Daily Archives: October 26, 2017

૩૭. ‘મારી લાડકી’ – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

તે પછી શાક કઢીના સબડકા ભરતે ભરતે આઠ-દસ મહેમાનોની પંગતે પંદર મિનિટ દીકરીઓની કેળવણી અને કેળવાયેલા મુરતિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું, ને બાકીની દસેક મિનિટમાં કઢી-ભાતના સબડકાનાં અલ્પવિરામો મૂકતે મૂકતે, તેજપુર ગામની પાંજરાપોળમાં ચંપક શેઠ પાસેથી કેટલુંક નાણું કઢાવી શકાશે એની ચકાસણી ચાલુ રાખી.

“તમે કહેશો તેમ! બે હજારના કાકા.”

ચંપક શેઠના એ શબ્દોને ‘હે…ઈ ખ…રાં’ કહીને સૌએ ઓડકાર ખાતે વધાવી લીધા.

“હવે ખાઈ કરીને તું વહેલો ઉપર આવજે,” પીરસવા-કરવામાં રોકાયેલા નાના ભાઈને એટલું કહીને ચંપક શેઠ ઉપર ગયા, થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો, ને ચોખા, કંકુ, નાડાછડી ઈત્યાદિ માગી ગયો. ગોળ-ધાણાની થાળી પણ ઉપર ગઈ.

એ વખતે ખડકીમાં જૂનાં ખાસડાનો ખખડાટ થયો. સુશીલાએ રસોડાની બારીમાંથી ધ્યાન કર્યું. ત્યાં તો પરસાળમાં ઊભેલો પેલો બાળક બોલી ઊઠ્યો: “હેઈ, બા…પ્પા! માલા બાપ્પા! છુછીલા ભાભી! બાપ્પા આવા! આપલને તેલવા આવા! હાલો, છુછીલા ભાભી!”

એમ કહેતો સુખલાલનો ભાઈ સુશીલાને કંઠે આવી બાઝી પડી બોલવા લાગ્યો: “હાલો ભાભી! હાલો-હાલો-“

“હાલો, ભાઈ, હમણાં જ જશું, હો ભાઈ!” સુશીલાએ દિયરને હૈયે ચાંપી લીધો.

દીપો શેઠ પરસાળ પર આવ્યા ત્યારે ત્યાં ઊભેલા સુશીલાના પિતાએ એને પિછાન્યા. મુંબઈમાં તો નહીં જેવો જ મેળાપ થયો હતો. આંહીં પણ છૂપો જ મેળાપ કરી લીધો. દીપા શેઠે તો ગામડાની રીતે – તે કરતાંય સુશીલાના પિતા પ્રત્યે સહજ ઊભરાતી પ્રીતિ – નાના શેઠને બથમાં ઘાલ્યા ને ઉદ્ગારો કાઢ્યા: “મારા બાપ! ખુશીમાં ? દીકરી સુશીલા આનંદમાં ! મારી તો સાત પેઢી ઉજાળી છે, બાપા! ક્યાં બધા મેડી માથે છે ના?”

“મામા!” ભાભુ બહાર નીકળીને બોલ્યાં: “જમવા બેસો.” ઊઠેલી પંગતનો એઠવાડ પરસાળમાં હજુ પડ્યો હતો તે દેખીને દીપા શેઠે બે હાથ જોડ્યા: “ખાઈ કરીને નીકળ્યો છું, ઘેલીબે’ન!”

સુશીલાએ આ શબ્દો સાંભળ્યા ને કલ્પ્યું કે વહેલે પરોઢિયે ઊઠીને આ વૃદ્ધ માણસે ચૂલો ફૂંક્યો હશે!

“અંદર આવો,” એમ બોલીને નાના શેઠે દીપા શેઠને ઓરડામાં લઈ જઈને મેસૂરનું બટકું હાથમાં લઈ, વેવાઈના મોં સામે ધરીને કહ્યું: “મોં ઉઘાડો.”

“ન હોય, મારા બાપ, હજી આજ ન હોય.”

“આજ જ હોય. કાંઈ હરકત નહીં, સુશીલાનાં સાસુ સ્વરગમાં ધોખો કરશે તો હું એ પાપ મારા માથે લઈ લઈશ – પણ મોં ખોલો, શેઠ…મારી સુશીલા, મારી દીકરી, મારી એકની એક લાડકી, મારું રાંકનું રતન-” કહેતે કહેતે એનો સ્વર ચિરાવા લાગ્યો- “એને સંભાળજો, શેઠ, મોં ફાડો – ખાતરી આપો!”

“સુશીલા તો મારી દીકરી જ રે’શે, ને તમે મારા માના જણ્યા રે’શો,” એમ કહીને દીપા શેઠે બટકું ખાધું.

કોણ જાણે ક્યા જુગાન્તરોથી ભૂતલનાં પડોમાં અટવાતો અટવાતો, બહાર નીકળવાનો માર્ગ શોધતો જળપ્રવાહ નાના શેઠની જડ બુદ્ધિનાં ને બે અક્કલનાં પડો ભેદી મથાળે આવ્યો, એણે દીપા શેઠને ચરણે બે હાથ જોડી નમન કર્યું :

“જે માનો તે આ છે. વાગ્દાન નથી, આ તો કન્યાદાન છે, શેઠ! મારું હૈયું હવે હિંમત નહીં હારે, મારાં ભાભી મારી ભેરે છે!”

“હું ભેરે છું ને દીપા મામા ભેરે છે, ભાઈ આટલા બધા ફફડો છો શીદને?”

“ઘેલીબે’ન! સુશીલાને એક વાર મારી નજરે કરશો!” દીપા શેઠ કહ્યું.

“બહાર આવ, ગગી!”

સુશીલા બહાર આવીને પીઠ ફેરવી ઊભી રહી.

“એમ નહીં, મારી સામે જો દીકરી!”

સુશીલા ખચકાઈ : ગ્રામ્ય સસરો આ શું માગી રહ્યો છે!

“કહું છું કે મારી સામે જો બેટા! ભલે હું ગામડિયો રહ્યો, પણ તું હજી તો કન્યા છો. મોં જોવાજોગ છો. મારે તારાં દર્શન કરવાં છે, જોગમાયા ! આમ જો !”

સુશીલા સન્મુખ ઊભી રહી. દીપા શેઠે બે હાથ લાંબા કરીને આશિષ દેતે કહ્યું : “મને આશિષ આપ, બેટા, કે હું અસલ જાત જ રહું. તેલની ઊકળતી કડા સામેય કદી કજાત ન બની જાઊં : મનથી એટલી દુવા દે મને, દીકરી. ને મારો વશવાસ રાખજે.”

એમ કહીને એણે ધબ-ધબ-ધબ પોતાની છાતી પર પંજો પછાડ્યો. એની છાતી પહોળાતી દેખાઈ. એનો પંજો યુદ્ધના નગારા પર દાંડી પડે તેમ પડ્યો. જાણે છાતી પર રણજોદ્ધાના બખ્તરની સાંકળી ઝણઝણી. પછી એણે મોં પર રમૂજ આણીને કહ્યું: “હવે હું જોઈ લઈશ તેજપરાના મહાજનનેય. જઈને માપી જોઉં છું એ ધરમાદાના ચોરોને!”

બહાર નીકળીને એ ઉપર ગયો. નાના શેઠ પણ સંગ્રામના સાથી બનવા પાછળ ચડ્યા. હિંમતમાં રહેવા માટે એણે દીપા શેઠનો હાથ પકડી રાખ્યો.

દીપા શેઠને દેખતાંવેંત આ દસ-પંદર પુરુષોનું મંડળ ન્યાયમંદિરનું ગંભીર રૂપ ધારણ કરી બેઠું.

“આવો, બેસો,” સૌ ગાદી ઉપર બેઠેલાઓએ દીપા શેઠને આંગળી ચીંધી ફક્ત જાજમ પર બેસવા કહ્યું; પણ એ તો ચીંધેલી જગ્યા કરતાંયે દૂર, છેક જાજમની કિનાર પર જઈને બેઠા.

નાના શેઠે એની નજીક આસન લીધું. એને ત્યાંથી ખેસવવા માટે ચંપક શેઠ મૂંગા ડોળા ફાડતા રહ્યા, પણ મોટાભાઈની સામે એ જોતો જ નહોતો. અંદરના ઓરડામાં દાદર ઉપર ઊભેલાં ભાભીનું મોં માત્ર દેખાતું હતું, તેના ઉપર જ દિયરની મીટ હતી. ભાભીનો દેહ હજુ નીચે જ હતો.

બ્રાહ્મણ સૌને કપાળે તેલના રેગાડા ચાલે તેવા ચાંદલા કરવા લાગ્યો. વિજયચંદ્રે પોતાનો વારો આવતાં આસ્તેથી બ્રાહ્મણને કહ્યું: “તેલ છંટકોરી નાખો; ફક્ત કંકુ જ ચોડો.”

“બહુ આનંદની વાત છે,” મહાજનના અગ્રેસરે વિષય ઉપાડ્યો: “આ તો મહાન સુધારો છે. દીપા શેઠે ફારગતી આપીને બે માણસના ભવ બગડતા બચાવ્યા છે.”

“ભવ બગડવાવાળી વાત શીદને કરવી પડે છે?” દીપા શેઠ દાંત કાઢીને કહ્યું.

“ત્યારે શું ભવ સુધરવાનો હતો?” ચંપક શેઠ ઊકળી ગયા.

“પણ-પણ-પણ ફારગતી કોણે કોણે – મેં ક્યાં – મને તો કંઈક બોલવા દીયો – ” નાના શેઠે શૂરાતન બતાવ્યું.

“તું હવે મૂંગો મરી રે’ને? બેઠો છું બધા જવાબ દેનારો,” ચંપક શેઠે વગર સમજ્યે કહ્યું.

“ના. એમ નહીં – ચોખવટ -“

“અડબોત ખાવી છે?” ચંપક શેઠ આગળ વધી ગયા.

“પણ એને બાપડાને શા માટે અડબોત મારવી જોવે?” દીપા શેઠે વચ્ચે વાક્ય જોડ્યું.

“તમારી અડબોત તો, મોટાભાઈ! નાનપણમાં ઘણી ખાધી છે; આજ પણ ખાઈ લઈશ. પણ સુશીલાનો જીવ મને વહાલો છે, બહુ વહાલો છે, મારી એકની એક લાડકી -” નાના શેઠનું હૈયું ભરાઈ આવ્યું.

“તે શું છે?” ચંપક શેઠ ઊભા થઈ ગયા, નાના ભાઈ તરફ આગળ વધ્યા, અને ‘હાં-હાં-હાં’ એમ સૌ કરતા રહ્યા ત્યાં તો એણે નાના ભાઈના ગાલ ઉપર એક લપાટ ખેંચી, એ લપાટ, બીજી જ ક્ષણે ખબર પડી કે, વચ્ચે પડેલા દીપા શેઠના મોં પર વાગી, દીપા શેઠના મોંમાંથી શબ્દ નીકળ્યો: “રામ!”

ચંપક શેઠને સૌ હાથ પકડીને વારી રહ્યા છે તે ક્ષણે, આ હોહાની વચ્ચે શબ્દો સંભળાણા:

“જે જે, સોમચંદકાકા! પીતાંબર ફુઆ, જે જે! મોટાભાઈ અનુપચંદભાઈ, જે જે!”

ઓરડાના બારણામાં આવીને ઊભેલાં ભાભુ તેજપુરના મહાજનના પ્રત્યેક પુરુષને સંબંધ અનુસાર સંબોધતાં હતાં. જેઓ પોતાના શ્વસુરપક્ષના હતા તેમના પ્રત્યે પોતે લાજનો અરધોપરધો ઘૂમટો ખેંચ્યો હતો.

વહુવારુ માણસ મહાજનના સભાસ્થાનમાં પ્રવેશ કરી ચૂક્યું : અજબ વાત બની : આ પ્રદેશનાં ગામડાંની વૈશ્ય જ્ઞાતિમાં તો શું, હજુ મુંબઈમાંય નથી બની શકતો એવો અપૂર્વ બનાવ બને છે, ને ભાભુ – જેમણે આવાં પુરુષ મંડળોમાં અવતાર ધરીને કદી પગ નથી મૂક્યો તે પાંત્રીશ વર્ષની કુળવહુવારુ, જાહેરમાં જેણે પોતાના પગની આંગળીઓ પણ ન દેખાડવાનો મલાજો પાળ્યો છે તે લજ્જાવંત ‘ઘેલી’ – તેના દીદાર દેખી સૌ ક્ષોભ પામ્યા.

ભાભુએ હાથ જોડી રાખી કહ્યું : “મારી વાત સાંભળશો?-“

“નીચે જાછ કે નહીં?” ચંપક શેઠે ત્રાડ મારી.

“આજ પહેલી જ વાર એમની આજ્ઞા ઉથાપવા આવી છું હોં-પહેલી જ વાર.” ભાભુએ મહાજનના આગેવાનોને જ સંબોધ્યે રાખ્યું. “પહેલી અને છેલ્લી વાર હું કહેવા આવી છું એટલું જ કે, ફારગતી મારા દીપા મામાએ આપી હશે, સુશીલાએ કે એના બાપે નથી આપી. સુખલાલમાં એકેય એબ છે જ નહીં. સુશીલા મુંબઈની સુધરેલી નથી, રૂપાવટીના ઘર કરતાં કે વર કરતાં કોઈ વધુ ઊંચ વર-ઘરને લાયક અમારી સુશીલા નથી, વધુ લાયક દેશો તો જ બે જણના ભવ બગડશે. ને સુશીલાને તો મરતી સાસુને મોંએ પાણી મૂક્યું છે, છોકરાંને પોતાની પાંખમાં લીધાં છે, મારા દીપા મામાની છાયા સ્વીકારી છે. આ લગ્ન તો ક્યારનાં થઈ ગયાં હોત – પણ અમારે ચોરીનું કામ નહોતું કરવું, અને અમારે મૂવેલ સ્ત્રીની અદબ પાળવાની છે, માટે સૌ આવ્યાં છો તો ગળ્યાં મોઢાં કરીને સુશીલા-સુખલાલને આશીર્વાદ આપો. શેઠિયાઓ! બ્રહ્માંડ ફરશે ને, તોયે આમાં મીનમેખ નહીં થાય, ધોડનારા ભલે ધોડી લ્યે” એટલું કહીને એ ઓરડામાં લપાઈ ગયાં.

“સુશીલાને બોલાવો.” ચંપક શેઠે આજ્ઞા કરી.

સુશીલા ઉપર આવીને પોતાના સસરાનો મલાજો રહે તેવી રીતે એક બાજુએ ઊભી રહી.

“આ બધી કોની શિખામણ છે?” ચંપક શેઠે ત્રાડ દીધી. સુશીલાએ જવાબ ન વાળ્યો.

“શો વિચાર છે બોલ, નીકર એક ઘડીમાં સૌના હાથમાં રામપાતર પકડાવી દઊં છું!”

“હેં-હેં-” દીપા શેઠના એ બે જ હેં હેંકારામાં ગજબ કટાક્ષનો વજ્રપાત હતો. એ હાસ્યમાં સુશીલાએ સસરાના નિશ્ચયની બખ્તરસાંકળીનો ફરી ઝણઝણાટ સુણ્યો; ને એણે મોટા બાપુજી સામે જોયા વગર જ મહાજનને કહ્યું:

“મારા સસરા ના પાડશે તોયે હું ત્યાં જ જવાની છું; એ કાઢી મૂકશે તોયે ત્યાં જ જવાની છું!”

“ઠીક શેઠિયાઓ! આપને સૌને રજા છે – પધારો,” એમ કહીને ચંપક શેઠે નાના ભાઈ પ્રત્યે ફરીને કહ્યું, “તું, તારી દીકરી, ને ત્રીજી આ તારી જે થાતી હોય તે કજાત, ત્રણેને રુખસદ છે. પાણી પીવાય રોકાશો મા, નીકર ભૂંડાં લગાડીશ.”

“સાથે સાથે મને એક વિશેષ રજા આપો.”

“કૂવામાં ડૂબી મરવા સુધીની રજા છે.”

“તોયે સ્વામી છો તે નહીં મટો; મને દીક્ષાની રજા…”

“વેશ્યા થવાનીય રજા છે – બસ?”

બેઠેલા સર્વનાં મોંમાંથી અરેરાટી નીકળી.

ભાભુએ કહ્યું: “બસ! ચાલો ભાઈ; ચાલો, સુશીલા, ચાલો મામા.”

સૌ ઊઠ્યા. નાના ભાઈએ ઊઠીને મોટાભાઈ સામે હાથ જોડ્યા ને કહ્યું: “બધું જ તમારું છે, મોટાભાઈ; હું તો તમારો આશ્રિત હતો. મને મોટો કર્યો. તમારા ગુણ નહીં ભૂલું, મોટાભાઈ.”

એમ કરીને પગે લાગવા નીચે નમતા નાના ભાઈને ચંપક શેઠે તરછોડીને કહ્યું: “જા, હવે જા, નાટકિયા!”

“એમ તે કાંઈ ચાલશે,” સ્તબ્ધ બનેલા વિજયચંદ્રે આખરે પોતાનો વારો આવેલો જોયો: “એમ તે હું કેમ છોડીશ? હું મારી આખી કારકિર્દી જતી કરી ચૂક્યો છું – જાણો છો? હું અદાલતે જઈશ.”

“જાજો, ભાઈ! બેલાશક જાજો,” એવો જવાબ આપીને ભાભુએ તુચ્છકારભર્યું હાસ્ય કર્યું: “અદાલત અમે જોઈ નથી તે જોવાશે!”

મહાજનના અગ્રેસરો તો થીજી જ ગયા. એમણે એકબીજાની સામે જોયું; એમાંથી એકે કહ્યું: “આ બધું જાણ્યું હોત તો અમે આમાં હાથ જ ન નાખત.”

*

થોડા જ સમય પછી એક ગાડું રૂપાવટીને માર્ગે ચાલ્યું જતું હતું. દીપા શેઠ પોતે ગાડું હાંકતા હતા. અંદર સુશીલા ત્રણ ભાંડુને લઈ બેઠી હતી. પાછળ સુખલાલ, ભાભુ ને નાના શેઠ ચાલતાં હતાં. સુખલાલ એના સસરાને પોતાના ખભાનું ટેકણ આપતો, એક વખતના એ ‘નાદાન’ની આજની વીરતા સામે લળતા હ્રદયે ગંભીર જવાબદારીનાં પગલાં ભરતો હતો. ગાડામાં ફાલતુ એક કપડાનો ટુકડો પણ સાથે નહોતો.

*

ત્રીજા દિવસની સવારે ટપાલી, સુખલાલ પરનો એક કાગળનો બીડો આપી ગયો. કાગળ મુંબઈથી ખુશાલભાઈનો હતો. સાથે તસવીર હતી. તસવીરમાં બોખી બુઢ્ઢી જેવી દેખાતી સ્ત્રીએ અંગ્રેજીમાં લખ્યું હતું કે ‘ટુ માય ડાર્લિંગ સન સ્માર્ટી : ફ્રોમ લીના : મારા પ્યારા બેટા સ્માર્ટીને – લીના તરફથી.’

કાગળમાં ખુશાલભાઈએ ફોડ પાડ્યો હતો :

“હું તારા ખબર દેવા એને ઘેર ગયો’તો. હું તો એનું બોખું રૂપ જોઈને આભો જ બની ગયો. એણે કહ્યું કે રત્નાગિરિ જિલ્લામાં મરકી ફાટી નીકળી છે, ત્યાં નર્સ બનીને જાઉં છું, પાછી કદાચ નહીં જ આવું. આ છબી તારે માટે દીધી છે, ને તારી વહુ માટે હીરાની વીંટી દીધે છે, જે હું લગ્ન માથે લઈને આવીશ.”

વંચાતો કાગળ સુખલાલના અશ્રુજળે છંટાતો હતો.
(પૂર્ણ)

૩૬. આજ ની ઘડી રળિયામણી – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

તેજ દિવસે રત્રિએ થોરવાડ ગામની સાંકડી બજારમાં કોઈ મણીધર નાગ ચારો કરવા નીકળ્યો હોય એવો ઝળહળાટ થયો. તેજપુર દરબારની મોટર ચંપક શેઠને અને વિજયચંદ્રને લઇને સામા બળદોને ભડકાવતી અને ગામપાદરના મોરલા ગહેકાવતી આવી પહોંચી ટેવાઈ. ગયેલા ગામલોકોએ હાટડેથી, ઓટેથી ને ચોર ઉપરથી સબ દેતાકને ઊભા થઇ સલામો કરી. ચંપક શેઠે માન્યું કે આ માન પોતાને મળ્યું.

