Daily Archives: November 5, 2017

એક હૃદયસ્પર્શી પ્રસંગ

Standard

એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો.
ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ.

યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.
એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળક ને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી.

યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે,

‘જુઓ ને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’

પેલા યજમાન બહેન બોલ્યાં. ‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’

પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું,

‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે.મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતા સાહેબ ની દવા પછી હવે એ બરાબર જમી લે છે.તમે પણ એમને બતાવોને ?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું :

‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’‘

“ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’

હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી.

ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી.ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું :

‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?

’‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણી પૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.

“ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે.હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું…એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે.”

ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા….

દોસ્તો,

અમીરો ની અમીરાઈ જોઈ ને જેટલી ઝડપે આપણી આંખ અંજાય છે.
એટલી જ ઝડપે ગરીબો ની ગરીબાઈ જોઈ ને આંખ ભીંજાવી જોઈએ.

અને છેલ્લે…

અમિર ને એમ કહેતા પણ સાંભળ્યા છે..
“શુ કરિયે તો ભુખ લાગે ?

ગરીબ ને એમ કહેતા પણ સાભળ્યા છે..

“ભુખ લાગી છે..શુ કરિયે ?

   

સી.જી. રોડની એ રાત

Standard

અમદાવાદનો એક સાધારણ પરિવારનો યુવક,
એક સ્રીને સંરક્ષણ આપે છે.
વિદેશી મૂળની પ્રવાસી હોવાથી એ યુવતી સાથે ભાષાકીય નહીં પણ ભાવાત્મક લાગણીની આપ-લે થાય છે.
વર્ષો પછી મળ્યાં અને પછી શું થયું?

વાંચો – લેખક વિષ્ણુ દેસાઈની રોચક વાર્તા.

અમદાવાદમાં તેની શાન ગણાતો અને રાત પડે સુમસાન બનીને સ્મશાન ભાસતો સી.જી. રોડ છે. વળી આ આખો વિસ્તાર કોમર્શિયલ એરિયા હતો. એટલે દુકાનો, શો રૂમ્સ અને હાઈક્લાસ હોટેલ્સથી ભરપુર હતો. અહી રેસિડેન્ટ એરિયા બિલકુલ નહિવત હતો. એટલે રાતનો સમયે આ વિસ્તાર નિર્જન રહેતો. એક સમયની વાત છે. જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો હતો. શિયાળો પુર બહારમાં જામ્યો હતો. રાતનું તાપમાન ઘણીવાર ૮ ડીગ્રીથી પણ નીચે આવી જતું હતું. આવી ઠંડીમાં રાત પડે ચકલું પણ ફરકતું નહી. સાંજ પડતાં જ જીવ જનાવર બધા જ ઠંડીથી બચવા પોતાના ઠેકાણે ભરાઈ જતા.

રાતના બે વાગ્યાનો સમય હતો. દિવસ દરમ્યાન લોકોની ચહલ પહલથી ધબકતો રહેતો સી.જી. રોડ સુમસાન પડ્યો હતો. ટાંકણી પણ પડે તોય સંભળાય એવી નીરવ શાંતિ ચોમેર વ્યાપેલી હતી. મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો એહસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતુ હતું. તે હવે આગળ શું કરવું અને કઈ બાજુ જવું તેનો વિચાર કરતી હોય તેમ તેના ચહેરા અને શરીરના હાવભાવ પરથી લાગતું હતું. તે કોઈ નિર્ણય લે તે પહેલા તેને ફરીથી પેલા ટોળાનો પાછા ફર્યાનો અવાજ સંભળાયો. તે પોતાની જાતને એ ટોળાથી છુપાવવાની જગ્યા શોધવા લાગી.

એ જ્યાં ઉભી હતી ત્યા બાજુમાં જ એક સોના-ચાંદીના દાગીનાનો ભવ્ય શો રૂમ હતો. અને તેનો ઓટલો રોડની સપાટીથી થોડો નીચો ભોયરામાં હતો. ત્યા જવા માટે પગથીયા ઉતરવા પડે તેવું હતું. તે ઝડપથી પગથીયા ઉતરીને સંતાવા માટે તે શો રૂમના ઓટલા તરફ દોડી ગઈ. ત્યા તેણે જોયું તો તે શોરૂમના ઓટલા પર કોઈ માણસ ઠંડીથી પોતાની જાતને બચાવવા શરીરનું ટૂંટિયું વાળીને ગોદડું ઓઢીને સુતું હતું. તેની બાજુમાં જે લેડીજ ચંપલ પડેલા હતા. થોડે દુર એક ખુરશી પર કેટલાક પુસ્તકો અને નોટ-પેન પડ્યા હતા. આ સુતેલી વ્યક્તિ કોઈ ગરીબ ભિક્ષુક સ્ત્રી છે એમ વિશ્વાસ થતા તે યુવતી પોતાની જાતને પોતાની પાછળ પડેલા ટોળાથી બચાવવા માટે તેની બાજુમાં જ પથારીમા સુઈ ગઈ. થોડીવારમાં ટોળું ત્યાંથી ચાલ્યું ગયું. ટોળાથી ભાગી આવેલી યુવતી ખુબ દોડી હોય તેમ તેના ઝડપથી ચાલતા શ્વાસોશ્વાસ પરથી લાગતું હતું. તે થાકી પણ હતી. વળી ઠંડી પણ અસહ્ય હતી. પુષ્કળ થાક, અસહ્ય ઠંડી અને બાજુમાં સુતેલી વ્યક્તિના શરીરમાંથી આવતી હુંફના કારણે તેની આંખ મળવા લાગી. તે ઠંડીથી ધ્રુજતી પણ હતી. થોડીવાર થઇ અને પેલી પહેલેથી સુતેલી વ્યક્તિએ સળવળાટ કર્યો. પાછળથી દોડી આવેલી યુવતી થોડી સાવધાન બની. પણ એણે જોયું કે પહેલેથી સુતેલી વ્યક્તિ તેને ગોદડું ઓઢાડી રહી હતી. એટલે તે નિર્ભય બની અને પડી રહી. થાક, ઠંડી અને બાજુના માણસમાંથી આવતા ગરમાવાને લીધે તે સુઈ ગઈ.

રાત વીતતી ગઈ. સવારે છ વાગે તેની આંખ ખુલી. તેણે જોયું તો તેની બાજુમાં કોઈ સુતેલું ન હતું. તેના શરીર પર સરસ રીતે ગોદડું ઓઢાડેલું હતું. તે બેઠી થઇ તો તેની નવાઈનો પાર ના રહ્યો. તેનાથી થોડે દુર એક યુવાન ખુરશી પર બેઠો બેઠો કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો. તેના પોશાક પરથી તે સિક્યુરિટીમેન(વોચમેન) હોય તેવું લાગતું હતું. પેલી સ્ત્રીને સમજવામાં સહેજ પણ વાર ના લાગી કે તે આખી રાત જેને એક સ્ત્રી સમજીને જેની પાસે સુતી હતી, તે હકીકતમાં એક પુરુષ હતો. જે આ શો રૂમનો રાતનો ચોકીદાર હતો. તે યુવતીએ એ યુવાનને વિહવળતા પૂર્વક કશુક પૂછ્યું પણ તે યુવાન આ યુવતીની વાત સમજી શક્યો નહીં. તે યુવાને માત્ર ઈશારાથી જ તે યુવતીને શાંત અને નિર્ભય બનવાનો સંકેત કર્યો. તે યુવતી તે ઈશારાને સમજી શકી. તે નિશ્ચિંત થઇ. પેલો યુવાન ઉભો થયો અને દુર ઉઘડેલી એક ચાની લારી પરથી કપમાં ગરમ ચા લાવીને આ યુવતીને આપી. અને હાથેથી ઈશારો કરી પીવા કહ્યું. તે યુવતીએ ચા પીધી. તેના ચા પી લીધા બાદ યુવાન કપ પાછો મુકવા ચાની લારી પર ગયો. એ યુવાન જ્યારે ગયો ત્યારે તે યુવતીએ આસપાસ નજર નાખી. તે યુવાનની ખુરશીની બાજુમાં કેટલાક પુસ્તકો અને નોટ-પેન પડ્યા હતા. તેણે એ નોટ-પેન હાથમાં લીધા નોટમાંથી એક કાગળ ફાડી તેમાં કશુક લખ્યું. પેલો યુવાન જ્યારે પાછો ફર્યો ત્યારે પેલી યુવતી ત્યાંથી ચાલી ગઈ હતી. તે યુવાને આસપાસ ખુબ તપાસ કરી પણ તે ક્યાય દેખાઈ નહી. પણ તેની પથારીમાં એક કાગળ પડ્યો હતો જેમાં કશુક લખેલું હતું. પણ જે રીતે તે યુવતીની બોલવાની ભાષા તે યુવાન સમજી શક્યો ન હતો, તે જ રીતે તેના લખાણની ભાષા પણ તેના માટે સમજવી મુશ્કેલ હતી. તેણે ખુબ પ્રયત્ન કર્યો પણ તે એ લખાણને સમજી શક્યો નહી. તેણે તે કાગળ ઘણા બધા લોકોને બતાવ્યો પણ કોઈ તે કાગળ પરના લખાણને વાંચવામાં સફળ થયું નહી. યુવાને તે કાગળ પોતાની પાસે રાખી લીધો.

