હળવદમાં છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે…!

Standard

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ll હળવદ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ દરવાજાઓ પણ આવેલા છે. જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ આવેલું છે. છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ શહેર ભૂદેવોની નગરી તરીકે પણ જાણીતું છે. હળવદના ભૂદેવો લાડવા ખાવામાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર એક જ ટંકે સાઠ લાડવા ખાનાર હળવદના દુર્ગાશંકર બાપા જગ પ્રખ્યાત ગણાતા હતા. આજે પણ હળવદિયા બ્રાહ્મણો પૈકી અમુક જુવાનિયાઓ વીસ જેટલા લાડવા સામાન્ય આરોગી જાય છે. જે તે સમયે ચુરમાના લાડુ બ્રાહ્મણો માટે ઔષધી સમાન પુરવાર થયાનું જાણવા મળે છે. સ્મશાનમાં લોકો શા માટે જતા હોય છે? કોઈકને અંતિમ વિદાય આપવા માટે! હળવદ સિવાયનાં સ્મશાનો માટે આ જવાબ સાચો છે. હળવદમાં કોઈને અગ્નિદાહ આપવા ઉપરાંત છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે! એ ઉપરાંત હળવદ તેના બળુકા બ્રાહ્મણો માટે પણ ખ્યાતનામ છે.
રાતા લુઘડા હાળા મો, રખને ભાઈ હળવદિયા હો…
આ કહેવત હળવદિયાઓ માટે વર્ષો જૂની બની ગઈ છે. હળવદની આ પવિત્ર ધરા ઉપર ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો ખેલાયા હોવાના પુરાવાઓ પણ અત્રે જોવા મળે છે. ૧૯મીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં ત્રણસો નેવું જેટલા પાળિયાઓ પૈકી બસો જેટલા પાળિયા તેમ જ એકસો જેટલી સતી-શુરાની દેરીઓ હળવદમાં આજે પણ મોજૂદ છે. ઉપરાંત તાલુકા અને શહેરી વિસ્તારના વિવિધ ભાગોમાં તેમ જ વિવિધ સીમાડાઓમાં જ્યાં જ્યાં નજર દોડાવો ત્યાં ત્યાં શૂરવીરોની મર્દાનગીની ગવાહી આપતા પાળિયાઓ આજે પણ અડીખમ ઊભા છે. એક સમયે હળવદ બહાદુરોનું ગામ હતું. ત્યાંની શૂરવીરતાની સાક્ષી પૂરતા પાળિયાઓ ગામની ભાગોળે ઇતિહાસના મૌન સાક્ષી બનીને ઊભા છે. અહીં સૌથી વધુ વસ્તી ભૂદેવોની. આજે પણ ૪૫ હજારની વસતી ધરાવતા હળવદમાં ૨૦ હજાર જેટલા બ્રાહ્મણોે રહે છે. એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં પોણા ચારસો જેટલા પાળિયા હતા. તેમાંથી ૧૪ પાળિયાઓનાં નામ ઉકેલી શકાયાં ન હતાં. મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ૩૦૦ દેરીઓ છે. એ સતી સ્ત્રીઓને તેના કુુટૂંબીજનો દેવી ગણી તેની પૂજા કરે છે.
આખા દેશમાં ૩ સ્મશાનો પ્રખ્યાત છેઃ ઉજ્જૈનનું મહાકાલેશ્વર સ્મશાન, પાટણનું હિંગળાજ સ્મશાન અને હળવદનું રાજેશ્વર સ્મશાન. સામાન્ય રીતે સ્મશાનનો સંબંધ મોત સાથે હોય છે, પણ હળવદનું સ્મશાન ત્યાં થતી હલચલને કારણે ‘જાગતું સ્મશાન’ પણ કહેવાય છે. વર્ષોથી હળવદમાં ભૂદેવો વચ્ચે લાડુ ખાવાની સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધામાં પહેલાં તો કમિટી લાડુનું કદ નક્કી કરે. લગભગ સો ગ્રામ વજન ધરાવતા લાડુ સાથે ભોજનમાં માત્ર દાળ જ પિરસાય. છેલ્લે ૨૦૦૬માં હરીફાઈ યોજાયેલી ત્યારે વિજેતા બનેલા સ્પર્ધેકે પોતાના પેટમાં ૩૦ લાડૂ સમાવી દીધા હતા…! હળવદમાં જન્મેલા અને દેશ-પરદેશમાં ખ્યાતિ પામેલા ખગોળવિજ્ઞા|ની ડો.જે.જે. રાવલ કહે છે, ‘અમે નાના હતા ત્યારે ચાર-પાંચ લાડુ માંડ ખાઈ શકતા. આજે પણ ચારથી વધુ ખાવા મુશ્કેલ છે. પણ ખાનારાઓ ૫૦-૫૦ લાડવા આરોગી જતા.’ આ સ્પર્ધા સાથે એક રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે. લગભગ ત્રણેક દાયકા પહેલાં અહીં દુર્ગાશંકર સવાલી નામના બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સામાન્ય રીતે ૬૦ લાડુ જમી જતા. એક વખત કંઈક ૬૫ લાડુ ખવાઈ ગયા અને તેમની તબિયત બગડી. વૈદને બોલાવ્યા, નાડી તપાસાઈ, બીજી નાની મોટી તપાસ પૂરી થઈ અને વૈદે કહ્યું કે હું ચાર ગોળી આપું છું તે ખવડાવી દો એટલે બધું બરાબર થઈ જશે. એ વખતે દુર્ગાશંકર બોલ્યા, કે ના ના, ચાર ગોળી જ ખાવાની હોય તો હું ચાર લાડુ ખાવાનું પસંદ કરીશ! શું તેમનો લાડુપ્રેમ.. જોકે અહીંના બ્રાહ્મણો ખાલી લાડૂ ખાવામાં પાવરધા ન હતા, જરૃર પડયે થાળી બાજુ પર મૂકી તલવારો પણ હાથમાં લઈ લેતા. ll

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s