Daily Archives: October 24, 2017

!!મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા!!

Standard

         (ગોંડલ સ્ટેટ)

👉🏻!!જન્મ : ૨૪ ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ, ધોરાજી
અવસાન :– ૯ માર્ચ ૧૯૪૪
ઉપનામ :– ગોંડલ બાપુ
માતા :– મોંઘીબા
પિતા :– સંગ્રામસિંહ ભાણજી જાડેજા

👉🏻!!રાજ્યાભિષેક:– ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી.

👉🏻!!લગ્ન – (ચાર રાણીઓ) :– પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા.

👉🏻!!સંતાનો :–

ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.

👉🏻!!અભ્યાસ :-

નવ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૭૫ માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા.
૧૮૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ).
૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
૧૮૯૫ – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે

👉🏻!!વ્યવસાય : રાજકર્તા

૧૮૮૭ – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂકરી.
૧૮૯૫ – માં ફર્ગ્યુંસન કોલેજ, પૂ ના ને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રીઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સીટી ને પણ દાન આપ્યું.
૧૯૦૦ – માં ગોંડલ ગરાસીયા કોલેજની સ્થાપના કરીજે હાલ સંગ્રામજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.
૧૯૧૯ – માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી.
૧૯૨૪ – માં ગોંડલ માં ઈલેક્ટ્રીસીટી નો પ્રારંભ કર્યો.
૧૯૨૮ – માં કે.કા. શાસ્ત્રી અને અન્ય વિદ્વાનો ને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે- નવ ભાગ – માં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે.
૧૯૩૪ – માં બિહાર માં ધરતીકંપ આવતા ૧ લાખ રૂપિયા ની સહાય આપી.
૧૯૩૪ – માં ગોંડલ કોઈપણ કરવેરા રહિત નું રાજ્ય બનાવ્યું.
૧૯૩૦-૩૩ – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
૧૯૩૬ – માં વાઇસરોય લોર્ડ વિલિંગટન ની ગોંડલ રાજ્ય ની મુલાકાત.

👉🏻!!વિશેષ પ્રદાન :-

વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.

👉🏻!!સન્માન :-
૧૮૯૭ – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિતરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
૧૯૧૫ – માં ૨૭ જન્યુઆરી માં મહારાજા ની હાજરી માં ગોંડલ ખાતે રસશાળા ઔશધાલય માં રાજવૈધ જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ (ભુવનેશ્વરી પીઠ) દ્વારા ગાંધીજી ને “મહાત્મા” ની પદવી થી નવાજ્યા હતા.
૧૯૩૪ – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.

👉🏻!!જીવનપ્રસંગો

👉🏻!!૧. થાકલા

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા. મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે.

રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા. ઘોડેસવારને આવતા જોયો એટલે એ બહેને હાથ ઉંચો કરીને ઘોડા પર સવાર થયેલા મહારાજાને ઉભા રાખ્યા. મહારાજાએ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પુછ્યુ, “બોલો બહેન, શું કામ છે ?” પેલા બહેને કહ્યુ,”ભાઇ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને ?”

મહારાજા ભગવતસિંહજી પોતાના હોદાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ બહેનને ભારો માથા પર મુકવા માટે નીચે ઉતર્યા. પેલી બહેને કહ્યુ,”આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઇ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડે” મહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પુછ્યુ,”બહેન આ થાકલા એટલે શું ? ” પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યુ, ” માણસની ઉંચાઇ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઇ શકે અને જ્યારે ફરી આગળ વધવુ હોય ત્યારે કોઇ ભારો ચડાવવા વાળાની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ઉપર રાખેલા ભારાને સીધો પોતાના માથા પર લઇ શકે.” માથે ભારો ચડાવીને મહારાજા તો વિદાય થયા.

મહારાજા જ્યારે પોતાનું કામ પતાવીને ગોંડલ પરત આવ્યા એટલે તુરંત જ મુખ્ય ઇજનેરને મળવા માટે બોલાવ્યો. મુખ્ય ઇજનેર આવ્યો એટલે સર ભગવતસિંહજીએ એને થાકલા વાળી વાત કહીને સુચના આપતા કહ્યુ કે રાજ્યના તમામ રસ્તાઓ પર દોઢ માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી દો જેથી મારા રાજ્યની કોઇ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઇની રાહ ન જોવી પડે અને કોઇના ઓસીયાળા ના રહેવું પડે. આ થાકલાનો માઇલસ્ટોન તરીકે પણ ઉપયોગ કરો જેથી ઉભા કરેલા થાકલાથી નજીકનું ગામ કેટલું દુર છે એની પણ વટેમાર્ગુને ખબર પડે.

