ભાણજી દલ

Standard

​ડો. પ્રદ્યુમ્ન ખાચર   વેંત ચડિયાતો શૂરવીર ” મુંબઈ સમાચાર તા.7/4/2017

આપણે એવું જરૂર સાંભળ્યું હોય, જોયું હોય અને કર્યું હોય કે અસ્થિફૂલ પધરાવવા કોઈ હરિદ્વાર, અલાહાબાદ કે ગયાજી જાય, પણ કદી એવું સાંભળ્યું છે કે પોતે જ પોતાનાં અસ્થિફૂલ પધરાવવા જાય? આજે અહીં એવા એક ભડવીર, શૂરવીરની વાત માંડવી છે કે જેણે પોતાના હાથે જ પોતાનાં અસ્થિ પધરાવ્યાં હતાં. ત્યારે તીર્થગોરો ઘડીક તો હૃદયનો ધબકારો ચૂકી ગયા હતા કે આ ક્યાંક ભૂત થઈને તો નથી આવ્યાને? એ શૂરવીર હતા ગુઆણા ગામના ભાણજી દલ. તેઓ નવાનગરના જામ સતાજીના સમયમાં થઇ ગયા. શૂરવીરતા, ખુમારી, ખાનદાની અને દિલાવરી તો તેમનામાં જાણે કે ભગવાને બધી જ ભરી દીધી હતી.
એક દિવસ સવારના પહોરમાં જ જામ સતાજીએ હુકમ કર્યો કે ચાલો આપણે સહુએ બિલેશ્ર્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવા જવું છે. આથી જામનો રસાલો તૈયાર થયો અને જામના રંગત અને બેનમૂન રથ જોડવામાં આવ્યા. બળદોને માથે ચાંદીના મોરાવાળી ઝૂલો ઓઢાડી બળદોને પણ ખોળ ચડાવી. બળદની ખાંધે ચાંદીના પોપટ ઝૂલી રહ્યા હતા. રથમાં બગલાની પાંખ જેવા ધોળા તકિયાને ટેકો દઈને જામસાહેબ બેઠા છે. રથ ધીરે ધીરે હાલ્યો જાય છે. જામસાહેબને આમ તો ક્યાં મોલપાણી જોઈએ, પણ અહીં જામ પોતાની સીમમાં મોલ જોતા જાય છે. એવામાં એકાએક બળદ ઠચકવા લાગ્યો ત્યારે રથ હાંકનારે ઊતરીને જોયું ત્યાં તો બળદને પગે મોટું સોડું નીકળી ગયેલું અને લોહીની ધાર વહે છે. તરત જ રથને ઊભો રાખવામાં આવ્યો અને બળદોને છોડી નાખવામાં આવ્યા.
જામ સતાજી કહે કાં આમ અધવચ્ચે બળદોને છોડ્યા, આટલા પંથમાં તે કંઈ પોરો હોતો હશે. ત્યાં તો સાથીદારે કહ્યું કે ના જામસાહેબ બાપુ એવું નથી, પણ બળદ ઘાયલ થયો છે ને હવે હાલી શકે એવી સ્થિતિમાં નથી.
જામ સતાજીએ રથની બહાર ડોકું તાણીને કહ્યું કે આ ગામ દેખાય એ કોનું છે. જસો વજીર કહે કે બાપુ એ ગામ છે ગુઆણા અને ભાણજી કાકાનું ગામ છે. જામ કહે, લ્યો ત્યારે તો ભાણજી કાકાને ત્યાંથી જ બળદ લઈ આવોને. એટલે જસો વજીર બે-પાંચ જણને લઇ જવાને બદલે આખા લાવ-લશ્કર સાથે ગુઆણા ગામમાં ગયા. ત્યાં ભાણજી કાકા ચોરે ડાયરો ભરીને જ બેઠા હતા. તેના મગજમાં મોટી તિરાડ પડી ગઈ કે આ વળી કોણ આપણી હદમાં રજા લીધા વિના લાવ-લશ્કર સાથે હાલ્યું આવે છે.
એટલે તરત જ ભાણજી કાકાએ ચોરાની કોરેથી જ પડકારો કર્યો કે એલા એય તમારા શરીર વાએ ઝલાઈ ગયા લાગે છે? જેસો વજીર ભાણજી કાકાનું મગજ ઓળખી ગયો અને ઘોડા નીચે ઊતરીને કહે કે ના કાકા એવું નથી, આ તો જામ સતાજીના રથ માટે એક બળદ લેવા આવ્યા છીએ. ભાણજી કાકાનું મગજ ઊલટાનું વધુ ગરમ થયું કે જાવ જામ સતાજીને કહો કે બળદ નહિ મળે? શું બળદ લેવા આમ અવાય? જાણે ગામ ભાંગવા આવ્યા હોય.
પરંતુ થોડી વાર પછી ભાણજી કાકાને થયું કે અરે એવું થોડું કરાય, એ તો જામ છે. એટલે તરત જ પોતાની દેવાંગી ઘોડી ઉપર સવાર થઇ જામના રથના ઠેકાણે ગયા અને કહ્યું કે આ જે ખેતરમાં બળદો હાલે છે તેમાંથી ગમે તે બળદ લઈ લ્યો. વધુમાં ત્યારે ભાણજી કાકાએ જામ સતાજીને કહ્યું કે આ તો બળદનું કામ હતું, પણ જો ભવિષ્યમાં મારા જેવું કોઇ પણ કામ પડે તો કહેજો. આથી જામના મનમાં એક સાચા શૂરવીરની છાપ ઊભી થઇ.
