Monthly Archives: November 2017

ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

Standard

કાઠીયાવાડ ખાતે પાંચળ ની સંત પરંપરા ના આધપુરુષ નાથપંથી સિધ્ધ.રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઇલ દૂર અને થાનગઢ થી તદ્દન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથ નુ ભોંયરુ.

શિષ્યોઃ મેપા ભગત(થાન), આપા રતા(મોલડી)

ગોફણ તો ગેબી તણી જેને વાગી રુદામાય
ચારો દિશાએ દિપક જલે પશ્વિમધરાની માય..

આજે આપણે વાત કરવી છે, પંચાલ ના પીરાણા ની પંચાળની પવિત્ર ધરતી ઉપર અનેક સંતો-ભક્તો,સતી-શુરા જનમીયા વળી ચોટીલે મા ચામુંડા ના બેસણા.

ખડ પાણી’ને ખાખરા;પાણાનોં નહીં પાર,
વગર દીવે વાળું કરે,તોય દેવનો પાંચાળ.
કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;
નર પટાધર નીપજે, ભલો દેવકો પાંચાળ.

આવી પાંચાળ ની ધરતી અને એનુ થાનગઢ ગામ ત્યાના કુંભાર જ્ઞાતી ના સાધુ સેવી એવા મેપા ભગત જે ચાકડો ફેરવી હરીભજન લલકારે, રોજી રોટી જે મળે એમા થી અભ્યાગત ને જમાડે એવા માટી ખુંદનારા પણ સૌથી અલગ જુદી જ માટી ના માણસ. એવા મા સાંજે એકવાર મેપા ભગત બહાર નિકળ્યા, ખેતરો મા રેઢી ચરતી બકરી જોઇ. મેપા ભગતે જાણ્યુ કે સાંજ થવાની અને આ બકરીઓ.. કોઇ જનાવર ફાડી ખાશે.. અથવા કોઇ ના ખેતર ને નુકશાન કરશે એટલે પોતે બકરી હાકિ ચાલી નિકળ્યા.. બકરીઓ એ હંમેશ માફક જંગલ નો મારગ લીધો જાણે બકરીઓ જ તેમને કોઇ નિર્દેશ આપી કોઇ લક્ષ તરફ ખેંચી જતી હોય. બકરીઓ પોતાના રોજ ના મૂળ સ્થાને આવી પહોંચી..

જે બકરીને ભુલી પડેલી અને રેઢી થઇ ગયેલ માનેલ એ પોતે એમને કોઇ રહસ્યમય સ્થાન પાસે લઇ આવી.. મેપા ભગત વિચારતા હતા આવી ગીચ અને પહાડ ની ખોપ મા કોણ રેતુ હશે?

ત્યા તો એમાંથી એક જોંગદર પુરુષ બહાર આવ્યા, જેની વાંભ જેટલી ભુરી જટા, ભુરા તથા સફેદ ભ્રમર થી છવાયેલુ મુખ , તેજસ્વી આંખો , કઠોર ખડતલ શરીર વાળા, કાનમાં કુંડળ, ગળા માં રુદ્રાક્ષની માળાઓ અને નાથસાધુની જનોઇ,શરીર પર ભષ્મના લેપ એવા અલૌકિક તપસ્વી દિવ્યાત્મા જણાતા હતા.
મેપા ભગતે પગે પડી પ્રણામ કર્યા અને કહ્યુ કે બાપુ! આ આપની બકરી ભુલી પડેલી માની કોઇ જનાવર એને નુકસાન કરે એ ફિકર મા હુ એને હાકિ ને પણ આખરે તો પોતે જ દોરવાતો આવિ ચડ્યો છુ.

એ જોંગદરે કિધુ કે બેટા! આ તો રામ ની બકરી છે. આને તો કોઇ ની ફિકર નથી!.

ઠીક છે.. ભલે આવ્યો બાપ..! ભીતર આવ..!
અને મેપા ભગત ભોંયરા મા દાખલ થયા.. નાની એવી ગુફા અને એના એમા ધુણો ધખતો હતો.સતસંગ કર્યો. સતસંગ નો મહિમા જાણનાર મેપા ભગત માટે હવે દર્શને જવાનો નિત્યક્રમ બની ગયો.પ્રભુ પેઠે એમણે ગેબીનાથ ની સેવા કરી અને ગેબીનાથે પણ મેપા ભગત ને શીષ્ય તરીકે સ્વીકાર કર્યા.
મેપા ભગત ની ભક્તિ ને ગેબીનાથ રુપી પારસમણી મળવા થી ઓર નીરખી. સંસાર સાગર ની ભ્રમણાઓ છુટી

ॐ નમો આદેશ ગુરુ કા ।
ॐકારે આદિનાથ, ઉદયનાથ પાર્વતી ।
સત્યનાથ બ્રહ્મા।સંતોષનાથ વિષ્ણુ; અચલ અચમ્ભેનાથ।
ગજ બેલી ગજ કંથડીનાથ,જાન પારખી, ચૌરંગીનાથ।
માયારુપી મછેન્દ્રનાથ,જતિ ગુરુ હૈ ગોરખનાથ।
ઘટ ઘટ પિંડે વ્યાપી, નાથ સદાય રહે સહાય।
નવનાથ ચોર્યાસી સિધ્ધો કી દુહાઇ ।
ॐ નમો આદેશ ગુરુ કા ।

આહિ થી પાંચાળ ના પીરાણા ની એક માળા રચાઇ ચલાલા, પાળીયાદ, સોનગઢ જેવા આજના પ્રખ્યાત સ્થાનકો ની કડીઓ સજ્જ થવાની હતી. ગેબીનાથના સૌપ્રથમ દર્શન મેપાભગત કુંભાર,આપા રતા(કાઠી દરબાર) અને વીરાભગત ભરવાડે(કેરાળા) કર્યા હતા.ત્યાર પછી કોઇને પણ ગેબીનાથે દર્શન દિધેલ નથી. આ સંત પરંપરા કડીઓ રચવા આવેલા ગેબીનાથ કોણ હશે ?

ગેબીનાથ મુળ કોણ હતા. ? તેમના ઇતિહાસ ના વિષય પર અંધકાર ના પડ ભરેલા છે. તેમની વાતો અને જીવન પર વિસ્મૃતિ ના તાળા છે. તેમના વિષય પર મત મતાંતર અને માન્યતાઓ,કિવંદિતીઓ ,લોકવાયકાઓ છે.” જે આ મુજબ છે.

➡ સાબરકાંઠા જિલ્લાના મોડાસા નજીક માજુમ નદીના કિનારે આવેલ ગેબીમંદિરને ગુરુ ગેબીનાથનું ઉત્પતિસ્થાન માનવામાં આવે છે

➡ઓઢા જામ અને હોથલ પદમણી ના ત્રીજા પુત્ર ગાંગોજી ને પણ ગેબીનાથ મનાય છે. ગીર ની અઘોર વનરાજી મા નવ નાથ માહે એક ગોરખનાથ નો મેળાપ થતા સેવા કરતા ગાંગાજી સીધ થયા.

➡ ગુરુ મછંદરનાથ પોતાના શિષ્ય ગોરખનાથ સાથે ભારત ભ્રમણ કરવા નીકળતા ફરતા ફરતા માજુમ નદીના કાંઠે આવેલા રામનાથ ગામ આવ્યા.નદીકાંઠે શિષ્ય ગોરખનાથને સંજીવની મંત્રનુ રટણ કરવાનુ કહી ગુરુ મંછ્ધરનાથ ભિક્ષાર્થે ગયા ત્યારે સંજીવની મંત્રનું રટણ કરતા કરતા ગોરખનાથે માટી(ગારા)માંથી માનવ પૂતળું બનાવી ગુરું મંત્ર ફુંક્તા પૂતળું સજીવન થઇ રડવા લાગેલ.
ગોરખનાથ દ્વારા ગારામાંથી તૈયાર કરેલ બાળક્ને મછંદરનાથે રડતું જોઇ તેને ગુરુ દ્તાત્રેયની કૃપા સમજી ગેબ(આકાશ)માંથી ઉત્પન્ન થયેલું સમજી તેનુ નામ ગેબીનાથ રાખેલ. બાળ સ્વરુપ ગેબીનાથને દેવરાજમાં રહેતા બ્રાહ્મણ કુટુંબને સોપી ગુરુ મંછ્દરનાથ તીર્થયાત્રાએ નીકળી ગયા.

ગેબીનાથ સાત વર્ષના થતા પાલક મા-બાપનું ઘર છોડી ગુરુ ગોરખનાથનું શરણું લેતા ગુરુએ અનુગ્રહ કરતા ગેબીનાથને નવનાથ સાથે સ્થાન મળ્યું.કરભાજન નારાયણના અવતાર ગુરુ ગેબીનાથે ભક્તિનો મહિમા વધારવા સાથે ભારતવર્ષમાં ભ્રમણ કરતા ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ ઉપરાંત અનેક સ્થળોએ ફરી આદિ શીવ દ્વારા સ્થાપીત નાથપંથની બહુ મોટી સેવા કરી.

👉 આમ દેવકા પાંચળ મા થાન પાસે સત્તર મા સૈકા માં સ્થૂળ સ્વરુપે ગેબીએ દેખા દિધી. તે પહેલા તેવા સ્વરુપના દર્શનની જાણ ભાગ્યેજ કોઇ ને હતી..

ગેબી ગુણ અપાર , નર પામે ન કો પાર,
ભજે ભાવ થકિ લગાર, પલ મા પહોંચે કિરતાર.

એક બીજી માન્યતા મુજબ નવનાથમાનાં એક્નાથ ગુરુ ગેબીનાથના સનાતન ધર્મને ઊગારતા મરાઠાવાડમાં ગુરુ ગેબીનાથના સમર્થ શિષ્ય નિવૃતીનાથે લોકોમાં ભક્તિનો મહિમા વધારેલ છે. ગુરુ મહિમા કેહવા બેસોતો ક્યારેય પુરો ના થાય અને લખવા બેસો તો ક્યારેય લખીના શકાય તેવો અપરંપાર છે.

गुरू गांडा, गुरू बावरा,गुरू हे देवन को देव.
जो शिष्य मे हो समज तोह करे गुरू की सेव

હસ્તરેખાનું શાસ્ત્ર

Standard

Dr.Sarad Thakar

રવિવારનો દિવસ હતો.
બપોરનો સમય. લગભગ ત્રણ વાગ્યા હશે. મારા ઘરનાં બારણાં પાસે એક ગાડી આવીને ઊભી રહી. અંદરથી એક યુવાન, for હેન્ડસમ ડોક્ટર બહાર નીકળ્યો. હું એને ઓળખી ગયો. એ મારા જ વિસ્તારનો એક ફિઝિશિયન હતો. મારા કરતાં ચાર-પાંચ વર્ષે જુનિયર હતો. અમારી વચ્ચે ખાસ એવી કોઈ ઘનિષ્ઠતા ન હતી, તો એવી કોઈ દૂરી પણ ન હતી. ક્યારેક કોઈક પાર્ટી‍માં ભટકાઈ જઈએ તો ‘કેમ છો?’ કહેવા જેટલો સંબંધ જરૂર હતો.

મેં એને આવકાર આપ્યો,
પણ એણે કમ્પાઉન્ડમાં ઊભાં ઊભાં જ મને કહી દીધું,

‘મારે તમારું ખાસ અંગત કામ પડયું છે,
પણ એના માટે હું અંદર નહીં આવું. તમારે મારા ઘરે આવવું પડશે. તમે આવશો ને, પ્લીઝ?’

‘કોઈ ગાયનેક પેશન્ટ છે?’

મેં અનુમાન કર્યું.

‘હા અને ના, માફ કરજો. હું તમને અત્યારે એના વિશે કંઈ જ નહીં કહું. તમે ઝટપટ તૈયાર થઈ જાવ. હું તમને લેવા જ આવ્યો છું.’

એણે તાકીદ કરી.

‘ઠીક છે, પણ હું તૈયાર થાઉં એટલી વાર માટે તો તમે ઘરમાં આવો. પાણીબાણી પીઓ, ત્યાં સુધીમાં…’

મેં શિષ્ટાચાર દાખવ્યો, પણ એ વધારે સંકોચશીલ નીકળ્યો. મારા ઘરના સભ્યોને ખલેલ પડશે, એવું કહીને એ ગાડીમાં જ બેસી રહ્યો.
હું પાંચ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કપડાં બદલીને નીકળી પડયો. આ ઘટના આજથી બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાંની છે. ત્યારે પાંચ મિનિટમાં તૈયાર થઈને નીકળી પડવું એ મારા માટે શક્ય હતું, કારણ કે ત્યારે હું માત્ર ડોક્ટર જ હતો. લખવાની મજૂરી તો મેં એ પછી લગભગ બે-ત્રણ વર્ષ પછી શરૂ કરી હતી. રવિવારનો બપોર એ મારા માટે ભારે ભોજન બાદની વામકુક્ષિનો સમય હતો.

ગાડીમાં બેઠા પછી ડો. શાહે ફોડ પાડ્યો,

‘મારે તમારી પાસેથી થોડાંક માર્ગદર્શનની જરૂર છે. તમારે હાથ જોઈ આપવાનો છે. મેં સાંભળ્યું છે કે તમે પામિસ્ટ્રીનું ખૂબ સારું જ્ઞાન ધરાવો છો.’

‘ખૂબ સારું તો ન કહી શકાય…
પણ સારો પ્રયત્ન અવશ્ય કરી રહ્યો છું.’

મેં સાચી વિનમ્રતા દાખવી. ગાડી એના ઘરની દિશામાં દોડી રહી. ડો. શાહે સાંભળેલી વાત અફવા ન હતી, હકીકત હતી. એ દિવસોમાં મને હસ્તરેખાશાસ્ત્રનો અભ્યાસ કરવાનું ઝનૂન ઊપડયું હતું. પ્રખ્યાત હસ્તરેખા નિષ્ણાત કીરો (ઘણા એનો ઉચ્ચાર ચીરો અથવા શીરો પણ કરે છે)એ લખેલા વિશ્વશ્રેષ્ઠ પુસ્તકનો ગહન અભ્યાસ કરીને એ શાસ્ત્રમાં હું ખાસ્સો ઊંડો ઊતરી ચૂક્યો હતો. મને કીરોની વાતમાં શ્રદ્ધા એટલા માટે જન્મી હતી કેમ કે એની વાતમાં લોજિક હતું, વિજ્ઞાન હતું, અફરતા હતી, અકાટય નિ‌શ્ચિંતપણું હતું અને મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીને પણ ગળે ઊતરી શકે તેવું સચોટ સાતત્ય હતું.

મેં કીરોના એ પુસ્તકને પચાસેક વાર વાંચી કાઢયું હતું. પાને-પાનું પી ગયો હતો. થિયરી મને આવડી ગઈ હતી, હવે પ્રેક્ટિકલ્સ બાકી રહ્યા હતા. સ્વયં કીરોએ કહ્યું છે કે પામિસ્ટ્રીને જો તમારે અનુમાનશાસ્ત્રને બદલે શત-પ્રતિશત એક્યુરસી ધરાવતું વિજ્ઞાન બનાવવું હોય તો તમારે જેટલા શક્ય એટલા વધુ હાથ વાંચવા પડે. જેમ ઓપરેશન વિશે વાંચી લીધા પછી સર્જ્યને હાથ સાફ કરવા માટે પચીસ-પચાસ દર્દીઓનાં ઓપરેશનો કરવાં જ પડે તેના જેવું જ આ શાસ્ત્રનું પણ હોય છે.

એટલે એ દિવસોમાં હું જેને મળું એનો હાથ જોવા બેસી જતો હતો. છ મહિ‌નામાં તો મેં એકાદ હજાર હાથ ‘વાંચી’ કાઢ્યા હશે. આનંદની બાબત એ હતી કે બહુ ઝડપથી એ વિષયમાં મને મહારત હાંસલ થવા લાગી હતી. આશ્ચર્યજનક ગણી શકાય તે હદ સુધી મારી આગાહીઓ સાચી પડવા લાગી હતી. જો એ પછીનાં તરતનાં વર્ષોમાં હું લેખનકાર્ય તરફ ન વળી ગયો હોત તો મને લાગે છે કે પામિસ્ટ્રીના ક્ષેત્રમાં મેં ખૂબ સારી ખ્યાતિ અર્જિત કરી લીધી હોત, પણ મારા નસીબમાં હથેળીને બદલે આંગળીઓ સાથેનો પનારો લખાયો હશે માટે મેં પામિસ્ટ્રીને છોડીને પેન પકડી લીધી.

ડો. શાહનું ઘર આવી ગયું. અમે ડ્રોઇંગરૂમમાં બેઠા. એણે એની ખૂબસૂરત પત્ની પ્રિયા સાથે મારો પરિચય કરાવ્યો. પ્રિયા પણ અમારી સાથે ગોઠવાઈ ગઈ. થોડી વાર સુધી આડીઅવળી વાતો કર્યા પછી ડો. શાહે મુદ્દાની વાત કાઢી,

‘સર,
તમારે પ્રિયાનો હાથ જોઈ આપવાનો છે.’

હું સતર્ક થઈ ગયો. રવિવારના બપોરે એક અલ્પપરિચિત યુવાન તબીબ મને ગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઈ જાય અને એની પત્નીનું ભવિષ્યકથન કરવાની દરખાસ્ત મૂકે, ત્યારે મામલો જરૂર ગંભીર હોવો જોઈએ, પણ મારી પાસે ના પાડવાનું કોઈ કારણ ન હતું. પ્રિયા તરત સામેથી ઊઠીને મારી બાજુમાં સોફામાં બેસી ગઈ. ડાબા હાથની હથેળી ખુલ્લી કરીને મારી સામે લંબાવી દીધી.