ગોંડલ રાજ્યની પ્રજાના પ્રિય એવા ભગાબાપુએ તૈયાર કરેલા એ થાકલાઓ આજે પણ ગોંડલ રાજ્યના મુખ્ય માર્ગો પર જોવા મળે છે.(ફોટામાં રહેલા આ થાકલાઓ જોઇને બળબળતી બપોરે પણ આંખોને ન વર્ણવી શકાય એવી થંડક મળે છે.) જ્યારે જ્યારે હું મારા મામા ના ગામ મોવિયા જાવ છું ત્યારે રસ્તામાં આ થાકલાઓ જોઇને એવુ થાય કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી કેવી સારી ?

બીલખાના મહારાજાએ એની ડાયરીમાં એવી નોંધ કરેલી છે કે ‘ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જોવા માટે તમારે હાથમાં નકશો લેવાની જરુર જ નહિ. આંખ બંધ કરીને ઘોડાગાડીમાં બેસો તો પણ ગોંડલ આવે એટલે તમને ખબર પડી જાય કારણકે સમથળ રસ્તાઓને કારણે રોદા આવતા બંધ થઇ જાય અને ગોંડલની હદ પુરી થતા ફરી રોદા આવવાના શરુ થઇ જાય.’

એક એ ગોંડલ હતુ અને એક આજનું ગોંડલ છે . આજે વર્તમાન સમયે પણ ગોંડલની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જાણવા માટે નકશો હાથમાં લેવાની જરૂર નહી. આંખો બંધ કરીને બેસો. રોદા આવવાના શરુ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલ આવ્યુ અને રોદા આવતા બંધ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલની હદ પુરી.

સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાશનને શત શત વંદન…🏻

👉🏻!!૨. સામાન્ય નાગરિક

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીને જેટલો પ્રેમ એના રાજ્યની પ્રજા પર હતો એટલો જ પ્રેમ પર્યાવરણ પ્રત્યે પણ હતો. મહારાજા સાહેબે ગોંડલમાં ‘કૈલાસબાગ’ નામનો એક વિશાળ બગીચો બનાવેલો જેમા તમામ પ્રકારના ઔષધિય વૃક્ષો અને ફળ-ફુલ વાવેલા. ભગવતસિંહજી આ બગીચાની ખુબ માવજત કરાવતા અને રોજ બગીચાની મુલાકાત લેતા. એકવખત ભગવતસિંહજીના સૌથી નાના કુંવર નટવરસિંહ બગીચામાં રમવા માટે આવેલા. કેળાની એક સરસ લુમ જોઇને નટવરસિંહે બગીચાના માળીને કહ્યુ કે મને આ લુમ ઉતારી આપો મારે જોઇએ છે. બગીચાના માળીએ કુંવરને સમજાવતા કહ્યુ, ” કુંવર સાહેબ, મહારાજાની આજ્ઞા છે કે એમની મંજૂરી વગર કોઇ ફળ ફુલ તોડવા નહી માટે મને માફ કરજો હું આપને એ કેળાની લુમ નહી આપી શકુ. એકવખત મહારાજા સાહેબની મંજૂરી મળી જાય એટલે હું આપને આ કેળાની લુમ ચોક્કસ આપીશ.” રાજકુમાર ના સાંભળવા માટે ટેવાયેલા નહી આથી ખુબ ગુસ્સે ભરાયા અને માળીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. એણે માળીને કહ્યુ, ” તું જેની મંજૂરી લેવાની વાત કરે છે એ તારા મહારાજા મારા બાપુ છે અને હું કહુ છું કે મને કેળાની લુમ આપ. માળીએ કેળાની લુમ કાપીને કુંવરને આપી.” સાંજે જ્યારે મહારાજા ભગવતસિંહજી ફરવા માટે બગીચામાં આવ્યા ત્યારે એની ચકોર નજર પારખી ગઇ કે બગીચામાંથી કેળાની એક લુમ ગાયબ છે. એણે આ બાબતે માળીને પુછ્યુ ત્યારે માળીએ સવારે બનેલી બધી જ વાત વિગતે મહારાજા સાહેબને કહી સંભળાવી. મહારાજે માળીની વાત સાંભળ્યા પછી તુરંત જ માળીને કહ્યુ, ” હું માત્ર નટવરસિંહનો જ નહી ગોંડલ રાજયની તમામ પ્રજાનો બાપુ છું. હું તમારો પણ બાપુ છું અને તમને તમાચો મારીને કુંવરે ભૂલ કરી છે. જો તમે ઇચ્છો તો કુંવર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી શકો છો એને ચોક્કસપણે સજા કરવામાં આવશે.” માળી પોતાના મહારાજાનો આ પ્રેમ જોઇને ભાવવિભોર થઇ ગયો. આજની આ લોકશાહીમાં પ્રજાનું લોહી ચુસનારા રાજકારણીઓને જોઇએ છીએ( માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ આમાં અપવાદ હોય છે ) ત્યારે એમ થાય છે કે આવી લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી શું ખોટી જ્યાં રાજકુવરને પણ એક સામાન્ય નાગરિક ગણવામાં આવતો હોય.

