શ્રદ્ધા

Standard

​શ્રદ્ધા. 

શ્રદ્ધા.

શ્રદ્ધા.
ના. આ ધાર્મિક શબ્દ નથી. ધર્મમાં ખુબ પ્રયોજાય છે. પરંતુ ઊંડેથી આ શબ્દ માનવ સહજ ભાવ છે. જેને લોજીક સાથે મજા નથી. એને હૃદયના અથાગ ઊંડાણમાં ખોજીએ તો મળે છે. જે એક વિશાળ સ્પેક્ટ્રમ પર ઉભો છે:

શ્રદ્ધા… જો ઓછી હોય તો ‘શંકા’ સુધી પહોંચે. 

શ્રદ્ધા…જો વધુ હોય તો ‘પામવા’ સુધીની અનુભૂતિ છે. 
હું પોતે નાસ્તિક હતો. ચારે તરફ સમાજમાં ઈશ્વર-અલ્લાહના નામે થતા ખેલ જોઇને પેદા થયેલ ધર્મનો ધિક્કાર. હોવો જોઈએ. સાચો છે. હજુ છે. ઈશ્વરની માથાકૂટ ઓછી હોય એટલું જીવન સીધુંસાદું રહે છે. હા…કોઈ પૂછે કે તમે ભગવાનમાં માનો? તો જવાબ હોય કે હું કન્ફયુઝ છું. કોઈ અલૌકિક શક્તિમાં માનું છું જે આ જગતને આટલી ભવ્યતાથી ચલાવે છે. જેને પામવી અઘરી છે. જે કુદરત આ બ્રહ્મના દરેક જીવને નચાવે છે, જીવાડે છે, મારી દે છે…એ કુદરતમાં મને વિશ્વાસ છે. 
‘વિશ્વાસ’ … એ શ્રદ્ધા. 
પરંતુ આ વાત છે મીરાંબાઈની. આજથી પાંચસો વર્ષ પહેલા પેદા થયેલી એક એવી સ્ત્રી જેની પાસેથી જગતે એક અદભૂત શીખ લીધા જેવી છે – ‘શ્રદ્ધાની…’

મીરાંએ જીવેલા જીવન અને લખેલા ગીતો તેની એક અજીબ દિવાનગીની સાક્ષી પૂરે છે. 

આજથી દોઢ વર્ષ પહેલા એક પુસ્તક વંચાઈ રહ્યું હતું: ‘પગ ઘૂંઘરું બાંધ…’ 

એક નાનકડી બાળા…જે એવા સમાજમાં પેદા થયેલી જ્યાં તેણે જે જીવન જીવ્યું એ વર્તમાન સમયની સાપેક્ષે અકલ્પ્ય છે. 

એ નાનકડી મીરાં એ પૂછ્યું: ‘હું કોની?’

ને કોઈએ એક વેંત જેવડી ગોપાલની મૂર્તિ આપીને કહ્યું કે: ‘તું આની…અને એ તારો ગિરિધર ગોપાલ…’
બસ…એક અમર શ્રદ્ધાનો જન્મ થયો. તેને એક પીતળની મૂર્તિમાં ઈશ્વર દેખાયો. એ જ ઈશ્વરમાં પોતાનો સ્વામી દેખાયો. પ્રેમ થયો. સમાજની હડધૂત મળી. વાસ્તવમાં જે પતિ હતો તેણે પીડાઓ આપી. પણ…

…પણ એ શ્રદ્ધા અતૂટ હતી સાહેબ… એ મીરાં એવું તો જીવી…એણે એવા તો ગીત ગાયા…પોતાના ગોપાલને એવો પ્રેમ કર્યો…

કે એના એક ગીતમાં માત્ર બે જ વાક્યમાં તેણે પોતાની પ્રેમની, શ્રદ્ધાની ચરમસીમા કહી દીધી છે. મીરાંએ કહ્યું છે:

“…જો હું મરી જાઉં, જો કોઈ મને મારી નાખે…અને મારી ચિતા તૈયાર હોય.

