Daily Archives: August 3, 2017

ચેતના ‘ધ ચેમ્પિયન – મુકેશ સોજીત્રા લિખિત નવી વાર્તા

Standard

August 1, 2017

ચેતના ‘ધ ચેમ્પિયન – મુકેશ સોજીત્રા લિખિત નવી વાર્તા

વરાછાનો મોટો પુલ વટાવીને હું આગળ વધ્યો. આગળ એક સર્કલ આવ્યું એક રસ્તો ઉતરાણ બાજુ જતો હતો અને એક રસ્તો અબ્રામા બાજુ. ઉતરાણ બાજુ પર જતાં રસ્તા પર મેં મારી બાઈક હંકારી મારી પત્ની બાઈકની પાછળ બેઠી હતી. સવારના સાડા દસ વાગી ગયાં હતાં.

આગળ ગયાં પછી મેં ડાબી બાજુ બાઈક વાળી અને એ સોસાયટી આવી ગઈ જ્યાં મારે જવાનું હતું, આજે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની હતી. મારા દુરના એક સબંધીના એકના એક છોકરાના લગ્ન હતાં.

સોસાયટીમાં છેલ્લે આઠેક ગાળામાં મંડપ નાંખેલા હતાં ત્યાંજ જવાનું હતું. મે સોસાયટીની આગળ એક વ્રુક્ષ નીચે બાઈક પાર્ક કર્યું અને સોસાયટીમાં આગળ ગયો. સબંધીને મળ્યો. એણે મીઠો ધોખો કર્યો. “બહું વહેલા આવી ગયાં માસ્તર,સાંજે આવ્યાં હોત તો પણ ચાલત!! અમે કાલ સાંજના રાહ જોતા હતાં!! અમે તો આશા મૂકી જ દીધી હતી કે માસ્તર કહેવાય ઈ નોય આવે, પણ અમે ભાગ્યશાળી ખરાને એટલે મોડા મોડા પણ આવ્યાં ખરા”!! “કાલ સાંજે જ આવવાનું હતું પણ ઓચિંતા એક મહેમાન આવી ગયાં અને એ પણ નથી રોકાવું નથી રોકાવું એમ કહેતા કહેતા રોકાઈ ગયાં અને પછી એ આજ સવારે જ ગયાં એટલે ના અવાણું પણ વરઘોડા પહેલાં પહોંચી તો ગયાને” મેં ખુલાસો કર્યો અને એ હસી પડ્યા અને કહ્યું.

“કાઈ વાંધો નહિ પણ તમે બે જ કેમ આવ્યાં,?? ભાણીયો નથી આવ્યો”?? “ના એને એક બીજા લગ્નમાં મોકલ્યો છે, હવે એનેય વહેવારમાં જાવું પડેને” ચા પીધો અને ગાદલા પર મેં જમાવી. મારી પત્ની સ્ત્રીઓના રૂમમાં ગઈ.

સુરતના કાઠીયાવાડી માણસોની એક ખાસિયત એ ધોખો કરે પણ તરત જ ભૂલી જાય એકદમ ખમણ જેવા જ પોછા અને માયાળુ માણસો!! ગાદલા પર માણસો ગોઠવાયા હતાં. સુરતમાં આવતા બધાજ છાપા વચ્ચે પડ્યા હતાં. બધાં રાજકારણીઓની વાતોમાં પડ્યા હતાં. મોદીથી લઈને યોગી સુધીની તમામ વાતો થતી હતી.

વરઘોડાના સમય થઇ ગયો હતો. છોકરા અને છોકરીઓ બની ઠની ને તૈયાર હતાં. બેન્ડ વાજા વાળા આવી ગયાં હતાં. જાન થોડે દૂર આવેલી એક બીજી સોસાયટીમાં જવાની હતી. ઘરેથી જ વરઘોડો નીકળવાનો હતો. વરરાજો બહાર નીકળ્યો અને નવી નકોર કોઈ સંબંધીની ગાડીમાં ગોઠવાયો અને તરત જ બધાં ઊંભા થયા અને વરઘોડામાં ગોઠવાયા. શિરડીવાળા સાઈબાબા ના ગીત પછી અજીમો શાન શહેનશાહ ગીત વાગ્યું અને વરઘોડો શરુ થયો. સોસાયટીની બહાર ફટાકડા ફૂટ્યા અને ધીમી ગતિએ વરઘોડો આગળ વધ્યો.

રસ્તાની એક બાજુ ધારો ધાર વરઘોડો નીકળ્યો!! બે ત્રણ ઉત્સાહી યુવાનો મોઢામાં માવા સાથે ટ્રાફિક હવાલદારની ડ્યુટી નિભાવતા નિભાવતા ટ્રાફિકનું નિયમન કરતાં હતાં. યુવાનો નાચતા હતાં, બહેનો બેન્ડવાજા ના તાલે ગરબા ના સ્ટેપ લેતી હતી. વાતાવરણમાં ઉત્સાહ અને ઉમંગ હતો.

