૧૬. છતી જીભે મૂંગા – મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ : ઝવેરચંદ મેઘાણી

Standard
← ૧૫. જયમનનું રસજીવન મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
છતી જીભે મૂંગા બનાવી રહ્યા છો
૧૭. ‘હું’ →
 ઝવેરચંદ મેઘાણી

[૧]

જે શાક કેવું થયું છે, રમેશ ?”

“સરસ, મોટાભાઈ.” આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો.

“અને દાળ કેવી, મંજરી ?”

પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે નાક ઉપરથી માખી ઉડાડવાને મિષે આંગળી નાકના ટેરવા પર લગાડી. એ જોઈને ઝટપટ મંજરી બોલી ઊઠી: “દાળ બહુ મઝાની થઈ છે, મોટાભાઈ !”

“મ…ઝા…ની !” ચૂલા ઉપર બેઠેલો પિતા મંજરીની બોલવાની છટાને પોતાની જીભ પર રમાડવા મથ્યો. ‘ઝા’ વગેરે અક્ષરોના ઉચ્ચારમાં મંજરી ખાસ મીઠાશ મેલતી – સાકરના ગાંગડા પર બેઠેલી માખી એમાં પોતાના મોંનું અમી વહાવે છે તે રીતે.

નિરાંતનો એક ઊંડો શ્વાસ હેઠો મૂકીને, રસોઈ પર બેઠેલા પિતાએ શરીર લૂછ્યું ને શગડીના બાકી રહેલા કોલસા ઉપર પાણી નાખ્યું.

“મોટાભાઈની રોટલીય કેવી ! ઊપસીને દડો થાય છે.” રમેશે ઉમેર્યું.

“હા વળી; આવી ઊપસીને દડો રોટલી તો કદી બાની…”

બાપની દષ્ટિ મંજરી તરફ ફરે તે પહેલાં તો રમેશે ફરીથી એક વાર સૂચક રીતે નાક પરથી માખી ઉડાડી. એ જોતાં મંજરીનું વાક્ય અધૂરું જ રહ્યું.

“ત્યારે હું નાહવા ઊઠું. તમે જે જોઈએ તે હાથે લઈ લેશો ?” બાપે પૂછ્યું.

“હા-હા, મોટાભાઈ, તમેતમારે ઊઠો;” રમેશ શાકના એક ફોડવાનો છૂંદો કરતો કરતો બોલ્યો.

“બિચારા મોટા ભાઈ થાકી ગયા હશે.” મંજરી દાળમાં રોટલી બોળબોળ કરતી હતી પણ ખાતી નહોતી.

પિતા ઊઠ્યો ત્યારે એના માથામાં અભરાઈ અફળાઈ… એની કમ્મરને સીધી થતાં વાર લાગી. એના મોંમાંથી સિસકાર નીકળ્યો, ને ચહેરો ચીમળાઈ ગયો.

“ક્યાં વાગ્યું – હેં મોટાભાઈ ? શું વાગ્યું ?” મંજરીના હાથમાં કોળિયો થંભી રહ્યો હતો.

“હવે ક્યાંય નહિ, ભૈ ! કશુંય નહિ… પંચાત કરતાં જમી લેતાં નથી !”

બેઉ છોકરાંએ નીચું જોયું. બાપ નાહવાની ઓરડીમાં જતા હતા, તેની પછવાડે ત્રાંસી ત્રાંસી નજરે બન્નેએ નીરખ્યા કર્યું; ને જ્યારે ઓરડીનું બારણું બિડાયાનો ચોક્કસ અવાજ થયો, ત્યારે બેઉ છોકરાંએ સામસામે આંખો માંડી.

મંજરી ધીમેથી હસતી હસતી બોલી: “આપણે મોટાભાઈને કેવા આબાદ ફસાવ્યા !”

“કેવા આબાદ ફસાવ્યા !” એ પ્રયોગ મંજરી હમણાં હમણાં બહુ કરતી હતી. જાસૂસી વાર્તાઓમાંથી રમેશે જ એ પ્રયોગને ઉઠાવીને ઘરમાં આણ્યો હતો.

રમેશ કહે: “ચૂપ, મંજરી.”

“હવે મોટાભાઈ ચાખશે ત્યારે કેવા આબાદ ફસાશે ! દાળશાક બહુ ખારાં છે, નહિ રમેશભાઇ ?”

