Daily Archives: October 27, 2017

“અરવલ્લી”

Standard

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી અરવલ્લીની ગિરિમાળાઓમાં એક અદભૂત મંદિર આવેલું છે. શારણેશ્વર મહાદેવ ખુદ માતા ઉમા સાથે અહી બિરાજમાન છે. આ મંદિર અમદાવાદથી નજીક આવેલા પ્રખ્યાત પોળોના જંગલમાં આવેલું છે. અતિપ્રાચીન ગણાતા આ મંદિરના બાંધકામથી લઈને અંધશ્રદ્ધા સુધીની અનેક લોકવાયકાઓ તેના વિશે ફેલાયેલી છે.

વાર્તા-1
પોળોના ગાઢ જંગલોમા કલાત્મક કોતરણીથી બનાવાયેલું આ પ્રાચીન મંદિર રાજસ્થાનના શિરોહીની રાજકુંવરીએ બનાવડાવ્યું હોવાનું ઈતિહાસકારોનું માનવું છે. એક લોકકથા અનુસાર શિરોહીની રાજકુંવરીનો રોજનો નિયમ હતો કે શિવ આરાધના કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું.

પરંતુ વિજયનગર સ્ટેટના રાજકુમાર સાથે તેમના લગ્ન થયા બાદ તેમને ત્રણ-ચાર દિવસ સુધી શિવના દર્શન ન થવાથી ઉપવાસ કર્યા. તેમની આ તપશ્ચર્યાથી પ્રસન્ન થઇ ભોળાનાથે સ્વપ્નમાં આવીને આ સ્થળે સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે રાજ કુમારીને દર્શન આપ્યા હતા તેવું કહેવાય છે. ત્યારે પ્રખર શિવ ભક્ત એવી શિરોહીની રાજકુંવરીએ આ ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

વાર્તા-2
એક લોકવાયકા પ્રમાણે મહારાણા પ્રતાપ અહી ગુપ્ત વેશે રહ્યા હતા. પ્રખર શિવભક્ત એવા મહારાણા પ્રતાપ અહી શિવની આરાધના કરતા હતા. ભોળાનાથના આશીર્વાદના પ્રતાપે જ તેમણે અહીનાં આદિવાસી સ્થાનિક લોકોનો સહકાર મેળવી ફરી પોતાનું રાજ્ય પાછુ મેળવ્યું હતું. અહીંની અનોખી કોતરણી માણવા દૂરદૂરથી લોકો આવે છે.

વાર્તા-3
અહી શિવજીનુ શિવલીંગ પણ સ્વંભુ પ્રગટ થયાનુ માનવામા આવે છે. આ સ્થળ વિરભદ્રની તપો ભુમિનું સ્થાન હોવાને કારણે તે વિરેશ્વર તરીકે ઓળખાય છે. વિરભદ્રએ દક્ષપ્રજાપતિની હત્યા કરી હતી તેમને બ્રહ્મહત્યાના લાગેલા પાપને લઇને ધરતી પર રહેવાની ફરજ પડી હતી. એટલે જ વિરભદ્રને શિવના દર્શન કરવા માટે કરેલી ઇચ્છાનુસાર શિવને પ્રગટ કરી શકવાનુ વચન પ્રાપ્ત હતુ. વિરભદ્રએ ભગવાન શિવનો નંદી હતો અને તેને મળેલા વચન પ્રમાણે શિવજી અહી પ્રગટ થઇને વિરભદ્રને દર્શન આપ્યા હતા. આમ અહી ભગવાન શિવ પ્રગટ થયાની શ્રધ્ધા છે અને એ શ્રધ્ધા જ જાણે કે ભક્તોને વિરેશ્વર ખેંચી લાવે છે. અહી ગુપ્ત ગંગા પણ વહે છે. મંદિરના ઉપરના ભાગે ડુંગરમાં આવેલ ઉંબરાના વૃક્ષના મૂળમાંથી પાણીનો પ્રવાહ બારેમાસ વહેતો રહે છે અને તે શિવજીના પર અભિષેક સ્વરુપ પસાર થાય છે અને એટલે જ એને ગુપ્ત ગંગાના પવિત્ર ઝરણાં તરીકે જોવામાં આવે છે. કહેવાય છે કે નરસિંહ ભગાવાને હીરણ્યકશ્યપનો સંહાર કરીને નખથી અહી ખોતરીને સંહાર કર્યા બાદ હાથ પર જે જલન થઇ હતી, તેને ઠારવવા માટે અહી તેઓએ હાથ ધોયા હતા અને ત્યારથી આ જગ્યાએ ગુપ્ત ગંગા તરીકે વહેતી હોવાની માન્યતા છે