ચાર વરસ પછી……..

સાઉથ આફ્રિકાનું ડર્બન શહેર છે. આમ તો આ આખો દેશના મૂળ વતનીઓ આદિવાસી પ્રજાતિ છે, પણ અંગ્રેજોના લાંબાગાળાના શાસનના પ્રભાવથી અહીના લોકોની જીવનશૈલી બદલાઈ છે. તેઓ પણ આજે વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલે છે. સ્વર્ગસ્થ નેલ્સન મંડેલાના રંગભેદની નીતિ વિરુધના વિશ્વવ્યાપી આંદોલનને પરિણામે અહીં રંગભેદ હવે નાબુદ થયો છે. ગોરા અને કાળા હળીમળીને રહે છે. ડીસેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. થોડા જ દિવસ બાદ ક્રિસમસનો તહેવાર આવતો હતો. લોકો ખરીદી કરવામાં વ્યસ્ત હતા. બજાર તેજીમાં હતા. આવા જ એક બજારના એક શોપિંગમોલમાં ભારતનો એક યુવાન પાર્ટટાઇમ જોબ કરતો હતો. આમ તો એ અભ્યાસ માટે આફ્રિકા સ્ટૂડન્ટ વિઝા પર આવ્યો હતો. પણ અભ્યાસ પછીના સમયમાં તે પાર્ટટાઇમ જોબ કરી હાથખર્ચો કાઢતો હતો. આ શોપિંગમોલની મૂળ માલિક એક આધેડ વયની આફ્રિકન બાઈ હતી. આ યુવાનની સાથે બીજા પણ કેટલાક ભારતીય યુવાન-યુવતીઓ અને આફ્રિકન યુવાન-યુવતીઓ અહી જોબ કરતા હતા.

એકવાર આ લંચબ્રેકનો સમય ચાલી રહ્યો હતો. લંચ બાદ મોલનો બધો સ્ટાફ હળવાશના મૂડમાં હતા. તેમની વચ્ચે લવલેટરના વિષયને લઈને ટીપ્પણીઓ ચાલી રહી હતી. આ દરમ્યાન પેલા ભારતીય યુવાને બધાને રમુજ કરાવવા પોતાના ખીસામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું, “હું ચાર વરસથી આ લવલેટર લઈને ફરું છું, પણ હજી સુધી તેને વાંચી શક્યો નથી. અને આજ સુધી આ લવલેટર આપનારી પણ ફરી મળી નથી.” આમ કહી એ કાગળ તેણે સ્ટાફ મિત્રો વચ્ચે મુક્યો. અને તેના આશ્ચર્ય વચ્ચે એક આફ્રિકન યુવાન તે કાગળ કડકડાટ વાંચવા લાગ્યો. પેલા ભારતીય યુવાનની નવાઈનો પાર ના રહ્યો. તેની આંખો ફાટી ગઈ. જે કાગળ પોતે ચાર વરસથી જોડે લઈને ફરતો હતો તેને એક આફ્રિકન યુવાને વાંચી કાઢ્યો હતો. આ એજ ભારતીય યુવાન હતો જેને આપણે ચાર વરસ પહેલા અમદાવાદના સી.જી.રોડ પર મળ્યા હતા. પેલા આફ્રિકન યુવાને કાગળ વાંચી નાખ્યો, એ વાંચ્યા બાદ તેના ચહેરાના હાવભાવ જ બદલાઈ ગયા. પણ આ ભારતીય યુવાન હજુ એમાં કશું સમજી શક્યો ન હતો. એ ભારતીય યુવાન પેલા આફ્રિકન યુવાન પાસે આ લખાણનો અર્થ સમજે તે પહેલા તો પેલો આફ્રિકન યુવાન એ કાગળ લઈને મોલની માલકિન એવી પેલી બાઈ પાસે પહોંચી ગયો. અને એ કાગળ પેલી બાઈના હાથમાં આપ્યો. મોલની માલ્કીને આખો કાગળ વાંચ્યો. તેની આંખો ફાટી ગઈ. તેણે ભારતીય યુવાનને બોલાવ્યો અને પોતાને ગળે વળગાડ્યો. તેની આંખો આંસુથી ભરેલી હતી. પણ આ યુવાન આ બધામાં હજી કંઈ સમજ્યો ન હતો કે આ શું થઇ રહ્યું હતું. તેણે આ વિશે પૃચ્છા કરી.

પેલી મોલની માલકિન એ આફ્રિકન બાઈએ તે યુવાનને પોતાની સાથે આવવા કહ્યું. તે એ યુવાનને પોતાની સાથે ગાડીમાં લઇ ક્યાંક જવા નીકળી. પેલો યુવાન તો થોડો ગભરાઈ પણ ગયો. થોડીવારની મુસાફરી બાદ તેમની ગાડી એક મકાન આગળ જઈ ઉભી રહી. આ મકાન એ ભારતીય યુવાન માટે અજાણ્યું ન હતું. આ મકાન એ તેની માલ્કીનનું ઘર હતું. તે બાઈ યુવાનને લઈને ઘરમાં પ્રવેશી અને કોઈના નામથી સાદ પાડવા લાગી. તેનો સાદ સંભાળીને એક યુવતી ઘરના બીજા રૂમમાંથી બહાર દોડી આવી. યુવાન તે યુવતીને જોતો જ રહ્યો. આ એજ યુવતી હતી જે આ યુવાનને સી.જી. રોડ પર મળી હતી અને હાથમાં આ નવાઈભર્યો કાગળ છોડીને ગાયબ થઇ ગઈ હતી. પેલી આધેડ વયની બાઈએ કાગળ આ યુવતીને બતાવ્યો અને ભારતીય યુવાનનો પરિચય આપ્યો. પેલી યુવતીને પણ વાતને સમજવામાં વાર ના લાગી. તે પણ પેલા યુવાનને ગળે વળગી પડી. પણ પેલો યુવાન બિચારો હજી કંઈ સમજ્યો ન હતો. આ યુવતી અહી ક્યાંથી આવી ? એ કાગળમાં શું લખ્યું હતું ? આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઘુમરાઈ રહ્યા હતા.

