Daily Archives: July 18, 2017

​”શુકન”

Standard

​”શુકન”
      “ભાભી ! હું પણ પાણી ભરવા આવું છું.” 

     “સાકર બહેન, મારુ માનો તો તમે આજ રેવા દિયો, કાલે આવજો, હું આજે બે બેડ ભરી આવું છું.” નણંદને રોકતા રોકતા ભાભીએ બેડું લીધું.

     “નહીં-નહીં ભાભી, આજ તો હું તમારી સાથે આવીશ.”

     “પાણી શેરડે બાઈ ને સ્વામીરાજના દર્શન કરવા હશે કેમ ?” ભાભીએ ટકોર કરી.

     “તમે તો આવું ને આવું જ બોલો છો !” બોલતા બોલતા સાકરના ગાલ પર શરમના શેરડા પડ્યા.

     કુંતલપુરના નગરશેઠની લાડકવાઇ પુત્રી સાકર તેર વર્ષ પુરા કરી ચૌદમાં વર્ષના આંગણે બેઠી હતી. આ નિર્દોષ કન્યાનું સગપણ ગામમાં ને ગામમાં થયું હતું. બે મહિના પછી તેના લગ્ન થવાના હતા. સાકરનું તેની ભાભી પુરી સાથે તેવું તો દિલ મળી ગયું હતું કે નણંદ ભોજાઈ બંને સગી બહેનો હોય તેમ રહેતી. ભાભી રોજ મશ્કરી માં ગાતી..

          લે ! લે ! મોતી વેરાયલ ચોક માં,

              લે લે નણદલ તી મારી ચરકલી,

              લે લે ઉડી ઉડી પરદેશ જાય રે,

          લે ! લે ! મોતી વેરાયલ ચોક માં..
              લે લે નણદોયતી વાડી માયલો વાંદરો,

              લે લે વાડીનાં વનફળ ખાય રે,

          લે ! લે ! મોતી વેરાયલ ચોક માં..

      નણંદ ભાભીની આ જોડ એટલે આનંદના ઓઘ. નણંદના લગ્નના દિવસો ઢુંકડા આવતા ગયા તેમ તેમ ભાભીએ એની નિર્દોષ મશ્કરીઓમાં ખુબ લ્હાવ લેવો શરુ કર્યો.

     આજે સાકરે રેશમી ફુલસાટીનનો ઘાઘરો અને નગરની નવરંગ ચૂંદડી ઓઢી. પિત્તળની તાંબડીને કળશો લઇ નાનકડી નણંદ પાણી ભરવા ચાલી. ભોજાઈ લાજ કાઢીને ચાલે અને સાકર તેને પડખે દીકરી જેમ માની સાથે ચાલે તેન ચાલી આવે છે. કુંતલપુરની બજારમાં સૌંદર્યની વીજળી ચમકારા મારતી હોય તેમ આ  ભાભી નણંદનું જોડું ચમકારા મારતું નદીકાંઠે પહોંચ્યું.
          તેવતેવડી ટોળે મળે,

               જળ ભરવા જાય…
     સરખે સરખી સખીઓ થી ભાદરનો કાંઠો શોભી રહ્યો, કાંબી-કડલાઓના ખડખડાટ, ચૂડલીઓના ચળકાટ, અને મદ ભરેલી સ્ત્રીઓના વિવિધ કલાના વસ્રોથી કુંતલપુરનો આ જલમાર્ગ અત્યારે રમણીયતા અને રસિકતાથી રંગાઈ રહ્યો હતો. ભાદરનો વિશાળ પટ ન્હાના ન્હાના બાળકોના નદીના નિર્મળ નીરમાં રસખેલન, કાંઠાપર વૃક્ષની ડાળે ડાળે ઝુલતા પંખીઓના કલ્લોલ અને બેડા માંઝતી કુંતલપુરની રસિકાઓની રસવાતોથી સર્વત્ર નવપલ્લવતાનું વાતાવરણ જામ્યું.

     કલ્લોલ કરતી સુંદરીઓ મદભેર બેડલા માથે ચડાવી પાછી વળી, સાકર અને પુરી પણ પાણી ભરી ઘર તરફ ચાલ્યા.