👉🏻!!૩. રાજા

૧૯૧૧માં જ્યોર્જ પંચમ દીલ્હી આવેલા. તમામ નાના-મોટા રાજાઓને મળવા માટે બોલાવેલા. ગોંડલના મહારાજા ભગવતસિંહજી પણ દીલ્હી ગયા હતા. જ્યોર્જ પંચમના દરભારમાં એક પછી એક રજવાડાના રાજા જ્યોર્જ પંચમના સિંહાસન પાસે જાય. જ્યોર્જ પંચમ સાથે તેનો પરિચય કરાવવામાં આવે અને પરિચય બાદ રાજા પોતાના આસન પર બેસવા માટે પાછા વળે ત્યારે પાછા પગે ચાલે જેથી જ્યોર્જ પંચમને પીઠ ન જોવી પડે અને એનું માન જળવાય.
મહારાજા ભગવતસિંહની મુલાકાત પુરી થઇ એટલે એ તો તુંરત જ પીઠ ફેરવીને પોતાની જગ્યાએ બેસવા ચાલતા થયા. જ્યોર્જ પંચમ સહીત બધાને અપમાન જેવુ લાગ્યુ. પણ મહારાજા ભગવતસિંહે કહ્યુ , ” જ્યોર્જ પંચમ રાજા હોય તો હું પણ રાજા જ છું અને જો હું પાછા પગે ચાલુ તો મારા ગોંડલ
રાજ્યની પ્રજાનું અપમાન થાય માટે મારા માટે એમ કરવું શક્ય નહોતું. ”

👉🏻!!થોડું વધારે પણ અગત્યનું

“ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા જે આજની લોકશાહી કરતા એ સમયની રાજાશાહીને ગોંડલ રાજ્યની પ્રજા વધુ પસંદ કરે.

સર ભગવતસિંહજીએ એમના શાશનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચાર આના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. આજે ગોંડલ રાજ્યની કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે.ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવી હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગતમદદનિશ તરીકે જમનાબાઇ નામની સ્ત્રીને નિમણૂંક આપી હતી.

ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા. એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દીલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.(ફોટામાં જોવા મળે છે એ પહેરવેશ તો માત્ર પ્રસંગોપાત જોવા મળતો).

કોઇ કલ્પના પણ ના કરી શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ? ભગવતસિંહજીએ ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું. રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. એકવખત ટાંચણેના ભાવમાં ઉછળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ. ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા. મહાત્મા ગાંધી, બિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.

મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા. ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે ‘સબસલામત’નો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા.( તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી).

પ્રજાની નાની-નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા. એકવખત એક ડોશીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી. પોતાનો કોઇ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ ડોશીમાંના માથા પર ભારો મુક્યો. ડોશીએ એ વખતે કહ્યુ કે ભગાબાપુ અમને ‘થાકલા’ બનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે. મહારાજા સાહેબે ડોશીમાં પાસેથી ‘થાકલા’ એટલે શું એ સમજી લીધુ અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી આપવાની સુચના આપી.( આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે. જેમાં માણસની ઉંચાઇના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મુકેલો હોયે જેના પર ભારો મુકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવુ હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઇ મદદગારની જરુર જ ન પડે)

પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે.

ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને જો વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા.

ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે…✍🏻રાજ

       

પાનેતરનો રંગ લાલ

Standard

“અરે જલ્દીથી જાગો સાહિર. સાત વાગી ગયા છે.. આજે તમારે જવાનું નથી જોગિંગમાં. ને જીમ પણ તો છે આઠ વાગ્યાનું.!”

શ્વેતાન્શી તેના પતિ સાહિરને કહી રહી હતી.. ઝાંકળભરી સવારનો સાત વાગ્યાનો સમય હતો.. શિયાળાની સવાર એટલે બહાર આમ તો અંધારું જ હતું. અથાગ પરિશ્રમ કર્યા બાદ જેવા કોઈ યૌવનાના શરીર પર ઝીણા પ્રસ્વેદ બિંદુઓ થઇ જાય તેવી દરેક પાંદડે ઝાંકળ ખીલી હતી.. ખુશનુમા આવી સવારમાં શ્વેતાન્શી તેના પતિને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી.. કે અચાનક જ સાહિરે શ્વેતાન્શીને પોતાના પર ખેંચી લીધી.

“અરે મારી રાણી, તું તો સાત વાગ્યામાં તૈયાર થઇ જાય છે.. મસ્ત મસ્ત સાડી પહેરીને તારી પાતળી કમર વડે મને મોહિત કરી દે છે.. પણ તારા બિચારા પતિ પર તો રહેમ કર.. રાતના ત્રણ વાગ્યે આવ્યો છું ઓફિસેથી. ને અત્યારમાં કેમ ઊંઘ ઉડે..?! એક કામ કર ચાલ ને તુંય સુઈ જ મારી સાથે ડાર્લિંગ.”

