Daily Archives: October 21, 2017

ડો. શરદ ઠાકર ની કલમે…

Standard

ડો. શરદ ઠાકર ની કલમે…

(સૌને દિવાળી મુબારક…)

*આ ટેરવાંની ટોચ પર દેરી બનાવીએ, ને ૧૦૮ મણકાઓને એમાં સ્થાપીએ*

લો, ત્રિવેદીસાહેબ! શું આપું? તમે મારી ઘરવાળીને જીવનદાન આપ્યું છે. હું બહુ રાજી થયો છું. જે માગો તે આપવા તૈયાર છું. બોલો, શું જોઇએ છે?’ આજથી બરાબર એક વર્ષ પહેલાં પ્રદીપભાઇ પાટની નામના એક રાજસ્થાની સજજને ઉપરના વાકયો ડો.. ત્રિવેદી સાહેબની સામે જોઇને ઉરચાર્યા. ડો.. ત્રિવેદી સાહેબ એટલે અમદાવાદની કિડની ઇન્સ્ટિટયૂટના સંસ્થાપક અને ડિરેકટર ડો..એચ.એલ. ત્રિવેદી.

પ્રદીપભાઇની ભામાશાઇ ઓફર સાંભળીને ડો.. ત્રિવેદી સાહેબ હસ્યા, ‘તમે જો આપવા માટે તૈયાર હો, તો મારે એક ચીજની જરૂર છે. પણ જોજો હોં, એક વાતની ચોખવટ પહેલાં જ કરી લઉ છું. તમને ચૂકવવા માટે મારી પાસે ફૂટી કોડિયે નથી.’

આ શબ્દો કાનમાં જાય અને આંખોમાંથી આંસુ ખરી પડે એવી આ કબૂલાત છે કારણ કે મૂળ વાત સ્વૈરિછક ગરીબીની છે. એક જમાનામાં કેનેડામાં સૌથી ધનવાન ઇલાકામાં પોશ બંગલામાં રહેતો અને દેશભરમાં સૌથી મોટી રકમનો ઇન્કમટેકસ ચૂકવતો આ સૂટેડ-બૂટેડ જીનિઅસ દેવદૂત એ કુબેરનો વૈભવ છોડીને પોતાના વતનના ગરીબ સુદામાઓના ઉદ્ધાર માટે અમદાવાદમાં આવી ગયો અને સેવાની ધૂણી ધખાવીને બેસી ગયો.

રોલ્સ રોયસ ખરીદી શકવાની ત્રેવડ ધરાવતો માણસ અત્યારે ગાલ પરની કરચલીઓમાંથી ભોળુ સ્મિત ઊપસાવીને નિખાલસપણે કબૂલી રહ્યો હતો, ‘ભાઇ, મારી પાસે પૈસા નથી.’

બેરિસ્ટર બન્યાં છતાંયે જીવનભર લંગોટી પહેરીને ફરેલા મહાત્મા યાદ આવી જાય. ભારતના નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી હોવા છતાં તૂટેલી દાંડલીવાળા ચશ્માની એક જ જોડથી આયખું પૂરું કરી નાખનાર સરદાર પટેલ યાદ આવી જાય. મુખ્ય કારણ સ્વૈરિછક ગરીબીનું છે.

ભિખારીની ગરીબી જોઇને આપણો હાથ ખિસ્સામાં જાય છે, મદદનું પાકીટ કાઢવા માટે, પણ મહાનુભાવોની ગરીબી જોઇને હાથ ખિસ્સામાં જાય છે એ આંસુ લૂછવાનો રૂમાલ કાઢવા માટે.

ત્રિવેદી સાહેબ અને પ્રદીપભાઇ વચ્ચે થયેલા આ સંવાદ પાછળ પથરાયેલી ઘટના શી હતી? ૨૦૦૭ની સાલ. ડિસેમ્બરની ઘટના. જયપુરમાં વસેલા પ્રદીપભાઇના પત્ની સરોજબહેનની બંને બાજુની કિડની ખલાસ થઇ ગઇ. ડાયાલિસીસ કરાવી-કરાવીને શારીરિક, આર્થિક અને માનસિક રીતે તૂટી ગયાં. આખરે કો’કે માહિતી આપી, ‘બેસી શું રહ્યાં છો? પહોંચી જાવ અમદાવાદ. બેસાડી આવો નવી કિડની.’

આંગળી ચીંધનાર તો પુણ્ય કમાઇને સરકી ગયો. પ્રદીપભાઇ મરણોન્મુખ પત્નીને લઇને ત્રિવેદી સાહેબ પાસે હાજર થયા.