વેવાઈની સોસાયટી આવી. સોસાયટી ખાસ લાંબી નહોતી. આગળ જ કન્યા ઉભી હતી. પોતાની બહેનપણીઓ સાથે એકદમ નીચું જોઇને ચહેરા પર શરમને કારણે એની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યા હતાં અને આગળના ગાળાના એક ઘર પાસે એક ત્રીસેક વરસની યુવતી પર મારી નજર પડી. એ યુવતી મને જ જોઈ રહી હતી!! મેં નજર ફેરવી ને વરરાજા તરફ જોયું, વળી મેં એ ઘર તરફ નજર કરી. યુવતી મારી સામે જોઇને હસી!! ભારે કરી હું એને ઓળખતો નહોતો તોય યુવતી મારી તરફ હસી રહી હતી!!

એકદમ પ્રમાણસર શરીર અને સુંદર કહી શકાય આ યુવતી મારી તરફ જોઇને કેમ હસતી હશે એ મારા માટે એક કોયડો બની ગયો. કદાચ એને કોઈ ગેરસમજણ પણ થતી હોય!! એનાં કોઈ સબંધીનું મોઢું મને મળતું આવતું હોય એમ પણ બને!! હું નીચું મોઢું રાખીને આગળ ચાલવા લાગ્યો!! થોડી વાર પછી મેં પાછળ જોયું એ યુવતી મારી પત્ની સાથે વાત કરતી હતી. મારી પત્ની અને એ યુવતી એક ખૂણામાં ઉભા રહીને વાતો કરતાં હતાં. ચાલો કદાચ એ મારા સસરીયામાંથી ક્યાંકથી હશે અને હું નહિ ઓળખતો હોવ એમ પણ બને.

વરરાજાને મંડપમાં લઇ ગયાં. મંડપ સોસાયટીની વચ્ચે ગોઠવાયો હતો. સોસાયટીની છેલ્લે જમણવાર શરુ હતું. બધાજ મહેમાનો તે તરફ જઈ રહ્યા હતાં હું પણ તે તરફ જતો જ હતો ત્યાંજ અવાજ સંભળાયો. “એઈ સાંભળો છો,?? ઉભા રહો આ જુઓ આને ઓળખો છો”?? મારી પત્નીનો અવાજ પારખીને હું પાછો વળ્યો અને સામે જોયું તો પેલી યુવતી અને મારી પત્ની ઉભા હતાં. “સાહેબ નહિ ઓળખે હું નહોતી કેતી તમને માસી કે સાહેબ ભૂલી જ ગયાં છે, અને ભૂલી જ જાયને!! ૧૭ વરસનો સમય પસાર થઇ ગયો, પણ માસી તમે મને તરત જ ઓળખી ગયાં!” પેલી યુવતી બોલી અને મને લાઈટ થઇ “માસી” મારી પત્નીને માસી કહેવાવાળી તો એક જ હતી!! અને તરત જ ચહેરો ઓળખાઈ ગયો.

સતર વરસનું અંતર એક જ ક્ષણમાં દૂર થઇ ગયું!! “ચેતના તું?? ચેતના ધ ચેમ્પિયન” અરે તું સાવ કેવી થઇ ગઈ છો!!! સાવ જ બદલાઈ ગઈ છો પછી ક્યાંથી ઓળખાય દીકરી!!”?? અને ચેતના મને પગે લાગી, એની આંખના ખૂણા ભીના થયા. “સાચી વાત છે સાહેબ,સાવ બદલાઈ ગઈ છું!! બધું જ બદલાઈ ગયું છે સાહેબ તમે હવે જમી લો સાહેબ, હું અને માસી જમીને તમને મારા ઘરે લઇ જઈશ, સામેની સોસાયટીમાં એ પેલું ખૂણા પરનું છેલ્લું ઘર દેખાયને એ મારું ઘર છે સાહેબ,!! ચાલો માસી સાહેબને કહો એ જમી લે જ્યાં સુધી તમે નહિ કહો ત્યાં સુધી સાહેબ નહિ જમે!! અને આમેય સાહેબ તમારું બહું જ માને!! સાચુંને માસી ?? એમ કહીને ચેતના મારી પત્નીનો હાથ પકડીને ચાલતી થઇ!!

એજ ખડખડાટ વાળું હાસ્ય સંભળાયું!! જે આજથી વીસ વરસ પહેલાં મને પ્રાથમિક શાળામાં સંભળાતું!! વીસ વરસ પહેલાં ચેતના મારી પાસે પાંચમું ભણતી અને પછી છ અને સાત ત્રણેય ધોરણ એ મારી પાસે જ ભણેલી!! કેવી ગજબની છોકરી હતી!! હતી નાની પણ એની સમજણ અને વાતો જમાનાથી ક્યાંય આગળ હતી.

હું જમવા ગયો અને જમતા જમતા વીસ વરસ પહેલાંનો સમય યાદ આવી ગયો!!! ચેતના નરશીભાઈ પટેલ!! હું શાળામાં વેકેશન પડ્યું હતું એનાં આગલાં દિવસે જ હાજર થયો હતો. બાળકોનો ખાસ પરિચય નહોતો. શાળા ઉઘડી અને આચાર્યશ્રીએ મને કીધું. “તમે ધોરણ પાંચમું લેજો, સારો ક્લાસ છે અને આમેય અહી રોટેશન પદ્ધતિ છે એટલે વારાફરતી તમને છ અને સાત ધોરણ પણ આવશે. તમારા હકીકત પત્રકમાં મેં જોયું છે કે સાયંસના વિષયો માં તમારા સારા ગુણ છે એટલે બાળકોને ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન પણ શીખવા મળેને એટલે તમારે આ વખતે પાંચમું લેવાનું છે!” “બરાબર સાહેબ કોઈ વાંધો નહિ અને હું સફાઈ કરાવવા ચાલ્યો ગયો.