     જેવા ભાભી નણંદ ગામના દરવાજામાં દાખલ થયા ત્યાં એક પારધી હાથમાં તિરકામઠું લઇ સામેથી આવતો દેખાયો. લાજ કાઢીને ચાલતી પુરી એક બાજુ તરી ગઈ, અને પોતાની નણંદનો છેડો પકડી ખેંચે તે પહેલા તો એ પારધી કોઈ સારા શુકનની વાટ જોતો ઉભો હતો તે ઉતાવળે આ શુકન લઇ આગળ વધ્યો અને જતા જતા સાકરના છેડાને તિરકામઠાની અણી લગાડી.

     પારધીને જતા જમણીકોર નસીબદારની દીકરી ઉતરી જોઈ સંતોષ થયો.

―――――――――――――――――――――

     પારધીને પુરી ઓળખી ગઈ, એ કુંતલપુરનો રહેવાસી હતો. તેને છ છોકરા હતા ગરીબ પારધીએ આજે સાકરના શુકન લીધા એનું રહસ્ય ચતુર પુરી તરત સમજી ગઈ, એને ખુબ દુઃખ થયું. રસ્તામાં તો એ કઈ બોલી નહીં પણ ફળિયામાં આવી તેણે પોતાનું પાણીનું બેડું ઢોળી નાખ્યું અને તે સાકર તરફ ફરી.

     “બાઈ ! તમારી તાંબડીને કળશ્યો ઠલવી નાખો !”

     “કેમ ?”

     “તમે ઠલવી નાખો અને મેડી ઉપર જાઓ હું આવું છું.” માતાના સત્તાદર્શક અવાજે ભાભીએ નણંદને આજ્ઞા કરી.

     સાકર વિલે મોઢે પાણી ઠલવી સીધી મેડી ઉપર ચાલી ગઈ પછવાડે તુરત પુરી આવી.

     “બાઈ ! આજતો આપણો દિ બગડ્યો.”

     “પણ થયું શું ?”

     “કપાળ મ્હારુ ને તમારું બેય નું !”

     “ભાભી એમ બોલોમાં – શું થયું એ સમજાવો.” સાકરનો ચેહરો ફિક્કો પડી ગયો.

     ભાદર દરવાજે મેં તમારો છેડો પકડીને ખેંચ્યો તોય તમે સમજ્યા નહીં ! ઓલ્યા પારધીએ આજ તમારા શુકન લીધા. આજે એ જેટલા જાનવર મારશે તેની હિંસા તમારે માથે ; અરરર ભગવાન હવે શું કરવું.” પુરીએ આકાશ તરફ જોયું.

     જૈન કુટુંબની આ ભાભી અને નણંદ બંને અત્યારે અતિશય દુઃખી થઇ. સાકર પણ આ શુકને પરિણામે પોતે પાપી બનશે અને એ પારધીની જીવહિંસાનો દોષ પોતાને શિરે આવી પડશે એ વિચારે રડી પડી.

     ભાભીએ નણંદને ધીરજ આપી. થોડીવારે સાકરે પોતાની હિમ્મત ભેગી કરી ભાભી સામે જોયું.

     “ભાભી ! મારુ કહ્યું માનશો ? એક વચન આપશો ?”

     “કેમ ?”

     “પહેલા વચન આપો તો કહું.”

     “લ્યો મારુ વચન.”

     “ત્યારે તમે બા ને, બાપાને કે મારા ભાઈને આ વાત કહેશોમાં. હું આજના પાપ માટે અપવાસ કરી પ્રાણત્યાગ કરવા માંગુ છું. હિંસાનું પ્રાયશ્ચિત અપવાસ સિવાય બીજું મારે માટે એકેય નથી.”

     “અપવાસ કરીને પ્રાણત્યાગ કરવો એતો મૂર્ખાઈ છે.”

     “બસ તમારે કઈ પણ ન બોલવું. તમે મને વચન આપ્યું છે કે તમારે આ વાત કોઈને ના કહેવી. મારા નસીબમાં એમ જ લખ્યું હશે માટે મારે હવે અન્નપાણી હરામ છે.”

