શકો કે રૂ. 30,000ની લોન લેનાર આજે એક એવું મશીન બનાવે છે કે જેની કિંમત રૂ. 12 કરોડ હોય! ગિયર પટ્ટા પર હાથ ચલાવતાં  રૂ. 500ની મજૂરી ઉપર જોબ વર્ક કરનાર આજે રૂ. 500 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા હોય!
વર્ષ 2001, પ્રસંગ મશીન ટુલ્સ ઉદ્યોગનો મહાકુંભ એટલે  ‘ઇમ્ટેક્સ એક્ઝીબિશન’. રાજકોટના એક ટચૂકડા ઉત્પાદકે હિન્દુસ્તાન મશીન ટુલ્સ, એઇસ ડિઝાઇનર્સ, લોકેશ મશીન ટુલ્સ જેવા દિગ્ગજોને હંફાવે તેવું એક મશીન પ્રદર્શનમાં મૂક્યું. લિનિયર કટીંગ કરી શકે એવી ટેક્નોલોજી   સિમેન્સે વિકસાવી હતી પણ તેનો ઉપયોગ કરી ભારતમાં પ્રથમ વખત મશીન આ ટચૂકડા ઉત્પાદકે બનાવી આ મહાકુંભમાં રજૂ કર્યું હતું. આ કળા જોઇ કેટલાયે લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. આ માત્ર ભારતમાં લિનિયર ટેક્નોલોજી સાથેનું પ્રથમ મશીન જ ન હતું, એ સૌથી ઝડપી કામગીરી કરતું પણ દેશનું પ્રથમ મશીન હતું!
………
આ બે ટચૂકડા પ્રસંગોની કડી એક જ કંપની સાથે જોડાયેલી છે-જ્યોતિ સીએનસી ઓટોમેશન પ્રા.લિમિટેડ. કંપની તરવરિયા જુવાનો ચલાવે છે. એમને આભને આંબવું છે પણ એમના પગ ધરતી પર જ છે. એમને સફળતા સુપરસોનિક સ્પીડથી હાંસલ કરવી છે પરંતુ કોઇ શોર્ટકર્ટથી નહીં. ભૂતકાળના બે દાયકાની સફર ઉપર નજર કરીએ તો આપણને પણ વિશ્વાસ આવી જશે કે ધરતી ઉપર પગ રાખીને પણ ઉડી શકાય અને સ્વાવલંધી પણ સુપરસોનિક ગતિએ આગળ વધી શકે કે…!
કેવી હતી કંપનીની શરૂઆત?
રાજકોટ મહાપાલિકાના કર્મચારી ઘનશ્યામસિંહ જાડેજાના પુત્ર પરાક્રમસિંહને કારકિર્દી નિર્માણના મહત્વના તબક્કે જ ખ્યાલ આવ્યો કે પિતાજીની આવક કેટલી? ચેસ અને ક્રિકેટનું ગ્લેમર અને શાળા-કોલેજના શિક્ષણથી જ ભાવિ ઉજ્જવળ બને એવી પરંપરા. આ માનસિકતામાંથી મુક્ત થઇ તેમણે પોતાનો માર્ગ નક્કી કર્યો અને કૌટુંબિક સભ્યના મશીનીંગ જોબવર્કના કામમાં લાગી ગયા. સાથે પિતરાઇ ભાઇ સુખદેવસિંહ પણ જોડાયા. આ જોબવર્કના કામમાં અનેક સમસ્યા હતી. નવીનીકરણ નહોતું અને દરેક તબક્કે ‘ચલાવી લેવા’નું હતું. આથી કંટાળી એપ્રિલ 1989માં પોતાનો અલગ ધંધો શરૂ કર્યો
હાથમાં નાણા નહીં, ધંધો શરૂ કરવા માટે જગ્યા નહીં. પણ સપ્લાયરોનો ટેકો અને અન્ય રીતે હિંમત કરી ‘જ્યોતિ એન્ટરપ્રાઇસ’નો પ્રારંભ થયો. અહીં બન્ને ભાઇઓ દિવસ-રાત જોબવર્ક કરતા, સાયકલ ઉપર ઓર્ડર મેળવવાનો, ડિલવરી આપવાની અને ઉઘરાણી પણ કરવાની !