શાળામાં ૭ નો સ્ટાફ બે બહેનો અને પાંચ ભાઈઓ!! સાત ધોરણ!! આચાર્યનો પહેલાં ધોરણ પર અબાધિત અધિકાર અને પછી બે બહેનો બીજું અને ત્રીજું લે અને એક નિવૃત થવા આવેલા સાહેબ લે ચોથું!! બાકી વધ્યા ત્રણ ભાઈઓ એ લે પાંચ, છ અને સાત!!

“સાહેબ તમે અમને પાંચમું ધોરણ ભણાવવાનાને”?? એક છોકરીએ વાળતા વાળતા મને પૂછ્યું. બસ ચેતના સાથેનો આ મારો પ્રથમ પરિચય!! એય સરસ આંખો અને ભરાવદાર ગાલ!! ઉમરમાં બધાં કરતાં મોટી અને ખાધે પીધે સુખી એવા ઘરની મને છોકરી લાગી.

“ હા પણ તને કેમ ખબર પડી,??અને બેટા તારું નામ શું છે”? મેં એની સામે સ્મિત કરતાં કહ્યું.

“ ચેતના નરશીભાઈ પટેલ, સાહેબ કારણકે હું જે ધોરણમાં હોવ એ ધોરણ કોઈ ના લે,!! કારણકે હું સાચું કહું એ આ બધાને ના ગમે, મારા પાપા સરપંચ છે એટલે મને કોઈ કાઈ ખોટી રીતે કહી જ ના શકે!!,એક બે વાર મારા બાપાએ આ ટણક ટોળીને એવી ઘચકાવેલીને તે એ મારા પર દાઝ રાખે સાહેબ!! જો જો ને તમને પણ મારા વિષે આડું અવળું ભરાવશે પણ સાહેબ હું ખોટું સહન નથી કરતી એ તમને કહી દઉં બાકી આપણો કોઈ દિવસ વાંક ના હોય પણ જો કોઈ મોઢામાં આંગળા નાંખીને બોલાવે તો હું મૂંગી પણ ના રહું અને એને મુકું પણ નહિ સાહેબ

“ હું અવાક થઇ ગયો એક પાંચમા ધોરણમાં ભણતી છોકરી,!!ઉમર હશે માંડ અગિયાર વરસની અને એ આવું બોલે અને એ પણ અંતરિયાળ ગામડામાં અને એ શિક્ષકો માટે “ટણક ટોળી” શબ્દ વાપરે એ મને જરા ખૂંચ્યું!! “શિક્ષકો માટે એવા શબ્દ ના વપરાય બેટા “ મેં એને પ્રેમથી કહ્યું.

“તમે નવા નવા છોને સાહેબ એટલે તમને અહીની ખબર ના હોય, પણ ધીમે ધીમે તમને ખબર પડશે પણ કાઈ વાંધો નહીં અને સાહેબ તમે મઢવાળી શેરીમાં રહેવા આવ્યાં છોને એની બરાબર પાછળ જ મારું મકાન છે અમારી અગાશી પરથી તમારી અગાશી પર જવાય અને મારા મમ્મીના ગામમાં તમે પરણ્યાં છો એટલે તમારા ઘરનાને હું માસી કહીશ. કાલ તમારા ઘરના અને હું અગાશીમાં વાતો કરતાં હતાં મેં એને કીધું કે તમે મારા માસી થાવ!! મારા મમ્મીના ગામના એટલે માસી જ ને સાહેબ”?? ચેતના બોલતી હતી.

ગજબની હતી આ છોકરી!! “પેલે જ દિવસે મને ક્લાસમાં ખબર પડી ગઈ કે ચેતના એકદમ હોંશિયાર હતી અને આખાબોલી પણ હતી. એને જો મોનીટર બનાવવામાં આવે તો મારો વર્ગ વ્યવસ્થાનો પ્રશ્ન સોલ્વ થઇ જાય એમ હતો.મેં ચેતનાને મોનીટર બનાવી!! મોટાભાગની બધી જવાબદારી એણે લઇ લીધી. વર્ગ ખોલવાથી માંડીને સાંજે તાળા મારવા સુધીની બધી જવાબદારી એણે હોંશે હોંશે લઇ લીધી.

રાબેતા મુજબ અઠવાડિયું વીતી ગયું. એક દિવસ રીશેષમાં મને આચાર્યે એકાંતમાં બોલાવીને કહ્યું. “તમે પેલી છોકરીથી ચેતજો,!!એ ગમે તેનું ગમે ત્યારે ગમે એમ મોઢું તોડી લે છે,!! એનો જીભડો બહું જ મોટો છે!! અને વળી બટક બોલી પણ ખરી,!!! તમે એને મોનીટર બનાવી છે આ તો એક તો ઊંટ અને એમાં તમે એને ઉકરડે ચડાવ્યું એવું થયું!! તમને કોઈ બીજો છોકરો ના મળ્યો કે એને તમે મોનીટર બનાવી??