શાકના છૂંદી રાખેલા ફોડવામાંથી થોડુંક રોટલીના બટકા પર ચડાવતો ચડાવતો રમેશ પૂરો નિશ્ચય નહોતો કરી શક્યો કે શાક ચાખવું કે નહિ. તેણે પીઢ માણસની માફક ઠપકો આપ્યો: “મંજી ! તું બાની વાત મોટાભાઇ કને શા સારુ કાઢે છે ? હવેથી કોઈ દિવસ કાઢીશ ને, તો…”

અધૂરું વાક્ય રમેશે શબ્દોથી નહિ પણ ક્રિયા વડે જ પૂરું કર્યું: મંજરીને એણે એક ચૂંટી ખણી. મંજરીએ રડવા માટે મોં ખોલ્યું, એટલે રમેશે ચૂંટી જરા વધુ ‘ટાઇટ’ કરી; એથી મંજરીનું મોંનું વર્તુળ વધારે પહોળાયું અને મોંનો કોળિયો પડી જવાથી એ કરૂણ રસનો મામલો હાસ્ય રસ તરફ ઢળી ગયો.

હરિનંદન નાહીને જ્યારે જમવા બેઠો ત્યારે દાળ-શાકને પ્રથમ કોળિયે જ બેઉ છોકરાંની દુત્તાઈ એને સમજાઈ ગઈ. પછી એને યાદ આવ્યું કે મીઠું બેઉ ચીજોમાં બબ્બે વાર નખાઈ ગયું હતું: પહેલી વાર નિત્યની માફક; અને બીજી વાર મંજરીએ ને રમેશે, “મોટાભાઈ જો અમારી જોડે કેરી ન ખાય તો અમારેય કેરી નથી ખાવી.” એવું કહી બાપને ચીડવ્યો હતો ત્યારે. માણસ ચિડાય છે ત્યારે કાં તો હાથની ચીજ ફગાવી તોડીફોડી નાખે છે, કાં સામા માણસને ન આપવાની હોય તે વસ્તુ જ દાઝમાં ને દાઝમાં આપી દે છે; ને રસોડાના અનુભવીઓનો અનુભવ કહે છે કે ખિજાયેલું રાંધનાર રાંધણામાં મીઠું-મરચું ખૂબ ધબકાવે છે. અહિંસક ખીજની એ ન્યારી ન્યારી ખૂબીઓ છે.

હરિનંદન પોતાનાં માતૃહીન બે બાળકો ઉપર આવી અહિંસક ખીજ વારંવાર ઠાલવતો. આજે તે આટલા માટે ખિજાયો હતો: બે હાફૂસ કેરીઓ પોતે લાવેલો. બાળકો કહે કે “અમે એકલાં નહિ ખાઈએ, મોટાભાઈ; તમે પણ અમારાં બન્નેનાં ચીરિયાંમાંથી ભાગ લો.” હરિનંદન કહે કે “ના, મારે નથી ખાવી.” છોકરાંએ વધુ આગ્રહ પકડ્યો, એટલે બાપ રિસાઈને રસોડામાં ચાલ્યો ગયો. આમાં ખિજાવા જેવું શું હતું તેની કશી જ ગમ છોકરાંને ન પડી. બેઉ જણાં પોતપોતાનાં ચીરિયાંની રકાબી પકડીને થીજી રહ્યાં; પછી થોડી વારે રસોડામાં જઈને કહ્યું: “ચાલો, મોટાભાઈ, હવે અમે જ કેરીનાં ચીરિયાં ખાઈ જઈશું; તમને ખાવા નહિ કહીએ.”

દરમિયાનમાં તો મીઠાનો અતિરેક થઈ ચૂક્યો હતો.

[૨]

આખો દિવસ હરિનંદન બહાર રહેતો. છોકરાં નિશાળે ગયા પછી શૂન્ય ઘરમાં એકલા રહેવાની એની હિંમત નહોતી. તેમ આડોશીપાડોશીઓ પોતપોતાનાં ભર્યાં ઘરમાં કલ્લોલ કરતાં એ તેનાથી સહ્યું નહોતું જતું. સ્નેહીઓ એને રવિવારની કે તહેવારોની ઉજાણીઓમાં તેડી જવા કરતાં; ને હરિનંદન એક-બે વાર ગયોય ખરો. પણ તે પછી તો એ ના જ કહેતો.