આખી હકીકત એમ હતી કે એ ભારતીય યુવાનનું નામ વિક્રમ હતું. તે એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેના પિતા એક ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા. જેમનું પોસ્ટિંગ હાલ સી.જી.રોડ પરના એક સોના-ચાંદીના શો રૂમ ખાતે નાઈટ ડ્યુટીમાં હતુ. પરંતુ એક દિવસ એમને અગત્યના કામસર બહાર જવાનું થવાથી તેમની જગ્યાએ તેમનો દીકરો વિક્રમ નાઈટ ડ્યુટી પર ગયો હતો. આ યુવાન એમ.બી.એ.નો વિધાર્થી હતો. એટલો રાતે વાંચવા માટે પુસ્તકો સાથે લઈને જ ડ્યુટી પર આવ્યો હતો. એ જ સમય દરમ્યાન પેલી આફ્રિકન યુવતી ભારતના પ્રવાસે અમદાવાદ આવી હતી. અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ એ જાન્યુઆરીમાં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણનું કેદ્ર બન્યું હતું. એ મોડી રાતે તે યુવતી પતંગોત્સવની મજા માણીને પોતે જ્યાં રોકાણી હતી તે હોટેલ પર પરત આવી રહી હતી. આ સમય દરમ્યાન કેટલાક ગુંડા તત્વોએ તેને આંતરીને રીક્ષામાં નાખી લુંટના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું. પણ પોતાની ચાલાકીથી તે યુવતી એ ગુંડાઓના હાથમાંથી છટકી ગઈ હતી. અને વિક્રમ જ્યાં ડ્યુટી પર હતો ત્યા તેની પાસે સંતાઈ ગઈ હતી. વિક્રમે આ આખી ઘટનાને પોતાની આંખે જોઈ હતી. પણ એના એકલાથી એ ચાર ગુંડા તત્વોનો સામનો કરવું શક્ય ન હતું. એટલે તેણે યુક્તિ પૂર્વક એ યુવતીને પોતાની પાસે સંતાડીને તે ગુંડાઓથી બચાવી હતી. એક પુરુષ યુવાને એક થાકેલી, હારેલી, એકલી વિદેશી યુવતીને પવિત્રભાવે આખી રાત આશ્રય આપ્યો હતો. જો તેણે રાતે જ પોતાની જાતને છતી કરી હોત તો પેલી આફ્રિકન યુવતી એનો વિશ્વાસ ન કરત અને ત્યાંથી ભાગી જઈ વળી ક્યાંક પેલા ગુંડા મવાલીઓને હાથ જઈ ચડત.

બીજા દિવસે સવારે જ્યારે એ યુવતી જાગી ત્યારે આખી હકીકત સમજી ગઈ. તે ભારતના આ ભલા યુવાનનો આભાર માનવા માંગતી હતી. પણ એ યુવાન એની આફ્રિકન ભાષા સમજી શકતો ન હતો. એટલે તેણે એ યુવાનના નોટમાંથી એક કાગળ ફાડીને પોતાની આફ્રિકન ભાષામાં તેનો આભાર માનતો ખત લખ્યો હતો. પણ આજ સુધી કોઈ એ કાગળ વાંચી શક્યું ન હતું. આજે ચાર વરસ પછી જ્યારે એ યુવાન પોતાની કારકિર્દી માટે સાઉથ આફ્રિકા આવ્યો ત્યારે જોગાનુંજોગ પેલી આફ્રિકન યુવતીના પરિવારના સંપર્કમાં આવ્યો. પોતાની દીકરીને વિદેશની ધરતી પર રક્ષણ અને આશ્રય આપનાર એ ભારતીય યુવાનને એ મોલની માલકિને પોતાના દેશમાં પોતાના ઘરમાં કાયમ માટે આશ્રય આપ્યો. એટલું જ નહી તેના ઉપકારના બદલામાં આફ્રિકાના ડર્બનમાંમાં એક નાનો ધંધો પણ નાખી આપ્યો. અને એ યુવાનની જીંદગી બની ગઈ.

કરેલું સારું કર્મ ચોક્કસ ફળ આપે જ છે. અને મોટી ખુશીની વાત તો એ છે કે ભારતમાતાના ચાર કપૂતોએ કરેલા ધ્રુણાસ્પદ કાર્યની સામે ભારતમાતાના એક સપૂતે ઉત્તમ કામ કરીને વિદેશની ધરતી પર ભારતનું નામ બદનામ થતા અટકાવ્યું હતું. ભારતમાના એવા સપૂતોને સલામ છે……

(સમાપ્ત )
સાભાર : સુરેશ કાક્લોતર

શીર્ષકઃ ઉઘાડી બારી

Standard

સમજવા અને સમજાવવા જેવી વાત.. વાંચો આજની કૃતિમાં..

લેખકઃ કિરણ ગોરડીયા

નીશીતા આજે બારીની સામે ઉભા રહીને ભુતકાળને યાદ કરી રહી હતી. આજે, બારીની બહાર સામેના રસ્તાની ફુટપાથ ઉપર ઉભા ઉભા જતીન ઇશારા કરતો અને નીશીતા પણ હરખઘેલી એને જોવા તલપાપડ આમથી તેમ આંટા મારતી અને બારી પાસે ઉભી રહેતી ક્યારે જતીન આવશે ?

એ આવે અને નીશીતાના મનનો મોરલો નાચી ઉઠતો. એ પણ મને બારીમાં આવતા વાર લાગે તો આકુળ વ્યાકુળ થઇ જતો અને મને જોતાં જ થનગની ઉઠતો. આવો તો અમારો પ્રેમ હતો નીસાસો નંખાઇ ગયો નીશીતા થી. કેવા દિવસો હતા એ પહેલાંના આહા… અને આજે હું એજ બારીમાં ઉભા ઉભા જતીનની વાટ જોઉં છું અને રાતના બાર વાગ્યા પછી લાટ સાહેબ લથડીયા ખાતા ખાતા દારુ પીને ઘરે આવે છે. શું થયું, કેમ થયું, કાંઈ જ ખબર પડતી નથી? આજે અમારા લગ્નની વર્ષગાંઠ હતી આજે અમારા લગ્નના પચીસ વર્ષ પૂરા થતાં હતાં. આજે તો મને જતીન પણ ખુશ લાગતો હતો. મને કહી ને ગયો હતો કે હું વહેલો આવી જઈશ પછી આપણે બહાર જમવા જઈશું અને પીક્ચર જોઈ તને ભાવતું ચોકલેટ આઇસક્રીમ ખાઈને ઘરે આવીશું અને હું પણ એની વાતમાં આવી સાંજે સરસ મજાની તૈયાર થઈને જતીનની વાટ જોતી રહી. બારી પાસે વારેઘડીયે ડોકાશીયું કરતી કે હમણા આવવો જ જોઈએ મને કહી ને ગયો છે.બવાટ જોઈને થાકી સોફા ઉપર લંબાવ્યું. મન વિચારે ચઢી ગયું. આ પચ્ચીસ વર્ષમાં પહેલાંના દસ વરસ બહુ જ સરસ રીતે પસાર થયાં. બે બાળકો થયા દીકરો અને દીકરી. દીકરો શાન અને દીકરી પુજા બેઉ ભણવામાં હોશિયાર અવ્વલ પહેલો નંબર જ આવે. એટલે નાનપણથી જ અમેરીકા મારા ભાઈના ઘરે જ ભણવા માટે ગયા એટલે હું ને જતીન એકલા રહી ગયા.

મારા પિયરીયા આ મારી બારીવાળી જગ્યા મને સોંપતા ગયા એટલે જતીન પોતાની જગ્યા ભાડેથી આપી. અમે અહીંયા રહેવા આવી ગયા. મોકાની જગ્યા અને અમારા પ્રેમ ની નીશાની આ બારી, શરુઆતમાં તો જતીન મારો પડ્યો બોલ ઝીલે મને નાટક, સીનેમા જોવા બહુ જ ગમતા એટલે દર બે દિવસે ટીકીટ લઈને જ આવે. સંસાર અમારો હર્યોભર્યો હતો. પણ કહેવાય છે ને કે ” એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી ” કોણ જાણે કોની નજર લાગી ગઈ! જતીન દારુની લતે ચડી ગયો. જતીનનો ફ્રેન્ડ મુકેશ, બેઉ ઓફીસમાં એક જ કેબીનમાં બેસે એટલે દોસ્તી ગાઢ થઈ ગઈ. ઓફીસમાં જમવાનું પણ સાથે, ઓફીસથી છુટીને બેઉ જણા થોડો ટાઇમપાસ કરીને ઘરે આવે. મુકેશને પીવાની આદત એની ખબર જતીન મને આપતો અને કહેતો આ મુકેશ જોને મને પરાણે દારુ પીવા સાથે લઈ જાય, પણ હું કાંઈ એને મચક આપું એવો નથી. એ ગમે એટલો આગ્રહ કરે પણ, ત્યાં તો મારાથી બોલી જવાયું એવા લોકોની દોસ્તી સારી નહીં આપણને પણ ધંધે ક્યારે લગાડી દે એની ખબર ન પડે. જતીને મને બાહુમાં જકડીને કીધું,’ડાર્લિંગ તું ચિંતા નહી કર હું કોઈની વાતમાં આવું એવો નથી!’