ઘરનાં તમામ માણસો ઉપર છકો બેસારી દેવાનો જ નિશ્ચય કરીને આવેલા ચંપક શેઠ કોઈની સાથે વાતચીતનો શબ્દ પણ બોલ્યાં વિના મહેમાનને લઇ મેડી ઉપર ચડી ગયા. તેમણે નીચેના ઓરડામાંથી ઉપર આવતો ઠંડો પહોરનો કંઇક કીચૂડાટ સાંભળ્યો; એ કીચૂડાટ ઘોડિયાનો હતો. જગતના કરોડો કાનોને મધુર લાગતા આ કિચૂડાટે ચંપક શેઠને કાનમાં કાંટા ભોક્યા. એણે તપ્ત અવાજે પોતાની સામે એક બાજુ ગરીબડા બની ઊભેલા નાના ભાઈને પૂછ્યું:

“ઘરમાં ઘોડિયું કોનું ચાલે છે ?”

ક્ષણ એક તો જવાબ દેવાની ઝાડી ફાટી નહિ. ખોંખારો ખાવો પડ્યો. ત્યાં તો મેડીના બાજુના ઓરડામાંથી ભાભુ બોલ્યાં : “એ તો નાની દીકરી છે મારા દીપચંદ મામાની – રૂપાવટીવાળાની.”

“એના વહુ ગુજરી ગયા ને, તે છોકરાંને આંહી લાવેલ છે,” ઘડીભર થોથરાયેલો દિયર હવે તાબડતોડ બોલી ઉઠ્યો, ભાભી ભેરે જ હતા, પાસે જ હતા, તેની એને ખબર નહોતી. કેમ કે એ તો અંદરના દાદરમાં થઇને ઉપર આવેલા.

“સવારે પાછાં મોકલી દેજે.” ચંપક શેઠે સીધી નાના ભાઈને જ આજ્ઞા આપી. ઓરડાના દ્વારમાં ગોરા બેવડીયા દેહનું તેજસરોવર લહેરાવતી ઊભેલી પત્નીની સામે પણ એણે ન જોયું.

“સવારે વહેલો ઊઠજે ને બેઠક સાફ કરાવી નાખજે. પંદર જણ જમનાર છે. કહી દેજે જે રાંધનારા હોય તેને, મીઠાઈ નથી કરવાની, મીઠાઈ સવારે આવી પહોંચશે. ફક્ત દાળ, ભાત, શાક ને ફરસાણ કરવાનું છે.”

નાના ભાઈને એટલી વરધી દઈને ચંપક શેઠે સોડ તાણી લીધી. તે પછી વિજયચંદ્રે પોતાનાં કોટ અને ટોપી ગડી પાડી સંકેલીને પોતાના ઓશિકા નીચે દબાવ્યાં, અને નાના શેઠને નરમાશથી પૂછ્યું : “અહી સંડાસ, પાણિયારું વગેર ક્યાં છે ? ચાલો, જરા જોઈ લઉં !”

નાના શેઠ નારાજ દિલે જયારે વિજયચંદ્રને લઇ નીચે ઊતર્યા ત્યારે, ત્યાં ઉભેલા ભાભુએ તરત જ નોકરને કહ્યું : “જાવ મહેમાનને સંડાસ બતાવી આવો. અને પાણી તો ઉપર મૂકેલ છે.”

થનાર સસરા સાથે થોડો વાર્તાલાપ કરવાની વિજયચંદ્રની ઈચ્છા ભાભુએ આ રીતે ફળવા ન દીધી, છતાં અથાક પ્રયત્નોમાં અચલ આસ્થા ધરાવનાર વિજયચંદ્રે નીચેની પરસાળમાં ઊભા રહીને ભાભુને સંભળાવવા કહ્યું : “મકાન તો સરસ છે. કેટલી બધી સુંદર સોઈ છે ! જરા મીઠું મળશે ? કોગળો કરી લઉં.”

ભાભુએ જ રસોડામાંથી લાવી મૂંગે મોંએ મીઠું આપ્યું. વિજયચંદ્રે તે રાતે કોગળા કરવામાં મોંની વિશેષ ચોક્સીપૂર્વક ને લંબાણથી સંભાળ લીધી.

તોયે ક્યાંય સુશીલાનો પડછાયો ન દીઠો. ફક્ત કીચૂડાટ જ સંભળાતા હતા. ઘોડિયું કે ઘોડિયાને ખેંચનાર હાથ ન જ દેખાયાં.

‘ભાવિમાં એક દિવસ આવા જ કિચૂડાટ…’ વિજયચંદ્રની કલ્પના ત્યાં જ વિરમી ગઈ. ઉપર જઈને એ નીંદરમાં પડ્યો. એ નીંદરને સવાર સુધી સ્વપ્ના ચુથતા રહ્યા.

વહેલી પરોઢે ભાભુએ સુશીલાને જગાડી અને રસોડાનો આદર કરી દીધો. મેડી ઉપર શી વાત થઇ છે તે ભાભુએ સુશીલાને કહી નહોતી: ચુપચાપ અને ચીવટથી ભાભુ સસોઈની સજાવટ કરતા હતા : ‘મીઠાઈ તો તેજપરથી આવવાની છે,’ ‘તું જો તો ખરી, ગગી, હું ભજીયાં ને ઢોકળાં કેવાં બનવું છું !’ વગેરે ઉદગારો કાઢતાં કાઢતાં ભાભુ રસોઈના સમારંભમાં જે રસ બતાવતા હતા. તે પરથી સુશીલા ઊંડે ઊંડે મૂંઝાવા લાગી. ‘જોઈ લેજે, વિજયચંદ્રને તારા કરેલા ભજિયાં વધુ ભાવતા કે મારાં કરેલાં આજ વધુ ભાવે છે ?’ એવો પણ વિનોદ ભાભુ છાંટતાં ગયાં. ભાભુએ ભત્રીજીની દશા રેલવેમાં કરેલી તે પરોઢિયે ફરી વાર કરી. ઓછામાં પૂરું, આડે દિવસે કદાપિ ન ગાનાર ભાભુ અત્યારે તો ઊઠતાં ને બેસતાં, લેતાં ને મેલતાં, ‘મારો વા’લો આવ્યાની વધામણી રે, આજની ઘડી રળિયામણી’ જેવા ગીતોની પંક્તિઓ ગુંજતા હતા. સુશીલાની શંકા આ બધું સાંભળી સાંભળી એટલી દુષ્ટ બની કે તેણે રાતમાં ભાભુ મેડી ઉપર બાપુજી પાસે ગયાં હશે કે નહીં તેની ચોકસી માટે ભાભુને સીધા-આડકતરા કેટલાક પ્રશ્નો પૂછી જોયા, પણ ભાભુ પકડાયાં નહીં.

નવા પાટલા નવા ઢીંચણિયાં, કોકારનાં થાળીવાટકા વગેરે સામગ્રી પેટીપટારામાંથી બહાર નીકળતી ગઈ તેમ તેમ સુશીલા વધુ ગૂંગળાતી ગઈ.

મૂંઝાયેલી સુશીલા વચ્ચે વચ્ચે બાળકો પાસે જઈ આવતી હતી. ભાઈ-બહેનને સાચવતી બેઠેલી સૂરજે એક વાર એમ પણ પૂછ્યું :

“કેમ મોં પડી ગયું છે, ભાભી ?”

નાનો દિયર છાનોમાનો પૂછી જતો : “ભાભી, આજ બોલટાં કેમ નઠી ?”

“બોલું છું ને, ભાઈ !” સુશીલા જવાબ દઈને હસવા મથતી.

“હેં-હેઈ ! ભાભી ! ટમાલી આંઠમાં પાની-પાની-પાની ડેઠાય !” (તમારી આંખમાં પાણી દેખાય) જો પોટી !”

પોતાનાથી રોઈ પડાશે એ બીકે સુશીલા ત્યાંથી નાઠી.

ચંપક શેઠનું એ જ વખતે નીચું ઊતરવું થયુ. એ સૂરજ સામે ભ્રુકુટી ચઢાવી બોલ્યાં : “પછવાડે જઈને બેસો.”

પોતાના બેઉ ભાંડરડાંને પાછલી પરસાળમાં લઈ જઈને સૂરજ લપાઈ ગઈ ને સુશીલાની રાહ જોતી રહી. સુશીલા એ બાજુ આવી એટલે સૂરજે ધીમેથી પૂછ્યું : “અમે પાડોશીને ઘેર જઈને બેસીએ, ભાભી ?”

“ના, શા માટે ?”

“આંહીં કોઈને હરકત તો નહીં ને ?”

“ના રે, કેમ કોઈએ કાંઈ કહ્યું ?”

“ના, એ તો અમસ્તું.”

“નથી ગમતું ?”

“ગમે કેમ નહિ ? તમારી આગળ નહીં ગમે તો……”

“તો બીજું શુ ? તમારા ભાઈ પાસે ગમશે.”

“ભાઈ તો પછી – પે’લાં તમે.”

“એમ ? તો તો જોજો હો – હોઈ વઢે કરે ને, કાંઈ થાય ને, તો પણ ગભરાશો નહીં ને ? ન ગભરાવ તો તમને સાચાં માનું.”

“અમને વઢે તો તો નહિ ગભરાઈએ, પણ તમને વઢે તો ગભરાઈ જવાય.”

“મને વઢે તો પણ આજે તો મન કઠણ જ કરજો. કાલે આપણે ઘેર જઈશું.”

“મારા ભાઈ આવશે ?”

“આવવાના તો હતા, નહીં આવે તોય આપણે જશું.”

એ બોલમાં થોડો રોષ ને થોડો વહેમ અવાજ કરતાં હતાં, કાલે બપોરે ગયેલો સુખલાલ હજુ કેમ રોકાય ગયો ? બીને ત્યાંથી ફારગતી તો નહીં મોકલાવી દીધી હોય ? આવ્યા’તા મોટે ઘોડે ચડીને ને બુકાની બાંધીને ! પણ મારા સસરાજીએ એને મોળા પાડી દીધા હશે તો ? તો એનો શો વાંક ? વાંક – સો વાર એનો જ વાંક ! ભાભુની કસોટીથી ડરી ગયા હશે ?

એણે સૂરજને પૂછ્યું ” “તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં ?”

“ઢેડગરોળીથી બહુ બીવે – બીજા કોઇથી નહીં.”

સુશીલાનો શોકરસ હાસ્યરસમાં ફેરવાઈ ગયો. કોઈક દિવસ ખીજવવા હશે તો ઢેડગરોળી મદદગાર થઈ પડશે, એવા ટીખળી વિચારે એ અંદર ચાલી ગઈ.

તે વખતે મોટરગાડીએ ફરી પાછા ગામપાદરના મોરલા ચમકાવ્યા, ભેંસો ભડકાવી, લોકોને સડપ દેતા ઉભા કરી સલામો ભરવી ને ફકફકતા પેટ્રોલને ધુમાડે નાનકડું ગામ ગંધવી નાખ્યું.

સાતેક શેઠિયા મહેમાનો ખડકીમાં આવ્યા. તેમના એકનો સાદ સારી પેઠે નરવો હતો. ચંપક શેઠનું મકાન ગજવી મૂક્યું.

તેજપુર શાખાના મહેતાજી મીઠાઈના કરંડિયા ઉતરાવી અંદર આવ્યા. રસોડે પહોંચીને ભાભુની પાસે વધામણી ખાધી : “ખરું ડા’પણનું કામ કર્યું છે, હો ઘેલી’બેન ! બદલ્યા વગર છૂટકો જ નો’તો. રસ્તે દીપા શેઠનેય શેઠિયા મળતા આવ્યા. એણેય, બસ, એ જ કહ્યું કે દીકરીનું મન હોય તેમ જ કરી આપે નાત, મારે કન્યાની મરજી વિરૂધ્ધ કશોય દાવો કરવો નથી. સારું ! સારું ! ઘા ભેળો ઘસરકો ને વેશવાળ ભેળાં વિવા : પતાવી જ નાખો બે’નને કહું કે.”

“ભેળાભેળું જ ઉકેલી દેવું છે ને, ભાઈ ! આજ જ પતાવી લેવું છે. બધી જ સરખાઈ થઇ ગઈ છે આજ તો !”

એમ બોલતે બોલતે ભાભુ સુશીલાને વધુ ને વધુ ફફડાવતાં ગયાં. મીઠાઈના કરંડિયા ખોલીને એણે અક્કેક બટકું ચાખવા માંડ્યું. એના બચકારા સુશીલાને બરછીના ઘા સમા લાગ્યા. એ રસોઈની ધમાલ કરતી કરતી છણકાતી હોવાનો ભાભુને ભાસ આવ્યો. દાળમાં કડછી હલાવતી હલાવતી સુશીલા ખીજે બળતી બળતી કડછી પછાડતી હતી. ભજિયાંના લોટનો ડબો લેતા એણે લોટ ઢોળ્યો પણ ખરો.

“આ લે તો, ગગી ! આંહીં આવ તો ! ” ભાભુએ મીઠાઈ ખાતા ખાતા સુશીલાને બોલાવી.

“આંહીં ચૂલો બળે છે. શું કામ છે ?”

“આ ચાખ તો ખરી ! આનો સ્વાદ તો જો, ગગી !” ભાભુના એ શબ્દો ભરપૂર ગલોફાંમાંથી માંડ માંડ નીકળીને સુશીલાના કાને કાનખાજુરા જેમ અફળાતા હતા.

“પછી વાત.”

એવું કહેતી સુશીલાન ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોમાં એક મોટું બટકું હડસેલી દીધું ને ‘નહીં – પણ નહીં’ એવું કહેતી સુશીલાને કહ્યું : “ન ખાઈ જા તો તને વિજયચંદ્રની સોગંદ !”

“આ લ્યો ત્યારે,” એમ કહેતાંની સાથે જ સુશીલાએ બટકું મોમાંથી ચૂલાની આગોણની રાખમાં થૂકી નાખ્યું, ને એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા, તેથી તો ‘માડી રે…. મારી નાખ્યા રે…. ભવાની મા કાળકા રે લોલ !’ એવું ગાતા ગાતા ભાભુ તાળોટા પાડીને ગીત સાથે તાલ દેતાં રસોડા બહાર ચાલ્યાં આવ્યાં, ને ફરી વાર મીઠાઈ બટકાવતાં બરાબર સુશીલાની સામે બેઠાં. જાણીબૂજીને ઠાંસોઠાંસ ભરેલા એના ગલોફાંમાં એક ગામઠી ગીતોના ગૂંગળાતા હતા કે –

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો,
કે પાંદડું પરદેશી.
એનો પરણ્યો આણે આવ્યો,
કે પાંદડું પરદેશી.
એણે સોટા સાત સબોડ્યા,
કે પાંદડું પરદેશી.
ઈ તો ઝટપટ ગાડે બેઠી,
કે પાંદડું પરદેશી.

“જવાન માણસના પેટની ખબર શી પડે !” ભાભુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચુપકીદીને ભેદવા માટે બોલવા માંડ્યું : “રાતની રાતમાં તો વિચાર ફરીયે ગયા !”

“કોના ફરી ગયા ?” કરતી સુશીલા ઉઠીને ઓરડામાં આવી : “તમારા કે મારા ? મને એક ઔસ આયોડિન લાવી દ્યો ને, એટલે પીને સૂઈ જાઉં !”

“આહીં કાંઈ આયોડિન ન મળે, બાઈ મોટી !” ભાભુએ ટાઢે ટાઢે કહ્યે રાખ્યું : “આંહી ગામડામાં તો અરધો તોલો કે પાવલીભર અફીણથી જ રસ્તો નીકળે.”

“તો એ લાવી દ્યો.”

“મંગાવ્યું છે.” જરાક થંભીને ધીમે સ્વરે – “રૂપવટીથી”- પાછું થોડી વારે -“નાલાયક ! આવે જ શેનો ? રફુચક જ થઇ ગિયો. છાતી કોની લાવે – મારા બાપની ?”

“કાં ભાભી, કેટલી વાર છે જમવાને ?” એમ પૂછતા નાના શેઠ અંદર પ્રવેશ્યા.

“બસ ભાઈ, ભજિયા તળવા બેસું એટલી જ વાર. લ્યો લ્યો મીઠાઈ તો ચાખો !”

“મીઠાઈ ! – ભાભી, ક્યા સ્વાદે ? અત્યારે મીઠાઈ ઝેર જેવી લાગે છે. મેડી ઉપર મારા ભાઈએ તો મહાજનના શેઠિયાઓ પાસે અણછાજતી પારાયણ માંડી છે. મને તો, ભાભી, ગાજરમૂળા જેવો કરી આખી વાતમાંથી કાઢી નાખ્યો છે. હું તો હવે સહી શકીશ નહીં. ભાભી! પાદર આંટો દઈ આવ્યો. બેય જણા આવી ગયા છે ગાડું લઈને.”

‘અરેરે, બચારા જીવ !” ભાભુમાં મોમાં મીઠાઈનું બીજું બટકું ઓરાયું, “અબધડી જ તો એને ફિટકાર દેતી’તી. એ તો આવી ગયા !! પણ આ તમારી લાડકી તો જુઓ !”

“કાં?”

“રાતોરાત કોણ જાણે કેમ મત ફેરવી બેઠી છે !”

“મેં ક્યારે કહ્યું ? મને શા સારું સંતાપો છો ? મારો ટુકડા કરી નાખશો તોયે હું મત બદલાવાની નથી, કહો તો ચાલી નીકળું.” સુશીલા બોલી.

“મત ન બદલ્યો હોય તો લે, આ બટકું ખાઈ જા.”

“ચુલામાં જાય બટકું ! ભાભુ ચક્રમ કેમ બન્યાં છો ?”

“ચક્રમ કે ફક્રમ, મત ન બદલ્યો હોય તો ખાવું જ પડશે આ. ને જો મોમાંથી કાઢ્યું છે ને તો જાણીશ કે મત કાચો છે.”

એમ બોલીને ઊભાં થઇ ભાભુએ સુશીલાના મોમાં બટકું હડસેલી ફૂલેણ ગલોફાં પર એક ચૂમી લીધી; માથે હાથ ફેરવીને કહ્યું “

“મારી લાડકી ! ભાભુને હજુય ન ઓળખ્યાં ? હા-હા-હા-હા સાચું છે આજ હું ચક્રમ બની છું.”

આજની ઘડી રળિયામણી
મારો વા’લો આવ્યાની વધામણી રે

આજની ઘડી૦-

ક્રમશઃ …

૩૫. ભાભુનું લગનશાસ્ત્ર – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

ઘોડી પરથી ફલાંગ મારીને ઉતરતા સુખલાલને સુશીલાએ પરસાળની કિનાર પરથી જોયો. કમ્મરે એણે દુપટ્ટો કસકસેલ હતો. ને ધૂળથી બચવા માટે મો ફરતી બુકાની બાંધેલ હતી. એના માથા પર મુંબઈની ટોપીને બદલે આંટી પાડીને બાંધેલી પાઘડી હતી.

ઘોડીનીસરક પકડીને એ ડેલીમાં દાખલ થયો, ત્યારે મો પરની બુકાની ઉતારી નાંખી હતી. ભરેલું ગોળ મોટું આંટિયાળી નાની પાધડીએ વધુ શોભતું હતું.

એણે જોયા – પોતાના ત્રણ નાનાં ભાંડરડાં : પરસાળની કિનાર પર બેસીને ત્રણે દાતણ કરે છે. સૌથી નાનેરી પોટીને દાંતે દાતણનો કૂચડો વસતા સુશીલાના હાથ દેખાયા, આંગળા નજરે પડ્યા., ને ખુશાલભાઈના શબ્દોનો પડઘો ગુંજ્યો : “હાડતી છે, હો સુખલાલ ! લાગે છે તો ટકાઉ રાચ.”

પણ એ રાચ કેવળ એકલું ટકાઉં હોત તો સુખલાલના નેત્રો આટલા સજળ ન બન્યા હોત, નાની છોકરી ‘પોટી’ એક અવાજ સરખોય કાઢ્યા વગર મો ફાડીને આ પારકી જણીની પાસે દાંત ઘસાવતી હતી. દાંત ઘસાવવાની ક્રિયા કેટલી અળખામણી છે, તે સમજવા માટે સૌએ પોતાની બાલ્યાવસ્થા યાદ કરવાની રહે છે. પોટીના દાંત પર કૂચડો પોચે હાથે ફરતો હતો, ને પોટી સંચાની પૂતળી પેઠે, સુશીલા એને જેમ ફેરવે તેમ ફરતી હતી.