“પણ કારણ શું છે ?”

હરિનંદન કહેતો કે “તમને સહુને તો ગુલતાન કરવાનો હક્ક છે; પણ એ ગુલતાનમાં ભાગ લેવાને વખતે હું બિનઅધિકારી ચોર હોઉં એવો ભાવ મને થઈ આવે છે.”

આવા આવા અનેક પ્રકારે પોતાનું વિયોગ-દુઃખ દાખવવાની તકો એને મળ્યા કરતી. મૂએલી પત્નીનાં સુખદ તેમ જ કરુણાર્દ્ર સંભારણાં વર્ણવવાના, ઊંડી ઊર્મિઓને આંખો વાટે વહાવવાના, સ્ત્રી પ્રત્યેની પોતાની ગત સેવાઓ મિત્રો સામે રજૂ કરવાના અનેક પ્રસંગો એને જુદી જુદી રીતે મળ્યા જ કરતા – અનાયાસે ન મળતા ત્યારે પોતે સામેથી મેળવી લેતો. એ બધાંમાંથી એક સંતોષ તો એને મળી જ રહેતો: દુઃખ, સ્નેહ તેમજ કરેલાં કર્તવ્યો જગતની સન્મુખ ધરવાનો. દેવાળું કાઢનારો માણસ લેણદારોને પોતાના ચોપડાઓ સુપરદ કરીને પણ એ જ પ્રકારનો સંતોષ અનુભવે છે.

રમેશ અને મંજરી ભણીને ઘેર આવતાં ત્યારે ઘણુંખરું પિતા ઘરમાં ન જ હોય. ભૂખ્યાં થયેલાં બાળકો પાડોશીને ઘેર મૂકેલી ચાવી લાવીને ઘર ઊઘાડતાં. ઊંચી સાંકળે વાસેલું તાળું ઉઘાડવા માટે બેમાંથી એક બાળક ઘોડો બનતું, ને બીજું એની પીઠ પર ઊભું થતું. બન્ને વચ્ચે વિચિત્ર સ્પર્ધા ચાલતી:

“મંજી, હું ઘોડો બનું: તું ઉપર ચડ.”

“નહિ, રમેશભાઈ, હું ઘોડો.”

“ના, કાલે તું થઈ’તી: આજે મારો વારો.”

ચાર-પગા બનવું એ માણસની કુદરતી ઇચ્છા છે: બે પગો મનુષ્ય એ એક બનાવટ છે. પશુવૃત્તિ નિરર્થક નિંદાયેલી છે. એ ગમે તે હો, પણ આ ચોકરાં, ‘સાંજે ઘેર જશું ત્યારે ઉઘાડા ઘરનાં દ્વારમાં બા આપણી વાટ જોઇને ઊભી હશે’ એવા મૂંગા અભિલાષને ‘ઘોડો અને સવાર’ની રમતમાં ગાયેબ કરી નાખતાં. ઘર ઉઘાડ્યા પછી, એમાં કોઈક તો હોવું જોઈએ, આવડું મોટું ઘર ખાલીખમ તો હોય જ કેમ, હમણાં જાણે આ અથવા પેલા ખંડમાંથી બા બોલી ઊઠશે એવી લાગણી થવી કુદરતી હતી. પણ થોડીવાર ફોગટની રાહ જોઈને બેઠા પછી છોકરાં પાછાં સાચા ભાનમાં આવી જતાં. રસોડાની અભરાઈ પરથી સવારનું રાંધી મૂકેલું ખાવાનું ઉતારવા માટે ફરીથી ‘ઘોડો ઘોડો’ રમવાનું બેઉને બહુ મન થતું. પણ એક ને એક તરકીબથી કંટાળતાં બાળકો નવી નવી કરામતો અજમાવતા: મીઠાનું ડબલું, તે પર સાકરનું ડબલું ને તેની ઉપર ચાહનો ડબો ચડાવીને સરકસના હાથીની પેઠે રમેશ તે પર ચડતો. એની નકલ કરતી મંજરીને ખાંડનો સાંકડો ડબો દગો દેતો, એટલે તે પડતી ને રડતી. એને રડતી છાની રાખવા માટે રમેશની પાસે તો એક જ ઉપાય હતો: વળ દઈને ચૂંટી ખણવાનો ! આ ઉપાયની સામે હસનારાંઓએ ન ભૂલવું જોઈએ કે મોટી ઉંમરના માણસો પણ ‘વ્યાધિ હજાર: ઔષધ બાર’ની છેતરપિંડી સંસારના હરએક ક્ષેત્રમાં રમે જ છે.