“મને એમાં એવું કશું નથી લાગતું, છોકરી હોંશિયાર છે!! વધારે પડતી ચપળ છે આવા છોકરાને જ આવા નેતૃત્વના કામ આપ્યા હોય તો એનો વિકાસ થાય છે તમે એની ચિંતા ના કરો, એની કોઈ ફરિયાદ નહિ આવે એની હું ગેરંટી લઉં છું” મેં કહ્યું અને આચાર્યને મારી આંખોમાં વિશ્વાસ દેખાયો એ કશું ના બોલ્યાં પણ ફક્ત હસ્યાં!!

ધીમે ધીમે ચેતનાને ધીમે ધીમે સમજાવવા લાગ્યો કે આવું વર્તન ના કરાય અને ધીમે ધીમે એ સમજવા પણ લાગી તોય ક્યારેક ક્યારેક વળી એ સ્વભાવ બતાવી દેતી. “સાહેબ તમને હજુ પપૈયાની ખબર નથી?? ચેતના કહેતી અને હું સાંભળતો. :સાહેબ જે ત્રીજું ભણાવે છે એ બહેનનું મોઢું તમને પપૈયા જેવું નથી લાગતું!! આખું ગામ એને પપૈયું જ કહે છે. કાઈ ભણાવે જ નહિ. બાર વાગ્યે એટલે ચાર સાતમાં છોકરાવાળા એની ઘરે જાય એનાં છોકરાને ઘોડિયા સાથે નિશાળે લાવે,!! ચાર વાગ્યે એટલે ચાર જણા ઘોડિયું લઈને ઘરે મુકવા જાય આખું ગામ જોવે!! જાણે એનાં છોકરાને હીંચકાવવા માટે જ અમે જાણે નિશાળે આવતાં હશુંને?? હીંચકાવવાના વારા પાડે અને આ બધાં ડોબા રીતસરના દોડે સાહેબના છોકરાને હીંચકાવે!! પોતાના સગા ભાઈ શેરીમાં રખડે એને કોઈ ના હીંચકાવે બોલો સાહેબ મારું સાચું કે ખોટું?? આ બધાં તો બીજી ભાત હતાં પણ એક વખત મારા પપ્પા અને ગામની બાયું આવી અને એવા લંગરાવી નાંખ્યા કે ના પૂછો વાત ત્યાર પછી બધું બંધ થયું છે બાકી આઈ કોઈ સારીનું ન્હોતું!! પછી એને હું ઘણું ખીજાતો ચેતના મારું બધું જ સાંભળતી ધીમે ધીમે એનો સ્વભાવ સુધરી રહ્યો હતો!!

ચેતના સહુથી નાની હતી એનાં કુટુંબમાં. એનાં બે ભાઈઓ બે વરસ પહેલાં જ પરણીને સુરત સ્થાયી થયા હતાં. અહી તો ફક્ત ત્રણ જણા જ ચેતના એનાં પિતા નરશીભાઈ અને એની માતા કંકુબેન!!.

મારી પત્ની સાથે ચેતનાને સારું ફાવી ગયું હતું.પછી તો રવિવાર કે રજાના દિવસે મારી પત્ની અને ચેતના એની વાડીયે જ હોય. મારી પત્નીને ગાય અને ભેંશ દોતાં પણ ચેતનાએ શીખવાડી દીધું.

સમય વીતતો ચાલ્યો. ૧૫મી ઓગસ્ટનો રાત્રીનો સાંસ્કૃતિક કાર્યક્રમ શાળામાં ગોઠવવો એવું નક્કી થયું. પ્રાર્થના સભામાં વાત થઇ. મેં વર્ગમાં વાત કરી. થોડાં છોકરાઓ તૈયાર થયાં. પણ રાસ ગરબામાં મારા ધોરણમાંથી કોઈ છોકરી તૈયાર ના થઇ મેં ચેતનાને પૂછ્યું. “કેમ તારે નથી ભાગ લેવો?? તને રાસ ગરબા નથી આવડતાં?? તું તૈયાર કરને તો આપણે બે ગરબા તૈયાર કરાવીએ.”

“સાહેબ બધું જ આવડે છે પણ ઇનામ કોને મળે એ પહેલેથી જ નક્કી હોય છે. ખોટું બળ શું કામ કરવું સાહેબ?? તમે ગમે તેટલું સારું કરો પણ અમુક પેલાં ખોળાના છે છઠ્ઠા વાળા અને સાતમાં વાળા એને જ ઇનામ મળે છે” ચેતનાએ બેધડક કહ્યું.

મેં આચાર્યશ્રીને વાત કરી. આચાર્ય ઘણાં સમયથી ચેતનામાં આવેલ પરિવર્તન નિહાળી રહ્યા હતાં. એણે મને કહ્યું કે તમારી વાત સાચી છે પણ આ વખતે અન્યાય નહિ થાય. અને પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ થયો. આચાર્યશ્રી ખુદ નિર્ણાયકમાં બેઠા બે શિક્ષિકાં બહેનો કાયમ નિર્ણાયકમાં હોય જ આ વખતે એને બીજી કામગીરીમાં રાખ્યા. વાતાવરણમાં થોડાં છણકા અને ધૂંધવાટ થયો પણ આચાર્ય મક્કમ રહ્યા. અને બને ગરબામાં ચેતનાની ટીમ મેદાન મારી ગઈ. બે ઇનામ તો મળ્યાં પણ ગામલોકો તરફથી ઘણી રકમ મળી. એ રકમ કાર્યક્રમ વખતે છોકરીઓને જ આપવામાં આવી.