મેં કહ્યું,

‘માત્ર ડાબા હાથની જ નહીં, જમણા હાથની હથેળી પણ મારે વાંચવી પડશે. કીરોના મતાનુસાર બહેનોનો માત્ર ડાબો હાથ જ જોવો એ પૂરતું નથી ગણાતું.’

હું ભવિષ્યવાણીઓ કરતો ગયો. ક્યાં સુધીનું આયુષ્ય છે? સ્વાસ્થ્યસુખ કેવું રહેશે? માતાપિતા, સાસુસસરા, પતિ સાથેના સંબંધો કેવા હશે? દાંપત્યજીવનમાં મનમેળ, વિદેશપ્રવાસો, અકસ્માતો, મોટી માંદગીઓ, ઘાત-આઘાત… હું પ્રિયાની હસ્તરેખાઓમાં છુપાયેલી ભવિષ્યના પ્રવાસની કેડીઓ ઉકેલતો રહ્યો. પણ પ્રિયા ચૂપ હતી. એનો પતિ ખામોશ રહીને બધું સાંભળી રહ્યો હતો.

છેવટે મેં પૂછી લીધું,

‘તમારે ખાસ કોઈ બાબત વિશે કંઈ જાણવું છે?’

ડો. શાહે કહ્યું,

‘હા, અમારે એ જાણવું છે કે પ્રિયા કેટલાં સંતાનોની મા બનવાની છે?’

હું એમના પરિવાર વિશે કશું જ જાણતો ન હતો. એ લોકોનાં લગ્નને કેટલાં વર્ષો થયાં હશે એની પણ મને ખબર ન હતી. પ્રિયાએ અત્યાર સુધીમાં કેટલાં બાળકોને જન્મ આપ્યો હશે કે એ નિ:સંતાન હશે? મને કશી જ જાણ ન હતી. મેં એની હથેળીના એક ખાસ હિ‌સ્સા પર ધ્યાન કેન્દ્રિ‌ત કર્યું. નજર ઝીણી કરી. બત્તી ચાલુ કરાવી જોઈ, પણ મારે જે જોવું હતું તે જોઈ શકાતું ન હતું.

‘તમારા ઘરમાં મેગ્નિફાઇંગ ગ્લાસ હશે?’

મેં પૂછયું. જવાબમાં ડો. શાહ દોડીને ટેબલના ખાનામાંથી મોટો, સારી ગુણવત્તાવાળો ગ્લાસ લઈ આવ્યા. મેં મારા અને પ્રિયાના હાથની વચ્ચે એ ગ્લાસ ધરી રાખ્યો. અચાનક બધું સ્પષ્ટ દેખાવા માંડ્યું. પૂરેપૂરા અભ્યાસ પછી મેં કહ્યું,

‘પ્રિયાના નસીબમાં બે સંતાનોનું સુખ લખાયેલું છે. એક દીકરો, એક દીકરી.’

આટલું બોલીને હું ડો. શાહનો પ્રતિભાવ જાણવા માટે એની સામે જોઈ રહ્યો. ડો. શાહે પૂછયું,

‘મોટું કોણ હશે? દીકરો કે દીકરી?’

‘દીકરી પહેલા જન્મશે, એ પછી દીકરો થશે.’

મેં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું. પ્રિયા ચૂપ હતી. ડો. શાહ મારી પરીક્ષા લઈ રહ્યા હોય એમ પૂછી રહ્યા….,

‘તમને ખાતરી છે કે તમારી આગાહી સાચી જ પડશે?’

‘મને વિશ્વાસ મારા અભ્યાસ પર છે, મારી મહેનત પર છે, મારા અનુભવ પર છે, પણ સૌથી વધુ વિશ્વાસ આ હથેળીમાં લખાયેલી વાણીમાં છે. આ પથ્થર ઉપરની લકીર છે.’

મેં ભારપૂર્વક કહી દીધું. પ્રિયાના ચહેરા પર હું પ્રથમ વાર સ્મિત જોઈ શકતો હતો, પણ ડો. શાહ હજુ પણ ગંભીર હતા.

‘પ્રિયા, તું અંદર જા. ચા બનાવીને લઈ આવ. તારે જે જાણવું હતું તે પૂરું થઈ ગયું. હવે મારે શરદભાઈની સાથે થોડીક અંગત વાત કરવી છે.’

ડો. શાહે આટલું કહીને પ્રિયાને દૂર કરી દીધી. પછી તરત એક ખાનામાંથી એક રિપોર્ટ અને એક એક્સ-રે કાઢીને મારા હાથમાં મૂકી દીધો.

‘આ શું છે? કોનો એક્સ-રે છે?’

હું પૂછી બેઠો. ડો. શાહે કહ્યું કે કોઈ અજ્ઞાત પેશન્ટના ગર્ભાશયનો ફોટો હતો. મેં બ્રાઉન કવરમાંથી ફોટો બહાર કાઢયો. એ એચ.એસ.જી. ફોટોગ્રાફ હતો. વંધ્યત્વની સારવાર માટે સ્ત્રીના ગર્ભાશયમાં અપારદર્શક પ્રવાહી ભરીને પાડવામાં આવતો એક્સ-રે. મેં ફોટો જોયો, પછી રિપોર્ટ વાંચ્યો. પછી કહ્યું,

‘ધિસ ઇઝ ક્વાઇટ ક્લિયર. આ જે કોઈ પેશન્ટ છે, તેની બંને તરફની ફેલોપિયન નળીઓ બંધ છે. હાલમાં આપણે ત્યાં જે વૈજ્ઞાનિક સુવિધા ઉપલબ્ધ છે એનાથી આ સ્ત્રીને બાળક થવાની કોઈ પણ શક્યતા રહેતી નથી. નળી ખોલવાનું ઓપરેશન થઈ શકે, પણ આ કેસમાં સફળતાની ટકાવારી શૂન્ય જેટલી જણાય છે. ટેસ્ટ ટયૂબ બેબી હજુ આપણે ત્યાં…’

ડો. શાહે મને ચોંકવી દીધો,

‘આ મારી પત્ની પ્રિયાનો રિપોર્ટ છે. અમારે એક દીકરી છે. એ પાંચ વર્ષની થવા આવી છે. છેલ્લાં ત્રણ વર્ષથી અમે બીજા સંતાન માટે પ્રયત્નો કરી રહ્યાં છીએ. ઇન્વેસ્ટિગેશન્સ અને ટ્રીટમેન્ટમાં કશું જ બાકી રાખ્યું નથી. તમારું ડોક્ટરી જ્ઞાન કહે છે કે એને બીજું ગર્ભધારણ નહીં થઈ શકે અને તમારી ભવિષ્યવાણી કહે છે કે પ્રિયાનાં નસીબમાં બે સંતાનોનું સુખ લખાયેલું છે. અમારે સાચું શું માનવું?

‘મિત્ર, તમે મારી ભયંકર આકરી કસોટી કરી નાખી છે. મને અંધારામાં રાખ્યો અને બે તદ્દન વિરોધાભાસી વાતો મારા મોંએથી કઢાવી લીધી, પણ હું મારી બંને વાતોને વળગી રહું છું. મેં જેનો હાથ જોયો છે એને જરૂર બીજું બાળક થશે જ, મેં જે અજ્ઞાત દરદીનો ફોટોગ્રાફ (રિપોર્ટ) જોયો છે એને બાળક થવાની કોઈ જ શક્યતા નથી.’

ચા-નાસ્તો પતાવીને ડો. શાહ મને ગાડીમાં ઘરે મૂકી ગયા. એ પછી બરાબર દસ મહિ‌ના પછી એક બપોરે એ મારા ઘરે આવીને પેંડાનું બોક્સ આપી ગયા, ‘પ્રિયાએ દીકરાને જન્મ આપ્યો છે. હસ્તરેખાનું શાસ્ત્ર જીતી ગયું. તબીબી વિજ્ઞાન હારી…’

‘ના, મિત્ર, એવું ન બોલશો. તબીબી વિજ્ઞાન પણ અમુક હદ સુધી જ સચોટ આગાહી કરી શકે છે. કોઈ શ્રેષ્ઠ ડોક્ટર પણ એ નથી કહી શકતો કે આ બાળક કયા કલાકે અને મિનિટે જન્મવાનું છે કે આ વૃદ્ધ ચોક્કસ કઈ મિનિટે મરી જશે. પ્રિયાના ગર્ભાશયમાંથી દવા પસાર થઈ હશે ત્યારે કદાચ નળીમાં કોઈ ફેરફાર થયો પણ હોઈ શકે. કદાચ તમારા મનમાં જન્મેલા પોઝિટિવ એપ્રોચનું પણ આ પરિણામ હોઈ શકે છે. બાકી કીરોના શાસ્ત્ર વિશે હું એટલું કહીશ કે આ શાસ્ત્ર શત-પ્રતિશત સચોટ છે, આ શરત એટલી જ કે એમાં પ્રાવીણ્ય મેળવવા માટે વૈજ્ઞાનિકની હદ સુધી મહેનત કરવી પડે.’

(છેલ્લાં વીસ વર્ષથી મેં હાથ જોવાનું બંધ કરી દીધું છે, આ માહિ‌તી ખાસ તમારા માટે.)’

લેખક :: ડો. શરદ ઠાકર

યજુર્વેદ પરિચય

Standard

ચાર વેદોમાં ઋગ્વેદ  પછી યજુર્વેદ નું સ્થાન છે.
વાયુપુરાણ તો યજુર્વેદને ઋગ્વેદથી પણ જુનો કહે છે.
એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે.

આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય  ——

૧  યજુર્વેદ પરિભાષા :

યજુર્વેદનાં મંત્રોને यजु: = यजुष्  કહેવામાં આવે છે.
આ यजु:  શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ ‘યજ્ઞ’ થાય છે.
પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે.
બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે.
આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે.
આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ.

૨ યજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે :
યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે.
આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને  યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે.

યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે.
એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે.
બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ્પપૂર્વક કરવામાં આવે છે જેમ કે અગ્નિહોત્રાદિ યજ્ઞો.
આ લૌકિક યજ્ઞનું મૂળ સૂત્ર એ છે કે પોતાના અધિકારમાં રહેલી વસ્તુને દેવકાર્ય અથવા લોકકલ્યાણ માટે સમર્પિત કરી દેવું.

યજ્ઞનું પ્રતિપાદન કરનારા યજુર્વેદનાં મંત્રોમાં કોઈ જગ્યા એ યજ્ઞમાં હિંસા/પશુવધ/ પશુબલિ કરવાનું કહેવામાં આવ્યું નથી.
કારણ કે યજ્ઞ ને ” अध्वरः ” = હિંસા રહિત કહેવામાં આવ્યાં છે.
પરંતુ કેટલાક વિદ્વાનો એ યજુર્વેદનાં મંત્રોના અમુક શબ્દોનાં અર્થ જુદી રીતે રજુ કરીને યજ્ઞને હિંસાયુક્ત બતાવ્યા છે જે સર્વથા અયોગ્ય છે, અવૈદિક છે.
અને આના આધારિત યજ્ઞો પણ થાય છે જેને યજ્ઞ કહી જ ન શકાય.
(યજ્ઞનાં વાસ્તવિક સ્વરૂપ અંગેની વિશેષ ચર્ચા વિસ્તૃત લેખમાં કરીશું.)

યજુર્વેદનાં મંત્રોનું સ્વરૂપ : ———–

યજ્ઞ સંબંધિત યજુર્વેદનાં મંત્રો ગદ્ય સ્વરૂપમાં છે. ગદ્ય એટલે ચોક્કસ શબ્દોની બાંધણી વગરનું. આથી જ યજુર્વેદનાં મંત્રો ને ” गद्यात्मको यजु:
अनियताक्षरावसानो यजु: ” = જેમાં અક્ષરોની સંખ્યા નક્કી નથી એવું એટલે કે છંદોનાં બંધારણ વગરનું એવા કહેવામાં આવ્યા છે.

જો કે ગદ્યાત્મક સ્વરૂપ હોવા છતાં યજુર્વેદમાં ઋગ્વેદનાં૬૬૩ મંત્રો યથાવત રહેલાં છે,
આ ઉપરાંત શુકલ યજુર્વેદનો ૪૦મો અધ્યાય એટલે કે ઈશાવાસ્યોપનિષદનાં ૧૭ મંત્રો પણ પદ્યાત્મક છે.

૩ યજુર્વેદની બે પરંપરા – કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ :

યજુર્વેદનાં મુખ્ય ઋષિ વૈશમ્પાયન છે, વૈશમ્પાયને તેમનાં શિષ્યોને યજુર્વેદનું અધ્યયન કરાવ્યું હતું.
યજુર્વેદની બે પરંપરા છે – બ્રહ્મ સંપ્રદાય અથવા કૃષ્ણ યજુર્વેદ અને આદિત્ય સંપ્રદાય અથવા શુકલ યજુર્વેદ.
બ્રહ્મ સંપ્રદાયમાં એટલે કે કૃષ્ણ યજુર્વેદ પરંપરામાં યજુર્વેદનાં વેદમંત્રો ઉપરાંત યજુર્વેદનાં બ્રાહ્મણગ્રંથો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આદિત્ય સંપ્રદાયમાં એટલે મેં શુકલ યજુર્વેદ પરંપરામાં બ્રાહ્મણ ગ્રંથો ના મિશ્રણ વગરનાં માત્ર યજુર્વેદનાં વેદમંત્રો ને જ સંહિતામાં સ્થાન આપવામાં આવ્યું છે.
શુકલ યજુર્વેદ સંહિતાનાં ગ્રાથાનકર્તા વૈશમ્પાયનનાં શિષ્ય યાજ્ઞવલ્ક્ય છે.
યાજ્ઞવલ્ક્ય વાજસનેય ઋષિનાં સંતાન હોવાથી શુકલ યજુર્વેદ સંહિતા ને “વાજસનેયી સંહિતા” પણ કહેવામાં આવે છે.

યજુર્વેદનાં આ બે ભાગો અંગે આચાર્ય મહિધરે શુકલ યજુર્વેદ પર ભાષ્ય લખતાં પહેલાં ભૂમિકામાં પ્રાચીન આખ્યાન વર્ણવ્યું છે-
એક વાર વૈશમ્પાયન પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્ય પર ક્રોધે ભરાયા અને યાજ્ઞવલ્ક્યે અધિત કરેલું
યજુર્વેદ વમન કરવાં કહ્યું.
વૈશમ્પાયનનાં શાપથી ભયભીત થઇને  યાજ્ઞવલ્ક્યે યજુર્વેદનું વમન કર્યું.
વૈશામ્પાયનની આજ્ઞાથી અન્ય શિષ્યો એ યાજ્ઞવલ્ક્યે વમન કરેલ યજુર્વેદનું તિત્તિર પક્ષી બની ભક્ષણ કર્યું.
તે કૃષ્ણ યજુર્વેદ કહેવાયો.
દુઃખી થયેલા યાજ્ઞવલ્ક્યે સૂર્યની ઉપાસના દ્વારા યજુર્વેદ મંત્રોનાં દર્શન કર્યા.
ત્યારબાદ તેને સંહિતાનું સ્વરૂપ આપ્યું તે શુકલ યજુર્વેદ કહેવાયો.

૪ યજુર્વેદની શાખાઓ  ———

મુખ્ય વેદસંહિતા માંથી તેની અલગ અલગ શાખાઓ-સંહિતાઓ કેવી રીતે બને છે એ તો ઋગ્વેદમાં આવી ગયું છે !!!
કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ બંનેની મળીને ૧૦૧ શાખાઓ હતી.
આમાંથી૮૬ શાખા કૃષ્ણ યજુર્વેદની હતી અને ૧૫ શાખા શુકલ યજુર્વેદની હતી.
પરંતુ સમય જતાં બંનેની સંહિતાઓ કોઈ કારણસર ઘટતી ગઈ નાશ થતી ગઈ,
એમ અત્યારે કૃષ્ણ યજુર્વેદની ૪ શાખાઓ રહી છે
અને શુકલ યજુર્વેદની માત્ર ૨ શાખાઓ રહી છે.

૫ કૃષ્ણ યજુર્વેદની ચાર સંહિતાઓ-શાખાઓ :

તૈત્તેરીય સંહિતા :

તૈત્તેરીય સંહિતા કૃષ્ણ યજુર્વેદની મુખ્ય સંહિતા શાખા છે.
યાજ્ઞવલ્કયે વમન કરેલ યજુર્વેદને વૈશમ્પાયન ઋષિનાં શિષ્યો એ તિત્તિર પક્ષી બની ને ભક્ષણ કર્યું
આથી કૃષ્ણ યજુર્વેદની આ મુખ્ય સંહિતા શાખા તૈત્તેરીય સંહિતા નામ થી ઓળખાય છે.
તૈત્તેરીય સંહિતામાં ૭ કાંડ છે અને ૧૮૦૦૦ મંત્રો છે.
મુખ્ય વિષય યજ્ઞવિષયક કર્મકાંડ છે.
કૃષ્ણ યજુર્વેદની આ તૈત્તેરીય સંહિતા પરિપૂર્ણ સંહિતા છે.
આ શાખાનું સંપૂર્ણ સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે.
આ શાખાનો પ્રચાર અને વિસ્તાર આંધ્ર અને દ્રવિડ તેમજ મહારાષ્ટ્રનો અમુક ભાગમાં થયો હતો.

