Daily Archives: July 25, 2017

“મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી”

                                      (૩)

     “જુઓ કકલબાપા ! તમારા શેઠ આ પટારામાં ખુબ જોખમ મૂકી ગયા છે. આપણાં ગામના નગરશેઠ દીપચંદભાઈને જઈને કહો કે મહેરબાની કરી એ પટારો સાચવે. હું બાઇમાણસ રહી એટલે ઘરમાં એ જોખમ રાખવું સારું ઠીક નહીં.”

     મુનિમને શેઠાણીની આ વાત ગમી. તે પોતે નગરશેઠ દીપચંદને જઈ મળ્યો અને તેને એ પટારો સાચવવા સમજાવ્યો. અમરચંદ શેઠના કુટુંબ સાથે દીપચંદને અસલથી સારાસારી હતી તેથી તે પણ કબુલ થયો.

     તુરત કકલમુનિમ એક ગાડું જોડાવી લાવ્યો પણ પટારાનો ભાર ગજબ હતો. અંદર નક્કર માલ ભરેલો એટલે એ પટારો તો ત્યાંથી ચસે તેમ નહોતો. આખરે બળદની ચોસર બોલાવી અને ચાર બળદના જોરે એ પટારો ગાડાંમાં દીપચંદને ઘેર પહોંચાડ્યો, દીપચંદ પણ પટારાનું વજન જોઈ આભો બની ગયો. અમરચંદનું ઘર અસલથી શ્રીમંત ગણાતું – અને આજેતો એની શ્રીમંતાઈએ અવધિ કરી.

     “બોલો શેઠાણી હવે શો હુકમ છે?” કકલમુનિમ પટારો દીપચંદ શેઠને ત્યાં સહીસલામત મુકાવી પાછો કસ્તુરી પાસે આવ્યો.

     “હુકમ તો બસ તમે શેઠને નામે દુકાન ચાલતી કરો. શેઠ આવ્યા પછી દ્વારકા જરૂર જજો.”

     “બાઈ પણ મૂડી વિના દુકાન ક્યાંથી ચાલુ કરાય?”

     “અરરર- એ તો હું ભૂલી જ ગઈ, શેઠે આ પટારો બંધ કર્યો ત્યારે એ વાતનું તો મને કઈ સ્મરણ જ ના રહ્યું. હવે એ પટારો શેઠની રજા વિના મારાથી ઉઘાડાય નહીં-ફિકર નહીં, દીપચંદ શેઠને કહો કે આપણો એ કિંમતી પટારો  એમને ત્યાં અમાનત છે એના ઉપર આપણને જોઈતી મૂડી આપે.”

     મુનિમ શેઠાણીની વ્યવહારુ બુદ્ધિથી તાજુબ થયો. અમરચંદે આગલા ભવમાં સારા પુણ્ય કર્યા હશે એટલે આવી ચતુર સ્ત્રી મળી એમ આ વૃદ્ધ વણિકને લાગ્યું. 

     શેઠાણીના કહ્યા મુજબ તે દીપચંદને ત્યાં ગયો, સઘળી હકીકત તેને કહી. દીપચંદે કંઈપણ આનાકાની કર્યા વિના જેટલી જોઈએ તેટલી મૂડી આપવા કબૂલ્યું. 

     અમરચંદને નામે દુકાનો પછી શરુ થઇ. મહિના દિવસમાં ખાવાનો દાણો કસ્તુરીનો ખૂટ્યો તેટલામાં તો દુકાનનો વકરો આવવો શરુ થયો.