એવામાં જામના મિત્ર જૂનાગઢના સૂબાએ જામને ચિઠ્ઠી લખી તેડાવ્યા કે જૂનાગઢ ઉપર દિલ્હીની ફોજ ચડી આવી છે તો આપની મદદ જોઈએ છે. જામસાહેબે પોતાની અગાઉની દોસ્તી દાવે તરત જ જૂનાગઢને મદદ કરવા લશ્કર મોકલવા હુકમ કાઢ્યો.
આ સમયે જેસો વજીર કહે, બાપુ આજ મેરુ ન આવ્યો, પણ ગુઆણાના ભાણજી કાકા આમાં ભેગા હોય તો સારું રહે.
આટલા શબ્દો સાંભળતાં તો જામ સાહેબને જૂના સંબંધો સાંભર્યા કે ભાણજી કાકાએ કહેલ કે મેરુ ખડી પડે તે દી યાદ કરજો. એટલે તરત જ મારતે ઘોડે સવારને ગુઆણા મોકલ્યો. જેવી સવારે ભાણજી કાકાને જામની ચિઠ્ઠી મળી કે તરત જ એ સડાક દઈને હોકો પીતા હતા તે ઊભા થઇ ગયા અને તરત જ જામની પાસે મારતે ઘોડે ડાયરામાં પહોંચી સૌને જય માતાજી કર્યા.
ભાણ ચડિયો ભલપે, સહસ્ર છે હથિયાર,
શિશ નમાવ્યા સતિયલને, લઇ ફરમાવો કામ.
નવાનગરના જામનું બધું જ લાવ-લશ્કર દડમજલ કરતું જૂનાગઢના મજેવડી ગામે આવી પહોચ્યું. સામે પક્ષે મુસલમાન સેનાપતિએ તોપું ગોઠવી હતી તેના કાનમાં ખીલા ધરબવાનું કામ જો ભાણજી કાકા સંભાળે તો હું લડાઈમાં ઊતરું એવી જેસા વજીરે હઠ કરી.
ભાણજી કાકા કહે, અરે જેસા વજીર એમાં મૂંઝાવ છો શું, એ કામ હું કરી આવીશ અને તરત જ નાગફ્ણીયું મગાવી લીધી. આ બધું લઇ ભાણજી કાકા તો લશ્કરની રમરમાટી બોલતી હતી એની વચ્ચે જઈ પહોંચ્યા અને અનેક તોપોના કાન બૂરી દીધા. જ્યારે બાદશાહી લશ્કરે તોપુંમાં જામગરી ચાંપી તો એકેય તોપું ન ફૂટી. તેથી બધા વિચારમાં પડી ગયા કે માળું ક્યાંક દારૂ ભેજવાળો આવી ગયો લાગે છે. ત્યાં તો કોકને ખબર પડી કે એલાવ આ તોપના કાનમાં તો કોકે નાગફણીયું જડી દીધી છે અને નાગફણીયું જડનાર પણ દેખાયો એટલે ભાણજી કાકા ઉપર બાદશાહી લશ્કર તૂટી પડ્યું.
પણ જામના લશ્કર સાથેની અગાઉની શરત મુજબ એમણે થાંભલા ઉપર લટકતો ધ્વજ જેવો પાડી દીધો કે સામે જેસા વજીર સમજી ગયા કે તોપું હવે નકામી થઇ ગઈ છે પરિણામે જામની ફોજ રમરમ કરતી તૂટી જ પડી અને માંડી બટાજટી બોલાવવા. લોહીના ફુવારા ઊડ્યા. હસનાપુર પાસે આ રમખાણ મચ્યું અને પળવારમાં બાદશાહી ફોજ હારી ગઈ. ભાણજી કાકા અને જેસા વજીરે જૂનાગઢને જિતાડીને જામસાહેબ પાસે આવીને કહ્યું કે બસને બાપુ, મરદના વેણને માપી લીધુંને.
ભાણજી દલ આ લડાઈ બાદ બે-એક મહિના પરદે રહ્યા અને સાજા-નરવા થયા ત્યારે એમના શરીરમાંથી વૈદ્યોએ દોઢ શેર હાડકાંની કરચું ઘા રુઝાવતાં કાઢી હતી તે પોતે જ હાથે લઈ ગંગાજીમાં પધરાવવા ગયેલા.
જ્યારે ગોર મહારાજે અસ્થિ પધરાવવાની વિધિ શરૂ કરી તો કહે આ જેનાં અસ્થિ હોય એનું નામ બોલો. ત્યારે તે બોલ્યા કે ભાણજી દલ. ગોર દાદા કહે, અરે બાપુ તમારું નામ લેવાનું નથી. આ જેનાં અસ્થિ છે તેનું નામ લ્યો? ભાણજી દલ કહે, અરે ગોરદાદા, આ અસ્થિ મારાં જ છે. આટલું સાંભળતાં તો આખા કાશીના પંડિતો આ શૂરવીરને જોવા ઊમટી પડ્યા કે જીવતે જીવ કોઈ અસ્થિ પધરાવવા આવ્યો હોય એવો આ કદાચ પહેલો દાખલો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s