અને..

ધીરે ધીરે એ ક્યારે દારુના સકંજામા આવી ગયો એની ખબર પણ ન પડી. હવે તો રોજનું થઈ ગયું. રોજ મને વાયદો આપે અને રોજ પીને આવે અને આજે તો હદ થઈ ગઈ લગ્નની વર્ષગાંઠે પણ ? હું સોફામાં આડી પડીને આ બધું વિચારતી હતી ત્યાં તો ડોરબેલ રણકી. મને થયું હાશ જતીન આવ્યો. દરવાજો ખોલ્યો તો સામે બાળકો ઉભા હતાં. મારા બાળકોને જોઈને મારી આંખમાંથી દડદડ આંસુ નીકળવા લાગ્યા. મારી સહનશક્તિ ખલાસ થઈ ગઈ. મારા બાળકોને જોઈને જે હવે મોટા થઈ ગયા હતાં અને બધુ જ સમજતા હતાં. મને સોફામાં બેસાડીને મારી પૂજા રસોડામાંથી પાણી લઈ. આવી મેં પાણી પીધુ, મનને શાંત કરીને રસોડામાં રસોઈની તૈયારી કરવા ગઈ. ત્યાં તો દીકરો શાન મને કહે,’મમ્મી આજે તમારી લગ્નની વર્ષગાંઠ છે પપ્પા ભલે ન આવે, આપણે ત્રણે મળીને સેલીબ્રેટ કરીશું.. કમઓન મોમ..”

હું પણ થોડી હળવી થઈ તૈયાર થઈને અમે નીકળ્યા. નીચે ઉતર્યા ત્યાં તો સામેથી જતીન ગાડીમાંથી ઉતર્યો. લથડીયા ખાતો મને બાળકો સાથે જોઈ શાન અને પુજા ને જોઈને છોભીલો પડી ગયો. નજર ન મેળવી શક્યો બાળકોની સાથે. ઘરનો દાદરો ચડી ગયો. અમે જમીને ઘરે આવ્યા ત્યાં તો એ ઘસઘસાટ સુઇ ગયો હતો. મોડે સુધી બચ્ચાઓ સાથે વાતો કરી, એમણે તાગ મેળવી લીધો કે પપ્પાને બગાડનાર મુકેશ અંકલ જ છે બેઉ જણાએ સવારે પપ્પાને સામે બેસાડીને પ્રેમપૂર્વક વાતો કરી. જરા સરખો પણ અણસાર ન આવવા દીધો કે એમને બધી જ ખબર છે. અને પછી તો શાન એના પપ્પાની ઓફીસે જઈને રીઝાઇન ઓર્ડર લઈ આવ્યો અને જતીનને કીધું,’હવે તમારે જોબ કરવાની જરુર નથી. હું સારું કમાઉં છું. તમે હવે મમ્મી સાથે જ્યાં ફરવા જવું હોય ત્યાં જાવ. અમે તમારા બેઉની કાશ્મીરની ટુર, હીના ટુરમાં ગોઠવી છે અને કાલે જ તમારે નીકળવાનું છે. જતીનને કોઈ મોકો ન મળ્યો મુકેશને મળવાનો.

બીજે દીવસે સવારે અમે નીકળી ગયા કાશ્મીર જવા. મેં એને સોગંદ આપ્યા દારુ ન પીવા માટે અને એની કંપની પણ ન હતી એટલે એ પણ એન્જોય કરતો હતો મારી સાથે. એને પણ લાગ્યું કે જાણે કેટલા વખતે ફરવા આવ્યો છે. કાશ્મીરનો સુંદર નજારો, બરફનો આછોઆછો વરસાદ, મનને તરબતર કરી નાખ્યું. એક એનર્જી મળી ગઈ. જતીનને મેં કેટલા વખતે હળવોફુલ જોયો. મારી સાથે ખુલ્લા દીલે વાત કરી કે હવે કોઈ દિવસ દારુને હાથ પણ નહી લગાડે. જેણે જીવન ઝેર કરી નાખ્યુ હતું. તું પણ મારી વગર કેટલી એકલી પડી ગઈ હતી હવે તને કોઇ દીવસ હેરાન નહી કરુ એની આંખ મા આસુ આવી ગયા એના પશ્ચાતાપ ના આસુ મારો દુપટ્ટા ને ભીંજવી રહ્યો હતો મે પણ એને માફ કરી દીધો હરીફરી ને ઘરે આવ્યા. નોકરી તો હતી નહીં એટલે આખો દિવસ ઘરમાં રહેતો અને અમે પણ એને બહાર જવાનો મોકો નહોતા આપતા. ધીરેધીરે એનું વ્યસન છુટી ગયું. અમે પાછા બારીમાં એકબીજાને ઈશારા કરી પહેલાંની વાતો યાદ કરતાં અને અમે બેઉ બાળકોનો આભાર માનતા રહ્યા જે અમારી ઉઘાડી બારી બનીને આવ્યા હતા.

( સમાપ્ત )
સાભાર ; સુરેશ કાક્લોતર

માતૃત્વ – મહાનતા અને ભગવાન સમક્ષતાથી પરે!

Standard

લેખક – ભુમિકા દેસાઈ શાહ

વિચાર આવે છે- આ બીજ પુરુષનું છે, પોતે છે માત્ર સંવર્ધક, છતાં પુરુષની શારીરિક જવાબદારી બાળક માટે કશી નથી! જે કઈ બધું બને છે તે માત્ર પોતાના જ શરીરમાં…તો પણ આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું, એની પસંદગી કરવાની તક મને આપવામાં આવી નથી! બાળકો નથી ગમતા એમ નથી, પણ એ સંબંધમાં મારે કશું કહેવાનું હોય, એ કોઈ સ્વીકારતું નથી! લગ્ન કર્યા એટલે થોડા વખતમાં બાળક થવું જ જોઈએ એવી અપેક્ષા શા માટે રખાય છે?’ – તમે લાગણીઓને શબ્દોમાં બખૂબી ઢાળનાર કુન્દનિકા કાપડીયાની વિખ્યાત નોવેલ ‘સાત પગલા આકાશમાં’ વાંચી રહ્યા છો.. શબ્દે શબ્દે જાણે અંદર કૈક સળવળાટ થાય છે. લગભગ ‘૮૪ની સાલમાં લખાયેલી આ નોવેલ આજના સમયમાં પણ કેટલી સત્ય છે એ વાત તમને અકળાવે છે! શું સમય બદલાય છે એમ સમાજ અને સ્ત્રીની પરિસ્થિતિ નથી બદલાતી? તમે સ્વગત પૂછી રહ્યા અને જાતે જ જવાબ આપ્યો- ના!

નોવેલ્સ વાંચવામાં શતાબ્દીની સ્પીડ ધરાવતા તમે કોણ જાણે કેમ આ નોવેલના માત્ર ૪૦ પેજીસ જ વાંચી શક્યા છો- લગભગ એક મહિનામાં! એવું નથી કે ભાષા કઠીન છે, કે રસ નથી પડતો, પ્રશ્ન એ છે કે એક એક શબ્દ, એક એક વાક્ય અને એક એક પેજ પર, કઈ કેટલીય લાગણીઓ-વ્યથા અને સંવેદનાઓ વ્યક્ત કરાઈ છે! શબ્દે-શબ્દ વાંચતા તમે જાણે-અજાણે એ વસુધાના પાત્રમાં ઢળી જાઓ છો, અનુભવો છો એની સમય-સંજોગો સહજ વેદના.. અને સરખામણી કરતા તમને એ સમયની વસુધા અને અત્યારના “તમે” અને બીજા કેટલાય આજના નારી પાત્રોમાં અઢળક સમાનતા દેખાય છે! અને તમે એ પરિસ્થિતિના વિશ્લેષણમાં અટવાઈ જાઓ છો, વાંચન પ્રવાહ અટવાઈ જાય છે!