પછી આવ્યો રમતોત્સવ!! ખો ખો અને કબડ્ડીમાં પણ ચેતનાનો અને એની ટુકડીનો દેખાવ સારો રહ્યો. એ જિલ્લા કક્ષા સુધી લાંબા કુદકામાં સિલેક્ટ થઇ. પછી તો ધોરણ છ અને સાતમાં એની સિદ્ધિઓ આકાશે આંબવા લાગી. એથ્લેટિકસમાં તાલુકા કક્ષાએ સહુથી વધુ એ મેડલ મેળવતી. એ જયારે રમતમાં ભાગ લેતી ત્યારે દર્શકો “ચેતના ધ ચેમ્પિયન….. ચેતના ધ ચેમ્પિયન…. ની બુમો પાડતા અને એ પણ જોરથી કુદકો લગાવતી અને પોતાનો જ રેકોર્ડ તોડતી!!

એક વખત મારે મારી પત્ની સાથે માથાકૂટ થયેલી અને હું રીસનો માર્યો જમ્યા વગર નિશાળે ગયેલો અને ચેતના એ વખતે સાતમું ભણતી અને એ રીશેષમાં મારે ઘરે ગયેલી. એની માસી સાથે વાતચીત થયેલી અને બરાબર છ વાગ્યે એ મારા ઘરે આવેલી અને હું પુસ્તક વાંચતો હતો. શિક્ષક દંપતીમાં જયારે ઝગડો થાય ત્યારે શિક્ષક લગભગ મોઢું ચડાવીને પુસ્તક વાંચતો હોય છે, બીજું એ કરે પણ શું!!??

“કેમ છો સાહેબ,?? કેમ મોઢું ચડાવ્યું છે,?? આ તો સાહેબ કાંધમાં કોરું જાય છે એટલે કહું છું હો, બિચારા માસી બપોરના જમ્યા નથી, તમેય કદાચ સાંજના નહિ જમો અને તમે આ “જિંદગી જીતવાની જડ્ડીબુટ્ટી” વાંચો છો!! સાલું આ ગજબ કહેવાય નહિ? તમારા કારણે મેં રીસાવાનું બંધ કરી દીધું અને અહી “વૈદના જ ખાટલે છે!! ભારે કરી. વળી કાલે તમે પ્રાર્થના સંમેલનમાં કહેતા હતાં કે “અધમણ ઉપદેશ કરતાં અઘોળ આચરણ સારું” તો હવે સાંજે જમવાના છો કે નહિ? માસીની ભૂલ તો ના જ હોય તેમ છતાં એ બિચારાએ માફી માંગી લીધી છે તો હવે પ્રોબ્લેમ શું છે મોટા સાહેબ?? ગઝબની હતી આ છોકરી!! ગઝબની ભાષા હતી એની!! અને મેં જમી લીધેલું!!

પછી તો એ સુરત એનાં ભાઈ ભેગી જતી રહી અને ત્યાં એણે ૧૨ પછી કોલેજ જોઈન કરેલું એવું સાંભળેલું અને પછી તો મારી બદલી થઇ ગયેલી. એટલે એની સાથે કોન્ટેક રહ્યો નહોતો.

એક વખત શૈક્ષણિક અધિવેશનમાં મારા સ્ટાફના એક શિક્ષક મળી ગયાં ને મેં એને ચેતના વિષે પૂછ્યું તો એણે કીધેલું કે “ચેતનાએ લવ મેરેજ કરી લીધા છે!! સુરતમાં જ છે!! ખાનગી શાળામાં શિક્ષિકા છે એનો ઘરવાળો પણ બીજી કોઈ શાળામાં શિક્ષક છે, મોઢે ચડાવેલી,બટકબોલી છોકરી આવું જ કરે એમાં શી નવાઈ,!! એનાં ભાઈ અને ભાભીને ખુબ દુઃખ થયેલું તે લોકોએ એની સાથે વહેવાર જ કાપી નાંખેલો છે” ઉત્સાહથી મારા જુના સ્ટાફના એ શિક્ષક ભાઈ બોલ્યે જતાં હતાં.

બસ પછી તો એનાં કોઈ સમાચાર નહોતા તે આજ આટલા વરસે આ લગ્ન પ્રસંગમાં એ મને મળી ગઈ. મેં જમવાનું પૂરું કર્યું અને એક જગ્યાએ બેઠો. મારી પત્ની અને ચેતના પણ જમવાનું પૂરું કરીને મારી પાસે આવ્યાં.

“સાહેબ સામેની સોસયટીમાં છેલ્લે જે મકાન છે એ મારું છે, ચાલો મારા ઘરે સાહેબ!! ઘણી વાતો કરવાની છે, બસ મારા લગ્ન પછી તમે જ પહેલાં હશો જેને હું મારા ઘરે લઇ જાવ છું સાહેબ,!! ચાલો માસી!! ચેતના બોલી. કેમ જાણે એનો અવાજ પહેલાના જેવો નહોતો મને થયું કે ચેતના સુખી તો હશેને?? પણ બીજી જ ક્ષણે થયું કે ગમે તેવી પરિસ્થિતિમાં આ છોકરી રસ્તો કાઢી લે તેવી છે!!

