“મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી”

                      (૪)

     “એલા ! આવું સ્વાદિષ્ટ દૂધ આજે ક્યાંથી લાવ્યો?”

     “સાહેબ ! હમણાં ખંભાતની બજારમાં એક ગોવાલણ આવી છે તે આ દૂધ વેચે છે.”

     “કેટલા પૈસા આપ્યા?”

     “આ તો એણે નમૂનો મફત આપ્યો છે.”

     “એટલે?”

     “આજે બજારમાં જતા એ ગોવાલણને દૂધ વેચતી જોઈ. તેના ઓટલા આગળ ઘરકોની ભીડ જામી હતી એટલે હું પણ ગયો. મેં દૂધનો ભાવ પૂછ્યો એટલે એણે શેરના રૂપિયા અઢી કહ્યા. મને આ ભાવ જોઈ હસવું આવ્યું અને મારાથી ‘રૂપિયા અઢી?’ એમ બોલાઈ ગયું. તો એ લટકાળી ગોવાલણ મને કહે કે ‘તું અને તારો શેઠ કઢી ખાઓ કઢી; દૂધ પીધા તમે’એમ કહી મને એણે આ નમૂનો આપ્યો છે.”

     પોતાના નોકર પાસેથી દૂધ લઇને એક ઘૂંટડો પીતાં તો શેઠના દિલમાં એક ચસકો થઇ ગયો. આસપાસ અત્તરના ફુવારા ઉડતા હોય એવા એ દૂધના મઘમઘાટે એને તર કરી દીધો.

     યાત્રાનું બહાનું કરી કસ્તુરી મુનિમને બધો વહીવટ સોંપી પતિની શોધમાં નીકળી. તેણે ગીરની મદમાતી ચાર ભેંસો સાથે લીધી. બે ત્રણ વિશ્વાસુ માણસોને પોતે પોતાની સહાયતામાં લીધા અને ફરતી ફરતી ખંભાત શહેરમાં આવી પહોંચી. લાંબી તપાસને અંતે તેને જણાયું કે અમરચંદ અહીં આવીને રહ્યો છે. વ્યાપારમાં તેને મોટી ખોટ ગઈ છે. અને માંડ માંડ વ્યવહાર ચલાવે છે. આ પ્રકારની બાતમી મેળવ્યા પછી તેણે ખંભાતની બજારમાં એક સુંદર ઘર ભાડે લીધું. અને ગોવાલણ તરીકે તેણે દૂધ વેચવું શરુ કર્યું. ઘરની બહાર ઓસરી હતી અને ઓસરીનું દ્વાર બજારમાં પડતું.

     રોજ સવાર સાંજે તે કાઠીયાવાડી પેરણુ અને કાળો પછેડો ઓઢીને બેસતી ત્યારે ખંભાતના છેલબટાઉઓ તેની આસપાસ મધમાખોની માફક ગણગણતા. આખાય ખંભાતમાં આ કાઠીયાવાડી ગોવાલણ ‘કમળી’ સહુનું આકર્ષણ બની. અઢી રૂપિયાનું શેર દૂધ લેનાર કોણ મળે? લેનાર કોઈ ન મળે એટલે દૂધની રૂપાની તાંબડી ભરી, ઉઠતી વખતે આખીને આખી તાંબડી દૂધ ગામના કુતરાઓ ભેગા કરી તે રોજ સવાર સાંજ તેને પાતી. ખંભાતીઓ કમળીના આ વર્તનથી આશ્ચર્ય પામતા. મોંઘા ભાવનું દૂધ કોઈને સસ્તે આપવા સાફ ના પાડતી અને કૂતરાઓને લહેરથી પાતી. કોઈ કોઈ રસીયો યુવાન કમળીના સૌંદર્ય તેજમાં અંજાઈ એના હાથનું દૂધ લેવામાં પોતાને મોટો ભાગ્યશાળી માનતો હોય તેમ કોઈ વખત સવા રૂપિયો ખર્ચીને અરધો શેર દૂધ લઇ પીતો, પણ એ દૂધ એણે જન્મારામાં દીઠું ન હોય એવું લાગતું. ઊંચા મસાલા અને સુગંધી પદાર્થોથી કઢેલું ગીરની ભેંસોનું ચોખ્ખું દૂધ પીનારાના દિલમાં અજબ ચેતન પ્રકટાવતું. આખા ખંભાતમાં ગોરી કમળી અને એના ગોરા દૂધ, એ સર્વ સ્થળે અને સર્વ વખતે એક સામાન્ય વિષય થઇ પડ્યો.

