Daily Archives: January 31, 2017

ખાખીની ખુમારી

Standard

​ગુજરાત પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ ઝાલાએ લખેલુ પોલીસ પરનું આ કાવ્ય આપની સાથે શેર કરુ છું. એક પોલીસ પણ કેવો લાગણીશીલ અને શબ્દોનો સમ્રાટ હોય એની આપને અનુભૂતિ થશે. 
હો વિકટ કોઈ ઘડી,ના ડગ પીછે લેનાર છું,

આવકાર છે પડકારને,હું ખાખીનો ધરનાર છું.
સિંઘમનું શૌર્ય ‘ને દબંગની ડાંડાઇ એતો પડદાના ખેલ છે!

તમામ હકીકતથી વાકેફ, હું વાસ્તવિક ભૂમિનો નાયક છું.

ના ડર બતાવો મને આફતો નો હું ખાખીનો ધરનાર છું
આ કડક વ્યક્તિત્વની આડમાં હું લાગણીની બોછાર છું.

જુલ્મો તળે રિબાતા પીડિતનો હું અવાજ છું.

આમ કરડાયેલી નજરે ન જુઓ આ ખાખી સામે સાહેબ

આખરે હું પણ એક ઇન્સાન છું!
આંક તમામ જૂઠ્ઠા છે આ ખાખીના કદને માપવાના!

ચાલશે તો નહી જ આ ખાખી વિના,

છતાંય જુઓને , કેવો નાહકનો બદનામ છું!
અન્યાય સામે આંધી ‘ને હું કાયદાની કટાર છું,

સફેદ ઝભ્ભો ‘ને ઊંચી ખુરશી મને ના ડરાવો!

શાંતિની જાજમ છોડી આવેલો હું અગ્નિપથનો અંગાર છું.
મારો લાલ કયારે આવશે !

એવી ચિંતા કરનાર મારે પણ એક માઁ છે;

મમ્મી, આજે પણ પપ્પાને રજા નથી?

એવું પૂછતા-વલખતા મારે પણ સંતાન છે!

પરિવારની હૂંફ અને તહેવારોની મોજ

એમ કંઈ કેટલુય ત્યાગનાર છું.
નવી સવાર ‘ને ઘણા પડકાર;

હું નિત નવા યુદ્ધે ચડનાર છું !

ના ડર બતાવો મને આફતો નો

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
માતાની કુખ, બહેનની રાખડી ને કેટલીય જાયાના સિંદૂરને રક્ષનાર છું.

વિખરાતા કુટુંબ ‘ને રેલાતા સંબંધો

આ ખાખી ધાગાથી સીવનાર છું..

ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
સ્પાઈસી હેર સ્ટાઇલ, ફ્રેન્ચ કટ દાઢી ને કલરફુલ કપડા સાહેબ તમને મુબારક..!

શોર્ટ હેર મારી શાન, ક્લીન શેવ મારી પહેચાન ને આ ખાખી મારો ખુમાર છે…!

ના મોહ બતાવો મને દુન્યવી લાલચોનો,

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
થાક અને કંટાળો એવા પ્રોગ્રામ્સ તો જાણે અમે ઇન્સ્ટોલ જ નથી કર્યાં!

સાતેય વાર ‘ને ચોવીસે કલાક હું ડ્યુટી માં જડબેસલાક છુ!

પડકારો ને છે ખુલ્લો આવકાર હું ખાખીનો ધરનાર છું.
અડધી રાત્રે બેફિકર ફરતી અબળાઓનો હું વિશ્વાસ છું.

હોય ગુજરાત જો શાંતિનો પર્યાય તો હું તેનો મૂલાધાર છું.

ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
નિષ્ઠા અને ઈમાન ના નામે હું જ શાને બદનામ છું?

સીમિત પગાર, અસીમિત કામ ‘ને પેલું કાયમી સરનામાનું કોલમ કાયમી ખાલી રાખનાર છું.

સત્કાર છે પડકારનો હું ખાખીનો ધરનાર છું.!
પોલીસની લાઠીના ઘા તો સૌને દેખાય છે, તો શું ઘાયલ જવાનની ખાખી પરથી ટપકતું લાલ રક્ત તમને પાણી દેખાય છે?

આવા તો છે પહાડ મુશ્કેલીના,

છતાય ‘ગજબ’ હું હામ કયાં હારનાર છું!

ખુલ્લો આવકાર છે પડકાર ને હું ખાખીનો ધરનાર છું!