તો એ ચિતામાં સુતેલા મારા શરીર પાસે જો તમે ગોપાલની મૂર્તિ મૂકી દેશો તો હું મોતના મુખેથી બેઠી થઇ જઈશ.”
એ હતી શ્રદ્ધા… 🙂

એક પાગલપન. દિવાનગી. રગ-રગમાં એજ રટણ. એક મૂર્તિમાં જો આટલી શ્રદ્ધા મૂકીને તેણે પરમને પામ્યું હશે તો વિચારો કે આ ‘શ્રદ્ધા’ની તાકાત હશે!
બસ…એ દિવસથી થયું કે તમારું નાસ્તિક હોવું સ્વીકાર છે. ચાલો એમાં મજા પણ છે. પરંતુ જે જગતમાં નરસિંહ-કબીર-મીરાંને વાંચીએ અને પછી સાયન્સના દરેક પરિબળને ચકાસીએ તો એક અજર-અમર સત્ય ખબર પડે છે કે – ‘ન્યુરોસાયન્સ કહે છે એમ જો તમારી આંખો સામે એક સફેદ દીવાલ રાખીએ અને પછી મગજમાં પેદા થતા સ્પંદનોનો ગ્રાફ જોઈએ, અને પછી એ જ આંખો સામે એક અદ્ભુત ચિત્ર રાખીએ અને પછી મગજના પેદા થયેલા સ્પંદનોનો ગ્રાફ જોઈએ તો ખબર પડે કે ચિત્ર જોયા પછી જે ‘ખુશીનું કે અચરજનું સ્પંદન’ પેદા થયું…બસ….એવું જ માણસની શ્રદ્ધાનું છે. એની તિવ્રતા જેટલી વધુ એટલું તમારું અસ્તિત્વ બદલાય. 
…પરંતુ જે માણસો ‘વર્ક-લાઈફ’ બેલેન્સ જાળવીને જીવ્યા કરતા હોય તેમની શ્રદ્ધાઓ ડગુમગુ થયા જ કરતી હોય છે. મીરાં કે નરસિંહ તો ગાંડા હતા. બની ગયા હતા. નશો હતો એમની શ્રદ્ધા. પરમાનંદ હતો. ભૂખ-તરસ ભુલાઈ જતા. સુરજ-ચાંદ-સમુંદરની જેમ એ બધા નિજાનંદમાં એવા તે મસ્ત બન્યા હતા કે એમના કામ અમર થઇ ગયા. 
બસ…સાર આ હતો: કોઈને પ્રેમ કરવો હોય કે કોઈ કામ કરવું હોય…આ દિલ-દિમાગના એનાલિસિસ કર્યા કરવા કરતા આંખો મીંચીને એક ભાવથી એક શ્રદ્ધાથી નિરંતર સાધુપણું પકડી લેવું. દિલ ફાડીને કામ કરવું. પ્રેમ કરવો. જે કામ કરો તેમાં એક અખૂટ શ્રદ્ધા રાખવાની. પછી જેમ મીરાંને હરી મળે એમ આપણને કદાચ સફળતા મળે. જે પ્રેમમાં ગાંડો ભરોસો મૂક્યો હોય એમાં સામેનો માણસ દગો આપે તો પણ એને માફ કરવાની તાકાત આવી જતી હોય છે. એ માણસને પ્રેમ કરતી સમયે જે આંધળી ‘શ્રદ્ધા’ મૂકી હોય એ પ્રેમ…એ પ્રેમ તમને સાજા કરી દે છે. ફૂંકી-ફૂંકીને જીવવામાં કે પ્રેમ કરવામાં મજા નથી. ખુબ વિચાર્યા કરીને, સમજ્યા કરીને પ્રેમ-ભક્તિ-કામ ન થાય. થાય તો સામાન્ય માણસ જેવા થાય…મીરાં જેવા ચિતા માંથી બેઠા થવા જેવા નહી.    
એવું જ કામનું છે. જે નસ-નસમાં ચડે છે. જે કામ જીવન બની જાય છે. એ કામ પરમાનંદ આપે છે. હા…જીવનનું બેલેન્સ નથી રહેતું. ઘણુબધું તૂટ્યા કરે છે. પરંતુ જે સર્જાય છે એ બેડો પાર કરે છે. કામ સુહાગન બની જાય છે, પ્રેમ બની જાય છે…પછી નિષ્ફળતાઓ કે સમાજ તેનો વાળ વાંકો કરી શકતું નથી. હરી મળી જાય છે. કામ જ હરી બની જાય છે. 😊

– જીતેશ ડોંગા 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s