” ઈર્શાદ ” – ચિનુ મોદી ની રચના ઓ…

Standard

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો

કહી ના શક્યો કોઇને કે ખસો.
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે

અને દરવખત આપ ફિક્કું હસો.
સમય નામની બાતમી સાંપડી

પછી લોહી શું કામ નાહક ધસો:
પડે ડાળથી પાંદડું, એ પછી

ઇલાજો કરું એકથી એક સો.
ઇલાજો કરું એકથી એક સો

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

– ચિનુ મોદી ( ઇર્શાદ)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?

મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?

એમની આંખો ભીંજાઈ’તી ખરી,

આંસુઓ કોરા નીકળશે શી ખબર?

__ ચિનુ મોદી ‘ઈર્શાદ”

ૐ શાંતિ 🙏🏻🌹

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?

ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

“મૃત્યુ” પર ચિનુ મોદીના શેર….

(સ્ત્રોત : લયસ્તરો.કોમ)
તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?

તું મરણ છે, હાથમાં તલવાર લે.
ગમે તે ક્ષણે આવતું આ મરણ,

મને સરખેસરખું એ સજવા ન દે.
અંતે નક્કી મોત જ છે,

એ મારગ પર ચાલું હું ?
ભીંત વચ્ચેથી સોંસરું પડશે –

મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?

આંતરેલા જીવની આપો વિગત !
મોતની સમજણ ન આવી કામ કૈં,

જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !

મોતનો પણ એક મોભો હોય છે.
કોણ, ક્યારે, કેમ આવે જાય છે !

જિંદગી કે મોત ક્યાં સમજાય છે !
શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,

તાંતણો કેવો હતો ? તૂટી ગયો.
જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું

કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?
મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,

એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.
શ્વાસ સાથેની રમતમાં હે મરણ,

સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.
દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!

એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!
જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –

શ્વાસની આ રમત હોય તો હોય પણ.
જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે

અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કેમ છો ? સારું છે ?  – ચિનુ મોદી
કેમ છો ? સારું છે 

દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ 

આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ? 

                                               કેમ છો ? સારું છે ?
અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય 

અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં, 

દુણાતી   લાગણીના   દરવાનો   સાત 

અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં; 

દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં 

ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ? 

                                               કેમ છો ? સારું છે ?
પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય 

અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં, 

‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ 

અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં; 

કરમાતાં   ફૂલ   ખરતાં  બે  આંસુઓ 

ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ? 

                                               કેમ છો ? સારું છે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s