     ભાભી નણંદની આ પ્રતિજ્ઞાથી ગભરાણી, એણે પ્રભુને પ્રાર્થના કરી..

              આશા સૌની સરખી,

                      કો’ની ન થાઓ ભંગ :

             પારધી પાછો ન વળે,

                     પણ હરણાં બાણ ન લગંત ;

     “હે ભગવાન ! એ પારધીની આશા તું પુરી કરજે પણ એક પણ હરણાંને એનું બાણ ન વાગે એવું કરજે.” ભગવાન મહાવીરનું ધ્યાન ધરી ભાભીએ પણ આજ નણંદ સાથે અપવાસ આદર્યો. નણંદે નિશ્ચય કર્યો કે હિંસાના બદલામાં અપવાસ કરી પોતે પોતાની કુરબાની કરી એ કલંક મટાડવું.

―――――――――――――――――――――

     છ છોકરાનો બાપ એ પારધી બે દિવસ થી કુટુંબ સહીત ભૂખ્યો હતો. ઘરમાં અન્ન ને દાંતને વેર હતું, અને બે દિવસથી શિકાર ખસી જતો એ લીધે છોકરા ભૂખે ટળવળતાં હતાં. આજે તો પારધીએ ઉઠીને નિશ્ચય કર્યો હતો કે સારું શુકન જોઈને જવું. કારણકે જો આજ શિકાર ના મળે તો છોકરા ભૂખે મરી જાય એમ હતું. સવારમાં ઉઠતા જ શિકારી એ પ્રભુને યાદ કર્યા. 

              કોઈને ખેતર વાડી,

                     કોઈને ગામ ગરાસ :

              આકાશી રોજી ઉતરે,

                     જેનો શેઠ દેવીદાસ ;

     “હે પ્રભુ ! કોઈને ખેતર, વાડી, ગામ, ગરાસ હોય છે, મ્હારે તો તું કૃપા કરે તો રોજે પેદા થાય.” એ પ્રાર્થના કરી તે પોતાની સ્ત્રીને મળી હાથમાં તિરકામઠું લઇ ઘર બહાર ઉભો રહ્યો. તેનું ઘર ભાદર દરવાજે હતું. જેવો તે બહાર નીકળ્યો કે તુરત સામેથી સાકરને તેની ભાભી સાથે પાણી ભરી આવતી દીઠી. પોતે હર્ષમાં આવી તેની સામે ચાલ્યો અને તેના શુકન લીધા.

     આજના શુકને તે જંગલમાં ગયો. બે દિવસથી ભૂખ્યો ડાંસ જેવો હતો. તેની સઘળી હિમ્મત પેલા શુકન ઉપર હતી. હંમેશા તે હંસનો શિકાર કરતો. બે દિવસથી હંસલા દેખાતા નહોતા.

     શિકારની આશામાં ને આશામાં તે આગળ વધ્યો. નદીને કાંઠે તેણે એક રોઝને પાણી પીતું દીઠું. શિકાર હાથ આવ્યો છે એમ ધારી વખત ન ખોતા તેણે તીર સાધ્યું. રોજ તે ઝીણા જીવ મારતો હતો આજે મોટો જીવ હાથ આવ્યો છે એ જોઈ તેનો ઉત્સાહ વધ્યો.

     કણબી જેમ ઢીલો કૉસ થાળે નાખી દેય એટલું શરીર વાળી તેણે નિશાન માંડી તિર ફેંક્યું પણ મારનારથી રાખનાર મોટો એટલે નિશાન ચૂકાયું અને નદીના કાંઠાના એક ઉજ્જડ ટીંબામાં તિર ખૂંચી ગયું.

