અશ્વ શણગાર

Standard

કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

                                 કાઠી ક્ષત્રિયો અને ગરાસીયા ક્ષત્રિયો મા  લગ્ન-પ્રસંગે જાતવાન ઘોડાને ભલી ભાતે અને રૂડી રીતે શણગારવામાં  આવે છે.

 ઘોડાના શણગારના સરંજામમાં મોઢા પર ભરેલો ફુમતાંવાળો મોરડો ને લગામ, ડોકે રંગબેરંગી પારાનું અથવા સુતરની દોરીનું પીપરગાંઠ પાડેલું અને ચાંદીની ડોડીઓથી મઢેલું ડોકિયું, ડોકની કેશવાળીને છેડે જોરબંધ. આગમદોરો, પગે લંઘર, પીઠ ઉપર થડો, દળી, ખોગીર, અડદિયા દળી તેના ઉપર કાઠો કે જીન અને ગાલ્લીને બાંધવાની રેશમી ફૂમતાંવાળી દોરી, અને ડોક તથા પીઠ ઉપર ખાપું ભરતની કે મોતીપરોવણાની મનોહર જુલ, કોડીયું, કલગી, મોડ, મોરો, માળા અને ઘુઘી નાખી શણગારવામાં આવે છે. વરઘોડા વખતે શણગારેલી ઘોડીને પગે ચાંદીની ઘુઘરિયોવાળા જાંજર બાંધી એને નચાવવામાં આવે છે. તેથી જ

 ચાંપરાજવાળાના દુહામાં કહેવાયું છે કે;

“ ઘોડાના પગમાં ઘુઘરા, સાવ સોનેરી સાજ;

લાલ કસુંબલ લુગડાં, ચરખાનો ચાંપરાજ.”
આજે સાવ જ વીસરાઇ ગયેલો ચારજામો જુના કાળમાં ઘોડા પર મંડાતો. હોશીલા કારીગરો મખમલ અને મશરૂની ખોળીમાં શીમળો કે આકોલીયાનું રૂ ભરી સોનેરી જરિયાન તારથી મઢીને સુંદર મજાની સેવટી તૈયાર કરત. સેવટી એટલે ઘોડા પર માંડવાનો સામાન. તેમાં ઘાસિયા, દળી, ખોગીર અને ગાદી ચારેયનો સમાવેશ થઇ જતો. આવી સેવટી તૈયાર કરવામાં કારીગર ને 7-7 મહીના નિકળી જતા, 
સેવટિનો એક સરસ પ્રસંગ શ્રી પીંગળશીભાઇ ગઢવીએ નોંધ્યો છે, તથા રસધાર મા પણ આ વાર્તા  છે 
“ કચ્છના અંજાર ગામે ગોવીંદો કરીને એક કસબી મોચી હતો. એણે એક વાર ઘોડાની સેવટી બનાવી.તેમાં પોતાની સઘળી કળાને કરામત ઠાલવી દીધી. મખમલના  ગલેફા ઉપર સોનેરી તારના બખીયા ભર્યા. એ જાણે સોનાની સાંકળીનો અઠીંગો ચોટી ન દીધો હોય એવા લાગતા. એમાં મોર, પોપટ, હંસની હારો છે. ફુલવેલનું ભાતીગળ ભરત ભર્યુ છે. ચારેય ખુણે જુલતાં ફુંમતાં મુકયાં છેછે. એમાં જીણી જીણી ઘુઘરિયું ટાંકી છે, પ્રમાણમાં નહીં મોટી, નહી નાની, નહી સાંકડીન, નહી પહોળી, અસલ કાઠીયાવાડી ઘોડાની પીઠ ઉપર માંડતાં ચપોચપ ચોંટી જાય અને હાથમાં લેતાં સુખડના જેવી સુવાસ મહેકી ઊઠે એવી સેવટી લઇને જેતપુર દરબાર ભાણવાળાની કચેરીમાં આવ્યો. ભાણ-વાળાએ અઢીસો રુપીયા રોકડા ને એક પાઘડી આપી અને સેવટી ખરીદી લીધી ને બીજી એવી જ બનાવી આપવાની સુચના આપી.