આ ઉપરાંત મૈત્રાયણી સંહિતા, કઠ સંહિતા, કાપિષ્ઠલ કઠ સંહિતા અને શ્વેતાશ્વતર સંહિતા એમ ચાર શાખાઓ છે.
આમાંથી  શ્વેતાશ્વતરનું માત્ર ઉપનિષદ જ ઉપલબ્ધ છે બાકી બધી શાખા સંપૂર્ણ છે.

૬ શુકલ યજુર્વેદ સંહિતા – વાજસનેયી સંહિતાની બે શાખાઓ :

શુકલ યજુર્વેદનાં મંત્રદ્રષ્ટા અને ગ્રથનકર્તા ઋષિ યાજ્ઞવલ્ક્ય વાજસનેય ઋષિનાં સંતાન હોવાથી શુકલ યજુર્વેદ સંહિતા ને “વાજસનેયી સંહિતા” પણ કહેવામાં આવે છે.
શુકલ યજુર્વેદની બે શાખાઓ છે :
માધ્યન્દિન સંહિતા શાખા અને કાણ્વ સંહિતા શાખા.
આ બન્ને શાખાઓનો પ્રચાર અને વિસ્તાર ઉત્તર ભારતમાં થયો હતો.
બંને શાખામાં કોઈ ખાસ ભેદ નથી કે કોઈ વિરોધાભાસ નથી.
બંને શાખાનો મુખ્ય વિષય તમામ પ્રકારનાં યજ્ઞોનું પ્રતિપાદન કરવું એ છે.

યાજ્ઞવલ્ક્ય ઋષિનાં  શિષ્ય મધ્યન્દિન ઋષિ એ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો તે શુકલ યજુર્વેદની માધ્યન્દિન સંહિતા શાખા બની.
આમાં ૪૦ અધ્યાય અને ૧૯૭૫ મંત્રો છે. માધ્યન્દિન સંહિતા શાખાનો ૪૦મો અધ્યાય ઈશાવાસ્યોપનિષદ તરીકે ઓળખાય છે
જે પ્રમુખ ૧૦ ઉપનિષદોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

યાજ્ઞવલ્ક્ય ઋષિનાં  શિષ્ય કણ્વ ઋષિ એ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો તે શુકલ યજુર્વેદની કાણ્વ સંહિતા શાખા બની.
આમાં ૪૦ અધ્યાય અને ૨૦૮૬ ( માધ્યન્દિન સંહિતા શાખા કરતાં ૧૧૧ વધુ)  મંત્રો છે.
આ કાણ્વ શાખાનો પ્રચાર અને વિસ્તાર ઉત્તર ભારત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ છે.

૭  યજુર્વેદનાં વિષયનું વર્ણન :

યજુર્વેદની બંને મુખ્ય પરંપરામાં માત્ર યજ્ઞ-કર્મકાંડનું વર્ણન નથી,
આના ઉપરાંત અનેક સુંદર વિચારોનો સંગ્રહ છે.
જેમ કે ઈશાવાસ્યોપનિષદ, શિવસંકલ્પ મંત્રો, રુદ્રાધ્યાયી (બ્રાહ્મણોને પ્રિય!!) , તત્વજ્ઞાનનાં મંત્રો, ભક્તિભાવ પૂર્ણ મંત્રો અને આત્મકલ્યાણ/શ્રેયનાં મંત્રોનું પણ પ્રતિપાદન થયેલું છે.

तेजोऽसि तेजो मयि धेहि
वीर्यमसि वीर्य मयि धेहि
बलमसि बलं मयि धेहि
जोऽस्योजो मयि धेहि
मन्युरसि मन्यु मयि धेहि
सहोऽसि सहो मयि धेहि।।
शुक्ल यजुर्वेद  ૧૯.૯

” હે પરમાત્મા!
તમે તેજ છો, મારામાં તેજની સ્થાપના કરો,
તમે વીર્ય છો, મારામાં વીર્યની સ્થાપના કરો,
તમે બળ છો, મારામાં બળની સ્થાપના કરો,
તમે ઓજ છો, મારામાં ઓજની સ્થાપના કરો,
તમે મન્યુ (અનીતિનાં સંહારક) છો, મારામાં અનીતિને સંહાર કરવાની શક્તિની સ્થાપના કરો,
તમે સહ સર્વોત્તમ બળ છો, મારામાં પણ તે સહ સર્વોત્તમ બળની સ્થાપના કરો!! “

વેદ આપણા પ્રાચિનતમ ગ્રંથો છે
અને આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે
જેને વેદ નથી વાંચ્યા એને કશું જ નથી વાંચ્યું
વૈદિક મંત્રોનો તો રોજેરોજ પાઠ કરવો જોઈએ !!!!

સાભાર :: જનમેજય અધ્વર્યુ

“આપણે એક એવી ક્ષણ સાથે હતા, એ પળે જીવનમરણ સાથે હતા..”

Standard

By Dr Sharad Thakar Dt 27.10.17

“આપણે એક એવી ક્ષણ સાથે હતા, એ પળે જીવનમરણ સાથે હતા”

શિયાળાની ભેંકાર અને ઘોર અંધકારભરી રાત. સૌરાષ્ટ્રના ગોહિલવાડ પંથકનુ એક સાવ નાનકડું ગામ. રાતના અગિયાર વાગે ચાર માનવ આકારો ઠંડીમાં ધ્રૂજતાં, થથરતાં, અંધારું અને ધાબળા બેયનાં આવરણો લપેટીને દવાખાનાની દિશામાં આગળ વધી રહ્યા હતાં. આખું ગામ તો કાતીલ ઠંડીનું માર્યું નવ વાગ્યાથી જ પથારીભેગું થઇ ગયું હતું, પણ ચાર ચૌદશીયા ગામના ચોરે બેઠાં બેઠાં ચોવટ કરી રહ્યા હતા. એમાં એક લાલજી ચર્ચાપત્રી હતો, જે નાનાં-મોટાં છાપાંઓમાં કયારેક-કયારેક ચર્ચાપત્રો લખ્યા કરતો હતો. બીજો એક ઓસમાણ પગી હતો. મૂળ તો ઉસ્માન, પણ કાઠિયાવાડી લોકબોલીમાં અપભ્રંશ થઇને એ ઓસમાણ થઇ ગયો હતો. પારકી પંચાતમાં રસ લેવાનો આ લૂરચા ઓસમાણનો એક માત્ર શોખ. ત્રીજો ચીમન ઢોલી. અને ચોથો કાનજી નાઇ.

આ ચારેયની કોઇ જ્ઞાતિ નહીં, ધર્મ નહીં, ઇમાન નહીં અને નૈતિકતા નહીં. આખો પંથક એમના કરતૂતોથી ફફડે.

પહેલી નજર ઓસમાણની પડી, ‘અબે લાલજી, કુછ દેખા તુમને? વો ચારકુ પીછાણા?’

લાલજી પત્રકારે જિંદગી આખીનો સામટો અનુભવ કામે લગાડયો, ‘હા, ઓળખ્યા. આ આપણાં ગામનાં નથી. બાજુના રામપરાનો જશીયો કોળી ને એની ઘરવાળી વજી છે. સાથે એમનો જુવાન દીકરો મેપો અને ત્રણ મહિના પહેલાં પરણીને આવેલી એની ઘરવાળી નિમુ લાગે છે, પણ આ ચારેય જણાં અત્યારે અડધી રાતે કયાં જતાં હશે?’

‘કયાં તે દવાખાને!’ ચીમન ઢોલીએ નિદાન કર્યું, ‘એલા, ઊઠો! મને તો આમાં રૂપિયાની સુગંધ આવે છે. હાલો, એમનો પીછો કરીએ! બબ્બે પૈસાની કમાણી થાશે.’

ચાર જણાં આગળ. ચાર જણાં પાછળ. વરચે દસ ડગલાનું અંતર. દવાખાનું એટલે બે ઓરડા, એક નર્સ, એક પટાવાળો અને એક નવા-સવા ડોકટરનું બનેલું પ્રાયમરી હેલ્થ સેન્ટર.

જશુ કોળીએ કમાડ ધમધમાવ્યું. એની વહુ વજીએ બૂમ પાડી, ‘બે’ન! ઓ નરસબે’ન! દવાખાનું ખોલજો, બે’ન! મારી વહુને પેટમાં દુ:ખે છે…’

નર્સે બારણાં ઊઘાડયાં. નિમુ ચીસો પાડતી હતી એને અંદર લીધી. જયાં પડદો પાડીને દરદીનાં કપડાં હટાવ્યાં, ત્યાં તો નર્સની ઊંઘ ઊડી ગઇ. પટાવાળાને જગાડીને ધકેલી દીધો, ‘જલદી દોડતો જા અને ડોકટરને બોલાવી લાવ! કહેજે સુવાવડનો કેસ આવેલ છે. બાળકનું માથું દેખાય છે. દોડ જલદી…!’

પટાવાળો દોડતો ગયો અને ડોકટરને લઇને ઊડતો પાછો આવ્યો. સામાન્ય રીતે કેસ ગમે તેવો તાકીદનો હોય, તો પણ ડોકટરો સૌથી પહેલું કામ કેસપેપર કાઢવાનું અને એમાં દર્દીની સંપૂર્ણ વિગતો ભરવાનું કરતા હોય છે. એના પછી દર્દીની શારીરિક તપાસ કરે. એ પછી સારવાર શરૂ કરતાં પહેલાં બહાર આવીને દર્દીનાં સગાંસંબંધીને દરદ વિષે માહિતગાર કરે. એ પછી જ સારવાર શરૂ કરે.

પણ આ કેસમાં આ કાયદેસર અનુક્રમનાં પાલન માટે કોઇ શકયતા જ કયાં હતી? ડોકટર પ્રજાપતિ તાજા જ એમ.બી.બી.એસ. થઇને સરકારી નોકરીમાં જોડાયા હતા. વધારામાં એમણે ડી.જી.ઓ. પણ કર્યું હતું, એટલે પ્રસૂતિ કરાવવાનો પણ અનુભવ ખરો જ. એ તરત જ અંદરના ઓરડામાં ધસી ગયા. આ એમની ભૂલ ગણો તો ભૂલ, લાપરવાહી કહો તો લાપરવાહી અને માનવતા ગણો તો માનવતા. ડોકટર જયારે નિમુ પાસે પહોંરયા, ત્યારે બાળકનું અડધું શરીર જનેતાનાં શરીરમાંથી બહાર આવી ગયું હતું, અડધું હજું અંદર હતું. નિમુની ચીસો વધુ ને વધુ મોટી થઇ રહી હતી. ડો. પ્રજાપતિએ માંડ-માંડ હેન્ડગ્લોઝ પહેર્યા અને બાકીનું કામ પૂરું કર્યું. પ્રસૂતિ સુખરૂપ સંપન્ન થઇ. બાળક બચી ગયું, એની મા પણ જીવી ગઇ. ડોકટર મોજાં કાઢીને બારણું ખોલીને બહાર આવ્યા. કોઇ પણ ડોકટર આવા સંજોગોમાં જે પહેલું વાકય બોલે તે જ એ પણ બોલ્યા, ‘પેંડા વહેંચો, કાકા! તમારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.’ ‘શું બોલો છો, દાકતર? તમારું દિમાગ તો ઠેકાણે છે ને? મારી વહુ પરણીને સાસરે આવી એ વાતને આજે ત્રણ મહિના જ થયા છે. આ કોનો દીકરો અમારા ગળે વળગાડવાની વાત છે?’ જશીયો કોળી વિફરી બેઠો.

‘અરે, કાકા! આ તમે હમણાં જ તો તમારી વહુને લઇને આવ્યા… અને એની તો મેં સુવાવડ કરાવી. દીકરો બીજો કોનો હોય? અત્યારે દવાખાનામાં બીજો કેસ પણ કયાં છે?’

‘એ અમે ન જાણીયે, દાકતર! અમે તો વહુને એટલા માટે લાવ્યા હતાં કારણ કે એને પેટમાં દુખાવો ઉપડયો હતો. આમ તો સવારથી દુ:ખતું હતું, પણ અમે હિંગને અજમા જેવા દેશી ઉપાયો કરવામાં દહાડો કાઢી નાખ્યો. દરદ ન મટયું ત્યારે ન છુટકે અમારે અહીં…પણ અમને શું ખબર કે તમે આવા પાપીયા હશો. અગાઉથી રામ જાણે કોનો હમેલ પાડીને સંતાડી રાખ્યો હશે? અમે આવ્યાં એટલે…! જશુ, વજી અને મેપાએ રાડારાડ કરી મૂકી. મેપો તો છેલ્લી પાટલીએ જઇ બેઠો. કહે, ‘મારી બાયડીને બહાર કાઢો! અમારે દવા નથી કરાવવી. અમે તો ઘરભેગાં થઇ જઇએ.’

‘અને આ બાળક?’ ડો. પ્રજાપતિ માંડ આટલું બોલી શકયા. મેપાએ તડ ને ફડ કરી નાખ્યું, એને તમે ઊછેરજો, સાહેબ! પૂણ્ય મળશે.’

નાટકનો પહેલો અંક પૂરો થવા જતો હતો, ત્યાં જ દસ ડગલાં દૂરના અંધકારમાંથી ચાર ઓળાઓ ઝબૂકયા. ચૌદશીયાઓની ચંડાળ ચોકડી ડૉકટરને ધેરી વળી. શરૂઆત કાનજી નાઇએ કરી, ‘સાહેબ, આ ગામમાં જયારે દવાખાનું નહોતું, ત્યારે ઇલાજનું કામ હું કરતો હતો, પણ કમાણી સાટુ તમારા જેવા ધંધા કરવાનું મને ન આવડયું!’

‘સાયેબ, બીજું બધું જવા ધો! પહેલાં એક વાતની ચોખવટ કરો કે આ બાળક બીજાનું છે કે… પછી… તમારું જ…?’ ચીમન ઢોલીએ દાંડી પીટી.

‘વો ઢૂંઢ નિકાલનેકા કામ મેરા! મેરા નામ ઓસમાણ પગી હૈ. મૈં દાકતર પાપકા પગેરા ખોજ લૂંગા!’

હજુ કંઇ બાકી હતું તે લાલજી ચર્ચાપત્રીએ પૂરું કર્યું, ‘એય ડૉકટર! હું છાપાંનો માણસ છું. પૈસા ઢીલાકર, નહીંતર છાપે ચડાવી દઇશ! દરબારી ગામમાં આવીને આવા ગોરખધંધા કરે છે?’ બિનઅનુભવી જુવાન ડોકટરને કાતીલ ઠંડીમાંયે પરસેવો ફૂટી નીકળ્યો. એ વર્ષોમાં હજુ આપણાં દેશમાં બાળકનો પિતા નક્કી કરવા માટે ડી.એન.એ. ટેસ્ટ થતો ન હતો. બ્લડગ્રુપ દ્વારા આ વાતની કસોટી થતી નથી હોતી.

બાકીના તમામ સંજોગો ડોકટરની વિરુદ્ધ જતા હતા. દર્દી તથા એનાં પરિવારનો સંપૂર્ણ ઇન્કાર, માત્ર ત્રણ જ મહિનાનું લગ્નજીવન, એની પહેલાનું નિમુનું જે કોઇ જાતીય લફરું હોય તે શોધી કાઢવાની અશકયતા અને ઉપરથી ચંડાળ ચોકડીની કુટિલ રમત.

ડો. પ્રજાપતિ ભાંગી પડવાની અણી પર હતા, ત્યાં જ એમના દિમાગમાં ઝબકારો થયો. લાલજીનું બોલાયેલું છેલ્લું વાકય એમના મનમાં રિવાઇન્ડ થયું, ‘દરબારી ગામમાં આવીને આવા ગોરખધંધા કરો છો?’ ડોકટરને આશાનું કિરણ દેખાયું. ગોરખધંધાવાળી વાત ખોટી, પણ દરબારી ગામ હતું એ તો સાવ સાચું! અને ડોકટરને દરબાર રવુભા ગોહિલ સાંભરી આવ્યા. આમ તો આખા ગામનાં દરબારો ગોહિલ વંશના રાજપૂતો જ હતા, પણ આ રવુભા એમના મોવડી જેવા.

‘જા ને લ્યા! ઝટ રવુભાને બોલાવી લાવ ને!’ ડૉકટરે પટાવાળાને દોડાવ્યો. દસ મિનિટમાં રવુભા હાજર. સાથે બીજા પચાસ મરદમૂછાળા રાજપૂત જુવાનો પણ દોડી આવ્યા. રવુભાએ શાંતિથી મામલો સૂંઘી લીધો. વાતની પૂરી જાણકારી મેળવી લીધી, પછી પહેલો ઘા રાણાનો ફટકાર્યો ઓસમાણ પગીના માથે.

‘એલા ઓસમાણીયા! તને મારવા માટે તો તલવારનીયે જરૂર નહીં પડે. એક અડબોથ ઝીંકી દઇશને તો આખે આખો તું સામેની ભીંતમાં સમાઇ જઇશ. આ બિચારો ડોકટર હજુ ચાર દિવસ પહેલાં વણકરવાસમાં વિઝિટ માટે ગયો હતો. અડધી રાતે જઇને પશા વણકરના એકના એક દીકરાનો જીવ બચાવી આવ્યો. પશાએ કેટલો આગ્રહ કર્યોતોયે પૈસા ન લીધા. કીધું કે સરકાર મને પગાર આપે છે.’ ‘પણ બાપુ!’ લાલજી પત્રકારે આખરી પ્રયત્ન કરી જોયો, ‘પૈસાની વાત અલગ છે અને ચારિત્ર્યની વાત અલગ છે. આ તો ડોકટરનું…’

‘ખબરદાર, લાલીયા! એક શબ્દ પણ આગળ બોલોય છે તો તારી જીભ ખેંચી કાઢીશ. જે વાત મારે કોઇને નહોતી કરવી એ આજે કહેવી પડે છે. આપણાં ગામનાં એક આબરૂદાર ઘરની દીકરી. એનો પગ કુંડાળામાં પડી ગયેલો. બાપ મારી પાસે આવીને રડી ગયો. મેં આ ડોકટરને બોલાવીને દીકરીનો છુટકારો કરી આપવા ભલામણ કરી, પણ ડોકટર ન માન્યા. કહે કે, ‘બાપુ, મારી નાખો, પણ એ કામ હું નહીં કરું!’ હજુ સાંભળવું છે તારે કંઇ? અને છેલ્લી વાત! સવારનો સૂરજ ઊગે એ પહેલાં તમે ચારેય જણાં આ ગામ છોડી દેજો! નહીંતર આ રવુભા તમને દુનિયા છોડાવી દેશે.’