એક દિવસ મામાએ પોતાના લેથ માટે ગિયર એપ્રોનની ડિલિવર લઇ આવવા જણાવ્યું. મામાએ ઓર્ડર આપી રાખેલો પરાક્રમસિંહે તો માત્ર ત્યાંથી ડિલિવરી જ મેળવવાની હતી. પરંતુ ગિયર એપ્રોનના ઉત્પાદકે કહ્યું, ”આ તો ભજીયા જેવું છે, જે રોકડા આપે એ લઇ જાય.” ભાણાએ મામાને આ ઘટના વર્ણવી અને પોતે ગિયર એપ્રોન બનાવી આપવાની હૈયાધારણા આપી. વિરાણી હાઇસ્કૂલમાં ટેકનિકલ શિક્ષણ મેળવનારા પરાક્રમે પોતાના લેથમાંથી ગિયર એપ્રોન કાઢી તેનો અભ્યાસ કર્યો અને એક મહિનામાં મામા માટે પાંચ ગિયર એપ્રોન બનાવી આપ્યા.
આ શરૂઆત હતી ગ્રાહકલક્ષી ડિઝાઇન, ટેક્નોલોજી અને પ્રોડક્ટ બનાવી આપવાની યશગાથાની. જ્યોતિ એન્ટરપ્રાઇસે ગિયર એપ્રોનના ઉત્પાદન થકી ગણ્યાં-ગાંઠ્યા લોકોને ઇજારાશાહી તોડી પાડી. મશીન ટુલ્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ગિયર બોક્સ બનાવ્યા અને ઓલ ગિયર લેથ પણ બનાવ્યા. એએમટી અને કિર્લોસ્કર જેવા દિગ્ગજો જ ઓલ ગિયર લેથ બનાવતા ત્યારે બાપુએ આ પરાક્રમ કરી બતાવ્યું. પછી બનાવ્યા કોપીંગ લેથ અને એસપીએમ (સ્પેશિયલ પરપઝ મશીન). આ બન્ને કમ્પોનેન્ટ બનાવતા મેન્યુઅલી ઓપરેટેડ લેથ કરતા આધુનિક. અહીં ઉત્પાદન ક્ષમતા અનેકગણી વધે, પાર્ટસની ગુણવત્તા પણ વધે અને જોબવર્કનો ઓપરેટીંગ ખર્ચ ઘટે.
આ મશીન મોંઘા એટલે કોમ્પોનેટ ઉત્પાદક ખરીદતા પણ અચકાય. ફરી એક વખત અહીં પણ જ્યોતિની ગ્રાહકલક્ષી ચીજ બનાવવાની ક્ષમતા જ કામ કરી ગઇ. ઇ.સ. 1998માં એક સેમિનારમાં પરાક્રમસિંહે સીએનસી નામની મશીન ટુલ્સમાં આવી રહેલી નવી ટેક્નોલોજી વિશે સાંભળ્યું. રાત્રે 12 વાગ્યે તેમણે સિમેન્સ પાસેથી આ ટેક્નોલોજી ખરીદી.
મશીન ટુલ્સ ઉદ્યોગમાં આ પ્રારંભ હતો કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કન્ટ્રોલ (સીએનસી) ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો. નવી દિલ્હી ખાતે ઇમ્ટેક્સ એક્ઝીબિશનનો. અહીં જ્યોતિએ પોતે ડિઝાઇન કરેલા સાત મશીન મુલાકાતીઓ સમક્ષ મૂક્યા. આમાનું એક મશીન હતું સિમેન્સની લિનિયર ટેક્નોલોજીથી બનેલું લિનિયર મશીન. ભારતમાં બનેલું આ પ્રથમ મશીન હતું. કિર્લોસ્કર, હિન્દુસ્તાન મશીન ટુલ્સ, બીએફડબલ્યુ કે લોકેશે પણ આવું મશીન ક્યારેય બનાવ્યું નહોતું. મશીનના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એટલો ખર્ચ થયેલો કે એટલું તો જ્યોતિનું ટર્નઓવર પણ એ સમયે નહોતું! પરંતુ, આખા દેશે જ્યોતિની નોંધ લીધી. ગ્રાહકોનો જ્યોતિ ડિઝાઇનીંગ ક્ષમતામાં વિશ્વાસ વધ્યો. બેસ્ટ ઇનોવેટિવ ડિઝાઇન ઇન મશીમ ટુલ્સ માટેનો એવોર્ડ પણ મળ્યો.