“એ…હે…ઈ….મોતાભાઈ….ધુવો છુછીલા ભાભી….” સાત વર્ષનો ભાઈ ઊભો થઈને પગ પછાડતો પછાડતો લલકારી ઉઠ્યો : “ધુવો ધુવો. આ છુછીલા ભાભી…આપલી બા વઈ ગઈ – ને આ છુછીલા ભાભી આવાં…ધુવો (જુઓ) છુછી….”

કહેતે કહેતે એનો એક હાથ સુશીલા તરફ હતો, બીજા હાથમાં દાતણ હતું. એની ચડ્ડી ઢીલી થઈને નીચી ઉતરતી હતી. ને એની મોટી બહેન સૂરજ એને હાથ પકડીને હેઠો બેસાડવાની કોશિશ કરતી હતી, ત્યારે ફળિયામાં ઊભેલા સુખલાલના હાથમાંથી ઘોડી લઈને નાના શેઠ એકઢાળિયામાં બાંધતા બાંધતા હસતા હતા. સુશીલા તીરછી આંખે સુખલાલ તરફ મોં મલકાવતી હતી, ને સુખલાલ પોતાના બાળભાઈ ના એક બોલ પર હૈયું ટેકાવીને નીચું ન્યાળતો ઊભો હતો :

‘બા ગઈ – ને ભાભી આવ્યાં.’

ઘોડી બાંધીને ઊઠેલા નાના શેઠ કહેવા લાગ્યા : “છોકરા પણ, ભાઈને કંઉ કે, લીબુના પાણીની જેમ આંહીં એકરસ થઇ ગયાં છે. લ્યો, ચાલો બેઠકમાં.”

“છોકરો બેક વિશેષ બોલકો છે,” સુખલાલ પોતાના નાનેરા ભાઈ તરફ મીઠી નજરે જોતો જોતો બોલતો ગયો. નાના ભાઈએ પોતાની મેળે જ સુખલાલને સંભળાવ્યું :

“હમણાં આવું થું, હો ! છુછીલા ભાભીને પૂથીને પથે આવું થું, હો મોટાભાઈ. પૂથ્યા વગલ નથી આવવાનો.”

એના બોલ બોલ કરતા મોં પર હાથ મૂકવા મથતી બહેન સૂરજને સુશીલાએ હસી હસી હાથ ઝાલીને વારણ કર્યું, તે એણે બેઉ નાનેરા બાળકોના નાક-મો સાફ-સૂવાળા કરી પછી સૂરજને કહ્યું : “જાવ. ત્રણે ભાંડરડા તમારા ભાઈને મળીને પછી શિરાવવા આવો.”

શા માટે સુશીલા આટલી ઉતાવળ કરતી હતી ! ભાંડુઓનો ભાંડુ સાથે મેળાપ કરાવવાની એ પરોપકારવૃતિ હતી ? એ પ્રશ્નના જવાબમાં પરોપકારવૃત્તિ અંદરથી બોલી ઉઠી : “દુત્તી ! એ છોકરાઓને મેળવવામાં ઊંડો ઊંડો મિલનસ્વાદ તો અગોચર ઊભીને તારી પોતાની જ સુંવાળી લાગણી લેવા માગે છે. અધીરાઈ તો આ એની છે, લુચ્ચી !”

એવા ટીકળખોર આંતર-સ્વરોને ટાળી દઈને નાસતી સુશીલા રસોડામાં લપાઈ ગઈ. પણ કોકના ધબ ! ધબ ! કરતાં પગલા એની પૂઠે પડયા હતા. કોઈક ધસી આવતું હતું. દીવાલને ઓથ દઈને લપાઈને દીવાલમાંથી કોઈક જાણે અંદર પેસતું હતું.

એ ધબકારા આખરે તો એના અંતરમાંથી ધમધમ કરતા હતા. મનમાં જાણે કોઈક ઘોડેસવારે પોતાનો નવલોહિયો અશ્વ કૂંડાળે નાખ્યો છે.

“ગગી !” ભાભુએ ધર્મક્રિયા પૂરી કરીને પ્રશાંત પગલે આવી કહ્યું : “રોટલાનો ભૂકો અને દહીંનો વાડકો એક થાળીમાં મૂકીને તૈયાર રાખજે. એને ચા પીવો હશે તો પછેં કરી દેજે. હું એને મોઢે ખરખરો કરીને આ આવી – હો કે ! રોટલાનો ભૂકો ઝીણો કરજે, હો બાઈ !”

કહીને પોતે બેઠકમાં ગયા. સુખલાલ ઉઠીને સામે આવ્યો. ‘ભાભુ’ ને એ નીચે નમીને પગે લાગ્યો.

“બેસો, માડી !” એ પછી થોડી વારનો મૂંગો ગાળો જવા દઈ ભાભુએ કહ્યું : “તમારા માનો આત્મા તો બહુ ભાગ્યશાળી : પૂરો પુન્યશાળી : પણ અમને લાખ રૂપિયાની ખોટ બેસી ગઈ. એની આવરદા ટૂપાઈ જવાનું મેં’ણું અમારે માથે આવ્યું. એને ધ્રાસકો ખાઈ ગયો, કે વહુ હારી બેઠાં.”

એ ધ્રાસકા (આઘાત)ની વાત સુખલાલાએ નવી સાંભળી. ભાભુએ આગળ ચલાવ્યું :

“એની જીવાદોરી અમારે નિમિતે કાપણી. જેવી એ તો લેણદેણ પણ હું એના પ્રાછત સારું થઈને જ છોકરાને આંહી લેતી આવી.”

સુખલાલને ફાળ પડી : “એની આંખમાં હરણાં કુદ્યા : ઓ મારા બાપ ! આ તો આશરાધર્મની લાગણીથી છોકરાને લાવ્યા લાગે છે !

ભાભુએ કહ્યું : “લેણદેણના સંબંધ લેણદેણ હોય ત્યાં લાગી ચાલે છે; એકબીજા માટે થઈને કષ્ટો ઉઠાવીએ ત્યારે લેણદેણના ચોપડા આગળ લખાય છે. હિંમતની તો મોટી વાત છે, ભાઈ ! કહે છે ને કે રણ તો શૂરાનું છે.”

સુખલાલને કાંઈ સમજ નહોતી પડતી કે પોતે આ સ્ત્રીની નજરમાં કયા સ્થાને ઊભેલો છે. ને આ સ્ત્રી શું મને મારી માતૃહીન સ્થિતિ પૂરતો જ હિંમતવાન બનવા કહી રહી છે કે બીજુંય કઈ સૂચવી રહી છે ?

વાતો ચાલી રહી છે ત્યાં તો તેજપુરથી એક ગાડું આવીને ઊભુ રહે છે. ‘તેજપુરનું ગાડું’ સાંભળી નાના શેઠ ચમકે છે. એનાં મોમાંથી શબ્દો નીકળી જાય છે : “અત્યારમાં ! હેં ! અત્યારમાં ભાઈ ક્યાંથી ?”

“સબૂરી રાખો, બાપુ ! સબૂરી રાખો,” એટલું જ ભાભુએ કહ્યું. ત્યાં તો ગાડા સાથેના દુકાનના માણસે આવીને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચતા વાંચતા નાના શેઠ પાછા આવ્યાને ભાભીને કહેવા લાગ્યા : “કાપડ-બાપડ વગેરે બધો સામાન આવ્યો છે. ચોખા ને તૂવરદાળ આવે છે. બીજી બધી પરચૂરણ ચીજો વરા માટે આવી છે. લખે છે કે મુંબઈનો કાગળ હતો તે મુજબ અવસરની બધી ચીજો મોકલી આપી છે.”

“ઠીક ! ઠીક !” ભાભુ સહેજ હસ્યાં ને સુખલાલ શ્યામ બન્યો. ક્યા અવસર માટે ? મારી સાથે ? હોય નહિ – માં મૂએ પાંચ દિન થયા છે. ત્યારે કોની સાથેનો અવસર ?….

“મુંબઈથી આવીને બપોરે તો બેય જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે, ને રાતે આવશે એમ લખે છે, મે’તાજી, “નાના શેઠે ભાભીને ખિન્ન ર્હદયે ખબર આપ્યા : “મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડ્યો છે. એટલે હવે તો ચોક્કસ જ સમજવું.”

“અચોક્કસ આપને ક્યાં સમજ્યાં’તાં, ભાઈ ? ઉતરાવી લ્યો બધો માલ.”

“તિથિ પણ મે’તાએ જોવરાવી મોકલી છે. પરમ દીની જ તિથિ છે.”

કાગળ વાંચીને વાંચીને ભાભીને સમાચાર સંભળાવતા નાના શેઠની સામે સુખલાલ શૂન્ય આંખે તાકી રહ્યો છે. એના મનમાં અનુમાન બંધાતું નથી. આવનાર એ બે જાણમાં બીજો કોણ ? કયો નવો મુરતિયો મળી ગયો ? વિજયચંદ્રને તો હવે આ લોકો થોડા અડશે ? કોણ હશે બીજો સુભાગી ?

ત્યાં જ નાના ભાઈએ કાગળ વાંચીને બધું ખબર દીધા :

“વિજયચંદ્રને ખાદીનો આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે – બે’નને માટે પણ તૈયાર….અં -અં -અં…”

“હં -હં.” ભાભુએ એ બધા સમાચારને પૂર્ણવિરામ મૂકીને પછી પાછું સુખલાલ તરફ ફરીને કહ્યું :

“જાણે જુઓ, માડી ! વેશવાળ કહો કે વિવા કહો. એ કાંઈ એક પુરૂષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય ? કન્યા વરે છે ને પરણે છે – સાસરિયાંના આખા ઘરને, કુળને, કુળદેવને; અરે માડી, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરૂષ પણ પરણે છે, કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાના ભાંડરડાને, કન્યાના સગાંવહાલાંને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય.”

સુખલાલ કાંઈ જવાબ આપે તે પૂર્વે તો ભાભુએ ઊમેર્યું કે “પુરૂષનો બાપ કાલોઘેલો હોય તોય કન્યા એની અદબ કરે ને રોટલો ટીપી ખવરાવે. સ્ત્રીનો બાપ અણકમાઉ ને રાખડી પડ્યો હોય તો જમાઈ એને ખંઘોલે બેસારીને સંસારના વન પાર કરાવે – ખરું ને, ભાઈ ? ન જાળવે તો ક્યાં મૂકી આવે ? અનાથોના આશ્રમમાં?”

સુખલાલે વધુ ને વધુ મૂંઝવણ અનુભવી ને નીચે જોયે રાખ્યું.

ભાભુએ કહ્યું : “સુખલાલ ! બેટા, આમ જુઓ.”

સુખલાલે ઊંચું જોયું.

“આ બેઠા મારા દીકરા જેવા દેર-ને તમારા તમે જે ગણો તે. કાલ સાંજરે એને આ ઘરના પથરા કહી દેશે કે : “નીકળી જા, ઓટીવાળ ! ચાલ્યો જ. ગમે ત્યાં જા. ન જિવાય તો મરી જા !”

સુખલાલ કોઈ ભવિષ્યવાણી બોલતું લાગ્યું, ભાભુએ આગળ ચલાવ્યું :

“મુઝાશો મા, તમારે માથે કોઈ આફત ઓઢાળવી નથી. આ તો તમારા હૈયાનેય જે આંચકા આજ સુધી લાગ્યા હોય, જે જે અપમાનોના સૂયા ભોકાણા હોય તે તે તપાસી જોવા કહું છું.”

“ભાભુ !” સૂરજે આવીને કહ્યું, “દહીં ને રોટલાનો ભૂકો તૈયાર છે.”

“હાલો, થોડું શિરાવી લ્યો,” એમ કહીને ભાભુએ સુખલાલને બીજા ઓરડામાં લઇ જઈ બેસાડ્યો; પોતે બહાર નીકળી ગયા. ને તે પછી સુશીલા હાથમાં થાળી લઇ દાખલ થઇ. સુખલાલને આ કન્યા પોતે જ જમાડવા આવશે એ સ્વપ્ને પણ નહોતું. એને સુગંધ આવી. એનું પૌરુષ ધમધમી ઉઠ્યું. એ સુશીલાને પોતાનો જ લાગ્યો. સાડીની મથરાવટી ને પાલવ સંકોડીને એણે થાળી પાટલા પર મૂકી કહ્યું :

“જમો.” ને એના મલકાતા મોં પર ગુલ પડ્યા.

સુખલાલ ખોટેખોટું જમવા લાગ્યો. એના હાથ કોળીયો લેવાને બદલે આ પારકી છોકરીને ગાલે વગર વાંકે તમાચા લગાવવા તમતમી ઉઠ્યા.

સુશીલાએ કહ્યું : “મારે એક જ વાત પૂછવી છે.”

“પૂછો.” સુખલાલના રોમ સળવળ્યા.

“તમે તૈયાર છો ?”

“શાને માટે?”

“જે પડે તે ભોગવવાને માટે?”

“પણ કોને માટે ?”

“મારા એકલીના માટે નહી.”

“ત્યારે ?”

“અમારા સૌના માટે.”

“તૈયારી ન હોત તો આટલો હઠીલો બનીને લાગ્યો શા માટે રહેત ?”

“બાપા તૈયાર છે ?”

“પૂછ્યું નથી.”

“પાછા જશો ? બાપને તેડી આવશો ? કાલ સવાર પહેલાં આવી શકશો ?”

“સવારે શું છે ?”

“મારા મોટા બાપુ વિજયચંદ્રને લઈને આવે છે – પરણાવી દેવા આવે છે. મારા બાપુએ ને ભાભુએ આપણા વેવિશાળની ગાંઠ વાળી છે. બેઉ જણા ઘર ત્યાગીને આંહી આવ્યા છે – આપણા માટે. તમે ઝટ બાપુને તેડી લાવો.”

સુશીલાના કંઠમાં ધ્રુજારી ઊઠી.

“મારા બાપુને ?”

“હા. હા, બાપુને !” સુશીલા ભાર દઈને બોલી.

“શા માટે ! હું પોતે જ જવાબદારી લઉં છું – પછી શું છે ?”

“ના, ના, હું તમારી એકલાની થઈને આવું નહીં. મને આવવાનું મન થાય છે, કેમ કે બાપુ છે, ભાંડુઓ છે, ઘર છે ને ઘરમાં વાછડી છે.”

“બાપુ ન હોત તો ?”

“તો મારું મન કદાચ પાછું પડી જાત.”

“બાપુ થોડા ના પાડવાના છે ?”

“મને રક્ષણ દેવાની ના તો નહીં પાડે. પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુજી આપણા સૌ ઉપર તૂટી પડવાના. એની મતિ… હે ભગવાન !” સુશીલાએ નિસાસો મૂક્યો.

“હું ભાભુને મળું, પછી નક્કી કરું.”

“જે કરવુ હોય તે સાંજ સુધીમાં કરી લેજો.”

સુખલાલ ખાઈને સસરા ને ભાભુ બેઠા હતા ત્યાં ગયો. એણે વાત મૂકી :

“લગ્ન આજે, અત્યારે, બે કલાકમાં ન કરી લેવાય ?”

“હા, હા, ભાભી,” સુશીલાના પિતા હર્શાવેશમાં આવી ગયા : “આ તો તમને સૂઝેલું જ નહી.”

“પણ મને સૂઝેલું હતું, ભાઈ !”

“તો પછી, ભાભી ! કરી લઈએ. પછી મારા ભાઈ પણ ટાઢા પડશે. હો ભાભી ! ગોરને ગામમાંથી જ બોલાવી લઈએ. હે ભાભી ? ફક્ત ચોઘડિયું સારું જોઈ લઈએ, હે ભાભી !”

“ના ભાઈ ! ના.” ભાભી આવા મક્કમ આવજે અગાઉ કદી બોલ્યાં હોય તેવું યાદ ન આવ્યું.

“કાં ભાભી ? સુખલાલ પોતે કબૂલ થાય છે.”

“એમના બાપા કબૂલ થાય તોપણ નહીં.”

“કાં ભાભી ?”

“એના ઘરમાં મા મૂઈ છે, ભાઈ મારા – ઢોર નથી મૂવું ! ને બીજું, મારે મારી છોકરીને ચોરીછૂપીથી નથી પરણાવવી. મારી સુશીલાએ કોઈ કલંકનું કામ કર્યું નથી. મારે તો સાખિયા જોઈએ છે ન્યાતના સમસ્ત ન્યાતીલા. મારે મારી લાડકીના આ શ્રેષ્ઠ અવસરમાં સૌની આશિષ લેવી છે, સૌનાં મોં મીઠાં કરવાના છે. મારે એને રાત લેવરાવવીન થી.”

“પણ ભાભી, સારા કામમાં સો વિઘન.”

“વિઘન તો આવે. વિઘનને વળોટીએ તો જ સારાં કામ મીઠાં લાગે.”

“બહુ મોટો ખોપ-“

“કાંઈ નહીં થાય, ભાઈ ! હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી, અનીતિનાં કરનારાં નથી. બીક કોની છે ?”

“રાજની ખટપટો ઊભી થાશે તો ?”

“ના રે ના. રાજવાળા ત બચાડા જીવ શી ખટપટ કરવાના હતા ? દીકરી પુખ્ત ઉંમરની છે, એને પોતાનાં વરઘર પસંદ કરવાનો હક છે, ને તમે દીકરીના બાપા છો. તેમ સુખલાલને થોડા કોઈ પચાસ વરસના ઠેરવવાના છે ?”

“બીજું કોઈ તૂત ઊભું કરે ને, ભાભી !” નાના શેઠ કહેવા પાછળ ઊંડો ઊંડો ગર્ભિતાર્થ હતો. સુખલાલ પારખી ગયો; એના પૌરુષહીનત્વની બનાવટી કથા.

“ગમે તે તૂત, કરે કે કરે, તમે દીકરીના બાપ છો, ને દીકરી લાયક ઉંમરની છે,” એટલું કહેનારાં ભાભુ પણ આ મર્મ સમજતાં હતાં.

થોડીવાર સુધી કોઈ બોલ્યું નહીં. સુશીલાના પિતાને ચટપટી ચાલી હતી. એના અંતરમાં ધાસ્તીના ફફડાટ હતા. એને તો ભાઈના આવ્યા પહેલાં પતાવી લેવું હતું. આ ભાભી ક્યાં લઇ જાય છે ? ક્યા ભયાનક પ્રદેશમાં ? કઈ વિકટ વાટે ? કેમ ટક્કર ઝીલશે ? પણ ભાભી પોતેય ભેગી છે. ભાભીની તૈયારી કારમી છે. ભાભી મારે એક પડખે, ને સુશીલા મારે બીજે પડખે : મારી મોખરે સુખલાલ : મને કોની બીક છે ? મનની ઝાડીમાં ઘૂમકાટ કરતા ભયના સત્વોને ભાભીની ઓથે રહીને વટાવતો આ ગભરુ પિતા જાણે એક અગ્નિ-ખાઈ ઓળંગી ગયો.

“માટે જાવ, ભાઈ સુખલાલ દીપચંદ મામાને માળો. એનો મત મેળવો, મનની ગાંઠ વાળીને નિર્ણય જણાવો. ને પાછા આવવાનો મત બંધાય તો કાલ સવારે પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો. પાછા ન આવવું હોય તોય તમે મોકળા છો, હો ભાઈ !”

પછી ફરી વાર જયારે સુખલાલ ઘોડી પર ચડ્યો ત્યારે એના કપાળમાં ‘ભાભુ’ના હાથનો ચોડેલો અક્ષતકંકુનો ચાંદલો હતો, ને મોમાં ગોળની એક કાંકરી આસ્તે આસ્તે ઓગળી રહી હતી.

ક્રમશઃ …

૩૪. ‘ભલે આવતા! – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

“ભાભી!” સુશીલાના પિતાનો સાદ સંધ્યાના અંધકારમાં ફાટી ગયો.

મોટાભાઈનો ‘રોકાઈ જાઓ’ એવો તાર મળ્યો એટલે એ તેજપુર ટપાલ વાંચવા ગયેલો. ત્યાંથી પાછા સાંજે ચોરવાડ આવીને એણે ‘ભાભી ભાભી’ના પોકાર પાડતા ઘર શોધ્યું. ભાભુ તે વખતે ઓરડાના અંધકારમાં એક નાનું આસનિયું પાથરીને બેઠા હતા. એમણે દિયરના બોલ સાભળ્યા, પણ જવાબ દીધો નહી.