પછી શું થયું એ વાત મામુલી છે, પણ મહત્ત્વની વાત એ છે કે પેલો નવજાત દીકરો વાયા અનાથાશ્રમ કલકત્તાના એક કરોડપતિ કુટુંબમાં દત્તક બનીને શોભી રહ્યો છે. અત્યારે એકવીસ વર્ષનો છે.

(સત્ય ઘટના)
લેખક :: શરદ ઠાકર,
શીર્ષક પંકિત :: બાલુ પટેલ

સામવેદ પરિચય

Standard

            સામવેદ (સંસ્કૃત: सामवेद:)ની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે.
સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ (ગાન) અને વેદ (જ્ઞાન)નો બનેલો છે.
સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે.[૧] સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે,
તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે.
મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યા છે અને ભારતના જુદા-જુદા ભાગોમાંથી તેની વિવિધ હસ્તપ્રતો મળી આવૉ છે.
તે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે.
આ વેદ તેમ જ એનો ઉપવેદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે.
આ વેદની પત્નીનું નામ શિવા છે

               અમુક સંશોધનકારોનું માનવું છે કે ભલે સામવેદનો જૂનામાં જૂનો ભાગ છેક ઇ.પૂ. ૧૭૦૦ (ઋગ્વેદનો કાળ) જેટલો જૂનો છે,
પણ હાલમાં પ્રાપ્ત સ્વરૂપ ઋગ્વેદ પછીના કાળનું વૈદિક સંસ્કૃત ધરાવે છે,
એટલે કે ઇસ.પૂ. ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસનું અને તે પણ અથર્વવેદ અને યજુર્વેદની સાથેસાથેના કાળનું.
છાંદોગ્યોપનિષદ (છાંદોગ્ય) અને કેનોપનિષદ (કેન) ઉપનિષદ એ સામવેદની અંદર રહેલા ૧૦૮ ઉપનિષદો પૈકીના બે મુખ્ય ઉપનીષદો છે,
જે હિંદુ ધર્મનો અભ્યાસ કરનારાઓ મહદંશે ભણતા હોય છે
તથા હિંદુ તત્વજ્ઞાનના દર્શનશાસ્ત્ર પર વિશેષ પ્રભાવ ધરાવે છે,
ખાસ કરીને વેદાંત દર્શન પર. ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ તેમના મૂળ સામવેદના મંત્રો અને ગાનને ગણાવે છે.

             ઋગ્વેદના મોટા ભાગના મંત્રોને ઉદ્દત્ત, અનુદાત્ત અને સ્વરિત શ્રેણીમાં મૂકી સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ.
આ વેદમાં સંગીત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.
ઉચ્ચારનાં લક્ષણો તેમાં આપવામાં આવ્યા છે અને સૂરાવલિનો તેમાં પ્રવેશ થયો છે.
એટલો જ તેનામાં અને ઋગ્વેદમાં અંતર છે. આ વેદ પૂર્વ અને ઉત્તર એમ બે ભાગમાં વહેંચાયેલો છે.
તેનું પરિમાણ ઉપનિષદ્ સહિત ૮,૦૧૪ છે. આ વેદની ૧,૦૩૦ શાખા હતી.
તેમાંની હમણાં જે ઉપલબ્ધ થઈ શકે છે તેમનાં નામો આ પ્રમાણે છે:

રાણાયનીય,
સાત્યમુપ્રય,
કાલાપ,
મહાકાલાપ,
લાંગબિક,
શાર્દૂલીય
ને કૌથુળ. કૌથુળશાળાના છ ભેદ છે.

              તે આવી રીતે: આસુરાયણ, વાતાયન, પ્રાંજલીય, વૈનધૂત, પ્રાચીનયોગ્ય ને નેગેય. આ વેદનાં બ્રાહ્મણો હમણાં મળી શકે છે.
તેમનાં નામો: પ્રૌઢ, ષડ્વિંશ, સામવિધાન, મંત્રબ્રાહ્મણ, આર્ષેય, દેવતાધ્યાય, વંશ, સંહિતોપનિષદ બ્રાહ્મણ.
આ સામવેદ બહુધા ઋગ્વેદના નવમા મંડળના મંત્રોને મળતો આવે છે અને તે જ્ઞાનમય છે.
તેમાં સમગ્ર ઋચા ૧,૫૪૯ છે.
તેમાંનો કાંઈક પાઠ સાંપ્રતના ઋગ્વેદના પાઠથી ભિન્ન છે.
તે પાઠ ભિન્ન ભિન્ન શાખામાંનો હશે એમ જણાય છે.
૧,૫૪૯ ઋચામાં ૭૮ ઋચા ઋગ્વેદની નથી, પણ ભિન્ન છે.
યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ સામવેદીય ઋત્વિજ કરે છે અને તે ઉદ્ગાતા કહેવાય છે[
મંત્રોના સ્વરૂપની દ્રષ્ટિએ સામવેદના મંત્રો “ગેય” એટલેકે ગાઈ શકાય તેવા સ્વરૂપે છે.
સંસ્કૃતમાં ગેય એટલે સામ, જેના પરથી સામવેદ નામ આવ્યું છે.
સામવેદના મંત્રોના ગાનને સામગાન કહે છે. સામગાનમાંથી ભારતીય સંગીતનો જન્મ થયો છે.

            સામવેદ “ધર્મ અને ઉપાસના”નો ગ્રંથ છે.
ધર્મ માટે ભક્તિ એટલેકે ઉપાસના હોવી જરૂરી છે.
જયારે અર્થ અને કામ બન્નેને સાધી લેવામાં સફળતા મળે છે,
ત્યારે ધર્મમાં પ્રવેશ થઇ જાય છે અને તે પછી જીવનમાં ભક્તિ આવે છે.
ભક્તિ અને જ્ઞાન પ્રકાશના પ્રતિક છે, માટે સૂર્યને સામવેદના દેવતા માનવામાં આવે છે.

           સામવેદની એક હજાર શાખાઓ હતી તેવો ઉલ્લેખ જોવા મળે છે.
પરંતુ વર્તમાનકાળમાં સામવેદની ત્રણ શાખાઓ ઉપલબ્ધ છે:

[૧] રાણાયનીય,
[૨] કૌથુમીય
અને
[૩] જૈમિનીય.

સામવેદના બે ભાગ છે: ——

પૂર્વાર્ચિક
અને
ઉત્તરાર્ચિક.

            પૂર્વાર્ચિકમાં ૬ પ્રપાઠક, ૬૫ ખંડ અને ૬૫૦ મંત્રો છે.
જયારે ઉત્તરાર્ચિકમાં ૯ પ્રપાઠક, ૨૧ અધ્યાય, ૧૨૦ ખંડ અને ૧૨૨૫ મંત્રો છે.
બંને ભાગ મળીને સામવેદ માં કુલ ૧૮૭૫ મંત્રો છે.
આમાંથી ઘણા મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે.

           સામવેદના ૯ બ્રાહ્મણો મળે છે,
જેમાં તાન્ડ્ય બ્રાહ્મણ મુખ્ય છે.
સામવેદને તલવકાર નામનું એક આરણ્યક તેમજ કેન અને છાંદોગ્ય નામનાં ૨ ઉપનિષદો છે.

अग्निर्वृत्राणि जङघन्द् द्रविणस्युर्विपन्यया | समिधः शुक्र आहुतः ||
સામવેદ

             મનુષ્ય જ્યારે પરમાત્માની વિશેષ સ્તુતિ – ધ્યાન, ઉપાસના વગેરે કરે છે,
ત્યારે પરમાત્મા મનુષ્યના અજ્ઞાન સહિતના બધા વિઘ્નોનો સંપૂર્ણ નાશ કરે છે
અને ઉપાસકની જ્ઞાન, સુખ, ઐશ્વર્ય જેવી સર્વ કામનાઓ માગ્યાં વિના જ પૂરી કરે છે,
આથી મનુષ્યએ પોતાની ઈચ્છાઓની વૃદ્ધિ દ્વારા પોતાને અશાંત કરવાનું છોડીને માત્ર એક જ પરમાત્મામાં પ્રીતિ રાખવી જોઈએ

           ગીતામાં કૃષ્ણ પોતાની વિભૂતિઓના વર્ણનમાં કહે છે કે, वेदानां सामवेदोऽस्मि (૧૦.૨૨).
ચારેય વેદોમાં પ્રમુખ તો ઋગ્વેદ છે, પરંતુ એનો સાર જેને ગાઈ શકાય એવા ગીત સ્વરૂપે સામવેદમાં છે.

              સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થ જોવા મળે છે અને મારો ઝુકાવ સ્વાભાવિકરીતે ભૌતિક અર્થ તરફ રહેશે.

             પૂ. ૧.૧.૧. અર્થાત પૂર્વાર્ચિકના પહેલા અધ્યાયના પહેલા ખંડના પહેલા શ્લોકમાં પ્રથમ શબ્દ “અગ્ન” છે.
અગ્નિ એટલે યજ્ઞનો અગ્નિ કે જઠરાગ્નિ. અગ્નનો અર્થ પ્રકાશક કે સર્વવ્યાપક કરવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં વિદ્યુતચુંબકીય તરંગો વ્યાપ્ત છે. જ્યાં આપણી કે આપણા શોધેલાં યંત્રોની નજર પહોંચે છે
એ સર્વે સ્થળે વિદ્યુતચુંબકીય અને પ્રકાશના તરંગોનો વ્યાપ છે.
એટલે અગ્ન શબ્દ પાછળ રહેલો ભાવાર્થ આપણે જોઈ શકીએ છીએ.
એ જ શ્લોકમાં આગળ ઋષિ કહે છે કે સ્વયંને તારી ભેટ આપવા મારા હૃદયમાં આવ. એટલે આપણી અંદર શરીરમાં પણ એ જ પ્રકાશ કે વિદ્યુત ચુંબકીય તરંગો રહેલાં છે.

           પૂ. ૧.૧.૨ આ શ્લોકમાં અગ્નિને સમસ્ત વિશ્વના દરેક યજ્ઞના હોતા તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે.
આપણા બ્રહ્માંડમાં દરેક પ્રાકૃતિક ઘટનાઓ જેવી કે હાઇડ્રોજન વાદળમાંથી તારાઓ અને ગ્રહો વગેરે બનવું,
દરેક અવકાશી પદાર્થોની એકબીજા સાથેની પ્રતિક્રિયાઓ કે
એમની આંતરિક પ્રક્રિયાઓ, વગેરેના કારણરૂપે કે પરિણામરૂપે અગ્નિ જ હોય છે.

          પૂ. ૧.૧.૯ આ શ્લોકમાં અગ્નિને વિશ્વના આધાર અને વહનકર્તા કહ્યા છે.
વળી, અરણી મંથન દ્વારા સ્થિરચિત્તવાળા તેમને પુષ્કરમાં પ્રગટ કરે છે.
અહીં વિશ્વનો અર્થ સજીવ સૃષ્ટિ લઈએ તો સૂર્ય સજીવ સૃષ્ટિનો આધાર ગણી શકાય.
પ્રકાશના કિરણો ઉર્જાના વહન દ્વારા સજીવ સૃષ્ટિનો આધાર બને છે.
અરણી મંથન એટલે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પુષ્કર એટલે હૃદયને શુદ્ધ લોહી મળે છે
અને સમગ્ર શરીરમાં પહોંચી એ જીવનનો આધાર બને છે.

          પૂ. ૧.૨.૩ આ શ્લોકમાં અગ્નિમાં આહુતિઓથી વાયુના દળ ફરી ઉપસ્થિત થાય છે એવો ઉલ્લેખ છે.
અહીં આપણે વર્ષાચક્રનો સંદર્ભ જોઈ શકીએ છીએ.

            પૂ. ૧.૨.૬. અને પૂ. ૧.૨.૭ શ્લોકમાં હિંસારહિત યજ્ઞની વાત મુકવામાં આવી છે.
એ સમયે માત્ર હિંસક યજ્ઞો જ થતા હશે એ જરૂરી નથી. વળી, પૂ.૧.૨.૭ શ્લોકમાં અશ્વનો ઉલ્લેખ છે.
જે કાળમાં સામવેદની રચના થઈ એ સમયે પાલતુ ઘોડાઓ હશે.

           પૂ. ૧.૨.૮ શ્લોકમાં “ઔર્વ” શબ્દ જોવા મળે છે. એનો અર્થ પૃથ્વીના પેટાળના ગંધક, પોટાશ જેવા ખનિજ તત્ત્વો કરવામાં આવે છે.
એનાથી પેટાવાતા અગ્નિનો સૂચક શબ્દ “ભૃગુવત” ત્યાર બાદ આવે છે.
આનો અર્થ એ થયો કે સામવેદના રચનાકાળમાં રાસાયણિક પ્રક્રિયાથી અગ્નિ પેટાવવાની પદ્ધતિ પ્રચલિત હશે.

          પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે.
દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે.
પૃથ્વી પર રહેનાર એ કાળના મનુષ્યો સૂર્ય સ્વયંપ્રકાશિત છે એવું કેવી રીતે જાણી શક્યા હશે?
વળી, સૂર્ય પ્રાચીન તેજને સમાવનાર છે. આ પ્રાચીન તેજ કદાચ બ્રહ્માંડનું મૂળ કે બિગ બેંગનું સૂચક હોય એમ નથી લાગતું?

       ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે
“વેદોમાં હું સામવેદ છું”
આ કથન પરથી સામવેદની મહત્તા સૂચિત થાય છે.

સાભાર :: જનમેજય અધ્વર્યુ

” કાઠિયાવાડમાં કો’ક દિ, , ,”

Standard

” કાઠિયાવાડમાં કો’ક દિ, , ,”
મિત્રો આપણો આ એક ખૂબ જ પ્રસિદ્ધ અને સાંભળેલો દુહો છે. પાલુભાઈ ગઢવીનો કે,,,
          “કાઠિયાવાડમાં કો’ક દિ
          અહીં  ભુલો પડય ભગવાન,
          પણ મારો થાજે મેમાન
          તારુ સવર્ગ ભુલાવું શામળા”;

તો શા માટે કાઠિયાવાડમાં બીજે ક્યાંય કેમ નહી?  જવાબમા અહીં ગોવિંદભાઈ  ચારણના બે ચાર દુહામાં ચર્ચા કરવી છે  કે,
1)     ” સુદામાંને દેતા સંપત્તિ
          તને રોકતી રાણીયું તોય,
          પણ દિકરો ખાંડીને ખવરાવે
          અમારી કાઠિયાવાડી કોય.”
સંગાવતી શગાળસા અને ચેલૈયો આ પ્રસંગ જાણીતો છે.

2)કયારેય કોઇ ભૂત મેમાન ગતી કરાવે એવુ સાંભળવા મળે? તો કે ના! તો અમારા કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,,,,,
    “ભોજન ઉતારા ભાવથી
     અહીં તો ભૂતની ભલકયુ જોય,
     પણ મર્દ પટાધર માઁગડો
     અમારી કાઠિયાવાડી કોય”
આખી જાનને જમાડી સાહેબ વડની નીચે ઈતિહાસ આજે પણ સાક્ષી છે.

3)ચોર ચોરી કરવા આવે એના સન્માન હોય નહી પરંતુ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ  તો,,,
      ” તોળી આપે ત્રણ દાનમાં
       અહીં તો ચોરને સન્માન હોય,
       પળમાં પાપ બાળીને પીર ભણે
       અમારી કાઠિયાવાડી કોય; “

4)મિત્રો હજી આપણે ગામડાઓમાં ઘણા લોકો ભગવાનને બહુ માને કાંઈ પણ  સંપત્તિ મેળવી હોય તો એમ કહે કે ભગવાનની કૃપા અથવા તો ભગવાનની છે પણ કોઈ પત્ની સામે આંગળી ચીંધે તો તરત કહે ઈ મારી છે.
પણ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ કે ઈ પણ ભગવાનની છે,,,
“જલિયાણ નારી માગવા
જેદી હરીવર આવ્યા હોય,
  તેદી હાથ ગ્રહીને દીએ હરખથી
ઈ અમારી કાઠિયાવાડી કોય;”

વક્ત ને કિયા ક્યા હસીં સિતમ… તુમ રહે ના તુમ, હમ રહે ના હમ!

Standard

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

વક્ત ને કિયા ક્યા હસીં સિતમ… તુમ રહે ના તુમ, હમ રહે ના હમ!

ઘડિયાળો વિનંતી કરે છે મનુષ્યને કે આયના સામે ઊભા રહી જાતને નિહાળો. બદલાતા અને વહેતા સમયની આપણા પર પડતી છાપ નીરખો

ઘરેઘર વહેંચવા નીકળી પડયો છું છાબડીઓ લઈ, કરું શું સંઘરીને આટલા ખાલીપણાને હું!
સફર ધીમી છતાં નિશ્ચિત બની છે, લાકડાતરફી, ત્યજીને જે સમય પર બહાર આવ્યો પારણાંને હું!
(શોભિત દેસાઈ)

પરફેક્ટ લવ બધાના નસીબમાં નથી હોતો. હોય એનો ય કાયમી તો નથી જ રહેતો. તો જે છે એ ચાહતા શીખવું. સમાધાનમાં ય સુખદ સ્મિતની લાગણી થાય એનું જ નામ પ્રેમ!

