Monthly Archives: July 2017

બનાસ નદી નો ઈતિહાસ

Standard

રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી…


રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. આ ડેમ દ્વારા ડીસા અને પાટણવિસ્તારના લગભગ ૧ લાખ કિ.મી. વિસ્તારમાં પિયત થાય છે..

પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી. મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ નદીને મત્સ્ય અને વાયુ-પુરાણોમાં ‘વર્ણાશા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માર્કંડેયમાં એ ‘વેણાસાં’ કહેવાતી હતી, જયારે બ્રહ્મપુરાણમાં એ ‘વેણ્યા’ છે. પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે.

બનાસ નદી બે છે તેમાં એક બનાસ મધ્યપ્રદેશના ચંબલની શાખા છે. જે પૂર્વાગામીની છે. જ્યારે બીજી બનાસ ઉત્તર- પશ્ચિમ ગુજરાતની છે જે પશ્ચિમગામિની છે. સીપુ બનાસનદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે અને ખારી, ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. બનાસના ડાબા કાંઠે અન્‍ય પાંચ શાખા નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાત્રિયા મળે છે. આ નદીને ‘કુંવારિકા’ નદી તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તે કોઈ સાગર કે મહાસાગર ને મળતી નથી, પરંતુ રણમાં જઈ સમાઈ જાય છે.

બનાસ નદીનો પટ તેની બટાટાની ખેતી માટે જાણીતો છે. અહીં ઇટાલિયન તથા સિમલા પ્રકારનાં બિયારણોના ઉપયોગી બટાટાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. આ નદીના નામ પરથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ ‘બનાસકાંઠા’ પડેલું છે. અમુક ઉલ્લેખો પ્રમાણે નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખમાં એનાં તીર્થોમાંના દાનપુણ્યનો આરંભ ‘બાર્ણાસા’ નદીથી થયો કહેવાયા છે. સાહિત્યિક ઉલ્લેખો જોતા ખ્યાલ આવે છે કે પુરાતન પ્રબંધસંગ્રહમાં ભીમદેવ રાજાના સમયમાં પાટણ ઉપર તુરુષ્કો ચડી આવ્યા ત્યારે ‘બનાસ’ નદીના કાંઠાના ‘ગાડર’ નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર કર્યાનું નોંધ્યું છે. આ નદીની સીપુ અને બાલારામ એ મુખ્ય શાખા નદીઓ છે. આ નદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઇને વહે છે. કચ્છના નાના રણની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે તેથી આ પ્રદેશના રહેવાસી માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે.

તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે. બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે. અહીં રહી, લેફ. એડવિનને બાર્ને ૧૮૮૫માં મુંબઇ ઇલાકાના પક્ષીઓ ઉપર સુંદર પુસ્તક બહાર પાડ્યું હતું તે સમયે બનાસ નદી બારે માસ વહેતી હતી. આદિકાળથી અવિરત વહેતી આ નદી ૧૮૮૫ની આજુબાજુ હંમેશ માટે ધરતી ઉપરથી અલોપ થઇ ગઇ, ચારે બાજુ પાર વગરના વન્ય પ્રાણીઓ અહીં વિહરતા હતા. બનાસ નદીને કાંઠે વાઘ અને સિંહ એક કાંઠે સાથે પાણી પીતા હોવાના દાખલા છે. ડીસાના અંગ્રેજોના રેસકોર્સના મેદાન પાસે અંગ્રેજો ઘોડા ઉપર બેસી સિંહનો શિકાર કરતા હતા. ધીમે ધીમે વન્યપ્રાણીઓની સંખ્યા ઓછી થવા માંડી હતી….

અરે ઓહ બનાસી જ્યા હરણના માથા ફાડે તેવો તડકો પડતો હોય ,પણ તોય બાજરી લીલી છમ લહેરાય છે. એવો મારો બનાસ કાઠો છે.

વૈષાખની ગરમી મા લગનો ની સીજન ચાલતી હોય,પણ તોય લગ્નગીતો મીઠા ગવાય છે એવો મારો બનાસ કાઠો છે.

જ્યારે હાડ થીજાય એવી ઠંડી પડતી હોય,સવારના પરોઢીયે ઉઠીને ભેશો દોહવા જાય છે . એવો મારો બનાસ કાઠો છે.

ચોમાસા ના ઘોઘમાર વરસાદમા નદીનુ પુર આવ્યુ હોય,પોતાનો જીવને જોખમ મા નાખીને ગાયો ભેશો ને બચાવા જાય છે એવો મારો બનાસ કાઠો છે.

મર્યાદા નો ઘુઘટો કાઢીને જ્યારે દીકરી સાસરે જાય છે ,ત્યારે પીયરની લાજ રાખવા ઝેરના ઘૂટડા પણ પી જાય છે. એવો મારો બનાસ કાઠો છે.

ખમ્મા મારા વીરા એમ બહેન ભાઈને કહે છે, ત્યારે ભાઈના આખમા આશુડા પડી જાય છે. એવો મારો બનાસ કાઠો છે.

ગામ મા એક ઘરે પ્રસંગ હોય ને આખુ ગામ દોડીને જાય છેત્યારે વેરી પણ ભેળા બેસીને જ્યા અમલ કશુબા પીવાય છે . એવો મારો બનાસ કાઠો છે.

જ્યા રેતાળ રણ જેવો પ્રદેશ છે તોય માનવી દીલના નમણા છે આવે કોઈ કોઈ મહેમાન તો બધા ઘરથી ચા લઈઆવે છે એવો મારો બનાસ કાઠો છે.

બનાસની ભોમ મા ઘરે ઘરે રેગડી ડાકલા વાગે છે ત્યારે મા જગદંબા પણ ગબ્બર છોડી ને દરશન આપવા આવે છે. એવો મારો બનાસ કાઠોછે.

ધોળુ ધોતીયૂ ને ધોળી પાઘડી જ્યા પેરાય છે જ્યા બટાકા નગરી તરીકે મારુ ડીસા ઓળખાય છે.. એવો મારો બનાસ કાઠો છે.

બે સાડી જોડીને કાળી,ગુલાબી,લાલ,વાદળી, કોર વાળો સાડલો જ્યા પહેરાય છે એ પહેરવેષને જોઈને આખો અંજાઈ જાય છે.

એવો મારો બનાસ કાઠો છે.

એવો મારો બનાસ કાઠો છે.

બનાસ મારી જૂગ જૂની ને, જૂગ જૂનો તારો ઈતીહાસ આ ભવમા બનાસ વાસી બ્નયો આવતા ભવમાય હે બનાસ, હૂ હોઇશ તારો મહેમાન.

(ગોવિંદ ગઢવી)

“વિવાહ”

Standard

“વિવાહ”

રાતનો બીજો પહોર જામતો ગયો તેમતેમ શરણાઈઓ માંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોલ નગારાનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે. ચોપાસના ઝરૂખાની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘુમટાના ઝીણા બાકોરામાંથી વરકન્યાને જોઈ રહી છે. આષાઢના નવમા દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રીએ, ધીરુ ધીરુ આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈ બોલે છે.

એ કોણ પરણે છે? એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડલેશ્વર મેડતાનો તરુણ રાજા. શરણાઇના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહીં તો બીજે ક્યાં વાગે?

ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળા ઘેરાય છે. માયરામાં મણીજડિત ઝુમ્મરો લટકે છે, દીવાઓ જાણે એ મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે.

જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઉભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણે બજાવી? આ ગઢના નગારા પર દાંડી કેમ પડી? જાનૈયાઓ વીજળીના ચમકારની જેમ ખડા કેમ થઇ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રીઓ વરકન્યાની આસપાસ કાં વીંટળાઈ વળ્યાં? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું?

ના; એતો મારવાડરાજનો દૂત આવ્યો છે, વરરાજાના હાથમાં એક લોહીથી છાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે : “દુશ્મનો મારવાડમાં આવીને ઉભા છે, મરધરપતિ રામસિંહ રણે ચડી ચુક્યા છે. જોધાણનાથે કહાવ્યું છે કે, હે માંડળીકો ! હથિયાર લઈને હાજર થજો. બોલો, રાજા રામસિંહનો જય !”

મેડતાનો રાજા માયરામાં ઉભો ઉભો ગરજી ઉઠ્યો કે ‘જય, રાજા રામસિંહનો જય.’ એની ભ્રુકૂટી ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલ છલ થાય છે. એનું અંગ થર થર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઉઠ્યો કે “રાજપૂત સાવધાન ! હવે સમય નથી.” એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઉઠ્યો, દીવાની જ્યોતો જાણે થંભી ગઈ.

“અશ્વ લાવો, રે કોઈ દોડો ! અશ્વ લાવો.” રાજાએ સાદ કર્યો, ચાર નેત્રો મળી ન શક્યા. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વિરની છાતીમાંથી આંસુ ઉઠ્યા તે આંખોને ખૂણે પહોંચ્યા પહેલા જ પાછા વળી ગયા. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્નમુગટ, એની એ ગુલાલભરી અંગરખી, હાથમાં એનો એ મંગળમીંઢોળ : ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો, કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણીમાળામાં પોતાના મો નિહાળતા રહ્યા. પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો અને શરણાઇના સૂરો શરણાઇના હૈયામાં જ સમાયા.

અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પુરી થવાની હશે?

કન્યાને અંતઃપુરમાં લાવીને માએ રડતા રડતા કહ્યું : “દીકરી ! પાનેતર ઉતારી નાખ, મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસવાર હવે ક્યાંથી પાછો આવે?”

કુમારી કહે : “પાનેતર ઉતારવાનું કહેશો નહીં માં ! ને બાંધ્યા મીંઢોળ હવે છુટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નિકળીશ. ચિંતા કરશો નહીં, માં ! રાજપૂત પાછા આવ્યા વિના રહેશે નહીં, અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.”

પુરોહિતે આવીને આશીર્વાદ દીધો. દુર્વાના પવિત્ર તરણાં સાથે બંધાવ્યા, નગરની નારીઓના મંગળ ગીત સાંભળતી સાંભળતી રાજકુમારી વેલડામાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસ દાસીઓ નીકળ્યા.

માતા બચ્ચી ભરીને કહે છે : “બેટા ! આવજે હો !” એની આંખમાં આંસુ સમાયા નહીં.

બાપુ માથે હાથ મેલીને બોલ્યા : “દીકરી ! આવજે હો !” એણે મોં ફેરવી લીધું. છાનીમાંની એણે આંખો લૂછી.

ઘુઘરીયાળી વેલ્ય, ધૂળના ગોટા ઉડાડતી પાદર વળોટી ગઈ. નદીને પેલે પર ઉતરી ગઈ, સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યા. ઓ જાય ! ઓ દેખાય ! ઓ આકાશમાં મળી જાય. ઓ શરણાઇનો સૂર સંભળાય !

અધરાત થઇ, અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો. શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી. નગરના દરવાજા પાસે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુના અંગો ઉપર સફેદ વસ્ત્રો છે. પ્રજાજનો બૂમ પડી ઉઠ્યા : “શરણાઈ બંધ કરો.”

શરણાઈ બંધ પડી. દાસદાસીઓએ પૂછ્યું : “શી હકીકત છે?”