“સુશીલા ! સુશીલા !” પિતાએ બેબાકળા બૂમ પાડી : “ભાભુ ક્યાં છે ?”

“સામાયક* કરવા બેઠેલ છે.”

“કેટલીક વાર બાકી છે ?”

સુશીલાએ ભાભુની સામે પડેલી કાચની ‘ઘડી’ અજવાળે લાવીને જોઈ અને પિતાને કહ્યું :

“હમણાં જ બીજી ઘડી બાંધી લાગે છે.”

એનો અર્થ એ હતો કે હજુ બીજો પોણો કલાક વીતશે.

એ પોણો કલાક વરસ જેવડો વીત્યો છતાય ભાભી ન ઉઠ્યા. એમણે ત્રીજી વાર એ ઘડી (કલાક-શીશી)ની રેતને ઊંઘી વાળી. એમણે શાંતિથી સુશીલને ફક્ત જ બોલ સંભળાવ્યો કે “મેં ત્રીજી ઘડી બાંધી છે.”

ત્રણ કલાકની ધર્મશાંતિ પૂરી કરીને સામાયિક છોડી, આસનિયું (કટાસણું) ઉપાડીને ગડી કરી ઊંચે મૂક્યું; માળા, મુહપત્તી અને કલાક શીશી ઠેકાણે મૂક્યા. એ બધું નિહાળતો દિયર, નાના બાળકની જેમ ઊબરમાં જ બેઠો હતો.

“કેમ ભાઈ ?” એમણે દિયરને પૂછ્યું,

“આજે કેમ સામાયક ઉમેરતા જ ગયાં, ભાભી ?”

“તમે સાદ પડ્યા ત્યારે મનની સબૂરી ચળી ગઈ’તી, ભાઈ ! શુ હશે ને શુ નહિ હોય તેના વિચારે ચડી જવાનું’તું. એટલે પછી મનને સમતા શીખવવા બે સમાંકું ઉમેરવી પડી.”

આ સાંભળીને દિયરને પોતાની અધીરાઈ ઉપર ભોઠાપણું થયું. ભાભીના ખુલાસામાં એક પણ સીધો શબ્દપ્રહાર નહી હોવા છતાં દિયરે પોતાના અંત:કરણને મૂંગો ઠપકો મળેલો અનુભવ્યો.

“તારનો ભરમ સમજાણો છે, ભાભી; મારા મોટાભાઈ પરમ દી આવે છે.”

“ભલે આવે.”

“ભેળાં વિજયચંદ્રને લાવે છે.”

“લાવે ભાઈ, એમાં શુ ?”

“મારા ઉપર કાગળ છે કે સુશીલાના ઘડિયા લગનની તૈયારી રાખવી.”

“હં-હં -“

“સુખલાલ આજ મુંબઈથી આવી ગયા.”

“ક્યાં ગયા ? રૂપવટી ને ?” ભાભુના કંઠમાં આ સૂરોએ જુદા જ ઝંકાર બોલાવ્યાં.

“હા. મેં કહ્યું છે કે સવારે આંહી સુધી આવી જાય.”

“એ તો આવશે જ ને, માડી ! એના ભાંડરડા આંહી છે.”

દિયરના શબ્દો પોલા વાંસમાંથી પવન સૂસવે તેવી ધ્રુજારી સાથે નીકળતા હતા. ભોજાઇએ ભલા દિયરના હૃદય-પોલાણમાં એક સરખા બંસીસ્વરો ઊઠે ને ધ્રુજારી શમે તેવા છેદ પાડવા માટે પોતાની શાંતિભરી ભાષાની છૂરી ફેરવતા હતા.

“આપણે શુ કરીશું, ભાભી ?”

“આપણે એમાં ગભરાવવાનું શુ છે ? તમારા મોટાભાઈએ, તમારે ને મારે, સૌએ કરવાનું છે તો જેમ સુશીલા કહે તેમ જ ને !”

“સુશીલાનું કહ્યું મારા ભાઈ શુ કરવાના હતા ?”

“દીકરી માથે હેત હશે તો કરશે.”

“નહી કરે તો ?”

“તો પાછા જાશે.”

“આપણને ધમકાવશે તો ?”

“તો ખમી લેશું.”

“મુંબઈ ભેગા લઇ જશે તો !”

“ઉપાડીને કોઈ થોડા લઇ જવાનું હતું, ભાઈ !”

“ભાભી, મને બીક લાગે છે.”

“હું એ જોઉં છું. ભાઈ ! પણ બીવા જેવું શુ છે ?”

“મારા ભાઈ તોફાન મચાવશે. કયાંક રાજની મદદ લેશે, એવા મારા મનમાં ભણકારા બોલે છે.”

“તોય આપણી કઈ જવાબદારી છે ? રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે !”

“સુશીલા કોનાં બાવડાંના બળે જવાબ દેશે ?”

“મારાં ને તમારાં તો નહી જ.”

“ત્યારે ?”

“એનો જવાબ આપણને સવારે જડી રહેશે.”

“કોની પાસેથી ?”

“સુખલાલ પાસેથી. એ કદાચ અહીં આવે કે ન આવે, માટે એક માણસ મોકલી વેળાસર તેડાવી લ્યો.”

“એ શું જવાબ દેશે ?”

“એને આપણે એક જ વાત પૂછવી છે, કે ધણી તરીકે પ્રાણ દઈને પણ સુશીલાની રક્ષા કરવા સાટુ તૈયાર છો, બાપા? તને દંડશે, પીટશે, લૂંટશે, દબાવશે, તારા બાપનું ધનોતપનોત કાઢી નાખશે; તે બધુય ભોગવવાની તૈયારી હોય તો હા પાડજે, ને નીકર ના કહી દેજે. એટલે સુશીલાને કોની રક્ષા ગોતવી તેની સૂઝ પડે. પરણવાની તારી બીજી ત્રેવડ અમે જોઈ નથી, અમારે જોવીય નથી; જોવી તો રહે છે ફક્ત આ ત્રેવડ. સુશીલાનો હાથ ઝાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની ત્રેવડ. બસ, આનો જે જવાબ સુશીલાને જડે, તે ઉપર સુશીલાએ કેડ બાંધવી કે ન બાંધવી.”

અંધારામાં એ ભાભી-દિયર ગુરુ શિષ્ય સમાં લાગતા હતા, ને સાંભળતે સાંભળતે દિયરના મનમાં કલ્પનાભૂતો, ડર અંને સંશયો ભેદાતાં હતાં.

“સુશીલાને કદાપિ તમે ને હું પરણાવી દઈએ, પણ એનો આખો સંસાર ચલાવી દેવા આપણાથી નહી જવાય. સુશીલાનું હૈયું ભલે બીજી બધી વાતે રૂપાવટીવાળાને ઘેરે ઠર્યું, સુખલાલ ભલે બીજા કરતા વધુ ગમ્યો, પણ સુખલાલના હૈયામાં કેટલું હીર છે તેની આપણને હજી પાકી ખબર ક્યાં છે ? પૂછો સુશીલાને. પછી બોલાવો સુખલાલને. આપણું જોર તો એની પીઠ ઢાંકીને ઊભવા માટે છે – છાતી તો એની જ જોરદાર જોવે ને ! આ કાંઈ જેવોતેવો મામલો નથી મચવાનો, વીર મારા ! હું સમજીને, કલ્પીને, છેલ્લી ગાંઠ વાળીને પછી જ મુંબઈથી નીકળી છું.”

સુશીલા-સુખલાલના લગ્નની આડે પડનારો પોતાનો પતિ કેટકેટલી સમશેરો વીંઝવાનો છે. તેની એક દારુણ કલ્પના આ નારીના નેત્રો સામે ચકચકી રહી હતી. એની વિચારમાળાના મણકા ફરી ફરીને આજે છેલ્લા ‘મેર’ પર આવ્યા હતા. એની સાદી સાન સાબૂત હતી, સ્થિર હતી ને સીધીદોર હતી. લગ્ન સંબધની યોગ્યાયોગ્યાતાની છેલ્લી ચકાસણીની આ નારીને ગતાગમ હતી. ચાસણીનો તાર ક્યારે આવ્યો કહેવાય તેની એ સ્ત્રી જાતમાહેતગાર હતી. એણે કટોકટ ત્રાજવે પ્રશ્ન મૂક્યો :

‘પરણવા માગનારની ખુવાર થઇ જવાની કેટલી તૈયારી છે ? લગ્નનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો – જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી.’

વળતા દિવસે સવારે સુખલાલ ઘોડે ચડીને આવી પહોચ્યો.

_____________________________________

‘સામાયિક’ ના મની જૈનોની ધાર્મિકક્રિયા હોય છે, તેમાં મુકરર કરેલો સમય પૂરો થતા પહેલા ઉઠાતું નથી, તેમ કોઈ સંસાર-કાર્યમાં ભાગ લેવાતો નથી.

ક્રમશઃ …

૩૩. વિજયચંદ્રનો વિજય – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

ખુશાલના ગયા પછી થોડીવાર સુધી આ બેઉની સમાધિ ચાલુ જ રહી. સમાધિ છૂટી શકી ત્યારે ચંપક શેઠે દુભાતે સ્વરે કહ્યું :

“ગઠિયા — કાઠિયાવાડમાંથી આવા બધા ગઠિયા જ આંહીં મુંબઈમાં ભરાણા છે. પોલીસને આ ગઠિયા જુગારમાંથી ઊભે ગળે ખવરાવે, ને આબરૂદારોની આબરૂ પાડતા ફાટ્યા ફરે.”

“આપણા કામને એની કશી અસર થતી નથી.”

“ના, મેં તો ઊલટાનું એને આવીને લઈ જવાનું કહેલું ; પણ આ તો તેમની નાણાં કઢાવવાની રીત છે. મૂળ આ આવેલો લાંચ ખાવા.”

“ખેર.”, વિજયચંદ્ર પોતાની અધીરાઈને છુપાવતો છુપાવતો મૂળ વાતના તૂટેલા ત્રાગડા સાંધવા ઉતાવળો થયો. કેમ કે એના ઘરના મુકદ્દમાની તો ઘરમેળે માંડવાળ જ થઈ ગઈ હતી.

“તમે મારી સુશીલાને સુખી કરી શકશો ? તમને ખાતરી છે ?” ચંપક શેઠે વાર્તાલાપ આગળ ચલાવ્યો.

“પોતે જ શા માટે છતી આંખે મારું કે કોઈ બીજાનું જીવતર હોળીમાં હોમું ? આ જુઓ.”

એટલું કહેતે વિજયચંદ્રે ગજવામાંથી કાગળોની થોકડી કાઢીને ચંપક શેઠ સામે ધરી કહ્યું : “આટલાં કહેણ છે. મારા માથે તરપીટ પડે છે. પોલીસે કેસ ઊભો કર્યા પછી પણ આવેલા આ કાગળ જુઓ.”

ચંપક શેઠે કદાચ જોવા યત્ન કર્યો હોત તોપણ એ કાગળોની બનાવટને પકડી ન શકત. જુદા જુદા હસ્તાક્ષરમાં ને નોખીનોખી શાહીઓ વડે લખેલા એ કાગળો હતા. પ્રત્યેક કાગળમાં એક એક કુંવારી કન્યાનો પિતા કાકલૂદી કરતો હતો : વિજયચંદ્ર જો પાણિગ્રહણ કરે તો તેમાંનો કોઈક પિતા પાંચ હજાર ગજવે ઘાલવા, તો કોઈક બીજો પિતા પોતાનો સમસ્ત વારસો એને ચરણે ધરવા તૈયાર હતો. એ બધા પિતાઓની હયાતી વિજયચંદ્રના ગજવા ઉપરાંત પૃથ્વી પર કોઈ ઠેકાણે હતી કે કેમ, એ પ્રશ્ન પૂછ્યો કોઈને ન સૂઝે. ઉંમરલાયક બનેલી પુત્રીના પિતાઓ આ જગતમાં વધુમાં વધુ લાચાર માનવીઓ હોય છે.

“મારી બડાઈ હાંકવા કે આપની આંખો આંજી દેવા માટે હું આ નથી બતાવતો. આજ સુધી નથી બતાવેલ તેનું એ જ કારણ હતું. હું આપની સંકડામણનો ગેરલાભ લ‌ઉં તો મારી કેળવણી ને મારું કુળ બેઉનો દ્રોહી બનું. આજે બતાવું છું તે તો આપને મારા હૃદયની ખાતરી કરાવવા. કેમ કે મારી મથરાવટી આજે મેલી થઈ છે. મારી જે રક્ષા આજે આપે કરી છે, તેનો બદલો હું એક જ રીતે વાળી શકું તેમ છું : આપને આપવા જેવું મારી પાસે મારું સ્વતંત્ર જીવન છે, તે હું આપી દઈશ. આપના આખા કુટુંબની એકમાત્ર જે મૂંઝવણ, તેને હું મારા માથા પર હું ઉઠાવી લઈશ. થોડા દિવસ પર હું આપની પાસે મારી શરતો મૂકીને દબાવતો હતો, આજે હું પોતે જ જે કહો તે શરત નીચે દબાવા તૈયાર છું.”

“તાત્કાલિક લગ્ન કરી શકશો ?”

“પૂછો છો શા માટે ? આજ્ઞા જ કરો.”

“વિલાયત ક્યારે જવું છે ?”

“આપ રજા આપો ત્યારે.”

“એકલા જશો કે ?”

“હવે એકલા વિલાયત જવાની મારી હિંમત જ નથી. આપ રજા દેશો તો જ અને સાથે મોકલશો તો જ મારે જવાનું છે, નહીં તો જવું નથી.”

એક પ્રતિષ્ઠાવંત મિલમાલિકના પ્રતિનિધિ બનીને વિલાયત જનારા જમાઈની અને એ ફૂલહારે લચી પડતા જમાઈને પડખે ગળાબૂડ ગુલાબના હારોમાં શોભતી પોતાની પુત્રીની — બેલાર્ડ પિયર પરના એક ‘પી. ઍન્ડ ઓ’ મેઈલ-જહાજ પર ચડતી એવી બે પ્રતિમાઓ ચંપક શેઠની કલ્પનામાં રમી રહી. પોતે કલ્પના કરી, ને પોતાની કલ્પનામાં નિહાળી પોતે જ આભો બની રહ્યો. પોતાની એકોતેર પેઢીઓને પોતે એ કલ્પના વડે તારી રહ્યો હતો. એ કલ્પના સાચી પડશે ત્યારે અમારી કીર્તિનો રથ પૃથ્વીથી સવા વેંત ઊંચેરો ચાલશે. ગામડાંનાં સગાંવહાલાં અને જ્ઞાતિભાઈઓ ‘ધન્ય છે ! ધન્ય છે !’ બોલશે. મિલોવાળા શેઠિયા અને દેશ્પરદેશી સાહેબો તે દિવસ અભિનંદન આપવા આવશે કે ચંપક શેઠ, તમારું કુટુંબ આટલું સંસ્કારી છે એની તો અમને ખબર જ નહીં.

આ તે શું ફક્ત સંતાનહીન પિતાના હૈયાના ગુપ્ત મનોરથો હતા ? કે પોતાની અસલ જમીનમાંથી એકાએક ઊખડી પડીને શ્રીમંતાઈના ફૂલબાગમાં રોપાયેલાં સુવર્ણનાં ઝાડવાં સમાં માનવીનાં આ ઘેલાં હતાં ? પોતાની ધરતી તો વછૂટી ગઈ, પરાઈ અને અજાણી ભોમમાં જરીક મૂળિયાં બાઝ્યાં — પછી શું માનવીના વલવલાટો આવા કોઈ સાફલ્યને શોધતા હશે ? વારસહીનોના, પુત્રહીન વાંઝિયાઓના એ વલવલાટ ! ઓચિંતી આવી પડેલી લક્ષ્મીની એ વ્યાકુળતા ! એ પોતાની સાર્થકતા શોધે છે. એ જગતના કાન પર દાંડી પીટી પીટી ઘોષણા કરવા ચાહે છે કે, ‘જુઓ, જુઓ, હું જે છું તે અસ્વાભાવિક નથી, ક્ષુદ્ર નથી, ઉપેક્ષા કરવા લાયક નથી. હું છું, હું કંઈક છું, હું ઘણું બધું છું.’

“એક વાતે તમને ચેતાવું,” ચંપક શેઠે બેલાર્ડ પિયર પરથી કલ્પનાને પાછી વાળીને વિજયચંદ્રને યાદ આપ્યું : “સુશીલાના મગજ ઉપર કંઈક માઠી અસર તમારાં ઓલ્યાં બે’નના બોલવાથી થઈ છે એટલે…”

“એ બન્યું ત્યારે હું જરા મોડો પહોંચ્યો હતો. મને એ જાણ થઈ તે ઘડીથી જ મેં એ મિત્રની ને એમનાં પત્નીની — જેને હું પણ ધર્મની બહેન માનતો તેની — સોબત છોડી છે, તેમના ઘરનો માર્ગ પણ છોડી દીધો છે. હું કબૂલ કરું છું કે ઘણાં વર્ષો સુધી હું છેતરાયો જ હતો. મારા ભોળપણ ઉપર કહો કે મારી મૂર્ખાઈ પર કહો — એ બેય જણાં આબાદ રમત રમી ગયાં છે. પણ એમણે મને ફૂંકી ફૂંકી ફોલી ખાધો તે તો મેં બહુ મોડું જાણ્યું. ને મારી આંખો ઉઘડાવનાર પણ આપનાં પુત્રી જ બન્યાં — તે દિવસથી જ મને થયા કર્યું છે કે મારા જેવા બેવકૂફ ભોળા પુરુષને સદા સાવધાન રાખે એવી સ્ત્રીની જ જરૂર છે. મારે કાંઈ મૂંગી મૂંગી પૂજા કરનારી ને હામાં હા ભેળવનારી ગુલામડી નથી જોઈતી. એ જ્ઞાન થયું છે ત્યારથી તો મને પશ્ચાતાપ જ થયા કર્યો છે, કે એમને ભણાવવા-ગણાવવા ને સંસ્કારો પાડી મારે લાયક બનાવવાની કેવી શેખી હું કરી બેઠો ! ઊલટાનું હવે તો મને પારી પોતાની લાયકીનો વિચાર થાય છે.”

છેલ્લા છ મહિનાના સમાગમમાં કોઈ અદ્‌ભૂત ભાત પાડનારું આ જુવાનનું માનસિક પરિવર્તન ચંપક શેઠની આંખોમાં કામણ કરી રહ્યું. મનમાં થયું કે એ જૂના જમાનાની જડમૂર્તિ, જૂના વેવિશાળનો જિદ્દી પક્ષપાત કરતી એ મારી બોથડ ને મીંઢી બાયડી જો અત્યારે આંહીં આ સાંભળવા હાજર હોત તો એને ખાતરી થાત. મારી સુશીલા જો છૂપીને આ જુવાનના શબ્દો સાંભળી શકી હોત તો એના મનમાંથી એની જુનવાણી ભાભુએ ભરાવેલ ડૂચા ક્યારના નીકળી જાત. એ બધાંને દીવા જેવું દેખાત કે મારી આંખોમાં ઠરેલો છોકરો નાલાયક નીવડે નહીં. છેલ્લા બેચાર દિવસોનો ખળભળાટ નાહક આડે આવ્યો, પણ ફિકર નહીં. રૂપાવટીવાળો એ હરામખોર વાણિયો નક્કી આ ભાભુ-ભત્રીજીને રસ્તામાંથી જ આડુંઅવળું સમજાવી ઘેરે લઈ ગયો હશે. હવે જ્યારે એણે એનું પોત પ્રકશ્યું છે ત્યારે તો એની છાતી માથે થઈને જ મારે લગન કરવાં છે. હવે ન્યાતની મંજૂરી લેવાની શી જરૂર છે ? ન્યાત થોડો દંડ કરશે એટલું જ ને ! ચૂકવી આપીશ.

વિજયચંદ્રને એણે પૂછ્યું :

“ઉતાવળે લગ્ન પતાવી નાખીએ તો ન્યાતનો તમને ડર છે ખરો કે ?”

“મારે ક્યાં કોઈ ભાઈ કે બે’નને પરણાવવા ન્યાતનું શરણ લેવાનું છે ?”

“તો ચાલો. પરમ દી સવારે જ ઊપડવું છે.”

“એક વાત પૂછવાની રહે છે.”