સ્નેહીસંબંધીઓને ત્યાંથી વિદાય લેતી વેળા હરિનંદન રોજ રાતે એ જ કારણ બતાવતો કે “છોકરાં એકલાં છે…. એને ખવરાવવાં સુવરાવવાં છે”. મિત્રોની જામેલી મિજલસોમાંથી એ ઊઠી જતો ત્યારે બહાર પરસાળમાં જોડા પહેરતે પહેરતે એના કાન પર મિત્રોના બોલ અફળાતા: “મા વગરનાં બાળકોને કેવી કાળજીથી સાચવે છે !” “એ તો, ભાઈ, એનાથી જ થાય…” વગેરે વગેરે. ઘેર પહોંચીને એ જ્યારે ખાઈ કરીને ઊંઘી ગયેલાં છોકરાંને જોતો ત્યારે એના મનમાં પ્રશ્ન જાગતો: મા વિનાનાં છોકરાંને હું સાચવું છું ? કે પત્ની વિનાના પિતાને છોકરાં સાચવે છે !

દૂધ દૂધને ઠેકાણે ઢાંકી રાખેલું હોય, વાસણો મંજાવીને સુકાવી દીધાં હોય, અને રખે મોટાભાઈને ઓછું પડે તે બીકે છોકરાં શાકને અડક્યાં પણ ન હોય: હરિનંદનનું રસોડું રોજ રાતે આ જ કથા કહેવા તૈયાર રહેતું. રાત્રિની સ્તબ્ધ કુદરત જાણે એની રમૂજ કરતી: અલ્યા હરિનંદન ! ખોટું માન ખાટી જાય છે ને !

[૩]

મંજી !”

“હં.”

“ખજવાળ બરાબર. ખજવાળવામાં અંચી કરે છે કે ?”

સૂતેલા રમેશના ખુલ્લા બરડામાં ખજવાળતી ખજવાળતી મંજરી પણ સૂતી હતી. થોડી વાર ખજાવાળ્યા પછી એને ઝોલું આવી ગયું; હાથ નીચે સરી આવ્યો.

“અલી મંજલી !” રમેશે બીજે પાસે સૂતાંસૂતાં જ હાક મારી. મંજરી ન બોલી રમેશે મંજરીના મૌનની દવા અજમાવી…. મંજરી બૂમ પાડીને જાગી ઊઠી.

“ખજવાળ:સૂઈ શેની જાય છે ? કાલે મારો વારો મેં કાઢ્યો’તો કે નહિ ? મફતની કાંઈ ખજવાળછ ! કાલે મેં તને ખજવાળી હતી.”

“અં-અં…. ઊંઘ આવે છે.”

“હેં મંજી, આપણે એને શું કહી બોલાવશું ?”

“કોને ?” મંજરીનું ઝોલું ઊડી ગયું.

“કોને ? નથી ખબર ? વિનતાફઈબા ને રમામાશી શું કહેતાં’તાં ભૂલી ગઈ ?”

“હં-હં.” મંજરીને સમજ પડી: “શું કહી બોલાવશું ?”

“બધા શું કહે છે ?”

“બા.”

“તું ‘બા’ કહીને બોલાવશે ?”

“ઓળખીએ નહિ ને ‘બા’ શાનાં કહીએ ?”

“હું તો નથી જ કહેવાનો. ઓળખીશ પછીય નથી કહેવાનો.”

“મોટાભાઈ કહેશે કે ‘બા’ કહો, તો ?”

“તોય નહિ.”

“કેમ ?”

“બા તો એક જ હોય: બા કાંઈ બે હોય ?”

“મોટાભાઈ ખિજાશે તો ?”

“તો શું ? મારશે એટલું જ ને ? માર ખાઈ લઈશ, પણ કોઈને હું ‘બા’ નહિ કહું.”

“એમાં શું ? મોટાભાઈને ફસાવવા તો જોઈએ જ ને !”

“ના, ‘બા’ બોલું છું ત્યાં મને કાંઈનું કાંઈ થઈ જાય છે….”

“શું થઈ જાય છે ?”

“એ ખબર મને નથી પડતી. કાંઈક થઈ જાય છે. જાણે હું નાસી જાઉં.”