     કસ્તુરીને બીજા કોઈ દૂધ લે કે ન લે તેની પરવા નોતી, તેને તો અમરચંદ સાથે પરિચય કેમ વધે તે એજ મુખ્ય કાર્ય હતું. અમરચંદે પોતાના ગામમાંથી નીકળી ખંભાતમાં રહી દરિયા માર્ગે મોટો વ્યાપાર કર્યો, હાલમાં વ્યાપારમાં મોટી ખોટ હોવાથી તે મૂંઝાયો હતો, છતાં દેશમાં તો એ સ્થિતિમાં ન જ જવું એવો તેણે નિશ્ચય કર્યો હતો.

     પોતાના માણસ પાસેથી કમળીએ આપેલ નમૂનાનું દૂધ ચાખતા અમરચંદની તબિયત ખુશ થઇ ગઈ. બીજે દિવસે તેણે ફરીથી માણસને મોકલ્યો અને એક શેર દૂધ મંગાવ્યું, દૂધ પીતાં પીતાં તેણે નક્કી કરી લીધું કે એક મહિનાના પોણોસો રૂપિયા બેસે તો ભલે બેસે પણ આ દૂધ તો જરૂર પીવું. 

     બરોબર મહિનો દિવસ ગીરની ભેંસોનું કઢેલું દૂધ પીતાં અમરચંદના શરીરનું તેજ વધ્યું. તેનામાં નવું જીવ આવ્યું હોય એમ દૂધની અસર તેના ચહેરા પર સ્પષ્ટ તરવરવા લાગી.

     “લ્યો આ તમારા દૂધના પોણોસો રૂપિયા.” અમરચંદના માણસે મહિના દિવસના પૈસા ચૂકવવા કમળી પાસે આવ્યો.

     “પૈસા તે ક્યાં ભાગી જાય છે? તમે ગુજરાતીઓ તો પૈસાના જ ભૂખ્યા લાગો છો. પૈસાની શી ઉતાવળ છે? તમારા શેઠને કહેજો કે ફુરસદે પોતે જાતે ભલે વરસ દિવસે આપે.”

     માણસે આવીને અમરચંદને કમળીએ કહેલ વાત કહી કમળીનું વર્ણન કર્યું. કાળી કાળી વાદળીઓ વચ્ચે ઝબુકતી વીજળી સરીખું એનું ગૌર વદન, એનું ઘાટીલું માંસલ શરીર, અને એથીય અધિક એનું કઢીયલ દૂધ એ સર્વ વાતોએ અમરચંદ લોભાયો, તે સહજ કમળી તરફ ખેંચાયો.

     પોતેજ કમળી જે બજારમાં બેસતી તે તરફ ગયો, કમળીને દ્વારે આજે સોનાના સૂરજ ઉગ્યા, શેઠને આવતા જોઈ તે સાવધ બની. 

     “કેમ શેઠ દૂધ લેવું છે?” બોલતા બોલતા તેના નૈયના નાચ્યા.

     “દૂધ તો મારો માણસ રોજ લઇ જાય છે.”

     “ત્યારે કાલે ચાર વિસુ ને પંદર રૂપિયા મોકલ્યા તે જ શેઠ તમે કે?”

     “હા તમારું દૂધ એક મહિનો પીધું એના પૈસા તો મારે મોકલવા જોઈએ ને?” અમરચંદે કમળીને નીરખી નીરખીને જોઈ.

     “પૈસા તો શેઠ શું ચીજ છે તમારે જોઈએ તેટલા વરસ દિવસે આપજોને ! તમારા જેવા શોખીન પીનારે હજી દૂધની લહેર બરાબર ચાખી નથી.”

     “કેમ? રોજ તો એજ દૂધ હું પીઉં છું.”

     “ના, ના, એ દૂધ તો બીજા.”

     “એનો કઈ વધારે ભાવ છે?”

     “ભાવ તો એ જ, પણ એ દૂધ કઢેલું તરત પીવું જોઈએ. તમારો માણસ અહીંથી તમારે ત્યાં લઇ જાય તેટલામાં ટાઢું પડી જાય છે. એતો તમે જો રોજ સવાર સાંજ અહીં આવીને પીતાં જાઓ તો જ એ દૂધની લિજ્જત આવે.”