     રોઝ તો ભાગી છૂટ્યું. પારધી નિરાશ થયો. આજના શુકનને પણ તેણે અફળ માન્યું. નિરાશામાં પગલાં ભરતો, ભૂખે લથડતો, તે ટીંબા પાસે આવ્યો અને ટીંબામાં ખૂંચી ગયેલ તિર ખેંચ્યું. તિર તો તેમાં સજ્જડ થઇ ગયું હતું. એટલે તેણે પાસેના છરા વતી માટી દૂર કરી એટલામાં તો તેની કોણીએ એક દેગડાનું કડુ અડ્યું. તેણે બારીકાઈથી જોયું તો એ કાટ ખાઈ ગયેલ કડુ દેખાયું. છરાથી વિશેષ ધૂળ દૂર કરી તો તેને તેમાં એક દેગડું દેખાયુ. તેણે આવેશમાં ને આવેશમાં એ દેગડા પરથી માટી ખસેડી તો અંદર કોરીના સિક્કાઓ ચમકતા દેખાયા. એક પળમાં પારધી આનંદમાં આવી ગયો, તેને સાકરના શુકન સાકર જેવા લાગ્યા.

     તેનો પ્રભુ આજે પાધરો હતો. એટલે તેમાંથી તેણે થોડી કોરી લઇ બાકીની ઉપર પાછી માટી ફેરવી દીધી.

     ઘેર જઈ પોતાની સ્ત્રીને તેણે આ વાતથી વાકેફ કરી. બજારમાંથી તે દાણા લાવ્યો, બધાય નિરાંતથી જમ્યા. રાત્રી પડતા તે બંને સ્ત્રી પુરુષ પેલા દેગડાવાળી જગ્યાએ ગયા. સવારના સૂરજ સર થાય તે પહેલા ફાંટે ફાંટે સઘળી કોરીઓ ઘરભેગી કરી દીધી. 

―――――――――――――――――――――

     સાકર અને પુરીએ તો આખો દિવસ અન્ન-પાણી વિના ગાળ્યો. આ નણંદ ભોજાઈના અપવાસની ઘરમાં કોઈને ખબર પડી નહીં. ભાભી આખો દિવસ ચિંતાતુર રહી, આશાની પૂતળી સરીખી હોંસીલી નણંદ અન્ન પાણી વિના પ્રાણત્યાગ કરે તો પોતે જીવીને શું કરવું ? દિવસ અને રાત બંને નણંદ ભોજાઈએ પ્રભુ પ્રાર્થનામાં ગાળી. એ પારધીએ પોતાના શુકનથી કેટલા હરણાંઓને માર્યા હશે – કેટલા નિર્દોષ હંસલાઓના પ્રાણ લીધા હશે એ વિચારે ખીલેલી ફુલકળી સમી સાકર એક દિવસમાં તો કરમાઈ ગઈ. સવારે ઉઠીને સાકરના માતાને પોતાની વહુ દીકરીના ચેહરા જોઈ ચિંતા પેઠી. રોજ આનંદમાં ડોલતી આજે સાકર આમ કેમ લાગે છે તેની તપાસ કરી. જવાબમાં ભાભી નણંદે “જરા ઠીક નથી” એમ કહી ટૂંકમાં પતાવ્યું. 

     બીજા દિવસનું સવાર થયું એટલે પેલા પારધીને વિચાર આવ્યો કે પૈસા તો હવે સાત પેઢી સુધી ખૂટે નહીં એટલા મળ્યા, પણ એ મળ્યા નગરશેઠની દીકરીના શુકનથી એ શુકનમાં એટલું બધું ફળ આવ્યું એનું કારણ કે નગરશેઠ જૈન છે, જીવહિંસા કરતા નથી એટલે એની છોકરીના શુકનમાં પણ આટલું બળ ! પારધીને આ સર્વ વિચારોથી આત્મભાન થયું તે પોકારી ઉઠ્યો, 

               આ ભવ એળે જાય,

                      ઓલ્યે અવાય નહીં :

               ભવ બેયે ભુલ્યો,

                       ફોકટનો ફેરો થયો ;

     જો આજથી હું આ તિરકામઠું ફેંકી ના દઉં તો મારા બધાય ભવ નકામાં જશે. હિંસા કરી કરીને થાક્યો તોય બે પાંદડે ન થયો, અને એ અહિંસાવાદીના એક શુકન માત્રથી આટલું કલ્યાણ થયું, તો આપણે હવે હિંસા હરામ છે. હવે તો ખાવું પીવુને પ્રભુનું નામ યાદ કરવું. તેણે આ વિચાર પોતાની સ્ત્રીને જણાવ્યો. તે પણ કાબુલ થઇ.