સાબરકાંઠાના વિજયનગરના જંગલોની વચ્ચે આવેલા અને પ્રસિધ્ધ અરવલ્લીની ગિરિમાળાઓમાં પ્રકૃતિના સૌદર્ય વચ્ચે વિરેશ્વર મહાદેવનુ મંદીર આવેલુ છે. એટલે જ તો પ્રકૃતિની ગોદમાં બિરાજતા શિવજીનુ સ્થાન ભક્તોને અનોખો અહેસાસ કરાવે છે. આસપાસમાં મંદિર સિવાય માત્ર પ્રકૃતિનો સૌદર્યભર્યો ખજાનો છે.

◇○◇ ●ગાયો નો ગોવાળ●◇○◇

Standard

ગણા જાંબલી, કાબરી, ગાય ગોરી,
ધન્યો, મુંઝડી, ખેરડી, ધેન ધોળી…
રંગે શામળી હોય બાહોળ્ય રોજી,
સવેળા પયં આપતી સાવ સોજી….

મઢ્યા ખોબલા મચિયા શીંગ માથે,
પગે જાંઝરી સાંખીયા કાન સાથે…
ગળે કામરુ કંઠ મા ધંટ વાગે,
જગાડે મોરડી માત જાગે…

કવલ્લી ફળી ને પવિતર કરે છે,
ભલી બોકડી ભાવ મીઠિ ભરે છે..
કરે ઢીલ તો માંકડી સાદ પાડે,
જુઓ નીલડી દેશ આખો જિવાડે….

સુણી વાંભ ને કાન..દેતી હિલોળા,
વળે વાછરૂ ઉપરે સાંજ વેળા…
ખળેળે નથી આઊ મા દૂધ માતાં,
સદા સમુદ્રિ રેલતી સુખદાતા….

ચલાળા ની બાજુમા આવેલા મોરઝર ગામનું ગોધણ…સીમમા થી ચરીને ઝર ગામની ઊભી બજારે હાલ્યું આવે છે….
લીલાકંઝાર ઘાસ ની ગાંસડીયુ સામે એકપણ ઢોર નજર પણ માંડતુ નથી…કારણ કે,બધી ગા માવડીયુ પેટોપેટ ધરાણી છે…હવે તો એને બસ ખીલે પોગવાની ઊતાવળ છે…
ગાયુ પણ કેવી…?
ફાંટ ફાંટ થતા આઊ…માથી કોક કોક ગાય ને તો વેંત વેંત ના આંચળ માથી દૂધ ટપકતુ જાય છે…મદમસ્ત હાથણીયુ જેવી ગાયો…મોરઝર ની બજાર ગજાવતી જાય છે…
કોઈ ગાય ના શીંગ ને પીત્તળ ના ખોભળા જડ્યા છે..તો કોક ના કાન મા શંખીયા જુલી રહ્યા છે..તો કોક ગાય ના ડોક ની રણકઠણકતી ટોકરીયુ વાતાવરણ મા સંગીત પુરી રહી છે…

ગામના દરબાર દેહાવાળા ની ડેલીએ આજ સોલડા ગામના રાવત શેખવા નામના દરબાર અને હારે બીજા પાંચેક કાઠીઓ મેમાન છે…ભગવાનજી કામદાર નું મોટુ ‘હાટ’ કેવાઈ એને ત્યા હમણા સ્વામીજી નો સતસંગ ચાલે છે…એટલે ગામની બજાર મા ડાયરો આ ધણ ને નિરખી રહ્યો છે….