ડો.. ત્રિવેદી સાહેબે સરોજબહેનની તપાસ કરી. લોહીના પરીક્ષણો કરાવ્યા. સીરમ ક્રિયેટીનનું પ્રમાણ ભયજનક હદે ઊચું હતું. એમણે કહ્યું, ‘ભાઇ, તમારા પત્નીની હાલત તો તદ્દન ખરાબ છે. ઓપરેશન કરવામાં સહેજ પણ મોડું થશે તો સો ટકા…’

‘આપણે મોડું નથી કરવું, સાહેબ! તૈયારી શરૂ કરી દો.’ પ્રદીપભાઇ એમની સમજ પ્રમાણે બોલી ગયા. પણ તબીબી શાસ્ત્રની સમજ કંઇક બીજું જ કહી રહી હતી. સરોજબહેન માટે જે બે-ત્રણ નિકટના દાતાઓ પોતાની કિડની આપવા માટે તૈયાર થયા, એમાંથી એક પણ જણની કિડની એમનાં શરીરમાં ભાણે ખપતી ન બેઠી. હવે શું કરવું?

આ સવાલનો જવાબ કદાચ ભગવાન પાસે હતો. સુરત ખાતે રહેતાં રમાબહેન વિરડિયા નામનાં વૃદ્ધ બ્યાંસી વર્ષની ઉમરે મૃત્યુ પામ્યાં. એમનાં સ્વજનોએ કિડનીદાનનો પવિત્ર સંકલ્પ જાહેર કર્યો.

ત્રિવેદી સાહેબને જાણ કરવામાં આવી. બધું નેશનલ સિકયોરિટી ગાર્ડઝના કમાન્ડો ઓપરેશનની જેમ ગોઠવાઇ ગયું. સ્ફૂર્તીપૂર્વક, ચોક્કસાઇપૂર્વક અને સલામતીપૂર્વક.

ચોથી ડિસેમ્બરના રોજ શસ્ત્રક્રિયા સંપન્ન થઇ ગઇ. એક આથમી ગયેલી કારનું એન્જિન બીજી ખોટકાઇ પડેલી કારનાં બોડીમાં ફરી પાછું ધબકતું થઇ ગયું. આશા ગુમાવીને આવેલો પતિ જીવતી-જાગતી, સાજી-સમી પત્નીને લઇને જયપુર જવા માટે તૈયાર થયો.

છેલ્લા દિવસે મળવા માટે ડો.. ત્રિવેદી સાહેબની ચેમ્બરમાં આવ્યો, ‘રજા આપો, સાહેબ! જઇએ છીએ.’

‘બિલની રકમ ભરી દીધી?’ ડો.કટર સાહેબે ચશ્માના કાચમાંથી વેધક સવાલ પૂછી લીધો.

‘ભરી દીધી.’

‘સો એ સો ટકા પૈસા ભર્યા ને! તમારી રાજસ્થાની લોકોની આદત હું જાણું છું. તિજોરીમાં લાખો રૂપિયા હોય તેમ છતાં ફીમાં માફી માગવામાં તમે પાછાં ન પડો.’ સાહેબે હળવી મજાક કરી.‘સાહેબ, તમારો અભિપ્રાય ખોટો નથી, પણ અમે મારવાડીઓ પણ ઘર જોઇને વાત કરીએ છીએ.’

‘તો કરો વાત… અમારું ઘર જોઇને શું કહેવાનું મન થાય છે?’

‘સાહેબ, સાચું કહું? સારવારનો તમામ ખર્ચ પૂરેપૂરો ચૂકવ્યા પછી પણ મને એમ થયા કરે છે કે અમે હજુ તમને કશું જ આપ્યું નથી. બોલો, શું જોઇએ છે? તમે જે માગશો તે આપીશ.’

‘ભાઇ, મારે એક ચીજ માગવી છે, પણ જોજો હોં! મારી પાસે તમને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી.’ સત્યોતેર વર્ષના ત્રિવેદી સાહેબ સાત માસના બાળક જેવું નિર્દોષ હસી પડયા.

પ્રદીપભાઇ લગભગ રડી પડયા, ‘સાહેબ, તમે જ આપેલી જિંદગી છે. જો કહો તો માથાં ઉતારી આપીયે.

‘ના ભાઇ, મારે તો એક સરસ્વતી માતાની મૂર્તિ જોઇએ છે.’

‘કેટલા કદની?’

‘બહુ મોટી નહીં. એ તો મોંઘી પડે. બસ, આ મારા અડધા હાથ કરતાંયે નાની હશે તો ચાલશે, મારા ટેબલ ઉપર મૂકી શકાય તેવડી. આપી શકાશે?’ ‘જોઉ છું.’ પ્રદીપભાઇ હસ્યા, પત્નીની સામે જોયું અને પછી રવાના થઇ ગયા.