નગરજનો બોલી ઉઠ્યા : “મેડતાના રાજા આજે યુદ્ધમાં વીરગતી પામ્યા. અહીં એમની ચિતા ખડકાય છે, એમને અગ્નિદાહ દેવાશે.”

કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુનું એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપકયું નહીં. વેલડીનો પડદો ખોલીને કુમારીએ હાકલ મારી : “ખબરદાર ! શરણાઈ બંધ કરશોમાં ! આજે અધૂરા લગ્ન પુરા કરશું. છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું, આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રીઓની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું.”

“બજાવો શરણાઈ, મીઠા મીઠા સૂરની બધી રાગિણીઓ બજાવી લો.”

ચંદનની ચિતા ઉપર મેડતારાજનો પાર્થિવ દેહ સૂતો છે, માથા પર એનો એ લગ્નમુગટ : ગળામાં એની એ વરમાળા : કાંડા ઉપર એનો એ મીંઢોળ : વિવાહ વખતેનું એ મૃદુ હાસ્ય હજી હોઠ ઉપર ઝલકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝુંટી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે?

વેલ્યમાંથી રાજકુમારી નીચે ઉતર્યા. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા, સુતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો. નગરની નારીઓ આવીને મંગળ ગીતો ગાય છે, પુરોહિત ‘ધન્ય ! ધન્ય !’ પુકારે છે, ચારણો વીરાંગનાનો જય-જયકાર બોલાવે છે, અને ભડભડાટ કરતી ચિતા સળગી ઉઠે છે.


જય હો એ ક્ષત્રિ જુગલનો !

​વીરભદ્ર ઉત્પતી

Standard

કવી નારણદાનબાપુ સુરુ રચિત

દોહો
સતી હોમાણી સુનીકે, કીધ કરપદી ક્રોધ

પ્રગટ્યો જટા પછાડતા, દેવા દક્ષ પ્રબોધ
છંદ સારસી
મનદુષ્ટ બુધ્ધી દક્ષ રાજન કોપ દાંતો કડકડે 

શીવ ભાંગ છાંડત ક્રોધ ભરતન આગ જ્વાળા હડહડે

તેહી કાજ તનયા દક્ષકી તત્કાળ જોગાનળ જરી

હર કેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી
વિકરાળ ભોળો આજ ભાષે ફરર ભંવર ફરફરે

નવખંડ હુંદા નાશ કારણ ભાલ લોચન ઉધ્ધરે

થરર હીમગીરી જરર પાવક જરત નયને જાકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
વીરભદ્ર સેના વીર રસભર દક્ષ મખજા તોડજે

કરકોપ સુરવર દેવ દાનવ મચળ માથા મ્રોડજે

અંતકાળ પ્રાસત દક્ષ કરધર કોપ ખંડન મખકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ભુતગણ ભેંકાર શાથે ભાલ ત્રીપુંડ ભાસતુ

દેકાર ડાકણ હડડ શીવદળ વીર રસમા નાચતુ

વીરભદ્ર સરખો સૈન્ય નાયક જીત જગમા કો જરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
કરધરી ખપ્પર ક્રોધ તનમા હાથ ત્રીશુલ આથડે

જયકાર કરતી જાગણીની ખપર ચુડીયો ખડખડે

ભૂત ગણરી ઘોર ભયંકર અડગ ચીસો આકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ૐકારના નાદો અટલથી યજ્ઞ મંડપ ગાજતો

સહીતાય દેવો રંગ સુંદર રાજ મધવા રાજતો

ભયભાસ હાકલ ભૂત ગણકર આજ આફત આકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ખડડ ખંભન મૂંછ ખેંચત કૈક મુનીવર કરગરે 

અડેડાટ કરતી ક્રોધ આંખે આગજ્વાળા પરજરે

દેકાર ડણણણ હાક હડડડ દેવનારી થરથરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ભયભાસ ઘુંમત દક્ષ ભાગ્યો નીજ જીવન પયહયુઁ

શૂરવીર જકડી શીશ છેદ્યુ ધીર મખમા જય ધયુઁ 

હાલ્યો હિમાલય વીર પંથે હોંશ નારણ હીયધરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી

“હવાલદાર”

Standard

​”હવાલદાર”

     “દેવલા ! ઉપરથી તારો પે ઉતરી આવે તો પણ આજ તો તને હું લઇ જઈશ.”

     “પણ હજી કાલે હું વેઠ કરી ગયો અને આજ પાછો મારો જ વારો?” કૉસ હાંકતો હાંકતો દેવો વરત પકડી ઉભો રહ્યો.

     “એ કાલ-બાલમાં હું કઈ ન સમજુ, તારે આજે વેઠે આવવું જ પડશે.” મેરુ હવાલદારે સત્તાદર્શક અવાજે કહ્યું. 

     “આજ વળી શું છે?”

     “એ પૂછનારો તું કોણ? તારે તો હું કહું કે તરત મારી સાથે આવવું જોઈએ.”

     “ત્યારે આ કૉસ છોડી નાખું એમ?”

     “જરૂર.” મેરુએ મૂછો મરડી.

     “આ બકાલું સુકાઈ જશે એનું શું?”

     “ખાડમાં પડે તારું બકાલુ, હું ધીમે ધીમે વાત કરું છું ત્યાં તો આ કેમ ને તે કેમ એમ પૂછી પૂછી ને મારો દમ કાઢી નાખ્યો.” મેરુનો પિત્તો ઉછળ્યો.

     “હવાલદાર ! આ બધું બોલો છો એ અમે તો નીચી મૂંડીએ સાંભળીયે છીએ પણ પ્રભુ નહીં સાંખે હો.”

     “બેસ, બેસ પ્રભુ વારી ! જોયો તને ને તારા પ્રભુને, કૉસ છોડે છે કે ભાઈડાના ઝપાટા જોવા છે?”

     આમ દેવો ખેડૂત અને મેરુ હવાલદાર વચ્ચે ટપાટપી ચાલે છે એ વખતે એક ખેડૂત જેવો લાગતો જુવાન ધોરીમાં હાથપગ ધોતો ધોતો આ વાતો ગુપચુપ સાંભળતો હતો.

     દેવા એ કૉસ છોડવાની તૈયારી કરી. 

     “બળદ ને ગાડું સાથે લેવાના છે-સમજ્યો?” મેરુએ ત્રાડ મારી.

     “કેમ?”

     “કાલે દરબાર આવવાના છે એને માટે સીમમાંથી મગબાફણાં સારવા છે.”

     “દરબાર માટે જોઈએ એટલા મગબાફણાં હું આપીશ, પછી છે કઈ? હવે હું કૉસ જોડું?”

     “તું તો ડાહ્યલીનો દીકરો લાગછ.”

     “કા?”

     “કા શું? સીધે સીધો મારી મોર થઇ જા. અમે કહીયે તેમ તારે કરવાનું છે.”

     “તમે લોકો દરબારને નામે તમારે ઘેર મગબાફણાંના ઢગલા કરાવો છો. તમારે ઘેર ગાદલા, ગોદડાં અને ગાલમશુરીઆ એકઠા કરો છો એ અમે બધું સમજીએ છીયે.”

     “દેવલા, આવી વાતો કરીશ તો ચામડું ઉતરડાઈ જશે.”

     “તો તો, તમે દરબારના પણ દરબાર…”

     “હા, હા, અમે દરબાર છીએ બોલ તારે શું કહેવું છે?”

     “દરબાર તો અમલપુર બેઠો છે, પણ ખેડધરના તો અમે જ દરબાર છીએ.”

     મેરુની છાતી અભિમાનમાં ઉછળી, દેવાએ કૉસ છોડી નાખ્યો અને ગાડું જોડવા બળદ દોર્યા.

     “હું પાસેના આણંદને વેઠે તેડવા જાઉં છું – તું ગાડું જોડી ખળાવાડ આગળ ઉભો રહેજે.”

     આમ કહેતો કહેતો મેરુ ખેતરને શેઢે શેઢે આણંદના ખેતર તરફ જવા નીકળ્યો.

—————————————

     મેરુના જવા પછી પેલો ધોરીયામાં હાથ ધોવાનો ઢોંગ કરીને બેઠેલો યુવાન ઉભો થયો. તે ધીમે પગલે દેવો ગાડું જોડતો હતો ત્યાં આવી ઉભો રહ્યો.

     “ક્યાં રે’વું?”

     “રે’વું તો કઠાળમાં પણ તમારે ત્યાં તો વેઠનો ખુબ જુલમ લાગે છે.”

     “વાત પુછોમાં ભાઈ, આ મેરુ હવાલદારે તો ખેડૂતોના હાલહવાલ કરી મુક્યા છે.”

     “તે એના ઉપરી કાંઈ સાંભળે છે કે નહીં?”

     “ઉપરી પણ મરેલા, ઠેઠ ઉપરથી નીચે સુધી સડી ગયું છે એટલે કોઈ કોઈને કઈ કહે તેમ નથી.” દેવાએ ચારે તરફ નજર ફેરવી ધીમેથી કહ્યું.

     “ત્યારે દરબારને જઈને કહો તો?”

     “દરબાર અહીંથી દશ ગાઉ દૂર અમલપુરમાં રહે છે. એટલે કામ ધંધો છોડી ત્યાં અમારાથી કેમ પહોંચાય?”

     “આમ રોજનું દુઃખ ખમો એના કરતા એકાદ વખત દરબાર પાસે જાઓ તો રોજનું સુખ થઇ જાય ના?”

     “ભાઈ રહેવા દિયોને એ વાત ! દરબાર પાસે જાઇયે અને જો આ કાળમુખાને ખબર પડે તો અમારે રોજનો ત્રાસ વેઠવો પડે, પાણીમાં રહેવું અને મગર સાથે વેર કરવું એના જેવો એ ઘાટ છે.”

     “દરબાર અહીં આવે ત્યારે એને મળો તો?”

     “પણ અમારાથી દરબારને શું કહેવાય?”

     “જે વાત છે એ સાચે સાચી કહી દેવી…”

     “અને દરબાર જાય એ પછી આ લોકો વેર વાવે એનું શું?”

     આ વખતે દેવો ગાડું જોડી મેરુની વાટ જોતો ખેતરમાં ઉભો હતો.

     “મને તમારી સાથે વેઠમાં લેશો?”

     “ના રે ભાઈ ! તમને એ દુઃખમાં નખાય?”

     “મારે તમારા ગામની વેઠ જોવી છે. અમારા દેશમાં તો વેઠ એટલે પ્રેમથી રાજાનું કામ અમે કરી આપીએ છીયે, પણ અહીં કાઈ જુદું જણાય છે. મારી ઈચ્છા છે કે એ અનુભવ પણ લેવો.”

     “તો હાલો આજેજ અનુભવ લ્યો.”

     “પણ એક કામ તમે કરજો, તમને કોઈ કઈ પૂછે તો કહેજો કે મારો માણસ છે.”

     “તમારું નામ શું?”

     “મારુ નામ અજો.”

     અજો અને દેવો બંને મેરુની વાટ જોઈને ઉભા ઉભા વાતો કરે છે એટલામાં મેરુ બબડતો બબડતો આવ્યો. 

     “મારા, ખેડૂત ફાટી ગયા છે વેઠે આવવું પડે છે એ વસમું લાગે છે.”

     “કા, આણદો આવેછ નાં?” દેવાએ પૂછ્યું.