As I walked out one evening,
Walking down Bristol Street,
The crowds upon the pavement
Were fields of harvest wheat.

And down by the brimming river
I heard a lover sing a lover sing
Under an arch of the railway:
“Love has no ending.

“I’ll love you, dear, I’ll love you
Till China and Africa meet,
And the river jumps over the mountain
And the salmon sing in the street,

“I’ll love you till the ocean
Is folded and hung up to dry
And the seven stars go squawking
Like geese about the sky.

“The years shall run like rabbits,
For in my arms i hold
The Flower of the Ages,
And the first love of the world.”

But all the clocks in the city
Began to whirr and chime:
“O let not Time deceive you,
You cannot conquer Time.

“In the burrows of the Nightmare
Where Justice naked is,
Time watches from the shadow
And coughs when you would kiss.

“In headaches and in worry
Vaguely life leaks away,
And Time will have his fancy
To-morrow or to-day.

“Into many a green valley
Drifts the appalling snow;
Time breaks the threaded dances
And the diver’s brilliant bow.

“O plunge your hands in water,
Plunge them in up to the wrist;
Stare, stare in the basin
And wonder what you’ve missed.

“The glacier knocks in the cupboard,
The desert sighs in the bed,
And the crack in the tea-cup opens
A lane to the land of the dead.

“Where the beggars raffle the banknotes
And the Giant is enchanting to Jack,
And the Lily-white Boy is a Roarer,
And jill goes down on her back.

“O look, look in the mirror?
O look in your distress:
Life remains a blessing
Althoug you cannot bless.

“O stand, stand at the window
As the tears scald and start;
You shall love your crooked neighbour
With your crooked heart.”

It was late, late in the evening,
The lovers they were gone;
The clocks had ceased their chiming,
And the deep river ran on.

હજુ શરૃ ના થયેલી ઠંડી વિના જ ઠૂઠવી દે એવી આ લાંબીલચક કવિતા લાગી હશે સ્કીપ કરતી વખતે. બ્રિટનમાં જન્મેલા અને પાછળથી અમેરિકન સિટીઝન બનેલા અને જગતના ઉમદા આધુનિક કવિઓમાંના એક ગણાયેલા ડબ્લ્યુ.એચ. (વિસ્ટન હ્યુ) ઓડનની આ ક્લાસિક પોએમ છે.

ટાઈટલ છે : એઝ આઈ વોક્ડ આઉટ વન ઇવનિંગ. માત્ર ૬૦ લીટીમાં જીવનની સોનોગ્રાફી કરી નાખી છે અહીં ‘એજ ઓફ એંગ્ઝાયટી’ જેવી અણમોલ કિતાબ માટે પુલિત્ઝર પ્રાઈઝ જીતનારા કવિએ.

પણ આપણે હજુ અક્ષરની આરપાર વાંચી શકતી નજર બેચલર કે માસ્ટર ઓફ આર્ટસની છુટ્ટે હાથે વહેંચાતી ડિગ્રીઓ પછી પણ કેળવી નથી શક્યા. ઘણી વાર ઉતાવળિયા યુગમાં મોબાઈલ પર ફરતી આંગળીઓની સ્પીડમાં જ સંસાર સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ. અનોખી અભિવ્યક્તિ સમજવા બહુ બધી બુદ્ધિની જરૃર નથી હોતી.

પણ સર્જકે એક્સપ્રેશનમાં પઝલની જેમ છુપાવેલા સંદર્ભો ઉર્ફે રેફરન્સીઝ પારખી લેવા જેટલી સમજદારી જોઈએ. રીડિંગથી નોલેજ વધે, ને પછી એનો તાલમેલ બેસાડવાની ગિફ્ટ હોય તો વિઝડમ વધે. પછી એ ચિત્ર હોય, ફિલ્મની ફ્રેમ હોય કે કવિતા.

તો અહીં ઉપાડ એકદમ સિમ્પલ છે. કવિ અહીં સાક્ષીભાવે બયાન કરે છે. માટે એ દર્શક છે. દર્શક બહાર નીકળે છે એક સાંજે બ્રિસ્ટોલ સ્ટ્રીટ પર. ત્યાં એને ફૂટપાથ પર લોકોના ટોળા દેખાય છે. કાપણી માટે તૈયાર એવા ઘઉંના ખેતરો જેવા.

વાત કેવળ સ્ટ્રીટ ને વ્હીટ શબ્દોના પ્રાસની નથી. સારી કળા માણવા માટે ડિટેક્ટીવ થવું પડે. મેગ્નીફાયિંગ ગ્લાસથી કડીઓ શોધીને જોડવી પડે. કાપણીલાયક ઘઉંનું ખેતર જોયું છે કદી? એ દૂરથી લીલું નહિ પણ ડૂંડાને લીધે સોનેરી દેખાય. માટે પહેલો અર્થ વિઝ્યુઅલ છે.

સાંજના ઢળતા તડકાના કિરણોમાં ફૂટપાથો પર જથ્થાબંધ લહેરાતા લોકો સોનેરી લાગે છે. ને બીજો અર્થ એથી ઊંડો છે. કાપણીલાયક ઘઉંનું દ્રશ્ય સુંદરની સાથે ટ્રેજિક પણ છે. ગમે ત્યારે એના પવનમાં થતા મુક્ત નર્તન પર માલિક ખેડૂતનું દાતરડું ફરી વળવાનું છે. એ અચાનક સજીવમાંથી નિર્જીવ બની જવાના છે. સોલલેસ!

આગળ? દર્શક સાંભળે છે, બે કાંઠે ઉછળતી નદીના કિનારે રેલ્વેની કમાન નીચે એક પ્રેમીનું ગીત કે પ્રેમ કદી મરતો નથી! વેલ, રેલ્વે ને નદી. બે ય સૂચવે છે. ગતિ. સફર. યાત્રા. પણ ફરક છે. રેલ્વે માનવસર્જિત છે. માટે ટ્રેન કોઈક જગ્યાએ લાસ્ટ સ્ટેશન પર અટકે છે.

નદી કુદરતની કરામત છે. માટે એની ધારા અંત આવી જાય તો ય અટકતી નથી. માત્ર રૃપ બદલે છે (સમુદ્રમાં ભળીને!) અને વહેતો પ્રવાહ એ પણ કાળ યાને સમયનું સનાતન પ્રતીક છે. નદીની જેમ જ સમય સતત વહ્યા કરે છે. રૃપ ને પાણી બદલાય છે. વહેણ નહીં.

અને એકાંતમાં શાશ્વત પ્રેમનું ગીત ગાતો પેલો લવર હૈયું ઠાલવીને કહે છે કે હું તને ચાહીશ. ચીન અને આફ્રિકા એકમેકમાં ભળી ન જાય ત્યાં સુધી. નદીઓ પહાડો ઉપરથી પસાર ન થાય ત્યાં સુધી. ગલીઓમાં માછલીઓ ગાવા ન  લાગે ત્યાં સુધી! આ બધું અસંભવ છે. યાને ચાહવાની પ્રક્રિયા અનંત છે.

આવું કશું થવાનું નથી, માટે પ્રેમ અટકવાનો નથી. આગળ એ લવર લલકારે છે કે જ્યાં સુધી સમુદ્રને ગડી વાળી સૂકવવા ન નાખી દેવાય ત્યાં સુધી, જ્યાં સુધી સપ્તર્ષિના તારાઓ ઝાંખા થઈને કર્કશ અવાજ કરતા કોઈ અતિસામાન્ય બતક જેવા ન થઈ જાય ત્યાં સુધી! સાગર સુકાઈ જાય કે અબજો વર્ષનું આયુષ્ય ધરાવતા તારાઓ ઓલવાઈ જાય એવું થવાનું નથી. માટે અગેઇન, લવ ઈઝ ફોરએવર. ભવોભવની પ્રીત. નેવરએન્ડિંગ.

અને એ પ્રિયતમ પોતાની પ્રેયસીને જ્યારે બાહોંમાં ભરે છે, ત્યારે વર્ષોના વર્ષો જાણે દોડતા સસલાની જેમ પસાર થઈ જાય છે! મહોબ્બત આગોશમાં હોય ત્યારે આનંદ એવો થાય છે કે એ ભાવસમાધિમાં સમયનું ભાન રહેતું નથી.

કેવી છે કે બ્યુટી? જેવી હોય તેવી, પણ એના પિયુની નજરમાં તો યુગો યુગોથી ખીલેલા પુષ્પ જેવી અદ્રુત છે. એ બેઉનો પ્રેમ જ જાણે જગતનો એકમાત્ર ને શ્રેષ્ઠ પ્રેમ છે. બાકીના લૈલા-મજનૂઓ કે રોમિયો-જુલિયેટ્સ તો પાણી ભરે એની આગળ. દરેક પ્રેમીપંખીડાને આ જ ફીલિંગ આવતી હોય છે, કે જગતમાં પહેલો, સાચો ને અજોડ એવો પ્રેમ તો આપણે જ કર્યો છે!

(બાય ધ વે, કવિતામાં પ્રેમીના જેન્ડરનો સીધો ઉલ્લેખ નથી. ટ્રેડીશનલી ગીત ગાતા લવરને ફ્લાવર જેવું ઉપમા કોણ સ્ત્રી ને કોણ પુરુષ એ સંકેત કરે છે. પણ સ્ત્રી ગમતા પુરુષ માટે પણ આવી જ કલ્પના કરી શકે.) મુદ્દાની વાત એ કે ઈશ્કમાં માથાબોળ ડૂબેલા હો તો એના સપના જોવામાં ય સમયનું ભાન રહેતું નથી.

પણ હવે આવે છે, પરમેનન્ટ ટર્નિંગ પોઈન્ટ. એવરગ્રીન વિલન ઓફ બ્યુટી એન્ડ લવ. ટાઈમ! મધુરું પ્રેમગીત સાંભળવામાં ખોવાઈ ગયેલા કવિ-દર્શકને ઢંઢોળતી હોય એમ અચાનક નગર આખાની ઘડિયાળો ડંકા ગજાવતી ધણધણી ઊઠે છે! અને જાણે ચેતવણી આપતી હોય એમ કશુંક કહેતી હોય એવો અહેસાસ થાય છે. શું કહે છે? ‘ભલે પ્રેમની વાર્તામાં જાત ભૂલી ગયા હો ત્યારે એવું લાગે છે કે સમય થંભી ગયો છે એટસેટરા. પણ વાસ્તવિકતામાં કાળને કોઈ જીતી શકતું નથી. યુ કાન્ટ બીટ ટાઈમ!’

કાળવાણી આગળ ચાલે છે : એવી અંધારી બિહામણી ગલીઓ છે, જ્યાં થરથરાવી દેતા નાઈટમેર્સ ઉર્ફે દુ:સ્વપ્નો વસે છે. અને ન્યાય યાને જસ્ટિસ ત્યાં નગ્ન ફરે છે. થોડામાં કેવું ઘણું કહી દીધું એ જોયું? કાળ ને ન્યાય બે ય એકબીજાને સમાંતર ચાલે છે (કર્મન્યાયનો નિયમ!) પણ અહીં જજમેન્ટ દેવાવાળી વાત નથી. જેમ ન્યાય સામે બધા જ સરખા છે. ને કોઈ પણ અનુગ્રહ-પૂર્વગ્રહ કે પક્ષપાત વિના ન્યાય તમામને એક ત્રાજવે તોળે છે, એવું જ સમયનું છે. એમાં કોઈ ભેદ કે ભાવ નથી.

ક્રૂર લાગે એવી વાત છે. પણ એમાં સચ્ચાઈ છે. બુઢાપો બધાને આવે છે. વરસ બધા કેલેન્ડરમાં વીતે છે. માટે પ્રેમના મૂડમાં ખુશ પ્રેમીઓને પડછાયામાં રહેલો સમય કહે છે કે, સાવધાન! ક્યારે આ સ્વીટ કિસ છે, એ દર્દીલી ઉધરસમાં ફેરવાઈ જશે એની ખબર નહીં પડે!

જેમ થર્મોસમાં લીકેજ હોય ને પાણી ટપકીને ખતમ થાય એમ રોજીંદી ઘટમાળમાં, જાતભાતના શિરદર્દ ને ચિંતાઓમાં, પસાર થતા સમય સાથે જીવન ક્યાં ઢોળાઈ જશે એનો અહેસાસ નહીં થાય ! વહેલો કે મોડો, આજ કે કાલ સમય તો ગમે તેને આંબી જ લેશે. સેલિબ્રિટી હોય કે ભિખારી, ધર્મગુરુ હોય કે આગેવાન.

હીરોઈન હોય કે ખેલાડી. સૃષ્ટિ મોજમાં હોઇએ ત્યારે ગમે તેટલી હરિયાળી ને લીલીછમ લાગતી હોય, પણ ગમે ત્યારે એના પર કાળ બરફની સફેદ મુર્દા કફન જેવી સન્નાટાભરી ચાદર ઓઢાડી દેશે! (ઓડેન ભારતમાં મોટા થયા હોત તો પાનખરના ઉકળતા વેરાનનું વર્ણન કરત. મર્મ જો કે એક જ છે) સમય આનંદ અને ફળદ્રુપતાના રંગીન નૃત્યમાં તલ્લીન ડાન્સર્સનું સ્ટેજ તોડી પાડશે. સ્વિમિંગ પૂલ કે નદીમાં ભૂસકો મારતા પહેલા કુશળ તરવૈયા ડાઈવ યાને હવામાં ગુલાંટ મારે છે.

એ વખતે બે ઘડી સ્વીમર ગુરુત્વાકર્ષણને પછાડી ઉડવા લાગશે એમ લાગે, પણ અંતે તો એ નીચે જ આવે છે. એમ જરાવાર કોઇ પણ વ્યક્તિ કે શોખ કે યૌવનના પ્રેમમાં હો ત્યારે મુક્ત ઉડાન ભરતા હો એવું લાગે, પણ આખરે તો ભગવદ્ગીતામાં કહેવાયું છે એમ કાળના જડબામાં એની રાક્ષસી દાઢનું ચવાણું બની જવાની છે, આ બધી સુખની, મોજની, હાસ્યકિલ્લોલની પળો!

ઘડિયાળો ઉર્ફે સમયના સંદેશવાહકો પોતાની કાળવાણી વિસ્તારે છે. પાણીમાં (અરીસામાં નહિ, કારણ કે પાણી કોઇ રંગસ્વાદગંધ વિના રહેતા નિરપેક્ષ સમયનું પ્રતિબિંબ છે. જેને સંતુલિત-સ્થિર કરવું અઘરું છે) એકીટશે ખુદની જાત નિહાળો. ને વિચારો કે વહી ગયેલો સમય કેવો વેડફાયો. એમાં શું ચુકાઇ ગયું, રહી ગયું. કારણ કે, કાળને રિવર્સ ગીઅર હોતું નથી. સમય ગયો તો ગયો. ખલ્લાસ.

એ જતો રહે ત્યારે ભાન થાય છે કે ઝડપી લેવાયેલી યોગ્ય ક્ષણનું કેવું મહત્વ છે!

પણ કવિ ઓડન સોળે કળાએ પ્રગટ થાય છે હવે. કબાટમાં ટકોરા મારે છે હિમશિખર ને પથારીમાં ડૂસકાં ભરે છે રણ! યે હુઈ ન કવિતા! સમયનું અસલી કરાલ સ્વરૃપ હવે ખુલે છે. ગ્લેશિયર ઉર્ફે હિમશિખર ફોટામાં બહુ સોહામણા લાગે. પણ હોય છે એકદમ વેરાન.

કડકડતી કાયમી ઠંડીમાં ત્યાં તણખલું ય ઉગે નહિ, ને ના કોઇ સતત રહી શકે. માટે ત્યાં જીવન થીજી જાય છે. સ્થગિત ભેંકાર બનીને. કબાટમાં હોય ખાણીપીણીની સામગ્રી, શણગારના વસ્ત્રો ને આભૂષણો… ત્યાં આવા હિમશિખરો ટકોરા મારે મતલબ પ્રેમસભર યૌવાન ગયું ને નિર્જન એકાંત રહ્યું!

એવી જ રીતે પથારીમાં હોય આરામ અને આનંદ. સહશયનની ઉન્માદક કેલીઓ. ત્યાં રણ હીબકાં ભરે અર્થાત હવે ત્યાં કશું લીલુંછમ, ફળદ્રુપ નથી. શૃંગારનો બેડ હવે જાણે બીમારનો બેડ બની ગયો છે. વૃદ્ધત્વ, ખાલીપો, રોગ, મોત વોટએવર આંબી ગયું છે. માટે આગળની પંક્તિઓમાં ચાના કપમાં પડેલી તિરાડનો ઉલ્લેખ છે. મતલબ સ્ફૂર્તિ આપતો જીવનરસ ઢોળાઇ રહ્યો છે.

અને એ જાળવવા પાત્ર શરીરમાં તડ – કરચલીઓ પડી છે. રંગરોગાનવાળો ભવ્ય મહેલ હવે ભૂતાવળનું કે ભૂતકાળનું ખંડેર બનતો જાય છે. (પાસ્ટ માટેનો સંસ્કૃત શબ્દ ભૂત કેવો અસરકારક છે!) એમાંથી રચાય છે કે મૃત્યુ યાને અંત તરફ જતો પથ. યાને પ્રેમ, જુવાની, મોજમજાની મહેફીલો, સુંદર ઘર બધું ગમે તેટલું વ્હાલું લાગે. કાળક્રમે એમાં ઓટ આવવાની.