“શી વાત ?”

“દુઃખ નહીં લગાડો ને ?”

“ના.”

“આપનાં પત્નીને આ બધું ગમશે કે કેમ તે…”

“ન ગમે તો રસ્તા મોકળા છે. એક હાક માર્યા ભેગી તો આંખમાંથી દડ દડ ધાર નહીં છૂટી પડે ? હું એવો બાયડીવશ ધણી નથી ! પરમ દિવસ સવારની ગાડીમાં તમે બેસજો દાદરથી ને હું બેસીશ બોરીવલીથી. હવે પગથિયાં નથી મૂકવાં. સારા કામને સો વિઘન નડે. આ ખુશાલિયો પણ કાંઈક ખટપટ કરે એવો સંભવ છે.”

વિજયચંદ્ર સ્થિર નયને તાકી રહ્યો. એવી રીતે તાકવાથી એની આંખોમાં જળ ઝબૂક્યાં. રેશમી રૂમાલમાં એ જળનો છંટકાવ થયો. આભારમાં આકુલ બનતી બે મૂંગી આંખો બતાવીને એણે વિદાય લીધી.

ક્રમશઃ …

૩૨. કજિયાનો કાયર – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

માતાનું સ્નાન કરીને પછી સુખલાલ રડતી આંખો લૂછી નાખી તે જ રાત્રીથી દુકાન પર જતો હતો. ત્રીજા દિવસની રાત્રીએ ફેરીમાં લઈ જવાનાં વાસણો એ ગોઠવતો હતો. જુદી જુદી થપ્પીઓમાંથી ગોતી ગોતીને નંબરી માલ કાઢતો કાઢતો એ વચ્ચે વચ્ચે નિસરણી પર ઊભો થઈ રહેતો હતો. વળતી જ પળે એ પોતાનો ચહેરો ચોળીને માતાનાં સ્મરણોને જાણે કે લીલાં ભીંગડાંની માફક ઉખેડી નાખતો હતો.

“કાં સુખા !” એકાએક ખુશાલભાઈએ આવીને અવાજ દીધો : “તું આંહીં ક્યારે આવતો રહ્યો, ભાઈ ? હું તો તને ઘેર ગોતતો હતો; માણસો ખરખરો કરવા આવેલા.”

“કાલે જરા આઘેનાં પરાંના ઑર્ડર છે એટલે અત્યારે જ તૈયારી કરી લેવી છે.”

“કાલ સવારે તો તારે દેશમાં જવું જોશે ને ?”

“હમણાં નથી જવું.”

“કાં ?”

“દિવાળીના ટાણામાં દેખીપેખીને વકરો નથી ખોવો.” એનો સાદ ધ્રૂજતો ગયો.

“નીચે આવ, આપણે વાત કરીએ.”

ખુશાલે સુખલાલને પોતાની બાજુમાં બેસારીને એની પીઠ પર હાથ ફેરવ્યો ને કહ્યું : “તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ. લાવ તારા ઑર્ડરોની નોંધ – હું જાતે જઈને એકે‌એક ઠેકાણે પહોંચાડી આવીશ, પછી છે કાંઈ ? તું સવારની ગાડીમાં જ ઊપડી જા દેશમાં.”

“હવે શી ઉતાવળ છે ?”

એ શબ્દોમાં ‘હવે’ ઉપર સુખલાલનો સ્વર ફાટફાટ થયો. એ ‘હવે’માં વિધાતા ઉપર ભારી કટાક્ષ હતો. હવે પોતે પાંચ-પંદર દિન મોડો જય તોપણ શો ફરક પડનાર છે ? ગયેલી માનું મોં થોડું જોઈ શકાવાનું છે ?

“ફેર પડે. તારી હાજરી હોય તો તારા બાપા હિમંતમાં રહે ને છોકરાંને વાત વિસારે પડે, ભાઈ મારા.”

“છોકરાંને તો-“

બોલતાં બોલતાં એણે જીભ થંભાવી. ખુશાલભાઈને વધુ શબ્દોની જરૂર પણ ન રહી, એણે કહ્યું :

“મારે તને ધકેલવો પડે છે તે એ કારણસર જ. છોકરાંને જેઓ તેડી ગયાં તેમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શક્યો નથી. એ ભાભુ-ભત્રીજી દેશમાં એકાએક કેમ ઊપડી ગયાં, તારે ઘેર શા સારુ ગયાં, બધી શી બાબત બની, તાગ તો મેળવવો જોશે ને ! આંહીંથી ભાગેલ છે — જાણે કે ઓલા સેતાન વિજયચંદ્રના પંજામાંથી છટકવા. પણ ચંપક શેઠના મનાઈ કરેલા માર્ગે કેમ ચડી શક્યાં ? બચવા માટે થઈને એણે વિચાર બદલ્યા કે શું ? તારો સસરો સ્નાન કરવા આવ્યો, એ પા નવાઈની વાત કહેવાય. ને અત્યારે પાછી નવી વાત સાંભળી — તારો સસરો દેશમાં ઊપડી ગયો ને સામાન બધો પાછો મોકલતો ગયો. તું દેશમાં પહોંચ તો જ તાગ મળશે. આવ્યા લાગે છે દીકરા સાંડસામાં. માટે આપણેય મુરત છાંડવું નહીં. મારી નજર તો કન્યા માથે છે; છોડવા જેવી છોકરી નથી — બાકી એ લાડવાચોરોની લખમીનો આપણે ઓછાયોય લેવો નથી. તેજપુર ગામની નાતમાંથી બુંદીના લાડવા ચોરનારા એ બેય ભાઈ તો એના એ જ છે. ચંપક ચોરવે વિશેષ ચાલાક હતો. મુંબઈમાં આવીને આસામી બાંધી છે એય પણ ચોરીને. આપણે ચોરીના માલનો ઓછાયોય ન જોવે. પણ એ કન્યાને, એ રતનને આ ચીંથરડાંમાંથી છોડી લીધે જ છૂટકો છે, તે વગર જંપ નથી. તે વગર ઊજળાં લૂગડાં પહેરીને મુંબ‌ઈમાં નીકળવું ઝેર જેવું લાગે છે. માટે કહું છું કે ઝટ દેશમાં પહોંચ.”

સુખલાલ મનમાં મનમાં રમૂજ પામતો હતો. લાડવાચોરની લક્ષ્મીને અને કન્યાને જાણે ભલાઈથી ખુશાલભાઈ જતી કરતા હોય ! પીરસેલી થાળીમાંથી જાણે શાકપાંદડાં છોડી દઈ ડબ દઈને મોંમાં મીઠાઈ મૂકી દેવાની જ વાર હોય !

ફરી ખુશાલભાઈ બબડ્યા : “ન્યાતના વડે એ બેય ભાઈઓ લાડવા ચોરતા કેટલી વાર તો પકડાયેલા. મને યાદ છે : એક વાર હું હતો પીરસવામાં; મને ફોસલાવીને લાડવા કઢાવતા’તા. પણ છોકરીમાં એ સંસ્કાર જ લાગતો નથી.”

સુખલાલને મનમાં મનમાં રમૂજ તો થઈ, કે કોને ખબર છે કે છોકરી ફરી વાર મારા જેવા ગરીબના ઘરમાં આવ્યા પછી ન્યાતમાંથી લાડવા નહીં ચોરે. તેની શી ખાતરી ? સુશીલા જો મળે તો પહેલી જ રાત્રીનો પહેલો જ સવાલ એ પૂછું : “લાડવા તને ચોરતાં આવડે છે કે નહીં ?”

એ શો જવાબ દેશે ? દેશે કે “ચોર પિતાની પુત્રી હતી તેથી તો મને તમારી ગેરહાજરીમાં તમારા ઘરમાં પેસી જવાની ચોરી આવડી ને !”

બેવકૂફ ! મૂઈ માતાનાં આંસુ તો હજી સુકાયાં નથી, ત્યાં તો પરણ્યાની પહેલી રાતનાં ચિત્રો આંકવા બેઠો છે ?

મા મૂઈ છે છતાં ઘેર જવાનું મન નથી થતું, કેમ કે ચંપક શેઠે પોતાના જીવનમાં પેસાડી દીધેલી પામરતાનું ટીપેટીપું નિચોવી નાખવાને એણે નિશ્ચય કરેલ છે. તેડવા આવેલ બાપને કહેલું વેણ એને કંઠે છે કે, ‘મુંબઈમાં જ જીવીશ ને મુંબઈમાં જ મરીશ.’ પુરુષાર્થની તેજભરી કારકિર્દી બતાવીને ચંપક શેઠને પડકારવો છે કે જો, મેં ચોરી નથી કરી; મેં તો મારા તાલકાની તપેલીને ભુજબળે માંજીને ચળકાટ આણ્યો છે. એવી ખુમારીમાં તડપતા સુખલાલને ખુશાલભાઈએ પીઠ ઠબકારીને કહ્યું :

“હવે બીક રાખીશ મા, હવે તું પાંચ દિવસ દેશમાં જઈ આવીશ તેથી તારો પુરુષાર્થ કટાઈ નહીં જાય. ને તારા મનની જે ઉમેદ છે — ચંપક શેઠનો મદ ઊતારવાની — તે ઉમેદને જ પાર ઊતારવાનો મોકો બતાવું છું તને, કે ઝટ દેશમાં જા.”

સુખલાલનું ઘડતર એ જ ભૂમિનું હતું કે જેને ખોળે ખુશાલભાઈ આળોટ્યો હતો. સ્વાભાવિક જ હતું કે ઉચ્ચ ભાવના જે અસર ન કરી શકી હોત, તે અસર સુખલાલના દિલ પર ખુશાલની નીચલા પ્રકારની દલીલથી પડી શકી : ચંપક શેઠનો મદ ભાંગવો છે; એ સાપની ફેણ માથેથી સુશીલા સમા મણિને પડાવી લેવો છે–ભલે પછી એની ફેણના ટુકડેટુકડા કરવા પડે.

“તો હું બધો માલ ગોઠવી કાઢું.”

“ઠીક, ગોઠવી લે. હું તેટલી વારમાં ત્યાં એક આંટો દઈ આવું — રંગ તો જોઈ આવું !”

*
ઘંટડીની ચાંપ દાબ્યા પછી બારણું ઊઘાતાં વાર જ ખુશાલ ચંપક શેઠના મકાનમાં પેસી ગયો. સામું ઊઘાડવા આવનાર માણસ હાના કરશે એવી બીકે ‘શેઠ ઘરમાં છે કે નહીં ?’ એટલુંય ન પૂછવાની એણે પદ્ધતિ રાખી હતી. કેમ કે એ મુંબઇનાં કેટલાંય માકાનો પર જવા ટેવાયેલો હતો, કે ‘જ્યાં શેઠ ઘરી નાય’ એ એક જ સરખો જવાબ મહિનાઓ સુધી તમને મળ્યા કરે.

આંહીં પણ અર્ધ ખુલ્લાં બારણાં ધકાવીને ખુશાલભાઈ અંદર દાખલ થયો, ને શેઠ ઘેર નથી’ એવું કહેનાર ઘાટીને એણે એક હળવા હેતભર્યા ધક્કાથી બાજુએ ખેસવીને કહ્યું : “ફિકર નહીં; આવશે ત્યાં સુધી હું રાહ જોઈશ.”

પરબારો એ દીવાનખાનામાં જ પહોંચ્યો ને સોફા પર ટોપી ઉતારીને બેઠો. એના ખોંખારા, ખાંસી, ખાસ કરીને એની છીંક, એનાં બગાસાં, અને તે તમામ ચેષ્ટાઓની કલગીરૂપ એનું ગાન : જે જે ઘરમાં ‘શેઠ ઘેર નથી’ની કાયમી સ્થિતિ હતી ત્યાં ત્યાં ખુશાલ આ ઓજારો અજમાવતો, ને ઘરના માલિકને કોણ જાણે કેમ પણ ઘરમાંથી પ્રગટ થવાની ફરજ પડતી.

આંહીં ખુશાલને ફક્ત બે જોરદાર બગાસાં જ ખાવાની જરૂર પડી. અંદરના દીવાનખાનામાં બે જણા વચ્ચે ધીમો વાર્તાલાપ ચાલતો હતો. તે વાર્તાલાપને એકદમ થંભવું પડ્યું. ચંપક શેઠ બહારના દીવાનખાનામાં અવ્યા, ને એને પોતાના કાળ જેવો આ હનુમાનગલીનો દાદો ખુશાલ દેખાયો.

“જે જે ચંપકભાઈ !”

“તમે અત્યારે કેમ આવ્યા ? તમે પુછાવ્યા સિવાય કેમ ચાલ્યા આવો છો, ભૈ ? એલા રામા, આવનારને બારણે જ કેમ કહી દેતો નથી, નાલાયક ?–અત્યારે તો જાવ, ભઈ, હું કામમાં છું.”

આ માણસમાં કશો જ પલટો થયો નથી એ ખુશાલને તરત સમજાયું.

“વળી પાછા તમે ઉતાવળા થયા કે ચંપક શેઠ ?” ખુશાલે ઠાવકે મોંએ કહ્યું, “આપણી તે દીની કામગરી અધૂરી અહી છે તે તો યાદ કરો !”

“હું જાણું છું, તમે ઘરમાંથી એમ નહિં નીકળો.” એ શબ્દો સાથે ડોળા ફાડી ચંપક શેઠ ટેલિફોન પર જવા લાગ્યા, કે તરત જ ખુશાલે ઊઠીને એના હાથનું કાંડું પોતાના પંજામાં લીધું, ને હસતાં હસતાં તેણે કહ્યું : ‘બેસો, બેસો તો ખરા, ભલા માણસ !” એ કાંડા પર ખુશાલની એક આંગળી કોઈ એક એવે ચોક્કસ સ્થાને દબાણ દઈ રહી હતી કે કશી જ ધમાચક્કડ વગર આંખો ઊંચી ચડાવીને, મંત્રવશ બનેલા માણસ જેવા ચંપક શેઠ પોતાનો ખિજવાટ છોડીને ખુશાલની બાજુમાં બેસી ગયા.

કુદરતે માણસના શરીરમાં એક ગુપ્ત રચના કરી છે. કદાવર કાયાઓને પણ મલોખાં જેવી કરી નાખનાર કેટલીક ચાંપો અમુક અમુક માર્મિક જગ્યાઓએ જ કુદરતે છુપાવેલ છે. ખુશાલભાઈ એ મર્મસ્થાનોનો પૂરો જ્ઞાતા હતો. હાથી જેવા પુરુષોને મીણની પૂતળી જેવા બનાવી દેવા માટે સિંહ-થાપાની કશી જ જરૂર નથી હોતી– જરૂર છે ફક્ત ચાંપ દબાવવાની જગ્યા જાણી લેવાની.

ખુશાલ તો હસતો રહ્યો ને ચંપક શેઠના ડોળા ઊંચા ચઢવા લાગ્યા.

“કાંઈ નહીં, કાંઈ નહીં, શાંતિથી બેસો,” ખુશાલે ચંપક શેઠનું કાંડું છોડી દઈને કહ્યું.

કાંડું છૂટ્યા પછી શેઠનો અવાજ નીકળ્યો. અંદરના દીવાનખાનામાંથી એક જુવાન દોડી આવ્યો : એ હતો વિજયચંદ્ર. વિજયચંદ્ર આવી પહોંચ્યો તે પહેલાં તો ખુશાલે ફરી વાર શેઠનું કાંડું જકડી લીધું હતું.

“કોણ છો તમે ?” વિજયચંદ્રે હસતા ખુશાલને જુસ્સાથી પૂછ્યું.

“એમનો સ્નેહી છું, સગો છું. પૂછી જુઓ એમને — ચોરડાકુ હું થોડોક જ છું.”

“પોલીસને ટેલિફોન…” એટલો શબ્દોચ્ચાર ચંપક શેઠ માંડ કરી શક્યા, ને વિજયચંદ્રે ટેલિફોન તરફ બે કદમો ભર્યા; ત્યાં તો ખુશાલે વિજયચંદ્રને વીનવ્યો : “ઊભા રો’, ભાઈ, ઉતાવળ કરો મા, નીકર નકામો મામલો બગડશે. મારા બોલ ઉપર વિશ્વાસ રાખો–મારે પાઈ પણ જોતી નથી.”

થોડીવાર થંભેલો વિજયચંદ્ર ફરીથી તિરસ્કાર બતાવતો ચાલ્યો ત્યારે ખુશાલે ચંપક શેઠના કાંડાના મર્મસ્થાન પર જોરદાર મચરક દીધી. ચંપક શેઠના ડોળા ફાટ્યા રહ્યા. ખુશાલ એક ક્ષણમાં તો વિજયચંદ્રને આંબી ગયો ને એના કાન પાછળના મર્મસ્થાન પર પંજો દબાવીને હસતો હસતો એને પાછો તેડી લાવ્યો.

વિજયચંદ્રની તમામ શક્તિઓ શરીરને અતિ આકર્ષક અને મનને મહાન ખેલાડી બનાવવામાં રોકાઈ ગયેલી, તેથી ખુશાલભાઈના જેવી તાલીમ એણે લીધેલી નહીં. અદાલતી મામલામાંથી એને ચંપક શેઠ છોડાવી લાવ્યા હતા. તે પછી એને વિજયચંદ્ર પર ફરી મોહ પ્રગટ થયો હતો. સુશીલાને પરણાવું તો તો આની જ સાથે–એવો દુરાગ્રહ એનામાં દૃઢ થઈ ગયો હતો. પોતાની પસંદગીમાં ભૂલ થઈ જ નહોતી, એવું એ સાબિત કરાવવા માગતા હતા. સુશીલાના માટે હિતનું હોય તે જ કરવું, તેને બદલે પોતે જે કરે છે તે જ સુશીલાને હિતનું છે, આવી એમની દૃષ્ટિ બની ગઈ. બેઉ વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપમાં સુશીલા સાથેનું ચોકઠું બેસારવાના જ તાર ફરી વાર સંધાતા હતા; તેમાં પડેલો આ ભંગ ઘણો કમનસીબ હતો. પણ ખુશાલે તો તેનેય એક ખુરસી પર બેસાર્યો. બેઉને ફક્ત આટલું જ કહ્યું :

“આ મોડી રાતે તમે કોઈ પણ બહારની મદદ મેળવી શકશો તે પહેલાં બેમાંથી એકને પોતાનું જીવતર અતિ સસ્તું કરી લેવું પડશે. મને તો કાંઈ કરતાં કાંઈ વાંધો નથી–તમારી સંતોક ઘણે રંગેચંગે આ ભાઈ વેરે પરણે. મારો એ કજિયો નથી, કહો તો હું અત્યારથી જ વધાવો દેતો જાઉં (એણે ખીસાનું પાકીટ ખખડાવ્યું), ત્યારે આ તમારા જમાઈ પૂછશે કે મારી શી માગણી છે ? મારી માગણી સાવ નાની ને દુકાનીના પણ ખરચ વિનાની છે. અમારા સુખલાલ બાબતમાં બે તરકટી દસ્તાવેજી લખાણો એણે દબાવ્યાં છે, એ મને આપી દે. મારે એ રાખવાં પણ નથી. હું અહીં તમારા દેખતાં જ ચિરાડિયા કરું — પછી છે કાંઈ ?”

“આપી દો ને ! શું કરવાં છે ?” વિજયચંદ્ર એ બેઉ લખાણો વિશે જાણતો હતો.

“હાં ! ડાયું માણસ,” એમ કહી ખુશાલે વ્યંગ કર્યો: “બીજું તો કાંઈ નહીં, પણ અમારા સુખલાલને વીસ હજાર ભરતાંય કોઈ કન્યા નહીં મળે. બાકી તો શેઠિયા ! સુખલાલના અપુરુષાતનની કે આ ભાઈ વિજયચંદ્રના પુરુષાતનની ખાતરી કાંઈ દાક્તર બાપડો થોડો આપી શકે ? એ વિષય જ એવો હેં-હેં-હેં -છે કે પારખાં લેવાય નહીં.”

ચંપક શેઠ ઊઠ્યા. ખુશાલ પણ વિજયચંદ્રના કાન ઝાલીને એને ઊભો કરતો ઊઠ્યો ને બોલ્યો: “ચાલો આપણે ત્રણે જણા તિજોરી સુધી સાથે જ જઈએ. કોઈને એકલા મૂકવાની મારી હિંમત નથી. હે-હે-હે-હે. તિજોરીનું કામ રિયું હે-હે-હે-“

બે-પાંચ વાર તો તિજોરીની ચાવી યોગ્ય સ્થાને લાગુ જ ન થઈ. કારણ કે ચંપક શેઠના હાથ ધ્રૂજતા હતા. ને ખુશાલ કહ્યે જતો હતો: “ગભરાવ મા, મારા શેઠિયા; ઠાલા ગભરાઈ જાવ મા !”