     “એના માથામાં રાઈ ભરાણી છે, એને હું હવે જોઈ લઈશ. દેવા આણંદની બેનનું નામ શું?”

     “જીવી”

     “ચાલ તારું ગાડું કણબીપા તરફ હાંક, આણંદ પણ જુએ કે મેરુની શું તાકાત છે?”

     ગાડું ખેતરમાંથી ગામ તરફ ચાલ્યું.

     મેરુ ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈક બાજી ગોઠવી રહ્યો હતો એટલે એની સાથે ગાડાંમાં બેઠેલા અજા વિષે એને કઈ વિચાર આવ્યો નહીં. થોડે દૂર ગયા પછી એણે દેવાને પૂછ્યું.

     “આ જુવાન કોણ છે?”

     “એ મારો માણસ છે, મગબાફણાં સારવા કામ લાગશે એમ ધારી સાથે લીધો છે.”

     મેરુએ પોતાની ધૂનમાં એ વિષયમાં કઈ તપાસ કરી નહીં.

—————————————

     “જીવલી ! બહાર નીકળ ઘરમાંથી?” મેરુએ આણંદના ઘર આગળ જઈ અવાજ કર્યો.

     “કોણ છે?” ઘરમાંથી છાસ ફેરવતા ફેરવતા જીવીએ પૂછ્યું.

     “છે તારો બાપ ! બહાર નિકળને.” મેરુ કંટાળ્યો હોય એમ બરાડી ઉઠ્યો.

     “કાં શું છે?” પોતાના ઓઢણાનો છેડો સરખો કરતી કરતી જીવી બહાર આવી.

     “તારી આજ વેઠ છે બીજું શું?”

     “વેઠ હોય તો આણંદભાઈને મળો.”

     “તારે આવવું પડશે સમજી.”

     “વેઠમાં ભાઈડાઓ આવે છે તે આવશે.” જીવીએ રોકડું પરખાવ્યું.

     “બાઈડીઓએ પણ આવવું પડશે, એતો અમારી મરજી ઉપર છે કે બાઈડીયુ આવશે કે ભાઈડાઓ.”

     “એ તો આટલા વર્ષમાં આજ સાંભળ્યું.”

     “આજ સાંભળ્યું તો ભલે સાંભળ્યું ; તું આવછ કે ચોટલો પકડીને ઘસડું?”

     “મો સંભાળીને બોલ-ચોટલો પકડીને ઘસડનારા તો મરી ગયા મરી.”

     “જીવી તું કેની સાથે વાત કરછ તેની ખબર છે? જીભ ખેંચી કાઢીશ જીભ.”

     આ રકઝકમાં આખો કણબીપા ભેળો થઇ ગયો. 

     વૃદ્ધ કણબીઓએ મેરુને ઠંડો પાડવા પ્રયત્ન કર્યો. 

     “હવાલદાર ! તું આણંદને જઈને કહે કે વેઠે આવે, આતો બિચારું બાઇમાણસ.”

     “એ બાઇમાણસનું અભિમાન મારે ઉતારવું છે. એનો ચોટલો પકડી મારા ઘરનું વાસીદુ વળાવું ત્યારે જ મને ટાઢક વળે.”

     “હવાલદાર ! મોટું પેટ રાખો, મોટું. એતો છોકરું છે. તમારે એના બોલવા સામું ન જોવું જોઈએ.” બીજા કણબીએ મેરુને સમજાવ્યો.

     મેરુ બબડતો બબડતો ત્યાંથી દેવાનું ગાડું લઇને ચાલ્યો. રસ્તામાં તેને કંઈક યાદ આવ્યું એટલે ગાડેથી પોતે ઉતરી ગયો.

     “દેવા ! તું અને તારો આ માણસ નદીમાંથી રેતીનું ગાડું ભરી મારા ફળિયામાં નાખી આવો.”

     “મગબાફણાં લાવવાતા એનું શું?”

     “એ પછી થઇ રહેશે. તું રેતીનું ગાડું ભરી આવ જા.”

     “દેવો નદીએ જઈ રેતીનું ગાડું ભરી મેરુના ઘરે ગયો, દેવાના માણસ તરીકે આવેલો અજો તો આ બધું જોઈ થંભી ગયો.”

     “દેવો અને અજો રેતી સારતા હતા એટલામાં મેરુ આવ્યો.”

     “દેવા ! આ તારા માણસને મારી સાથે મોકલ, ઝવેરચંદને ત્યાંથી ગાદલા લાવવા છે.”

     તુરત મેરુ સાથે અજો ગાદલા ઉપાડવા ગયો.

     “ઝવેરીયા ! એ ઝવેરીયા !” ડેલી બહાર ઉભા રહી મેરુએ હાક મારી.

     “કોણ છે?”

     “એતો હું મેરુ.”

     તુરત ડેલીનું બારણું ઉઘડ્યું.

     “કેમ?”

     “દરબાર કાલે આવવાના છે એને માટે ગાદલા જોઈએ છે.”

     “ગાદલા કેટલાક ભેળા કરશો? આખા ગામના તો ઉઘરાવ્યા?”

     “દરબાર આવે એટલે ગાદલા તો જોઈએનાં?”

     “પણ ગાદલાનો ગંજ કરીને શું કરશો?”

     “તારે શું પંચાત? મૂંગો મૂંગો ગાદલા કાઢી આપને.”

     “તમારા લોકોનો તો ત્રાસ છે ત્રાસ.”

     “એ અમે તો ઘણાય સારા છીયે, બીજા ગામમાં જાઓ તો ખરા એટલે ખબર પડે કે હવાલદાર એટલે શું?”

     તુરત ઝવેરિયાએ બબડતાં ગાદલું કાઢી આપ્યું.

     “ગાદલું ક્યાં લઇ જવું છે? દરબાર ક્યાં ઉતરવાના છે?” અજા એ મેરુને પૂછ્યું.

     “તુંતારે મ્હારે ઘેર લઇ જા. આ ગાદલું તો મેરુ દરબાર માટે છે.”

—————————————

     ખેડધરના ધણીની સવારી ગામમાં આવી પહોંચી. ખેડધર અમલપુર રાજ્યનું ગામ હતું. દરબાર ગાદીએ આવ્યા પછી પહેલીજ વાર ગામડાઓમાં ફરવા નીકળ્યા હતા.

     ખેડૂતોએ, વસવાયાઓએ અને વ્યાપારીઓએ પોતાના ગામધણીને દિલનો આવકાર આપ્યો. દરબારને ઉતારે પહેલા વ્યાપારીઓનું મહાજન ગયું, ત્યાર પછી ખેડૂતો આવ્યા. દેવો ખેડૂતો સાથે દરબારની સલામીએ ગયો. એતો દરબારને જોઈ આભો થઇ ગયો.

     “આતો કાલ મારી સાથે રેતીના સુંડલા સારતો હતો એ અજા જેવો લાગે છે.” એમ મનમાં ને મનમાં તે લવ્યો, છતાં એની એ વિષયમાં કોઈને કહેવાની હિંમત ચાલી નહીં.

     “કેમ તમારે કઈ કેહવું છે?” ગામના પટેલિયાઓ તરફ ફરીને ખેડધરના ઘણી અજિતસિંહે પૂછ્યું.

     “ના, માબાપ, અમે તો આપના પ્રતાપથી સુખી છીએ.”

     “અમલદારો સાથે તો બધાને ઠીક છે નાં?”

     “બહુ સારા અમલદારો છે, બાપુ !”

     “વેઠ-બેઠનું કેવુંક દુઃખ છે?” અજિતસિંહે દેવા તરફ ઝીણી નજરે જોયું.

     “જરાય દુઃખ નથી બાપુ ! આપ આવો ત્યારે અમારે વેઠ તો કરવીજ જોઈએ નાં?”

     “ના, એમ નહીં. વેઠ એટલે તમે ખેડૂતો તમારા રાજા તરફના પ્યાર અને માનને ખાતર એને બધી સગવડ કરી આપો એ ખરું, પણ એ વિષયમાં તમારા તરફ કોઈ જોર જુલમ તો ન જ કરી શકે.”

     “બાપુ આપના રાજ્યમાં જોર જુલ્મ છે જ નહીં.”

     “સાચે સાચું કહો છો?”

     “બાપુ, આપ આગળ અમે ખોટું શું કરવા બોલીએ?”

     “તમારો હવાલદાર ઠીક છે નાં?”

     “હા, બાપુ ! બહુ સારો માણસ છે.”

     અજિતસિંહને આ સાંભળીને ખુબ દુઃખ થયું. પોતાની પ્રજા આવી ભીરુને કાયર છે તેની તેને આજ ખબર પડી.

     “પટેલ ! સાચે સાચું કહો છો નાં?” દરબારે ફરી ભાર દઈને ખેડૂતોના મુખીને એનોએ પ્રશ્ન ફરીથી કર્યો.

     આ વખતે ખેડૂતો એક બીજા તરફ જોવા લાગ્યા, પણ કોઈમાં સાચી વાત કહેવાની હિંમત આવી નહીં.

     અજિતસિંહને આથી ખાતરી થઇ કે ખેડધરનો પોતે દરબાર નથી પણ મેરુ જ દરબાર છે. તે મનમાં ને મનમાં હસ્યો.

     “કેમ દેવા ! તું શું કહે છે? આ ગામમાં હવાલદારનું કંઈ દુઃખ છે કે નહીં?”

     દેવાને હવે બરાબર ખાત્રી થઇ ગઈ હતી કે કાલે પોતાની સાથે વેઠ કરવા દરબાર પોતે જ વેશપાલટો કરીને આવ્યા હતા. એ જવાબમાં માત્ર હસ્યો.

     “કેમ કંઈ બોલતો નથી?”

     “બાપુ, મારી સાથે આપેય રેતીના સુંડલા સાર્યા છે એટલે હવાલદાર કેવા છે એ જેટલું હું જાણું છું એટલું આપ પણ જાણો છો.”

     “દેવા, ઉઠ-જા આણંદની બેન જીવીને અહીં તેડી આવ.”

     દરબાર અને દેવા વચ્ચેની વાત ખેડૂતો કઈ સમજી શક્યા નહીં.

     થોડીવારમાં દેવો જીવીને તેડી આવ્યો. 

     “બહાર કોણ છે?”

     ” જી હાજર” એક પસાયતાએ દરબારને નમન કર્યું.

     “હવાલદારને બોલાવ.”

     તુરત મેરુ દરબાર સમક્ષ નમન કરી ઉભો રહ્યો. શરૂઆતમાં તો એને કઈ સમજાયું નહીં પણ જીવીને જોઈ એના દિલમાં ધ્રાસકો પડ્યો.

     “હવાલદાર ! કાલે તે મારે માટે શું એકઠું કર્યું છે?” દરબાર મુછમાં હસ્યાં.

     “બાપુ ! આપને જોઈતી બધી તૈયારી કરી રાખી છે.”

     “કેટલા માણસોને વેઠે પકડ્યા હતા?” દરબારની આખો ચમકી.

     “એકાદ-બેને.”

     “સાચું કહે છે? એક તો હું પોતે હતો, તારે ઘેર રેતી તો મેં પાથરી છે.”

     મેરુ આ સાંભળી કાળો શાહીવર્ણો થઇ ગયો.