ને એટલું કહેતા જ સાહિરે શ્વેતાન્શીની સાડી ખેંચીને તેને પોતાના હોઠો તરફ ઢાળી દીધી. તે પ્રગાઢ ચુંબન સાહિર અને શ્વેતાન્શીના સુખી લગ્નજીવનની નિશાની હતું.

શ્વેતાંશીને સાહિર પહેલી નજરમાં જ ગમી ગયેલો. સફેદ શર્ટ અને બ્લેક ફોર્મલ ટ્રાઉઝર્સમાં આવેલો સાહિર તેની બ્લેક ફ્રેમને જયારે આંગળી વડે ઉપર નીચે કરતો હતો ત્યારે જાણે અમિતાભ બચ્ચનની કોપી જ લાગતો. છ ફૂટની હાઈટ અને ખડતલ દેહ.. રાજેશ ખન્ના જેવી મુસ્કાન ને અમિતાભ બચ્ચન જેવો અવાજ. બધી રીતે સુયોગ્ય એવો સાહિર લોકલ કંપનીમાં જનરલ મેનેજર હતો.. સામે પક્ષે શ્વેતાન્શી પણ ક્યાંય ઉતરતી નહોતી જ ને વળી.. કથકમાં વિશારદ કરી ચુકેલી તે ચોવીસ વર્ષની ઉંમરે શહેરની પ્રખ્યાત કોલેજમાં પ્રોફેસર હતી.. રંગે ને રૂપે પુરી એવી શ્વેતાન્શી પણ પાંચ આઠની હાઈટ ધરાવતી હતી. ફુલગુલાબી અધરો અને નિર્દોષ મુસ્કાને કંઈ કેટલાયને આજ સુધી ઘાયલ કર્યા હતા.. તે હંમેશા કોલેજમાં સાડી પહેરીને જ જતી.. એટલે પેલી મેહુનામાં સુસ્મિતા સેન જેવી લાગતી તેવો જ શ્વેતાન્શીનો વટ હતો.. પરંતુ તેનો શાહરુખ તેને પિતાજીએ ગોઠવેલી લગ્ન માટેની મુલાકાતમાં મળી ગયો.. તેને પહેલેથી જ એરેન્જ મેરેજ કરવા હતા.. સાહિરના પિતાજી અને તેના પિતાજી બન્ને મિત્રો હતા.. અને તેમની એ મિત્રતા હવે સંબંધમાં ફેરવાઈ ગઈ હતી..

લગ્ન પછી શ્વેતાંશીનો સંસાર ખુબ સુખી હતો.. સાહિર તેને અત્યંત પ્રેમ કરતો. સાસુ-સસરા તો ભગવાનના ઘરના માણસ હતા.. સો ટચના સોના જેવા બિલકુલ. કોઈ બાબતમાં ખોટી કચકચ જ નહીં.. શ્વેતાન્શી અને સાહિર રોજ રાતના બહાર ફરવા જતા… લગ્ન નવા નવા હોય ને જાય તો બરાબર પણ આ તો લગ્નના ત્રણ વર્ષ પછી પણ બંને આ રીતે જ બહાર જતા.. તેમના મિત્રો અને સંબંધીઓ પણ કહેતા કે નજર ના લાગે કોઈની એવી સુંદર જોડી છે બંનેની.

“સાહિર, બસ હવે હો… ચાલો જવા દ્યો મને.. હું આમ સુઈ ના રહું કાંઈ. કોલેજના કેટલા પેપર્સ તપાસવાના છે અને પછી આજે મમી પાપાને લઈને મંદિરે દર્શન કરવા પણ જવાનું છે.. મમી કહેતા હતા કે હમણાંથી ક્યાંય ગયા નથી તો આજે બધા જ મંદિરોના દર્શન કરી આવીએ.!”

“બસ આ જ વાત તો મને તારી ગમે છે સ્વીટહાર્ટ. તું મારું ધ્યાન તો રાખે જ છે.. સાથે સાથે ઘરની તમામ જરૂરિયાતો અને માતા પિતાનું ધ્યાન પણ એટલું જ રાખે છે.. તને કોઈ પ્રકારની કચકચ નથી.. ભગવાન જન્મોજન્મ તારા જેવી પત્ની મને આપે..!!”

“બસ બસ હવે.. બહુ વહાલ કર્યું હવે.. ચાલો હું જાવ હવે રસોડામાં. આજે મમી-પાપા માટે ગરમ ગરમ ઉપમા બનાવવો છે.. તમને તો ભાવતા નથી ને સાહેબ એટલે તમારા માટે નાસ્તામાં પરોઠા બનાવું છું.. ચાલો તૈયાર થઈને નીચે આવો.. ને હા ગાડીની ચાવી રાખતા જજો.. આજે તમે એક્ટિવા લઈને જજો…! મમી-પાપાને રિક્ષામાં નહિ ફાવે.!”