“આપા દેહા…ગામ ની સરખાઈ છે હો..ભા,આવી ગાયુ તો અમે ક્યાંય જોઈ નથી..જાણે નંદરાઈ ની ગોકળીયુ છે..હો,
વાહ…કામધેનુ….વાહ…”
આવેલ મેમાને ગાયુ ને બીરદાવી…
“હા….ભા, નકરી ગાયુ નઈ…આ ધણ નો ગોવાળ ઈ થી ચડી જાય એવો છે…”
આપા દેહાવાળા એ જવાબ દીધો..
“તો…તો..ઈ ગોવાળ ને જોવો પડશે…હો”
ધણ ની પછવાડે..લાકડી રમાડતો,આધેડ ઉંમર નો પાંચહાથ પુરો..ગોરાવાન નો ગોવાળ મરક મરક હસતો હાલ્યો આવે છે…
આવી ને એણે ડાયરા ને રામ..રામ કર્યા..
સહુએ રામ રામ જીલ્યા..
અને આપા દેહાવાળા એ રામ ને સંબોધી કહ્યુ..
“ભાઈ..રામ,આ મેમાન ને આપણુ ધણ આંખે વળગ્યું…અને મે તને વખાણ્યો કે, અમારા રામભાઈ ના પરતાપે….”
રામ કહે..”બાપું,રબારી ભરવાડ ના દિકરા ઢોર ચારે…વાણીયા ના દિકરા વેપાર સાચવે,ખેડુ ના દિકરા ખેડ્ય કરે…અને તમ જેવા ગરાસીયા ના દીકરા વહતી ની સંભાળ્ય રાખે…એમાં નવાઈ નઈ..!!”
આપા રાવતે રામ ને ખભે હાથ મુકી ને કહ્યુ…
“હાચું..ભાઈ હાચું…પણ અમે એક વાત સાંભળી છે કે ઝર નો રામ રબારી તો ગોવાળો મા બીજો કાનુડો છે..ઈને સાદે તો માવડીયુ ખીલા તોડાવે…”
દરબાર સામુ જોતા રામ રબારી…બોલ્યો
“બાપુ..ઈ તો કાયમ નો વસવાટ ને એટલે મારે માવડીયુ હાર્યે…એવા હેત છે…”

વચમા આવી ને આપા દેહાવાળા એ કહ્યુ “હા ભા,વાત હાચી પણ પારખુ તો અમેય નથી કર્યુ હો…”
“તો થઈ જાય આજ તમારા ગોવાળ ના પારખા”
આપા રાવત ની હારોહાર સ્વામીજી ને પણ વાત મા રસ પડ્યો એટલે એણે ટાપસી પુરી…

તમાશા ને તેડુ ન હોય..માણસો ભેળા થવા લાગ્યા,આપા દેહાવાળા એ રામ ની સામે જોયુ…વાણી અને વર્તન મા ગરવો,એવા રામ ગોવાળે..પોતાના દરબાર ને ઈશારા થી આશ્વાસન આપી દીધું
પછી બોલ્યો..
“બાપલાવ….વાત તો હાચી પણ..પણ મારી માવડીયું ભૂખ્યુ પાછી નો જાય….સાવ કોરુકોરુ કામ નો થાય…”

આપા રાવતે કહ્યુ…”ભલે બાપ જો ગાયું તારી વાંભે આવે તો…તને દુજણી ભેંશ દઉ”
“ના આપા મારે કાંઈ નો ખપે…પણ જો ગાયુ આવે તો,ગામ નુ મા’જન..અઢી ખાંડી કપાસીયા મારી માવડીયુ ને જારે…અને જો નો આવે તો આ લાકડી કોઈદી હાથ મા નો લઊ આ મારી શરત..”
“ભલે બાપ..રંગ છે તારા ગૌપ્રેમ ને..તો હાલો પાધર..”
કહી ને દરબાર દેહાવાળા સહિત આખુ કમઠાણ…પાદર આવ્યું…..