     થોડા મહિના પછી રાજાના કુંવરનો લગ્નપ્રસંગ આવ્યો. આ લગ્નપ્રસંગે મોદીખાનું નક્કી કરવા માટે સઘળા વ્યાપારીઓને બોલાવ્યા, હિંગ મરચાથી માંડી રેશમી કપડાં સુધીનો સઘળો સમાન પૂરો પાડવાનો એમાં કરાર હતો. લગભગ પાંચથી દસ લાખનો એ સોદો હતો. સઘળા વણિક વ્યાપારીઓ ગભરાયા રાજા છે ને વખતે નાણાં ન આપે તો પાઘડી ફેરવવી પડશે. એક નન્નો છત્રીસ રોગ હરે એમ ધારી ગામના બધા વ્યાપારીઓએ અંદર અંદર સંતલસ કરી મોદીખાનું લેવાની અશક્તિ જાહેર કરી. તેઓએ જણાવ્યું કે કોઈની વખારમાં આજે માલ નથી એટલે આટલો બધો લાખો રૂપિયાનો માલ પૂરો ક્યાંથી કરી શકાય? રાજા આ વ્યાપારીઓની વાતથી ગુસ્સે થયો. કસ્તુરીનાં સાંભળવામાં આ વાત આવી. તેણે પોતાના મુનિમને રાજા પાસે મોકલ્યો અને કહેવરાવ્યું કે શેઠ ઘરે નથી પણ શેઠાણીની હિમ્મત છે કે તે રાજયનું લગ્નપ્રસંગનું મોદીખાનું પૂરું પાડશે. બીજા વ્યાપારીઓએ ઘસીને નાં પાડેલી હોવાથી રાજા આ માંગણીથી ખુશી થયો, અને મોદીખાનું આપવા તૈયાર થયો. કરારનામું કરતી વખતે મુનિમે રાજાને વિનંતી કરી.

     “દરબાર સાહેબ ! મારા બાઈએ કરારનામામાં સહી કરતા પહેલા બે માંગણી આપ સમક્ષ રજુ કરવાની મને સૂચના કરી છે.”

     “બોલો.”

     “એક તો એક જ્યાં સુધી મોદીખાનું અમારું હોય ત્યાં સુધી બહારથી આયાત થતો માલ અમારા સિવાય કોઉ ખરીદી શકે નહીં.”

     “કબૂલ-બીજું?” રાજાએ આ મુનિમની શરતની નોંધ લીધી.

     “બીજું ગામમાં માલ સંઘરવા માટે ગમે તે વેપારીની વખાર કામચલાઉ અમને મળવી જોઈએ.”

     “એ પણ કબૂલ.”

     રાજાએ બંને શરતો કરારનામામાં લખી. અને લગ્ન પછી બીજે દિવસે નાણાં ભરી આપવાનું નક્કી થયું. સહી સિક્કા થયા. આખા ગામમાં આ વાત પવનવેગે પ્રસરી ગઈ કે અમરચંદની સ્ત્રીએ રાજા સાથે મોદીખાનાનો કરાર કર્યો છે.

     વ્યાપારીઓ બધા અદેખાઈથી હસ્યા, અને અંદર અંદર વાતો કરવા લાગ્યા કે હવે અમરચંદનું નામ અને નાણું આ બાઈ જરૂર ગુમાવશે.

     બીજે દિવસે નગરમાં બહારથી જે માલ આવ્યો તેના ગાડાં બજારમાં ઉભા રહ્યા પણ કોઈપણ વેપારીથી તે માલ શકાય તેમ નહોતો. સાંજ સુધી બધા ગાડાં ઉભા રહ્યા પણ ખરીદનાર જ ન મળે. રાજ્યનો હુકમ વેપારીઓ પર થયેલો હતો તેથી તેમનાથી તો કઈ ખરીદી શકાય તેમ નહોતું. લીલવડમાં ચોરાસી ગામનું બજાર હતું એટલે માલનો તો રોજ ભરાવો થવા લાગ્યો. માલ વેચનારા આઠ દિવસ સુધી રાહ જોઈ ગભરાયા. તેઓ સઘળા કકલમુનિમ પાસે આવ્યા અને પોતાનો માલ રાખવા તેને વિનવ્યો. કકલભાઈ તેઓને કસ્તુરી પાસે તેડી લાવ્યો. વેચનારા કંટાળ્યા હતા એટલે પચાસ ટકા ઓછા ભાવે અને ત્રણ મહિનાની નાણાંની મુદતે સઘળો માલ તેઓએ શેઠાણીને આપ્યો. આમ માલ તો અમરચંદશેઠની દુકાને વિના માંગ્યો અરધે ભાવે આવીને એકઠો થવા લાગ્યો.

     હવે કસ્તુરીએ કકલભાઈને બોલાવી ગામના મોટા વેપારીઓની વખારોનો કબ્જો લેવાનું સૂચવ્યું. કકલભાઈ રાજ્યના અમલદારોને સાથે લઇ દરેકની દુકાને ગયો અને વખાર ખાલી કરવાનું કહ્યું. 