​-: અખા ભગત :-

Standard

મુખ્યત્વે અખો (૧૫૯૧-૧૬૫૬) ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
-: સર્જન :-

છપ્પા

આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. 
” એક મુરખને એવી ટેવ, 

  પથ્થર એટલા પૂજે દેવ ”
જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.
૧} દોષનિવારક અંગવર્ગ

– વેષનિંદા અંગ

– આભડછેટનિંદા અંગ

– શ્થુળદોષ અંગ

– પ્રપંચ અંગ

– ચાનક અંગ

– સુક્ષ્મદોષ અંગ

– ભાષા અંગ

– ખળજ્ઞાની અંગ

– જડભક્તિ અંગ

– સગુણભક્તિ અંગ

– દંભભક્તિ અંગ

– જ્ઞાનદગ્ધ અંગ

– દશવિધજ્ઞાની અંગ

– વિભ્રમ અંગ

– કુટફળ અંગ
૨} ગુણગ્રાહક અંગવર્ગ

– ગુરુ અંગ

– સહજ અંગ

– કવિ અંગ

– વૈરાગ્ય અંગ

– વિચાર અંગ

– ક્ષમા અંગ

– તીર્થ અંગ

– સ્વાતીત અંગ

– ચેતના અંગ

– કૃપા અંગ

– ધીરજ અંગ

– ભક્તિ અંગ

– સંત અંગ
૩} સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ

– માયા અંગ

– સૂઝ અંગ

– મહાલક્ષ અંગ

– વિશ્વરૂપ અંગ

– સ્વભાવ અંગ

– જ્ઞાની અંગ

– જીવ ઇશ્વર અંગ

– આત્મલક્ષ અંગ

– વેષવિચાર અંગ

– જીવ અંગ

– વેદ અંગ

– અજ્ઞાન અંગ

– મુક્તિ અંગ

– આત્મા અંગ
૪} ફલપ્રતિપાદક અંગવર્ગ

– પ્રાપ્તિ અંગ

– પ્રતીતિ અંગ
-: જાણીતી રચનાઓ :-
– પંચીકરણ

– અખેગીતા

– ચિત્ત વિચાર સંવાદ

– ગુરૂ શિષ્ય સંવાદ

– અનુભવ બિંદુ

– બ્રહ્મલીલા બ્રહ્મલીલા

– કૈવલ્યગીતા કૈવલ્યગીતા

– સંતપ્રિયા

– અખાના છપ્પા

– અખાના પદ

– અખાજીના સોરઠા
કેટલાક છપ્પા 
************

આંધળો સસરો ને બહેરી વહુ,

કથા સાંભળવા ચાલ્યા સહુ

કીધુ કાંઇ ને સાંભળ્યું કશું,

આંખનું કાજળ ગાલે ઘસ્યું.

************

તિલક કરતાં ત્રેપન થયાં,

ને જપમાળાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાકયા ચરણ,

તોય ન પોહોંચ્યો હરિને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યા કાન,

તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

************
એક મૂરખને એવી ટેવ,

પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન,

તુલસી દેખી તોડે પાન.

એ અખા બહુ ઉતપાત,

ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

*************
દેહાભિમાન હૂતો પાશેર,

વિધા ભણતાં વાધ્યો શેર;

ચર્ચાવાદમાં તોલે થયો,

ગુરુ થયો ત્યાં મણમાં ગયો;

અખા એમ હલકાથી ભારે હોય,

આત્મજ્ઞાન મૂળગું ખોય

******

એક નગરમાં લાગી લાય

પંખીને શો ધોકો થાય

ઉંદર બીચારાં કરે શોર

જેને નહીં ઉડવાનું જોર

અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે

જેની અનુભવ પાંખો આકાશે ફરે

*****

ઊંડો કૂવોને ફાટી બોખ 

શીખ્યું સાંભળ્યું સર્વે ફોક

દેહાભિમાન હતો પાશેર 

તે વિદ્યા ભણીને વધ્યો શેર

ચર્ચાવાદમાં તોલે થયો 

ગુરુ થયો ત્યાં મણમાં ગયો

અખા એમ હલકાંથી ભારે થાય 

આત્મજ્ઞાન સમૂળું જાય

સો આંધળામાં કાણો રાવ 

આંધળાને કાણા પર ભાવ

સૌનાં નેત્રો ફૂટી ગયા 

ગુરુ આચાર જ કાણાં થયા

શાસ્ત્ર તણી છે એક જ આંખ

અનુભવની ઉઘડી અખા નહી આંખ