અમે તેને ઘરે પહોંચ્યા. સરસ મકાન હતું.ચેતના એ બુમ પાડી “કાવ્યા…… “ અને એક છોકરી આવી એકદમ ગોળ મટોળ ચહેરો અસલ ચેતના જેવો જ દેખાવ ઉમર હશે સાતેક વરસ!! “બેટા આ મારા સાહેબ છે, હું તને ઘણી વાર નહોતી કેતી એની વાત!! અને આ માસી છે” કાવ્યા અમને પગે લાગી, મારી પત્નીએ કહ્યું “વાહ અસલ તારી જેવી જ છે” અને પછી અમે ત્યાં ગોઠવાયેલી ખુરશીમાં બેઠા. ચેતના એ પાણી આપ્યું અને અમે બેઠા. કાવ્યાને ઈશારો કર્યો એટલે એ એનાં રૂમમાં જતી રહી.

ચેતના બોલી. “કાવ્યા બીજા ધોરણમાં આવી છે સાહેબ, મારા સાસુ સસરા અને અમે માં દીકરી બે જ અહી રહીએ છીએ, હું તમને બધી જ વાત કરીશ માસી,!! હું કોઈની આગળ મારી વાત કરતી જ નથી. આ તો જીવનમાં મારા બાપુજી પછી જો કોઈ અંગત હોય તો તમે અને મારા સાહેબ અંગત છો માસી!! હું કોલેજમાં હતી અને સંદીપ સાથે પ્રેમમાં પડી એ પણ મારી જેમ બીએસસી કરતો હતો. એની પાછળ હું પાગલ થઇ ગઈ હતી. સંદીપ દેખાવડો હતો અને વાચાળ પણ મને એ વખતે લાગ્યું કે આના જેવું પાત્ર મને નહિ મળે એટલે મેં એની સાથે કોર્ટ મેરેજ કરી લીધા એ મારા જીવનની સહુથી મોટી ભૂલ માસી!! સહુથી મોટી ભૂલ!! મારા પાપાએ તો મને માફ કરી દીધી પણ મારા ભાઈ અને મારા ભાભી મને માફ ના કરી શક્યા એને મારા પપ્પાને કહી દીધું કે તમે ચેતના સાથે વહેવાર રાખશો તો પછી ભૂલી જજો કે તમારે કોઈ દીકરા પણ છે. મારી મા પણ હતાશ થઇ ગયેલી. ક્યારેક સમાચાર આવતાં પછી એય બંધ થયા.

સંદીપ અને હું એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ગોઠવાયા. શરૂઆતમાં સારું ચાલ્યું પણ પછી ખબર પડી કે સંદીપ ખાલી કહેવા ખાતર જ પટેલનો દીકરો હતો પણ એક પણ લખણ એનાં પટેલના હતાં નહિ. ઘણી બધી સ્ત્રી સાથેના એનાં સંબંધો બહાર આવવા લાગ્યા. આ સોસયટીમાં એની આબરૂ સહેજ પણ નહોતી અને એનાં ભાઈબંધ પણ સાવ આવારા હતાં. હું સામે ચાલીને એક એવા કુવામાં ફસાઈ ચુકી હતી કે બહાર નીકળી શકું તેમ નહોતી. મેં એને સમજાવવાનો પ્રયત્ન શરુ કર્યો પણ સાહેબ અમુક જે બીજાની જિંદગી બગાડવા જ પેદા થયાં હોય એ સુધરે તો શાના?? મારા સાસુ સસરા પણ એને સમજાવતા કે હવે લગ્ન થયા છે નાલાયક હવે તો સુધર પણ એનાં લખણ વધતાં ચાલ્યા!!

એક વખતની વાત છે કાવ્યા મારા પેટમાં હતી અને સંદીપ એનાં બે ભાઈબંધ સાથે આવ્યો રાતના લગભગ દસ થયા હશે વરસાદી વાતવરણ હતું. માસી હું જમી પણ નહોતી. સંદીપ આવે પછી જ હું જમતી!! ગમે તેમ તોય મારો એ પતિ હતો. મને ઊંડો ઊંડો વિશ્વાસ હતો કે એ સુધરી જશે. પણ બધું જ નિરર્થક એ એનાં ભાઈબંધ સાથે આવ્યો ફૂલ પી ને છાકટો થયો હતો. આ ગેટ પર જ એણે બુમ બરડા શરુ કર્યા. મારા સસરાએ એને વાર્યો તો એને ધક્કો દીધો. હું સમજાવતી હતી. એ ગાળો બોલવા લાગ્યો એનાં હરામી ભાઈબંધો એને પાનો ચડાવતા હતાં. એવામાં એ રાક્ષસે સાહેબ મારી કુખ પર પાટું માર્યું સાહેબ!! કાવ્યા મારા પેટમાં હતી અને મને પાટું માર્યું સાહેબ!!! મારી કુખ પર લાત મારી એ હેવાને!! અને હું બધો સબંધ ભૂલી ગઈ બાજુમાં પડેલો લોખંડનો પાઈપ લઈને મેં સબોડવાનું શરુ કર્યું!! એનેય સબોડ્યો અને એનાં ભાઈબંધોને પણ સબોડ્યા!! કોઈ એની મદદે ના આવ્યું. શરૂઆતમાં તો નશાને કારણે એને કઈ ના થયું પણ લોખંડનો પાઈપ કાઈ એનો સગો થાય!! સરખાઈના ઝૂડી નાંખ્યા એને અને એના ભાઈબંધને!! સાહેબ પછી તો એ ત્રણેય હાથ જોડતા તા બરાડા પાડતા હતાં.હું એને મારતી ગઈ સાહેબ!! પાઈપ વળી ગયો ત્યાં સુધી ત્રણેય ને ઠમઠોરી નાંખ્યા સાહેબ!! આખી સોસાયટી ભેગી થઇ ગઈ વરસાદ શરુ થઇ ગયો હતો. ત્રણેય પડ્યા હતા શેરીની વચાળે!! હું ઘરે આવીને સુઈ ગઈ!! આખી રાત રડી માસી!! મારા ભાગ્ય પર રડી!! સવારે જોયું તો એ જતાં રહ્યા હતાં.