     વેપારીઓના મનમાં તો લુચ્ચાઈ હતી. તેઓએતો પૈસા નહીં મળે એ વિચારે જ રાજા સાથે કરાર નહોતો કર્યો. બાકી તેઓની વખારમાં તો માલ પુષ્કળ હતો. કકલભાઈયે જયારે વખાર ખાલી કરવાનું કહ્યું ત્યારે તેઓ ગભરાયા. જો એમ કહે કે વખારમાં માલ છે તો રાજાને છેતર્યો ગણાય, અને માલ નથી એમ કહે તો પોતે માલ ક્યાં નાખે?

     વ્યાપારીએ એક પછી એક કકલભાઈને ખાનગીમાં બોલાવી પોતા પાસેનો માલ વગર નફે પડતર ભાવે લખી આપ્યો અને નાણાં ચાર મહિને આપવાની કબૂલાત થઇ. વ્યાપારીઓ તો બધી રીતે સપડાયા હતા, એટલે ન છૂટકે તેઓએ પોતાનો માલ મૂળ ભાવે આપ્યો. 

     લગ્નપ્રસંગ આવ્યો, અમરચંદના મોદીખાનેથી સર્વ વસ્તુઓ મળી. પરિણામમાં રાજાને ખુબ સંતોષ થયો. સઘળા નાણાં રાજાએ ચૂકવી આપ્યા. આ સોદામાં કસ્તુરીને લખો રૂપિયાનો ફાયદો થયો, કારણકે માલ અડધી અને પડતર કિંમતે બધો મળ્યો અને નાણાં પુરા ભાવના મળ્યા.

     લગ્નમાં દરબાર ભરાયો તેમાં ગામના વ્યાપારીઓએ કુંવરસાહેબને વધાવો કર્યો, વધુમાં વધુ નગરશેઠના પાંચસો રૂપિયા વધાવામાં હતા. કકલભાઈ મુનિમે પોતાની શેઠાણી તરફથી એક લાખ રૂપિયા વધાવામાં નોંધાવ્યા. રાજા તાજુબ થઇ ગયો, બધા વ્યાપારીઓએ દાંતમાં આંગળા ઘાલ્યા.

     રાજાએ રાણીને મળી કસ્તુરીનાં વધાવાની વાત કરી. રાજ્યનું મોદીખાનું જયારે બધાએ રાખવાની ના પાડી ત્યારે પોતે રાખ્યું, કુંવરને એક લાખ રૂપિયાનું વધાવું કર્યું. હવે તેની કદર રાજ્યે જરૂર કરવી જોઈએ, રાજાએ કકલભાઈ મારફત કસ્તુરીને રાજ્યમહેલમાં પાલખીમાં બેસાડીને બોલાવી, અને રાજકુમાર ની ફઈ તરીકે તેમનું સન્માન કરી વંશપરંપરા બે ગામ બક્ષીશ આપ્યા. 

     આખી પ્રજામાં આ ઇનામી ગામ આપ્યાની વાત ઝડપથી પ્રસરી ગઈ. બીજે દિવસે કસ્તુરીનાં વખાણ સર્વત્ર થવા લાગ્યા. કુંવરની ફઈ થઇ એટલે રાજ્યમાં પણ એનું માન વધ્યું.

     કસ્તુરીને હવે જે ઈચ્છા હતી તે પૈસો અને માન-મરતબો બરાબર રીતે પ્રાપ્ત થયા. કકલભાઈ મુનિમને તેણે મોટું ઇનામ આપ્યું.

     “કકલબાપા, શેઠની ગેરહાજરીમાં તમે ઠીક કામ કર્યું હો !”

     “એ બધા આપણી બુદ્ધિના પ્રતાપ છે, આજે શેઠનું નામ તમે સવાયું કર્યું છે.”

     “બાપા, હવે ! હું જરા છ-આઠ મહિના ગોકુળ-મથુરા રહેવા માંગુ છું તમે બધું અહીં સંભાળજો.”

     “એકલા જશો?”

     “સાથે એક બે માણસ લઇ જઈશ.”
———————————-

વધુ આવતા ભાગમાં…

To be continued…