     “એક વખત આ ખેડુની દીકરીની માફી માંગ, એનો ચોટલો તારે પકડવો હતો તો હવે એના પગમાં તારી પાઘડી નાખ.”

     મેરુનો અરધો જીવ ઉડી ગયો હતો, તેને તમ્મર આવવા માંડ્યા.

     “હવાલદાર – એ બહેનની માફી માગ. એક રાજાનો અમલદાર પ્રજાને રાજાને નામે કનડે તો રાજા પણ એ પાપનો ભાગીદાર છે.”

     મેરુએ દરબારના કહ્યા પ્રમાણે ધ્રુજતા ધ્રુજતા કર્યું.

     “બહેન, આ પાપીએ ગઈકાલે તારું અપમાન કર્યું છે, એ માટે હું રાજા તરીકે તારી માફી માંગુ છું. અને આજથી આ રાજ્યમાં વેઠ કાઢી નાખું છું.”

     જીવી આ સાંભળી રડી પડી, તેણે દરબારના ચરણમાં પોતાનો છેડો પાથર્યો.

     આખા ખેડધરમાં વાયુવેગે ખબર પડી ગયા કે દરબાર ગઈકાલે ખેડુના વેશમાં દેવાને ખેતરે આવ્યા હતા અને પોતે મેરુને ઘેર વેઠે ગયા હતા. મેરુને રાજ્યની હદપાર કર્યો અને અમલપુર રાજ્યમાંથી વેઠ બંધ થઇ. દરબારે ખેડૂતોના આશીર્વાદથી પચાસ વર્ષ સુધી દરબારપદું ભોગવ્યું.

—————————————

“મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી”

                      (૪)

     “એલા ! આવું સ્વાદિષ્ટ દૂધ આજે ક્યાંથી લાવ્યો?”

     “સાહેબ ! હમણાં ખંભાતની બજારમાં એક ગોવાલણ આવી છે તે આ દૂધ વેચે છે.”

     “કેટલા પૈસા આપ્યા?”

     “આ તો એણે નમૂનો મફત આપ્યો છે.”

     “એટલે?”

     “આજે બજારમાં જતા એ ગોવાલણને દૂધ વેચતી જોઈ. તેના ઓટલા આગળ ઘરકોની ભીડ જામી હતી એટલે હું પણ ગયો. મેં દૂધનો ભાવ પૂછ્યો એટલે એણે શેરના રૂપિયા અઢી કહ્યા. મને આ ભાવ જોઈ હસવું આવ્યું અને મારાથી ‘રૂપિયા અઢી?’ એમ બોલાઈ ગયું. તો એ લટકાળી ગોવાલણ મને કહે કે ‘તું અને તારો શેઠ કઢી ખાઓ કઢી; દૂધ પીધા તમે’એમ કહી મને એણે આ નમૂનો આપ્યો છે.”

     પોતાના નોકર પાસેથી દૂધ લઇને એક ઘૂંટડો પીતાં તો શેઠના દિલમાં એક ચસકો થઇ ગયો. આસપાસ અત્તરના ફુવારા ઉડતા હોય એવા એ દૂધના મઘમઘાટે એને તર કરી દીધો.

     યાત્રાનું બહાનું કરી કસ્તુરી મુનિમને બધો વહીવટ સોંપી પતિની શોધમાં નીકળી. તેણે ગીરની મદમાતી ચાર ભેંસો સાથે લીધી. બે ત્રણ વિશ્વાસુ માણસોને પોતે પોતાની સહાયતામાં લીધા અને ફરતી ફરતી ખંભાત શહેરમાં આવી પહોંચી. લાંબી તપાસને અંતે તેને જણાયું કે અમરચંદ અહીં આવીને રહ્યો છે. વ્યાપારમાં તેને મોટી ખોટ ગઈ છે. અને માંડ માંડ વ્યવહાર ચલાવે છે. આ પ્રકારની બાતમી મેળવ્યા પછી તેણે ખંભાતની બજારમાં એક સુંદર ઘર ભાડે લીધું. અને ગોવાલણ તરીકે તેણે દૂધ વેચવું શરુ કર્યું. ઘરની બહાર ઓસરી હતી અને ઓસરીનું દ્વાર બજારમાં પડતું.

     રોજ સવાર સાંજે તે કાઠીયાવાડી પેરણુ અને કાળો પછેડો ઓઢીને બેસતી ત્યારે ખંભાતના છેલબટાઉઓ તેની આસપાસ મધમાખોની માફક ગણગણતા. આખાય ખંભાતમાં આ કાઠીયાવાડી ગોવાલણ ‘કમળી’ સહુનું આકર્ષણ બની. અઢી રૂપિયાનું શેર દૂધ લેનાર કોણ મળે? લેનાર કોઈ ન મળે એટલે દૂધની રૂપાની તાંબડી ભરી, ઉઠતી વખતે આખીને આખી તાંબડી દૂધ ગામના કુતરાઓ ભેગા કરી તે રોજ સવાર સાંજ તેને પાતી. ખંભાતીઓ કમળીના આ વર્તનથી આશ્ચર્ય પામતા. મોંઘા ભાવનું દૂધ કોઈને સસ્તે આપવા સાફ ના પાડતી અને કૂતરાઓને લહેરથી પાતી. કોઈ કોઈ રસીયો યુવાન કમળીના સૌંદર્ય તેજમાં અંજાઈ એના હાથનું દૂધ લેવામાં પોતાને મોટો ભાગ્યશાળી માનતો હોય તેમ કોઈ વખત સવા રૂપિયો ખર્ચીને અરધો શેર દૂધ લઇ પીતો, પણ એ દૂધ એણે જન્મારામાં દીઠું ન હોય એવું લાગતું. ઊંચા મસાલા અને સુગંધી પદાર્થોથી કઢેલું ગીરની ભેંસોનું ચોખ્ખું દૂધ પીનારાના દિલમાં અજબ ચેતન પ્રકટાવતું. આખા ખંભાતમાં ગોરી કમળી અને એના ગોરા દૂધ, એ સર્વ સ્થળે અને સર્વ વખતે એક સામાન્ય વિષય થઇ પડ્યો.

     કસ્તુરીને બીજા કોઈ દૂધ લે કે ન લે તેની પરવા નોતી, તેને તો અમરચંદ સાથે પરિચય કેમ વધે તે એજ મુખ્ય કાર્ય હતું. અમરચંદે પોતાના ગામમાંથી નીકળી ખંભાતમાં રહી દરિયા માર્ગે મોટો વ્યાપાર કર્યો, હાલમાં વ્યાપારમાં મોટી ખોટ હોવાથી તે મૂંઝાયો હતો, છતાં દેશમાં તો એ સ્થિતિમાં ન જ જવું એવો તેણે નિશ્ચય કર્યો હતો.

     પોતાના માણસ પાસેથી કમળીએ આપેલ નમૂનાનું દૂધ ચાખતા અમરચંદની તબિયત ખુશ થઇ ગઈ. બીજે દિવસે તેણે ફરીથી માણસને મોકલ્યો અને એક શેર દૂધ મંગાવ્યું, દૂધ પીતાં પીતાં તેણે નક્કી કરી લીધું કે એક મહિનાના પોણોસો રૂપિયા બેસે તો ભલે બેસે પણ આ દૂધ તો જરૂર પીવું. 

     બરોબર મહિનો દિવસ ગીરની ભેંસોનું કઢેલું દૂધ પીતાં અમરચંદના શરીરનું તેજ વધ્યું. તેનામાં નવું જીવ આવ્યું હોય એમ દૂધની અસર તેના ચહેરા પર સ્પષ્ટ તરવરવા લાગી.

     “લ્યો આ તમારા દૂધના પોણોસો રૂપિયા.” અમરચંદના માણસે મહિના દિવસના પૈસા ચૂકવવા કમળી પાસે આવ્યો.

     “પૈસા તે ક્યાં ભાગી જાય છે? તમે ગુજરાતીઓ તો પૈસાના જ ભૂખ્યા લાગો છો. પૈસાની શી ઉતાવળ છે? તમારા શેઠને કહેજો કે ફુરસદે પોતે જાતે ભલે વરસ દિવસે આપે.”

     માણસે આવીને અમરચંદને કમળીએ કહેલ વાત કહી કમળીનું વર્ણન કર્યું. કાળી કાળી વાદળીઓ વચ્ચે ઝબુકતી વીજળી સરીખું એનું ગૌર વદન, એનું ઘાટીલું માંસલ શરીર, અને એથીય અધિક એનું કઢીયલ દૂધ એ સર્વ વાતોએ અમરચંદ લોભાયો, તે સહજ કમળી તરફ ખેંચાયો.

     પોતેજ કમળી જે બજારમાં બેસતી તે તરફ ગયો, કમળીને દ્વારે આજે સોનાના સૂરજ ઉગ્યા, શેઠને આવતા જોઈ તે સાવધ બની. 

     “કેમ શેઠ દૂધ લેવું છે?” બોલતા બોલતા તેના નૈયના નાચ્યા.

     “દૂધ તો મારો માણસ રોજ લઇ જાય છે.”

     “ત્યારે કાલે ચાર વિસુ ને પંદર રૂપિયા મોકલ્યા તે જ શેઠ તમે કે?”

     “હા તમારું દૂધ એક મહિનો પીધું એના પૈસા તો મારે મોકલવા જોઈએ ને?” અમરચંદે કમળીને નીરખી નીરખીને જોઈ.

     “પૈસા તો શેઠ શું ચીજ છે તમારે જોઈએ તેટલા વરસ દિવસે આપજોને ! તમારા જેવા શોખીન પીનારે હજી દૂધની લહેર બરાબર ચાખી નથી.”

     “કેમ? રોજ તો એજ દૂધ હું પીઉં છું.”

     “ના, ના, એ દૂધ તો બીજા.”

     “એનો કઈ વધારે ભાવ છે?”

     “ભાવ તો એ જ, પણ એ દૂધ કઢેલું તરત પીવું જોઈએ. તમારો માણસ અહીંથી તમારે ત્યાં લઇ જાય તેટલામાં ટાઢું પડી જાય છે. એતો તમે જો રોજ સવાર સાંજ અહીં આવીને પીતાં જાઓ તો જ એ દૂધની લિજ્જત આવે.”

     અમરચંદ તો કમળીને જોઈ પાગલ બનતો જતો હતો. એટલે એને તો આ વાત ગમી, અને રોજ સવાર સાંજ કમળીને ત્યાં દૂધ પીવા આવવાની શરૂઆત કરી. 

     કમળીના કામણમાં અમરચંદ પડ્યો, વેપાર રોજગાર એક કોરે મુક્યા. તેને મન તક કમળી એટલે ઈશ્વર. તેનો એ ભક્ત બન્યો, દીવાનો બન્યો, કમળીને તો એજ જોઈતું હતું. તેણે અમરચંદને એક દિવસ પૂછ્યું,

     “શેઠ ! તમે રોજ અહીં પધારો છો, એ જોઈ મારી આંખ્યું ઠરે છે પણ તમે કઈ ઉદાસ જણાઓ છો, મેં સાંભળ્યું છે કે તમને વેપારમાં કાંઈ નાણાંની જરૂર છે, તમે મુંજાઓ છો શા માટે? મેં તમારે માટે દસ હજાર રૂપિયા રાખ્યા છે. લઇ જાઓ હું પોતે તમારી છું તો રૂપિયા પણ તમારા જ ગણાય.”

