Daily Archives: July 24, 2017

​”મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી”

                      (૨)

     આજે કસ્તુરી મેડી માં એકલી બેઠી છે. કેવી આશા, કેવા ઉલ્લાસ અને કેવા ભાવથી એ પરણીને સાસરે આવી હતી. તેના વિચારો તેના દિલમાં ઘોળાયા કરતા હતા. બીજી બાજુ તેનું વિકસિત સ્ત્રીત્વ ઝબકારા મારતું હતું. “પુરુષો એમ જ માને છે કે જગતમાં સ્ત્રીને કાંઈ સ્થાન નથી. પુરુષોને મન સ્ત્રી એટલે ગુલામડી, સ્ત્રી એટલે ખરીદેલું કાયદેસરનું વિલાસનું સાધન, સ્ત્રી એટલે પોતાની વૃત્તિઓ પોષવાનું એક જીવતું રમકડું-” એ વિચારોની પરંપરામાં તે ઘડીમાં હસતી ઘડીમાં દિલગીર થતી કોઈની રાહ જોતી બેઠી હતી. એવામાં ડેલીમાં કોઈનો પગરવ સંભળાયો.

     “કોણ છે એ?”કસ્તુરી મેડીએથી નીચે ઉતરી.

     “એતો હું કકલભાઈ.”

     “પધારો બાપા પધારો.”

     “કેમ શેઠાણી, આજે મને બોલાવ્યો?” વૃદ્ધ વણિકે ફળિયામાં ઢાળેલ ખાટલા પર બેઠક લીધી. 

     “કકલબાપા ! તમને તો ખબર હશે કે શેઠને પરણ્યા પછી તુરત ઓચિંતું પરદેશ જવું પડ્યું.”

     “હા, શેઠ તો ગાંડા છે, એને અહીં શું કમી છે કે એમ પરદેશ વેઠવાનું મન થયું?”

     “જુવાનીમાં કમાવું અને ઘડપણમાં ખાવું એવા તમારા શેઠના વિચાર મને ગમ્યા છે.”

     “એતો ધણીને ગમે તે ઢાંકણીમાં. પણ મને પૂછતાં હો તો હુંતો નારાજ થયો છું.”

     “બાપા, એ થયું તે થયું. પ્રભુ સહુ સારા વાનાં કરશે. પણ હું માનુ છું કે એમની ગેરહાજરીમાં દુકાનો આમ બંધ રહે એ ઇચ્છવાજોગ નથી.” કસ્તુરીએ ઝીણી નજરે વૃદ્ધ મુનીમ તરફ જોયું.

     “એમાં બીજું શું થાય? શેઠ વિના કંઈ વેપાર ચાલે?”

     “હા ચાલે, હું કહું એમ થાય તો.”

     “કેવી રીતે?”

     “તમે જો પાછા મુનિમપણું લ્યો તો આપણી બધી દુકાનો ચાલુ થાય અને શેઠ પણ પાછા આવે ત્યારે રાજી થાય.”

     “હું તો હવે એ જંજાળથી નિવૃત થયો છું. શેઠને ત્યાં ચાલીસ વર્ષ મુનિમપણું કર્યું, હવે તો પ્રભુનું નામ લેવા દિયો તો ઠીક, હું તો હવે દ્વારકા જઈને રહેવા મંગુ છું.”

                 ધન ધન ગામ દુવારકા,

                           બેટ જ શંખોદ્ધાર :

                 હીરા મોતી નીપજે,

                           રમે રાસ મુરાર ;

                 નાઈયે ગંગા ગોમતી,

                           નીરખી રણછોડરાય :

                 વસે બેટ ને દુવારકા,

                            અડસઠ તીરથ થાય ;

     (મારે તો હવે છેલ્લા દિવસો પ્રભુ સ્મરણમાં ગાળવા છે.)

     “તમે ખુશીથી દ્વારકા જજો પણ શેઠ આવ્યા પહેલા એટલું તો તમારે કરવું જ પડશે. શેઠના ઘરના તમે જુના માણસ, તમારે શેઠની ગેરહાજરીમાં એમનું નામ દીપાવવું જોઈએ કે નહીં?” કસ્તુરીએ મુનિમને પલાળવા પ્રયત્ન કર્યો. 

     “શેઠ તો બધું બંધ કરી ગયા છે.”

     “ના, મને તો કહેતા ગયા છે કે જો કકલમુનિમ માને તો પાછી દુકાન ચલાવજો.”

     “બાઈ એ ઉપાધિ રેવા દિયો ને? શા માટે તમારે એ કરવું પડે છે?”

     “મારે મન પતિની આજ્ઞા એ પરમેશ્વરની આજ્ઞા, એટલે એમનો હુકમ તો મારે ઉઠાવવો રહ્યો, તમારાથી પણ એ હુકમનો અનાદર ના કરાય !”

     યુવાન શેઠાણીની બોલવાની ઢબછબ, તેના વચનોમાં રહેલું બળ, અને તેનો ઉત્સાહ જોઈ આ વૃદ્ધ મુનિમપણું આશ્ચર્ય પામ્યો. તે તેના તેજમાં અંજાયો એટલે વધુ કાંઈ બોલી શક્યો નહીં.