વાતચીતનો દોર પૂરો કરી શ્વેતાન્શી સાહીરથી અળગી થઈને નીચે ગઈ.. સાહિર પણ ચહેરા પર મુસ્કાન સાથે નાહવા ગયો.. કપડાં ને બધું જ શ્વેતાન્શી બાથરૂમમાં મૂકીને રાખતી.

શ્વેતાન્શી જે કોલેજમાં પ્રોફેસર હતી ત્યાં તેની ડેસિંગનેશન હવે સિનિયરની થઇ ગઈ હતી.. કોલેજના છોકરાઓ હોય કે પ્રોફેસર્સ બધાને શ્વેતાન્શીનો સ્વાભાવ અને તેની ભણાવવાની પદ્ધતિ ખુબ જ ગમતી. રોજ સવારે તે સાહિરને જગાડીને તેના માટે અને સાસુ-સસરા માટે ગરમ ગરમ નાસ્તો બનાવતી. નાસ્તો બનાવીને બધા સાથે જ આઠ વાગ્યે ડાઇનિંગ ટેબલ પર બેસતા. ત્યારબાદ સાહિર નવ વાગ્યે ઓફિસે જવા રવાના થતો ગાડી લઈને અને શ્વેતાન્શી બપોરના જમણની તૈયારીમાં લાગી જતી.. અગિયાર વાગ્યા સુધીમાં જમવાનું બનાવીને તે ઘરના સઘળા કામ આટોપીને સાડા અગિયારે પોતાનું એક્ટિવા લઈને કોલેજ જવા નીકળતી. સાદગી તો તેનામાં ખૂટી ખુંટીને ભરી હતી.. તેનો પગાર સાહિર કરતા બે ગણો વધારે હતો છતાંય જ્યારે સાહિરે તેને ગાડી લઈને જવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપેલો કે,

“સાહિર, મને કોઈ ખાસ ગાડીની જરૂર નથી.. ફક્ત ભપકો ઉભો કરવા ગાડી લઈને જવાનો મતલબ નથી.. કોલેજ અહીંથી પાંચ કિલોમીટરના અંતરે જ છે.. ને તમારે ઓફિસ પંદર કિલોમીટર છે.. પાછો હાઇવે પણ ખરો ને.. એટલે તમારે વધારે જરૂર છે.. હું તો આ એક્ટિવા લઈને જતી રહીશ. મને તો એમાં બહુ ફાવે છે..”

સાહિરે શ્વેતાન્શીની વાત સાંભળીને તેને ચૂમી લીધી હતી..તે જાણતો હતો કે આ બધી કહેવાની વાતો છે.. હાઇવે તો શ્વેતાંશીને પણ ક્રોસ કરવો જ પડે છે પરંતુ પોતાને એક્ટિવા લઈને ના જવું પડે તેથી તે આવા બહાના કાઢે છે.. બાકી જે કોલેજના સ્ટુડન્ટ્સ પણ ગાડી લઈને કોલેજ આવતા હોય તે કોલેજમાં પ્રોફેસર એક્ટિવામાં આવે તો કેવું લાગે.! આવું તો ઘણુંય હતું જે વર્ણન કરી શકાય તેમ નથી.. નાની નાની વાતોથી શ્વેતાન્શી સાહિરને હંમેશા એવું મેહસૂસ કરાવતી કે તેના થકી જ પોતે છે.. અને તેના વગર તે અધૂરી છે.. ત્યાં સુધી કે જમ્યા પછી સાહિરને પોતાની ડીશ ઉપાડવાની ચોખ્ખી મનાઈ ફરમાવેલી શ્વેતાન્શીએ. પાણી પીવું હોય તો સાહિર જેટલી વાર કે એટલી વાર ભરીને આપતી પરંતુ તેને રસોડામાં આવવાનું જ નહીં. તે કહેતી, “પતિનું કામ પત્નીને પ્રેમ કરવાનું છે બીજું કશું તેને ના શોભે….”

સાહિર આ સાંભળીને હંમેશા તેના પર ગુસ્સે ભરાતો. અને કહેતો, કે “શ્વેતાન્શી આવું બધું કરીને તું મને પાંગળો બનાવી રહી છે.. મારા માતા-પિતાને આ સેવાની જરૂર છે અને તારી ફરજ પણ છે.. પરંતુ આ રીતે મારા માટે તું જે કરે છે તે મારે તારા માટે પણ કરવું જ જોઈએ. તું ગૃહિણી જ છે ફક્ત એવું તો નથી.. ઘર સાથે સાથે કોલેજ પણ સંભાળે છે.. ક્યારેક તો તને પણ થાક લાગે ને સ્વીટહાર્ટ.!”