દિવસો ગયા, સપ્તાહો વિત્યા, મહિનાઓ પસાર થઇ ગયા. મૂર્તિ ન આવી. ત્રિવેદી સાહેબે પણ એ વાત મનમાંથી કાઢી નાખી. બરાબર એક વર્ષ પૂરું થવા આડે એક મહિનાની વાર હતી, ત્યારે જયપુરથી રવાના થયેલો એક ટ્રક કિડની સંસ્થાના આંગણે આવીને ઊભો રહી ગયો.

પ્રદીપભાઇએ ત્રિવેદી સાહેબ સમક્ષ આવીને બે હાથ જોડયા, ‘પધારો, સાહેબ! મા સરસ્વતીની મૂર્તિનો સ્વીકાર કરો!’ ત્રિવેદી સાહેબને જે દ્રશ્ય જોવા મળ્યું તે સ્તબ્ધ કરી મૂકે તેવું હતું. ટ્રકમાં તેર આવરણની અંદર એક વિશાળ કદની સંગેમરમરની રૂપાળી મૂર્તિ હતી.

એ મૂર્તિનો આપનાર વિનમ્ર ભાવે બોલી રહ્યો હતો, ‘માફી ચાહું છું, સાહેબ, આટલી બધી દેરી થઇ ગઇ એના માટે. પણ થયું એવું કે મારી ઇરછા એવી હતી કે આખી મૂર્તિ આરસના એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે. તકલીફ ત્યાં જ ઊભી થઇ.

આરસની ખાણમાંથી એક મોટો પથ્થર ખોદીને બહાર કાઢવામાં આવ્યો, પણ એમાં સહેજ સાજ ડાઘા હતા. માતાની મૂર્તિમાં દાગ હોય તે કેમ ચાલે? પથ્થર રદ કરી દીધો. બીજી વાર મોટો ખડક જેવો ચોસલો ખોદી કાઢયો. એ સાફ જણાયો. મૂર્તિની કોતરણી ચાલુ કરી દેવામાં આવી, પણ અડધે પહોંરયા ત્યાં એક નાનો ડાઘ દેખાયો. એ ચોસલું પણ રદ કરી દીધું.’

‘અરે, એવું શા માટે કર્યું? એવો એકાદ ડાઘ તો ચાલે.’

‘ના, સાહેબ, ન ચાલે. મૂર્તિ કોની બનાવવાની હતી! અને કોના માટે બનાવવાની હતી! આખરે ત્રીજી વારનો માર્બલ સ્વરછ, એક પણ ડાઘ વિનાનો નીકળ્યો. જયપુરના શ્રેષ્ઠ શિલ્પકારોએ એમાંથી મા સરસ્વતીનો આકાર ઘડયો.

એ ખંડિત ન થાય એ ખાતર એની ફકત તેર-તેર નવાનકોર ગાદલાનું પેકિંગ વિંટાળ્યું અને…’ ‘એક વાત પૂછું, ભાઇ! આ મૂર્તિ પાછળ ખર્ચ કેટલો થયો?’

‘એંશી હજાર રૂપિયા થયા, સાહેબ! મા સરસ્વતીની સંગેમરમરની આ દિવ્ય મૂર્તિ કિડની સંસ્થાની પાછળના ભાગમાં આવેલા સભાગૃહના પ્રવેશદ્વાર પાસે વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા પામ્યાં પછી અત્યારે શોભી રહી છે.

આ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પણ વાઘબારસના શુભ દિવસે સંસ્થાના જ એક દર્દી વિરંચી પાઠકે કરાવી આપી. એમણે કહ્યું ત્યારે ખબર પડી કે વાઘબારસ એટલે ખરેખર તો વાક્બારસ છે! વાણીની ઉપાસનાનું પર્વ અને વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને સુયોગ એ સાચે જ કેવી પવિત્ર ઘટના ગણાય!

સાભાર : ખંજન અંતાણી

ભાઈ બીજ

Standard

કારતક સુદ બીજ ભાઇબીજ અથવા યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ પવિત્ર દિવસે જે મનુષ્યો ‘યમુના’ નદીમાં સ્નાન કરી યમીદેવીનું અર્ચન-પૂજન કરે છે તે આત્યંતિક કલ્યાણના અને સ્વર્ગના અધિકારી બને છે. આ પરમ પવિત્ર દિવસે યમદેવનું પૂજન કરવામાં આવે તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. હ્રદયની ભાવનાને ભવનાશીની કહીં છે.