     “કેમ મુનિમ શું વિચારમાં છો? અત્યારે ને અત્યારે તમે મુંજાતા હો તો બે દિવસ પછી વાત – પણ કાલ મને જરૂર મળજો.”

     મુનિમ વિચારમાં ને વિચારમાં શેઠાણીની રજા લઇને ઉઠ્યો.

     પરણ્યાની પહેલી મુલાકાતે કસ્તુરીનો મોભ વિના આડી રહી શકે એ જવાબ અમરચંદને ખૂબ ખૂંચ્યો. તેનું પોતાનું પુરુષપણાંનું અભિમાન જાગૃત થયું. તેણે પંદર દિવસમાં પોતાનો બધો ધંધો સમેટી લીધો. ઘરમાનું સર્વ રાચરચીલું વિગેરે સર્વના પટારા ભરી તેના પર તાળા મારી દીધા, અને તાળાં પર લાખ લગાવી દીધી. ઘરમાં એક ફૂટી બદામ પણ રહેવા ન દીધી. કસ્તુરીનો બધો દાગીનો તથા રોકડ નાણું સર્વની પેટીઓ ભરી પટારામાં મૂકી માત્ર ઘરમાં મહિનો દિવસ ચાલે તેટલું અનાજ મુક્યું. એક દિવસ તેણે કસ્તુરીને ફરી પ્રશ્ન કર્યો,

     “હજુ તે તારો વિચાર કાયમ રાખ્યો છે?”

     “શેનો?”

     “મોભ વિના આડી રહી શકે?”

     “કેમ વખતોવખત એ પૂછવું પડે છે? મેં કહ્યું એ સાવ સાચું છે.”

     “તો હું હવે આ બધું બંધ કરી કરી પરદેશ જાઉં છું, આ પટારાના તારે બિલકુલ તાળાં ખોલવા નહીં, મેં જેટલો વ્યાપાર ખેડયો છે તેથી પાંચગણો વ્યાપાર, મારી આબરૂથી બમણી આબરૂ, અને મારા પેટનું એક સંતાન એટલું જો તું પાંચ વર્ષમાં કરી બતાવીશ તો હું માનીશ કે મોભ વિના આડી રહી શકે છે.” અભિમાનથી છલોછલ ભરાયેલા અમરચંદે સ્ત્રીને સાવચેત કરી. 

     એક પળમાં ‘મોભથી આડી કે આડી થી મોભ’ એ પ્રશ્નનો હેતુ ચતુર કસ્તુરી સમજી ગઈ. તેને પોતાના પતિની આ હુજ્જત ગમી નહીં, તેને એક પળમાં મનમાં વિચાર આવ્યો કે મોભને આધારે આડી છે એમ કહી દેવું. પણ બીજી પળે તેનામાં સ્ત્રીશક્તિએ જોર માર્યું. પુરુષોના આ અભિમાન કોઈ પણ રીતે ગાળવા જોઈએ એ વિચાર તેનામાં દ્રઢ થયો.

     “આપ આ બધું શા માટે કરો છો?”

     “ત્યારે કહી દે કે મોભને આધારે આડી છે.”

     “મોભ એટલે પુરુષ અને આડી એટલે સ્ત્રી, એમ જો આપ માનતા હો તો હું ફરીથી કહું છું કે આડીને આધારેય મોભ રહે છે.” કસ્તુરીએ દ્રઢતા બતાવી.

     “બસ-વધારે વાતની જરૂર નથી. તારે મેં ઉપર કહ્યું એમ કરી બતાવી એ વાક્ય સાચું પાડવું પડશે.”

     બીજે દિવસે શેઠે પોતાની સાથે પૂરતા નાણાં લઇ ઘર છોડ્યું.

     આખા ગામમાં અમરચંદ શેઠ ગુજરાત તરફ વ્યાપાર કરવા ગયા છે એવી વાત પ્રસરી તેથી કસ્તુરી શરૂઆતમાં સહેજ ગભરાણી, મહિના દિવસ પછી ઘરમાં ખાવાના દાણા પણ ખૂટશે ત્યારે શું થશે?

     પતિએ ખરેખરા સકંજામાં લીધી છે એમ વિચારતી તે પોતાના ઘરના વાડાની બારીએ બેઠી. એવામાં તેની નજર વાડામાં પડેલા કાળમીંઢ પથરાઓ તરફ પડી. તેણે આખો દિવસ એ પથરાઓ ઘરમાંના એક ખાલી પટારામાં ભર્યા, એમ ત્રણ દિવસ સુધી મહેનત કરી, પટારો પથરાઓથી ભરી દીધો. પટારાને ખંભાતી તાળાં દઈ ઉપર લાખ લગાવી. 

     પરણીને આવ્યા પછી તેણે અમરચંદ પાસે આવતા કકલમુનિમને જોયો હતો એટલે એની નજરમાં એ આવ્યો. મુનિમને પોતાની શેરીના એક છોકરા સાથે કહેવડાવ્યું એટલે મુનિમ તેને આવી મળ્યો.
———————————-

વધુ આવતા ભાગમાં…

To be continued…