દસેક વાગ્યે પોલીસની જીપ આવી. એક લેડી પીએસઆઈ અને એક પુરુષ કોન્સ્ટેબલ ઉતર્યા!! મારા ઘર આગળ આવીને મને કીધું કે તમારે પોલીસ સ્ટેશન પર આવવાનું છે ,તમારી પર ફરિયાદ થઇ છે મેં ધરપકડ વોરંટ માંગ્યું એની પાસે નહોતું. સોસાયટી આખી ભેગી થઇ પોલીસનો હુરિયો બોલાવ્યો. મેં એને કીધું કે એમાં એક પોલીસવાળો ફૂલ થઈને હતો પેલાં એનું મેડીકલ કરાવો. આખી સોસાયટી તૈયાર થઇ બાયું અને ભાયું બધાજ નીકળ્યાં બધાએ કીધું કે અમારે એ ત્રણ વિરુદ્ધ ફરિયાદ કરવી છે એ ત્રણ કાલે અહી ગાળો બોલતા હતાં. પોલીસ વાળા ભાગ્યા ફટાફટ!! બસ પછી આ બાજુ પોલીસ આવી જ નથી.

મારા સાસુ સસરાએ મને ટેકો આપ્યો. ત્રણ દિવસ પછી એ હેવાન આવ્યો. સાથે શાળાના સંચાલકો અને એક બે બહેનો હતાં. સમાધાન માટે એ લોકો આવ્યાં હતાં. પણ મારી કુખ પર પાટું મારનાર સામે હું કોઈ જ સમાધાન નથી કરવાની એમ મેં સ્પષ્ટ કહી દીધું. મને એ શાળામાંથી શિક્ષિકા તરીકે દૂર કરી. બીજી જગ્યાએ મેં પ્રયત્નો કર્યા પણ કોઈ મને નોકરી આપવાં તૈયાર નહોતું,!! સગા ધણીને સબોડે એને કોણ રાખે??

છેવટે મે ઘરે ભણાવવાનું શરુ કર્યું.!! એક આ ડબ્બો રાખ્યો છે. ચેતનાએ મને ડબ્બો બતાવ્યો. શરૂઆત આ સોસાયટીથી કરી છે. દીકરીઓને ભણાવું છું. મહિનાના અંતે જેને જે યોગ્ય લાગે એ રકમ નાંખી દે!! કોઈ પાસે ઉઘરાણી નહિ સાહેબ!! પછી તો આજુબાજુની સોસાયટી ની છોકરીઓ પણ આવવા લાગી હવે ના પાડવી પડે છે માસી કે જગ્યા નથી.અને મહીને આ ડબ્બામાંથી ૫૦૦૦૦ જેટલા મળી રહે છે અલગ અલગ પાળીમાં ૨૦૦ કરતાં વધારે છોકરીઓ આવે છે સાહેબ!! આ છે મારી વાત સાહેબ!! આવી જ રીતે જીવન સામે લડી રહી છું” ચેતના એ પૂરું કર્યું એની આંખોમાં આંસુ હતાં.

“એવું હોય તો એનાથી છૂટાછેડા લઇ લેવાય, બીજું સારું પાત્ર જોઇને લગ્ન કરી લેવાય”?? મેં એને કહ્યું.

“વાત તો સાચી સાહેબ પણ મારા સાસુ સસરાનું શું??? એક માં બાપ ને દુભવીને મેં લગ્ન કર્યા પણ મારા સાસુ સસરાનું શું સાહેબ?? એતો એકદમ ભોળા અને ભગવાનના માણસ છે આજ એ લગ્નમાં ગયાં છે બીજે એક સંબંધીને ત્યાં નહીતર તમને મળત.. સાહેબ એણે આ મકાન મારા નામે કરી દીધું. મારા સસરાના સગા અને કુટુંબ આવ્યું હતું એને સમજાવવા પણ એણે કહી દીધું કે સંદીપ આ ઘરમાં નહિ રહે મારી દીકરી ચેતના અને કાવ્યા જ આ ઘરમાં રહેશે, મારી માટે એણે એનાં દીકરાનો ત્યાગ કરી દીધો એને હું મૂકી ના શકું સાહેબ!! અને હું શું કામ છૂટાછેડા આપું?? એને એમને એમ લબડાવવાનો છે સાહેબ!! હજુ તો એનો બદલો લેવાનો બાકી છે સાહેબ બસ આ કાવ્યા મોટી થાય ને પરણી જાય પછી એ હેવાનની વાત છે સાહેબ” ચેતના બોલતી વખતે ધ્રુજતી હતી.