     અમરચંદ તો કમળીને જોઈ પાગલ બનતો જતો હતો. એટલે એને તો આ વાત ગમી, અને રોજ સવાર સાંજ કમળીને ત્યાં દૂધ પીવા આવવાની શરૂઆત કરી. 

     કમળીના કામણમાં અમરચંદ પડ્યો, વેપાર રોજગાર એક કોરે મુક્યા. તેને મન તક કમળી એટલે ઈશ્વર. તેનો એ ભક્ત બન્યો, દીવાનો બન્યો, કમળીને તો એજ જોઈતું હતું. તેણે અમરચંદને એક દિવસ પૂછ્યું,

     “શેઠ ! તમે રોજ અહીં પધારો છો, એ જોઈ મારી આંખ્યું ઠરે છે પણ તમે કઈ ઉદાસ જણાઓ છો, મેં સાંભળ્યું છે કે તમને વેપારમાં કાંઈ નાણાંની જરૂર છે, તમે મુંજાઓ છો શા માટે? મેં તમારે માટે દસ હજાર રૂપિયા રાખ્યા છે. લઇ જાઓ હું પોતે તમારી છું તો રૂપિયા પણ તમારા જ ગણાય.”

     અમરચંદને આ અણીને વખતે મળેલા રૂપિયા મીઠા લાગ્યા. એના વેપારમાં આ રકમથી ટેકો મળી ગયો. એને તો પ્રભુ પ્રસન્ન થયા હોય એમ રૂપ અને રૂપિયા બંને મળવાથી એ હવે કમળીને ત્યાં જ રહેવા લાગ્યો.

     “વ્હાલા ! તમે હમણાં જે પ્રેમ મારા તરફ બતાઓ છો તે હંમેશ રહેશે કે?”

     “કમળી ! આ ભવમાં આ કમલનયનીને તો નહીં ભૂલું. પણ આવતા ભાવમાં પણ એને…..”

     “હં-હં-હં શેઠ ! મ્હારે કંઈપણ વચન જોઈતું નથી. તમારા હાથની આ વીંટી છે તે મને આપો એટલે મારા બાળકને એ પહેરાવી તમે તજી દેશો તો હું એ જોઈને સંતોષ પામીશ.”

     “બાળક !” અમરચંદ સહેજ ઢીલો દેખાયો.

     “હા, હું થોડા મહિનામાં એક બાળકની માતા થઈશ. મને ભય છે કે કદાચ તમે મને તજી દેશો તો આ વીંટી આપો એટલે હું એમાં જીવનનું કલ્યાણ માનીશ.”

     અમરચંદે તુરત પોતાની પહેરવાની વીંટી એને કાઢી આપી.

     “પણ કમળી, તને બાળક આવશે તો લોકો આપણી વાત જાણી જશે તેનું હવે શું કરશું?”

     “કેમ ગભરાયા? હું તમારી આબરૂ બચાવી લઈશ, તમે બેફિકર રહો.”

     આજે અમરચંદે આખી રાત કમળીને ત્યાં બેચેનીમાં ગાળી, સવારે ઉઠીને તે પોતાને ત્યાં ગયો ત્યારે એનામાં હંમેશનો ઉત્સાહ નહોતો.

     આખો દિવસ કમળીના તેણે વિચાર કર્યા, કમળીના થનારા બાળક વિષે લોકો જાણશે ત્યારે જરૂર સમાજ તેના તરફ આંગળી કરશે, તે પોતે સાંજ સુધી એ પ્રશ્નનો કઈ નીકર કરી શક્યો નહીં. સાંજ પડતા કમળીના ઘર તરફ આજ તેના પગ ઉપડતાં નહોતા, છતાં કમળી તરફના પ્રેમે એ ઘર તરફ ખેંચાયો. પણ તે કમળીના ઘર આગળ આવ્યો ત્યાં તો આખુંય ઘર ખાલી જોયું. 

     તપાસ કરતા એક પાડોશી બોલી ઉઠ્યો,

     “શેઠ ! તમારું બુલબુલ ઉડી ગયું. એ તો આજે બપોરે જ અહીંથી સમાન સંકેલીને રવાના થઇ ગઈ.”

     “ક્યાં ગઈ?”

     “એતો એ જાણે પણ હવે કોઈ બીજું બુલબુલ શોધો, બીજું.”