દસ્તાવેજો બહર નીકળ્યા ત્યારે ખુશાલે કહ્યું : “આપને હાથે ફાડી નાખો શેઠિયા, નીકર આ જમાઈરાજના હાથે ફડાવો.”

બેઉ કાગળ રદ કરાવીને પછી એણે બેઉના સામે હાથ જોડ્યા : “માફ કરજો, શેઠિયા ! હું ય મહાત્મા ગાંધીના પંથમાં થોડો થોડો ભળ્યો છું, પણ મારા હાથના પંજા હજી બહાર ને બહાર જ રહ્યા છે–નીકર હું આટલીય હિંસા કરું કદી ? કદાપિ ન કરું ! મને તો એ મૂળ ગમતી જ નથી. ટંટાનો તો હુંયે કાયર છું–પૂછી જોજો આંહીંના પોલીસખાતાને. પણ આ તો શું કરું ? તમે, શેઠિયા, બોલ્યું ફરી ગયા ! તમે ઉદ્ધતાઈ કરી. તમે ટેલિફોન પકડવા દોડ્યા. ઘરની તકરારમાં પોલીસને બોલાવાય ? કાંઈ ખૂન થોડું જ કરવું’તું ! માફ કરજો, શેઠિયા. તમારા ઘરની ધૂળ પણ લઈ જવી મારે હરામ છે.”

એમ કહી એએ કપડાં ખંખેર્યાં.

જતાં જતાં એણે વિજયચંદ્ર તરફ ફરીને કહ્યું: “આપણી બેની આ મુલાકાત તો સાવ સપના જેવી કહેવાય. ફરી કોઈક વાર નિરાંતે મેળાપ કરીને એકબીજાને વધુ ઓળખીએ એટલું દિલ રહે છે.”

ક્રમશઃ …

૩૧. દિયર અને ભોજાઈ – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

“હો હમાલ !” શૉફરે તે રાત્રીએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી.

“હમાલની જરૂર નથી.” નાના શેઠે પોતાની બૅગ ખોલતાં ખોલતાં શૉફરને અટકાવ્યો. શૉફરને કશી સમજ પડી નહીં.

ત્યાં તો બૅગ પાછી બંધ કરીને નાના શેઠ મોટરમાંથી બહાર નીકળ્યા. શૉફરે એમના હાથમાં ટુવાલમાં લપેટેલાં ફક્ત બે જ ફાલતુ કપડાં દીઠાં. એ કાંઇ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી :

“આ મારી બૅગ ને બિસ્તર પાછાં લઇ જા. પૂછે તો કહેજે કે જલદી પાછા આવવાનું છે એટલે વધુ સામાનની જરૂર નહોતી; ધોતિયું-ટુવાલ બસ છે.”

“પણ રસ્તામાં બિછાનું…” શૉફરને આ બાપડાની દયા આવી, કેમ કે નાના શેઠનું શરીર એક સ્ત્રીના જેવું ગૌર અને સુકુમાર હતું. ગૌરતા ને સુકુમારતા એ બેઉ દયા-અનુકમ્પાના વીજળી-દીવા પેટાવવાની ચાંપ તુલ્ય છે.

“અરે ગાંડા, કેટલાંય વરસ બિસ્તર વગર આ પાટિયાં ઉપર ગુલાબી નીંદર ખેંચેલ છે. જા, તું તારે લઇ જા !”

એવી થોડી વેવલાઇ દાખવીને નાના શેઠે મુસાફરી શરૂ કરી. ગરમીના દિવસો હતા, એટલે શીતળ રાત મીઠી લાગતી હતી. પણ પોતે સૂતો જ નહીં. વસઇ, પાલઘર, સુરત ને ભરૂચ સુધી એણે દરેક સ્ટેશને ઊતરી ઊતરીને ચા પીધા કરી. સેન્ટ્રલથી એની આંખોએ આખી લાઇન પર ચકળવકળ ચકળવકળ જોયા કર્યું. એક સામટી ભૂખ ભાંગી લેનાર અકરાંતિયા રાંકા જેવી એની વિહ્વળતા હતી. એકલા બેઠા બેઠા એક ખૂણેથી બેસૂર ને ઘોઘરા રાગે એ જે ગીત બોલતો હતો તે પ્રેમનું હતું, હાસ્યરસનું હતું, કે વીરરસનું હતું, એ નક્કી થઇ શકે તેમ નહોતું, એ ગીત તો ‘એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી’ એ કરુણરસનું ગીત હતું, એવી સાચી વાત જો એ ડબાના શ્રોતાઓને કોઇએ કહી હોત તો તેઓએ કદાપિ માની જ ન હોત. કરુણરસ એના કંઠમાં કદી પેસી જ ન શકે. ગાતાં ગાતાં ચાલી રહેલી એના હાથપગની ચેષ્ટામાં કોઇને વીરરસનો વહેમ જાય કદાચ, એના મોં પરના મરોડો બેશક હાસ્યરસની જ આશંકા જન્માવે – બાકી કરુણનો તો કદી પત્તો જ ન લાગે. છતાં એ હતું તો કરુણનું જ ગાન.

વળતી સવારે તેજપુર ઊતરીને એણે ગામમાં પોતાની પેઢી પર ન જતાં બારોબાર થોરવાડનું વાહન શોધ્યું. આજ સુધીના આવા પ્રવાસોમાં પોતે મોટર-ટૅક્સી વગર ને ટૅક્સી ન મળે ત્યારે ઘોડાગાડી વગર ઘા ન કરતો; પણ તે દિવસ એનો જીવ કોણ જાણે શાથી પણ ચોરાયો. એણે એક બળદવાળો એકો જ બાંધીને થોરવાડનો કેડો લીધો.

આવા એકામાં કરેલી અનેક ખેપો એને યાદ આવી. થોરવાડમાં ગામને છેક છેડે બાપૂકી વેળાનું એક હાટડું માંડીને બેઉ ભાઇ ખજૂરનું એક વાડિયું રાખતા, ગ્યાસલેટનો એક એક ડબો રાખીને તેમાંથી પાઇ-પૈસાનું પાવળુંપળી તેલ વેચતા, અસૂરી રાતે ગામ બહારથી આવતો ચોરાઉ કપાસ તોળી લેતા, ખેડુનાં છોકરાંને ખજૂર અને ખોખાંની લાલચમાં નાખી ઘરમાંથી કપાસ, દાણા વગેરે ચીજો ચોરી લાવતાં શીખવતા. એ દશેક વર્ષ પૂર્વેના દિવસો કેમ જાણે આખે રસ્તે એને સામા મળી મળીને ‘ભાઇ, રામ રામ’ કરતા હોય એવી સ્મૃતિ જાગી ઊઠી. ખજૂરનું વાડિયું, ગ્યાસલેટનો ડબો તેજપુરથી ઉધાર લાવતા, માલ પૂરતું જ એકાભાડું ઠરાવીને પોતે બાજુએ ચાલ્યો આવતો, વૈશાખનો ધોમ ધખતો હોય ત્યારે એકાની ને બળદની પડતી આવતી છાંયડીમાં પોતે ચાલતો, પણ એક-બે આના એકાભાડાના વધુ નહોત ખરચતો, એ વેળા યાદ આવી.

ને એ એકાની ચલનશીલ છાંયડીમાં ફરી ચાલવાનું અત્યારે મન થતાં પોતે નીચે ઊતરી પડ્યો. એકાવાળા ઘાંચીની સાથે વાતો કરતાં એણે સમાચાર મેળવ્યા કે પોતાના જૂના ઓળખીત એકાવાળા વલી ઘાંચી, કુરજી ઠક્કર લુવાણો, ગફૂર ઠક્કર ખોજો, મનકો કોળી વગેરે બધાય મરી ખૂટ્યા છે.

“બીજું તો ઠીક, પણ કુરજી ને ગફૂર માળા ડોળી તલાવડીએ રોટલા કાઢીને લીલી ડુંગળી કરડાવતા કરડાવતા ખાતા ને, તયેં મને મોંમાં શુંનું શું થઇ જાતું – પણ મારાં ભાભીની શરમ બહુ આવતી. ઘેર જાઉંને ડુંગળી ગંધાય તો ભાભી બોલે નહીં, પણ માયલી કોરથી એનું કાળજું કપાય, હો ! ભાઇના સોગંદ.”

એકાવાળો જુવાન હતો એટલે એને આ અસલી જમાનાની વાતો કે ડુંગળી ખાતાં ભોજાઇની શરમ પાળનાર આ લડધા માણસમાં કશો રસ નહોતો.

“ઓત્તારીની ! હીપાપાટ તો ભરી છે ને શું ?” એમ કહેતે નાના શેઠે પોતાના ગામની સીમમાં વહેતી નદીનો તાજાં વર્ષાજળે છલકતો અને આછરી ચૂકેલો મોટો ધરો જોયો. જોતાં જ એને કોઇ વળગાડ થયો હોવાની શંકા આવે તેવી હર્ષઘેલઠા એણે બતાવવા માંડી.

એકાવાળાને ભાડું ચુકાવી ત્યાંથી જ પાછો રવાના કર્યો. પોતે પોતાની જૂની બહેનપણી હીપાપાટ પર નાહવા ઊતર્યો. નાનપણમાં અંદર પડીને નાહનાર એ બાપડાને વહેમ આવ્યો કે પોતે કદાચ તે દિવસની, તરવાની કળા વીસરી ગયો હશે તો ! એટલે કાંઠે બેસીને નાહી એણે ધોતિયા, ટુવાલ ને કુડતા સાથે ગામ ભણી ચાલવા માંડ્યું.

મનમાં મનમાં બબડતો હતો કે “કોક દેખે તોય એમ સમજે કે ગામમાં તો કેદુનો આવ્યો હઇશ ! ને ભાભી અને સુશીલાના મનમાં પણ હું અણધાર્યો આવી પડ્યો છું એવો ધ્રાસકો નહીં પડે – ખડકીમાં પેસીને દોરીએ ધોતિયું-ટુવાલ સૂકવતો જ હું સાદ પાડીશ કે ‘કાં ભાભી, હવે રોટલાને કેટલી વાર છે?’ ને સુશીલાને તો જૂના વખતમાં ‘એલી ! સંતોકડી, એય ઢેફલી !’ એમ કરીને બોલાવતો તે મુજબ જ આજે જઇને હાક મારીશ : ‘એલી સંતોકડી ! એ રાં… ઢેફલી !’

ના, રાં…શબ્દને કાઢી નાખવો જોશે, એમ બબડતો પોતે ‘કાં સંતોકડી ! એલી એય ઢેફલી !’ વાળા ભૂતકાળના પ્રયોગને ગોખતો ગોખતો મહાવરો પાડતો ગયો. અને પોતાના હૈયાને હાકલી રાખતો ગયો કે ‘બસ, હસતું જ મોઢું રાખવાનું છે. બસ, પછી નિરાંતે જ વાત કરવી છે. બીક જ એક છે, કે સુશીલા જો કદાચ જોતાંની વાર જ ‘મારી બાને કેમ છે?’ એમ પ્રશ્ન કરશે તો…તો…’ એટલું બબડતાં બબડતાં એના ચાલુ ચિંતનમાં મોટો ચીરો પડ્યો. જાણે કોઇ કબાટનો આખો અરીસો ચિરાયો.

ઘેર પહોંચીને એણે ઓચિંતાનું જ્યારે ભાન અનુભવ્યું, કે પોતે કલ્પેલા પોતાની ગરીબી-અવસ્થાવાળા માટીના ઘરને બદલે પાકું ચૂનાબંધ મકાન ઊભું છે, ત્યારે જ એણે મનમાં કરેલી ગોઠવણ, વેકૂરીના માંડ વાળેલા લાડુની માફક, હાથમાં ને હાથમાં ભરભર ભૂકો થઇ ગઇ. જે મકાનમાં પોતાને શરણ મેળવવું હતું તે પણ મોટાભાઇની જ કમાણીનું ચણેલું નીકળી પડ્યું. ‘તારા પુરુષાર્થનો અહીં એક પથ્થર પણ નથી મંડાયો.’ એવી જાણે કે એ આખો ઇમલો ચીસ પાડતો હતો. જૂનું ધૂળિયું ઘર હોત તો તેનો અરધ ભાગ પોતાના હકનો કહેવાત. પૈસા પૈસાનું ગ્યાસલેટ અને ચોરેલા દાણાનાં ખજૂર-ખોખાં વેચવામાં વધુ પાવરધો નાનો ભાઇ જૂના ખોરડાનો વધુ હકદાર બની શક્યો હોત. પણ મુંબઇની નવી શ્રીમંતાઇમાં એના પુરુષાર્થનો હિસ્સો ઓછો હતો અને મોટાભાઇએ ગઇ કાલે કહી દીધું હતું કે ‘…ઊભો રહેવા નહીં દઉં.’ પત્નીએ કહ્યું હતું કે ‘મોટાભાઇનાં જૂતાં ઉપાડવા જેટલીય બોણી તો નથી !’

બાજુની એક કુટુંબી વિધવાના ખોરડાને દબાવીને ખડું થયેલું આ પાકું મકાન મોટાભાઇનું જ છે, ધક્કો મારીને એમાંથી મોટાભાઇ બહાર કાઢી મૂકુ શકે તેમ છે. ધારે તો મોટાભાઇ ગૃહપ્રવેશનો આરોપ પણ મુકાવી શકે છે, વગેરે વિચારો સાથે પોતે અંદર પેઠો. ભાભીને જોયાં ને એનું ગોઠવી રાખેલું રહસ્ય ભડકો થઇ ગયું; સુશીલાને દીઠી અને ‘સંતોકડી ઢેફલી’ શબ્દોનો એના અંતરાકાશમાં ક્યાંય પત્તો ન મળ્યો. સુશીલા બે નાનાં બાળકોને નવરાવતી હતી. પિતાની સામે ફક્ત એક મીઠું કરુણાવાળુ સ્મિત કરી, કપડાં સંકોરીને બેઠી બેઠી એ તો ‘પોટી’ને નવરાવવાની ક્રિયા કરતી જ રહી. ભાભીએ કામવાળી બાઇને કહ્યું : “જાવ, બહારથી એમનો સામાન લઇ આવો.”

“આવે છે, સામાન હજુ પાછળ દૂર છે,” એટલું જ કહીએ અંદર ગયો. બેઠકના ઓરડામાં ભાભી પાણીનો લોટોપ્યાલો લઇને હાજર થયાં.

“કેમ ભાઇ, ઓચિંતાના? શા ખબર છે?”

પોતાને ભાઇ કહેનાર – માત્ર કહેનાર જ નહીં પણ ભાઇતુલ્ય જતન કરીને સદા પૂર્ણ શીલથી પાળનાર – આ ભાભીને ભાળવાની સાથે જ પત્ની સાંભરી. પત્નીના અપમાનજનક કુશબ્દો યાદ આવ્યા, ને પોતાને પોતાનું નમાલાપણું કદી નહોતું દેખાયું તેવું અત્યારે પૂર્ણ સ્વરૂપે પ્રયત્ક્ષ થયું. આવી ભાભીને અપમાનિત કરનાર સ્ત્રીની જીભ મેં ત્યાં ને ત્યાં ખેંચી કેમ ન કાઢી !

પાણી પીને એણે જવાબ દીધો : “તમને તેડવા મોકલેલ છે.”

“કોણે?”

“મારા ભાઇએ.”

“કેમ એકાએક ?”

“રૂપાવટી જઇ વેવાણનું મરણ સુધાર્યું તે માટે.”

ભાભી નિરુત્તર રહ્યાં.

“વળતી જ ટ્રેનમાં લઇને આવવા કહ્યું છે.”

“હં-હં.”

“નીકર કહ્યું છે કે, કોઇને ઘરમાં પગ મૂકવા નહીં દઉં.”

“હં-હં. જોઇએ”

સાંજ પડી; ભાભીએ પૂછ્યું : “કહેતા’તાને કે સામાન પાછળ આવે છે?”

“સામાન તો પાછો મોકલી દીધેલો તે હું વીસરી ગયો હતો.”

“પાછો ક્યાં?”

“સેન્ટ્રલ સ્ટેશનથી જ પાછો મોટરમાં ઘેર.”

“કેમ?”

“મારો એના માથે હક નહોતો. મને બીક લાગી કે મારા ભાઇ કોક દી એ પણ આંચકી લેશે.”

રાત પડી. નિરાંતે કેટલીક વાતો થઇ. દિયરે કહ્યું : “ભાભી, અંદરથી આતમો જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઇની જે સાહેબીમાં મારો જરીકે લાગભાગ પહોંચતો નથી, તેમાં મોટાભાઇના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે.”

“આપણે બધાં જ કેમ ગાંડાં બનવા લાગ્યાં છીએ !” ભાભીએ જરીક હસીને ઉદ્ગાર કાઢ્યો : “તમે આવા આળા મનના થઇ બેઠા ત્યારે એ બચાડા જીવનું કોણ?…”

પોતાના જેવી પત્નીથી તજાયેલા ધણી નાનેરા ભાઇને પણ હારી બેઠો છે એવી પ્રતીતિ થયા પછી પતિની નિરાધારીનું કલ્પનાચિત્ર એના અંતરમાં આલેખાયું ને ‘બચાડા જીવ’ જેવો જૂની આદતવાળો બોલ મોંમાંથી નીકળી ગયો.

દિયરે ભાભીને એકલાં બોલાવીને વાત કહી : “સુખલાલ મળ્યા હતા : મને તો પોતાપણું લાગ્યું હતું. હું અપુત્ર છું : પડખે એવો જમાઇ હોય તો મને સાચવે. મારા જેવા નપાવટને તો, ભાભી, સુધરેલો-ભણેલો બીજો કોઇ નહીં સાચવે.”

“વાત તો મોટી કરો છો, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઇની ત્રાડ સાંભળશો તો ઊભા નહીં થઇ જાઓ કે?”

“તમે પડખે રહેશો ને, ભાભી, તો હું નહીં ઊઠું; ખીલાની જેમ ખૂતી જઇશ. હું શ્વાસ જ ચડાવી દઇને નિર્જીવ બની બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને, ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બનીશ.”

“હું તો તમારી જ વાટ જોતી’તી, ભાઇ.”

ક્રમશઃ …

૩૦. ‘સાહેબજી!’ – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

તે પછી મોટા શેઠ, નાના ભાઇની વહુએ લાજ કાઢીને પીરસેલી ગરમાગરમ રોટલીઓ જમી કરીને દાંત ખોતરતા ખોતરતા અને ઓડકાર ખાતા ખાતા બોલતા હતા કે “તમારેય વઢવું પડ્યું ના એ બેવકૂફને ! માળો પલીત છે, પલીત ! પડખે એવડો ભાઈ ઊભો હોય તો કેવું જોર રહે કાંડામાં ! – પણ આ પલીતની અક્કલનો કાંઇ વિશ્વાસ રખાય છે ?”

એવું બોલતા બોલતા જેઠજી દીવાનખાનામાં પગ મૂકે ત્યાં તો ‘સાહેબજી!’ એવું સંબોધન કાને પડતાં ચમકી ઊઠ્યા. બાજુએ જોયું તો વિજયચંદ્રનું નખશિખ ઠાવકું, ફૂટડું, સ્વચ્છ, સ્ફૂર્તિમય, એક લટ અસ્તવ્યસ્ત નહીં, એવું રૂપ નિહાળ્યું.

“સારી એવી વાર થઇ. આપ આજ કાંઇક વિશેષ રુચિથી જમ્યા લાગો છો !”

“હા, આજે મને ઠીક વાર લાગી.” પોતે જમતો જમતો ને જમી રહ્યો તે પછી નાના ભાઇની પત્નીને સંભળાવવા જે શબ્દો બોલતો તેનો શ્રોતા કદાચ વિજયચંદ્ર બન્યો હશે, એવું કલ્પવું બેશક અનિવાર્ય હતું, ને અતિશય લજ્જાસ્પદ હતું.

“ઠીક થયું. આપ વખતસર આવી પહોંચ્યા.”

“અરે, કાલે પહોંચવું’તું પણ મોટરનો અકસ્માત થયો. લાચાર બની ગયો. તમારો કેસ ચાલી ગયો ને ?”