     અમરચંદને આ અણીને વખતે મળેલા રૂપિયા મીઠા લાગ્યા. એના વેપારમાં આ રકમથી ટેકો મળી ગયો. એને તો પ્રભુ પ્રસન્ન થયા હોય એમ રૂપ અને રૂપિયા બંને મળવાથી એ હવે કમળીને ત્યાં જ રહેવા લાગ્યો.

     “વ્હાલા ! તમે હમણાં જે પ્રેમ મારા તરફ બતાઓ છો તે હંમેશ રહેશે કે?”

     “કમળી ! આ ભવમાં આ કમલનયનીને તો નહીં ભૂલું. પણ આવતા ભાવમાં પણ એને…..”

     “હં-હં-હં શેઠ ! મ્હારે કંઈપણ વચન જોઈતું નથી. તમારા હાથની આ વીંટી છે તે મને આપો એટલે મારા બાળકને એ પહેરાવી તમે તજી દેશો તો હું એ જોઈને સંતોષ પામીશ.”

     “બાળક !” અમરચંદ સહેજ ઢીલો દેખાયો.

     “હા, હું થોડા મહિનામાં એક બાળકની માતા થઈશ. મને ભય છે કે કદાચ તમે મને તજી દેશો તો આ વીંટી આપો એટલે હું એમાં જીવનનું કલ્યાણ માનીશ.”

     અમરચંદે તુરત પોતાની પહેરવાની વીંટી એને કાઢી આપી.

     “પણ કમળી, તને બાળક આવશે તો લોકો આપણી વાત જાણી જશે તેનું હવે શું કરશું?”

     “કેમ ગભરાયા? હું તમારી આબરૂ બચાવી લઈશ, તમે બેફિકર રહો.”

     આજે અમરચંદે આખી રાત કમળીને ત્યાં બેચેનીમાં ગાળી, સવારે ઉઠીને તે પોતાને ત્યાં ગયો ત્યારે એનામાં હંમેશનો ઉત્સાહ નહોતો.

     આખો દિવસ કમળીના તેણે વિચાર કર્યા, કમળીના થનારા બાળક વિષે લોકો જાણશે ત્યારે જરૂર સમાજ તેના તરફ આંગળી કરશે, તે પોતે સાંજ સુધી એ પ્રશ્નનો કઈ નીકર કરી શક્યો નહીં. સાંજ પડતા કમળીના ઘર તરફ આજ તેના પગ ઉપડતાં નહોતા, છતાં કમળી તરફના પ્રેમે એ ઘર તરફ ખેંચાયો. પણ તે કમળીના ઘર આગળ આવ્યો ત્યાં તો આખુંય ઘર ખાલી જોયું. 

     તપાસ કરતા એક પાડોશી બોલી ઉઠ્યો,

     “શેઠ ! તમારું બુલબુલ ઉડી ગયું. એ તો આજે બપોરે જ અહીંથી સમાન સંકેલીને રવાના થઇ ગઈ.”

     “ક્યાં ગઈ?”

     “એતો એ જાણે પણ હવે કોઈ બીજું બુલબુલ શોધો, બીજું.”

     કસ્તુરી ત્યાંથી ગોકુલ, મથુરા થોડા દિવસ રોકાઈને પોતાને ગામ આવી પહોંચી. તેને જે જોઈતું હતું તે મળી ગયું હતું. 

     કસ્તુરી ગામમાં આવતા ફરીથી મુનિમ રાજી થયો. મુનિમે શેઠાણીની ગેરહાજરીમાં જે વ્યાપાર કર્યો હતો તે સર્વસ્વ જોઈ તે ખુશી થઇ, અને મુનિમને પાંચ હજાર રૂપિયા ઇનામમાં આપ્યા.

     દિવસો એકપછીએક વીતવા લાગ્યા એક દિવસે આખા ગામમાં ઓચિંતી વાત આવી કે અમરચંદ શેઠની કસ્તુરી થોડા વખતમાં એક બાળકની માતા થશે. શેરીએ, ચકલે, ચૌટે સર્વત્ર કસ્તુરીની નિંદા થવા લાગી. કુથલીખોરોને અને અદેખાઓને નવો વાણીનો ખોરાક મળ્યો, એટલે એમનું બજાર તેજ થયું.

     “શેઠાણી ! ગજબ થઇ ! તમે મારા ધોળામાં ધૂળ નાખી.”

     “શું થયું? કકલભાઈ મુનિમ ! એવું તે શું થયું?”

     “આજે આખું ગામ તમારી જ વાતું કરે છે, શેઠ આવશે ત્યારે હું શું મ્હોં બતાવીશ, મ્હારે તો આપઘાત કરવો પડશે આપઘાત !” વૃદ્ધ મુનિમને ખુબ આઘાત થયો હોય એવી એની મુખમુદ્રા દેખાઈ.

     “કકલબાપા ! તમે બેફિકર રહો બેફિકર…”

     “મ્હારુ કપાળ બેફિકર રહું, માંડ માંડ જગતમાંથી નિષ્કલંક થઇને નીકળ્યો હતો ત્યાં નસીબે આ ચક્કરમાં નાખ્યો, આજે ગામ શું બોલે છે તેની કઈ તમને ખબર છે?” કકલભાઈ અકળાયો.

     “કઈ ગરણું બંધાય છે બાપા?”

     “ત્યારે એ વાત શું ખોટી છે?”

     “વાત સાવ સાચી પણ એ બાળક તમારા શેઠનું જ છે.”

     “હે !”

     “હા, બેફિકર રહો.”

     “એ કેમ બને?”

     “આ વીંટી કોની?”

     “એ તો મારા શેઠની અને શેઠ એ વીંટી કોઈ દિવસ આંગળીએથી ઉતારતા જ નહીં. એજ વીંટી છે પણ તમે શી રીતે લાવ્યા.”

     તુરત કસ્તુરીએ સઘળી હકીકત પહેલેથી છેલ્લે સુધી વિગતવાર કકલભાઈને સમજાવી.

     જીવીતને આરે ઉભેલા વૃદ્ધે પણ કસ્તુરીની હિમ્મત, ચતુરાઈ અને પવિત્રતા જોઈ પોતાનું મસ્તક તેના સમક્ષ ઝુકાવ્યું. 

     “પણ આ વાત હમણાં ખાનગી રાખજો, લોકો જે કહે તે સાંખી લેજો, માત્ર દરબાર સાહેબને તમે ખાનગીમાં બધી વાતથી વાકેફ કરી આવજો.”

     “નવ મહિના થયા ત્યાં તો કસ્તુરીને ત્યાં પુત્ર જન્મ થયો, આખા ગામમાં હાહાકાર થઇ ગયો. વિરોધીઓ રાજી થયા, મિત્રોના દિલોમાં દુઃખ થયું, ધર્મીષ્ટો કલિયુગ આવ્યું છે એમ પોકારી ઉઠ્યા. કકલભાઈ અને કસ્તુરી તરફ લોકો ધિક્કારના શબ્દો જેમ ફાવે તેમ ફેંકવા લાગ્યા.

     વાત વાતમાં પાંચ વર્ષ વીતી ગયા ત્યાં એક સવારે ખબર આવ્યા કે અમરચંદશેઠ પરદેશથી કમાઈને આવે છે.

     કસ્તુરીને તો રાજ્યે ગામ ઇનામમાં આપેલ હોવાથી તે પણ ગામધણી ગણાતી, તેના ગામના નિશાન ડંકા વિગેરેથી તેણે પોતાના પતિનો સત્કાર કર્યો.

     અમરચંદ તો એમ જ માનતો હતો કે કસ્તુરી કોઈના દળણાં દળી, પાણી ભરી માંડમાંડ પેટ ભરતી હશે, કારણકે તેણે તો તેને માટે જતા જતા માત્ર ઘરમાં એક મહિનાનું જ અનાજ મુક્યું હતું. આજે પોતાની મૂંછનું પાણી વધશે, અને એ આડીને આધારે મોભ કહેનાર કસ્તુરી પોતાને નમશે એ વિચારે તે ગામ નજદીક આવ્યો હતો પણ તેની અજાયબી વચ્ચે સત્કારનો રાજવૈભવ જોઈ આશ્ચર્ય પામ્યો. તપાસ કરતા તેને માલુમ પડ્યું કે કસ્તુરી તો ગામધણી બની છે.

     આ વખતે ગામનાં લોકો સહુ એક જ વાત કરી રહ્યા હતા કે છોકરો જોઈ અમરચંદ જરૂર કસ્તુરીને કાઢી મુકશે.

     અમરચંદ પોતાને ઘેર આવ્યો તો ત્યાં પણ પોતે ન ધારે તેવો વૈભવ અને લક્ષ્મી પોતાને આંગણે નાચતા જોયા, એટલામાં તો ઘરના બારણામાં સોળ શણગાર સજી કસ્તુરી છોકરાને સામે લઇને ઉભી.

     “કમળ ! આ તારા પિતાને પૂછ કે તારે માટે પરદેશથી શું લાવ્યા?” હસતી હસતી કસ્તુરીએ પતિ આગળ પુત્રને ધર્યો.

     અમરચંદને તો આ જોઈ આખા શરીરે આગ લાગી. તેના ક્રોધને એક ક્ષણભર તેણે અટકાવ્યો, તે ગુપચુપ ઘરમાં ગયો. કસ્તુરી શેઠના દિલમાં લાગેલી ઝાળનું કારણ સમજી ગઈ.

     જમવાનો વખત થયો ત્યાં કસ્તુરી એ છોકરાની સાથે અમરચંદને જમવા બોલાવા આવી. 

     “બાપુ ! જમવા …”

     આ શબ્દો સાંભળતા અમરચંદે પોતાના પરનો કાબુ ખોયો.

     “કસ્તુરી ! કસ્તુરી ! આ કોનું ફરજંદ?” તેણે જોરથી ત્રાડ પાડી.

     “ફરજંદ આપનું- બીજા કોનું હોય?”

     “મ્હારુ?”

     “તમને શંકા કેમ જાય છે?”

     “એ કેમ બને-કસ્તુરી? તે હરામના હમેલ…”

     “છોકરે ગળામાં શું પહેર્યું છે તે જુઓ પછી જે બોલવું હોય તે ખુશીથી બોલો.”

     જુસ્સામાં ને જુસ્સામાં અમરચંદે છોકરાના ગળામાં સાંકળી વચ્ચે પોતાની વીંટી જોઈ. બીજી પળે તેણે કસ્તુરી સ્હામે શંકાથી જોયું. કમળીનું ને કસ્તુરીનું મુખ એક સરખું લાગ્યું. તે ભોંઠો પડ્યો, શરમાયો અને તેણે નીચે જોયું.

     “ક્યમ, આડીને આધારેય કોઈ વખત મોભ ખરો કે?” કસ્તુરીએ પતિ તરફ નયનબાણ ફેંક્યું.

     “હું હાર્યો, તું જીતી. હું જાણતો હતો કે મોભને આધારે આડી રહે છે પણ મોભનેય આડીનો આધાર છે ખરો !”

     “તમારું વચન પળાયું છે કે નહીં?”

     “જરૂર, એટલે જ તું જીતી.”