અકડેઠઠ મેદની મોરઝર ગામ ના પાદર મા ભેળી થઈ છે કારણ કે લોકો ને આવી ઘટના બોવ ઓછી જોવા મળે છે…
બધાય ની આંખો ગોવાળ રામ ઉપર મંડાયેલી છે…
અને બરાબર સૂરજનારાયણ ને ડૂબવાને ટાણે…રબારી રામે…હાંક દીધી…
“ભલે….બાપ…ગંગા…હે…મારી જમુના….ભણે..બાપ,કાબરી…મારી ગવલી, નીલડી…”

કોઈ ભક્ત નો નાદ સાંભળી ને જેમ ભગવાન વૈકુંઠ માથી દોટ દેતોક ને દોડી આવે કે,દ્રોપદી ના ચીર પૂરવા કાળીયો ઠાકર આવતો હોય….એમ,
કોઈ ગાય ખીલા હોંતી….કોઈ લોઢા ની સાંકળ હોતી…
તો કોઈ ધાવતા વાછરુ છોડાવતી…કોઈ હજુ ઘરે પહોંચી નહોતી..એ, પૂંછડા ના ઝંડા ઊલાળતી…ઊભા કાન સાથે…દોડતી દોડતી રામ ને ફરતી વીંટળાવા લાગી…

આખા ગામ ની ગાયો…થોડી જ વાર મા પુગી ગઈ ને પાદર જાણે સવારે હોય એવુ સંધ્યા ટાણે ભરાઈ ગયું..

દરબાર દેહાવાળા એ રામ ને બથ મા લઈ લીધો…”બાપ તે તો આજ મને ઊજળો કર્યો…”આપા રાવતે એક દૂજણી ભેંશ રામને બક્ષીસ કરી અને ગામ ના મા’જને અઢી ને બદલે ત્રણ ખાંડી કપાસીયા આપી ને રામ ને રાજી કરી દીધો….

એમ કહેવાય છે કે,જ્યારે આ રામ રબારી નુ અવસાન થયુ ત્યારે..એની સ્મશાન યાત્રા મા ગામ ની ગાયુ નુ ધણ પણ હારોહાર સ્મશાન સુધી ગયેલું અને,
રામ ના દેહ ને દાહ દેવાણો ત્યારે તમામ ગાયો ની આંખો મા શ્રાવણ ભાદરવો વરસે એમ આંસુડા વહ્યા હતા…આ દ્રશ્ય જોનારા કેટલાક વડીલો હજી જીવે છે…

(નોંધ:- સ્વર્ગસ્થ શ્રી કાનજીભુટા બારોટ ના વાતડીયુ વગતાળીયુ મા થી સારાંશ….)

ઋગ્વેદ પરિચય

Standard

👉 ઋગ્વેદ’ શબ્દમાં બે પદો રહેલાં છે, ઋક્ અને વેદ.
ઋક્ નો અર્થ આવો થાય છે-
“ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक्”
“જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે તેને ઋક્ કહેવામાં આવે છે.”
‘વેદ’ શબ્દનો અર્થ અને વિભાવના આપણે “वेदामृतम् -४ વેદ શબ્દનો અર્થ” માં મેળવ્યો.
આ બંને પદોની પાણિનિ વ્યાકરણના વ્યંજનસંધિ નિયમનાં સૂત્ર “झलां जशोऽन्ते” મુજબ ‘ઋક્’ માં રહેલ ‘ક્’ નો સંધિ થતા ‘ગ્’ બન્યો અને ‘ઋગ્વેદ’ શબ્દ બન્યો,
જેનો અર્થ થાય છે જેમાં દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ.