“હું તો, મોટાભાઈ કહેશે તો, ‘બા’ કહેવાની.”

મંજરીના આ બોલ પછી થોડી વાર સુધી રમેશ કશું બોલ્યો નહિ: સળવળ્યો પણ નહિ: પાસું ફરીને પડ્યો જ રહ્યો.

મંજરીએ પોતાના નાના હાથનું જોર કરી રમેશને પોતાની તરફ ફેરવવા મહેનત કરી. રમેશ ન ફર્યો. મંજરીએ નાના હાથ રમેશની આંખો પર મૂક્યા: ભીનું ભીનું લાગ્યું….

“રમેશભાઈ ! ન રડો; લો, હું પણ બા નહિ કહું. મોટાભાઈ મારશે તો પણ નહિ કહું. આપણે બેઉ ભેગાં ઊભાં રહીને માર ખાશું. બા નહિ કહું, નહિ કહું.”

એક બાજુથી રમેશે પાસું ફેરવીને મંજરી તરફ આનંદભરી નજર કરી, ને બીજી બાજુ બારણા ઉપર ટકોરા થયા.

ઝટ ઝટ મંજરીએ રમેશની આંખો લૂછી નાખી. મોં ઉપર કશું દેખાય નહિ તે માટે રમેશનો ચહેરો એણે સુંવાળા સુંવાળા હાથે ઘસી નાખ્યો. થોડી વાર બેઉ નિદ્રામાં હોય તે રીતનાં નસ્કોરાં બોલાવ્યાં. બારણાં પર ફરીથી ભભડાટ થયો. મંજરીએ ઊઠીને આંખો ચોળતાં ચોળતાં બારણું ઉઘાડ્યું.

“રોજના એકને બદલે આજે બે જણ હતાં: હરિનંદનની જોડે એક સ્ત્રી હતી.

“રમેશ સૂઈ ગયો છે, બેટા ?”

“હા, મોટાભાઈ ! ક્યારનોય.”

“રમેશ !” હરિનંદને અવાજ કર્યો.

રમેશ સફાળો ઘાટી નીંદરમાંથી જાગી ઊઠ્યો હોય તેવો દેખાયો.

“બહુ ઊંઘ આવી ગઈ’તી બેટા ?” પિતા હસ્યો.

રમેશે આંખો ચોળીને ડોકું ધુણાવ્યું. મંજરી બીજી બાજુ જોઈ ગઈ.

“રમેશ, મંજરી,” બાપે નવી વ્યક્તિની આટલી જ ઓળખાણ આપી: “આમનું નામ રેણુકા છે. એ આપણી જોડે રહે, તો તમે એમને રહેવા દેશો ?”

છોકરાંના મોં પર કૌતુક ચમક્યું.

“રહેવા દેશો ?… તો શાક-દાળ ખારાં નહિ થાય; મોટાભાઈને વારંવાર ફસાવવા નહિ પડે, મંજરી !”

છોકરાં શરમાઈને હસી રહ્યાં પણ હજુ જવાબ નહોતાં વાળતાં.

“ને એને તમે શું કહીને બોલાવશો ?”

છોકરાંનાં મોં પર વાદળી છવાઈ ગઈ.

“તમને આ છોકરાં શું કહીને બોલાવે તો ગમે ?” પિતાએ નવી વ્યક્તિને પૂછ્યું.

“કાં રેણુકા કહીને, ને કાં ‘રેનુબેન’ કહીને. શું કહેશો મને ?”

એટલું બોલીને નવી સ્ત્રી પહોળા હાથ કરી બાળકો તરફ ચાલી. બાળકો સામાં આવ્યાં, નવી સ્ત્રીની બાથમાં સમાયાં.

હરિનંદન એ દેખીને બીજી બાજુ વળી ગયો. થોડી વારે એણે કહ્યું: “બા તો એક જ હોય: બા બીજી ન હોય.”

‘બા’ શબ્દ એ ઘરમાં છેલ્લામાં છેલ્લી વાર બોલાઈ ગયો.

(પૂર્ણ)

2 responses »

  1. Pingback: ૧૭. ‘હું’ – મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ : ઝવેરચંદ મેઘાણી | History & Literature

  2. Pingback: ૧૫. જયમનનું રસજીવન – મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ : ઝવેરચંદ મેઘાણી | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s