     તુરત આખા ગામમાં આ પતિ પત્નીની વાતો પવનવેગે ફેલાઈ ગઈ. મોભને આધારે આડી કે આડીને આધારે મોભ, અમરચંદનું પરદેશ જવું, કસ્તુરીની હુશિયારી, કસ્તુરીનું કમળી બનવું વિગેરે વાતો ઘરે ઘરે થવા લાગી. ઘણાય સ્ત્રી પુરુષોએ મોભને આડી વિષે ચર્ચા કરી.

                          (સમાપ્ત)

“મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી”

                                      (૩)

     “જુઓ કકલબાપા ! તમારા શેઠ આ પટારામાં ખુબ જોખમ મૂકી ગયા છે. આપણાં ગામના નગરશેઠ દીપચંદભાઈને જઈને કહો કે મહેરબાની કરી એ પટારો સાચવે. હું બાઇમાણસ રહી એટલે ઘરમાં એ જોખમ રાખવું સારું ઠીક નહીં.”

     મુનિમને શેઠાણીની આ વાત ગમી. તે પોતે નગરશેઠ દીપચંદને જઈ મળ્યો અને તેને એ પટારો સાચવવા સમજાવ્યો. અમરચંદ શેઠના કુટુંબ સાથે દીપચંદને અસલથી સારાસારી હતી તેથી તે પણ કબુલ થયો.

     તુરત કકલમુનિમ એક ગાડું જોડાવી લાવ્યો પણ પટારાનો ભાર ગજબ હતો. અંદર નક્કર માલ ભરેલો એટલે એ પટારો તો ત્યાંથી ચસે તેમ નહોતો. આખરે બળદની ચોસર બોલાવી અને ચાર બળદના જોરે એ પટારો ગાડાંમાં દીપચંદને ઘેર પહોંચાડ્યો, દીપચંદ પણ પટારાનું વજન જોઈ આભો બની ગયો. અમરચંદનું ઘર અસલથી શ્રીમંત ગણાતું – અને આજેતો એની શ્રીમંતાઈએ અવધિ કરી.

     “બોલો શેઠાણી હવે શો હુકમ છે?” કકલમુનિમ પટારો દીપચંદ શેઠને ત્યાં સહીસલામત મુકાવી પાછો કસ્તુરી પાસે આવ્યો.

     “હુકમ તો બસ તમે શેઠને નામે દુકાન ચાલતી કરો. શેઠ આવ્યા પછી દ્વારકા જરૂર જજો.”

     “બાઈ પણ મૂડી વિના દુકાન ક્યાંથી ચાલુ કરાય?”

     “અરરર- એ તો હું ભૂલી જ ગઈ, શેઠે આ પટારો બંધ કર્યો ત્યારે એ વાતનું તો મને કઈ સ્મરણ જ ના રહ્યું. હવે એ પટારો શેઠની રજા વિના મારાથી ઉઘાડાય નહીં-ફિકર નહીં, દીપચંદ શેઠને કહો કે આપણો એ કિંમતી પટારો  એમને ત્યાં અમાનત છે એના ઉપર આપણને જોઈતી મૂડી આપે.”

     મુનિમ શેઠાણીની વ્યવહારુ બુદ્ધિથી તાજુબ થયો. અમરચંદે આગલા ભવમાં સારા પુણ્ય કર્યા હશે એટલે આવી ચતુર સ્ત્રી મળી એમ આ વૃદ્ધ વણિકને લાગ્યું. 

     શેઠાણીના કહ્યા મુજબ તે દીપચંદને ત્યાં ગયો, સઘળી હકીકત તેને કહી. દીપચંદે કંઈપણ આનાકાની કર્યા વિના જેટલી જોઈએ તેટલી મૂડી આપવા કબૂલ્યું. 

     અમરચંદને નામે દુકાનો પછી શરુ થઇ. મહિના દિવસમાં ખાવાનો દાણો કસ્તુરીનો ખૂટ્યો તેટલામાં તો દુકાનનો વકરો આવવો શરુ થયો.

     થોડા મહિના પછી રાજાના કુંવરનો લગ્નપ્રસંગ આવ્યો. આ લગ્નપ્રસંગે મોદીખાનું નક્કી કરવા માટે સઘળા વ્યાપારીઓને બોલાવ્યા, હિંગ મરચાથી માંડી રેશમી કપડાં સુધીનો સઘળો સમાન પૂરો પાડવાનો એમાં કરાર હતો. લગભગ પાંચથી દસ લાખનો એ સોદો હતો. સઘળા વણિક વ્યાપારીઓ ગભરાયા રાજા છે ને વખતે નાણાં ન આપે તો પાઘડી ફેરવવી પડશે. એક નન્નો છત્રીસ રોગ હરે એમ ધારી ગામના બધા વ્યાપારીઓએ અંદર અંદર સંતલસ કરી મોદીખાનું લેવાની અશક્તિ જાહેર કરી. તેઓએ જણાવ્યું કે કોઈની વખારમાં આજે માલ નથી એટલે આટલો બધો લાખો રૂપિયાનો માલ પૂરો ક્યાંથી કરી શકાય? રાજા આ વ્યાપારીઓની વાતથી ગુસ્સે થયો. કસ્તુરીનાં સાંભળવામાં આ વાત આવી. તેણે પોતાના મુનિમને રાજા પાસે મોકલ્યો અને કહેવરાવ્યું કે શેઠ ઘરે નથી પણ શેઠાણીની હિમ્મત છે કે તે રાજયનું લગ્નપ્રસંગનું મોદીખાનું પૂરું પાડશે. બીજા વ્યાપારીઓએ ઘસીને નાં પાડેલી હોવાથી રાજા આ માંગણીથી ખુશી થયો, અને મોદીખાનું આપવા તૈયાર થયો. કરારનામું કરતી વખતે મુનિમે રાજાને વિનંતી કરી.

     “દરબાર સાહેબ ! મારા બાઈએ કરારનામામાં સહી કરતા પહેલા બે માંગણી આપ સમક્ષ રજુ કરવાની મને સૂચના કરી છે.”

     “બોલો.”

     “એક તો એક જ્યાં સુધી મોદીખાનું અમારું હોય ત્યાં સુધી બહારથી આયાત થતો માલ અમારા સિવાય કોઉ ખરીદી શકે નહીં.”

     “કબૂલ-બીજું?” રાજાએ આ મુનિમની શરતની નોંધ લીધી.

     “બીજું ગામમાં માલ સંઘરવા માટે ગમે તે વેપારીની વખાર કામચલાઉ અમને મળવી જોઈએ.”

     “એ પણ કબૂલ.”

     રાજાએ બંને શરતો કરારનામામાં લખી. અને લગ્ન પછી બીજે દિવસે નાણાં ભરી આપવાનું નક્કી થયું. સહી સિક્કા થયા. આખા ગામમાં આ વાત પવનવેગે પ્રસરી ગઈ કે અમરચંદની સ્ત્રીએ રાજા સાથે મોદીખાનાનો કરાર કર્યો છે.

     વ્યાપારીઓ બધા અદેખાઈથી હસ્યા, અને અંદર અંદર વાતો કરવા લાગ્યા કે હવે અમરચંદનું નામ અને નાણું આ બાઈ જરૂર ગુમાવશે.

     બીજે દિવસે નગરમાં બહારથી જે માલ આવ્યો તેના ગાડાં બજારમાં ઉભા રહ્યા પણ કોઈપણ વેપારીથી તે માલ શકાય તેમ નહોતો. સાંજ સુધી બધા ગાડાં ઉભા રહ્યા પણ ખરીદનાર જ ન મળે. રાજ્યનો હુકમ વેપારીઓ પર થયેલો હતો તેથી તેમનાથી તો કઈ ખરીદી શકાય તેમ નહોતું. લીલવડમાં ચોરાસી ગામનું બજાર હતું એટલે માલનો તો રોજ ભરાવો થવા લાગ્યો. માલ વેચનારા આઠ દિવસ સુધી રાહ જોઈ ગભરાયા. તેઓ સઘળા કકલમુનિમ પાસે આવ્યા અને પોતાનો માલ રાખવા તેને વિનવ્યો. કકલભાઈ તેઓને કસ્તુરી પાસે તેડી લાવ્યો. વેચનારા કંટાળ્યા હતા એટલે પચાસ ટકા ઓછા ભાવે અને ત્રણ મહિનાની નાણાંની મુદતે સઘળો માલ તેઓએ શેઠાણીને આપ્યો. આમ માલ તો અમરચંદશેઠની દુકાને વિના માંગ્યો અરધે ભાવે આવીને એકઠો થવા લાગ્યો.

     હવે કસ્તુરીએ કકલભાઈને બોલાવી ગામના મોટા વેપારીઓની વખારોનો કબ્જો લેવાનું સૂચવ્યું. કકલભાઈ રાજ્યના અમલદારોને સાથે લઇ દરેકની દુકાને ગયો અને વખાર ખાલી કરવાનું કહ્યું. 

     વેપારીઓના મનમાં તો લુચ્ચાઈ હતી. તેઓએતો પૈસા નહીં મળે એ વિચારે જ રાજા સાથે કરાર નહોતો કર્યો. બાકી તેઓની વખારમાં તો માલ પુષ્કળ હતો. કકલભાઈયે જયારે વખાર ખાલી કરવાનું કહ્યું ત્યારે તેઓ ગભરાયા. જો એમ કહે કે વખારમાં માલ છે તો રાજાને છેતર્યો ગણાય, અને માલ નથી એમ કહે તો પોતે માલ ક્યાં નાખે?

     વ્યાપારીએ એક પછી એક કકલભાઈને ખાનગીમાં બોલાવી પોતા પાસેનો માલ વગર નફે પડતર ભાવે લખી આપ્યો અને નાણાં ચાર મહિને આપવાની કબૂલાત થઇ. વ્યાપારીઓ તો બધી રીતે સપડાયા હતા, એટલે ન છૂટકે તેઓએ પોતાનો માલ મૂળ ભાવે આપ્યો. 

     લગ્નપ્રસંગ આવ્યો, અમરચંદના મોદીખાનેથી સર્વ વસ્તુઓ મળી. પરિણામમાં રાજાને ખુબ સંતોષ થયો. સઘળા નાણાં રાજાએ ચૂકવી આપ્યા. આ સોદામાં કસ્તુરીને લખો રૂપિયાનો ફાયદો થયો, કારણકે માલ અડધી અને પડતર કિંમતે બધો મળ્યો અને નાણાં પુરા ભાવના મળ્યા.

     લગ્નમાં દરબાર ભરાયો તેમાં ગામના વ્યાપારીઓએ કુંવરસાહેબને વધાવો કર્યો, વધુમાં વધુ નગરશેઠના પાંચસો રૂપિયા વધાવામાં હતા. કકલભાઈ મુનિમે પોતાની શેઠાણી તરફથી એક લાખ રૂપિયા વધાવામાં નોંધાવ્યા. રાજા તાજુબ થઇ ગયો, બધા વ્યાપારીઓએ દાંતમાં આંગળા ઘાલ્યા.

     રાજાએ રાણીને મળી કસ્તુરીનાં વધાવાની વાત કરી. રાજ્યનું મોદીખાનું જયારે બધાએ રાખવાની ના પાડી ત્યારે પોતે રાખ્યું, કુંવરને એક લાખ રૂપિયાનું વધાવું કર્યું. હવે તેની કદર રાજ્યે જરૂર કરવી જોઈએ, રાજાએ કકલભાઈ મારફત કસ્તુરીને રાજ્યમહેલમાં પાલખીમાં બેસાડીને બોલાવી, અને રાજકુમાર ની ફઈ તરીકે તેમનું સન્માન કરી વંશપરંપરા બે ગામ બક્ષીશ આપ્યા. 

