હાજી કાસમ, તારી વીજળીરે મધદરિયે વેરણ થઇ

Standard

​લોકગીત તો સાંભળ્યું હશે.પૂરું વાંચો રસપ્રદ છે.
વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ડૂબી ગયા હતા.

આ જહાજને વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. જહાજને ઘણીવાર “ગુજરાતના ટાઈટેનિક” તરીકે ઓળખવામાં આવે છે, વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧” હતો અને જે ૪૨” અને 30″ ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ ૧૭૦.૧ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૯ ફીટ હતીજહાજ માંડવી, કચ્છ (તે સમયનું કચ્છ રજવાડું) અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. ૮ રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું. આ વિસ્તારનાં જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા કારણ કે સામાન્ય રીતે જહાજો બંદરોથી બંદર પર શાંત વાતાવરણમાં સફર કરતાં હતાં અને તોફાનો દરમિયાન બંદરો પર લાંગરેલા રહેતા હતા.

વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ (વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમ)ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજાં દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું.તૂટેલા જહાજનો કોઈ ભાગ અથવા કોઇ મૃતદેહો મળ્યાં નહી. જહાજ મોટાભાગે અરબી સમુદ્રના તોફાનમાં તૂટી ગયેલ માની લેવાયું. લોકવાયકા મુજબ ૧૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ જહાજ પર ૭૪૬ લોકો (૭૦૩ પ્રવાસીઓ અને ૪૩ જહાજના કર્મચારીઓ) સવાર હતા.બીજા અહેવાલો મુજબ  (૩૮ જહાજી કર્મચારીઓ અને ૭૦૩ પ્રવાસીઓ)૭૪૪ લોકોનો સમાવેશ થાય છે. જહાજમાં અંજાર ના  ૧૩ જાનના જાનૈયાઓ અને ડિસેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા આપવા માટે જતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સામેલ હતા.

કાસમ ઇબ્રાહિમ અથવા હાજી કામ જહાજનો કપ્તાન હતો. તે બોરિવલી અને દહીંસર વચ્ચેની જમીનનો જમીનદાર હતો. તેનું કાર્યાલય અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર આવેલું હતું અને તે મલબાર હીલમાં રહેતો હતો. કોઇ ફકીરે તેને આશીર્વાદ આપ્યા હતા કે તે ૯૯ જહાજોનો માલિક થશે અને વીજળી તેનું છેલ્લું જહાજ હશે. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારની હાજી કાસમ ચાલનું નામ તેના પરથી પડેલું છે.

જહાજની દુર્ઘટના પછી, મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિની સ્થાપના કરી.તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતાં. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી.મુંબઈ પ્રેસિડેન્સી અને જહાજી કંપનીઓએ જહાજનો ભંગાર શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડ્યો.

આ ઘટનાને કારણે ઘણી દરિયાઈ લોકવાયકાઓ, દંતકથાઓ અને ગીતોની રચના થઇ અને ગુજરાતમાં લોકપ્રિય અને જાણીતી બની. લોકગીતોમાં આ જહાજને વીજળી તરીકે ઓળખાયું અને તેના કપ્તાન હાજી કાસમ સાથે જાણીતું બન્યું. હાજી કાસમ નૂર મહંમદ એ પોરબંદરમાં શેફર્ડ કંપનીનો બૂકિંગ એજન્ટ પણ હતો.

જહાજના ખોવાયાં પછી, જામનગરના કવિ, દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે વિજળી વિલાપ નામના ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ભીખારામ સાવજી જોષીએ પણ આ નામનું બીજુ પ્રકાશન પ્રગટ કર્યું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારના લોકગીતો ભેગા કરીને સંગ્રહ, રઢિયાળી રાત, માં “હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ” હેઠળ પ્રકાશિત કર્યું. ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્ય એ હાજી કાસમ તારી વીજળી (૧૯૫૪) ના નામે આ ઘટના પરથી નવલકથા લખી હતી.
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર
તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર
અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર
ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય
જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય
ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર
ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ
તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ
સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ
સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર
મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s