આ મશીન એટલું મોંઘુ હતું કે, તેનો પ્રથમ ઓર્ડર એક વર્ષ પછી મળેલો. પરંતુ સીએનસી ક્ષેત્રે જ્યોતિ એક નામ છે એવો વિશ્વાસ વધી રહ્યો હતો.
ગ્રાહકો કમ્પોનેન્ટ મોકલે, લઇને આવે કે આવી પ્રોડક્ટ બનાવવા માટે મશીન બનાવી આપો. જ્યોતિના કુશળ કારીગરો મશીન ડિઝાઇન કરે, પડકાર સમજી મશીન બનાવી પણ આપે. 2003માં જ્યોતિએ બીજો પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો. વર્ષે 100 જેટલા મશીન વેચાતા થયા, પણ હજુ મોટામાં મોટી માર્કેટ રાજકોટ જ હતી. ઓટોમોબાઇલ્સ, ટેક્સટાઇલ્સ અને બેરિંગ્સ બનાવનારા જ્યોતિના મશીન ખરીદે.
ને કંપનીએ ફરી પાછું વાળીને જોયું નહીં
વર્ષ 2003થી 2007નો સમયગાળો જ્યોતિએ પોતાની આંતરિક ક્ષમતા વધુ સુદ્રઢ બનાવવા પાછળ ઉપયોગ કર્યો. પ્રોડક્ટ ડેવલપમેન્ટ, રિસર્ચ ક્ષમતામાં વધારો અને શક્ય હોય એ પ્રમાણમાં મશીનરીમાં ઉપયોગમાં લેવાતા પાર્ટસ જાતે બનાવવાનું શરૂ થાય એવું બેકવર્ડ ઇન્ટીગ્રેશન કર્યું. વર્ષ 2004-05માં જ કંપનીએ ભારતમાં 2010 સુધીમાં નંબર વન મશીન ટુલ્સ કંપની બનવાના ઉદેશ સાથેની ‘વિઝન એક્સરસાઇઝ’ હાથ ધરી. નંબર વન એટલે માત્ર ટર્નઓવરની દ્રષ્ટિએ નહીં પરંતુ ગુણવત્તા અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ ખરું. 
જ્યોતિ માર્કેટીંગ ક્ષેત્રે પણ આક્રમક બની. વિવિધ પ્રદર્શનમાં સંપૂર્ણ ક્ષમતા સાથે ભાગ લેવો. વિદેશની ધરતી ઉપર યોજાતા પ્રદશર્નમાં પણ સંપૂર્ણ હાજરી આપી. વર્ષ 2007ના વર્ષમાં કંપનીનું વેચાણ 400 મશીન સુધી પહોંચ્યું. સીએનસી થકી રાજકોટમાં પણ ઓટો પાર્ટસના ઓરીજીનલ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ વધ્યા હતા. પણ જ્યોતિ હવે દેશભરમાં પોતાના માર્કેટીંગ અને સર્વિસ નેટવર્ક સાથે ઉપલબ્ધ હતી. વર્ષ 2005ની નિકાસ પણ નાના પાયે શરૂ શઇ ગઇ હતી.
પ્રથમ ઘટના- ભારતીયે યુરોપની મશીન ટુલ્સ ઉત્પાદક કંપની ખરીદી લીધી!