     આખી પ્રજામાં આ ઇનામી ગામ આપ્યાની વાત ઝડપથી પ્રસરી ગઈ. બીજે દિવસે કસ્તુરીનાં વખાણ સર્વત્ર થવા લાગ્યા. કુંવરની ફઈ થઇ એટલે રાજ્યમાં પણ એનું માન વધ્યું.

     કસ્તુરીને હવે જે ઈચ્છા હતી તે પૈસો અને માન-મરતબો બરાબર રીતે પ્રાપ્ત થયા. કકલભાઈ મુનિમને તેણે મોટું ઇનામ આપ્યું.

     “કકલબાપા, શેઠની ગેરહાજરીમાં તમે ઠીક કામ કર્યું હો !”

     “એ બધા આપણી બુદ્ધિના પ્રતાપ છે, આજે શેઠનું નામ તમે સવાયું કર્યું છે.”

     “બાપા, હવે ! હું જરા છ-આઠ મહિના ગોકુળ-મથુરા રહેવા માંગુ છું તમે બધું અહીં સંભાળજો.”

     “એકલા જશો?”

     “સાથે એક બે માણસ લઇ જઈશ.”
———————————-

વધુ આવતા ભાગમાં…

To be continued…

​”મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી”

                      (૨)

     આજે કસ્તુરી મેડી માં એકલી બેઠી છે. કેવી આશા, કેવા ઉલ્લાસ અને કેવા ભાવથી એ પરણીને સાસરે આવી હતી. તેના વિચારો તેના દિલમાં ઘોળાયા કરતા હતા. બીજી બાજુ તેનું વિકસિત સ્ત્રીત્વ ઝબકારા મારતું હતું. “પુરુષો એમ જ માને છે કે જગતમાં સ્ત્રીને કાંઈ સ્થાન નથી. પુરુષોને મન સ્ત્રી એટલે ગુલામડી, સ્ત્રી એટલે ખરીદેલું કાયદેસરનું વિલાસનું સાધન, સ્ત્રી એટલે પોતાની વૃત્તિઓ પોષવાનું એક જીવતું રમકડું-” એ વિચારોની પરંપરામાં તે ઘડીમાં હસતી ઘડીમાં દિલગીર થતી કોઈની રાહ જોતી બેઠી હતી. એવામાં ડેલીમાં કોઈનો પગરવ સંભળાયો.

     “કોણ છે એ?”કસ્તુરી મેડીએથી નીચે ઉતરી.

     “એતો હું કકલભાઈ.”

     “પધારો બાપા પધારો.”

     “કેમ શેઠાણી, આજે મને બોલાવ્યો?” વૃદ્ધ વણિકે ફળિયામાં ઢાળેલ ખાટલા પર બેઠક લીધી. 

     “કકલબાપા ! તમને તો ખબર હશે કે શેઠને પરણ્યા પછી તુરત ઓચિંતું પરદેશ જવું પડ્યું.”

     “હા, શેઠ તો ગાંડા છે, એને અહીં શું કમી છે કે એમ પરદેશ વેઠવાનું મન થયું?”

     “જુવાનીમાં કમાવું અને ઘડપણમાં ખાવું એવા તમારા શેઠના વિચાર મને ગમ્યા છે.”

     “એતો ધણીને ગમે તે ઢાંકણીમાં. પણ મને પૂછતાં હો તો હુંતો નારાજ થયો છું.”

     “બાપા, એ થયું તે થયું. પ્રભુ સહુ સારા વાનાં કરશે. પણ હું માનુ છું કે એમની ગેરહાજરીમાં દુકાનો આમ બંધ રહે એ ઇચ્છવાજોગ નથી.” કસ્તુરીએ ઝીણી નજરે વૃદ્ધ મુનીમ તરફ જોયું.

     “એમાં બીજું શું થાય? શેઠ વિના કંઈ વેપાર ચાલે?”

     “હા ચાલે, હું કહું એમ થાય તો.”

     “કેવી રીતે?”

     “તમે જો પાછા મુનિમપણું લ્યો તો આપણી બધી દુકાનો ચાલુ થાય અને શેઠ પણ પાછા આવે ત્યારે રાજી થાય.”

     “હું તો હવે એ જંજાળથી નિવૃત થયો છું. શેઠને ત્યાં ચાલીસ વર્ષ મુનિમપણું કર્યું, હવે તો પ્રભુનું નામ લેવા દિયો તો ઠીક, હું તો હવે દ્વારકા જઈને રહેવા મંગુ છું.”

                 ધન ધન ગામ દુવારકા,

                           બેટ જ શંખોદ્ધાર :

                 હીરા મોતી નીપજે,

                           રમે રાસ મુરાર ;

                 નાઈયે ગંગા ગોમતી,

                           નીરખી રણછોડરાય :

                 વસે બેટ ને દુવારકા,

                            અડસઠ તીરથ થાય ;

     (મારે તો હવે છેલ્લા દિવસો પ્રભુ સ્મરણમાં ગાળવા છે.)

     “તમે ખુશીથી દ્વારકા જજો પણ શેઠ આવ્યા પહેલા એટલું તો તમારે કરવું જ પડશે. શેઠના ઘરના તમે જુના માણસ, તમારે શેઠની ગેરહાજરીમાં એમનું નામ દીપાવવું જોઈએ કે નહીં?” કસ્તુરીએ મુનિમને પલાળવા પ્રયત્ન કર્યો. 

     “શેઠ તો બધું બંધ કરી ગયા છે.”

     “ના, મને તો કહેતા ગયા છે કે જો કકલમુનિમ માને તો પાછી દુકાન ચલાવજો.”

     “બાઈ એ ઉપાધિ રેવા દિયો ને? શા માટે તમારે એ કરવું પડે છે?”

     “મારે મન પતિની આજ્ઞા એ પરમેશ્વરની આજ્ઞા, એટલે એમનો હુકમ તો મારે ઉઠાવવો રહ્યો, તમારાથી પણ એ હુકમનો અનાદર ના કરાય !”

     યુવાન શેઠાણીની બોલવાની ઢબછબ, તેના વચનોમાં રહેલું બળ, અને તેનો ઉત્સાહ જોઈ આ વૃદ્ધ મુનિમપણું આશ્ચર્ય પામ્યો. તે તેના તેજમાં અંજાયો એટલે વધુ કાંઈ બોલી શક્યો નહીં.

     “કેમ મુનિમ શું વિચારમાં છો? અત્યારે ને અત્યારે તમે મુંજાતા હો તો બે દિવસ પછી વાત – પણ કાલ મને જરૂર મળજો.”

     મુનિમ વિચારમાં ને વિચારમાં શેઠાણીની રજા લઇને ઉઠ્યો.

     પરણ્યાની પહેલી મુલાકાતે કસ્તુરીનો મોભ વિના આડી રહી શકે એ જવાબ અમરચંદને ખૂબ ખૂંચ્યો. તેનું પોતાનું પુરુષપણાંનું અભિમાન જાગૃત થયું. તેણે પંદર દિવસમાં પોતાનો બધો ધંધો સમેટી લીધો. ઘરમાનું સર્વ રાચરચીલું વિગેરે સર્વના પટારા ભરી તેના પર તાળા મારી દીધા, અને તાળાં પર લાખ લગાવી દીધી. ઘરમાં એક ફૂટી બદામ પણ રહેવા ન દીધી. કસ્તુરીનો બધો દાગીનો તથા રોકડ નાણું સર્વની પેટીઓ ભરી પટારામાં મૂકી માત્ર ઘરમાં મહિનો દિવસ ચાલે તેટલું અનાજ મુક્યું. એક દિવસ તેણે કસ્તુરીને ફરી પ્રશ્ન કર્યો,

     “હજુ તે તારો વિચાર કાયમ રાખ્યો છે?”

     “શેનો?”

     “મોભ વિના આડી રહી શકે?”

     “કેમ વખતોવખત એ પૂછવું પડે છે? મેં કહ્યું એ સાવ સાચું છે.”

     “તો હું હવે આ બધું બંધ કરી કરી પરદેશ જાઉં છું, આ પટારાના તારે બિલકુલ તાળાં ખોલવા નહીં, મેં જેટલો વ્યાપાર ખેડયો છે તેથી પાંચગણો વ્યાપાર, મારી આબરૂથી બમણી આબરૂ, અને મારા પેટનું એક સંતાન એટલું જો તું પાંચ વર્ષમાં કરી બતાવીશ તો હું માનીશ કે મોભ વિના આડી રહી શકે છે.” અભિમાનથી છલોછલ ભરાયેલા અમરચંદે સ્ત્રીને સાવચેત કરી. 

     એક પળમાં ‘મોભથી આડી કે આડી થી મોભ’ એ પ્રશ્નનો હેતુ ચતુર કસ્તુરી સમજી ગઈ. તેને પોતાના પતિની આ હુજ્જત ગમી નહીં, તેને એક પળમાં મનમાં વિચાર આવ્યો કે મોભને આધારે આડી છે એમ કહી દેવું. પણ બીજી પળે તેનામાં સ્ત્રીશક્તિએ જોર માર્યું. પુરુષોના આ અભિમાન કોઈ પણ રીતે ગાળવા જોઈએ એ વિચાર તેનામાં દ્રઢ થયો.

     “આપ આ બધું શા માટે કરો છો?”

     “ત્યારે કહી દે કે મોભને આધારે આડી છે.”

     “મોભ એટલે પુરુષ અને આડી એટલે સ્ત્રી, એમ જો આપ માનતા હો તો હું ફરીથી કહું છું કે આડીને આધારેય મોભ રહે છે.” કસ્તુરીએ દ્રઢતા બતાવી.

     “બસ-વધારે વાતની જરૂર નથી. તારે મેં ઉપર કહ્યું એમ કરી બતાવી એ વાક્ય સાચું પાડવું પડશે.”

     બીજે દિવસે શેઠે પોતાની સાથે પૂરતા નાણાં લઇ ઘર છોડ્યું.

     આખા ગામમાં અમરચંદ શેઠ ગુજરાત તરફ વ્યાપાર કરવા ગયા છે એવી વાત પ્રસરી તેથી કસ્તુરી શરૂઆતમાં સહેજ ગભરાણી, મહિના દિવસ પછી ઘરમાં ખાવાના દાણા પણ ખૂટશે ત્યારે શું થશે?

     પતિએ ખરેખરા સકંજામાં લીધી છે એમ વિચારતી તે પોતાના ઘરના વાડાની બારીએ બેઠી. એવામાં તેની નજર વાડામાં પડેલા કાળમીંઢ પથરાઓ તરફ પડી. તેણે આખો દિવસ એ પથરાઓ ઘરમાંના એક ખાલી પટારામાં ભર્યા, એમ ત્રણ દિવસ સુધી મહેનત કરી, પટારો પથરાઓથી ભરી દીધો. પટારાને ખંભાતી તાળાં દઈ ઉપર લાખ લગાવી. 