બરાબર 8 મહીને બીજી સેવટી તૈયાર થતાં ગોવીંદો જેતપુરમાં આવ્યો. ભાણાવાળા આ વાત વીસરી ગયેલા. ગોવીંદા મોચીને દરબારમાં કોઇ જવા દે નહીં. પણ એક દિવસ મંદીરે જતા દરબાર આગળ ગોવિંદો વંડી ઠેકીને ઉભો રહ્યો. પોતાની કથની વર્ણવી. દરબારને જુની વાતનું સ્મરણ થયું. ગોવીંદા મોચીએ ઘોડાની સેવટી દરબારના પગ આગળ મુકી. પણ જાણે પારિજાતનું ફુલડું ખર્યુ. જિદંગીમાં કોઇએ ન જોઇ હોય એવી સેવટી હતી. કારીગરની કળા જોઇને દરબાર ખુબ રાજી થયા. એમણે પોતાના પરણ્યાનાં લુગડા મંગાવ્યા. જમાદારખાનામાંથી ઘરેણું મંગાવ્યું. સોનામોહોરોનો ખડીયો માંડેલો કનૈયા નામનો ઘોડો મંગાવ્યો. માથે સેવટી નાખી. કોટયું, જેરબધ, કાંધી ને પીઠ પર જુલ નાખીને શણગારેલો ઘોડો હાજર થયો. ગોવીંદાને પોતાના પરણ્યાના વસ્ત્રાલંકારો પહેરાવી ઘોડા પર બેસાડયો ને દરબાર એટલું જ બોલીયા : “ ગોવીંદ ! કચ્છના મારગે વહેતો થા. તારી કળાનાં સો બસો રુપિયાનાં મુલ નો થાય’

એ કાળે આવા કારીગરો ને કદરદાનો હતા;

 એટલે પશુશણગારોનો વ્યવસાય સારી પેઠે ખીલ્યો હતો. આજે યંત્રયુગમાં અશ્વનું મુલ્ય ઘટતાં એનો સાજસરંજામ બનાવનારા કારીગરો- કસબીયોના ધંધાય સાવ પડી ભાંગ્યા છે. એથી તો લોકકવિ એ નીશાસો નાખતા સાચું કહ્યું છે.

‘ગયા ઘોડા, ગઇ હાવળ્યો, ગયા સોનેરી સાજ

મોટર ખટારા માંડવે. ભૂં ભૂં કરતા અવાજ’.
ધરતીની ધુળમાં આળોટીને ઉછરલી લોક-નારીઓની કળાદષ્ટિ પશુઓના શણગાર સુધી પહોચી, અને એમાંથી પ્રગટયું પશુ શણગારનું રૂડુરૂપાળું લોકભરત. 

પોતાના અશ્વને નજર ન લાગે તે માટે જુના વખતમાં લોકો ઘેટો પાળીને ઘોડાની આગળ બાંધતા. 

ઘોડાના કાન અને ગરદન ઉપર થઇ આગલા પગ સુધી લટકે તેને જુલ અથવા ઘુઘી કહે છે. ડોકની બન્ને તરફ ત્રીકોણાકાર લટકે છે. ઘુઘી લાલ, નીલા કે પીળા કાપડ ઉપર, નીચે સુતરાઉ કાપડનું પડ નાખીને ભરાય છે. જુલનું બંધારણું પીળા સુતર અને પુરણું હીરથી પુરાય છે. નાના મોટા આભલા જુલ નુ આકર્ષણ હોય છે.

આપણી લોકજાતીઓમાં લગ્નપ્રસંગે ઘરને અને ઘોડાને ગજાસંપત રૂડી રીતે શણગારવાનો ચાલ હતો. ઘોડાના શણગારમાં મોઢા ઉપર ફૂમતાંવાળા મોરડો ને લગામ, ડોકે ડોકીયું , કેશવાળીને છેડે જેરબંધ, પગે લંગર, પીઠ ઉપર દળી અને તેના ઉપર જીન, જીન ઉપર હીરભરત કે રેશમની ગાદલી. જીન અને ગાદલીને બાંધવા રેશમની રંગબેરંગી દોરી. ગાદલીને ઘાંસીઓ પણ કહેવાય. વરઘોડા વખતે શણગારેલી ઘોડીને ઢોલને તાલે તાલે નચાવવામાં આવતિ.                                                    

સાભારઃ જોરાવરસિંહ જાદવ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s