શ્રાવણ માસની બીજ ‘કલુષા’ કહેવાય છે. ભાદરવાની બીજ ‘નિર્મલા’, આસો માસની બીજ ‘પ્રેતસંચાર’ અને કારતક સુદ બીજ ‘યામ્યા’ નામે પ્રસિદ્ધિ પામી છે. ‘કલુષા’ બીજના દિવસે વ્રતધારી પ્રાયશ્ચિત કરે છે; ‘નિર્મલા’ બીજના દિવસે વિદ્યાદેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. ‘પ્રેતસંચાર’ બીજના દિવસે શ્રાદ્ધનું મહત્વ છે અને ભાઇબીજના દિવસે ‘યમ પૂજન’ મહિમા મોટો છે. આ પર્વ આપણા ધર્મનું અવિભાજ્ય અંગ છે.

ભાઇબીજની વ્રતકથા આ પ્રમાણે છેઃ
‘યમ’ અને ‘યમી’ ભાઇ બહેન હતાં. યમી એટલે યમુના નદી. યમી તો રોજ પોતાના ભાઇને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે, પણ યમરાજને ઘડીનાયે ફુરસદ નહિ. કોઇનો ન્યાય તોળવો, કોઇને સજા કરવી વગેરે પ્રવૃતિમાંથી જ નવરા ન થાય, પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે? એવામાં ભાઇબીજનો પવિત્ર તહેવાર આવ્યો. એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ એટલે યમ બહેનને ઘેર જમવા આવ્યા. બહેન તો ભાઇને પોતાને આંગણે જોઇ આનંદવિભોર બની ગઇ. બહેને પ્રેમપૂર્વક રસોઇ બનાવી અને બત્રીસ જાતનાં ભોજન ભાઇને આગ્રહપૂર્વક જમાડ્યાં.

ભાઇ યમ યમીને કહે છેઃ “બહેન! માગ માગ”
ભાવનાની ભેટ અમૂલ્ય છે, આથી બહેન યમીએ ભાઇ પાસે પાંચ વસ્તુઓ માગીઃ (૧) આજે બહેનને ત્યાં જે ભાઇ જમે તેનું મોત કમોતે ન થાય અને તેને યમરાજનાં તેડાં જ આવે. (૨) દર ભાઇબીજે મારે ત્યાં તમારે જમવા આવવું (૩) જે ભાઇ આજે યમુના સ્નાન કરે, તેની સદ્ગતિ થાય (૪) આ પવિત્ર દિવસે યમુના સ્નાન કરનાર ભાઇનું આયુષ્ય બધે અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે (૫) આજે ‘યમપૂજા’ કરવાથી યમ પ્રસન્ન થાય

યમે તથાસ્તુ કહ્યું. ભાઇએ બહેનનાં ચરણે અતિ કીંમતી ભેટો ધરી, વ્રત કરી હસતે મુખે વિદાય લીધી. બહેન યમીએ તો નિઃસ્વાર્થ સેવાભાવે સંસારના સઘળાં ભાઇ-બહેનનું કલ્યાણ કરી દીધું. ભાઇ યમરાજ અને બહેન યમી સૌનું ભલું કરે. જો કોઇ કારણસર બહેનને ઘરે જમવાનું ન બની શકે તો કથા સ્મરણ કરવું.

જો નાની બહેન ન હોય તો મોટી બહેન, મિત્રની બહેન, મામા, માસી, કાકાની દીકરી, ધર્મની બહેનને ત્યાં જમવા જવું અને શક્તિ અનુસાર દાન આપવું. શ્રાવણ માસની બીજ હોય ત્યારે કાકાની દીકરીને ત્યાં ભોજન લેવું. ભાદરવા માસની બીજના દિવસે મામાની દિકરીના ઘેર જમવું. આસો માસની બીજના દિવસે માસી અથવા ફોઇની દિકરીનું આમત્રણ સ્વીકારવું અને કારતક સુદ બીજના (ભાઇબીજ) દિવસે પોતાની સગી બહેનના ઘેર ભોજન લેવું. આથી ધન-યશની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળીભૂત થાય છે, બળ અને આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે, આરોગ્યની વૃદ્ધિ થાય છે.

અનિવાર્ય સંજોગોને લીધે ભાઇબીજને દિવસે ભોજન ન લઇ શકાય તો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાની બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેનું પુણ્ય નષ્ત થતું નથી અને આયુષ્યનો કદાપિ ક્ષય થયો નથી.
यमद्वितियां यः प्राप्य, भगिनी ग्रहभोजम् ।
न कुर्याद्वर्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम् ॥