“ના જી, આજની જ મુદ્ત પડી છે. આપને તેડવા જ આવેલ છું.”

“પણ આમાં હું શી રીતે તમને બચાવી શકીશ ?” શેઠની આંખો ઊંચી ચડી ગઇ.

“શું કહું. મારે આપની પાસે એક શબ્દ ખોટો બોલાવવો નથી, તરકટ કરાવવું નથી. ફક્ત આપ બોલો એટલી જ વાર છે.”

“શું બોલું ?”

“કે સુશીલાબે’ન સાથે આપે મારું હિંદુ વિધિસર વેવિશાળ કરાવી આપેલ છે, ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું.”

ચંપક શેઠે વાતને ઉડાવવા ફાંફા માર્યાં : “પણ મારા સાહેબ ! તમે તે કાંઇ રાજા છો? કોર્ટને તે અક્કલ હોય કે નહીં ? મને પૂછે કે તમે આબરૂદાર માણસે ઊઠીને આવું ઉતાવળિયું ને ખાનગી જેવું વેવિશાળ શા માટે કરી નાખ્યું !”

“તો આપણી પાસે જવાબ હાજર છે,” વિજયચંદ્ર ઠંડીગાર વકીલની તટસ્થતા ધરીને બોલ્યો : “જૂનું વેવિશાળ અમુક કારણસર તોડવું પડેલું. એ કારણો ગુપ્ત હતાં, સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવાં હતાં. એટલે એ સામા પક્ષની ફજેતી ટાળવા માટે અમારે તેવું સગપણ છૂપું કરી લેવું પડ્યું, નહીંતર ન્યાતમાં પંચાતિયા નિરર્થક હોહો કરી ઊઠે. આ તો બધું જ હું વકીલને પૂછી કરીને આવેલ છું – આપ ન ગભરાવ !”

બળેલી દીવાસળી લઇને દાંત ખોતરતે ખોતરતે મોટા શેઠે ફરી પાછું મૌન પાળ્યું.

“હું આપની એકેએક મૂંઝવણનો માર્ગ વિચારીને આવેલ છું,” એમ કહી વિજયચંદ્રે સામા માણસને ગાળી નાખે તેવા ગદ્ગદ્પણાની મીંડ પોતાના કંઠમાંથી ખેંચતે ખેંચતે કહ્યું : “આજે હું આપને છ મહિના પહેલાં મળ્યો તેવા ઉજ્જવળ મોંએ મળવા નથી આવ્યો. આજે હું વિજયનો નહીં, પૂર્ણિમાનો નહીં, પણ પરાજયનો – અમાસનો ચંદ્ર છું. મારા જીવનમાં મેં જબ્બર ઠોકર ખાધી છે. મારો પગ ભૂલમાં પડી ગયો છે. મારે આપની પુત્રીનું અકલ્યાણ કરવું નથી. એની વેરે લગ્ન કરવાનો અધિકાર લઇને તો હું થોડો જ આપની સમક્ષ આવેલો છું ! હું એ નિર્દોષના જીવનમાં આંગળીચીંધણું રહે તેવું કરવા ઇચ્છું નહીં. આજે તો આપની મદદથી મારો ઉગાર જ શોધું છું. સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદ્‌માની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે. આપની આબરૂ સલામત છે. કહો તો હું આપને લખી આપું કે મારે આપની કન્યા ન જોઇએ. આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલને માટે દાક્તરે લખી આપ્યું છે, તેવું હું આપને સ્વહસ્તાક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં. ને કદાચ જાહેરની માન્યતા મારું સગપણ થયાની હોય તો હું આપણી ન્યાતની પાસે હાજર થઇને એકરાર કરવા તૈયાર રહીશ, કે મારું જીવન કોઇ પણ સ્ત્રી સાથે લગ્નને લાયક નથી, હું કોઇના જીવતર પર છીણી મારવા નથી ચાહતો…”

એટલું કહેતાં કહેતાં વિજયચંદ્રે પોતાની આંખોમાંથી દડ દડ દડ પાણી વહાવ્યાં. એ પાણીની ધારા એનાં ચશ્માંની આરપાર વધુ સુંદર લાગી. અમુક પ્રકારના સૌંદર્યનો આ નિયમ હોય છે : એની શોભા સીધા દર્શનમાં જેટલી પમાય છે, તે કરતાં કોઇક કાચ જેવા પદાર્થની મારફત વિશેષ પામી શકાય છે.

વિજયચંદ્રના ગોરા ગોરા ગાલ પરથી દડતાં આંસુ દેખી એનું પાપકૃત્ય નજરે જોનારો માણસ પણ પોતાને ભ્રમિત માનવા લલચાય; એ પાપાચારી આ નહીં હોય, આપણી જ નજરની ભ્રમણા હશે, એવું કંઇક આપણું દિલ બોલવા લાગે.

“હું આંહીં રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની પાસેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન એટલે દૂર ચાલ્યો જઇશ. હું આ બધો જ એકરાર આપની પાસે લખીને લાવેલ છું. આ લ્યો, મારું માથું આપના હાથમાં મૂકું છું.”

એમ કહેતે કહેતે એણે એક સીલબંધ લિફાફો મોટા શેઠની સન્મુખ ધરી દીધો. તેની ઉપર લખ્યું હતું :

‘એક આત્માની કથા.’

ચંપક શેઠના મોં પર પોતાની વાણીની અસર થતી દેખીને એણે ચલાવ્યે રાખ્યું :

“મેં તો મારા બે પિછાનવાળા ભણેલા જુવાન જ્ઞાતિભાઇઓને પણ આપનાં પુત્રીને માટે નિરધારી રાખેલ છે. હું તે દિવસ એમની સાથે ટ્રેનમાં દાદર સુધી ગયેલો ત્યારે પણ એ જ મારો હેતુ હતો. મને આપની પુત્રીનો પણ ગેરલાભ લેવાનો ભયંકર વિચાર થઇ આવેલો. હું ઇશ્વરસાક્ષીએ પાપછૂટી વાત કરું છું. એમણે મને જે લખેલું તે હું વટાવવા નીકળું તેટલી નીચતાની હદે ચાલ્યો જાત, પરંતુ પ્રભુએ મને વખતસર ઉગારી લીધો. આપની પુત્રીનું એ લખાણ પણ આ કવરમાં જ છે. સુખલાલ તરફ એમનું દિલ હતું તે પણ ખોટું અનુમાન છે. એમને સુખલાલ પાસે જવાનું કારણ જુદું જ હતું; અગાઉ જે પત્રવ્યવહાર થયો હશે, તેના કાગળો પાછા મેળવવાનું હતું. એ બધું એમના જ હસ્તાક્ષરોમાં આપ આ કવરની અંદર વાંચશો. જોકે હું તો હવે એ કન્યાની લાગણીનો કે આપના છ મહિના સુધીના સદ્ભાવનો લાભ લેવા માગતો જ નથી. હું નાલાયક છું. મેં ઇશ્વરને દૂભવેલ છ,” એમ બોલતો બોલતો એ ફરી વાર રડ્યો. “એક વાતે તો આપ ચાલ્યા ગયા તે સારું કર્યું.”

“કેમ ?”

“આપનું ખૂન તો નહીં, પણ આપને માથે મરણતોલ માર પડવાની તૈયારી હતી.”

“કોના તરફથી ?”

“નામ લેવાની હવે જરૂર નથી.”

“તમને કોણે કહેલું ?”

“આપનાં પુત્રીએ.”

“ક્યારે ?”

“એમની જોડે હું દાદર સુધી ગયો ત્યારે.”

“સુશીલાને ક્યાંથી ખબર ?”

“આગલી રાત્રે ખુશાલભાઇ અને સુખલાલ આવેલા હશે. તેમની કાંઇક બોલચાલ પરથી તેમણે અનુમાન બાંધેલું, ને મારી તે રાતની તપાસમાંથી મને પણ જાણવા મળેલું.”

ચંપક શેઠને થરથરાટી વછૂટી ગઇ.

“હવે તો લીલાલે’ર કરો. હવે તો એમને જ પોલીસમાં તેડાવીને કહી દેવામાં આવેલ છે. એટલે હવે તો આપ પોલીસને જૂઠું જૂઠું કહો ને તોય તેમના માથે પડે તેવું છે.”

ચંપક શેઠને આ બંદોબસ્ત બહુ સરસ લાગ્યો. “કેસ ક્યારે ચાલશે ?” એમણે પૂછ્યું.

“હમણાં બાર વાગ્યે; એક જ કલાકમાં…”

એ શબ્દો બોલતે બોલતે સામેના ઘડિયાળના કાંટાને એણે પોતાના સત્યાનાશના ‘બારના ટકોરા’ તરફ કદમો ભરતા દેખ્યા. એની આંખોની મૂંગી આરજૂએ ચંપક શેઠને કપડાં પહેરવા ઊભા કર્યા. શેઠ પણ વિચારતા જતા હતા : જોઉં તો ખરો ત્યાં જઇને – શી સ્થિતિ છે ? કેવા પ્રકારની જુબાની આપવી એ તો મારે તે પછી નક્કી કરવાનું છે ને ! તેલ જોઇને, તેલની ધાર જોઇને, પછી જ મોં ખોલવું છે ને !

“આ કવર,” એમ કહી વિજયચંદ્રે ચંપક શેઠને પેલું પરબીડિયું લઇ જવા ને ઠેકાણે મૂકવા કહ્યું. એની અસર ચંપક શેઠના મન પર સચોટ થઇ પડી. એમણે સામે કહ્યું : “અત્યારે તો તમે એ લઇ જાવ – મારે શું કામ છે?”

“તો પછી આપવા શા માટે લાવત ? લઇ જઇને ક્યાં મૂકું ? કોકને હાથ પડે તો મારું તો ઠીક પણ આપની દીકરીનું મોત ઊભું થાય ને ! માટે લ્યો – ને હું ખરું કહું ? થોડાક બીજા કાગળો પણ એના સ્વહસ્તાક્ષરના મારી પાસે પડ્યા છે. સ્વાર્થી બુદ્ધિએ મને હલકટ બનાવ્યો. આપ આટલા ઉદાર બનશો એની મને આશા નહોતી. એટલે આપને ધમકાવવા-દબાવવા એ મેં રાખી મૂક્યા. મારું દિલ ચોરાયું. કોર્ટમાંથી નીકળીને, ચાલો મારા મુકામ પર, હું આપને સુપરદ કરી આપીશ. માણસ સામા માણસની ખાનદાની ઓળખતો નથી એટલે જ આવો હલકટ દિલચોર બને છે. મને આજે આપે માનવીની મહાનુભાવતાનાં દર્શન કરાવ્યાં છે. એ દેખીને મારી અધમતા મને વિશેષ ડંખ મારી રહેલ છે.”

અહીં એણે ફરી રુદન કર્યું.

ક્રમશઃ …

૨૯. પત્નીની જમાદારી – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

જે બીના અહીં બની ગઇ તેના વાયરા સૅન્ડહર્સ્ટ રોડ બાજુના સુખી લત્તામાં રહેનાર આ શેઠ ભાઇઓના ઘરની એકલી પડેલી સ્ત્રીને તત્કાલ તો પહોંચ્યા નહોતા, એટલે નાના શેઠની નીંદર કરતી છાતી પર પત્નીની કશી ધડાપીટ એ રાત્રીએ વરસી નહીં. છતાં ફડક ફડક થાતે હૈયે એણે રાત વિતાવી. બોણી વિનાના ધણીનો એકડો કાઢી નાખનાર એ પત્નીની નજર સીધી ને સટ, સુશીલાને વારસાના શિખર બેસાડનાર જવાંમર્દ જેઠજી તરફ જ હતી.

જેઠજી ગામતરે ગયા હતા ત્યારથી આ સ્ત્રીનો રસોઇ કરવામાંથી રસ ઊડી ગયો હતો. ‘આ રસોઇ કરું કે તે કરું ?’ એવા બેચાર અટપટા પ્રશ્નો પૂછીને પછી પોતે જ ‘શાક ને રોટલી કરું છું.’ અથવા ‘ખાલી ઢોકળાં કરું છું.’ એવો માર્ગ કાઢી લેતી. પતિને દસ વાગ્યામાં પતાવી લેતી, એટલે, ‘તમારી મરજી પડે તે કરો – હા, તે કરો – ના, તે ન કરવું હોય તો ન કરો’ – એવા જવાબ વાળીને ખાઇ લેનારા પતિને બપોરે રેસ્ટોરાંનું શરણ લેવું પડતું તેમાં નવાઇ નહોતી.

દસ વાગ્યે હજુ પોતે ઢોકળાં ને તેલ ખાઇને ઊઠ્યો છે, વરિયાળી ખાતો બેઠેલ છે, ત્યાં જ એણે મુસાફરીથી ઓચિંતા પાછા ફરેલ મોટાભાઇને પ્રવેશ કરતા જોયા. જોતાં જ એના પેટમાં પડેલાં થોડાંઘણાં ઢોકળાંનાં બટકાં કોણ જાણે ક્યાંયે ઓગળી ગયાં !

મોટાભાઇ પોતાના ખંડમાં ગયા કે તરત જ સુશીલાની બાએ એક સામટી ત્રણ સગડીઓ પેટાવવા ને દાળભાત ભીંજાવવા તેમ જ બે શાક સમારવા માંડ્યાં.

“કેવી કરી જોઇ ને !” એણે ઘાટીને કહેવા માંડ્યું : “તારા નાના શેઠને કાંઇ ખાવાબાવાની ભાનસાન નહીં ! એટલે જ હું આજ ઓચિંતાની ફસાઇ પડી ને !”

થોડી વારે નાના શેઠને મોટાભાઈના ખંડમાં જવાનું તેડું આવ્યું.

“તું શું ઓલ્યા ભિખારીની માનું સનાન કરવા ગયો’તો ?” ચંપક શેઠે પહેલો જ પ્રશ્ન એવો કર્યો કે એની બુધ્ધિશક્તિનો છાકો જ નાના ભાઇ પર બેસી જાય. સ્ટેશનેથી પોતે પરબારા પેઢી પર જઇ પ્રાણિયા પાસે બધી વાત જાણી લીધી હતી.

“હા, જઇ આવ્યા ! સું પછે -” વાતને રોળીટોળી નાખતો ટૂંકો જવાબ દેતા નાના શેઠ વરિયાળી ચાવતા રહ્યા.

“તને કોણે ડા’પણ કરવા કહ્યું ‘તું ?”

“કાંઇ નહીં – ચાલ્યા કરે ઇ તો.”

“ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે’વું છે કે નથી રે’વું ?”

“પણ એવડું બધું શું થઇ ગયું છે?” નાના ભાઇનું મોં ગરીબડું બન્યું; ઘરમાંથી દૂર થવાના ખ્યાલમાત્રે પણ એને ચોંકાવી મૂક્યો.

“મારું મોત કરાવવા કેમ ઊભો થયો છો ? તું ભાઇ થઇને દુશ્મનનું કામ કાં કરી રહ્યો છો ?” બોલતે બોલત ચંપક શેઠના દેહનો ચરુ ઊકળતો ગયો.

“પણ મેં શું કર્યું છે ?”

“તેં શું કર્યું છે તેની તને શી શાન હોય ? એ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની સાથેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજીય એ સંબંધ કાયદાની કોરટમાં પૂરવાર થાય એવું તો કરી રહ્યો છે.”

“કાયદાની કોરટ શું ? શું વાત કરો છો તમે, મોટાભાઇ ?”

“તને તો ખાવાપીવા ને ઘોંટવા સિવાય બીજું ભાન શેનું છે ? કાયદાની કોરટે ઓલ્યો સુખલાલ ચડવાનો છે !”

“ચડે નહીં; એવો નાલાયક એ છોકરો નો’ય.”

“ને તને ખબર છે ને, કે આપણે સુશીલાને માટે બીજે તજવીજ કરીએ છીએ. ત્યાં શી અસર થાય ?”

“કાંઇયે ન થાય – પણ બીજે તજવીજ શીદ કરવી પડે છે ? આમાં શું ખોટું છે ? છોકરો કમાતો થયો છે.”

“અરે, તારી જાતનો ! ભાઇનેય ફસાવ્યો લાગે છે -” મોટા શેઠના દાંતમાં રેતીનો કચકચાટ થયો.

“ને મારાં ભાભી અને સુશીલા તો વેવાઇને ઘેર પણ જઇ આવ્યાં એવા ખબર છે. એમને ગમ્યું તો આપણને શું ?”

“ઓહો ! એટલી બધી વાત પણ થઇ ચૂકી !”

વધુ બોલ્યા વગર મોટા શેઠ નાહવા ગયા. ત્યાંથી પાછા આવીને કહ્યું : “આજની ગાડીમાં તું દેશમાં ઊપડ – તારી ભાભીને ને છોકરીને વળતા જ દીએ આંહીં તેડીને હાલ્યો આવ ! આમાં જો કાંઇ ફેરફાર થયો છે ને, તો…બસ, વધુ કહેવાની જરૂર નથી.”

મોટાભાઇની સાથે વાતચીતનો ઓછામાં ઓછો પ્રસંગ લઇને દૂર નાસનાર આ નાના ભાઇએ આજે પોતાનો નવા પ્રકારનો તેજોવધ અનુભવ્યો. ‘જો નહીં લાવ ને…તો…જોઇ લઇશ…’ ‘ઘરમાં રે’વું છે કે નથી રે’વું, હેં !’ વગેરે પહેલી જ વાર સાંભળેલા શબ્દો એને ટાઢા થતા જખમની માફક વધુ ખટકતા હતા. એણે પોતાના ઓરડામાં જઇને કોટ બદલાવવા માંડ્યો.

ત્યાં તો દુકાનનો દાદો ગુમાસ્તો પ્રાણિયો ઉર્ફે પ્રાણજીવન, “લ્યો કાકી, આ ઘી,” એમ કહેતો રસોડામાં આવ્યો. “ઠેઠ પારલા ગયો ત્યારે પત્તો લાગ્યો,” એમ કહીને આવું સારું ઘી મેળવવાનાં કષ્ટોનું વર્ણન લહેકાદાર વાણીમાં કરીને પછી સુશીલાની બાને હળવેથી પૂછવા લાગ્યો : “કાં, કાકી, મોટાભાઇ આવ્યા પછી ઘરમાં કાંઇક ગાજવીજ કે કડાકા-ભડાકા નથી થયા ને ?”

“શેના કડાકા-ભડાકા ?”

“હવે અજાણ્યાં શીદ થાવ છો ? તમે ચતુર થઇને મારું પારખું કાં કરો ?”

“તારા સમ, મને ખબર નથી !”

“તમારાં વા’લાં સગાં ગુજરી ગયાં, ત્યાં નાના શેઠ સનાન કરી આવ્યા – ખબર નથી ?”

“ના ! કોણ સગાં ?”

“તમને કહ્યુંય નથી ?”

“ના, મને મારા જીવના સમ !”

“ખરા ત્યારે તો ! ત્યારે તો હવે તમારા માથાના થઇ ગયા નાના શેઠ ! હવે ફકર નહીં ! તમે ઘણા દી એમને માથે જમાદારી કરી; હવે એમનો વારો.”

“પણ પીટ્યા, સીધો ભસી મર ને – શું થયું ? કોણ કોણ ગુજરી ગયું ને કોનું સનાન ?”

“તમારાં વેવાણ રૂપાવટીવાળાં.”

“વેવાણ જેની હોય એની – મારે તો સનાને નહીં ને સૂતકે નહીં.”

“ત્યારે નાના શેઠ તો સનાનમાં ગયા’તા !”

“એમ ! ઠીક, એનો તો હું બરાબર હિસાબ લઇશ.”

“પણ તમારું, બીજું કોઇ ઠેઠ રૂપાવટી જઇને અવસર ઉકેલી આવ્યું હોય તો તેનું કેમ ?”

“બીજું કોણ વળી ?”

“ભાભુ અને સુશીલાબે’ન.”

“હવે ઉડાડ મા ને મને ઠાલો !”

“મારી આંખ્યુંના સમ.”

“તારે ઘેર તાર આવ્યો હશે, કાં ને રોયા ?”

“મારે એકલાને ઘેર નહીં, ને ટૂંકો ટચ તારેય નહીં.”

“ત્યારે ?”

“વિગતવાર ચાર પાનાં ભરીને કાગળ. તમારી દીકરીએ એની સાસુનું મોત સુધાર્યું ને જીવતર ઉજાળ્યું. તેનાં મોંફાટ વખાણ સો સનાનિયાંની વચ્ચે વંચાણાં; ને સુશીલાબે’નની તો વાહવાહ બોલી ગઇ. વળી એ બધા સુશીલપણાનો જશ કોને ચડયો ખબર છે ? નવ મહિના જેણે પેટમાં વેઠીને આટલાં મોટા કર્યાં તેને નહીં !”