“સાહિર, થાક લાગશે ત્યારે તમને સામેથી કહીશ બસ.. ત્યારે પગ દબાવી આપશો તો પણ ના નહિ કહું.” ને વાત ત્યાં જ પુરી થઇ જતી..

શ્વેતાન્શીના કોલેજમાં આજે એન્યુલ ફન્કશન હતું તેથી ટ્રસ્ટીઝ પણ આવના હતા.. ફંક્શનની સઘળી જવાબદારી શ્વેતાન્શીએ ઉપાડેલી।. એક સફળ કાર્યક્રમ બાદ છેલ્લે જ્યારે ટ્રસ્ટીની સ્પીચનો સમય થયો ત્યારે તેમણે કહ્યું,

“આ કોલેજને એક વ્યક્તિએ પોતાનું મંદિર માન્યું છે.. તેમના અથાગ પરિશ્રમને કારણે કોલેજ આજે એક એવા મુકામ પર પહોંચી છે જ્યાંથી સફળતાની સીડી સોનેરી થઇ ગઈ છે.. અમે તેમને સન્માનિત કરવા માગીએ છીએ.. અને તેના માટે થઈને તેઓને કોલેજના નવા પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.. હાલના પ્રિન્સિપાલ નિવૃત થઇ રહ્યા છે અને તેમના તરફથી જ આ નામ માટેનું સૂચન કરવામાં આવેલ છે.. તો મિત્રો આપ સૌ આતુર છો જાણવા કે કોણ હોઈ શકે..?”

“હા…

“બિલકુલ.

“અમને એક નામ માટે ખાતરી છે..

જલ્દી કહો સર..”

બધેથી અવાજો આવી રહ્યા હતા..

“એચ.ડી કોલેજના નવા પ્રિન્સિપાલ છે ડોક્ટર શ્વેતાન્શી ઠક્કર.. હું તેમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે.”

શ્વેતાન્શી આ સાંભળીને સહેજ વાર માટે તો ચોંકી જ ગઈ.. સપનેય ના વિચાર્યું હોય એ હકીકતમાં બની રહ્યું હતું. લગ્ન બાદ આ બીજી એવી ક્ષણ હતી જયારે તે સૌથી વધારે હરખાઈ રહી હતી.. નાની હતી ને સ્કૂલમાં બધા ટીચર ટીચર રમતા ત્યારથી જ એક શિક્ષક, એક અધ્યાપક બનવાનું નિર્ધારિત કરેલું. સાસરિયાંઓનો સ્નેહ એટલો કે એ લોકોએ હંમેશા તેના દરેક નિર્ણયમાં સાથ આપ્યો. પીએચડી કરેલું જયારે એક વર્ષ પહેલા અને નામની આગળ જે ડોક્ટરની તકતી આવી હતી એ અદભુત ક્ષણ હતી.. અને આજની આ ક્ષણ પણ કંઈક તેવી જ હતી.. શ્વેતાંશીનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓ ખુશ થયા.. તેને ચીયર અપ કરવા લાગ્યા. બધાનો પ્રેમ જીલીને એચ.ડિ.કોલેજની નવી પ્રિન્સીપાલ શ્વેતાન્શી ઠક્કર ઘર તરફ રવાના થઇ..

ઘરે પહોંચતાવેંત જ શ્વેતાન્શીએ સાસુ-સસરાને આ સમાચાર આપ્યા. તે લોકોને પણ ખુબ ખુશી થઇ.. આશીર્વચનો સાથે તે વડીલોએ શ્વેતાન્શીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કર્યા. શ્વેતાન્શી સાહિરને આ વાત કહેવા ઉતાવળી થઇ ગઈ હતી.. પરંતુ ફોન પર તે કંઈ જ કહેવા નહોતી માગતી. તેણે સાહિરની રાહ જોવાનું મુનાસીબ માન્યું. સાહિર હંમેશા પોતાની પ્રગતિમાં સામીલ થયો છે.. ક્યારેય તેણે અણસાર પણ નથી આવા દીધો કે તેનો પગાર શ્વેતાન્શી કરતા ઓછો છે પરંતુ ઘરમાં તો તે પત્ની જ છે.. અને એક સ્ત્રી જ છે.. વુમન એમ્પાવર્મેન્ટને સાહિરે હંમેશા હૃદયથી આવકાર્યું છે.. ત્યાં સુધી કે અમુક વાર પોતે સૂતી હોય થાકીને, તો પતિ સાહિર તેના પગ પણ દબાવી આપે છે.. સાહિર પોતાના સમ આપીને તેને ચૂપ કરી દે છે.. બન્ને વચ્ચે અદ્વિતીય પ્રેમ છે..

અચાનક ગાડીનો અવાજ સાંભળ્યો શ્વેતાન્શીએ.. તે દોડીને દરવાજે ગઈ.. અને દરવાજો ખોલ્યો. જોયું તો સામે સાહિર ઉભો હતો.. પણ તેનું મોઢું દેખાતું નહોતું એટલું મોટું બુકે તેના હાથમાં હતું… હજુ તો પોતે કંઈ કહેવા જાય એ પહેલા જ તે બોલ્યો।.