આ વાંચતા વાંચતા તમે વસુધાની પહેલી ગર્ભાવસ્થાની પરિસ્થિતિને પોતાના અનુભવો સાથે સાંકડી રહ્યા છો. ગર્ભાવસ્થા કદાચ નારીજીવનની સૌથી મહત્વની અને ઉત્કૃષ્ઠ ઘટના છે. દરેક નારી એક નવા જીવને જન્મ આપવા સક્ષમ છે, પરંતુ શું આ ક્ષમતા એના અલાયદા અસ્તિત્વને ક્યાંક ખોવી નાખે છે? “માતૃત્વ એજ નારીત્વની સાર્થકતા”- કહેવું શું અનુચિત નથી? “માતૃદેવો ભવ”- “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ!”- શું આ કહેવતો દ્વારા માતૃત્વને મહાન બતાવી, નારીત્વને એના પર અવલંબિત અને કુંઠિત નથી કરાયું? શું મહાન કે ભગવાન સમક્ષ બનવું એ જ સાર્થકતા છે? શું માતૃત્વ ધારણ કરવું કે નહિ-એ નિર્ણય નારી પોતે લઇ શકે છે? કે પછી પોતે માં બનવા સપૂર્ણ પરિપક્વ છે કે નહિ એનું વિશ્લેષ્ણ કરી, ક્યારે માતૃત્વ ધારણ કરવું એ પોતે નક્કી કરી શકે છે? તમે જાતને જ ઠમઠોરી રહ્યા પોતાની જાતને – ના, આવા પ્રશ્નો તો કઈ પુછાય? નારી એટલે મા, અને મા એટલે “મહાન:- “ભગવાન”! વાર્તા પૂરી!
સાચે જ વાર્તા પૂરી?
***

તમે રોજિંદી આદત અનુસાર મ્યુઝીકમાં ખોવાયેલા છો,આખા દિવસનો થાક મ્યુઝિક થેરાપીથી ઉતારી રહ્યા છો! અચાનક તમારા લાઉડ મ્યુઝીકને ડીસ્ટર્બ કરતો એક્સ્ટ્રા લાઉડ અવાજ સંભળાય છે. થોડી થોડી વારે, રહી રહીને આવતો આ એક્સ્ટ્રા લાઉડ અવાજ તમારા મ્યુઝીકલ માહોલને વિચલિત કરી રહ્યો છે. આભાસી ગમતી દુનિયામાંથી તમે પરાણે વાસ્તવિક દુનિયામાં આવો છો, આ અકળામણનું કારણ જાણી એનો ઉકેલ લાવવા! આ ઘોંઘાટ અને રોક્કકળ ત્રણ નાના બાળકો કરી રહ્યા હતા. થોડી થોડી વારે એમનું રડવું, બુમો પાડવી, ધક્કાધુક્કી કરવું- તમારું ટેમ્પરેચર વધારી રહ્યું છે. આમ તો તમને નાના બાળકો પર બહુ વ્હાલ, પણ આજના વિપરીત સંજોગોમાં એ વ્હાલ પણ ગુસ્સાના હાઈ ટેમ્પરેચરમાં વરાળ થઇ ગયું છે! તમે સામે બેઠેલી પાંચ-છ સ્ત્રીઓમાંથી આ ચિલ્લરપાર્ટીની “મા” શોધવાનો પ્રયાસ કરી રહ્યા, કે જેથી એને ટકોર કરી શકાય- આ વાનરસેનાને કાબુમાં રાખવા! તમે આંખોથી એનાલીસીસ કરી શોધવાનું શરુ કર્યું- આખીર “મા” હેં કોન? – ડાબી બાજુ ખૂણા પર બેઠેલી બે સ્ત્રીઓ લગભગ દાદીમાની ઉમરની હતી, વચ્ચે બેઠેલી એક યુવતી ખુબ નાની ઉમરની લગતી હતી અને એના ખોળામાં ઓલરેડી એક નાનું બચ્ચું હતું જ..એની બાજુમાં બેઠેલી બે સ્ત્રીઓ રોજની કમ્યુટર હોવાથી તમે એમને બખૂબી ઓળખો છો, એટલે બાકી રહી જમણીબાજુ ખૂણા પર બેઠેલી સરેરાશ ઉમરની સ્ત્રી.

તમે શક્ય એટલી નમ્રતાથી જમણા ખૂણે બેઠેલી સ્ત્રીને ઉદ્દેશીને વિનંતી કરી-“ આપ થોડી વાર માટે આપના બાળકોને શાંત બેસાડી શકો છો? કે ઓછું તોફાન કરે એમ સમઝાવી શકો છો?”. તમારી વિનંતી સંભાળીને ખૂણે બેઠેલી સ્ત્રી એક પ્રેમાળ હાસ્ય સાથે કહી રહી- “હું આપની અકળામણ સમઝી શકું છું! હું ચોક્કસ મારા બાળકોને શાંત બેસાડી દેત, જો તેઓ મારી સાથે આ ટ્રેનમાં આવ્યા હોત! આ સામે ધમાચકડી મચાવી રહ્યા છે એ બાળકો મારા નથી-આમના છે!”. ખૂણા પર બેઠેલા એ રમુજી સ્ત્રીએ એ બાળકોની “મા” ઓળખવામાં તમારી ભૂલની સાથે-સાથે, તમને એમની રીયલ “મા” પણ બતાવી. અને તમે એક આંચકા સાથે એ બાળકોની “માં”ને જોઈ રહ્યા. આંખો વ્યસ્ત થઇ જે જોઈ રહ્યા છો એની સત્યતા ચકાસવામાં, દિમાગ પરોવાયું એ ત્રણ બાળકોની સાથે ખોળામાં રહેલા ભુલકાની ઉંમરની ગણતરી કરી એ “મા”ની ઉંમર ગણવામાં અને દિલ બીઝી થઇ ગયું એક અગમ્ય વેદનામાં! ગણતરીમાં કૈક ચૂક છે એમ લાગ્યું … અથવા તો સામે બેઠેલી યુવતી ફેરએન્ડલવલી કે સંતુર સાબુ વાપરતી હોવી જોઈએ એવો ફન્ની વિચાર પણ આવ્યો !

તમે રહીરહીને વિચારી રહ્યા -પોતે જે વીસ-બાવીસ વર્ષની માંડ લાગે છે એ યુવતી ચાર બાળકોની “માં” હોઈ શકે? તમે ઇઅર-ફોન્સ અને મોબાઈલને બાજુ પર મૂકી એ બાળ-“માં”નું નિરીક્ષણ કરી રહ્યા. ખોળામાં ચાર-પાંચ મહિનાનું બાળક લઈને બેઠેલી એ યુવતી અપલક નજરે બારીની બહાર જોઈ રહી છે. એના ત્રણ બાળકોની લડાઈ, રડવાનો અવાજ, ધક્કા-મુક્કીની એ “મા”ને લગીરે અસર નથી. એનો ચહેરો એકદમ સુક્કો,લાગણીવિહીન અને નિર્જીવ છે. અચાનક એના ખોળામાં ઉંઘી રહેલું ભૂલકું રડી ઉઠે છે, છતાં એ કઈ જ થયું નથી એમ શૂન્યભાવે બારીની બહાર તાકી રહે છે. “કેવી માં છે!”, “બચ્ચા જણવા સહેલા છે, ઉછેરવા નહિ!”, “અલી તારું છોકરું ક્યારનું રડે છે અને તું કેવી માં છે?” – જાત જાતના વાકબાણો છૂટ્યા. છતાં એ પથ્થર જેવી સ્થિર આંખો બારીની બહાર જ મંડાયેલી રહી, જાણે બારી દ્વારા બહાર ભાગી જવા મથી રહી- દુર, ખુબ દુર! અંતે બાજુમાં બેઠેલા દાદીમાંથી ના રહેવાતા ગુસ્સાથી એને સહેજ હલાવીને બોલી ઉઠ્યા- “સચવાતા નથી તો આ ઢગલો છોકરા પેદા કેમ કરો છો?”. અને અચાનક કોઈ સપનામાંથી જાગી હોય એમ એ “મા” મશીનની જેમ એ રડતા ભૂલકાને ફીડીંગ કરાવી ચુપ કરાવી રહી. મશીન, હા કદાચ મશીનની જેમ જ – પ્રોડક્શન કરવું અને સર્વ કરવું, ચુપ ચાપ- જેમ ઓર્ડર અપાય એમ, વિરોધ કે દલીલ કર્યા વગર! આસપાસની સ્ત્રીઓ આ અણઘડ, કઠોર અને ખરાબ “મા”ને કોસી રહી.