વર્ષ 2007માં ફ્રાંસની દોઢ સદી જૂની યુરોન ગ્રાફનસ્ટેડન જ્યોતિની ગ્રાહક બની. યુરોનને ઉત્પાદન ખર્ચ બહુ આવતો હોવાથી તેમણે જ્યોતિ પાસે મશીન બનાવવાનું પસંદ કર્યું. મશીનની માગ વધી રહી હતી અને મશીનના પ્રકારો (પ્રોડક્ટ રેન્જ) પણ વધી રહ્યા હતા. એટલે જ્યોતિએ રૂ.120 કરોડના મૂડીરોકાણ સાથે રાજકોટમાં જ ત્રીજું એકમ બનાવ્યું. અલાયદું અને અત્યાધુનિક આર એન્ડ ડી સેન્ટર પણ!
યુરોન ફેરારી, ઓડી, બીએમડબલ્યુ, નાસા જેવી દંતકથારૂપ કંપનીઓ કે સંસ્થાઓને મશીન પૂરા પાડતી. ફ્રાંસ સરકારે આ કંપનીના ઉત્પાદન મથકને રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યું છે. જો કે, યુરોન હવે જ્યોતિ સીએનસી ઓટોમેશનની 100 ટકા માલિકીની સબસિડયરી છે. જ્યોતિ જૂથ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કોઇ ભારતીય કંપની ખરીદવા માટે ઉત્સુક થે એવી ચર્ચાના આધારે યુરોને સામે આવીને ‘પોતે ઉપલબ્ધ’ હોવાનું જણાવ્યા પછી આ સોદો પાર પડ્યો છે. કોઇ ભારતીય ઉત્પાદક યુરોપિયન મશીન ટુલ્સ ઉત્પાદક કંપની ખરીદી હોવાની આ પ્રથમ ઘટના છે. 
જ્યોતિના નાણાકીય કદ કરતા બમણા કદની કંપની ખરીદવાનું સાહસ જોબવર્કથી પ્રારંભ કરનાર પરાક્રમસિંહે કરી બતાવ્યું છે. જ્યોતિના કર્મચારીઓની સરેરાશ ઉંમર 28 અને યુરોનમાં 55. જ્યોતિ રાજકોટ અને ભારતના ગ્રાહકો સુધી સિમિત, તો યુરોન વિશ્વ પ્રતિષ્ઠિત બ્રાન્ડ માટે કામ કરતી હોય!! આયોજન અને સિનર્જીમાં અનેક સમસ્યાઓ થશે એવું ભાખનારા ખોટા પડ્યા છે!
વર્ષ 2009ના અંતે જ્યોતિનું ટર્નઓવર રૂ. 475 કરોડ જેટલું નોંધાયું હતું. કંપનીનું વેચાણ 800 મશીન પર પહોંચ્યું હતું, જેમાં નિકાસ 22 ટકા જેટલી છે. 
શું છે કંપનીની સફળતાનો મંત્ર?
જ્યોતિ સીએનસી ઓટોમેશનના ચેરમેન પરાક્રમસિંહે કંપનીની સફળતા અંગે જણાવે છે, ”જ્યોતિ મારી એકલાની સિધ્ધિ નથી. આ ટીમ વર્ક છે. જ્યોતિનો વિકાસ મારી ટીમ થકી થયો છે.” જ્યોતિમાં જોડાયેલો કર્મચારી અહીં નાણા માટે કામ નથી કરતો. એક સપનાને સાકાર કરવા કામ કરે છે. બધાએ સાથે બેસી જમવાનું. બધાને કંપનીની કામગીરી અંગે સૂચન કરવાની તક અને બધાનો એક સરખો ગણવશે. કોઇ ચેરમને નહીં, કોઇ અધિકારી નહીં કે કોઇ પટ્ટાવાળો નહીં!
500ની મજૂરી ઉપર જોબ વર્ક કરનાર આજે રૂ. 500 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા  શૂન્યમાંથી સર્જન કરનાર  શ્રી  પરાક્રમસિંહ જાડેજા ને વંદન… 

 

– પંકજ કતબા