અને એટલે આગળ સમયના સામ્રાજ્યની પહેચાન કરાવવામાં આવે છે, પશ્ચિમમાં પોપ્યુલર પરીકથાઓના ટ્વીસ્ટ આપીને, જેમ કે જાયન્ટ્સથી ગભરાતો મેજિક બીન્સ વાળો બાળક જેક હવે મોટો થઇ ગયો છે. ગરીબ પૈસાદાર થઇ ગયો છે. પેલી જેક એન્ડ જીલના જોડકણાવાળી માસૂમ જીલ હવે માદક બનીને સિડક્ટ્રેસની જેમ પડખાભેર સુતી છે.

નાનકડું ભૂલકું ગર્જન કરતો બાહુબલિ યોદ્ધો બને છે. સમય પસાર થાય એમ સારું-ખરાબ બધું બદલાય છે. કલ્પનાના જગત સિવાય કશું એમનું એમ જ રહેતું નથી. ‘માસૂમ’ની બાળ ઉર્મિલા ‘રંગીલા’ની હાય રામાની કામિની બની જાય છે! ઇનોસન્સ મેચ્યોરિટીમાં ફેરવાઇ જાય છે. શત્રુ મિત્ર ને મિત્ર શત્રુ બની જાય છે. નથિંગ ઈઝ પરમેનન્ટ, ઓર ફોરએવર.

માટે ઘડિયાળો વિનંતી કરે છે મનુષ્યને કે આયના સામે ઊભા રહી જાતને નિહાળો. બદલાતા અને વહેતા સમયની આપણા પર પડતી છાપ નીરખો. આપણું હોવું એ ચમત્કાર છે, પરમની કૃપા છે. પણ આપણે આપણી જાત પર એવા અમરત્વના ચમત્કાર કરી નથી શકતા.

જેણે ચાહ્યું એ ધાર્યું પામી નથી શકતા. ઇક દિન બિક જાયેગા માટી કે મોલ! અને પછી અરીસામાં યાને આત્મનિરીક્ષણમાં ખુદનું પરીક્ષણ કરી ઊભા રહો બારી પાસે. હવે આસપાસની દુનિયા નિહાળો. એમાં ય આ જ કાળદેવતાનો અફાટ ભરડો જ નજરે ચડશે. ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ, ઢલ જાયેગા! સમયના આ વિજય સામે આપણી લાચારીના તો કેવળ આંસુ નીકળશે પીડાથી છલોછલ.

પણ કાળા વાદળમાં એક રૃપેરી કોર છે. ટાઈમ લિમિટેડ છે, આપણે બધા જ કોઇને કોઇ રીતે અધૂરા છીએ. મનમાં મેલવાળા છીએ. પણ આપણો પાડોશી, યાને પૃથ્વી પર, જીવનમાં આપણા ફેલો ટ્રાવેલર મનુષ્યો પણ એવા જ છે. એમના દિલમાં ક્યાંક દુષ્ટતા છે, તો આપણા દિલમાં ક્યાંક ય દુષ્ટતા છે. માટે જરાક જતું કરીને, માફકસર ગઇગૂજરી ભૂલીને પણ પ્રેમ કરવો.

બેઉ ટાઈમના અમોઘ હાથે શિકાર થયેલા જ છે, હારેલા જ છે. પછી કેટલીક નફરત કરવી? માટે કહાની જેવો સંપૂર્ણ ન યે થાય તો થાય એવો પ્રેમ કરવો. પરફેક્ટ લવ બધાના નસીબમાં નથી હોતો. હોય એનો ય કાયમી તો નથી જ રહેતો. તો જે છે એ ચાહતા શીખવું. સમાધાનમાં ય સુખદ સ્મિતની લાગણી થાય એનું જ નામ પ્રેમ!

અને છેવટે ધ એન્ડ. ફરી આવે છે આ બધી વાત સાંભળનાર ને સમી સાંજે ટહેલવા નીકળનાર દર્શક. પણ હવે દ્રશ્ય બદલાયું છે. સંધ્યાનો નારંગી પ્રકાશ રાત્રિનો ઘેરો અંધકાર બન્યો છે. પેલા ગીત ગાતા પ્રેમીઓ એ છાયામાં જાણે ઓગળી ગયા છે. ચાલ્યા ગયા છે. હવે તો ઘડિયાળો પણ ચૂપ થઇ ગઇ છે. અર્થાત, સમય હવે નોંધાતો નથી. આખરે તો આ દિવસ, સપ્તાહ, મહિના, વર્ષ બધા માણસે પોતાની સગવડતા માટે બનાવેલા એકમ છે.

પ્રકૃતિને એનાથી શું ફરક પડે? એનો લીલારાસ અનંત છે. સમયને ગણનારા માણસો ન રહે ત્યારે ય અદ્રશ્ય સ્વરૃપે સમય તો રહેશે, પણ એને કોઇ વ્યાખ્યા કે માપણીમાં સમાવી નહિ શકાય. મૃતાત્માને મહિનો, વર્ષ, ઉંમર કશું લાગુ પડતું નથી. એ તો એમને યાદ કરનાર જીવતા લોકો પુરતું છે. એ ય કોઇ દિવસે ગુજરી જાય પછી એમના માટે ય સમયનું અસ્તિત્વ લોપાઈ જાય.

માટે કોઇ ટ્રેક કરવાવાળું ન રહે કે કોઇ ટાવર ક્લોક ન રહે તો ય સમય સતત વહેતો જ જશે, લાઈક ડીપ ડાર્ક રિવર. ચિરંજીવ રહેશે. અનાદિ અનંત શિવત્વની નદી. બાકી બધું ભૂંસાઇ જશે. પ્રેમીઓ પણ, અને પ્રેમ પણ. પછી એ પ્રેમ પુસ્તક માટેનો હોય કે સંગીત માટેનો.

બિઝનેસ બ્રાન્ડિંગ માટેનું પેશન હોય કે પોલિટીકલ વિકટરીની આરઝૂ. બધી જ ચાહતને સમય સમાપ્ત કરી દેશે. અને આમ વધુ એક વર્ષ પંચાંગમાં બદલાય ત્યારે સમયના ખળખળ વહેતા જળને સંવેદનના ખડક પર બેઠાંબેઠાં નિહાળતાં ઉઠશે વિચારવમળો, જે યાદ અપાવી દેશે આ કવિતાની!

જાપાનમાં જન્મેલા અને બ્રિટનમાં વસેલા ખઝુઓ ઇશિગુરોને ૨૦૧૭નું સાહિત્ય નોબેલ પ્રાઈઝ મળ્યું. એમની કથા છે ‘રિમેન્સ ઓફ ધ ડે’. જેમાં મુખ્ય નાયક સ્ટીવન્સ છે. એકદમ ચીપીચીપીને વિચારી વિચારીને માપમા ને ભારમાં જીવવાવાળો બટલર. નવા શેઠ મસ્તમૌલા છે. કદી ન રજા લેતા સ્ટીવન્સને ધરાર વેકેશન પર મોકલે છે. આટલા વર્ષે ક્યાં જવું એનો ય એને વિચાર થાય છે. યાદ આવે છે કે એક જમાનામાં એના ઘરમાં એક યુવતી હાઉસકીપર હતી.

કેન્ટન. એ શરારત કરતી પણ સ્ટીવન્સને એની એટીકેટને લીધે શું જવાબ આપવો એ ય સૂઝતું નહીં ને પોતાનું કામ કરતો. આટલા વર્ષે એ મળવા બોલાવે છે પરણેલી કેન્ટનને. કલાકો વાતો થાય છે. કેન્ટન એના સંસારમાં સુખી છે, પણ જતી વખતે બસમાં ચડતા કહે છે કે ક્યારેક એમ થાય કે જિંદગી જરા જુદી રીતે જીવાઇ હોત તો હેપીનેસ વધુ હોત, જેમ કે તારી સાથે.

પણ કાયમ પાસ્ટમાં થોડું જીવાય છે? ને સ્ટીવન્સને થાય છે કે એ પોતે બસ ચૂકી ગયો. મનોમન એ ય પ્રેમ તો કરતો હતો, પણ અહેસાસ મોડો થયો. ભગ્નહૃદયી સ્ટીવન્સ કથાના અંતે સમજે છે કે આયખાની સાંજ ઢળવા આવી, ઢસરડામાં વેડફાયું જીવન. હવે બાકી વધેલો સમય યાને રિમેન્સ ઓફ ધ ડે જરાક મરજી મુજબની મજાઓ કરી લઇએ!

અને યાદ કરીએ એવી એક પળને જે આપણી મોસ્ટ ફેવરિટ મેમરી હોય. જેમાં કોઇની આંખમાં તાકીએ ત્યારે એ આપણા આત્મામાં ડોકિયું કરતા હોય એવું લાગ્યું હોય ને બાકીનું જગત એ ક્ષણ પુરતું મટી ગયું હોય! ત્યારે જો તમે એકલા ન હો, તો જે સાથે હોય એની સ્નેહસ્મૃતિની એક પળ ડેડલી ટાઈમ સામે નોંધાતું પરાક્રમ છે. સવંત સામે નોંધાતો વિક્રમ છે! બાકી લાઈફ ઈઝ લવ, ટાઈમ  એન્ડ ડેથ!

ફાસ્ટ ફોરવર્ડ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા, ઓળઘોળ આયખાનું મૂલ.
(માધવ રામાનુજ)

સરદાર વિરુદ્ધ નહેરુઃ એક અનંત સાઠમારીનો ઈતિહાસ

Standard

તડકભડકસૌરભ શાહ

( _સંદેશ_ : રવિવાર, 29 ઓક્ટોબર 2017)

સરદાર પટેલ વિશે ખૂબ લખાયું. દરેકે પોતપોતાની રીતે લખ્યું. પરંતુ હજુય એક વાત ખટકે છે કે સરદારને સ્વસ્થતાપૂર્વક મૂલવતું કોઈ જ સંપૂર્ણ પુસ્તક ઉપલબ્ધ નથી. સ્વ.યશવંત દોશી દ્વારા ગાંધીજીની પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ માટે બે ભાગમાં લખાયેલી સરદારની જીવનકથાને ઓલમોસ્ટ સંપૂર્ણ કહી શકો.ઓલ મોસ્ટ.

ભારતના બંધારણના ઘડવૈયા તરીકે આપણે સૌ ડો.આંબેડકરને યાદ કરીએ છીએ. અરુણ શૌરીએ ‘વર્શિપિંગ ફોલ્સ ગોડ્સ’માં બંધારણ ઘડવામાં સૌથી વધુ ફાળો કોનો કોનો હતો તે વિશે રિસર્ચ કરીને ઘણી મિથ તોડી છે. યશવંત દોશીએ નોંધ્યું છેઃ ‘બંધારણ માટે એક મુસદ સમિતિ (ડ્રાફટિંગ કમિટી) રચવામાં આવી હતી. તેના સભ્યો ડો. ભીમરાવ રામજી આંબેડકર (પ્રમુખ), અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર અને કનૈયાલાલ મુનશી હતા. આ કમિટી કલમોના મુસદ તૈયાર કરતી પણ કલમોમાં શું રાખવું અને શું ન રાખવું, તેનો અંતિમ રાજકીય નિર્ણય નહેરુ અને સરદારના હાથમાં હતો. એ બંનેની સંમતિ સિવાય મહત્ત્વનો કોઈ નિર્ણય થાય તેમ નહોતું. એટલે સમગ્ર બંધારણ ઉપર એ બંનેની વણલખી છાપ પડેલી છે.’

સરદાર જો ભારતના પહેલા વડા પ્રધાન હોત તો – એ પ્રશ્નને લઈને ખૂબ ચર્ચાઓ ઓલરેડી થઈ ચૂકી છે. સરદારની આ બાયોગ્રાફીમાંથી એક ઓછો જાણીતો પણ ખૂબ અગત્યનો એવો મુદે જડે છે. લોર્ડ માઉન્ટબેટન ભારતના છેલ્લા વાઈસરોય (૧૨ ફેબ્રુઆરી ૧૯૪૭થી ૧૫ ઓગષ્ટ ૧૯૪૭) અને પહેલા ગવર્નર જનરલ (૧૫ ઓગષ્ટ ૧૯૪૭થી ૨૧ જૂન ૧૯૪૮) હતા. રાષ્ટ્રપતિનો હોદે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક ઘોષિત થયું તે દિવસથી અમલમાં આવ્યો. માઉન્ટબેટનની નિવૃત્તિ નજીક આવતી હતી તે વેળાએ, મે ૧૯૪૮માં એમની જગ્યાએ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવી એ પ્રશ્ન ઊભો થયો. નહેરુની ઈચ્છા ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ને એ સ્થાને બેસાડવાની હતી. એમણે રાજાજીને વાત કરી. રાજાજીએ તે માટે અનિચ્છા દર્શાવી પણ એવું સૂચવ્યું કે નહેરુ (જે ઓલરેડી વડાપ્રધાન હતા) પીએમશિપ ત્યજીને ગવર્નર-જનરલ બને અને સરદારને વડાપ્રધાન પદ સોંપવામાં આવે. રાજાજીએ નહેરુને સમજાવ્યા કે આવી ગોઠવણ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ અતિ મૂલ્યવાન બનશે અને આંતરિક વ્યવસ્થાઓ માટે પણ અત્યંત કુશળ રહેશે. રાજાજીએ નહેરુ સમક્ષ એવો મત વ્યક્ત કર્યો કે હું જે માળખું સૂચવું છું તેમાં તમારી સત્તા વધુ હશે. પણ નહેરુએ એ સૂચન બાજુએ હડસેલી દઈ રાજાજી ગવર્નર જનરલનું પદ સ્વીકારે એવો આગ્રહ રાખ્યો. નહેરુને એ સમયે રાજાજી જેવા માણસની જરૂર હતી. રાજાજી બહુશ્રુત, વિદ્વાન હતા અને તેમની સાથેની વાતચીત પ્રેરક અને આનંદદાયક હતી તે તો ખરું જ. પણ ખરો મુદે કોમી પ્રશ્ન પરત્વે નહેરુ અને રાજાજીના સમાન દ્રષ્ટિબિંદુનો હતો. તેઓ બંને (એટલે કે નહેરુ અને રાજાજી બેઉ) લઘુમતીઓ સાથે નરમાશથી કામ પાડવાની જરૂર જોતા હતા. જ્યારે સરદાર લઘુમતીઓ સાથે કડક હાથે કામ લેવા ઈચ્છે છે એમ નહેરુ માનતા હતા. મોટા ભાગના કોંગ્રેસીઓ સરદાર જેવું જ વલણ ધરાવતા હતા. એટલે નહેરુને રાજાજી જેવા નેતાના ટેકાની આવશ્યક્તા હતી. નહેરુએ આગ્રહ રાખ્યો અને રાજાજીએ ગવર્નર જનરલનું પદ સ્વીકાર્યું. ૧૯૫૦ની સાલ નજીક આવતી હતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ થશે તેની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે થવા માંડી. ૧૯૪૯ના મે મહિનામાં કેટલાક છાપાંઓએ એવી વાત વહેતી મૂકી કે રાજાજી અને રાજેન્દ્રપ્રસાદના અનુયાયીઓ પોતપોતાના નેતા માટે પ્રચાર કરી રહ્યા છે. રાજાજી તે વખતે ગવર્નર જનરલ હતા અને રાજેન્દ્રબાબુ બંધારણ સભાના અધ્યક્ષ હતા. છાપાઓમાં એવું પણ લખાતું થયું કે નહેરુ રાજાજીને ટેકો આપે છે અને સરદાર રાજેન્દ્રબાબુને.

આવી ઉગ્ર જાહેરચર્ચા ચાલતી હતી ત્યારે, ૧૦ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ નહેરુએ રાજેન્દ્રબાબુને એક પત્રમાં લખ્યું:

‘આ બાબત અંગે મેં વલ્લભભાઈ સાથે ચર્ચા કરી છે અને અનેક દ્રષ્ટિએ જોતાં હાલની વ્યવસ્થા જેમ છે તેમ ચાલુ રાખવી એ જ ઉત્તમ માર્ગ છે એમ અમને લાગ્યું છે. એટલે કે રાજાજી રાષ્ટ્રપતિ તરીકે ચાલુ રહે. આથી ઓછામાં ઓછા ફેરફાર થશે અને રાજ્યનું તંત્ર પૂર્વવત્ ચાલતું રહેશે. અલબત્ત રાષ્ટ્રપતિ તરીકે તમારી વરણી થાય તે ખૂબ જ આવકાર્ય બને પણ તેમ કરવા જતાં ઘણા ફેરફાર કરવા પડે અને પરિણામે ઘણી ફેરવ્યવસ્થા કરવી પડે. વળી, આ તબક્કે રાજાજીને દૂર કરવા એ તેમના કાર્યની નિંદા કરવા જેવું મનાશે. જો આમ થાય તો ઘણી કમનસીબ ઘટના કહેવાય. આ કારણે વલ્લભભાઈને તથા મને લાગતું હતું કે સર્વાનુમતે ચૂંટણી થાય તે માટે રાજાજીનું નામ રજૂ કરવું જોઈએ. તમે આ સાથે સહમત થશો એવી આશા રાખું છું. અલબત્ત આ બાબતમાં બીજું કોઈ આવું સૂચન કરે તે કરતાં તમે જ આવું સૂચન કરો તે વધુ યોગ્ય લાગશે.’