     કસ્તુરી ત્યાંથી ગોકુલ, મથુરા થોડા દિવસ રોકાઈને પોતાને ગામ આવી પહોંચી. તેને જે જોઈતું હતું તે મળી ગયું હતું. 

     કસ્તુરી ગામમાં આવતા ફરીથી મુનિમ રાજી થયો. મુનિમે શેઠાણીની ગેરહાજરીમાં જે વ્યાપાર કર્યો હતો તે સર્વસ્વ જોઈ તે ખુશી થઇ, અને મુનિમને પાંચ હજાર રૂપિયા ઇનામમાં આપ્યા.

     દિવસો એકપછીએક વીતવા લાગ્યા એક દિવસે આખા ગામમાં ઓચિંતી વાત આવી કે અમરચંદ શેઠની કસ્તુરી થોડા વખતમાં એક બાળકની માતા થશે. શેરીએ, ચકલે, ચૌટે સર્વત્ર કસ્તુરીની નિંદા થવા લાગી. કુથલીખોરોને અને અદેખાઓને નવો વાણીનો ખોરાક મળ્યો, એટલે એમનું બજાર તેજ થયું.

     “શેઠાણી ! ગજબ થઇ ! તમે મારા ધોળામાં ધૂળ નાખી.”

     “શું થયું? કકલભાઈ મુનિમ ! એવું તે શું થયું?”

     “આજે આખું ગામ તમારી જ વાતું કરે છે, શેઠ આવશે ત્યારે હું શું મ્હોં બતાવીશ, મ્હારે તો આપઘાત કરવો પડશે આપઘાત !” વૃદ્ધ મુનિમને ખુબ આઘાત થયો હોય એવી એની મુખમુદ્રા દેખાઈ.

     “કકલબાપા ! તમે બેફિકર રહો બેફિકર…”

     “મ્હારુ કપાળ બેફિકર રહું, માંડ માંડ જગતમાંથી નિષ્કલંક થઇને નીકળ્યો હતો ત્યાં નસીબે આ ચક્કરમાં નાખ્યો, આજે ગામ શું બોલે છે તેની કઈ તમને ખબર છે?” કકલભાઈ અકળાયો.

     “કઈ ગરણું બંધાય છે બાપા?”

     “ત્યારે એ વાત શું ખોટી છે?”

     “વાત સાવ સાચી પણ એ બાળક તમારા શેઠનું જ છે.”

     “હે !”

     “હા, બેફિકર રહો.”

     “એ કેમ બને?”

     “આ વીંટી કોની?”

     “એ તો મારા શેઠની અને શેઠ એ વીંટી કોઈ દિવસ આંગળીએથી ઉતારતા જ નહીં. એજ વીંટી છે પણ તમે શી રીતે લાવ્યા.”

     તુરત કસ્તુરીએ સઘળી હકીકત પહેલેથી છેલ્લે સુધી વિગતવાર કકલભાઈને સમજાવી.

     જીવીતને આરે ઉભેલા વૃદ્ધે પણ કસ્તુરીની હિમ્મત, ચતુરાઈ અને પવિત્રતા જોઈ પોતાનું મસ્તક તેના સમક્ષ ઝુકાવ્યું. 

     “પણ આ વાત હમણાં ખાનગી રાખજો, લોકો જે કહે તે સાંખી લેજો, માત્ર દરબાર સાહેબને તમે ખાનગીમાં બધી વાતથી વાકેફ કરી આવજો.”

     “નવ મહિના થયા ત્યાં તો કસ્તુરીને ત્યાં પુત્ર જન્મ થયો, આખા ગામમાં હાહાકાર થઇ ગયો. વિરોધીઓ રાજી થયા, મિત્રોના દિલોમાં દુઃખ થયું, ધર્મીષ્ટો કલિયુગ આવ્યું છે એમ પોકારી ઉઠ્યા. કકલભાઈ અને કસ્તુરી તરફ લોકો ધિક્કારના શબ્દો જેમ ફાવે તેમ ફેંકવા લાગ્યા.

     વાત વાતમાં પાંચ વર્ષ વીતી ગયા ત્યાં એક સવારે ખબર આવ્યા કે અમરચંદશેઠ પરદેશથી કમાઈને આવે છે.

     કસ્તુરીને તો રાજ્યે ગામ ઇનામમાં આપેલ હોવાથી તે પણ ગામધણી ગણાતી, તેના ગામના નિશાન ડંકા વિગેરેથી તેણે પોતાના પતિનો સત્કાર કર્યો.