     પરણીને આવ્યા પછી તેણે અમરચંદ પાસે આવતા કકલમુનિમને જોયો હતો એટલે એની નજરમાં એ આવ્યો. મુનિમને પોતાની શેરીના એક છોકરા સાથે કહેવડાવ્યું એટલે મુનિમ તેને આવી મળ્યો.
———————————-

વધુ આવતા ભાગમાં…

To be continued…

“મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી

                           (૧)

               સોળે શણગારો સજ્યા,

                      સોના ચૂડલો સાર :

               ઝાલ ઝુમણાં દામણી,

                      કોટે મોતી માળ ;
     સોળે શણગાર સજીને કસ્તુરી મેડીએ ચઢી. એને મન તો આજે દિવાળીનો ઉત્સવ હતો. માબાપે મોટી ઉંમરની કરી અને આખરે વર પણ સારો મળ્યો.

     મેડીને દાદરે ઝાંઝરનો ઝમકાર થયો એટલે મેડીએ બેઠેલ અમરચંદ પણ પોતાની ભવિષ્યની ભાગીદારને સત્કારવા તૈયાર થયો.

     પરણ્યાની પ્રથમ રાત્રીનું વર્ણન કોણ કરી શકે? એ વર્ણન ના પાનાઓ ન ભરાય, એતો અનુભવીઓ જ જાણે.

     અમરચંદે કસ્તુરીને હિંડોળાખાટ પર બેસાડી. નીચી ઢળેલી એ આંખ્યો, શરમના શેરડા પડતું એ મુખ, કઈ ન સમજી શકાય એવા ભાવથી ધડકતું એ દિલ અત્યારે પતિને ચરણે અર્પણ થવાને તૈયાર હોય એમ લાગ્યું.

     બંનેમાંથી કોઈ કઈ બોલતું ન હતું. માત્ર દિલની અંદરના તાર વાત કરતા હોય એમ દિલના થડકા વધતા જતા હતા. આખરે અમરચંદે શબ્દોનો સંબંધ કર્યો.

     “મારી એક પ્રતિજ્ઞા છે, હું જે પૂછું તેનો જવાબ આપ્યા પછી હું તને મારી અર્ધાંગના તરીકે સ્વીકારીશ.”

     કસ્તુરીએ મરોડથી પોતાની ડોક સહજ ઊંચી કરી, અને પતિ સામે સ્નેહભાવથી જોયું.

     “બોલ, હું પૂછું તેનો જવાબ આપીશ?”

     જવાબમાં કસ્તુરીએ સ્મિત હાસ્ય ફરકાવ્યું.

     “મારી સાથે પરણવામાં તે ભૂલ કરેલી નથી લાગતી? ઘરમાં સાસુ નહીં, સસરા નહીં, દેર-જેઠ કોઈ નહીં, માત્ર તું ને હું. અને તેમાંય હું એટલે શું એની ખબર તને હવે પડશે.” અમરચંદના શબ્દોમાં કંઈક અભિમાન તરવા માંડ્યું.

     કસ્તુરી હવે સહેજ ગંભીર બની. તે પોતાના પતિનું આ અણમોલી પ્રથમ રાત્રીનું આવું વિચિત્ર વર્તન જોઈ આશ્ચર્ય પામી. કસ્તુરીમાં સ્ત્રીત્વનનો સંપૂર્ણ વિકાસ થયેલો હતો. કસ્તુરીમાં નાનપણથી સ્તરીજીવન વિષે ઊંચા સંસ્કાર દાખલ થયા હતા. સ્ત્રી એટલે “કુંભારનું હાંડલું” અથવા “કહ્યું ખાસડું” એ માન્યતાને તે ધિક્કારનારી હતી. ‘સ્ત્રી એટલે ગૃહદેવી, સ્ત્રી એટલે પુરુષ જેટલા જ હક વાળી અર્ધાંગના’ એ સંસ્કારો કસ્તુરીમાં તેની માતા તરફથી ઉતર્યા હતા. અને એ સંસ્કારોના બળથી જ તેનું આવડી મોટી ઉંમરે લગ્ન થયું હતું.

     તેણે હવે પતિ સામે નયન કર્યા અને સહજ મૃદુ પણ શક્તિભર્યા શબ્દો ઉચ્ચાર્યા.

     “હું આપથી અજાણી નથી, મારે સંસારમાં ગૃહદેવ અને ગૃહદેવીના સ્વપ્નાં સાચા પાડવા છે. એટલેજ આપણો સંબંધ બંધાયો છે.”

     “પણ હું એ તારી માન્યતાથી જુદો પડું તો?”

     “એ હવે પછી જોઈ લેશું, અત્યારે તો આપ એ વાત જવા દો તો ઠીક.”

     “એ કેમ બને? મારો એક પ્રશ્ન છે તેનો તું જવાબ આપ ત્યારપછી જ હું તને મારે લાયક ગણી શકું.”

     “પૂછો આપને પૂછવું હોય તે ખુશીથી પૂછો.” કસ્તુરી પણ હવે પૂર બહારમાં બહેકી.

     “આ મેડીમાં મોભ અને આડી બંને છે તે ત્હેં જોયા?”

     “હાં” 

     ત્યારે કહે મોભને આધારે આડી કે આડીને આધારે મોભ? જવાબમાં કસ્તુરીનાં નયનો નાચ્યા અને તે હસી. 

     “આપ શું માનો છો?”

     “હું ગમે તે માનતો હોઉં, હું તો તને પૂછું છું. આ જવાબ ઉપર જ આપણા ભવિષ્યનું નિર્માણ થયું છે.” 

     “ત્યારે હું આપને કહું છું કે આ મોભને આધારે આડી અને આડી ને આધારે મોભ છે-બેય ને એકબીજાના આધાર છે.”

     “એમ નહીં, મોભ ન હોય તો આડી રહી શકે?”

     “હા, એમ પણ બને.”

     “મોભના આધાર વિના આડી ટકે?”

     “જરૂર ટકે.” કસ્તુરીએ ભાર દઈને કહ્યું.

     “પસ્તાઈશ હો ! બોલ્યા પહેલા બે વખત વિચાર કરીને બોલ.”

     “એમાં પસ્તાવા જેવું શું છે? આપે પ્રશ્ન પૂછ્યો છે ને એનો સાચો ઉત્તર આપ માંગો છો.”

     “તે આપેલો ઉત્તર સાવ સાચો છે? તું હિમ્મતથી કહે છે?”

     “હું તો એથી આગળ વધીને કહું છું કે કોઈ વખત તો આડીને આધારે જ મોભ રહે છે.”

     “તું આ બધું સમજીને બોલે છે?”

     “સમજ્યા વિના કાઈ આપના પ્રશ્નનો ઉત્તર અપાય?” કસ્તુરીનાં શબ્દોમાં કંઈ ન સમજી શકાય તેવી શક્તિ છુપી હતી.

     અમરચંદે તેની સામે મીટ માંડી.

———————————-

(આવતા ભાગ માં વધુ…)

To be continued…

કવિ કાનદાસની એક રચના

Standard

​કવિ કાનદાસની એક રચના

(નીચે સરળ સમજૂતિ આપી છે. )
આગુસે ધસીએ ના, ધસીએ તો ખસીએ ના,

શૂર કે સમીપ જાકે, મારીએ કે મરીએ,

બુદ્ધિ વિના બોલીએ ના, બોલીએ તો ડોલીએ ના,

બોલ ઐસો બોલીએ કે બોલીએ સો કીજીએ,

અજાણ પ્રીત જોડીએ ના, જોડીએ તો તોડીએ ના,

જોડ ઐસી જોડીએ કે જરિયાનમેં જડીએ,

કહે કવિ કાનદાસ, સુનોજી બિહારી વલાલ,

ઓખલે મેં શિર ડાલ, મોસલેસે ડરીએ ના
આગેવાની લેવી નહી અને લેવી તો અધવચ્ચે છોડી ન દેવી. શુરવીર સાથે જવું તો મારીએ કાં મરીએ.

બુદ્ધિથી વિચાર્યા વિના બોલવું નહી. બોલ્યા પછી ફરવું નહી. એટલું જ બોલવું જોઇએ કે જે વર્તન કરી શકાય.

અજાણ્યા સાથે સંબંધ બાંધવો નહી. અને જો સંબંધ સ્થાપિત થાય તો એને નજીવા કારણથી તોડીએ નહી. જો સંબંધ જોડવાનો થાય તો કાપડ પર ભરતકામ કરીએ તેમ ઓતપ્રોત થઈ જવું જોઇએ. 

કવિ કાનદાસ બિહારીલાલને કહે છે કે ખાંડણીઆમાં મસ્તક મુક્યા પછી સાંબેલાના ધા થી ડરાય નહી.

જય શારદા માતંગીની

Standard

​🌹🌹 છંદ = સારસી 🌹🌹

 🌹 જય શારદા માતંગીની 🌹
શાશ્વત સનાતન સત્ય ચર્યો પથ પ્રદીપ કર પાવની.

નિર્મલ નિરંતર નિત્ય નવીના ભદ્ર કર મન ભાવની.

અગ્યાન ભજંન વેદ વિદ્યા શાસ્ત્ર સંમત આરતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 1
ભર ઉચ્ચ ઉરપુર ભાવ ભક્તિ ગ્યાન ગંગા ગાજતી.

વૈરાગ્ય વિભુષીત ત્યાગ સંગીત સપ્ત સ્વરમય સાજતી.

માધુરીય મંડીત મધુર ગુંજન તત્વ મહીમા તારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 2
શુધ્ધ શબ્દ સંહિતા બ્રહ્મ દ્યોતક વહન વિદ્યુત વાસની.

મંગલ બૃહદ અર્થો સભર સંશય હરણ હંસાસની.

સવિતા સુચક સરીતા સદા રીદીયે વસે રસ સારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 3
પ્રગ્ના પ્રદોષો દુષીત જાડયા મલ હરણ મયુરેશ્ર્વરી.

પથ્યો પ્રભાવી દે પ્રતિષ્ઠા પુનીત કર પરમેશ્ર્વરી.

તમસા પ્રમાદો ગંજની ઉદ્ય્મ શિખર પર જારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 4
સર્વદા શ્રેયકર દે સુપથ પથ સકલ શુભ હો મંગલા.

કલ્યાન વિશ્ર્વાભુત વિશ્ર્વો પરમ ધ્યેય પરમો કલા.

શ્રુતીઓ ઉચીત સંકલ્પ સિધ્ધી સત્વ ધુરી સંચારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 5
અક્ષય અખંડીત અજય આભા શુધ્ધ હો શ્ર્વેતાબંરી.

વાણી વિનય બુધ્ધી વિવેકી વિમલ કર વિશ્ર્વમંભરી.

રજુવાત હો રુત કસ સદા અવિચલ પ્રબલ પ્રસરાવતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 6
વિશ્ર્વસ્થ વાણી સાર ગ્રર્ભીત સુત્ર સમ્યક સત્ય હો.

દે પદ્ય ગદ્યો ઓજ પ્રેરીત તવ ચરન મે ગત્ય હો.

કરુણા સ્તુતી ગદગદીત કંઠે વ્યકત ગુણ ગીત ગાવતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 7
સંકેત જનની કરણ સહસા સહજ કર સર્વાગીની.

આતમ વિનંતી સુનો સુભગા વિજય કર વરદાયીની.

સંદેશ વાહક રહુ તુમરો પ્રસન્ન હો સવિતાપતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 8
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

સ્તુતી રચીતાકાર = ચારણ વિજયભા હરદાસભા બાટી…
બાવળી