“માઈ ડીયર વાઈફી, મારા ઘરની પ્રિન્સિપાલ આજે કોલેજની પણ પ્રિન્સિપાલ બની ગઈ તેની મને અત્યંત ખુશી થઇ.. અભિનંદન લવ… આજે સાંજે આપણે બહાર જમવા જઈએ છે.. તું ને હું… મમી-પાપા માટે જમવાનું બનાવી રાખજે.. આપણી સ્પેશિયલ ડેટ છે.”

શ્વેતાંશીને આનંદ પણ થયો અને થોડી નવાઈ પણ લાગી કે સાહિરને કઈ રીતે ખબર પડી.

“મને આપણી કોલેજના ટ્રસ્ટીનો ફોન આવ્યો હતો મેડમ. એમણે કહ્યું મને.. આઈ નો તારે સરપ્રાઈઝ આપવી હશે પણ હવે હું તને સરપ્રાઈઝ આપીશ। હવે કામ પતાવીને જલ્દી તૈયાર થઇ જા…”

શ્વેતાન્શી આ સાંભળીને મનમાં ને મનમાં મલકાવા લાગી. શું સરપ્રાઈઝ આપવી હશે કોણ જાણે સાહિરને. વિચારતા વિચારતા રસોડામાં ગઈ.. બધું કામ આટોપ્યું અને આઠ વાગ્યે ઓરડામાં જઈને તૈયાર થવા લાગી. સાહિર કોઈ કામસર બહાર ગયેલો અને કહી ગયેલો કે તૈયાર રહેજે.. શ્વેતાન્શીએ પોતાની મનપસંદ લાલ રંગની સાડી કાઢી અને તેની સાથે ગોલ્ડન બ્લાઉઝ કાઢ્યું. નાહીને તે બહાર નીકળી ત્યારે તેના લાંબા ભીના વાળમાંથી જે બિંદુઓ પડી રહ્યા હતા તે તેના ગૌર મુખને ઓર આકર્ષિત બનાવી રહ્યા હતા.. શ્વેતાન્શીએ કપાળની વચોવચ ગોળમટોળ લાલ ચાંદલો કર્યો અને કાનમાં સાહિરે હનીમૂનની રાતે ગિફ્ટ આપેલી સોનાની બુટ્ટી અને ગાળામાં મંગળસૂત્ર પહેર્યું. સિંદૂરની ડબ્બી લઈને તેમાંથી કંકુ લઇ પોતાનો સેંથો પૂર્યો અને તૈયાર થઇ સાહિરના સ્વ્પ્નમાં ખોવાઈ ગઈ… તેને યાદ આવી ગયું લગ્ન સમયે તેણે મમી પાસે લાલ પાનેતર અપાવવાની કેવી જીદ કરેલી. હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિમાં આમ તો લાલ જ પાનેતર હોય.. પરંતુ હવેના જમાના પ્રમાણે યુવતીઓ સફેદ ને લીલા રંગના ચોલી પહેરવા લાગી છે.. તેના સાસુને જે પસંદ આવી ગયેલું તે પાનેતર તેણે લીધું હતું. તેમાં લાલ રંગ બહુ ઓછો હતો ને લીલો વધારે.. તેની ઈચ્છા આખું લાલ પાનેતર પહેરવાની હતી તેથી તે સહેજ ઉદાસ થઇ ગયેલી પણ સાસુની ઈચ્છાને માન આપીને તેણે એ પાનેતર પહેર્યું હતું. એ પછી જ્યારે સાહિરને ખબર પડી કે તેને લાલ રંગ પ્રત્યે બહુ લગાવ છે ત્યારે તે પોતાના માટે લાલ રંગની સાડી લાવ્યો હતો.. આ તેની પસંદની સાડી હતી જે તેણે આજે પહેરી હતી. ત્યાં જ બહારથી સાહિરનો અવાજ આવ્યો અને તે સાંભળતા જ તે સાસુ-સસરાને મળીને બહાર તરફ ગઈ..

