Daily Archives: February 1, 2017

રાજ્યાભિષેક મહોત્સવ..

Standard

​આજના વસંત પંચમી ના શુભ દિવસે હિજ હાઇનેશ મહારાજા મહારાણા સ્વ.શ્રી નટવરસિંહજી સાહેબ  નો રાજ્યાભિષેક થયો હતો 

ઇ. સ. 1920 નું માંગલિક વર્ષ પોરબંદર રાજ્યની પ્રજાઓને અત્યંત આનંદદાયક હતુ. વસંતચમીથી પોરબંદર રાજ્યનો રાજ્યતંત્રનો નવા યુગની શરૂઆત થઇ એ શુભ દિવસે મહારાણાશ્રી નટવરસિંહજી એ પોતાના પ્રભાવશાળી પૂર્વજોની પવિત્ર રાજગાદી ઉપર ચરણ ધર્યો. 

રાજ્યાભિષેક મહોત્સવ.

શુભ વસંતપંચમીની સવારમાં રાજ્યભિષેકનું શુભ મુહૂર્ત્ત હતું. આથી પહેલીથ અનેક પુણ્યસ્થાનોથી પવિત્રજળ મંગાવી રાખવામાં આવ્યાં હતાં. એ સમયે વેદવેત્તા બ્રાહ્મણ પવિત્ર વેદમંત્રોના ઉચ્ચાર કરી રાજ્યાભિષેકની પવિત્ર ક્રિયા કરાવી. ગાદીપતિ થનાર જેઠવાવંશી નટવરસિંહજીને વેદમંત્રો સાથે એ પવિત્ર જળવડે સ્નાન કરાવામાં આવ્યું. ને ત્યારપછી ગાદીએ બેસાડવાની ક્રિયા થઇ જે  સમયે મહારાણાશ્રીનટવરસિંહજીએ પોતાના પૂર્વજોની પ્રતાપી ગાદી ઉપર પહેલવહેલોજ પગ મૂક્યો, તે વખતે તોપોની સલામી દેવાણી. દેવસ્થાનોમાં આરતી થઇ. અને પ્રજાજનોએ જયનાદ ના અવાજ સાથે ચારેય દીશાઓમાં ગાજી રહ્યો હતો.

          ”  નટવરસિંહજી નો એક પ્રેરણા દાયક પ્રસંગ ”

     રાજમહેલના કચેરીહોલમાં સવારના નવ વાગે મોટો દરબાર ભરાયો. ત્યારે  તેમના નાનપણના શિક્ષક જગજીવન કાલીદાસ પાઠક એમના રાજ્યો રોહણ વખતે હાજર હતા. ” દરીયા મહેલ ” આજની આર.જી. ટી. કૉલેજ ના પટાંગણમાં એક વિશાળ આયોજન થયું હતું. સૌરાષ્ટ અને મુંબઇ – કોકાતાના અંગ્રેજ અધિકારીઓ સાથે રાજા-મહારાજા  જેઠવા ભાયાતો  તથા શ્રેષ્ટીઓની બહોળી હાજરી વચ્ચે જુવાન નટવરસિંહજી પોતાની ગૌરવયુક્ત, ધીરગંભીર ચાલથી સભામંડપમાં પ્રવેશે છે. નટવરસિંહજીની નજર પ્રથમ ચાર હરોળ વટાવીને એક બાજુ ખૂણામાં દેખાતી બ્રાઉન રંગની પાધડી ઉપર પડે છે. ! આંખથી આંખ તો હસી ગઇ. પણ નટવરસિંહજીને એટલાથી સંતોષ ન થયો. તેઓ પોતાના પ્રિય ગૃહશિક્ષકને આ પ્રસંગે પગે લાગવા માગતા હતા. આગલી હરોળના અભિનંદન ઝીલીને નટવરસિંહજી મુખ્ય આસન ઉપર બેસે તેની પહેલા સ્ટેજ પાસેથી વળાંક લઇને દૂરના ખૂણામાં પહોંચી જાય છે. માતા રામબા અને સમગ્ર રાજવી પરિવાર આશ્વર્યથી ખૂણામાં જુએ છે. રાજા-મહારાજા અને અંગ્રેજ અધીકારીઓ પોતાના મસ્તક ફેરવીને પાછળ નિહાળે છે. પોતાની પછેડીથી આંખો લૂછતા એક ગૌરવર્ણના નાગર ગૃહસ્થ ત્યાં ઊભા છે. નટવરસિંહજી માથાનો સાફો પડી જાય તો ભલે પડી જાય , તેની દરકાર કર્યા વિના રીતસર તે ગૃહસ્થના ચરણોમાં પોતાના જમણા હાથથી સ્પર્શ કરે છે ! સાગના સોટા જેવા પોતાનાથી વેંત ઊંચા નટવરસિંહજીને બાથમાં લઇને પેલો નાગર ગૃહસ્થ એમના વાંસામાં હેતનો હાથ ફેરવે છે ! આ હતા શિક્ષકવર જગજીવન કાલીદાસ પાઠક મહારાણા નટવરસિંહજી ના આવા અનેક પ્રસંગો હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા વર્ણન થયેલ છે. જે આજના યુવાવર્ગ માટે પ્રેરણાસ્ત્રોત છે.

સંદર્ભ 

હનુમાનવંશી 

જેઠવા રાજપુત શૌર્ય ગાથા 

વીરદેવસિંહ જેઠવા