     બીજી પળે પારધીને સાકર યાદ આવી એની ઈચ્છા થઇ કે એ કુમારીકાને પોતાની બહેન ગણવી અને રોજ એના દર્શન કરવા. આ વિચારે તે સો કોરી લઇ તેને બહેન કરી કાપડું આપવા ચાલ્યો. 

     સૂરજ થોડો ઉપર ચડ્યો છે. સાકર મેડીની બારીએ બેઠી બેઠી પ્રભુની પાર્થના કરી રહી છે, એટલામાં તો સારા નવા કપડાં પહેરી હાથમાં તિરકામઠું લઇ તેણે પેલા પારધીને આવતો દીઠો. સાકર તુરત ભાભીને બારી આગળ તેડી આવી.

     “ભાભી ! ભાભી ! જુઓ, મુઓ એ ગઈ કાલે ખુબ શિકાર કરી આવ્યો છે તે આજ નવા કપડાં પહેરી નીકળ્યો છે. અરરર ! એણે મારા શુકને કેટલી બધી હિંસા કરી હશે ?” આમ કહેતા સાકરે માથું કૂટયું. 

     એટલામાં તો એ પારધી સાકરની બારી નીચે આવી ઉભો.

     “બાઈ !હાલો હાલો નીચે એને સમજાવીયે. નકર એ સૌને કહેશે કે તમારા શુકને એને સારો શિકાર મળ્યો અને આખા ગામમાં આપણો ફજેતો થશે.”

     પુરી નણંદને સાથે લઇ તુરત નીચે ઉતરી પડી, તેઓએ મેડીના પછવાડેના બારણે રસ્તાપર ઉભેલા પારધીને ઇશારતથી બોલાવ્યો, પારધી આવતા પુરી બોલી ઉઠી –

     “ભાઈ લે આ પચીસ કોરી પાઘડીની-તને કાળ અમારા શુકન થયા છે એ વાત કોઈને કહીશમાં. અમારા પાપનું પ્રાયશ્ચિત અમે કરી લેશું.”

     પારધી આ સાંભળી હસ્યો.

     “બેન કાલ તમારા શુકનથી તો હું ન્યાલ થઇ ગયો અને…”

     “બસ-બસ કૃપા કરી તું આ કોરી લે અને શુકનની વાત ભૂલી જા. તે કરેલી હિંસાના બદલામાં અમારે પ્રાણ આપવા પડશે.”

     “પણ મેં હિંસા નથી કરી, હું ખોટીયું વાતું નથી કરતો. સૂરજની શાખે ને રામના નામે તમને હું ખાતરી આપું છું કે મેં કાલે એકેય જીવ નથી માર્યો.” આમ કહેતો પારધી પુરીને અને સાકરને ખાતરી આપવા લાગ્યો.

     તેણે ગઈ કાલના શિકારની વાત આ નણંદ-ભોજાઈને ટૂંકમાં કહી સંભળાવી, અને છેલ્લે કહ્યું કે “લ્યો આ સો કોરી ! હું સકરબેનને કાપડાંની આપવા આવ્યો છું.”

     સાકરતો પ્રભુની આ કૃપાથી પછી જીવતી થઇ ગઈ. તેનું ફિક્કું વદન એકાએક ખીલ્યું. પ્રભુએ હિંસાના કલંકથી ઉગારી એ માટે તેણે એજ વખતે પ્રભુની પ્રાર્થના કરી.

     “ભાઈ એ સો કોરી હું તને પાછી આપું છું.”

     “નહીં-નહીં, તમારે એ લેવી જ પડશે, આજથી હું તમારી સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે એક પણ જીવની હિંસા નહીં કરું.” આમ કહેતા એ પારધીએ તીરકામઠાના કકડા કરી તેમના દેખતા ફેંકી દીધા. 

     ભાભી નણંદે તુરત અપવાસ છોડ્યો અને પ્રભુને પોતાની લાજ રાખવા માટે પાડ માન્યો.