     અમરચંદ તો એમ જ માનતો હતો કે કસ્તુરી કોઈના દળણાં દળી, પાણી ભરી માંડમાંડ પેટ ભરતી હશે, કારણકે તેણે તો તેને માટે જતા જતા માત્ર ઘરમાં એક મહિનાનું જ અનાજ મુક્યું હતું. આજે પોતાની મૂંછનું પાણી વધશે, અને એ આડીને આધારે મોભ કહેનાર કસ્તુરી પોતાને નમશે એ વિચારે તે ગામ નજદીક આવ્યો હતો પણ તેની અજાયબી વચ્ચે સત્કારનો રાજવૈભવ જોઈ આશ્ચર્ય પામ્યો. તપાસ કરતા તેને માલુમ પડ્યું કે કસ્તુરી તો ગામધણી બની છે.

     આ વખતે ગામનાં લોકો સહુ એક જ વાત કરી રહ્યા હતા કે છોકરો જોઈ અમરચંદ જરૂર કસ્તુરીને કાઢી મુકશે.

     અમરચંદ પોતાને ઘેર આવ્યો તો ત્યાં પણ પોતે ન ધારે તેવો વૈભવ અને લક્ષ્મી પોતાને આંગણે નાચતા જોયા, એટલામાં તો ઘરના બારણામાં સોળ શણગાર સજી કસ્તુરી છોકરાને સામે લઇને ઉભી.

     “કમળ ! આ તારા પિતાને પૂછ કે તારે માટે પરદેશથી શું લાવ્યા?” હસતી હસતી કસ્તુરીએ પતિ આગળ પુત્રને ધર્યો.

     અમરચંદને તો આ જોઈ આખા શરીરે આગ લાગી. તેના ક્રોધને એક ક્ષણભર તેણે અટકાવ્યો, તે ગુપચુપ ઘરમાં ગયો. કસ્તુરી શેઠના દિલમાં લાગેલી ઝાળનું કારણ સમજી ગઈ.

     જમવાનો વખત થયો ત્યાં કસ્તુરી એ છોકરાની સાથે અમરચંદને જમવા બોલાવા આવી. 

     “બાપુ ! જમવા …”

     આ શબ્દો સાંભળતા અમરચંદે પોતાના પરનો કાબુ ખોયો.

     “કસ્તુરી ! કસ્તુરી ! આ કોનું ફરજંદ?” તેણે જોરથી ત્રાડ પાડી.

     “ફરજંદ આપનું- બીજા કોનું હોય?”

     “મ્હારુ?”

     “તમને શંકા કેમ જાય છે?”

     “એ કેમ બને-કસ્તુરી? તે હરામના હમેલ…”

     “છોકરે ગળામાં શું પહેર્યું છે તે જુઓ પછી જે બોલવું હોય તે ખુશીથી બોલો.”

     જુસ્સામાં ને જુસ્સામાં અમરચંદે છોકરાના ગળામાં સાંકળી વચ્ચે પોતાની વીંટી જોઈ. બીજી પળે તેણે કસ્તુરી સ્હામે શંકાથી જોયું. કમળીનું ને કસ્તુરીનું મુખ એક સરખું લાગ્યું. તે ભોંઠો પડ્યો, શરમાયો અને તેણે નીચે જોયું.

     “ક્યમ, આડીને આધારેય કોઈ વખત મોભ ખરો કે?” કસ્તુરીએ પતિ તરફ નયનબાણ ફેંક્યું.

     “હું હાર્યો, તું જીતી. હું જાણતો હતો કે મોભને આધારે આડી રહે છે પણ મોભનેય આડીનો આધાર છે ખરો !”

     “તમારું વચન પળાયું છે કે નહીં?”

     “જરૂર, એટલે જ તું જીતી.”

     તુરત આખા ગામમાં આ પતિ પત્નીની વાતો પવનવેગે ફેલાઈ ગઈ. મોભને આધારે આડી કે આડીને આધારે મોભ, અમરચંદનું પરદેશ જવું, કસ્તુરીની હુશિયારી, કસ્તુરીનું કમળી બનવું વિગેરે વાતો ઘરે ઘરે થવા લાગી. ઘણાય સ્ત્રી પુરુષોએ મોભને આડી વિષે ચર્ચા કરી.

                          (સમાપ્ત)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s