👉 ઋષિઓ દ્વારા ગ્રથન અને ઋગ્વેદની શાખાઓ :

👉 વેદો અપૌરુષેય ગ્રંથ છે.
વેદમંત્રોનાં પૌરાણિક ઋષિઓને દર્શન થયા હતા
અને ત્યારબાદ એ મંત્રોને ઋષિઓએ એમના શિષ્યોને-પુત્રોને ભણાવ્યા.
અને કોઈ સમયે આ અમૂલ્ય જ્ઞાન નાશ ન થાય માટે તે સમયની પ્રણાલી
અને લેખનસામગ્રી મુજબ આ મંત્રોને ‘ગ્રંથ’ નું સ્વરૂપ આપવામાં આવ્યું.

👉 મંત્રદૃષ્ટા માત્ર ઋષિઓ જ ન હતાં, ઋષિકાઓ પણ હતી.
જે જે ઋષિઓએ પોતાના આશ્રમમાં પોતાની અલગ શૈલીમાં પોતાના પુત્રોને અને શિષ્યોને વેદો ભણાવ્યા એમના નામ પર થી વેદોની શાખાઓ બની હતી.
પાણીનીમુનિનાં વ્યાકરણ પર ભાષ્ય લખનાર પતંજલિ મુનિએ ભાષ્યગ્રંથ “વ્યાકરણ મહાભાષ્ય” માં ઋગ્વેદની 21 શાખાઓ હતી એવો ઉલ્લેખ કર્યો છે.

👉 આ ૨૧ શાખાઓમાંથી ઘટીને પાંચ શાખાઓ રહી હતી-

૧. શાકલ શાખા.
૨. વાષ્કલ/બાષ્કલ શાખા.
૩. આશ્વલાયન શાખા.
૪. શંખાયન શાખા.
૫. માંડુકાયન શાખા.

👉 આ પાંચ શાખાઓમાંથી પણ અત્યારે એક માત્ર શાકલ શાખા જ ઉપલબ્ધ છે. એટલે કે આપણે જેને ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ એ આ શાકલશાખા છે.
(અનુમાન કરો જો એક શાકલશાખામાં 10552 મંત્રો હોય તો આ પાંચ શાખા કે 21 શાખા મળીને મંત્રોની સંખ્યા ક્યાં સુધી પહોંચે!!)

👉 ઋગ્વેદનું વિભાજન-વર્ગીકરણ :

અત્યારે જે શાકલશાખાને આપણે ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ તે ઋગ્વેદનું વિભાજન બે રીતે કરવામાં આવ્યું છે, અષ્ટક ક્રમ અને મંડલ ક્રમ.

👉 અષ્ટક ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

અષ્ટક એટલે આઠ. આ અષ્ટક ક્રમ પ્રમાણે ઋગ્વેદનું વિભાજન આઠ અષ્ટકોમાં વિભાજીત છે. આ આઠ અષ્ટકો માં પણ દરેકની અંદર ચોક્કસ વિભાજન છે જે અષ્ટક-અધ્યાય-વર્ગ-ઋચાઓ એ ક્રમે કરવામાં આવ્યું છે.
આઠ અષ્ટકમાં દરેક માં આઠ અધ્યાયો છે, એટલે કુલ 64 અધ્યાય. દરેક અષ્ટક માં ઋચાઓની ચોક્કસ સંખ્યાનાં સમૂહને ‘વર્ગ’ નામ આપવામાં આવ્યું છે. આ અષ્ટક ક્રમ ને સરળ રીતે આમ દર્શાવી શકાય-

અષ્ટક – ૮
અધ્યાય – ૬૪
વર્ગ – ૨૦૨૪
મંત્ર સંખ્યા- ૧૦૫૫૨

👉 મંડલ ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

મંડલ ક્રમ પ્રમાણે ઋગ્વેદ મંડલ-અનુવાક-સૂક્ત-ઋચાઓ ક્રમમાં વિભાજીત છે.
મંડલની સંખ્યા 10 છે. મંત્રોની ચોક્કસ સંખ્યાનાં સમૂહ ને સૂક્ત નામ આપવામાં આવ્યું છે , આ સૂક્ત ના ચોક્કસ સંખ્યાનો સમૂહ તે અનુવાક.
સરળ રીતે મંડલ ક્રમ આ રીતે દર્શવી શકાય:

મંડલ – ૧૦
અનુવાક – ૮૫
સૂક્ત – ૧૦૨૮
મંત્ર સંખ્યા – ૧૦૫૫૨

મંડલ ક્રમમાં દરેક મંડલનાં ગ્રથનકર્તા ઋષિઓ છે. મંડલ પ્રથમ, આઠમું, નવમું અને દસમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક કરતા વધારે છે.
જયારે મંડલ બીજા થી સાતમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક જ છે :

બીજું મંડલ – ગૃત્સમદ ઋષિ
ત્રીજું મંડલ – વિશ્વામિત્ર ઋષિ
ચોથું મંડલ – વામદેવ ઋષિ
પાંચમું મંડલ – અત્રિ ઋષિ
છઠ્ઠું મંડલ – ભરદ્વાજ ઋષિ
સાતમું મંડલ – વસિષ્ઠ ઋષિ

અને આમાં એમના ગોત્ર, પરિવાર કે શિષ્યો સિવાયનાં કોઈ વ્યક્તિને સામેલ નથી કરવામાં આવ્યાં. આથી આ બીજા થી સાતમાં મંડલને કુળમંડલ, વંશ મંડલ, ગોત્ર મંડલ, પરિવાર મંડલ તરીકે ઓળખવામાં આવે છે.
આ ૧૦૫૫૨ ઋગ્વેદ મંત્રોને ‘ઋગ્વેદસંહિતા’ કહેવામાં આવે છે. દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, કલ્પસુત્રો, પ્રાતિશાખ્ય અને અનુક્રમણિ છે. આ બધું મળીને જે તે વેદનું સંપૂર્ણ સાહિત્ય બને છે.

👉 ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ :

ઋગ્વેદમાં વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે,
આ સ્તુતિ દ્વારા પરમજ્ઞાન આપવામાં આવ્યું છે.
ઋગ્વેદનાં ઋષિઓએ બ્રહ્માંડમાં ત્રણ સ્થાનનાં આધારે દેવતાઓની સ્તુતિ કરી છે, જેમકે-

👉 સ્વર્ગલોક/દ્યુ સ્થાનીય દેવતાઓ :

મિત્ર, વરુણ, સૂર્ય, સવીતૃ, પુષન, અશ્વિનૌ, ઉષા, રાત્રિ વગેરે,

👉 અન્તરિક્ષ સ્થાનીય દેવતાઓ :

ઇન્દ્ર, વાયુ, પર્જન્ય, આપ, અપાંનપાત, રુદ્ર, મરુદગણો વગેરે.

👉 પૃથ્વી સ્થાનીય દેવતાઓ :

પૃથ્વી=ભુમિ, અગ્નિ અને સોમ વગેરે.

👉 ઋગ્વેદમાં પ્રકૃતિનાં તત્વોની, પ્રાણીઓની પણ દેવતાં તરીકે સ્તુતિ કરવામાં આવી છે
જેમ કે નદી-વિશ્વામિત્ર સંવાદ સૂક્ત (ઋ. ૩/૨૩) માં વિપાટ અને શુતુદ્રી નદીઓની દેવતા તરીકે સ્તુતિ કરી છે
તો સરમા-પણિ સંવાદ સૂક્ત (ઋ. ૧૦/૧૦૮) માં દેવોની દૂતી બની પણિ રાક્ષસો પાસે સંદેશો લઇ ને જતી સરમા કુતરીને પણ દેવતા કહી છે.
આનું કારણ શું!??
એનો જવાબ છે કે ઋષિઓ બધું જ ઈશથી વ્યાપ્ત રહેલું કહે છે,
બધું જ બ્રહ્મથી વ્યાપ્ત છે,
બ્રહ્મ એટલે ચૈતન્ય.
એટલે ચૈતન્ય જેમાં જેમાં છે અને એને સૂક્તમાં સાંકળવામાં આવ્યું છે
એ તમામ ને દેવતા કહ્યા છે.