આ પત્રથી રાજેન્દ્રબાબુને ઘણું માઠું લાગ્યું. ઓક્ટોબરમાં બંધારણવાળાના કોંગ્રેસ પક્ષના સભ્યોની સભામાં નહેરુએ દરખાસ્ત રજૂ કરી કે પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી રાજાજીને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવે. નહેરુ આ સૂચન અંગેનું ભાષણ કરતા હતા ત્યારે જ સભ્યોએ વિરોધના અવાજો ઉઠાવ્યા. એ ભાષણ પૂરું કરીને બેસી ગયા. ત્યારબાદ એક પછી એક સભ્યો ઊઠતા ગયા અને દરખાસ્તનો વિરોધ કરતા ગયા. સભાનો મિજાજ કડક હતો અને વિરોધ પ્રબળ હતો. અંતે સરદાર વચ્ચે પડયા. વડાપ્રધાન સાથે આવી રીતે વર્તવા માટે એમણે સભ્યોને ઠપકો આપ્યો. યશવંત દોશીએ લખેલી સરદારની જીવનકથામાં નોંધાયું છેઃ ‘નહેરુના ચરિત્રલેખક સર્વપલ્લી ગોપાલ એમ માને છે કે આ વ્યાપક વિરોધ વ્યક્ત થાય એવું સરદારે જ ગોઠવ્યું હતું.’

સાચું ખોટું ભગવાન જાણે. આપણે તો એટલું જાણીએ કે રાષ્ટ્રપતિપદ નહેરુની પસંદગીના રાજાજીને નહીં પણ સરદારની પસંદગીના રાજેન્દ્રપ્રસાદને સોપાયેલું!

પાન બનાર્સવાલા

વલ્લભાઈ મને ન મળ્યા હોત, તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.

– ગાંધીજી
——————————–
WhatsApp  Group : _ગુડ મૉર્નિંગ_ – સૌરભ શાહ 9004099112

http://www.facebook.com/saurabh.a.shah

hisaurabhshah@gmail.com

http://www.saurabh-shah.com

સૌરભ શાહનાં પુસ્તકો  ઘેરબેઠાં મેળવવા માટે : http://www.bookpratha.com/authors/Saurabh-Shah-Author/60316
અથવા
http://www.dhoomkharidi.com/authors/saurabh-shah

© Saurabh  Shah

ભગવાનની દુનિયા – ચંદ્રકાંત બક્ષી

Standard

હું ભગવાનને જોતો રહ્યો. એ એક મોટા ઉંદરને પાંજરાંમાંથી બહાર કાઢીને સુવડાવીને એની પીઠ પર પોતાની કોઢવાળી જાડી આંગળીઓ ફેરવી રહ્યો હતો. ઉંદર, પાળેલા જાનવરની જેમ શાંત હતો.

રિસર્ચ લેબોરેટરીમાં પ્રવેશતાં પહેલાં રિસેપ્શનના કાચના મોટા ક્યુબીકલમાં જઈને નામ લખાવી દેવું આવશ્યક હતું. અંદર બે ટેબલો પર બે માણસો બબ્બે ટેલિફોન લઈને બેઠા હતા અને પબ્લિક માટે ખૂણામાં એક પબ્લિક ટેલિફોન પણ હતો. એક સરદાર હતો, બીજો દક્ષિણ ભારતીય ખ્રિસ્તી જેવો લાગતો હતો.

એક ટેબલ પાસે જઈને હું ઊભો રહ્યો, ‘મારું નામ છે વ્યાસ… અને મારે ડૉક્ટર નિંજુરને મળવું છે.’

રિસેપ્શનવાળા ખ્રિસ્તી જેવા માણસે સામે પડેલું રજિસ્ટર જોયું, અને આજના મુલાકાતીઓનાં નામો જોવા લાગ્યો. તરત જ મેં મારા નામ પર આંગળી મૂકી – ‘આ રહ્યું મારું નામ! મેં આગળથી અપોઈન્ટમેન્ટ લઈ રાખી છે.’

‘બેસો.’

એણે ડૉક્ટર નિંજુરને ફોન જોડયો – ‘એ વિઝિટર ફોર યૂ, સર…! યેસ સર…!…’ પછી એણે રિસીવર મને આપતાં કહ્યું, ‘ટોક ટૂ ડૉક્ટર નિંજુર!’

‘હું વ્યાસ બોલું છું.’

‘કેટલી વાર થઈ?’

‘બસ – હમણાં જ આવ્યો.’

‘અચ્છા, યૂ વેઈટ…! હું લેબોરેટરીની બસમાં આવું છું… પછી ઉમેર્યું, ‘તું નિરાંતથી બેસજે વ્યાસ, મને અમારી મિનિ બસમાં આવતાં દસેક મિનિટ થશે ખરી!”

‘ઈટ્સ ઑલ રાઈટ…! ટેઇક યોર ઓન ટાઇમ…!’

મેં એક સિગારેટ પૂરી કરી ત્યાં મિનિ બસ આવતી જોઈ. સ્ત્રી-પુરુષો ઊતર્યાં, પછી ડૉક્ટર નિંજુર ઊતર્યો. દૂરથી વેવ કર્યું, હું કાચની દીવાલમાંથી જોઈ શક્યો. મેં પણ વેવ કર્યું.

‘હાય -!’ અંદર આવીને એ બોલ્યો.

‘હાય!’

‘પણ… તું કેમેરા લાવ્યો નથી?’

‘આજે માત્ર જોઈ લેવાનો વિચાર છે. કેમેરા-વર્ક પછી આવીને કરીશ.’ મેં કહ્યું.

‘અચ્છા, કમ ઓન!’ આ જ મિનિ બસમાં આપણે બેસી જઈએ. નહીં તો… એને પાછી આવતાં ફરી દસ મિનિટ થશે.

‘ચાલ.’

હું અને નિંજુર કાચના ક્યુબીકલમાંથી નીકળીને કર્બ પાસે ઊભેલી મિનિ બસમાં ચડી ગયા. સીટ પરથી, બારીની બહાર સરોવર અને ફેલાયેલા પર્વત દેખાઈ રહ્યા હતા. ડ્રાઈવર સિગારેટના બે ઝડપી કશ ફૂંકીને પગ નીચે સિગારેટ દબાવીને, ફરીથી આવીને એની સીટ પર બેસી ગયો. મોઢું ફેરવીને બસની અંદર જોતાં એણે ગિયર બદલ્યું.

નિંજુરે પૂછ્યું, ‘તું સ્ટુડિયો પરથી જ આવ્યો છે!’

‘હા, ઘેરે જવાનો ટાઇમ જ રહ્યો નહીં. પછી’ – ‘અહીં તમારે સખ્ત સિક્યુરિટી રાખવી પડે છે?’

‘રાખવી જ જોઈએ.’ દૂર સરોવરમાં બનાવેલા લાકડાના પ્લેટફોર્મ તરફ જોતાં એ બોલ્યો, ‘રિસર્ચ લેબોરેટરી છે!’

હું બારી બહારનો પાણીનો વિશાળ પટ, તડકામાં ચમકતો અને શાંત, જોઈ રહ્યો. હવામાં ઠંડક અને થોડી સનસનાહટ હતાં. ડાબી તરફના ઊંચા ડુંગરના ઢાળ પર કાપી નાખેલાં જંગલી વૃક્ષોનાં ઠૂંઠાં સ્પષ્ટ દેખાતાં હતાં – કદાચ વાહનવ્યવહારના માર્ગમાં એમની ડાળીઓ આડી આવી જતી હશે અને પાનખરમાં ખરતાં પાંદડાંઓની સફાઈનો પ્રશ્ન પણ રહેતો હશે.

‘અચ્છા, વ્યાસ! તારે કેટલું શૂટિંગ કરવું છે?’

‘ફિનીશ્ડ… હજાર ફીટ જેટલું લગભગ.’

‘અને ખાસ -?’

‘ખાસ કંઈ નહીં. લેબોરેટરીમાં તો કેમેરા-વર્કની મને રજા પણ નથી. અને મારે માત્ર વૈજ્ઞાાનિક વાતો નથી કરવી. અહીં કામ કરતા માણસો, એમની દુનિયા, એમનું જીવન – એ બધું આવવું જોઈએ. એ ન આવે તો પણ વાંધો નથી. મને એક જ વૈજ્ઞાાનિક કે ચપરાસી કે લિફ્ટ બોયમાં રસ પડે તો હું માત્ર એને જ શૂટ કરું. એકાદ સસલા જેવી સુંવાળી લેબ-એસિસ્ટન્ટ દેખાઈ જાય તો… આપણે એની પણ ફિલમ ઉતારી શકીએ!’

‘સાલા…!’

‘ઈટ હેઝ ટુ બી હ્યુમન…! તદ્દન ડોક્યુમેન્ટરી જેવું ન બનવું જોઈએ.’

‘સમજી ગયો.’ નિંજુર જરા વિચાર કરીને બોલ્યો.

મિનિ બસ એક ચૌરાસ્તા પર ઊભી રહી ગઈ. આસપાસ અદ્યતન મકાનો, લાંબાં, ઊંચાં, વર્તુળાકાર, કાચ અને ક્રોમીઅમની ચમક અને વિજ્ઞાાનની કિટાણુ રહિત તીવ્રતાવાળાં…

અમે ઊતરી ગયા.

‘ચાલ, પહેલાં મારી લેબમાં -‘

હું નિંજુરની પાછળ પાછળ ચાલવા લાગ્યો. એકાએક એણે અટકીને મને કહ્યું, ‘વ્યાસ! તને જે પાસ આપ્યો છે એ છે ને? નહીં હોય તો… બહાર નીકળવા માટે કલાકની વિધિ કરવી પડશે!’

નિંજુરે એની લેબમાં એની બે એસિસ્ટન્ટોની ઓળખાણ કરાવી, કોફી પાઈ, પછી ફોન જોડયો. ફોન એંગેજ્ડ આવતો હતો એટલે રિસીવર ક્રેડલ પર મૂકીને કહ્યું, ‘મારી ઈચ્છા એવી છે કે આપણે પહેલાં બેઝમેન્ટથી શરૃ કરીએ – પણ એક વાત : તું જરા ગંધ સહન કરી શકશે ને?’

‘એટલે? વોટ ડુ યૂ મીન?’

‘આઈ મીન… વ્યાસ, બદબૂ. બહુ નહીં હોય, પણ હશે ખરી.’

‘કેમ? તું મને નર્કમાં લઈ જવા માંગે છે?’

‘નર્કમાં નહીં, પૃથ્વી પર. નીચે એક જુદી દુનિયા છે – અને એ તારે જોવી જોઈએ.’

‘બેઝમેન્ટમાં છે?’

‘હા, ત્યાં અમારું એનિમલ-ફાર્મ છે! અમારી લેબોરેટરીઝ માટે અમારે જે જાનવરોની જરૃર પડે છે એ અમે નીચેથી મંગાવી લઈએ છીએ. પણ ત્યાં આવું બધું નથી -‘ નિંજુરે એની લેબમાં નજર ફેરવતાં કહ્યું, ‘આ તો સ્વર્ગ છે. અહીં તો – એણે સ્વર જરા ધીમો કરી નાંખ્યો, ‘અપ્સરાઓ પણ છે… નીચે પૃથ્વી પર દસ હજાર પ્રાણીઓ છે – ઉંદરો!”

‘એટલે તું મને તારા ઉંદરો બતાવવા માંગે છે?’

‘એ ઉંદરો પર તો અમારી લેબોરેટરી ચાલે છે, યાર…! જોવા જેવું છે. બહુ મોટો વિસ્તાર છે. એક એક પાંજરું, એમાં એક એક પરિવાર, એ બધાંને ખાવા-પીવાનું આપવાનું. રોજ એમનો ખ્યાલ રાખવાનો, રેકર્ડ રાખવાનો. જન્મથી મરણ સુધી એકેએક જાનવરનો રેકર્ડ રાખવાનો – જન્મ્યા પહેલાં નર અને માદાનો રેકર્ડ રહે. પછી એના પોસ્ટમોર્ટમનો રેકર્ડ રાખવાનો!’ નિંજુર હસ્યો – ‘સાલી એક વિચિત્ર દુનિયા છે. બહારવાળાને અમે અંદર પણ જવા દેતા નથી!’

હું જરા વિચારમાં પડી ગયો.

‘ઓ.કે.’

નિંજુરે ફોન કર્યો. આ વખતે લાઈન મળી ગઈ – ‘ચાલ!’

નીકળતાં નીકળતાં એણે એક અપ્સરાને બોલાવીને કહ્યું, ‘મેનકા! હું અને વ્યાસ બેઝમેન્ટમાં છીએ. જરૃર પડે તો જ ફોન કરજે, નહીં તો મેસેજ લઈ લેજે!’

‘રાઇટ, સર!’ મેનકાએ કહ્યું.

ખોવાઈ જવાય એવી લોબીઓ અને રેઇલિંગો, નાની નાની એકદમ સાફ સીડીઓ જેમાંથી ડીસઈન્ફેકટન્ટની તેજ વાસ આવતી હતી. સફેદ વ્હાઇટ-વોશ કરેલી સામસામી દીવાલો, સફેદ ઓવરઓલ પહેરીને ઝપાટાબંધ જઈ રહેલા બુદ્ધિશાળી માણસો, આંખોને ધક્કો મારે એવી સ્વચ્છતા અને સફેદી, અને ક્યાંક ક્યાંંકથી લિફ્ટના અવાજો.

નિંજુર ગાયબ ન થઈ જાય એ તકેદારીથી હું એની પાછળ ચાલતો ઊતરતો રહ્યો. એ વાત કર્યા વિના ઝડપથી ચાલતો હતો. છેવટે એક લિફ્ટમાં પ્રવેશીને એણે કહ્યું, ‘હવે આપણે આવી ગયા છીએ.’

લિફ્ટ ઊભી રહી, અમે બહાર નીકળ્યા. એક કાચનું બારણું ખોલીને પ્રવેશ્યા, સફેદ ઓવર-ઓલ પહેરેલા કર્મચારીઓ ટ્રોલીઓ લઈને લોબીમાં આવજા કરતા હતા. એણે એક છોકરાને પૂછ્યું, ‘સાહબ ક્યાં છે?’

‘ત્રણ નંબરમાં.’

ત્રણ નંબરની રૃમનું બારણું ખોલીને અમે બંને પ્રવેશ્યા. મોટા રૃમમાં ચારે તરફ પાંજરાં ગોઠવેલાં હતાં અને વાસ – નિંજુરે કહી હતી એ વાસ – નસકોરાંઓમાં થઈને ફેફસાંઓ સુધી ઘૂસી ગઈ. સામે ટેબલ પર બેઠેલા માણસે સ્મિત કર્યું. એક કાળો માણસ જાડાં ચશ્માં, સફેદ ઓવર-ઓલ, ટેબલ પર ગોઠવેલી આંગળીઓ અને પંજાનો અમુક ભાગ કોઢને લીધે તદ્દન સફેદ અને વાંકા દાંત…

‘આ મારો દોસ્તો છે, વ્યાસ! મેં તને એના વિષે બધી માહિતી આપી દીધી છે… અને,’ મારા તરફ મોઢું ફેરવીને, ‘આ છે અમારો ભગવાન! અમારું એનિમલ-ફાર્મ એના હાથમાં છે. અહીંની દુનિયામાં જન્મથી મૃત્યુ સુધી બધું એના હાથમાં છે. હી ઈઝ એન ઓથોરિટી ઓન હિઝ સબ્જેક્ટ…!’

મેં કોઢવાળી જાડી આંગળીઓ સાથે હાથ મિલાવ્યા.

‘મેં એમનું નામ મિસ કર્યું.’ મેં નિંજુર તરફ જોયું, પ્રશ્નાર્થ.

‘એનું નામ કેમ મિસ થાય? એનું નામ છે ભગવાનસિંઘ, પણ અમે બધા એને ભગવાન કહીએ છીએ.’

અમે ત્રણે સાથે ખડખડાટ હસી પડયા.

લાકડાના એક કબાટમાંથી ભગવાને બે સફેદ જાડા, કપડાના લાંબા કોટ કાઢ્યા. એક નિંજુરે પહેર્યો, બીજો મેં એને જોઈને પહેરી લીધો. ચેપ ન લાગે એ માટેની આ વિધિ હતી. આખું બેઝમેન્ટ એરકન્ડિશન્ડ હતું અને દસ હજાર જાનવરોની વાસથી અહીંની હવા ભીની અને તીવ્ર અને બોઝિલ મહેસૂસ થઈ રહી હતી. વર્તુળાકાર લોબી હતી. વચ્ચે મોટા મોટા રૃમો હતા જેમાં ગોઠવેલાં પાંજરાંઓમાં જાનવરો હતાં અને એક જ જેવા લાગતા કર્મચારીઓ, કપડાં સફેદ ગોળાકાર ટોપીઓવાળી વરદીઓ પહેરીને કામ કરતા નજર આવી રહ્યા હતા.

અહીં એક જ દિશામાંથી જવાનું હતું. જ્યાંથી પસાર થઈએ ત્યાં પાછા આવવાનો નિયમ ન હતો, ભગવાને સમજાવ્યું.

પછી એણે આગળ ચાલતાં કહેવા માંડયું, ‘વર્ષે પચાસ હજાર રૃપિયાના અમારે ઘઉં ખરીદવા પડે છે.’ ખાદ્યભંડારમાં ચાર મોટાં મશીનો ઉંદરો માટે ખોરાક તૈયાર કરી રહ્યાં હતાં. ‘આ સિવાય ચણા અને બીજો સામાન’

અમે બહાર નીકળ્યા, મને થતું નિંજુરને કહું કે આ બધું જોવામાં મને બહુ રસ નથી, પણ ભગવાનને જોઈને હું ચૂપ રહ્યો.