ધીમેકથી એક આંસુ તમારી આંખોમાંથી સરી પડ્યું. તમને એ યુવતીનું માણસમાંથી મશીન બની જવું સુપેરે સમઝાઈ રહ્યું. તમને એ “મા”નું બારીની બહાર અકારણ તાકી રહેવું વ્યાજબી લાગી રહ્યું. તમને દેખાઈ રહ્યો એ મશીની “મા”નો દર વર્ષે થતો “યુઝ” અને એને ગળે વળગાડી દેવાયેલી એ પ્રોસેસની પ્રોડક્ટ્સ! તમને અનુભવાઈ એની અકળામણ -મેચ્યોરીટી અને ઉમર પહેલા બળજબરીથી “મા”નું લેબલ પહેરાવી દીધાની ! તમને સંભળાઈ એની મૂંગી ચીસો- એની ઈચ્છા અને શારીરિક ક્ષમતાની પરવા કર્યા વગર, “લગ્ન કર્યા એટલે બાળકો પેદા કરવાની- વંશ વિસ્તારવાની જવાબદારી”ના બોજથી દબાઈ જવાને કારણે નીકળતી! તમને એની પથ્થર જેવી લાગણીહીન, શૂન્ય અને સપાટ આંખોમાં એક બાળકી/અપરિપક્વ યુવતી દેખાઈ – જે માતૃત્વ નામના મહાન અને મોટા લેબલ નીચે દબાઈને કચડાઈને મરી ગઈ છે ! તમારી બંને આંખો વહી રહી છે, આવી અગણિત મશીની-”મા” ઓની “માતૃત્વ” નામની મહાનદેવીના હાથે થતી અકાળ-મૃત્યુના શોકમાં.
***

માતૃત્વ- એક અભૂતપૂર્વ અને આનંદ-દાયક ઉત્સવ છે- જો એમાં સ્ત્રીની પોતાની ઇચ્છા, યોગ્ય ઉમર અને માનસિક પરિપક્વતા- આ બધા પરિમાણો શામેલ છે! માત્ર બાયોલોજીકલ ક્ષમતા હોવા માત્રથી, પરાણે ઠોકી બેસાડવામાં આવેલું માતૃત્વ-અભિશાપથી ઓછું નથી!
“મા બનવું”- નારીના અસ્તિત્વનો એક ઉજ્જવળ રંગ-પરિમાણ છે, પરંતુ એકમાત્ર નહિ!

માતૃત્વની મહાનતા, મા બનવા માત્રથી નારીત્વની સંપૂર્ણતા, માતૃદેવો ભવઃ- આ ભ્રામક વિષયો વકૃત્વ સ્પર્ધા કે નિબંધલેખનમાં જે અતિશયોક્તિવાળું ચિત્ર સર્જે છે- એની પેલે પાર છે… એક પરિપક્વ, લાગણીશીલ, કેરીયર ઓરીએન્ટેડ, ક્યારેક મેસ્ડઅપ તો ક્યારેક સરળ, પ્રેમાળ, નાની-મોટી ભૂલો કરીને શીખતી- મા ! એવી “મા” જે એક સુખી મનુષ્ય છે- મહાન કે ભગવાન નહિ!

( સમાપ્ત )
સાભાર ; સુરેશ કાક્લોતર

એક સાંજની મુલાકાત- ચંદ્રકાંત બક્ષી

Standard

મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડયું, ‘હું આવી છું કંઈક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે! તમને ખબર છે?’

ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાંખ્યું અને નવા ફ્લેટમાં આવી ગયાં. ફલેટ ભોંયતળિયે હતો. એમાં ત્રણ રૃમ અને કિચન-બાથરૃમ હતાં.

બહાર નાનું ચોગાન હતું અને એને ફરતી દસેક ફૂટ ઊંચી ઈંટની દીવાલ હતી, જે તાજી વ્હાઈટવૉશ કરેલી હતી. દીવાલની પાછળથી છૂટાંછવાયાં ઝાડ અને નીચાં મકાનોનાં કાળાં પડી ગયેલાં છાપરાં તથા બદલાતું આકાશ દેખાતાં. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાતજાતનાં ફૂલો ઉગાડવામાં આવતાં.

અમારી ઉપર અમારો બંગાળી મકાનમાલિક અક્ષય બાબુ એની સ્ત્રી અને ત્રણ બાળકો સાથે રહેતો. એ કોઈ ગવર્નમેન્ટ ઑફિસમાં ક્લાર્ક હતો. એની પત્ની – શોભા-કાળી હતી અને બહુ ખુલ્લા દિલથી હસતી, ને રાતના અંધારામાં ચોગાનના ફૂલના છોડોમાં ફરતી. ત્રણે બાળકો બાલીગંજ તરફની કોઈ હાઈસ્કૂલમાં ભણતાં.

જ્યારે હું મકાનની તપાસે એક દલાલની સાથે આવેલો ત્યારે મારી પહેલી મુલાકાત શોભા સાથે થઈ હતી. મકાન જૂનું હતું અને અમારો ફ્લેટ વ્હાઇટવૉશ થતો હતો. દલાલે મને બહાર ઊભો રાખી અંદર જઈને વાત કરી લીધી અને પછી મને બોલાવ્યો. વાંસના બાંધેલા મકાન પર બેસીને રંગમિસ્ત્રીઓ ડિસ્ટેમ્પરના કૂચડા ફેરવતા હતા. રૃમ ખાલી હોવાથી મોટો લાગતો હતો અને દીવાલોમાંથી ભીના રંગની, ચૂનાની ને માટીની મિશ્રિત વાસ આવતી હતી.

‘તમે જગ્યા લેશો?’ નમસ્કારોની આપ-લે થયા બાદ એણે પૂછ્યું.

‘હા.’

‘તમે બે જણાં છો?’

‘હા.’ દલાલે વચ્ચે કહ્યું, ‘પતિ-પત્ની બે જ જણાં છે. બીજું કોઈ નથી. તમારે કોઈ જ જાતની ખટખટ નથી અને માણસો બહુ સારાં છે.’

હું ચૂપ રહ્યો અને બહારના ચોગાન તરફ જોઈ રહ્યો. શોભા મારું નિરીક્ષણ કરી રહી હતી એ હું સમજી ગયો.
જગ્યા અમને પસંદ હતી. આરંભિક વિધિઓ પતાવીને અમે બે દિવસ પછી લૉરીમાં સામાન ખસેડી લીધો. અઠવાડિયા પછી સારો દિવસ જોઈને અમે રહેવું શરૃ કર્યું.

હું રોજ સવારે આઠ વાગ્યે નાહીને, ગરમ નાસ્તો કરીને જતો. બપોરે એક વાગ્યે આવતો અને જમીને એક કલાક આરામ કરીને ફરી ચાલ્યો જતો. રાત્રે પાછા ફરતાં મને સાડા નવ વાગી જતા, પછી જમીને, મારી પત્ની સરલા સાથે થોડો ઝઘડો કરીને સૂઈ જતો!

મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી, પણ એ મારા જવા-આવવાના સમયનો બરાબર ખ્યાલ રાખતી. એક રવિવારે સવારે હું પલંગ પર પડયો પડયો એક ચોપડી વાંચતો હતો ત્યારે એણે બારીની જાળી પાછળ આવીને કહ્યું, ‘મિ. મહેતા, તમને ફૂલોનો શોખ ખરો કે?’

હું ચમક્યો. મેં ચોપડી બાજુમાં મૂકી અને બેઠો થઈ ગયો. રસોડામાંથી સ્ટવ પર ગરમ પાણી થવાનો અવાજ આવતો હતો. સરલા રસોડામાં હતી. મેં કહ્યું, ‘ખાસ નહિ.’