“સહુની ભૂલ થાય બેટા, હવે એને પસ્તાવો થતો હોય તો સુધારી લેવાય, માફ કરવામાં મજા છે, જગતમાં સહન કરનાર જીતે છે, એની ભૂલનું પરિણામ એ ભોગવી ચુક્યો હોય એને પસ્તાવો થતો હોય તો હું સમાધાન કરાવી આપું , એક બીજા સામે બેસીને વાત કરી લો ઘીના ઠામમાં ઘી પડી જશે” મેં કહ્યું.

“હાહા હાહા માસી સાહેબ હમણા હમણા લખવાના રવાડે ચડ્યા છે ને એટલે એને આવું સુજે માસી!! પણ સાહેબને ખબર નથી માસી કે અમુક નાલાયકો માફીને પાત્ર નથી. જીવન બરબાદ કરી નાંખ્યું માસી એણે મારું!! હું ક્યાય જતી નથી બહાર, જ્યારથી આ પ્રસંગ બન્યો ત્યારથી હું કોઈ જગ્યાએ જતી નથી. ઘરમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો મારી પાસે ભણવા આવતી દીકરીઓ પાસે મંગાવી લઉં. પ્રસંગ હોય તો મારા સાસુ સસરા જઈ આવે. બસ મારી કાવ્યા અને આ મારું ઘર એ જ મારું વિશ્વ છે, કોઈને વાત કરવાનો મોકો જ નથી આપ્યો ને મેં!! બહાર જાવ તો વાત થાયને મારી?? નહીતર મનેય અરમાન હતાં મારા બાળક સાથે અને પતિ સાથે!! મારી પણ ઘણી ઈચ્છાઓ હતી પણ એ મેં દબાવી દીધી છે. લોકો પરિવાર સાથે કેવા ફરતાં હોય છે નહિ?? પણ મારી ભૂલ મનેજ નડી છે સાહેબ, મને જ નડી છે. બસ હવે તો એ સડી સડીને મરે એમાજ મને રસ છે. એ શાળામાંથી તો એનેય કાઢી નાંખ્યો છે ડભોલી બાજુ છે ક્યાંક કોઈ સોસાયટીમાં વોચમેન છે એવા સમાચાર છે. સવાર સાંજ ખાવા પીવાનું મળી રહે છે. પી ને જ્યાં ત્યાં પડ્યો રહે છે. ઘરે સબંધીઓ આવે એ વાત કરે મારા સસરાને એટલે મને આ બધી ખબર પણ જેવી હું આવું એટલે એ વાત ના કરે મેં તો મારા સસરાને કીધેલું કે તમને જયારે મળવાનું મન થાય ત્યારે મળી આવજો પણ એ નથી મળતાં અને જે એને વાત કરે એને પણ હવે એ ખીજાય છે. વચ્ચે ક્યાંક હોસ્પીટલમાં દાખલ કર્યો હતો એને પણ મારા સાસુ કે સસરા એની ખબર કાઢવા પણ નથી ગયાં” ચેતના બોલી.

“એક ભૂલ તો ભગવાન પણ માફ કરે ચેતના અને તું તો સમજુ છો, હજુ કહું તને કે ખરેખર જો એને પસ્તાવો હોય તો માફ કરી દેવાય” હું બોલ્યો.

“પણ હું ભગવાન નથી મારે ભગવાન થવું પણ નથી, માસી તમે ચા જ પીઓ છો ને એય ડબલ એલચી વાળી અને સાહેબ માટે કોફી બનાવી લાવું” એમ કહી ચેતના રસોડામાં ગઈ. કાવ્યા પાણી લઈને આવી. અમે ચા અને કોફી પીધી. મેં કાવ્યાને ૫૦૦ની નોટ આપી.ચેતના બોલી.

“સાહેબ આશીર્વાદ આપો કે એ મારા જેવી જ થાય, ભલા અને ભોળાનો જમાનો ગયો સાહેબ” પછી તો લગ્નવિધિ પૂરી થઇ ગઈ હતી કન્યા વિદાયનો સમય આવી ગયો હતો. કન્યા બધાને મળી મળીને રડતી હતી, વાતાવરણ એકદમ ભારેખમ બની ગયું હતું. ચેતનાને મળી અને કન્યા ખુબ જોરથી રડી. ચેતના પણ ખુબ જોરથી રડી પડી હતી.કારણ હું જાણતો હતો. ચેતના એનાં ભાગ્ય પર રડી રહી હતી.

એક વખતની ચેતના ધ ચેમ્પિયન આજ ભાગ્યની સામે મુકાબલો કરી રહી હતી. પ્રસંગ પતી ગયો હતો. ચેતના મારી પત્નીને ભેટી પડી અને અમે છુટા પડ્યા કાવ્યા એમની બાજુમાં ઉભી હતી.


લેખક : મુકેશ સોજીત્રા

૪૨,શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ, મુ.પો ઢસાગામ તા.ગઢડા જી.બોટાદ પીન ૩૬૪૭૩૦