બીજા કમરામાં પ્રવેશીને અમે ઊભા રહી ગયા. એક માણસ એક પાંજરું ખોલીને નાના નાના સફેદ ઉંદરોને ગરદનની ચામડી પકડીને નંબરો આપી રહ્યો હતો. એની સામે ટેબલ પર, બસ-કંડ્કટરો ટિકિટો પંચ કરવા માટે હાથમાં રાખે છે એવું એક પંચ પડયું હતું અને એક કાતર હતી. એણે પકડેલા ઉંદરના એક કાનમાં પંચ કરીને કાણું પાડયું, પછી કાતર લઈને આગળના એક પગનો બીજો નખ અને પાછલા પગના છેલ્લા નખો કાપી નાંખ્યા. દબાયેલા ચિત્કાર કરતા ઉંદરને પકડીને ભગવાને કહ્યું,

‘આ અમારી નંબર આપવાની રીત છે. આ ઉંદર હવે ગમે તે પાંજરામાં હોય અમે એને એના પાંજરામાં મૂકી શકીએ – કાન પંચ કર્યો એટલે એક હજાર, આ બીજો નખ કાપ્યો એટલે બસો અને પાછલા પગના નખ એટલે સોની અંદરના આંકડા. હવે આ નંબર આ ઉંદર મોટો થઈને મરશે ત્યાં સુધી એની સાથે રહેશે.

‘ પછી ભગવાને પાંજરાની બહાર લટકતું કાર્ડ બતાવીને સમજાવવા માંડયું, ‘આમાં બધી માહિતી છે. નરનો નંબર ખઠ ૩૬૫૨ છે. માદા ખરૃ ૪૨૧૭ છે. આ માદાનું આ બીજું લિટર છે. પહેલી વાર એને આઠ બચ્ચાં થયાં હતાં, ચાર નર અને ચાર માદા. આ વખતે દસ થયાં છે, છ નર અને ચાર માદા. આ પહેલા લિટરની તારીખ, પછી બીજી વારના પ્રસવની તારીખ અને વિગતો છે.

દરેક બચ્ચાનું જુદું ફાઈલ-કાર્ડ છે, પૂરી વિગતો સાથે.’ એક ફાઈલમાંથી એણે કાર્ડ કાઢ્યું અને સમજાવવા માંડયું, ‘આ અમેરિકાનું સ્ટ્રેઈન છે. છઠ્ઠે મહિને આ ઉંદરને કેન્સર થવું જ જોઈએ. ન થાય તો આ સ્ટ્રેઇન નકામું કહેવાય. મરી ગયા પછી ઉંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને રિપોર્ટ આમાં ફાઈલ થશે. દરમ્યાન લેબોરેટરીમાં જરૃર પડશે તો અમે અહીંથી સપ્લાય કરીશું.’

‘આ બધા કેન્સરના ઉંદરો છે?’

‘હા, અહીં લ્યુકેમિયા, બ્રેસ્ટ કેન્સર અને કેન્સરના છે.’

પાંજરાઓમાં નાના-મોટા સેંકડો ઉંદરો હતા, ભૂખરા અને સફેદ. પ્લાસ્ટિકની એક ટયૂબ પાંજરાની અંદર સુધી જતી હતી જેમાંથી ઉંદરો પાણી પી શકતા હતા. બીજી વ્યવસ્થા એક પતરાના ઢાળ પરથી ખોરાકનો ભૂકો અંદર સરક્યા કરવાની હતી. દરેક પાંજરામાં ઉંદરો સરકતા ખોરાકને બટકાં ભરવાની કોશિશો કરી રહ્યા હતા.

‘આ સ્ટ્રેઈન બદલાઈ જાય તો? અથવા એમાં દાસ-બ્રીડિંગ થઈ જાય તો?’ મેં પૂછ્યું.

ભગવાનના ચહેરા પર આશ્ચર્ય આવી ગયું, અહીંની સૃષ્ટિના કોઈ નિયમભંગની જેમ. એ બોલી ઊઠયો, ‘એમ બને જ કેવી રીતે? અહીં અમે ભાઈ અને બહેનને જ મેટિંગ કરાવીએ છીએ અને એમાંથી નવી પ્રજા પેદા થતી રહે છે.

એટલે સ્ટ્રેઈન સો ટકા બરાબર જ રહે. અમારી પાસે સફેદ, ગુલાબી, ભૂખરા, કાળા ઘણા બધા સ્ટ્રેઈન છે. બધાની પ્રજાઓ જુદી જ રહેવાની. બીજી વાત એ કે જો આ ઉંદરને પાંજરાની બહાર પણ મૂકો તોપણ એ ભાગવાના નહીં, કારણ કે એ જન્મ્યા છે આ પાંજરામાં અને મરવાના પણ આ પાંજરામાં… એટલે એમને સ્વતંત્ર થઈને પાંજરાની બહાર નીકળી શકાય એ ખબર જ નથી.

એમનો સ્વભાવ જ નથી. એમનો એક કેસ પણ એવો બનતો નથી – એકેએક જાનવરનું કાર્ડ છે, ફાઈલ છે, ઈતિહાસ છે, નંબર લગાવી દેવામાં આવે છે – તમે જોયું! એમને પેટ ભરીને સ્ટરીલાઈઝ્ડ ખાવાનું અપાય છે, પાણી અપાય છે, પાંજરાની બહાર નીકળવાનું કોઈ કારણ નથી – સિવાય કે લેબમાં પ્રયોગ માટે જરૃર પડે…’ ભગવાન હસવા લાગ્યો, ‘આ તો દુનિયાના સુખીમાં સુખી ઉંદરો છે. એમની પાછળ અમે વર્ષે લાખો રૃપિયાનો ખર્ચ કરીએ છીએ…!’

નિંજુરે ઉમેર્યું, ‘વ્યાસ, ભગવાનને સસલાં કે ગીનીપીગ કરતાં ઉંદર વધારે ગમે છે. કારણ કે ઉંદર એક સાથે ચૌદ બચ્ચાં પણ આપે છે જ્યારે ગીનીપીગ એક પ્રસવમાં માત્ર ત્રણ જ જન્મે અને એ પણ બે પ્રસવોની વચ્ચે સમય પણ વધારે લાગે છે! અને ગીનીપીગને પાંજરાં મોટાં જોઈએ, જગ્યા ઘણી રોકે, ખાવા પણ વધારે જોઈએ. ઉંદરોને માટે એક જ સાઇઝનાં આવાં પાંજરાં હોય તો આઠ-દસ એક સાથે રહી શકે. એમનું લિટર પણ જલદી આવે છે. અમારું એનિમલ-ફાર્મ બહુ પ્રખ્યાત છે. ભગવાનના ઉંદર એક્સપોર્ટ પણ થાય છે.’

હું ભગવાનને જોતો રહ્યો. એ એક મોટા ઉંદરને પાંજરાંમાંથી બહાર કાઢીને સુવડાવીને એની પીઠ પર પોતાની કોઢવાળી જાડી આંગળીઓ ફેરવી રહ્યો હતો. ઉંદર, પાળેલા જાનવરની જેમ શાંત હતો.

‘આ લોકો પણ જે આંગળીઓ ખવડાવે છે એને બરાબર ઓળખી જાય છે.’ ભગવાને સંતોષથી કહ્યું.

નિંજુરની લેબમાં આવી ગયા છતાં નાકમાંથી બેઝમેન્ટની દુનિયાની વિચિત્ર ગંધ-ઉંદરોનાં શરીરોની, ખોરાકની, વિષ્ટાની, ભગવાનની – ખસતી ન હતી.

‘આપણે કોફી પીને હવે લેબ્ઝ જોઈ લઈએ.’ નિંજુરે કહ્યું.

‘નહીં યાર, હવે મારે લેબ્ઝ જોવી નથી.’

‘કેમ? કેમ?’

‘એટલા માટે કે મારે જે ફિલ્મ ઉતારવી છે એનો સામાન મને મળી ગયો છે. મારે હજારેક ફીટ જોઈએ. નવસો હશે તોપણ ચાલશે. ફિલ્મ સ્લો ફેરવીશું તો એટલો જ સમય લાગશે. શરૃમાં થોડા મોન્તાઝ શોટ્સ વાપરીશું. બાકી આ ભગવાનની દુનિયા બહુ મોટી છે. એને પ્રશ્નો પૂછીશ અને બાકી શૂટિંગ કરી લઈશ. અફલાતૂન કામ થવાનું અને ડોક્યુમેન્ટરી જેવું બનવાનો હવે કોઈ જ સંભવ નથી.’

નિંજુર જોઈ રહ્યો.

‘સાલા – તું ક્રેઝી થઈ ગયો છે, અમારા ભગવાનની જેમ. તારે લેબ્ઝ જોવી નથી?’

‘જોઈશ. પણ મારું શૂટિંગ હું બેઝમેન્ટમાં જ કરવાનો છું.’

દરમ્યાન કોફી આવી અને મેનકા આવી. મેનકાએ બધાની કોફી બનાવવા માંડી. એની રેશમી આંગળીઓ હું જોતો રહ્યો.

ગમ્યું.

લેખકનો પરિચય

ચંદ્રકાંત બક્ષી

જન્મ : ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨

નિધન : ૨૫ માર્ચ, ૨૦૦૬

ગુજરાતના અસંખ્ય વાચકોના લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીનો જન્મ ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨માં પાલનપુરમાં થયો હતો. કોલકાત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે બી.એ.નો અભ્યાસ કર્યો હતો. એ પછી એમ.એ. અને એલએલબીની ડિગ્રી મેળવી હતી. બક્ષીબાબુ ૭૦ના દશકામાં મુંબઈ સ્થાઈ થયા હતા. ઈતિહાસના અધ્યાપક તરીકે કારકિર્દી શરૃ કરવાની સાથે સાથે તેમનો નાતો લેખન સાથે જોડાયો હતો.

લેખનશૈલી અને  વિષય વૈવિધ્યના કારણે તેમણે ગુજરાતી લેખનમાં આગવો વાચકવર્ગ મેળવ્યો હતો. વિવિધ અખબારોમાં આવતી તેમની કોલમોએ અપાર લોકચાહના મેળવી હતી. તેમના લગભગ ૨૦૦ જેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. તેમાં ઈતિહાસ પરના પુસ્તકો : મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ વગેરેનો સમાવેશ થાય છે. ‘પડઘા ડૂબી ગયા’, ‘પેરેલિસિસ’, ‘અયનવૃત્ત’ સહિત તેમણે લગભગ ૨૬ નવલકથાઓ સર્જી હતી.

તેમના ૧૫ જેટલાં ટૂંકી વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા હતા.  ૬ રાજકીય વિશ્લેષણાત્મક પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનના પુસ્તકો પણ લોકપ્રિય નીવડયા હતા. ‘ગુજરાત સમાચાર’માં બક્ષીબાબુ ‘વાતાયન’ અને ‘સ્પિડબ્રેકર’ નામની કોલમ લખતા હતા.
– ચંદ્રકાન્ત બક્ષી

ડગલું ભર્યુ કે પીછે ન હટવું..વાત કવિ નર્મદની…

Standard

સૈયદ શકીલ

કવિ, નિબંધકાર, આત્મચરિત્રકાર, નાટયલેખક, કોષકાર, પીંગળકાર, સંપાદક, સંશોધક, જન્મ સુરતમાં, વૈદિક નાગર બ્રાહ્મણ, પરિવારમાં પિતા લહિયા મુંબઈ ધંધાર્થે રહેતા હતા. કવિ નર્મદ બાલ્યવસ્થા મુંબઈમાં પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ, પછી સુરતમાં ઈચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાની શાળામાં અભ્યાસ, 1844માં નાની ગૌરી સાથે લગ્ન બાદ 1845માં અંગ્રેજી શાળામાં પ્રવેશ, 1850માં મુંબઈની એલ્ફિસ્ટન ઈન્સટીટયૂટમાં દાખલ થયા. પણ કોલજનો અભ્યાસ અધુરો રહ્યો. 1852માં રાંદેર ગામની શાળામાં શિક્ષક, 1953માં પત્નીનું દુખદ નિધન, 1854માં પુન:મુંબઈ જઈ અભ્યાસમાં ચિત્ત પરોવાવાનો પ્રયાસ કર્યો.

કવિતા પ્રત્યે આકર્ષણ, વર્ડઝ વર્થની કવિતા પ્રકૃતિ કવિતોનો પ્રભાવ, 23મી વર્ષમી વર્ષગાંઠથી કાર્યલેખનની શરૂઆત, 1856માં કોલેજનો અભ્યાસ અધુરો છોડી ડાહી ગૌરી સાથે લગ્ન કર્યા. 1858ની 23મી નવેમ્બરે નર્મદે શિક્ષકની નોકરીને તિલાંજલિ આપી. હમેશા માટે નોકરી ન કરવાની અને કલમનાં ખોળે રહીને જીવવાની પ્રતિજ્ઞા લીધી. અનેક સંકટો વચ્ચે ઝઝુમી નર્મદે સાહિયોપાસના અને સમાજ સુધારણા જીવનને સમર્પિત કર્યું.

1864મા નર્મદે દાંડીયો પખવાડિયકનો પ્રારંભ કર્યો. સુધારા વિશેનો ભ્રમ ભાંગતા ઉત્તવયે નર્મદનું વિચાર પરિવર્તન થયું. આર્ય ધર્મ અને સંસ્કૃતિનાં પુનરૂત્થાનને સ્વધર્મ માન્યો. 1876માં કવિએ મુંબઈ જઈ નાટકો લખવાનું કામ શરૂ કર્યું. 1882માં પ્રતિજ્ઞા છોડી. ગોકળદાસ તેજપાલનાં ઘર્માદા ખાતામાં મંત્રી તરીકેની નોકરી સ્વીકારી. કાઠીયાવાડી ગેઝેટીયરનાં અનુવાદનું કામ સ્વીકાર્યું. આઠ મહિનાની માંદગી બાદ 53 વર્ષની વયે નર્મદે આ દુનિયાને અલવિદા કહી દીધી.

નર્મદ એક વીર કવિ હતા. તેમની કાવ્યવિભાવના અદ્વિતીય હતી. પ્રકૃતિ અને પ્રણયનો કૈફ માણનાર નર્મદની સમાજહિત, દેશદાઝ અને સ્વતંત્રતાને કાવ્યમાં પ્રસ્તુત કરવાની હોશ અપૂર્વ છે . સમાજની અવદશાને અનુભવે જન્મેલા શોકની લાગણી બે દિર્ધ કાવ્યો હિન્દુઓની પડતીઓ, વીરસિંગમાં દ્રષ્ટિગોચર થાય છે. ગુજરાત પ્રેમને પ્રગટ કરતું જય-જય ગરવી ગુજરાત અને અંગત ઉર્મીઓને સંયમિત સૂરમાં વ્યક્ત કરતું અવસાન સંદેશ પણ ઉલ્લેખનીય છે.

રામનારાયણ પાઠકે નર્મદને અર્વાચીન ગદ્ય-પદ્યનાં આદ્ય પ્રણેતા તરીકે ઓળખાવ્યા છે. ગુજરાતી કવિતાને નવી દિશામાં વાળનાર નર્મદ દ્વારા જ ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ પણ થાય છે. ‘મંડળી મરવાથી થતા લાભ’ નામે વિદ્યાર્થી અવસ્થામાં તેમણે નિબંધલેખન કરીને ગદ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. એ પછી લગભગ સાડાત્રણ દાયકા સુધી નર્મદે વિવિધ સ્વરૂપો મારફતે ગદ્યનું નિરૂપણ કર્યું હતું. નિબંધ ઉપરાંત  આત્મચરિત્ર, જીવનચરિત્ર, નાટક, વિવેચન, ઈતિહાસ, પત્રકારત્વ વગેરે સ્પરૂપોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.  નર્મદમાં વિષયોનું વર્તુળ તેમના સમકાલીન લેખકો અને કવિઓ કરતાં વધુ વિશાળ અને બહોળું હતું. તેઓ દુરંદેશીતાથી ભવિષ્યને પોતાની કલમમાં ઓપ આપતા હતા. નર્મદે કલ્પેલી આધુનિક ગુજરાતી સાહિત્યની પરિકલ્પના આજે પણ સાર્થક થયેલી જોવા મળી રહી નથી.

નર્મદ પર આજે પીએચડી અને અન્ય સંશોધનો થયા કરે છે પરંતુ વાસ્તવમાં નર્મદાવલિનાં એક મણકાને પણ આત્મસાત કરવાની કોઈને પડેલી હોવાનું જણાતું નથી. નર્મદનાં નામે વિશાળ યુનિવર્સિમટી અને અન્ય પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા છે પરંતુ નર્મદ ક્યાં છે? 

સુરતનાં કોટ વિસ્તાર એટલે જૂના સુરતમાં આમલીરાનમાં નર્મદનું મકાન અને તેની જાળવણી માટે સતત ઝઝુમી રહેલું ટ્ર્સ્ટ અને સુરત મહાનગર પાલિકાનાં પ્રયાસો અવશ્ય બિરદાવા યોગ્ય છે. હવે તો નર્મદનાં મકાનની આબેહૂબ નકલ કરીને યુનિવર્સિટીમાં નર્મદાલાય બનાવવામાં આવ્યું છે. સારી વાત છે, પરંતુ નર્મદનાં વિચાર વૈભવને જીવનમાં ધબકતું રાખવાનું પણ એટલું જ અનિવાર્ય છે. જે ગુજરાતીપણું નર્મદમાં જોવા મળે છે તે અન્ય કોઈ કવિ કે લેખકમાં આટલા સૈકાઓ બાદ પણ એટલી જ મક્કમતાથી જોવા મળી રહ્યું નથી.