👉 ઋગ્વેદનાં પદ્યાત્મક મંત્રો :

ઋગ્વેદનાં મંત્રોને ઋચા કહેવામાં આવે છે. ઋગ્વેદનાં મંત્રો પદ્યાત્મક=છંદોબદ્ધ છે.
ઋગ્વેદનાં મંત્રો ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી જેવાં 24 વૈદિક છંદો થી ગેયાત્મક છે.
છંદોજ્ઞાન વગર ઋગ્વેદ મંત્રોનું ગાયન શક્ય નથી બનતું.

👉 ઋગ્વેદનાં સુકતોનાં પ્રકાર :

એક રીતે સમગ્ર ઋગ્વેદમાં સ્તુતિ સુકતો છે. પણ આ સ્તુતિ સુકતોમાં પણ પ્રકાર પડે છે જેમ કે

કાવ્યસૂકતો
પ્રકૃતિસૂકતો
પ્રાર્થનાસૂકતો
સંવાદસૂકતો
દાર્શનિકસૂકતો
ઐતિહાસિકસૂકતો
ધર્મનિરપેક્ષસૂકતો
વ્યાવહારિકસૂકતો.

જય માતૃભુમિ.

——– જનમેજય અધ્વર્યુ

પ્રથમ સંસ્કૃત નાટ્યકાર મહાકવિ ભાસ

Standard

👉 સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ
ઇ સ.પૂર્વે ચોથી સદીમાં થઇ ગયેલા ભાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર છે.

👉 ૧૯૦૬ માં કેરળની ત્રિવેન્દ્રમ ની ગુફામાંથી ટી.ગણપતિશાસ્ત્રી નામના સંસ્કૃત વિદ્વાન ને ભાસ ના નાટકોની હસ્તપ્રતો મળી.
એમણે આ હસ્તપ્રતો પર સંશોધન કરી ૧૯૦૯ થી એક પછી એક ભાસનાં તેર નાટકો પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા
જેનાં નામ આ મુજબ છે :

👉 મહાભારત આધારિત છ નાટકો :

૧.કર્ણભારમ્
૨.મધ્યમવ્યાયોગ
૩.દૂતવાક્યમ્
૪.દૂતઘટોત્કચમ્
૫.પંચરાત્રમ્
૬.ઉરુભંગમ્

👉 રામાયણ આધારિત બે નાટકો :

૧.અભિષેકનાટકમ્
૨.પ્રતિમાનાટકમ્

👉 ઉદયનકથા આધારિત બે નાટકો

૧.સ્વપ્નવાસવદત્તમ્
૨.પ્રતિજ્ઞાયૌગંધરાયણમ્

👉 કાલ્પનિક કથાવાસ્તુ આધારિત બે નાટકો

૧.અવિમારકમ્
૨.ચારૂદત્તમ્

👉 હરિવંશપુરાણ આધારિત એક નાટક

બાલચરિતમ્

ભાસનાં આ તેર નાટકો ને સંયુક્ત રીતે
‘ભાસનાટકચક્રમ્’ તરીકે ઓળખવામાં આવે છે.

મહાકવિ ભાસ એમનાં સમયમાં એટલા પ્રખ્યાત અને લોકપ્રિય હતાં કે
એમનાં પછી થયેલા સંસ્કૃત સાહિત્યકારો મહાકવિ કાલિદાસ, દંડી, રાજશેખર જેવા મહાન કવિઓએ પોતાની કૃતિઓમાં ભાસ ને યાદ કરી એમને અંજલિ આપી છે.

—– જનમેજય અધ્વર્યુ