એ હસી ગઈ : ‘તમારાં શ્રીમતીને તો બહુ શોખ છે. રોજ સાંજે મારી પાસેથી બે-ચાર જૂઈનાં ફૂલ લઈ જાય છે.’ હું જોઈ રહ્યો.

એટલામાં રસોડામાંથી સરલાનો અવાજ આવ્યો. શોભા બારીમાંથી ખસી ગઈ અને હું ઊભો થઈ ગયો. બધું એક સ્વિચ દબાઈ હોય એટલી ઝડપથી બની ગયું.

મારી અને શોભાની મુલાકાત બહુ જ ઓછી થતી. હું રવિવાર સિવાય આખો દિવસ મારી દુકાને રહેતો. બપોરનો થોડો વિરામ બાદ કરતાં હું સવારના આઠથી રાતના સાડા નવ સુધી ઘરની બહાર જ રહેતો. સવારે શોભા નીચે ઊતરતી અને મારા ગયા બાદ સરલા સાથે વાતો કરતી. રાત્રે સરલા મને રોજની વાતોનો રિપોર્ટ આપતી અને હું બેધ્યાન સાંભળતો.

થોડા દિવસો આ રીતે વીત્યા બાદ મને લાગ્યું કે મારામાં શોભાને માટે કંઈક આકર્ષણ થઈ રહ્યું હતું. એ અસ્વાભાવિક ન હતું,

પણ એનો સ્પષ્ટ સ્વીકાર કરવા હું તૈયાર ન હતો. શોભા કાળી હતી, વયસ્ક હતી, ત્રણ બાળકોની મા હતી. હું અનાયાસે વિચારોમાં ઊતરી જતો. પણ એનામાં આકર્ષણ ખરેખર હતું. એના શરીરમાં ત્રણ બાળકો થઈ ગયાં પછી પણ સરલા કરતાં વિશેષ સુરેખતા હતી. એ હસી ઊઠતી, મજાક કરતી, જોતી – બધું જ ગભરાટ થાય એટલી નિર્દોષતાથી. એની ઊંચી, ભરેલી છાતી પરથી હું પ્રયત્ન કરીને તરત જ નજર હટાવી લેતો અને મને ગુનેગાર જેવી અસર થતી.

કોઈ કોઈ વાર મને એવો ખ્યાલ પણ આવતો કે કોઈ દિવસ સરલા ઘરમાં નહિ હોય અને એ એકાએક મારા ઓરડામાં આવી જશે, અને બારીઓ બંધ કરી દેશે, અને સાંજ હશે, – અને હું પ્રયત્નપૂર્વક વિચારોને અટકાવી દેતો. મેં સરલાને આ વિષે કોઈ દિવસ કહ્યું ન હતું, અને એ જ્યારે વાતવાતમાં શોભા વિષે વાત કરતી ત્યારે હું લાપરવાહ સ્વસ્થતાનો ડોળ રાખીને પણ પૂરા ધ્યાનથી એની વાત સાંભળી લેતો.

સરલા અને હું દર શનિવારે રાત્રે અથવા રવિવારે બપોરે ફિલ્મ જોવા જતાં અને લગભગ અચૂક, અમે બહાર નીકળતાં ત્યારે એ બારીમાં બેઠેલી હોતી. સરલા પાસે એ મારી પ્રશંસા કરતી અને સરલા મને બધું કહેતી. એક દિવસ અમે ફિલ્મ જોવા જતાં હતાં ત્યારે રસ્તામાં સરલાએ કહ્યું, ‘શોભા બહુ હોશિયાર સ્ત્રી છે. એ ઉપર રહે છે એટલે મને આ જગ્યામાં બિલકુલ ડર લાગતો નથી.’

‘ખરી વાત; છે તો વાઘણ જેવી. એ હોય પછી ગભરાવાનું નહિ.’

‘કોણ કેટલા વાગ્યે આવ્યું, ક્યારે ગયું – બધાંનો ખ્યાલ રાખે છે. તું કયા બસ-રૃટમાં જાય છે અને ગયા રવિવારે તેં શું પહેર્યું હતું એની પણ એને ખબર છે.’

‘એમ…? તને કહેતી હશે.’

‘હા. મને કહે છે કે સરલા, તેં છોકરો સરસ પકડયો છે.’

મેં સરલાની સામે જોયું. મારી આંખો મળતાં જ એ હસી પડી.

‘એની વાત ખરી છે.’ મેં ઉમેર્યું. ‘તેં છોકરો ખરેખર સરસ પકડયો છે.’

‘ચાલ હવે; પરણવાની ઉતાવળ તો તને આવી ગઈ હતી. મેં તો પહેલાં ના જ પાડેલી…’

‘…પછી થયું, કે વધારે ખેંચવા જઈશું તો હાથથી જશે, એટલે હા પાડી દીધી!’ મેં કહ્યું.

સામેથી આવતી ખાલી ટેક્સીને ઊભી રાખીને અમે બન્ને બેસી ગયાં.

દિવસો પસાર થતા ગયા. કોઈ કોઈ વખત હું દુકાને જવા બહાર નીકળતો અને શોભા ચોગાનમાં ઊભીઊભી મને જોયા કરતી. સરલાની હાજરીમાંયે એ મારી સાથે હસીને વાત કરતી. ત્યારે અમે બંગાળીમાં વાતો કરતાં અને સરલા બંગાળી સમજતી નહિ. અક્ષય બાબુ સાથે મારે ખાસ વાત થતી નહિ. એ માણસ ઑફિસ સિવાયનો આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો. કોઈ કોઈ વાર ઉપરથી કંઈક રવીન્દ્ર સંગીત ગાવાનો અવાજ આવતો અથવા સવારે બજારમાંથી શાકભાજી લેવા જતો ત્યારે દેખાતો.

સરલાએ એક વાર મને પૂછેલું, ‘આનો બાબુ કંઈ કરતો લાગતો નથી. વિધવાની જેમ આખો દિવસ ઘરમાં બેસી રહે છે.’

‘ક્યાંક નોકરી કરે છે અને આપણું ભાડું મળે છે, – ગાડી ચાલે છે, પણ માણસ બિચારો બહુ શાંત છે.’

‘પણ આ બેનું જોડું કેવી રીતે બેસી ગયું? શોભાનો બાપ તો પૈસાવાળો છે. ઝવેરાતની દુકાન છે ને એ બાળપણમાં કન્વેન્ટમાં ભણી છે.’

‘કન્વેન્ટમાંથી બિચારી જનાનખાનામાં ભરાઈ ગઈ…’ મેં કહ્યું.

‘જનાનખાનામાં કંઈ ભરાઈ નથી.’ સરલાએ કહ્યું, ‘એના પતિને ભરી દીધો!’ અને અમે બન્ને હસ્યાં.

‘તને ખબર છે? આપણા ફ્લેટનું રંગ-રિપેરિંગ બધું એણે જાતે કરાવ્યું છે. પક્કી બિઝનેસવૂમન છે! બંગાળીઓમાં તો આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળે!’ સરલાએ જવાબ આપ્યો નહિ. કૈં વિચારમાં હોય એવું પણ લાગ્યું નહિ.

દિવસો જતા તેમતેમ શોભાએ મારા વિચારો પર સખત પકડ જમાવવા માંડી. મને દિવસ-રાત એના જ વિચારો આવતા. એ પણ મારી સાથે વાત કરવાની તક શોધતી ફરતી એ હું સમજી ગયો હતો, પણ બેવકૂફી કરે એવી સ્ત્રી એ ન હતી. બાગમાં ફૂલો લેવા એ ઊતરતી અને હું છુટ્ટીના દિવસે પલંગ પર પડયો હોઉ અથવા શેવિંગ કરતો હોઉં ત્યારે એની આંખોમાં હું મને મળવા આવવાની, એકાંતની ઈચ્છા જોઈ શકતો. સરલા આખો દિવસ ઘરમાં જ રહેતી, શોભાને એનાં બાળકોમાંથી સમય મળયો નહિ અને હું ઘણોખરો વખત દુકાને રહેતો. એક દિવસ સવારે એણે મને કહ્યું, ‘તમે તો બહુ મજૂરી કરો છો, મિ. મહેતા!’
‘શું થાય?’ મેં કહ્યું, ‘તકદીરમાં લખાવી છે તે…’

‘તમારા જેવું તકદીર તો…’ એ રહસ્યભર્યું હસી. ‘બહુ ઓછા માણસોનું હોય છે.’ હું પણ હસ્યો.