“આવો રાણીસાહિબા. બેસો બેસો. બંદા તમારી સેવામાં હાજર છે..” દરવાજો ખોલીને સાહિરે શ્વેતાન્શીને બેસવા કહ્યું અને પોતે ડ્રાઇવર સીટ તરફ જઈને બેઠો. શ્વેતાન્શી આજે ખરેખરમાં રાણી હોય તેવું જ મેહસૂસ કરી રહી હતી.. સાહિર તેને શહેરના સીમાડે લઇ જઈ રહ્યો હતો તેવું શ્વેતાંશીને લાગ્યું. અચાનક જ સાહિરે એક જગ્યાએ ગાડી ઉભી રાખી દીધી. આજુબાજુ અંધકાર હતો અને ફક્ત ગાડીની હેડલાઈટ્સ નો જ ઉજાસ હતો.. શ્વેતાન્શીનો હાથ પકડીને તેણે ગાડીમાંથી તેને નીચે ઉતારી અને તે આગળ આગળ ચાલવા લાગ્યો. અચાનક શ્વેતાન્શીએ જોયું તો આગળ ચારેબાજુ લાઇટ્સનો જગમગાટ હતો.. ઠેર-ઠેર લાઇટ્સની ચમક હતી.. એક મેદાન હતું અને તેની વચોવચ એક ડિનર ટેબલ હતું.. સાહિર શ્વેતાંશીને ત્યાં લઇ ગયો અને કહ્યું,

“ડાર્લિંગ, અહીં જેટલું જમવાનું છે બધું જ મેં બનાવેલું છે.. તે મને ના કહી હતી મને યાદ છે પરંતુ હું મારી જાતે શીખતો હતો તને ખવડાવવા માટે. યોગ્ય સમયની રાહ જોતો હતો.. આનાથી વધારે યોગ્ય સમય તો કયો હોય શકે..!!! ચાલ આવી જા પછી તારા માટે હજુ પણ કંઈક છે.. બન્ને સાથે જમ્યા. સાહિરે પોતાના હાથે શ્વેતાંશીને જમાડી. પછી તેને કહ્યું હવે ફરી આગળ ચાલ… બન્ને થોડા આગળ ચાલ્યા ને આગળ શ્વેતાન્શીએ જોયું તો એક પલંગ હતો અને તેના પર ઠેર ઠેર લાલ પાનેતર પડ્યા હતા.. લગભગ વીસ-ત્રીસ જેટલા પાનેતર હશે.. શ્વેતાન્શી આ બધું જોઈને આભી જ બની ગયેલી.

“સાહિરરરરર.. આઈ લવ યુ… આ બધું જોઈને મને શબ્દ નથી જડતા. હું શું કહું. તમારો પ્રેમ. સાહિર તમે મારી જિંદગી છો.. હું તમારા વગર અધૂરી છું.. થેંક્યુ સાહિર. થેંક્યુ.!!”

“અરે આટલું જ નથી.. શ્વેતુ આમાંથી તને ગમે એ પાનેતર પસંદ કર.. તું જેના પર હાથ રાખે એ તારું.”

શ્વેતાન્શીએ એક પાનેતર પસંદ કર્યું અને સાહિરના હાથમાં આપ્યું. સાહિરે તે લીધું અને બંને થોડા આગળ ચાલ્યા. આગળ એક ગાડી પડી હતી.. શ્વેતાંશીના મોભાને છાજે તેવી ગાડી. સ્ટેટ્સને અનુરૂપ ગાડી ત્યાં હતી.. શ્વેતાંશીને હવે રડવું આવી ગયું. ખુશીના આંસુ આવી ગયા તેની આંખમાંથી.

“શ્વેતા, તારો પ્રેમ અદભુત છે.. મને ખબર છે તે મારા માટે કેટલું જતું કર્યું છે.. આ ગાડી તારા માટે બહુ જ નાની ભેટ છે.. છેલ્લા એકાદ વર્ષથી હું તને કહેતો કે મારો પગાર ઓછો છે.. તે ખરેખર હું આ ગાડી લેવા માટે જ બચાવી રહ્યો હતો.. શ્વેતાન્શી હું આજે તારા થકી છું.. તારો પ્રેમ મને નવું જીવન બક્ષે છે રોજેરોજ. તું મારી જિંદગી છે.. મારુ હ્ર્દય છે.. દરેક ધડકન છે.. આ લે ચાવી…

શ્વેતાન્શી શું તું મારી સાથે આ લાલ પાનેતર પહેરીને ફરી લગ્ન કરીશ.? અને હા આ ગાડીમાં જાન લઈને તારે આવવાનું છે.. તારા સાસુ-સસરા ને મારા મમી-પાપા સાથે હો..!!”

શ્વેતાન્શીએ પ્રેમભરી આંખે પાંપણ ઢાળી દીધી. તેની મૂક સંમતિ જોઈ સાહિર ખુશ થઇ ગયો..

એક જ મહિના પછી લોકોને અનોખા લગ્ન જોવા મળ્યા. જેમાં દુલ્હન જાન લઈને આવી હોય પોતાના પતિના માતા-પિતા જોડે… સાહિર-શ્વેતાન્શીએ તે દિવસે ફરીથી લગ્ન કર્યા અને શ્વેતાન્શી પોતાના ગમતા લાલ પાનેતરમાં સજીને આવી ત્યારે તે સ્વર્ગની અપ્સરા સમી લાગતી હતી…! પાનેતરનો એ લાલ રંગ તે દિવસે બંનેના પ્રેમનો સાક્ષી બન્યો..!

લેખક : આયુષી સેલાણી