“આ બધું તું શું બકબક કરી રિયો છો, મૂવા ? મને ઠેકડીએ કાં ઉડાડય ?”

“ઠેકડીએ નથી ઉડાડતો. બન્યું ઇ તલેતલ કહું છું. આ જશ ચડ્યો તમારાં જેઠાણીને. જેઠાણીએ વેવાણની છેલ્લી ઘડીએ ધરમનાં વેણ સંભળાવ્યાં, તે ઉપરાંત મા વગરનાં ત્રણ છોકરાંને લઇને જેઠાણી થોરવાડ ગ્યાં. લ્યો, આમાં એક પણ વિગત ખોટી હોય તો તમારું ખાસડું ને મારું મોઢું.”

પ્રાણિયાની વાતે સુશીલાની બાને તો ચિત્રમાં આલેખ્યાં હોય તેવાં કરી મૂક્યાં. રોજ ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવી આપનાર અને વ્યાવહારિક કાર્યોમાં દોડાદોડ-ટાંગાતોડ કરી પોતાનું એકલાનું જ વ્યક્તિત્વ સૌની આંખોમાં પાથરી દેનાર આ પ્રાણિયાનો પરિચય વાર્તાના પ્રારંભના ભાગમાં આપણને થઇ ચૂકલે છે.

આવા પ્રાણિયાનો પગ પ્રત્યેક શેઠ-કુટુંબમાં જડબેસલાખ હોય છે, તે વિશે તમને કોઇન શંકા નહીં હોય. આવા પ્રાણજીવનોને શેઠિયાનાં ઘરોનાં બૈરાંઓ સાથે ભારી મેળ હોય છે, કેમ કે શેઠાણીઓ સ્વામીઓ પાસે જે ચીજો નથી મગાવી શકતી તે પ્રાણિયાઓ દોડીને લાવી આપે છે. શેઠિયાઓ ઘરકામની જે ભલામણો પેઢી પર પહોંચતાં જ ભૂલી જાય છે, તે આ પ્રાણિયાઓ જ પાર કરી આપે છે. ધેરથી પાંચ-દસ વાર આવતો જે ટેલિફોન લેવા શેઠિયાઓને ફુરસદ નથી હોતી, તેનો અમલ પ્રાણિયાઓ જ કરતા હોય છે. નાટકો અને સિનેમાની ટિકિટો પ્રાણિયાઓ જ લાગવગથી મેળવી આપે છે. ગામમાં સાડીની કે પોલકાની છેલ્લામાં છેલ્લી ડિઝાઇન કઇ આવી છે તેના ખબર પ્રાણિયાઓ જ પૂરા પાડે છે, ઘરમાં માંદગી વેળા પ્રાણિયાઓ જ ઉજાગરા કરતા હોય છે, અને શેઠિયાઓ ઘર છોડ્યા પછી શું શું વાતો કરે છે, ક્યાં ક્યાં આવે-જાય છે, અને કેટલું રળે છે – ગુમાવે છે તેની બાતમી પ્રાણિયાઓ પાસેથી જ મળે છે. ઉનાળાની કેરીથી લઇ શિયાળાની ગરમ બનાત કાશ્મીરીની પરખ પ્રાણિયાઓને જ હોય છે. આવા પ્રાણિયાઓમાં રસોડા સુધી જવાની, કડકમાં કડક શબ્દે બોલવાની, મશ્કરી કરવાની તેમ જ વિનયવંતા આજ્ઞાંકિત દેખાવાની ચાતુરી હોય છે. પ્રાણિયાઓ શેઠાણીઓ ઉપર રાજ કરી શકે છે, કેમ કે શેઠાણીઓનો ‘પીટ્યા’, ‘રોયા’, ‘મૂઆ’ ઇત્યાદિ લાડશબ્દોનાં સંબોધનો કરવાનો શોખ આવા પ્રાણિયાઓ પર જ સંતોષાઇ શકે છે.

એટલી વાત કરીને પ્રાણિયો “લાવો, કઇ ચૂડીને ચીપ નાખવી છે ? ને કઇ બંગડીઓ ભંગાવી નાખવી છે ?” એ પૂછતો ઊભો રહ્યો.

“સાંજે આવજે.” કહીને સુશીલાની બાએ એને જલદી વિદાય દીધી, ને પોતે જેઠજી માળા ફેરવી લ્યે તેટલો સમય હોવાથી પોતાના ઓરડામા ગઇ. પતિ હજુ કોટનાં બટન પૂરાં નાખી નહોતા રહ્યા. “લાવો, બટન નાખી દઉં !” એ કામને બહાને પોતે ત્યાં ઊભી અને બટન નાખતી ટાઢીબોળ સત્તાધીશીના સ્વરો કાઢી બોલવા લાગી :

“મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઇ જવાની હતી ? ને ચોરી ભગયાનને ઘેર કેટલોક વખત છૂપી રહી શકે છે ? મારું સનાન તો હજી બાકી છે, ત્યાં કોનું સનાન કરવા પધાર્યા’તા ? ને મારી છોકરીનો ભવાડો કરવાનો ભાભીને શો હક છે ?”

“તું મને કહેવું હોય તે કહી લે, પણ ભલી થઇને ભાભીને માટે ગેરશબ્દ ન કહેતી હો !” આટલું બોલતાં બોલતાં પતિની આંખોમાં પાણી તબકી ઊઠ્યાં.

“ભાભીનું દાઝે છે – બાયડીનું દાઝતું નથી ! આદમી છો ? એક વાર મોટાભાઇનાં જૂતાં ઉપાડવા લાયક થાવ, પછી મારા ઉપર રુઆબ કરવા આવજો.”

“પણ તું શા સારુ મારી પાસે મોટાભાઇનાં જૂતાં ઉપડાવછ ? ને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું ?”

“છોકરીને ટાળી દીધી, બીજું તો શું ?”

“છોકરીએ કાળુંધોળું કાંઇ કર્યું છે ?”

“મોટાભાઇએ જે સંબંધમાં લાલબાઇ મૂકી દીધી છે, તે સગપણ સાચવવા શીદ લઇ ગયાં મારી છોકરી ને ?”

“ગામ રસ્તામાં હતું તે ગયાં હશે. છોકરી તારી જ છે, ને ભાભીની નહીં ?”

“છોકરી તો મોટાભાઇની – બીજા કોઇની નહીં. બીજા કોઇને કશું કરવાનો અધિકાર નથી. મારી દીકરીના કાનમાં ઝેર ઝેર ને ઝેર રેડવા સિવાય, મારી સામે તો ઠીક પણ પોતાના સગા ધણીની વિરુધ્ધ – દેવ સરખા ધણી વિરુધ્ધ – છોકરીના કાનમાં સીસું ઉકાળી ઉકાળીને સીંચવા સિવાય, બીજું કામ શું કર્યું છે ભાભીએ ? જેના પગ ધોઇને નત્ય પ્રભાતે પીવા લાયક, એવા મોટાભાઇથી છાનાં છાનાં પેંતરા ભરવા ને કાવતરાં કરવાં, એ કાંઇ ખાનદાનનું કામ નથી.”

કોટ પતિના હાથમાં આપતી આપતી એ બોલ્યે જતી હતી. પતિની ટોપીને બ્રશ મારતી મારતી પતિને નવો હાથરૂમાલ કાઢી દેતી, અને આ ‘ચંપલ નૈ, ઓલ્યા બૂટ પે’રતા જાવ’ એવું કહી, બૂટ કાઢી દઇ પહેરાવતી પહેરાવતી આ પત્ની પતિને જેટલી વધુ વાર રોકી શકાય તેટલું રોકીને પોતાની જેઠાણીની નિંદા ને જેઠની દેવગાથાઓ ગાતી ગઇ, જેઠને સંભળાવવાનો હેતુ સ્પષ્ટ હતો.

“ભગવાન ! ભગવાન !” પતિને ધીરે પગલે ચાલ્યો જતો જોઇ એણે આસ્તેથી ઉદ્ગાર કાઢ્યો : “કોને ખબર – મને પરણ્યા છે…કે…એને !”

પોતાની પાછળ બોલાયેલા શબ્દો નાના શેઠે કાનોકાન સાંભળ્યા. એ થંભ્યો, ફરી વાર એની આંખે અંધારા આવ્યાં. એણે બારણું ઝાલી લીધું. એ તમ્મર એકાદ મિનિટ ટક્યાં. પછી મનની કળ વળી. એ આપઘાત કરવા કૂવામાં પડતો હોય તેવી રીતે ‘લિફ્ટ’માં પહોંચ્યો ને નીચે ઊતર્યો.

મોટરગાડી નીચે તૈયાર હતી. શૉફરે નાના શેઠને લઇ જવા બારણું ઉઘાડ્યું.

“નહીં ભાઇ, પેદલ જાયગા.” એટલું જ બોલીને નાના શેઠ જલદી પોતાના ઘરની ગલી વટાવી ગયા.

ક્રમશઃ …

૨૮. દુઃખનું સમૂહભોજન – વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી

Standard

સુશીલા અને ભાભુ દેશ તરફ વિદાય થયાં તે જ દિવસે રફુચક થઇ ગયેલ મોટા શેઠ હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઇ ખરખબર પણ નહોતા. એટલે નાના શેઠ પેઢી પર જઇ ભાઇની ગેરહાજરીમાં ભય વગરના બની બેઠા. એક કલાક પહેલાં ખાલી ને સૂનકાર લાગતું અંત:કરણ તે વખતે રેસ્ટોરાંમાં જઇ આવ્યા પછી ભર્યું ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળે બેઠેલું એ હ્રદય નીચે બેઠેલી હોજરીને કહેતું હતું કે ‘જો, હોજરીબાઇ, તું મને રોજ ખીજવતી, કેમ કે તું ઠાંસોઠાસ બનીને બેસતી ત્યારે હું તો ભૂખ્યું અને તરસ્યું જ પાછું વળતું. તું મને મે`ણાં-ટોણાં દેતી. પણ જો ! આજે તો હું ય તરબતર છું, છલોછલ છું -ને ખબર છે તને હોજરીબાઇ, હવે તો હું ઘણું કરીને હંમેશાં છલોછલ રહીશ-જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને, તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું. ખબર છે તને હોજરીબાઇ, આ મોટાભાઈની ધાક-બીક નીચે ઊછરેલા નાના શેઠ પોતાની સગી પુત્રી સાથે પણ કોઇ દિન અંતર ઉઘાડીને બેસી નથી શક્યા એટલે એને જીવનમાં પહેલી જ વાર વાતો કરવાનું મન થાય છે-ને પહેલી વાર વાતો કરનારા શિશુની વાણી કેટલી અર્થ હીન ને ધડા વગરની હોય છે ! આ પણ ચિરશૈશવમાં જ ખૂંચી રહેલો પુરુષ છે ને ! એને શું એક પુત્ર ન જોઇએ ? પુત્ર ન હોય તો શું ભર્યા જગતમાં એને એક જમાઇ પણ ન મળે કે ? પુત્રી એની પોતાની, એ તો પોતાની રહી નથી-તો શું જમાઇ પણ એનો પોતાનો થાય તેવો નહીં મળે? જગત શું આટલું બધું સ્વાર્થી ને કૃપણ છે, હોજરીબાઇ ? સૌ શું પારકાં સ્નેહ-પાત્રો પડાવી લઇને જ પોતાની જાતને સમૃધ્ધ બનાવતાં રહેશે?’

આવા બબડાટ કરતું નાના શેઠનું હ્રદય આરામખુરશી પર પડ્યું હતું ત્યાં તો ટેલિફોન આવ્યો : “કોણ નાનુ શેઠ ? એ તો હું ખુશાલચંદ : શોકના સમાચાર છે. સુખલાલની બા ગુજરી ગયાં. અમે એનું સનાન કાઢીએ છીએ.”

“હું-હું-હુંય આવું ?”

“તો પધારો.”

ટેલિફોન ઉપર નાના શેઠની જીભ થોથરાઇ ગઇ ને એણે કોઇ ગંભીર કસૂર કરી નાખી હોય એવી લાગણીથી રિસીવર નીચે મૂકી દીધું.

ત્યાં તો ફરી વાર ઘંટડી વાગી ને ખુશાલભાઇ ના શબ્દો સંભળાયા: “નાનુ શેઠ, અમે આંહીં સનાન કરવામાં તમારી વાટ જોઇએ છીએ. તમે આવ્યા પછી જ વાત માંડીશું.”

એટલું જ બોલી એણે ટેલિફોન છોડી દીધો. પછી તો ના પાડવાની બારી ન રહી. પેઢી પર એણે પોતે જે કામે જતા હતા તે કોઇને બતાવ્યું નહીં, છતાં એક માણસને ખુશાલભાઇની ઓરડી બતાવવા સાથે લેવો પડ્યો. તેને પણ નાના શેઠે સૂચના આપી: “કોઇને કહેવાની જરૂર નથી.”

લગ્ન કે મિજબાની-ઉજાણીમાં નોતરાં વિનાના રહી જનાર જે સંબંધીઓ ને સ્નેહીઓ, તેઓ મૃત્યુના કે માંદગીના અવસરે તો હાજર થવાનું ચૂકે જ નહીં એવું મધ્યમ વર્ગનું અણલખ્યું બંધારણ છે. ઓચિંતી ફૂટી પડેલી શ્રીમંતાઇના ઘન અંધકાર વચ્ચે ઝળહળી ઊઠેલા આ વીજળી જેવા પ્રસંગે સુશીલાના બાપને પોતાનાં છતાં પોતાથી અદૃશ્ય બનેલાં સગાંના સમૂહનું દર્શન કરાવ્યું. ધોળાં ફૂલ કપડાંવાળો પોતે આ સમૂહમાં જુદો તરી નીકળતો હતો, છતાં એ સમૂહે એના જુદાપણા પ્રત્યે આંગળી ન ચીંધી. ગળામાં સોનાનો છેડો ને કાંડે ઘડિયાળનો સુવર્ણપટો એને શરમાવવા લાગ્યાં, ને એને ભાન થયું કે પોતાને આવા શોકના પ્રસંગે બેસતાં, મોં પર છાજતો ભાવ ધારણ કરતાં કે ખરખરો કરતાં આવડતું નથી. જ્યાં અફસોસ બતાવવો ઘટે ત્યાં તે હસતો હતો.

ખુશાલભાઇએ એને ધીરે ધીરે ફોડ પાડ્યો : “માંદગી તો લાંબા કાળની હતી. આવું ઓચિતું થઇ ગયું. કાંઇ વધુ પડતા હરખની લાગણીનું છાતી માથે દબાણ આવ્યું.”

“હરખની લાગણી ?” નાના શેઠે વિચિત્ર વાત સાંભળી.

“થાય જ ને! સુશીલાનું ત્યાં જવું સાવ અણધાર્યું થયું ખરું ને?”

નાના શેઠ તો આભા જ બન્યા. એને કાંઇ ખબર નહીં હોય એવા કશા જ ખ્યાલ વિના ખુશાલભાઇએ વિશેષ તારીફ આદરી:

“ઘણા લાંબા કાળની ઝંખના : ક્યારે લગન થાય, ક્યારે વિવા થાય : એમાં ઓચિંતાનાં જ જઇને ઊભાં રહ્યાં, ને ગયાં તે ભેગાં જ ઘરમાં એની ડાહ્યપ ને એની માયા-મમતા પથરાઇ વળી. ઇ હરખના આવેશમાં મારા ફૈબાનું કાંકણ જેવું હૈયું તૂટી ગયું.”

ખુશાલને મૃત્યુના ખરા કારણની ખબર નહોતી. દીપા શેઠે એનો ઇશારો પણ લખ્યો નહોતો.

નાના શેઠની કલ્પનાશક્તિને અનુમાનશક્તિ ધીરે ધીરે પોતાના વતનની ભૂમિ તરફ વળ્યાં ત્યારે એણે સુખલાલના પિતાના ગામને ને પોતાના ગામને નજીક નજીક નિહાળ્યાં. પણ સુશીલા ત્યાં કેવી રીતે પહોંચી હશે? એને તો એ ગામડિયું સાસરું ગમતું નથી એમ કહીને તો મોટાભાઇ બીજે તજગીજ કરી રહ્યા છે !

“આ જુઓ ને, મારા ફુઆના કાગળમાં ઘેલીબે’નનાં કેટલાં વખાણ લખ્યાં છે !”

એમ કહેતે ખુશાલે સૌ સાંભળે તેમ આખો કાગળ વાંચવા માંડ્યો; વાંચતાં વાંચતાં ઘેલીબે’ન(ભાભુ)ના વર્ણન પાસે એનું ગળું વારંવાર થંભતું હતું. ને આભડવા આવેલાઓનો આખો સમૂહ અંદર અંદર પૂછપરછ કરતો હતો : “ઇ ઘેલી કોણ?” “ચંપક શેઠનાં વહુ.” “આપણી ઘેલી – ન ઓળખી ? સુડાવડવાળી.” “લાખેણું માણસ.” “પૈસાનો મદ ન મળે.” “લ્યો, ઠેઠ આંહીંથી માંદી વેવાણની ચાકરી માટે દેશમાં પહોંચ્યાં.”

“વહુ પણ કેટલી સુલક્ષણી !” “એને કેળવણી ઇ ઘેલીની, હો !” “મરનારનું તો મોત સુધરી ગયું ને, ભલા માણસ ! નીકર આ કળકળતા કાળમાં કોણ કોનાં સગાં ને સાંઇ !” “દીકરાની કુંવારી વહુના હાથની ચાકરી લઇને ગયાં – ભવ જીતી ગયાં !”

“બસ બસ ! મારી ફૈબાનું મોત સુધરી ગયું. ને સુખાના હાથપગ હવે જોરમાં આવ્યા.”

ખુશાલના આ શબ્દોએ સૌની આંખોને એક બાજુ બેઠેલા સુખલાલ તરફ ફેરવી. પૌરુષની પૂર્ણ ગંભીરતાથી એ ચુપચાપ બેઠો હતો. વરસી ચૂકેલા મેઘ પછીનાં નેવાં સમી એની આંખો ધીરે ટીપે ટપકતી હતી. એ ધ્રુસકાં ને ડુસકાં ભરતો નહોતો, એના કંઠમાંથી અવાજ નીકળતો નહોતો; વેદનાનું એ જાણ અમૃતપાન કરતો હતો.

“હજી એક કલાક પહેલાં તો ટપાલ-ઑફિસમાં રજિસ્ટર કરતા’તા.” નાના શેઠ શોકભર્યું મોં ન રાખી શકવાથી સ્મિતભર્યા હોઠે બોલતા હતા: “માતાની જીવાદોરી ટકાવવાની કેટલી ઝંખના કરતા’તા ! આ-હા-હા ! સંસાર તો એવો છે…”

“ઊઠો હવે, સૌ નહાઇ લ્યો. કોઇએ સાદ કાઢવાનો નથી. બાયડિયું એ પણ રોવાનું નામનુંય કરવાનું નથી, એમ મારા ફુઆએ લખાવેલ છે. માટે સૌ ભાઇઓ અને બાઇઓ ચાલીના નળે શાંતિથી સ્નાન કરી લ્યો.”

ખુશાલભાઇની એ સૂચના મુજબ સૌ નાહવા લાગ્યાં, ને એક મૃત્યુની વાત આડે બીજી અનેક દિલસોજીભરી વાતોના પડદા પાડી પાડીને આ સમૂહે સુખલાલને આ પરિવર્તનને સામે પાર ઊંચકી લીધો. દુ:ખનો થાળ જાણે સગાંસ્નેહીઓનો આખો સમૂહ બેસીને ભાગે પડતો જમી ગયો.

નાના શેઠ પણ ખુલ્લા નળ તરફ નાહવા જતા હતા, તેને ખુશાલે રોકીને કહ્યું : “તમે આંહીં ઓરડીમાં પધારો. બહાર ઊઘાડામાં નાહવાની ટેવ ન હોય. એટલે મારી ઓરડીમાં ગરમ પાણી મુકાવેલ છે.”

નાના શેઠે અંદર જઇને જોયું તો ગરમ પાણી મૂકેલ હતું. બીજા બે ચાર લોકો-માણસોને પણ ખુશાલભાઇએ એ જ સ્નાનની સગવડ આપી.

ક્રમશઃ …