‘મારે એક વાર તમારી દુકાને આવવું છે.’ એણે કહ્યું.

હું સખત ગભરાયો. દુકાનની દુનિયામાં હું શોભાને ઘૂસવા દેવા માગતો ન હતો. મેં તરત કહ્યું, ‘તમારે કંઈ જોઈએ તો મને કહેજોને, હું લેતો આવીશ.’ દિવસમાં ચાર વાર તો આવ-જા કરું છું. એટલે દૂર તમે ક્યાં તકલીફ લેશો? વળી હું કદાચ બહાર ગયો હોઉં, મળું કે નયે મળું…’ શોભા મારી સામે જોઈ જ રહી.

સરલાની હાજરીમાં મેં શોભા સાથે વાતો કરવી ઓછી કરી નાખી હતી. એ પણ સમજીને સરલાની હાજરીમાં મારી સાથે વાત કરતી નહિ. સરલા સાથે એને સારો સંબંધ હતો. મારી ગેરહાજરીમાં બંને બહુ વાતો કરતાં. કોઈ વાર હું આવી જતો ત્યારે એ હસીને કહેતી, ‘ચાલો, હું જાઉં છું; હવે તમે બંને વાત કરો-‘ અને તરત ચાલી જતી.

ઘણા દિવસો થઈ ગયા હતા. શોભા એકદમ પાસે હતી અને છતાંય કેટલી દૂર હતી. મને એની સાથે દિલ ખોલીને વાત કરવાની તક મળતી ન હતી. એ હમેશાં પ્રયત્નશીલ રહેતી – મારી પાસે આવવા; પણ ઘરમાં એકાંત મળતું નહિ. સરલા હંમેશા ઘરમાં જ રહેતી. એવું ભાગ્યે જ બનતું કે સરલા બહાર ગઈ હોય અને હું ઘરમાં એકલો હોઉં.

હું ફક્ત એ દિવસની કલ્પના જ કરીને સમસમી જતો. શોભાના વિચારમાં હું એકદમ ગરમ થઈ જતો અને છેવટે નિરાશ થઈને વિચારતો કે કદાચ એવો પ્રસંગ કોઈ દિવસે નહિ આવે જ્યારે ફ્લેટના એકાંતમાં મળી શકીશું. અને જેમ જેમ નિરાશા નિરાશા થતી તેમ તેમ ઇચ્છા વધુ સતેજ બનતી. શોભા ગરમ સ્ત્રી હતી, એની આંખોમાં જવાનીનું તોફાન જરા પણ શમ્યું ન હતું અને વજનદાર શરીરમાં હજી પણ ભરતી હતી. હું એને માટે જાણે તરફડી રહ્યો હતો.

મને આડાઅવળા બહુ વિચારો આવતા. રોજ સાંજ નમતી અને રસ્તાઓ પર ઝાંખી ગેસલાઈટો ઝબકી ઊઠતી ત્યારે હું ઉદાસ તઈ જતો અને મારું અડધું માથું દુખવા આવતું. કોઈ કોઈ વાર મને ઘેર ચાલ્યા આવવાનું મન થતું અને હું દુકાનની બહાર નીકળીને એકાદ એર-કન્ડિશન્ડ હોટલમાં જઈને બેસી જતો અને કૉફી પીતો. એક દિવસ મને બેચેની લાગવા માંડી અને સાંજે જ હું ઘેર આવી ગયો. સરલા શાક લેવા ગઈ હતી. હું બારણું બંધ કરીને, કપડાં બદલીને પલંગ પર પડયો અને બહાર ડોરબેલ વાગ્યો – સરલા આવી ગઈ હતી.

મેં ઊઠીને બારણું ખોલ્યું – સામે શોભા ઊભી હતી!

‘તમે આજે બહુ વહેલા આવી ગયા?’ એણે પૂછ્યું.

‘હા, જરા તબિયત ઠીક ન હતી.’ મેં કહ્યું અને મારી તબિયતને હું એકદમ ભૂલી રહ્યો હતો!

‘સરલા હમણાં જ શાક લેવા ગઈ છે. એને હજી અરધો કલાક લાગશે આવતાં. તમને મેં આવતા જોયા એટલે થયું કે મળી લઉં… મને પણ થયું કે તબિયત ખરાબ હશે!’

‘અંદર આવો.’ મેં કહ્યું. મારા કાન ગરમ થઈ ગયા હતા. એ અંદર આવી ને બારણું બંધ કર્યું. અમે બન્ને એકબીજાને સમજી ગયાં હતાં. જાણે મારી તક અનાયાસે જ હાથમાં આવી ગઈ હતી.

અમે બન્ને વચ્ચેના મોટા ખંડમાં આવ્યાં. મારું હૃદય ધડકવા લાગ્યું. શોભા  સામે હતી અને સરલાને  આવવાને હજી અરધા કલાકની વાર હતી, અને –

‘મારે તમારી સાથે એક ખાસ-પ્રાઈવેટ વાત કરવી છે.’ એણે કહ્યું, ‘અંદર ચાલો.’ હું બોલી શક્યો. અમે બન્ને ખૂણાવાળા રૃમમાં આવી ગયાં. સાંજ હતી. અંધારું હતું. મેં બત્તી જલાવી નહિ.

‘અહીં કોઈ નથી?’ એણે દબાતા અવાજે પૂછ્યું.

‘ના. ફ્લેટમાં આપણે બે જ છીએ.’

એણે જરાક ખસીને વચ્ચેનું બારણું બંધ કરતાં કહ્યું, ‘સામેના મકાનવાળા આપણને જુએ એ મને પસંદ નથી.’

આખા રૃમમાં શૂન્યતા છવાઈ ગઈ.

એણે મને એની પાસે આવવાનો ઈશારો કર્યો. હું ખેંચાયો. મને લાગ્યું હું ધૂ્રજી ઊઠીશ.

મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડયું, ‘હું આવી છું કંઈક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે! તમને ખબર છે?’

હું ધૂ્રજી ઊઠયો.

લેખકનો પરિચય

ચંદ્રકાંત બક્ષી

જન્મ : ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨

નિધન : ૨૫ માર્ચ, ૨૦૦૬

ગુજરાતના અસંખ્ય વાચકોના લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીનો જન્મ ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨માં પાલનપુરમાં થયો હતો. કોલકાત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે બી.એ.નો અભ્યાસ કર્યો હતો. એ પછી એમ.એ. અને એલએલબીની ડિગ્રી મેળવી હતી. બક્ષીબાબુ ૭૦ના દશકામાં મુંબઈ સ્થાઈ થયા હતા. ઈતિહાસના અધ્યાપક તરીકે કારકિર્દી શરૃ કરવાની સાથે સાથે તેમનો નાતો લેખન સાથે જોડાયો હતો.

લેખનશૈલી અને  વિષય વૈવિધ્યના કારણે તેમણે ગુજરાતી લેખનમાં આગવો વાચકવર્ગ મેળવ્યો હતો. વિવિધ અખબારોમાં આવતી તેમની કોલમોએ અપાર લોકચાહના મેળવી હતી. તેમના લગભગ ૨૦૦ જેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. તેમાં ઈતિહાસ પરના પુસ્તકો : મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ વગેરેનો સમાવેશ થાય છે. ‘પડઘા ડૂબી ગયા’, ‘પેરેલિસિસ’, ‘અયનવૃત્ત’ સહિત તેમણે લગભગ ૨૬ નવલકથાઓ સર્જી હતી.

તેમના ૧૫ જેટલાં ટૂંકી વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા હતા.  ૬ રાજકીય વિશ્લેષણાત્મક પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનના પુસ્તકો પણ લોકપ્રિય નીવડયા હતા. ‘ગુજરાત સમાચાર’માં બક્ષીબાબુ ‘વાતાયન’ અને ‘સ્પિડબ્રેકર’ નામની કોલમ લખતા હતા.
સાભાર – વોટ્સએપ